zoom in zoom out toggle zoom 

< અનુક્રમ

અનુક્રમ/અખાનો ગુરુવિચાર

From Ekatra Wiki
Revision as of 21:45, 29 March 2025 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| અખાનો ગુરુવિચાર | ‘અખાના છપ્પા’ને આધારે }} {{Poem2Open}} પ્રભુ પામેવા માગ એક; સદ્‌ગુરુશરણે જ્ઞાનવિવેક — અખો અખો આપણો એક ક્રાંતિકારી કવિ છે. આમ તો આપણે ત્યાં ધાર્મિક અને સામાજિક સંશ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


અખાનો ગુરુવિચાર

‘અખાના છપ્પા’ને આધારે

પ્રભુ પામેવા માગ એક; સદ્‌ગુરુશરણે જ્ઞાનવિવેક — અખો

અખો આપણો એક ક્રાંતિકારી કવિ છે. આમ તો આપણે ત્યાં ધાર્મિક અને સામાજિક સંશુદ્ધિનું કામ સંતો કરતા જ આવ્યા છે, અને અખો એ સંતપરંપરાનો જ માણસ છે, પરંતુ ધાર્મિક અને સામાજિક સર્વ પ્રકારના વર્ચસ્વોની સામે અખો જે સજ્જતાથી અને સામર્થ્યથી લડે છે – અને તે પણ કવિતામાં – તેની જોડ મળવી બહુ મુશ્કેલ છે. અખો ઊંચનીચના ભેદભાવો પર પ્રહારો કરે છે, નકલી ગુરુઓને ઉઘાડા પાડે છે, દંભી ભક્તોની ખબર લઈ નાખે છે, પંડિત અને અભણને એક કાટલે જોખે છે, અરે! સંસ્કૃત ભાષાનુંયે વર્ચસ્‌ એ સહી શકતો નથી. આભડછેટની તો એવી ઉડાવે છે કે એના ‘ધણી’ બ્રાહ્મણવૈષ્ણવ ઊભા ને ઊભા સળગી જાય. ભૂતપ્રેતની માન્યતાને અખો હળવી બુદ્ધિયુક્ત ટકોરથી નિરવકાશ કરી દે છે, તો પૃથ્વી પર આધિપત્ય જમાવતા બાપડા ગ્રહોની તો એ દયા ખાય છે! અખાની તીક્ષ્ણ મર્મભેદક નજર જીવનના ખૂણેખૂણે પહોંચી વળે છે અને આપણા આચારવિચારોની અગ્નિપરીક્ષા કરી એમાંથી સુવર્ણ સમ જીવનરહસ્ય સારવવા મથે છે. આમાં જ એક કવિ તરીકેની અખાની ક્રાન્તિકારકતા રહેલી છે.

અખાના ક્રાન્તિકારક જીવનદર્શનનું એક પાસું છે એનો ગુરુવિચાર. આપણે ત્યાં અધ્યાત્મવિદ્યા એ ગુરુગમ્ય વિદ્યા ગણાય છે. ધર્મચર્યાનું પહેલું પગથિયું કોઈ ગુરુની કંઠી બાંધવી, કોઈની પાસેથી ગુરુમંત્ર લેવા એ ગણાય છે. અખો આ પહેલે પગથિયે જ જરા આડો ફંટાય છે. એને અધ્યાત્મસાધનાની લગની છે, પણ ગુરુ કરવાની કંઈ ઉતાવળ હોય એવું લાગતું નથી. એ તો કહે છે : “અણજાણ્યે કાં ગુરુ કરી પડે?” આનું કારણ સ્પષ્ટ છે. અખાને પોતાના સમયના ગુરુ-સમાજથી ભારે અસંતોષ છે. કહેવાતા અને ગુરુપણાનો ધંધો ચલાવતા આ ગુરુઓ સામેનું એનું તહોમતનામું બહુ મોટું છે અને ગંભીર પણ છે. અખો કહે છે કે આ ગુરુઓ પોતે હરિને જાણતા નથી અને ખાલી ગુરુનો વેષ કાઢીને બેઠા છે. ગુરુપણાનો વેપલો કરવા માટે એમની પાસે શી મૂડી છે? આધ્યાત્મિક દૃષ્ટિ તો છે નહિ, છે એકમાત્ર શાસ્ત્રની આંખ અને એના વડે આંધળામાં કાણાની જેમ આચાર્ય થઈ બેઠા છે. આનું પરિણામ શું આવે? દેહાભિમાન પાશેર હતું ને વિદ્યા ભણતાં શેર થયું હતું તે ગુરુ થયા ત્યાં તો મણમાં ગયું, જ્યારે આત્મજ્ઞાન તો મૂળગૂં ગયું. ગોરપદાની આ કમાઈ! આધ્યાત્મિક દૃષ્ટિ વગરના આ ગુરુઓ, પછી, સામસામે બેઠેલા ઘુડ જેવા લાગે તો એમાં પણ શી નવાઈ? ઘુવડને જેમ કોઈ આવીને સૂર્યની વાત કરે તો ચાંચ આગળ ધરીને એ કહે કે “અમારે હજાર વર્ષ અંધારે ગયાં, તમે આવા ડાહ્યા બાળક ક્યાંથી થયા?” તેમ આ ગુરુઓ પણ સંકુચિત દૃષ્ટિના અને મતાંધ રહે છે. એમને લગની છે ઘરેઘરે પોતાનું માહાત્મ્ય વધારવાની અને પેટ ભરવાની. એટલા માટે, લીલા વૃક્ષની ઓથે રહી પારધિ જેમ પશુને ગ્રહે છે, તેમ આ ગુરુઓ પણ હરિને નામે લોકોને ધૂતે છે અને કનકકામિનીના ઉપાય કરે છે. એટલે કે એમનામાં ઉપર ત્યાગ પણ અંદર પ્યાર હોય છે. જેને પોતાને કંઠે જ પાણો છે એ ગુરુ બીજાને શું તારી શકવાનો હતો?

વેવલાઈથી, ભક્તિની ઘેલછાથી, મૂર્ખતાથી, ઉતાવળે ગુરુ કરી પડવાની અખો ના પાડે છે એનું કારણ આ છે. આ ગુરુઓમાં બધું છે – દંભ, અજ્ઞાન, અભિમાન, સ્વાર્થ, અનાચાર... માત્ર આત્મજ્ઞાન નથી! પણ અખાનો માત્ર ગુરુઓ વિષે જ આવો અભિપ્રાય છે એવું નથી. અણજાણ્યે ગુરુ કરી પડનાર શિષ્યસમુદાય પણ કેવો હોય? એથી તો અખાને ગુરુને આંધળામાં કાણો રાવ કહેવો પડે છે અને આવા ગુરુશિષ્યના યોગને “શિષ્ય ગર્દભ ને ગુરુ કુંભાર” એવા “સુ-ભાષિત’થી વર્ણવવો પડે છે. ગુરુશિષ્યના આવા યોગથી તપ, ત્યાગ, જ્ઞાન, ધર્મની કેવીક વૃદ્ધિ થાય એ તો અખો એક ઉદાહરણ આપે છે તે પરથી સમજાઈ જાય એવું છે – “સાપને ઘેર પરોણો સાપ, મુખ ચાટી ચાલ્યો ઘેર આપ.” બન્ને પક્ષે જ્યાં દોષ હોય ત્યાં અજ્ઞાન રચે ન ટળે અને ભ્રમ ઊલટાનો વધે, ગુરુપ્રથા વ્યર્થ દેખાય, સગુરાથી નગુરો ભલો એમ કહેવા-વારો આવે એ સ્વાભાવિક છે.

પણ આ તો અખાના સમયની સામાજિક સ્થિતિનું દર્શન થયું. અખાનો તત્ત્વવિચાર ગુરુપ્રથા વિષે શું કહે છે? “સદ્‌ગુરુનું શરણ ગ્રહેવું ખપે” એમ અખો માને છે, એટલું જ નહિ પણ “સદ્‌ગુરુ વિના ગળે બાંધી શલા એમ અખા ભર્મ્યા ભલભલા” “અખા જેને સદ્‌ગુરુની દયા એ ઝીણા થઈને નીસરી ગયા” “સદ્‌ગુરુ જો ઉઘાડે બાર, તો અખા દીસે સંસાર” – એમ ગુરુનો પ્રભાવ પણ એ વરતે છે. અંતિમ પ્રાપ્તવ્ય છે ‘વસ્તુ’. એનો ભેદ – એનું રહસ્ય ત્યારે જ સમજાય જ્યારે, અખો કહે છે કે, ગુરુ ચક્ષુ આંજે. ગુરુનું માહાત્મ્ય આથી વધારે કયા શબ્દોમાં આંકી શકાય? પણ અહીં અખો વારેવારે સાવચેતીપૂર્વક ‘સદ્‌ગુરુ’ શબ્દ વાપરે છે તે ખાસ નોંધવા જેવું છે. જે માહાત્મ્ય છે તે સદ્‌ગુરુનું, વેશધારી ગુરુનું નહિ.

આ સદ્‌ગુરુને ઓળખવા કેવી રીતે? અખો કેટલીક કસોટીઓ આપે છે. પહેલું તો એ કે ગુરુ નિરભિમાન જોઈએ. જેમ તૂંબડું માંહેથી મરે ત્યારે જ તરે છે અને બીજાને તારે છે, તેમ નિરભિમાન ગુરુ જ બીજાને તારી શકે. બીજું, સાચો ગુરુ કોઈ વાડા કે સંપ્રદાયમાં બંધાતો નથી. એનો કોઈ નિશ્ચિત પંથ નથી હોતો, એ તો પંખીની પેઠે “મારગ ઉપર જાય.” ત્રીજું, ગુરુ જ્ઞાની જોઈએ, એણે પરમાર્થને પ્રીછેલો હોવો જોઈએ, જેથી “હરિ દેખાડે સભરાભર્યો.” ચોથું, – કહેવાની જરૂર ન હોવી જોઈએ છતાં અખાને પોતાના સમયની સમાજસ્થિતિ લક્ષમાં લેતાં કહેવું પડે છે –, એ “કનકકામિની નોહે આસકત.”

પણ આવા જ્ઞાની પુરુષોની એક મુશ્કેલી હોય છે – જે અખો બહુ સારી રીતે જાણે છે. શિષ્યશાખાનો ભાર એમને વ્યાધિ જેવો લાગતો હોય છે, તેથી તેઓ ગુરુપણું મનમાં ધરતા નથી, તેમ એ કોઈને શિષ્ય કરવા ઇચ્છતા નથી. હા, એ ‘સહજ સ્વભાવે’ વાત કરે છે ખરા; તરુવર ફલ આપવા ન જાય પણ જે આવીને જાચે તે ખાય, શુદ્ધ પારસને જે જે અડે તે એના સહજ ઐશ્વર્યથી કંચન થઈ નીમડે, તેમ એમના જ્ઞાનનો લાભ જે લેવા ઇચ્છે તેમને મળે છે ખરો, પણ એ જાતે કોઈનો આદર કરતા નથી. એટલે સાચા ગુરુ નથી એમ નહિ, એ જવલ્લે જ મળે છે અને ગુરુ તરીકે પણ એમને ઓળખવા પડે છે, શોધવા પડે છે. પરિણામે બને છે એવું કે સાચા ગુરુને કોઈ ભજતું નથી, અને જૂઠાથી તો નીપજે શું? સાચો, રસાયની મળે નહિ અને ધૂર્તો વિત્ત લઈને પળે એવો ઘાટ, અખો કહે છે, આ સંસારમાં જોવા મળે છે.

સદ્‌ગુરુ મળ્યાથીયે કામ સરી જતું નથી. શિષ્ય થનારમાં પણ સુપાત્રતા જોઈએ. અખાની દૃષ્ટિએ શિષ્યમાં અપેક્ષિત ગુણો ત્રણ છે – જિજ્ઞાસા, આદર અને અવધાન. ગુરુ-શિષ્યના આવા સમુચિત યોગમાંથી જ ઉત્તમ પરિણામ આવી શકે. અનુરૂપ અને દ્યોતક ઉપમાઓથી અખો ગુરુ-શિષ્ય-સંબંધનું રહસ્ય માર્મિક રીતે રજૂ કરે છે :

સદ્‌ગુરુ શિષ્યને વચન જ કહે, અને જિજ્ઞાસુ શિષ્ય તત્ક્ષણ ગ્રહે,
જ્યમ મોરપત્ની પડતું બુંદ ધરે, તેનો તદ્‌વત બર્હી થઈ પરવરે.
પડ્યું ગ્રહે તેની થાય ઢેલ, ત્યમ ગુરુ-શિષ્ય અખા આ ખેલ.

ગુરુ-શિષ્ય કેરી સાંભળ જુક્ત, સ્વાતિબિંદુ જામે જ્યમ શુક્ત,
જેને આદરે કરીને ગ્રહે તેવું મુક્તા જામી રહે.
ત્યમ આદરવંતને વચન જ ઠરે, જો અખા સદ્‌ગુરુ આદરે.

વળી ગુરુ-શિષ્યનો સાંભળ તંત, જ્યમ એકે પ્રહારે મુદ્રાજંત્ર,
તેનો કર્તાધર્તા હોય સાવધાન, તો મુદ્રા ઊઠે સમાન.
ચિત્ત ચળે જો એકે તણું, તો મિથ્યાકાર્ય હોયે અખા ઘણું.

અખાની ગુરુ-શિષ્ય-સંબંધની કલ્પના કેવી ઉચ્ચ અને ગૌરવવંતી છે! સાચી જ્ઞાનસાધનામાં આથી જરાયે ઓછું કેમ ચાલી શકે?

ગુરુ-શિષ્યના આ આદર્શ સંબંધ આગળ પણ અખાની વાત પૂરી થઈ જતી નથી. અધ્યાત્મસાધનાની પર્યાપ્તિ ગુરુ-શિષ્યયોગમાં થઈ જતી નથી. સદ્‌ગુરુ મળ્યા એટલે હવે તો એમની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવાનું અને એમાં જ સાધકની ઇતિકર્તવ્યતા આવી ગઈ એવું નથી. અંતે તો જ્ઞાન કંઈ ઉછીની લઈ શકાય એવી વસ્તુ નથી, અને ઉછીના લીધેલા જ્ઞાનથી કંઈ આત્મસિદ્ધિ થતી નથી. એ જ્ઞાનને આત્મસાત્‌ કરવું જોઈએ અને એ માટે એને આત્માનુભવની કસોટીએ ચડાવવું જોઈએ. અખાની ભાષામાં કહીએ તો, વિવેકી ગુરુએ વલોવેલું નવનીત આત્માનુભવરૂપી અગ્નિમાં તપાવવામાં આવે ત્યારે જ ઘી બને છે – અર્થાત્‌ બ્રહ્મસ્વરૂપની ભાળ મળે છે. આ આત્માનુભવ વિનાનું તો ગુરુજ્ઞાન પણ વ્યર્થ બને છે. એટલે અંતે તો આત્માનુભવ જ બ્રહ્મસાક્ષાત્કારનું અનિવાર્ય સાધન બની જાય છે. આ વાતને અખો પોતાના ગુરુવિચારમાં વિશિષ્ટ રીતે ગોઠવી દે છે. એ કહે છે કે સાચો ગુરુ તો અંતર્યામી જ છે, બીજા બધા છે બાજીગર-મહોર, સંસારીનું મન આકર્ષવા માટેના શોભાના કે કહેવાના છે. સાચી રિદ્ધિ જેમ રૂપાથી આવે તેમ આતમથી જ આતમ જડે. અખાને ખાતરી છે, “જે નરને આત્મા ગુરુ થશે, કહ્યું અખાનું તે પ્રીછશે.”

પોતાના આ સિદ્ધાન્તનું અખો પોતાના અનુભવનો હવાલો આપી. સમર્થન પણ કરે છે. એણે ગોકુલનાથને ગુરુ કરેલા, પણ એ તો ઘરડા બળદને નાથ ઘાલ્યા જેવું થયું, કારણ કે મનને મનાવીને સગુરો થયો હતો, પણ એનો વિચાર – એની સમજણ તો નગુરાના જેવી જ રહી હતી. મનની જડતા જો ન ગઈ હોય તો ગુરુ પણ શું ગતિ આપી શકવાના હતા? અંતે ‘ત્રણ મહાપુરુષ’માં ‘ચોથો આપ’ ઉમેરાયો, આત્મા ગુરુ થયો, ત્યારે જ પરાત્પર બ્રહ્મ પ્રગટ થયા. સદ્‌ગુરુ મળ્યા પછીયે ‘આપ’ વિના ચાલતું નથી.

અખાએ રજૂ કરેલો આ એક મોટો વિચાર છે અને એના પર એના પુરોગામી કવિ માંડણનું ઋણ છે એ શ્રી ઉમાશંકરે બતાવ્યું છે.૧ માંડણ પણ કહે છે : “આપણપૂં આપઈ ઉદ્ધરુ.” પણ માંડણ કદાચ આત્માનુભવ પર અખાના જેટલો ભાર મૂકતો નથી. “તુહને ગુરુ મિલ્યુ ન કોઈ, તુ આપિ આલોચિ જોઈ” એમ કહી એ જાણે આત્માનુભવની અનિવાર્યતાને ઓછી કરી નાખે છે. અખાને મતે, ગુરુ ન મળે તો આત્માને ગુરુ કરવો એમ નહિ, ગુરુ મળે તોયે આત્માને ગુરુ કર્યા વિના ચાલે એમ નથી. અખાના આ આગ્રહમાં જ એના વિચારનું મૂલ્ય રહેલું છે

અખાની વિચારણા અંતે ગુરુ, ગોવિંદ અને આત્માનું એકત્વ સાધે છે. ગોવિંદ અને ગોવિંદનું દર્શન કરાવનાર ગુરુ એમ જો બે વિશ્વનિયંતા, સ્વીકારીએ તો “અખંડ બ્રહ્મની ખંડણા થાય.” તેથી ગોવિંદને જ ગુરુ ગણવા જોઈએ. હવે, ગોવિંદ અને આત્માનું અદ્વૈત તો અખાની ફિલસૂફીનો પાયો છે તથા આત્માને તો એણે ગુરુપદે સ્થાપેલો જ છે. તો પછી ગુરુ, ગોવિંદ અને આત્માનું અભિન્નત્વ સ્વીકારવું રહ્યું. આ અભિન્નત્વને અનુસરી, જેના પગ પૂજવા પડે એવા કોઈ ગુરુ ધારવાને બદલે અખો માર્મિક રીતે કહે છે :

નિઃપગલાંને શરણે જા.

કારણ કે

વણચરણાંનો દીઠો હરિ.

[પ્રદીપ, સર એલ. એ. શાહ લૉ કૉલેજ મેગેઝિન, ૧૯૬૪]