અનુક્રમ/મધ્યકાલીન સાહિત્યકૃતિનું શિક્ષણ
‘મધ્યકાલીન સાહિત્યકૃતિના શિક્ષણ પાછળની દૃષ્ટિ’ એ આપણી ચર્ચાનો વિષય છે. આ વિષયમાં આવો પ્રશ્ન રહેલો હું સમજું છું : મધ્યકાલીન સાહિત્યકૃતિનું શિક્ષણ કે અધ્યાપન – અને અધ્યયન પણ – કઈ દૃષ્ટિથી થવું જોઈએ?
આનો સીધો સરળ, પહેલો જવાબ એ જ હોઈ શકે કે સાહિત્યની દૃષ્ટિથી. જેમ બીજી સાહિત્યકૃતિઓનું શિક્ષણ પ્રધાનતયા સાહિત્યની દૃષ્ટિથી થવું જોઈએ તેમ. આપણે સાહિત્ય (અને નહિ કે ઇતિહાસ, રાજ્યશાસ્ત્ર, સમાજશાસ્ત્ર) ભણાવવા બેઠા છીએ માટે.
પણ આપણે આવો પ્રશ્ન ઊભો કરીએ છીએ તેથી વહેમ જાય છે કે આપણા મનમાં આ વિષયમાં કંઈક અવઢવ છે, કંઈક ગૂંચ છે. મધ્યકાલીન સાહિત્યકૃતિનું શિક્ષણ સાહિત્યદૃષ્ટિએ કરવામાં આપણી દૃષ્ટિએ કંઈક મુશ્કેલી હોય, એમાં સાહિત્યિક અભ્યાસની પૂરતી સામગ્રી હોવા વિષે આપણા મનમાં કંઈક સંશય હોય એવું ભાસે છે.
કોઈકને તો અહીં પાયાની મુશ્કેલી પણ દેખાય : મધ્યકાલીન કૃતિઓમાં જેને ખરેખર સાહિત્યિક કહી શકાય એવાં તત્ત્વો છે ખરાં? કાન્તને તો એક વખતે સઘળું મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય તુચ્છ લાગેલું અને પ્રેમાનંદ માત્ર પદ્યજોડુ જ લાગેલો. (જોકે એમનો આ અભિપ્રાય – ખાસ કરીને પ્રેમાનંદ વિષેનો – પાછળથી કંઈક બદલાયેલો જણાય છે.) કોઈપણ મધ્યકાલીન કૃતિને સાહિત્યનાં આજનાં ધોરણોએ મૂલવવા જતાં ઘણી અગવડ પડવાની એમાં શંકા નથી; અને તેથી મધ્યકાળના લખનારાઓ કંઈ કવિઓ નહોતા, ભગતો હતા એમ કહી છટકી જવાનું પણ સલામતીભર્યું લાગવાનું.
દાખલા તરીકે આપણે ઘણી વાર મધ્યકાલીન આખ્યાનને આજની નવલકથાનાં ધોરણોથી તપાસવાનો પ્રયત્ન કરીએ છીએ અને એમાં આપણને કેટલીક મુશ્કેલીઓ દેખાય છે. એમાં સુશ્લિષ્ટ વસ્તુસંકલના નથી લાગતી, એમાં સુસંગત ચરિત્રાલેખન નથી દેખાતું. એની ભાવ-સૃષ્ટિ પ્રાકૃત લાગે છે. આ ઉપરાંત એમાં ઘણુંબધું પરંપરાગત પણ દેખાય છે, ઘણુંબધું સાહિત્યેતર – માહિતીદર્શક કે બોધાત્મક જણાય છે. પ્રેમાનંદ સુધ્ધાં બહુ ઓછે ઠેકાણે પૂરેપૂરો સંતર્પક લાગે છે.
મધ્યકાળની પદકવિતાને પણ અર્વાચીન ઊર્મિકાવ્યનાં ધોરણોએ તપાસી જુઓ. નરસિંહનાં કેટલાં પદોને સમગ્રપણે ઊર્મિના શુદ્ધ ઉદ્ગાર તરીકે આપણે સ્વીકારી શકીશું? અખાની કોઈપણ કૃતિને – ‘અખેગીતા’ સુધ્ધાંને – સ્વયંસંપૂર્ણ કાવ્યકૃતિ તરીકે ઓળખાવવાનું ઘણાને ઉચિત નહિ લાગે.
આમ હોય તો પછી મધ્યકાલીન કૃતિને સાહિત્યદૃષ્ટિએ કેવી રીતે અવલોકી શકાય? ભણાવી શકાય?
એમ લાગે છે કે સાહિત્યપ્રકારોનાં આધુનિક ધોરણો અને સાહિત્યકૃતિની કલાત્મક આકૃતિ વિષેના કેટલાક આધુનિક વિશિષ્ટ ખ્યાલોથી મધ્યકાલીન સાહિત્યને માપવા જતાં એની ઘણી મર્યાદાઓ દેખાય કે એ તુચ્છ લાગે એવો સંભવ છે, પરંતુ મધ્યકાલીન કૃતિઓમાં સાહિત્યિક અંશો જ નથી એમ કહી શકાશે નહિ. આજનાં વિશિષ્ટ ધોરણો અને ખ્યાલોને જરા બાજુ પર મૂકી કેટલાંક મૂળભૂત સાહિત્યતત્ત્વોની દૃષ્ટિએ મધ્યકાલીન કૃતિઓને તપાસવાનો ઉદ્યમ કરીશું તો એ ફળદાયી નીવડ્યા વિના રહે તેવું નથી.
મૂળભૂત સાહિત્યતત્ત્વોની સિદ્ધિ કોઈ ને કોઈ સ્થાને અત્યંત લાક્ષણિક અને નોંધપાત્ર પણ લાગવાની, દાખલા તરીકે, ‘પૃથ્વીચંદ્રચરિત્ર’ના ગદ્યલયને એક આસ્વાદ્ય સાહિત્યિક તત્ત્વ તરીકે આગળ ધરી શકાય; વિશ્વનાથ જાનીની ‘પ્રેમપચીશી’માં પદબંધની અનેકવિધ છટાઓ અને વિવિધ ધ્રુવાઓ ભાવની ગતિ અને ભાવના ઘનીકરણમાં જે ભાગ ભજવે છે એ બતાવી શકાય; મીરાંની કવિતાને એમાંની ભાવચિત્રો – કલ્પનોની સમૃદ્ધિની દૃષ્ટિએ તપાસી શકાય અને પ્રેમાનંદના કથાકૌશલના સંદર્ભમાં ironyનો એના એક વિશિષ્ટ ઉન્મેષ તરીકે વિચાર કરી શકાય; ‘વસંતવિલાસ’ના પદવિન્યાસના વૈચિત્ર્યને જ એક સૌન્દર્યતત્ત્વ તરીકે સ્થાપી શકાય અને દયારામ colloquial idiom પાસેથી જે કામ લે છે તેનો અભ્યાસ કરી શકાય. મધ્યકાળના કેટલાક કવિઓની કેટલીક સાહિત્યિક સિદ્ધિઓ વિષે આપણે ત્યાં અભ્યાસો થયા છે એટલે એ જાણીતી વાતોનો હું અહીં ઉલ્લેખ કરતો નથી પણ મધ્યકાલીન સાહિત્યને સાહિત્યદૃષ્ટિએ તપાસવાની કેટલી શક્યતાઓ વણનાણી રહી છે તેનો નિર્દેશ માત્ર કરવા માગું છું. મધ્યકાલીન સાહિત્યકૃતિનું શિક્ષણ સાહિત્યના શિક્ષણ તરીકે તો જ અન્વર્થક નીવડે, જો આપણે એને આવા કોઈ સાહિત્યિક પરિપ્રેક્ષ્યમાં મૂકી આપીએ. આ કામ કરવા જેવું છે અને એની ઠીકઠીક સામગ્રી મધ્યકાલીન સાહિત્યમાંથી મળી શકે તેમ. છે એમ મારે કહેવું જોઈએ. આમ થાય તો જ મધ્યકાલીન સાહિત્યનું શિક્ષણ જીવંત બની શકે.
મધ્યકાલીન સાહિત્યકૃતિને આજના પ્રકારલક્ષી ધોરણોથી મૂલવવી. નહિ જોઈએ એમ આપણે કહ્યું તે અભાવાત્મક અભિગમ થયો. એ પૂરતો નથી, એક પ્રકારનો ભાવાત્મક અભિગમ પણ જરૂરી છે. મધ્યકાળની સાહિત્યકૃતિને એની પોતાની પણ સાહિત્યજાતિ તો હોવાની. એ દૃષ્ટિએ એનો અભ્યાસ કરવાનું કદાચ વધારે ઉપકારક બને; જેમ કે, આખ્યાન એ માત્ર કથામૂલક સાહિત્યપ્રકાર નથી, એક વિશિષ્ટ સાહિત્યજાતિ છે. એનાં પ્રયોજન અને પ્રભાવ બીજા કથામૂલક સાહિત્યપ્રકારોથી જુદાં પણ હોય, જેમ બાણની ગદ્યકથાનાં પ્રયોજન અને પ્રભાવ આજની કોઈપણ નવલકથા કરતાં જુદાં જ છે તેમ. આધુનિક નવલકથામાં પણ આવા ભેદો તો નજરે પડવાના અને એક ભેદને બીજા ભેદનાં ધોરણોથી માપવા જતાં કઢંગાપણું લાગવાનું – જેમ કે, ડિકન્સની નવલકથાને ચેતનાપ્રવાહની નવલકથાનાં ધોરણોએ માપવા જઈએ તો? કોઈપણ કૃતિની સંઘટના આદિનો વિચાર એની વિશિષ્ટ સાહિત્યજાતિને ધોરણે જ અથવા એના પ્રયોજન અને એણે નિષ્પન્ન કરવા ધારેલા પ્રભાવને અનુલક્ષીને જ કરવો જોઈએ. તો જ આપણું નિરીક્ષણ યથાર્થ બને. આ દૃષ્ટિએ વિચારીએ ત્યારે આખ્યાનમાં તેમ જ શામળ જેવાની પદ્યકથાઓમાં આજની નવલકથામાં અપેક્ષિત સુશ્લિષ્ટતાનો આગ્રહ અપ્રસ્તુત લાગે છે, અને સુસંગત ચરિત્રનિર્માણનો ખ્યાલ પણ કંઈક બહારનો લાગે છે. ચરિત્ર હોય છે તે ઘણું આછું હોય છે અથવા તો પ્રાથમિક હોય છે અને આપણો રસ કોઈ વિશિષ્ટ ચરિત્રનિર્માણના આકલનમાંથી નીપજવાને બદલે ભાવબિંદુઓની ખિલવણી કે એવાં બીજાં તત્ત્વોના આકલનમાંથી જન્મતો હોય છે – જેમ બાણની ગદ્યકથાનો રસ પણ એમાંનાં ચરિત્રો કરતાં વિશેષ તો એનાં સમૃદ્ધ ઇન્દ્રિયરાગી વર્ણનો અને ગદ્યછટામાં રહેલો છે. આખ્યાન જેવી સાહિત્યજાતિનાં ઘટક તત્ત્વો છે – કથા, વર્ણન, ભાવનિરૂપણ, ગાન વગેરે. આ બધાના સમવાયરૂપે આપણે એને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ અને તો જ આપણે એને ન્યાય કરી શકીએ અને એનો ખરો આસ્વાદ લઈ શકીએ.
પણ સાહિત્યજાતિને, એનાં અલગ પ્રયોજન – પ્રભાવને ઓળખવા માટે આપણે સાહિત્યેતર દૃષ્ટિ પણ ધારણ કરવી પડે. એટલે કે જે સામાજિક માળખામાં, જે સામાજિક જરૂરિયાતોથી એ સાહિત્યજાતિ વિકસી છે એનો પણ ખ્યાલ મેળવવો પડે. આનાથી ઘણી વસ્તુઓના ખુલાસા થઈ જાય છે. મધ્યકાળનું સમાજજીવન જાણવાથી, જંગલખાતાની ટીપ જેવાં વર્ણનો, ભાવોનું પ્રાકૃતીકરણ, માહિતીદર્શક કે બોધાત્મક અંશો આસ્વાદ્ય કે કલાત્મક છે એવું સિદ્ધ નથી થતું પણ એ શા માટે આવે છે તે સમજી શકાય છે. એટલું જ નહિ, કેટલીક વાર આપણા પૂર્વગ્રહોને ગાળી આપણને સાહિત્યકૃતિને અભિમુખ કરવામાં પણ આ જ્ઞાન ભાગ ભજવે. પ્રેમાનંદનો આસ્વાદ લેવા માટે આપણે કંઈક અંશે પ્રેમાનંદના જીવનસંદર્ભમાં પણ મુકાવું જોઈએ. કેવળ સાહિત્યદૃષ્ટિ પર્યાપ્ત થશે નહિ.
છેલ્લે, મધ્યકાળની સાહિત્યકૃતિઓ જ બહુધા એ સમયના સાંસ્કૃતિક ઇતિહાસની સામગ્રી છે. એટલે સંસ્કૃતિ અને સાહિત્યને આપણે એકબીજાને સહારે સમજવાનાં રહે છે. એટલું જ નહિ, કેટલીક સાહિત્યકૃતિ સાંસ્કૃતિક અભ્યાસની દૃષ્ટિએ વધારે મહત્ત્વની હોય એવું પણ બને. તો એવી કૃતિઓનો એવી રીતે અભ્યાસ કરવો આવશ્યક પણ બની જાય. મધ્યકાળની કેટલીક કૃતિઓ માત્ર ભાષાવિકાસની દૃષ્ટિએ જ મહત્ત્વની હોય એવું નથી બનતું? આવી કૃતિઓના અભ્યાસના મુદ્દાઓ – ખાસ કરીને એને પાઠ્યપુસ્તક તરીકે નિયત કરવામાં આવે ત્યારે – પહેલેથી નિશ્ચિત કરી દેવા જોઈએ, જેથી સાહિત્યિક ધોરણો કઢંગી રીતે લાગુ પાડવાના શ્રમમાંથી બચી શકાય. સામાન્ય રીતે પણ સાંસ્કૃતિક સામગ્રીની દૃષ્ટિએ કોઈપણ મધ્યકાલીન કૃતિને જોઈ શકાય, પરંતુ સાહિત્યિક અને સાંસ્કૃતિક મૂલ્યની સેળભેળ ન થઈ જાય તે જોવું જોઈએ અને સાહિત્યના અભ્યાસનું સ્થાન સાંસ્કૃતિક અભ્યાસ ન લઈ લે તેનું પણ ધ્યાન રાખવું જોઈએ.
તા. ૩-૪-૧૯૬૯
[ગુજરાતીના અધ્યાપકોના સંમેલનમાં, વિસનગર ખાતે તા. ૧-૧-૬૯ના રોજ થયેલું વક્તવ્ય;
[થોડા વિસ્તરણ સાથે સંસ્કૃતિ, જુલાઈ ૧૯૬૯]