અનુક્રમ/આખ્યાન
કહેવા સાંભળવાની કથા
મંદિરના પટાંગણમાં કે ગામના ચૌટામાં કોઈ કથાકારને તમે ‘રામાયણ’, ‘મહાભારત’, કે ‘ભાગવત’ની કથા કરતા સાંભળ્યા છે? નહિ? તમને એમાં ખાસ રસ પડતો નથી, ખરુંને? કંઈ નહિ. તો કહો કે છેલ્લું નાટક તમે કયું જોયું? નાટક પણ તમે કોઈક વખત જ જુઓ છો, એમ? પણ ફિલ્મ અને નવલકથાના તો તમે રસિયા છો એ હું જાણું છું. અઠવાડિયે એક ફિલ્મ તો ખરી જ. અને નવલકથા પણ તમે રોજેરોજ ગ્રંથાલયમાંથી નવીનવી શોધતા નથી ફરતા?
કથાકારની કથા, નાટક, ફિલ્મ, નવલકથા – બધામાં ‘કથા’ તો હોય જ છે. છતાં બધાંમાં તમને એકસરખી રીતે રસ પડતો નથી, એનું કારણ શું? નવલકથા તો ઘેર બેઠાં ફુરસદે ગમે ત્યારે વાંચી શકાય છે. અને કંટાળો ચડે તો પાનાં પણ ફેરવી શકાય છે એ એની સગવડ છે. છતાં તમો ઇચ્છો ત્યારે ઘરમાં ફિલ્મ જોવા મળતી હોત – નવલકથા માટે જેમ પુસ્તકાલય હોય છે તેમ ઘેર લઈ જવા માટે ફિલ્મ આપનાર ફિલ્માલય હોત – તો તમે નવલકથા વાંચવાને બદલે ફિલ્મ જોવાનું પસંદ કરત, નહિ? ફિલ્મ તમારી નજર સામે કેવી પ્રત્યક્ષ સૃષ્ટિ રજૂ કરે છે? ઊંચાનીચા પ્રદેશો પરથી સડસડાટ વહી જતી ટ્રેન, વરસાદ, વાવાઝોડું અને હરતાંફરતાં માનવીઓ! નવલકથામાં તો આ બધું તમારે કલ્પવાનું રહે. નાટક કરતાં પણ ફિલ્મમાં વધારે રસ પડે, કેમ કે નાટક આટલાં બધાં દૃશ્યો અને આટલી આબેહૂબ રીતે બતાવી ન શકે : ફિલ્મ તો ઝીણી વસ્તુને મોટી કરી તમને બતાવી શકે. ધીમેધીમે ઊંચકાતી પાંપણો અને એ દ્વારા વ્યક્ત થતો મનનો ભાવ ફિલ્મ તમને બતાવી શકે, નાટક થોડું જ બતાવી શકે? કથાકારની કથામાં તો આવું કશું નહિ. કંઈ જોવાનું તો નહિ જ. મહારાજ થોડા હાવભાવ સાથે કથા કરે એટલું જ, અને એમાં થોડું સંગીત આવે. કંટાળો ચડે તો નવલકથાની પાનાં ફેરવવાની સગવડ પણ એમાં નહિ. છતાં કથાકારની કથા સાંભળવા માણસો ભેગાં મળે છે. સારો કથાકાર શ્રોતાઓને કથામાં તલ્લીન બનાવી દે છે એ તો તમે જાણો છોને? આવી કથાનો પણ એક આગવો આનંદ હોય છે.
આજનાં જેવાં છાપેલાં પુસ્તકો ઓગણીસમી સદી પહેલાં નહોતાં. એ તમે જાણતા હશો. આપણે ત્યાં છાપખાનાનો વિકાસ અંગ્રેજોના આગમન પછી જ થયો છે. એટલે પછી ત્યાં સુધી વાંચવાની નવલકથા તો શાની હોય? આમેય આજના જેવી નિશાળો પણ ઓગણીસમી સદી પહેલાં નહોતી. વાણિયા-બ્રાહ્મણના દીકરાઓ કાગળપત્તર લખવા જેટલું ભાષાજ્ઞાન અને થોડું વ્યાવહારિક ગણિતજ્ઞાન મેળવી લેતા. નાટક પણ એ વખતના ગુજરાતી સમાજમાં હતું નહિ, સિવાય કે ભવૈયાઓ પાદશાહનો ને વણઝારાનો ને એવા વેષ ખુલ્લા ચોગાનમાં ભજવતા. સિનેમા તો એ સમયમાં હોય જ ક્યાંથી? નાટક-સિનેમા-નવલકથા વિનાના એ જમાનામાં લોકોનું જીવન કેવું શુષ્ક, રસહીન, ઘરેડિયું હશે એવો તમને વિચાર આવે; પણ ના, દરેક સમાજને આનંદ મેળવવાનાં પોતાનાં આગવાં સાધનો હોય છે. એ સમયના લોકોને વાર્તાનો આનંદ આપનાર સાધન હતું કથાકારની કથા. એક કથા કરે અને બીજા સાંભળે. જૈન મુનિઓ પોતાના ધર્મપુરુષોની કથાઓ સરસ ગુજરાતી ગેયકાવ્યો રચીને કરતા, અને શામળ જેવા વાર્તાકારો પ્રેમ, પરાક્રમ અને સાહસથી ભરેલી અદ્ભુતરસિક રોમાંચક વાર્તાઓ ચલાવતા. કેટલાક શાસ્ત્રીપુરાણીઓ મૂળ સંસ્કૃત ‘મહાભારત’ – ‘રામાયણ’ આદિમાંથી વાંચતા અને સમજાવતા, તો પ્રેમાનંદ જેવા કેટલાક કવિઓ પણ હતા કે જેઓ મૂળ સંસ્કૃત પુરાણોમાંથી કથા-સામગ્રી લઈ સરસ ગેય ઢાળોમાં પોતાની રીતે ગુજરાતીમાં એને ઉતારતા અને એનું ગાન કરતા. આ છેલ્લા પ્રકારની રચનાઓ આખ્યાન તરીકે ઓળખાવવામાં આવતી.
એક કહેને અનેક સાંભળે એ આખ્યાનની કથન-પદ્ધતિ. આખા દિવસના કામકાજથી પરવારી સાંજ પડ્યે લોકો ચૌટામાં ભેગા થાય. વચ્ચે બેસે પેલો કથાકાર. એની બાજુમાં પડી હોય એક ત્રાંબાની ગાગર, જે ‘માણ’ કહેવાતી. આંગળીમાં પહેરેલી વીંટીથી એ એના પર ટકોરા મારતો જાય, ભિન્નભિન્ન ગેય ઢાળો – જે ‘દેશી’ઓ તરીકે ઓળખાય છે તે – માં કથાગાન કરતો જાય. હાથના લટકા અને મોંના વિકારો પણ કરે. પોતે પાત્ર, પ્રસંગ, પરિસ્થિતિ સાથે તદ્રૂપ થતો જાય અને શ્રોતાઓને પણ કરતો જાય. કથા, સંગીત, અભિનય એ બધાના સંયોજનથી એક આહ્લાદક સૃષ્ટિ ઊભી થાય. પણ સિનેમાની જેમ આ કથા કંઈ એક દિવસમાં બે-અઢી કલાકમાં પૂરી ન થાય. કથા કહેનાર માણભટ્ટનો તો આ ધંધો. એક નાનકડા ગામમાં શ્રોતાઓ તો રોજ એના એ જ આવવાના. એક દિવસમાં કથા પૂરી થઈ જાય તો એનો ધંધો કેમ ચાલે? દિવસોના દિવસો સુધી આખ્યાન ચાલે. રોજેરોજ કથાને થોડીથોડી આગળ વધારતો માણભટ્ટ પંદર દિવસે – મહિને એને પૂરી કરે અને પછી બીજી ઉપાડે. ફિલ્મ જેવી વાસ્તવિક સમૃદ્ધ દૃશ્યસૃષ્ટિ અહીં નથી હોતી, છતાં સારો માણભટ્ટ તમારાં કલ્પનાચક્ષુ સમક્ષ એક સજીવ સૃષ્ટિ ઊભી કરી દે, અને આખ્યાનની પણ એક આગવી મજા છે એનો તમને અનુભવ કરાવે.
આખ્યાન કહેવા-સાંભળવાનો કથાપ્રકાર. આખ્યાન સાંભળવું અને આખ્યાન વાંચવું એ જુદી વસ્તુ છે. નાટક જોવું અને નાટક વાંચવું એ બે જુદી વસ્તુ નથી? વાંચતી વખતે આખ્યાનમાં જે કંઈ ફિક્કું લાગે તે માણભટ્ટને મુખેથી કહેવાતા આખ્યાનમાં ગાનની છટાને કારણે મનોરંજક બની જાય. આખ્યાન સાંભળવાનું હોય કકડેકકડે અને આપણે વાંચીએ સળંગ. આથી સાંભળતી વખતે ધ્યાનમાં ન આવે એવા નાનામોટા અનેક દોષો વાંચતી વખતે દેખાઈ આવે. આખ્યાનકાર તો દરેક પ્રસંગને સ્વતંત્ર રૂપે જુએ એ કેમ આસ્વાદ્ય બને એનો વિચાર કરે. પ્રસંગપ્રસંગ વચ્ચેના સંબંધની બહુ કાળજી ન રાખે. હંસે દમયંતીને દેવોનાં લક્ષણ કહ્યાં હોય છતાં સ્વયંવર વખતે દમયંતી પોતાના પિતાને પૂછે એવું એમાં બને. હંસ દમયંતી સાથે પોતાની મુલાકાત નળ પાસે વર્ણવે ત્યારે બન્યું હતું એથી કંઈક જુદું જ એમાં આવી જાય. પાત્રોનાં વિચાર-વર્તનમાં પણ અસંગતિ, પ્રવેશી જાય. રાવણ ઘડીક એવું કહે કે, સીતા મને માતારૂપે દેખાય છે તેથી હું એના પર બળાત્કાર કરી શકતો નથી, તો ઘડીક એવું પણ કહે કે, સીતાનું હરણ તો મેં માત્ર રામને હાથે મૃત્યુ પામવા કર્યું છે? જે જાતનું પાત્રનું આલેખન જે વખતે ચમત્કારિક લાગે એ વખતે એવું આલેખન કરવા તરફ આખ્યાનકાર દૃષ્ટિ રાખે. ગાન અને અભિનયથી કથા કકડેકકડે રજૂ થતી હોય ત્યારે આ બધું નજરે ન ચડે; આજે વાંચતી વખતે આપણને કદાચ ખૂંચે. આખ્યાનનું મૂલ્યાંકન કરતી વખતે એ ખ્યાલમાં રાખવું જોઈએ કે એ કથાપ્રકાર વાંચવા માટે નિર્માયો નહોતો. માણના ટકોરા અને માણભટ્ટનાં ગાન-અભિનય વિના આખ્યાન અધૂરું છે અને, આખ્યાનનો સાચો પૂરો આસ્વાદ છાપેલી ચોપડીમાંથી ન થઈ શકે, ગામના ચૌટામાં માણભટ્ટના કંઠેથી એને રેલાતું સાંભળવાથી થઈ શકે.
આખ્યાન કકડેકકડે રજૂ થતું અને એમાં ભિન્નભિન્ન રાગો પ્રયોજાતા. તેથી એની રચના અનેક ખંડો રૂપે થાય એ સ્વાભાવિક હતું. આખ્યાનમાં કોઈ એક પ્રસંગને વર્ણવતા કોઈ એક દેશીબદ્ધ ભાગને ‘કડવું’ કહેવામાં આવતું. દરેક કડવાના આરંભમાં બે પંક્તિ વાતની માંડણી કરવા માટે યોજાતી. એને ‘મુખબંધ’ કે ‘મોઢિયું’ કહેવામાં આવતું. એ બે પંક્તિઓ ધ્રુવાની પંક્તિઓ તરીકે પણ ઓળખાતી. પછી કડવાનો ‘ઢાળ’ આવતો જેમાં પ્રસંગનું વર્ણન ચાલતું. અંતે ભિન્ન દેશીમાં પાછી બે પંક્તિ આવતી જેમાં પ્રસંગનું સમાપન અને નવા પ્રસંગનું સૂચન થતું. આ પંક્તિઓને ‘વલણ’ કે ‘ઊથલો’ કહેવામાં આવતો. કડવાનો આ ઘાટ પ્રસંગોને વાંક-વળાંકથી રજૂ કરવામાં ખૂબ કામયાબ નીવડે છે.
જૂના સંસ્કાર : નવો રસ
જૂના સમયમાં આખ્યાન, કદાચ, સૌથી વધુ લોકપ્રિય કથાપ્રકાર હતો. જન કવિઓની કથાઓ – જે ‘રાસાઓ’ તરીકે ઓળખાતી – સાંપ્રદાયિક રંગવાળી હતી અને સંપ્રદાય બહાર એ ઝિલાય એવો સંભવ નહોતો. શામળ ભટ્ટ જેવાની લોકવાર્તાઓની સૃષ્ટિ કૌતુકમય છતાં અવાસ્તવિક હતી. એમાં જિવાતા જીવનના ધબકાર નહોતા. પુરાણીઓની કથાઓમાંનું ભવ્ય પૌરાણિક જીવન આદરપ્રેરક અને પ્રભાવક હોવા છતાં ‘પોતીકું’ લાગતું નહોતું. ગુજરાતી આખ્યાનકારો પોતાની કથાની સામગ્રી પુરાણોમાંથી લે છે પરંતુ એમાં સમકાલીન લોકજીવનના રંગ ભરે છે. પાત્રોનાં પહેરવેશ, રહેણી-કરણી, સમાજની વ્યવસ્થા, વિધિનિષેધો, રીતરિવાજો વગેરેમાં ‘રામાયણ’-‘મહાભારત’ના કાળનું જીવન નહિ પણ સમકાલીન ગુજરાતનું જીવન ડોકાયાં કરે છે. પુરાણોનાં પાત્રો તો એક શિષ્ટ સંસ્કૃત સમાજની, અમુક પ્રકારનું ગૌરવ ધરાવતી અને એ પ્રમાણે આચાર-વિચાર કરતી વ્યક્તિઓ છે. ગુજરાતી આખ્યાનમાં એ પાત્રો એ સમયના ગુજરાતનાં સામાન્ય નરનારીઓનાં જેવાં વિચાર-વર્તન કરતાં અને એમના જેવા ભાવો અનુભવતાં બની જાય છે. ‘મહાભારત’નો ઋતુપર્ણ રાજા ગુજરાતના એક સામાન્ય ઠાકોરના જેવું વર્તન કરે અને રામ, રાવણ, નળ, દમયંતી, ભીમ, નંદ, યશોદા સામાન્ય માણસોના જેવાં નિરાશા, ભય, વહેમ, દૈન્ય, તૃષ્ણા, તિરસ્કાર, ભોળપણ અને હર્ષશોક અનુભવે. આખ્યાનમાં આ કારણે જે વાસ્તવિક જીવંતતા આવે છે તે એ વખતના બીજા કોઈ કથાપ્રકારમાં નહોતી અને આખ્યાનમાં ઝિલાતો માનવ-જીવનનો આ ધબકાર લોકહૈયાને વશ કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. હા, મૂળ પૌરાણિક વસ્તુ અહીં બદલાઈ જાય છે, કંઈક છોડી દેવાય છે, ઘણું ઉમેરાય છે, અને વિસ્તારાય છે, તથા કંઈક નવા જ રસનું નિર્માણ થાય છે.
લોકવાર્તાનો શ્રોતાવર્ગ રોજિંદા જીવનવ્યવહારથી થાકેલાં-કંટાળેલાં કૌતુકરસિક લોકોનો બનેલો હશે, પણ આખ્યાન તો પંડિત તેમજ અભણ, શિષ્ટ તેમજ ગ્રામીણ – સૌને સંતોષ આપે છે. લોકવાર્તામાંથી મળતો હતો મુખ્યત્વે કૌતુકરસ; આખ્યાન કૌટુંબિક-સામાજિક ભાવોની એક રમ્ય સૃષ્ટિ ઊભી કરે છે અને ઉપરાંત કોઈ વખતે સરસ કવિતા પણ આપે છે. આખ્યાનકારો પોતાની કથાસામગ્રી જેમાંથી લે છે એ ‘રામાયણ’-‘મહાભારત’ વગેરે પુરાણો અને બીજી સંસ્કૃત સાહિત્યકૃતિઓમાં નગરો, વ્યક્તિઓ, સભાઓ તથા પ્રકૃતિ-તત્ત્વોનાં સુંદર વર્ણનો હોય છે. આખ્યાનકારો યથાશક્તિ એનું અનુકરણ કર્યા વિના કેમ રહે? પ્રેમાનંદ જેવો આખ્યાનકાર પોતાની સુંદર શબ્દકલાથી દેહ, વેષ, હાવભાવ, સ્થળો, ૫દાર્થો, ઋતુઓ આદિનાં વર્ણનો કરે છે અને કવિતારસ પૂરો પાડે છે. ગાન, અભિનય, કથારસ, સમકાલીન સામાજિક પરિવેશ, માનવ-લાગણીઓના ધબકાર અને કવિતા – આ બધાંથી સમૃદ્ધ આખ્યાન સૌને આકર્ષ્યા વિના કેમ રહે? અને એવું આખ્યાન એ સમયના લોકોને આજની નવલકથા કે નાટકથી ઓછો આનંદ આપતું હશે એમ કેમ માની શકાય?
પણ આખ્યાને માત્ર આનંદ આપવાનો નહોતો. એક બીજી સેવા પણ એણે કરવાની હતી. ગુજરાતી ભાષાના આ જૂના કાળમાં આજના જેવી શાળાઓ, મહાશાળાઓ ન હતી. આજની જેમ રોજેરોજ જાતજાતનાં ને ભાતભાતનાં પુસ્તકો પ્રગટ થતાં ન હતાં, સવારમાં વર્તમાનપત્ર ઘરે આવીને પડતું ન હતું, રેડિયો સૂર રેલાવતો ન હતો, ચર્ચાસભાઓ અને વ્યાખ્યાનો ગોઠવાતાં ન હતાં. બૌદ્ધિક અને સાંસ્કારિક કેળવણીનાં આ બધાં સાધનો ઉપલભ્ય ન હતાં. પ્રજા પણ બહુધા નિરક્ષર જેવી હતી. છતાં પ્રજા સંસ્કારહીન જંગલી દશામાં જીવતી ન હતી. પ્રજાને જીવન સારી રીતે જીવવા માટે વિચારો અને ભાવનાઓનું પાથેય કોણે પૂરું પાડ્યું? એ વખતના કથાકારોએસ્તો. શામળ પોતાની વાર્તાઓમાં વ્યવહાર-ડહાપણનાં સૂત્રો આપતો અને બુદ્ધિચાતુર્યની તથા ગણિતની સમસ્યાઓ મૂકતો. જૈન મુનિઓ પોતાનાં કથાકાવ્યોમાં પોતાના સંપ્રદાયના સિદ્ધાંતો ગૂંથી લેતા. પણ એ વખતની પ્રજાની સૌથી વધારે સાંસ્કારિક સેવા કોઈએ કરી હોય તો તે આખ્યાનકારોએ. મુસ્લિમ રાજ્યસત્તાને કારણે હિંદુ ધર્મ અને સંસ્કૃતિ પર ભારે આપત્તિ આવી પડી હતી. પ્રજાને એના ધર્મ અને સંસ્કૃતિના સતત સંપર્કમાં રાખવાનું કામ આખ્યાનકારોએ કર્યું. રામ અને સીતા, નળ અને દમયંતી, નરસિંહ અને સુદામા, ચંદ્રહાસ અને સુધન્વા – આ બધાંના આદર્શો એમણે પ્રજાની સમક્ષ જીવતા રાખ્યા.
આમ જોઈએ તો મોટા ભાગનું પ્રાચીન ગુજરાતી સાહિત્ય ધાર્મિક જ કહેવાય. નરસિંહ, મીરાં, દયારામ આપણા ભક્તો, તો અખો વેદાન્તી જ્ઞાની. પરાસ્ત થયેલી પ્રજાએ જાણે ધર્મનું – ઈશ્વરનું – અવલંબન લીધું હતું. એનું જીવન સોગિયું થઈ ગયું હતું એમ નહિ. એ જન્મ, લગ્ન આદિના ઉત્સવો ઊજવતી હતી અને ધર્મ પણ ભક્તિ-સંપ્રદાયમાં તો ઉત્સવપ્રધાન થઈ ગયો હતો. છતાં પ્રજા ગમે તે વસ્તુને ધર્મનો ઓપ આપતી હતી. માત્ર આખ્યાનકારો જ નહિ પણ પ્રેમ અને પરાક્રમની કથા કહેનારા લોકવાર્તાકારો પણ પોતાની રચનાઓના આરંભે ઇષ્ટદેવની સ્તુતિ કરતા અને અંતમાં કથા-શ્રવણના ફળરૂપે પુણ્યની લહાણી કરતા.
તમને થતું હશે, આવી ધાર્મિક વાર્તાઓ કેમ ગમે? આજની સામાજિક નવલકથાઓ જેવો રસ એમાં થોડો પડે? પણ એ ભૂલવું ન જોઈએ કે એ વખતનો સમાજ, એક રીતે કહીએ તો, એક ચોક્કસ સંસ્કૃતિનો સમાજ હતો. આજે વિશાળ જગતના ઉદય સાથે અનેક સંસ્કૃતિઓનાં સંઘર્ષ અને સેળભેળ થવા લાગ્યાં છે. સાંસ્કૃતિક વિશેષતાઓ બુઠ્ઠી થવા લાગી છે. વિજ્ઞાનના વિકાસે એક બાજુથી વિશ્વપ્રશ્નો ઊભા કર્યા છે તો બીજી બાજુથી માનવના એક માનવ-વ્યક્તિ લેખેનાં સૂક્ષ્મ સંવેદનો તરફ આપણું ધ્યાન દોર્યું છે. પરિણામે, આજનું સાહિત્ય એક બાજુથી સર્વવ્યાપક અને બીજી બાજુથી અત્યંત વૈયક્તિક સંવેદનો અને વિચારોને વાચા આપે છે, અને એમાં કોઈ ધાર્મિક કે સાંસ્કૃતિક ચોકઠું આપણને દેખાતું નથી. જૂના સમયમાં પ્રજા એક સાંસ્કૃતિક એકમ તરીકે જીવતી હતી, અને તેથી એ સમયના સાહિત્યમાં આપણને જે ધાર્મિકતા દેખાય છે તે અનિવાર્ય હતી.
અગત્યની વાત તો એ છે કે આખ્યાને આ ધર્મસેવા કે સંસ્કાર સેવા નવા રસથી કરી.
સંજ્ઞા અને પૂર્વપરંપરા
‘આખ્યાન’ સંજ્ઞા ક્યાંથી આવી? અને એનો શો અર્થ? સંસ્કૃતના ‘આખ્યા’ ધાતુનો અર્થ ‘આખ્યાન’ એટલે ‘પ્રસંગ, ‘કહેવું, જાહેર કરવું’ એવો છે. ‘આખ્યાન’ એટલે ‘બનાવ, વાર્તા.’ ‘કથાસાહિત્ય’ એવા સામાન્ય અર્થમાં સંસ્કૃતમાં ‘આખ્યાન’ શબ્દ વપરાયેલો જોવા મળે છે. ‘આખ્યાયિકા’ એ સંસ્કૃત ગદ્ય કથાકાવ્યનો જાણીતો પ્રકાર છે.
‘સાહિત્યદર્પણ’માં વિશ્વનાથે “આખ્યાન પૂર્વવૃત્તોક્તિઃ |” (આખ્યાન એટલે પૂર્વે બની ગયેલા બનાવનું કથન) એવી એક વ્યાખ્યા આપી છે. તેને ‘આખ્યાન’ નામના સાહિત્યપ્રકારની વ્યાખ્યા ઘણી વાર માની લેવાઈ છે. પણ ખરેખર હકીકત જુદી છે. ‘સાહિત્યદર્પણ’માં નાટક વિષેના પ્રકરણમાં આ વ્યાખ્યા આવે છે અને એ વ્યાખ્યા નાટકના ‘આખ્યાન’ નામના એક અલંકારની વ્યાખ્યા છે.[1]
આખ્યાનના સાહિત્યપ્રકાર વિષે પ્રકાશ પાડે એવી સમજૂતી ભોજના ‘શૃંગારપ્રકાશ’માં મળે છે : પ્રબન્ધની અંદર બીજાને સમજાવવા માટે જે દૃષ્ટાન્તકથા આવે તે ‘ઉપાખ્યાન.’ જેમ કે, ‘મહાભારત’માં નલ, સાવિત્રી વગેરે વિષેનાં ઉપાખ્યાન, કોઈ એક ગ્રંથકાર ધ્યાનથી સાંભળતી સભા સમક્ષ અભિનય, પઠન અને ગાયનપૂર્વક તેની કથા કરે તો તે ‘આખ્યાન’ કહેવાય.[2] ટૂંકમાં, પૌરાણિક કથાસામગ્રી લઈ જાહેરમાં એક વ્યક્તિ વડે અભિનય અને સંગીતની મદદથી કરવામાં આવતી કથા તે આખ્યાન.
ભોજના સમયમાં જાહેરમાં આખ્યાન કરવાની પદ્ધતિ હશે એમ આ પરથી સમજાય છે. આપણું ગુજરાતી આખ્યાન એ પરંપરામાં જ આવે; એ ઉપરાંત એના સ્વરૂપઘડતરમાં એ સમયનાં અપભ્રંશ ચરિત્રકાવ્યો અને મહાકાવ્યોનો પણ ફાળો છે. અપભ્રંશકાવ્યોમાં ‘કડવક’ નામના વિભાગો પડતા, એમાં આરંભે ધ્રુવાની અને અંતે ઘત્તાની પંક્તિઓ આવતી. એમાં ગેય માત્રામેળ છંદો વપરાતા, જેમાં ગેયતા વધતાં ગુજરાતી આખ્યાનની ‘દેશીઓ’ વિકસી.
હજુયે આગળ જઈએ તો શૈલીદૃષ્ટિએ આખ્યાન પર સંસ્કૃત અને અપભ્રંશ મહાકાવ્યો અને ગદ્ય કથાકાવ્યોનો પ્રભાવ જણાવાનો. માંડીને થતી કથા અને વીગતપ્રચુર વર્ણનો એ મહાકાવ્યો અને કથાકાવ્યોની શૈલી હતી. ગુજરાતી આખ્યાનમાં પણ એ શૈલી જણાય. જો કે એમને મુકાબલે ગુજરાતી આખ્યાન વધારે કથનપ્રધાન છે.
‘આખ્યાન’ શબ્દનો આ અર્થ અને આવી પૂર્વપરંપરા છે.
[સુદામાચરિત્ર, ૧૯૬૭ અને ૧૯૭૫]