અનુક્રમ/ટૂંકી વાર્તા, એક ચોકઠામાં
એન્સાઈક્લોપીડિયા બ્રિટાનિકાની ૧૯૬૫ની આવૃત્તિમાં ટૂંકી વાર્તા વિષે એક માર્મિક લઘુલેખ છે, એ લેખ ટૂંકી વાર્તાની ભિન્નભિન્ન દિશા તરફની કાર્યસીમાઓને સરસ રીતે આંકી બતાવે છે અને એ રીતે ટૂંકી વાર્તાને એના વિશાળ ખરા પરિપ્રેક્ષ્યમાં મૂકી આપે છે.
પહેલાં ટૂંકી વાર્તાનું ટૂંકું વર્ણન કર્યું છે : ટૂંકી વાર્તા કલ્પનોત્થ ગદ્યકથા (prose fiction)નો એક પ્રકાર છે અને સઘનતા તથા તીવ્ર અસર કે ચોટ એ બે લક્ષણો વડે એ નવલકથા અને લઘુનવલથી જુદી પડે છે.
ટૂંકી વાર્તાના સાહિત્યસ્વરૂપની સર્વસામાન્ય વ્યાખ્યા કર્યા પછી અર્વાચીન ટૂંકી વાર્તાના કાર્યક્ષેત્રની ભિન્નભિન્ન દિશાઓનો નિર્દેશ કર્યો છે : વીસમી સદીની ગંભીર ટૂંકી વાર્તાને એક ચોકઠામાં વિસ્તરેલી જોઈ શકાય. એ ચોકઠાને ચાર ખૂણે છે કથનાત્મક નિબંધ કે રેખાચિત્ર, ઊર્મિકાવ્ય, ગદ્યનાટક અને સ્થાનિક સામાજિક ઇતિહાસનું એકમ. કેટલીક ટૂંકી વાર્તાઓ આ ચોકઠાના મધ્યસ્થાને મૂકી શકાય એવી હશે, તો બીજી કેટલીક, ચોકઠાની અંદર છતાં, એક યા બીજા ખૂણા તરફ વધારે ઢળતી હશે.
આ ચોકઠું આપણે આ રીતે દોરી શકીએ :
કથનાત્મક નિબંધ સ્થાનિક સામાજિક
કે રેખાચિત્ર ઇતિહાસનું એકમ
ટૂંકી વાર્તાનું
કાર્યક્ષેત્ર
ઊર્મિકાવ્ય ગદ્યનાટક
ટૂંકી વાર્તાને એના સર્વ વૈવિધ્યમાં સમજવા માટે ઉપકારક બને એવો આ ચોકઠાનો વિચાર રજૂ કર્યા પછી, ચારે ખૂણા તરફ ઢળતી ટૂંકી વાર્તાઓના દાખલા આપ્યા છે અને એમની લાક્ષણિકતાઓના નિર્દેશ દ્વારા મૂળ વિચારને વિશદ રીતે સ્ફુટ કર્યો છે :
૧. વૉશિંગ્ટન ઇરવિંગની ૧૯મી સદીની વાર્તા ‘ધ લિજન્ડ ઑફ સ્લીપી હોલો’ને કથનાત્મક નિબંધ કે રેખાચિત્રથી માંડમાંડ જુદી પાડી શકાય; કેમ કે એમાં આછી અસંકુલ ક્રિયા છે, એમાં સ્થલકાલને અલંકૃત કરવામાં આવ્યા છે અને એમાં લેખકના અવાજ અને વ્યક્તિત્વની અવ્યવહિત ઉપસ્થિતિ વરતાય છે.
૨. જેમ્સ જોય્સની ‘ધ ડેડ’માં ઇન્દ્રિયગોચર કલ્પનોની સમૃદ્ધ અભિવ્યક્તિ છે અને મનોવૃત્તિનો ઉદ્રેક છે. એ ઊર્મિકાવ્યથી જુદી પડે છે એટલા માટે કે એ લાંબી છે અને એમાં લય અને નાદ પૂરેપૂરાં સિદ્ધ કરી શકાયાં નથી.
૩. અર્નેસ્ટ હેમિંગ્વેની ‘ધ કિલર્સ’માં સ્ફુટ ટીકાટિપ્પણ કે પૃથક્કરણનો અભાવ છે અને તેથી એ પોતાની અસર જમાવે છે સંવાદોના ગર્ભિતાર્થોથી તથા પરિમિત દૃશ્યવિસ્તારમાં થતી થોડી સાદી ક્રિયાઓથી. એનું એકાંકીમાં સહેલાઈથી રૂપાંતર કરી શકાય.
૪. થિયોડોર ડ્રીઝર્સની ‘ઓલ્ડ રોગેમ એન્ડ હીઝ થેરેસા’ વિશિષ્ટ પ્રકારની આર્થિક અને સામાજિક પરિસ્થિતિમાં મુકાયેલા, પરદેશમાં આવી વસેલા એક કુટુંબની અંદર ઊભા થયેલા સંઘર્ષ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, તેથી એ વાર્તા ન્યૂયોર્ક શહેરના સામાજિક ઇતિહાસના એક પ્રકરણ જેવી લાગે છે.
નમૂના દ્વારા ટૂંકી વાર્તાના વૈવિધ્યને સમજાવીને, છેલ્લે, આજની ટૂંકી વાર્તાના વિશિષ્ટ વલણની પણ નોંધ લીધી છે : ટૂંકી વાર્તામાં ઊર્મિકાવ્ય અને નાટકની નજીક પહોંચવાની જે શક્યતાઓ છે તેનું ખેડાણ મોટે ભાગે વીસમી સદીમાં જ થયું છે, જ્યારે ટૂંકી વાર્તાની ઇતિહાસવિશેષ અને વિસ્તારિત પ્રસંગકથા સાથેની સમાનતાઓ પરંપરાગત છે. (લેટિનનો ટૂંકી વાર્તા માટેનો શબ્દ ‘historia’ આ હકીકતનું સમર્થન કરે છે.)
ગુજરાતીમાં મુનશીની ઘણી વાર્તાઓ કથનાત્મક નિબંધ કે રેખાચિત્રની નજીકની જણાશે. રામનારાયણ પાઠકમાં પણ એ લક્ષણની પ્રબળતા છે અને ધૂમકેતુ પણ એનાથી મુક્ત નથી. આધુનિકોમાંથી મડિયામાં પણ આ વલણ વ્યક્ત થાય છે. મેઘાણીની ‘સદુબા’ જેવી કેટલીક વાર્તાઓ સામાજિક ઇતિહાસના અંશ તરીકે વધારે ધ્યાન ખેંચતી લાગે. મુનશીની ‘શામળશાનો વિવાહ’ કે સુન્દરમ્ની ‘માજા વેલાનું મૃત્યુ’ને આ જાતની વાર્તાના વધારે સારા નમૂના તરીકે કદાચ આગળ કરી શકાય. રામનારાયણ પાઠકની ‘જમનાનું પૂર’ કે સુન્દરમ્ની ‘માને ખોળે’ અને ઘણી અદ્યતન વાર્તાઓ ઊર્મિકાવ્યની નજીક પહોંચતી લાગશે. ધૂમકેતુનાં પાત્રો ઊર્મિલ છે એટલી એમની નિરૂપણરીતિ ઊર્મિકાવ્યની છે કે કેમ તે પ્રશ્ન છે. મલયાનિલની ‘ગોવાલણી’, મેઘાણીની ‘હું’, પન્નાલાલની ‘સુખદુઃખનાં સાથી’ સંવાદપ્રધાન વાર્તાઓ છે, જ્યારે સુન્દરમ્ની ‘આશા’ અને ઉમાશંકરની ‘છેલ્લું છાણું’માં વધારે સૂચક ક્રિયાઓ અને સંવાદો છે. આ બધીમાં નાટ્યરૂપાંતરની ઓછીવત્તી શક્યતાઓ છે.
[કૃતિ, એપ્રિલ ૧૯૬૯ ]