અનુક્રમ/કાવ્યામુખી કાવ્યગંધી નિબંધ

From Ekatra Foundation
Revision as of 02:11, 30 March 2025 by Atulraval (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


કાવ્યામુખી કાવ્યગંધી નિબંધ


બળવંતરાયની અધૂરી રહેલી સૉનેટમાલા, નામે ‘સુખદુઃખ’ એમની કાવ્ય-ઉપાસનાનું સ્વરૂપ અને એની દિશા સમજવા માટે તથા એમના કવિત્વના લાક્ષણિક અંશો અને એની મર્યાદાનો અભ્યાસ કરવા માટે એક નમૂનારૂપ પ્રતિનિધિ કૃતિસમૂહ બની રહે એવી છે. આ સૉનેટમાલામાં કવિએ માનવવ્યક્તિ અને સમાજનાં સુખદુઃખ શામાં રહેલાં છે તે, વિશાળ કાળસ્થળપટ પરની માનવજીવનની ગતિવિધિનું વિહંગાવલોકન કરીને, તપાસવાનો ઉદ્દેશ રાખ્યો છે. સંદર્ભની આ વિશાળતાને કારણે કવિનું ચિંતન પાયાનાં માનવમૂલ્યોને વ્યાપી વળે છે અને તેથી બળવંતરાયના સમગ્ર જીવનવિચારનું સત્ત્વ જાણે કે આપણને અહીં મળી જાય છે. આ સૉનેટમાલામાં કવિનો ‘પોઝ’ વિશિષ્ટ છે અને સમગ્ર વિચારણાને એક આગવું મૂલ્ય અર્પે એવો, આપણા ચિત્તમાં પણ એક છાપ ઊભી કરે એવો, છે. નવા વરસનો દિવસ છે. નવું વરસ સુખી નીવડે એવાં અભિનંદનો કવિને મળી રહ્યાં છે. કવિ વિચારચંક્રમણે ચડે છે. કવિના તો જીવનની સંધ્યા ઢળી ચૂકી છે; એટલે સ્વાભાવિક રીતે જ પહેલાં કવિ પોતાના જીવનની વર્તમાન સ્થિતિનો, એની અવધિનો અને પોતાના અસ્તિત્વની સાર્થકતાનો વિચાર કરે છે, પણ પછી પોતાના અનુભવોના આધારે માનવસમાજ જેને ઝંખી રહ્યો છે, જેને માટે ઉદ્યમ કરી રહ્યો છે એ ‘સુખ’ તે શું છે એનો વિચાર કરવા પ્રેરાય છે. કાળયાત્રાના આ સીમાચિહ્નરૂપ દિવસે કવિ કાળસ્થળના વિશાળ પટ પર પોતાની નજર દોડાવે છે. આમ કવિની વિચારધારા નિજમાંથી સમગ્ર માનવજગત તરફ, વર્તમાનમાંથી સર્વ કાલ તરફ વિસ્તરતી જણાય છે. આ જાતની માંડણી આપણા ચિત્તને વિચારધારાની ગંભીરતા–ગહનતા અને સંદર્ભની વિશાળતાનો અનુભવ કરાવવામાં કામયાબ નીવડે છે. અને આ સૉનેટમાલા “કર્તાના સમગ્ર વિચારમિનારના કળશરૂપે, સુગ્રથિત (integrated) અભિવ્યક્તિરૂપે યોજાયેલી” હોવાનો એક ખ્યાલ ઊભો કરે છે. આ કૃતિસમૂહમાં કવિનો ‘પોઝ’ વિશિષ્ટ છે અને કવિની વિચારધારાને એ અસરકારક ઉઠાવ આપે છે પણ એ કાવ્યોચિત–કવિયોગ્ય (poetic) છે ખરો? આ સાથે ઉમાશંકરની ‘આત્માના ખંડેર’ નામક સૉનેટમાલા યાદ આવે છે. ત્યાં એક કાવ્યનાયક સર્જાઈને આપણી સમક્ષ રજૂ થાય છે. અહીં આપણને બળવંતરાયનું ચિંતક મન જ દેખાય છે. ત્યાં અનુભવ અને સંવેદનની એક સંકુલ સૃષ્ટિ છે; અહીં ઇતિહાસની ઘટનાઓનાં, મનુષ્યસમાજની વ્યવસ્થાનાં બયાન છે અને એમાંથી સારવેલા વિચારો છે. ઉમાશંકરની કાવ્યસૃષ્ટિમાં વિચારો નથી એમ નહિ, પણ એ ઘણે ભાગે એક સંવેદનસંદર્ભ લઈને આવે છે અને કદાચ સંવેદનના ઘનીભૂત સ્વરૂપે પ્રગટ થાય છે. બળવંતરાયના વિચારો ઘડાઈ ચૂકેલા છે. અને કાવ્ય દ્વારા જાણે પ્રગટ થાય છે. ઉમાશંકરની સૉનેટમાલામાં માનવચેતનાની ધબક છે અને એની ગતિ છે; બળવંતરાયની સૉનેટમાલામાં તર્કસરણિ છે – હકીકતો પર આધારિત, વાસ્તવપ્રિય માનસમાંથી જન્મેલી, સ્વતંત્ર બુદ્ધિમત્તાનું દર્શન કરાવતી અને સચોટ રીતે રજૂ થયેલી – પણ તર્કસરણિ. એકંદરે ઉમાશંકરનો ‘પોઝ’ એક કવિનો છે, બળવંતરાયનો એક નિબંધકારનો. પહેલું સૉનેટ આપણે જવા દઈએ. એ ખરેખર કાવ્ય છે પણ એ તો મુખ્ય નિબંધ અંગેનું પ્રાસ્તાવિક નિવેદન છે એમ કહી શકાય. બીજા સૉનેટમાં અનુભવે અનુભવ સાંકળી કવિ વિમર્શવા લાગે છે ત્યાંથી એમની વિચારયાત્રાનો આરંભ થાય છે. એમની પાસે પહેલો પ્રશ્ન આ આવે છે – સુખ અને દુઃખની વ્યાખ્યા શી? ધર્મ પાસેથી જવાબ મળે છે કે આત્માનું સુખ આત્મામાં જ રહેલું છે. ત્રીજા સૉનેટમાં કવિ કહે છે કે એ સત્ય તો કોઈક અતિવિરલા અંતર્ગુહાયોગીને સાક્ષાત્‌ થઈ શકે છે અને તેથી મનુષ્યજીવનના આધાર તરીકે આ સંસારથી અલગ ‘કો ગુહ્યની ઝાંયને’ એવા યોગી બતાવે ત્યારે તીવ્ર મતિવાળા પુરુષો તો એમને ભાગેડુ ગણી પોતાના ઉત્તર શોધવા પ્રયત્ન કરે. કવિ પોતે પણ સંસારચિંતન કરી પોતાનો ઉત્તર શોધવા પ્રવૃત્ત થાય છે. ચોથા સૉનેટમાં કવિ દામ્પત્ય, સંતાનો, કુટુંબ – આ બધામાં માણસનું મોટું સુખ શું રહેલું નથી? – એવો પ્રશ્ન કરે છે. પાંચમા સૉનેટમાં શૈશવ, કૌમાર્ય, યૌવન એ અવસ્થાપલટાઓ સાથે “સુખદુઃખાંકણીયે ફરે” એવો અનુભવપૂત વિચાર કવિ રજૂ કરે છે. અહીં વિલક્ષણ રીતે કવિનો વિચારપ્રવાહ સહેજ આડો ફંટાય છે અને સ્ત્રીની આપણા સમાજમાં જે ભાગ્યદશાઓ સંભવે છે તેનાં ચિત્રો એ દોરે છે. અલબત્ત, એનું તાત્પર્ય એ છે કે દીકરી આપણા સમાજમાં માબાપને ‘સુખ’નું કારણ ભાગ્યે જ બની શકે છે, બહુધા દુઃખનું કારણ બને છે. છઠ્ઠા સૉનેટમાં કવિ સ્ત્રી-પુરુષના વ્યક્તિત્વભેદનું વર્ણન કરે છે. [પાંચમા સૉનેટનું પુત્રી-વિષયક અવલોકન આનુષંગિક અવલોકન જેવું લાગે છે. માનવજીવનની વ્યાપકપણે ચર્ચા કરતાં કવિ આવી વિશેષ સ્થિતિના અવલોકનમાં સરી પડે છે એથી વિચારપ્રવાહ ખંચકાય છે. છઠ્ઠા સૉનેટની વિચારધારાને મુખ્ય વિચારપ્રવાહને બહુ પરોક્ષ રીતે જ ઉપકારક ગણી શકાય. આ રીતે આ બન્ને સૉનેટ કાવ્યમાલાની સુગ્રથિતતાને જોખમાવે છે કે કેમ તે વિચારવા જેવું છે. જો કે કવિના નિવેદન મુજબ તો એમનું વિચારસંક્રમણ ચિરૂટના ધુમાડાની જેમ ક્રમહીન, યાદૃચ્છિક ગતિએ જ ચાલવાનું છે અને તેથી આવી થોડી આડચર્ચા એમાં ક્ષમ્ય કે સહજ ગણાય.] સાતમા સૉનેટમાં કવિ સુખ-દુઃખની ગણતરી જુદાજુદા સંજોગોમાં અને જુદાજુદા માણસો પ્રમાણે બદલાય છે એવું કહે છે અને આશાની ભ્રમજાળમાં માણસ કેવો રચ્યોપચ્યો રહે છે તે બતાવે છે. આઠમા સૉનેટથી કવિનું ઇતિહાસદર્શન શરૂ થાય છે અને એમાં કુદરતે માણસને કેવીકેવી વિપત્તિઓ વિતાડી છે એનું વર્ણન કવિ કરે છે. નવમા સૉનેટમાં ઇતિહાસ આગળ ચાલે છે અને પ્રલયયુગની કથા વંચાય છે. દશમા સૉનેટમાં ઇતિહાસના કેટલાક દરિયાઈ માનવસાહસના ઉલ્લેખપૂર્વક વસાહત સ્થાપવાની વાત કરેલી છે અને અગિયારમા સૉનેટમાં ઓજારોની શોધ સાથે મનુષ્યસંસ્કૃતિ વિકાસ પામી, એની સમૃદ્ધિ વધી અને લડાઈઓ પણ વધી એ આજની સ્થિતિ સુધી કવિ પહોંચી જાય છે. આ ઇતિહાસકથાને અંતે, બારમા સૉનેટમાં કવિ આજમાં ન સંતોષાતા ભાવિ માટે તલસતા અને ભૂતકાળને રૂડો કલ્પતા માનવસ્વભાવની વાત કરી એ નર્યો ભ્રમ જ છે એવો અભિપ્રાય આપે છે. તેરમા સૉનેટમાં કવિ પોતાના તરફથી એક સત્ય રજૂ કરે છે કે દરેક યુગ સુખસમૃદ્ધિમાં બીજા યુગથી જુદો હોય છે અને પછી થયેલ યુગના લોકો આગલા યુગનું જીવન જીરવી શકે નહિ. અહીં સૉનેટમાળા અધૂરી અટકે છે. બધાં સૉનેટોના વિષય-વિચારનો આ સાર એટલા માટે આપ્યો છે કે એ પરથી ખ્યાલ આવે કે અહીં કેટલું બધું હકીકતકથન, સમાજનિરીક્ષણ, અભિપ્રાયદર્શન, સૂત્રોચ્ચારણ છે! પદ્યના વાઘા ઉતારી લઈને સાદા ગદ્યમાં મૂકીએ ત્યારે અનેક પંક્તિઓમાંનું નર્યું વિચારતત્ત્વ તરી આવ્યા વિના રહેતું નથી. કવિનો માનસવ્યાપાર પણ બુદ્ધિપ્રધાન – તર્કપ્રધાન છે એમ દેખાઈ આવે છે. એકંદરે આ સમગ્ર રચના જાણે પદ્યદેહી નિબંધ હોય એવું લાગે છે. કવિતામાં વિચાર ન આવે એવું કંઈ નથી, પણ એ અનુભૂતિદ્રવ્ય બનીને આવવો જોઈએ. કવિતામાં ઇતિહાસ ન આવે એમ નહિ પણ ઇતિહાસની પણ અનુભૂતિ થવી જોઈએ. આવા ગંભીર અને વિશાળ ફલકવાળા વિષયમાં થોડો તર્ક આવે, થોડું હકીકતકથન આવે તેયે સમજાય એવું છે પણ કાવ્યનો સબળ સંવેદનસંદર્ભ એને જુદા જ પ્રકાશથી રસી દે. બળવંતરાયનાં આ સૉનેટોમાં એવું બનતું લાગતું નથી. સૉનેટ ૯-૧૦-૧૧માં ઘણું નર્યું ઇતિહાસકથન છે એ છાપ ભૂંસી શકાતી નથી. સૉનેટ ૧૩માં વિચારપ્રતિપાદન છે એવો ભાવ થયા વિના રહેતો નથી. બળવંતરાયમાં કવિ તરીકેની કેટલીક અજબ શક્તિઓ છે. એ શક્તિઓનો પરચો આપણને અહીં અવારનવાર મળી પણ જાય છે, પણ એથી આખી રચનાનું મૂલ્ય પલટાઈ જતું હોય એવું બનતું નથી. બળવંતરાયની એક અજબ શક્તિ તે ભાષાની શક્તિ છે. બળવંતરાય પાસે પોતાની ભાષા – પોતાની બાની છે. બાનીમાં શબ્દની અપાર સમૃદ્ધિ છે. (સંસ્કૃતથી માંડીને બોલાતી ગુજરાતી સુધીના સર્વ ભાષાસ્તરોમાંથી એ પોતાના શબ્દો મેળવે છે), પદરચનાની આગવી ખાસિયતો છે અને કેટલાક લાક્ષણિક લહેંકાઓ છે. અર્થઘન કવિતામાં માનનારા બળવંતરાયમાં શબ્દશોખ કંઈ ઓછો નથી. શબ્દપ્રદર્શનની વૃત્તિ પણ કામ કરી જતી જણાય છે. ‘અરું ભલું પરાંથિ’ એ શબ્દાવલિનું મને કંઈ પ્રયોજન દેખાતું નથી. ‘ખપજોગ’ ગદ્યાળુ છે, પણ નર્યા હકીકતકથન માટે એની ગદ્યાળુતા ઉચિત છે એમ તમે કહી શકો. બીજા કેટલાક તળપદા શબ્દો. ધ્યાન ખેંચે છે – એમના કોઈ કાવ્યમૂલ્યથી નહિ, એમ ને એમ જ પણ થોડાક શબ્દો બળવંતરાયની અર્થવ્યક્તિની લાક્ષણિક શક્તિનો પરિચય આપી જાય છે :

• ...બનિ ના જવું જ જડ ગોળવો કાષ્ઠનો

• ...આપણે ભવથડે ચોંપ્યા કરું ચિંતન

• બકુ બકુડિયાં

• વઇરિણી શું ભવપૂર્વની!

• તણઈ જાય વાચે તણખ!

બળવંતરાય લઘુતાનો, તુચ્છતાનો, અર્થહીનતાનો, તિરસ્કારનો ભાવ વ્યક્ત કરવા માટે ખાસ શબ્દભંડોળ અને બોલચાલના લહેકા ધરાવે છે એ ઉપરનાં ઉદાહરણોથી દેખાઈ આવશે. ‘હસંત બકુડી બને ફુટલભાગ્ય વિધવા’ જેવી ઉક્તિમાં પરસ્પરવિરુદ્ધ જીવનદશા માટે કેવી લાક્ષણિક પદાવલિ બળવંતરાયે યોજી છે અને કરુણ વિધિવક્રતાને કેવો ઉઠાવ આપ્યો છે! બળવંતરાયે ક્રિયાપદોનો બહોળો ઉપયોગ કર્યો છે એ પણ ધ્યાન ખેંચે છે. બળવંતરાયની પદબંધની અને વાક્યબંધની છટા પણ લાક્ષણિક છે. શબ્દોના ઓઘમાં અને વાક્યોના ઓઘમાં એ આપણને ખેંચી જવા, મૂંઝવી દેવા ચાહે છે. બળવંતરાય વિચારને કાંતે છે એની સાથે એક વાક્યમાંથી ઉપવાક્ય કે બીજું વાક્ય ખેંચાય છે. (આઠમા સૉનેટમાં ચાલુ વાક્યની વચ્ચે ત્રણ લીટીનાં બે વાક્યો વધારાની માહિતી. આપવા માટે આવી પડે છે!) કેટલીક વાર પર્યાયે કથન પણ થઈ જાય. છે. પદૌઘ દ્વારા, છંદોલય દ્વારા વિશિષ્ટ કાવ્યોચિત અસર ઊભી કરતા હોય એવું પણ ક્યારેક જોવા મળે છેઃ

દુકાળ, અતિવૃષ્ટિ, ભૂચરડ, સાનુમાને અગન,
પ્રવાહ નરિ લાહ્યના ઉદરથી પૃથાના ગહન,
ધસાર જલધિતણા,
ઉપાડ દિક્‌પાલના, સુસવતા મરુત્‌ રેતના
ઉપદ્રવ, અસંખ્ય તીડ ભયદર્દિલા વ્યાધિના;

અહીં પદૌઘ વિપત્તિપરંપરાને પ્રત્યક્ષ કરાવે છે અને ‘ધસાર’ ‘ઉપાડ’ એ શબ્દોના છંદોલયમાં આપણને આપણો જીવ અધ્ધર થઈ જતો અનુભવાય છે. રૂપક, ઉપમા, સજીવારોપણ જેવા અલંકારો દ્વારા વસ્તુને ચિત્રાત્મકતા અર્પવાનું પણ અહીં ઠીકઠીક વાર બન્યું છે. પણ એમાં તાજગી અને નવીનતા બહુ ઓછે ઠેકાણે છે – ઠાકોરશાઈ વૈચિત્ર્ય પણ ખાસ નથી – અને વસ્તુનું હાર્દ કોઈ અજબ રીતે પ્રકાશિત થતું હોય એમ લાગતું નથી. ક્યાંક કૃત્રિમ સભાન પ્રયત્ન પણ વરતાઈ આવે છે. ‘ટીપું ય ઘડિ’ની સઘન ચિત્રાત્મકતા જવલ્લે જ દેખાય છે. આ પ્રયોગમાં બળવંતરાયની વિલક્ષણ શબ્દઘટના ખરેખર કામયાબ નીવડી છે. ખાલી થઈ રહેલા, ક્ષીણ થઈ રહેલા સમયને એમણે મૂર્ત રૂપ આપ્યું છે. આપણે જાણે ઘટિકાયંત્રમાંથી ટપકી જવા તૈયાર, છેલ્લા ટીપાને આતુર આંખથી જોઈએ છીએ. બળવંતરાય પાસે અર્થદ્યોતક બલિષ્ઠ શબ્દો છે, ઉક્તિની અસરકારક ભંગીઓ છે, છંદોલયની સૂક્ષ્મ સૂઝ છે, કલ્પકતા પણ છે. આ બધાંને લીધે અહીં કાવ્યની ગંધ આવે છે, પણ આ રચનાઓ સાચું પૂરું. કાવ્યરૂપ પામતી નથી. એલિઝાબેથ સિટવેલની રીતે કહું તો અહીં અનુભવ કે વિચાર પર વાણીનું આરોપણ થયેલું છે, ગદ્યની પેઠે અહીંયાં અનુભવ અને વાણીની એક ખુલ્લી – છૂટી – અલગ વ્યવસ્થા (open system) નજરે પડે છે. કવિના જ્ઞાનનો – એમની વિચારશક્તિનો અને એમની ભાષાશક્તિનો આપણને પરિચય થાય છે, પણ બંને મળીને એક અનુભવ બનતો નથી. કાવ્યની સંવૃત વ્યવસ્થા (closed system of poetry) અહીં સરજાતી નથી. આમાં અપવાદરૂપ, અલબત્ત, પહેલું સૉનેટ છે. આ સૉનેટમાં ‘ગળ્યાં’ જેવો તળપદો શબ્દ આવે છે, પણ એ અનુરૂપ અર્થવિશેષ લઈને આવે છે. (માત્ર ‘મીઠાં’ વચનો નહિ, ગલિત. કરે – આર્દ્ર કરે તેવાં વચનો). હીંચકો, ચિરૂટ અને એના ધૂમ્ર, માર્ગમાંનું શુનક – આ પ્રતિરૂપો દ્વારા ચિત્રાત્મકતા આણેલી છે પણ એ કેવળ શોભાની નથી; મનની શાંત અલક્ષ્ય ગતિને– સક્રિયતાને – સચેતનતાને એ અદ્‌ભુત રીતે મૂર્ત કરી આપે છે, મનોવ્યાપારની એક સૂક્ષ્મસંકુલ સૃષ્ટિ આપણને પ્રત્યક્ષ કરાવે છે. આરંભની પાંચ લીટીમાંનો બાહ્ય સામાજિક વ્યવહાર અને પછીની લીટીઓમાં નિરૂપિત ચિત્તની આંતરમગ્નતા કાવ્યમય સંદર્ભ રચી આપે છે અને એક વિશિષ્ટ ભાવદશાનો આપણને સાક્ષાત્કાર કરાવે છે. અહીં અનુભવ અને વાણી અલગ રહેતાં નથી, વાણી દ્વારા જ અનુભવ પમાય છે. કશા વિચારપ્રતિપાદનના હેતુથી આ કાવ્ય લખાયેલું જણાતું નથી (કોઈ કશો જ ‘વિચાર’ ન તારવી શકે એમ તો ન કહેવાય); કવિની અદા કોઈ ચિંતકની નથી, પણ સંવેદકની અને રૂપવિધાયકની છે. પણ આ કાવ્ય તો આખીયે સૉનેટમાલાના વિષયના આમુખરૂપે જ રચાયેલું છે! તેથી જ કહેવાનું પ્રાપ્ત થાય છે કે આ સૉનેટમાલા કાવ્યામુખી કાવ્યગંધી નિબંધનો ભાસ કરાવે છે. બધાં સૉનેટોને સમગ્રપણે જોતાં લાગે છે કે વિચારપ્રધાન કવિતાના ખ્યાલે અને આગ્રહે બળવંતરાયની કવિતાને ઠીકઠીક ગેરરસ્તે દોરી છે. એવો આગ્રહ ન હોત તો કદાચ, આ જ વિષયને – કે આ વિષયના અનેક અંશોને બળવંતરાય જુદી જ રીતે conceive કરી શક્યા હોત અને એમને કાવ્યરૂપ આપી શક્યા હોત, પણ અત્યારે તો બળવંતરાયની શક્તિ અને મર્યાદા બંનેનો અનુભવ કરાવતી આ સૉનેટમાલા આપણી પાસે છે. [બ. ક. ઠા; અધ્યયનગ્રંથ, ૧૯૬૯]