અનુક્રમ/સાહિત્યિક ટૂંકી વાર્તા : રચનાતરીકાઓ

From Ekatra Foundation
Revision as of 02:30, 30 March 2025 by Atulraval (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સાહિત્યિક ટૂંકી વાર્તા : રચનાતરીકાઓ

‘The Writer’s Book’ Ed. Hellen Hull, Barnes & Noble Inc., New York, ૧૯૫૬

‘ધ રાઇટર્સ બુક’માં રિચાર્ડ સમર્સે બજારુ કે કસબવાળી વાર્તા (commercial or craft story) અને સાહિત્યિક ગુણવત્તાવાળી વાર્તા (quality story)ની તુલના કરી અર્વાચીન ટૂંકી વાર્તાના રચના-તરીકાઓ (techniques)નું વ્યવહારુ પૃથક્કરણ કરી બતાવ્યું છે તે જોવા જેવું છે. તુલના છોડી દઈને આપણે સાહિત્યિક ગુણવત્તાવાળી એટલે કે શિષ્ટ વાર્તાનાં કેટલાંક લક્ષણોની ટૂંકી નોંધ જ કરીશું : (૧) આ જાતની વાર્તામાં વસ્તુની ઝાઝી ખટપટ હોતી નથી, અને કેટલીક વાર તો એનો અભાવ હોય છે. એમાં માત્ર આગળ ગતિ થતી હોય છે અને પરાકાષ્ઠા આવે છે, પણ ઉત્તેજનાના ખૂબ નીચા સ્તરે. પરંપરાગત નાયક-ખલનાયકના સંઘર્ષને છોડીને એ સામાજિક સમસ્યાને કેન્દ્રમાં રાખે છે અને કેટલીક વાર એમાં સંઘર્ષ મુખ્ય પાત્રના ચિત્તમાં ચાલતો હોય છે. (૨) વસ્તુમાં પ્રવેશ કરાવનારી કુતૂહલ જગાડનારી ચોટદાર પંક્તિ (catch-line)થી આવી વાર્તાનો આરંભ થતો નથી. આવી કૃત્રિમ યુક્તિને બદલે એ સાદી સીધી વાતથી આરંભ કરે છે. (૩) વિશિષ્ટ ગુણવત્તાવાળી વાર્તા લખનાર પાત્રસર્જનમાં વાસ્તવિક જીવનના નમૂનાઓ જ રજૂ નથી કરતો, એ એમના આંતરજીવનમાં રસ લે છે. મૂળભૂત રીતે એ દબાણ કે તાણ અનુભવતા લોકોના વાસ્તવિક વર્તનનું અર્થઘટન કરતો મનોવૈજ્ઞાનિક છે. કેટલીક વાર એનાં અર્થઘટનો રોગિષ્ઠ મનોવૃત્તિવાળાં અને આત્યંતિક હોય છે. (૪) સન્નિવેશ (setting)નો (મકાન, ઓરડા, ફર્નિચર, વસ્ત્રો, શેરીઓ, વાહનો વગેરે) ઉપયોગ આ વાર્તાઓ ખૂબ ઓછો કરે છે. કાં તો સન્નિવેશ હોતો નથી અથવા ઘણો અસ્પષ્ટ ઝાંખો સન્નિવેશ હોય છે, અથવા પાત્રને પ્રગટ કરવાની પ્રક્રિયાના એક ભાગરૂપે તે આવે છે. (૫) ક્રિયાની પ્રચુરતા કે બદલાતાં દૃશ્યો અહીં હોતાં નથી. વિશિષ્ટ વાર્તા લખનાર કોઈ એક ક્રિયા કે દૃશ્ય કે એક એકમ રચી લેતી પરસ્પર ગાઢ રીતે સંબદ્ધ ક્રિયાઓની શ્રેણી પૂરતી પોતાની વાત મર્યાદિત રાખે છે અને જેને ‘પ્રસંગાવલંબી’ (episodic) કહી શકાય એવી વાર્તા રચે છે. અથવા આ જાતની વાર્તામાં ક્રિયા મુદ્દલ ન થતી હોય અને આખી વાર્તા પશ્ચાદ્‌દર્શનમાં લગભગ ભાષ્યરૂપે કહેવાયેલી હોય એમ પણ બને. (૬) વિશિષ્ટ વાર્તા સંપૂર્ણ પ્રયોગાત્મક શૈલીથી માંડીને શૈલીના સદંતર અભાવની લાગણી ઊભી થાય તેવી શૈલી સુધીના વિશાળ ક્ષેત્રમાં વિહરે છે. (૭) બજારુ વાર્તા પ્રેમની, મૈત્રીની, દેશભક્તિની, કુટુંબભાવની, માનવશ્રદ્ધાની, ત્યાગ-બલિદાનની સુષ્ઠુ ભાવનાઓને વિષય કરીને ચાલે છે. ગુણવત્તાવાળી વાર્તાઓ આ લૌકિક સંહિતાનો ઇરાદાપૂર્વક ભંગ કરતા વિષયોની પસંદગી કરે છે : જેમ કે, દયા ઘણી વાર આત્મદર્પ જ હોય છે, લગ્ન અત્યંત હીન પ્રકારની ગુલામી સ્થિતિ હોઈ શકે છે, કળાકારને માટે સજાતીય સંભોગ ઉચિત છે, બાળપણ જીવનનો સુખી કાળ નહિ પણ યાતના અને દુઃસ્વપ્નોથી ભરેલી તરંગાવસ્થા છે, દુર્જનો સજ્જનોને પરાભવ આપી શકે છે અને ઘણી વાર આપે છે તથા એમાં અંતે માનવજાતિને ફાયદો પણ થાય છે, વગેરે. રિચાર્ડ સમર્સે નવલેખકોને વ્યવહારુ માર્ગદર્શન રૂપે આ લખેલું છે, એટલે એ લક્ષણોની ચોખ્ખીચટ તારવણી કરે છે. એમાં ક્યાંક થોડી સ્થૂળતા લાગે પણ એકંદરે એ નવી નવલિકાના સ્વરૂપ પર કેટલોક પ્રકાશ ફેંકે જ છે.