zoom in zoom out toggle zoom 

< કવિલોકમાં

કવિલોકમાં/કૃતિ બે ફરાસખાનામાં

From Ekatra Wiki
Revision as of 23:54, 31 March 2025 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| કૃતિ બે ફરાસખાનામાં | }} {{Poem2Open}} મધ્યકાળના સાહિત્યનાં આપણાં મૂલ્યાંકનો ઘણી વાર પ્રમાણભૂત બની રહેતાં નથી. આનું કારણ એ છે કે મધ્યકાળની આપણી સમજ ઊણી પડે છે. આપણે ચાલુ અભિપ્રાયોથ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


કૃતિ બે ફરાસખાનામાં

મધ્યકાળના સાહિત્યનાં આપણાં મૂલ્યાંકનો ઘણી વાર પ્રમાણભૂત બની રહેતાં નથી. આનું કારણ એ છે કે મધ્યકાળની આપણી સમજ ઊણી પડે છે. આપણે ચાલુ અભિપ્રાયોથી દોરવાઈએ છીએ અને ખંડદર્શન કરીને અભિપ્રાયો બાંધીએ છીએ. નરસિંહ, પ્રેમાનંદ, શામળ જેવા સિદ્ધપ્રસિદ્ધ કવિઓની તો પ્રશંસા જ કરવાની હોય એમ માનીને આપણે ચાલીએ અને એમની રચનાઓના નિર્બળ અંશોનાં પણ આપણાથી ગુણગાન થઈ જાય, તો સામે વિશ્વનાથ જાની, ગણપતિ, જયવંતસૂરિ જેવા કવિઓના ખરા ઊંચા કવિત્વને આપણે પારખી ન શકીએ અને એમની ઉચિત કદર કરવામાં આપણે સંકોચ અનુભવીએ.

હા, જયવંતસૂરિ વિશે આવું જ થયું છે. એમની એક અત્યંત સુંદર કૃતિ ‘શૃંગારમંજરી'નો પીએચ.ડી. માટે ઊંડો અભ્યાસ કરનાર કનુભાઈ શેઠ એમને વિશે કહે છે કે “એ ભલે પ્રતિભાશાળી કવિ નથી, પણ એક સારા 'રાસકવિ' તો છે જ.” આ વિધાનમાં જયવંતસૂરિની પ્રતિભાનો સ્વીકાર કરવામાં હિચકિચાટ વરતાય છે. સારા રાસકવિ તે પ્રતિભાશાળી કવિ નહીં? કદાચ, કનુભાઈ શેઠને 'સારા રાસકવિ' એ શબ્દપ્રયોગમાં કથાકથનની શક્તિ જ અભિપ્રેત હોય. પણ છે એથી કંઈક જુદું જ. જયવંતસૂરિની રાસકૃતિઓનો વિશેષ પણ એમાંનું કાવ્યત્વ - વર્ણન, ભાવનિરૂપણ, અલંકારપ્રયોજન, છંદ-લયવિધાન, સમસ્યા-સુભાષિત-પ્રાસરચનાદિનું કૌશલ વગેરે - છે. કથાઓ તો પરંપરાગત છે. જયવંતસૂરિ કવિ પહેલાં છે અને રાસકાર પછી. સાચા અને પૂરા અર્થમાં પ્રતિભાશાળી કહી શકાય એવા એ કવિ છે. કાવ્યનાં સર્વ અંગોની એમની સજ્જતા અસાધારણ છે અને એમની રસદૃષ્ટિ સતેજ છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જેમને ગૌરવભર્યું સ્થાન આપવું પડે એવા એ કવિ છે.