કવિલોકમાં/ઉપાધ્યાય યશોવિજયંજીની સાહિત્યકળા – કેટલાક મુદ્દા
ઉપાધ્યાય યશોવિજયજી મધ્યકાલીન સાહિત્યાકાશના એક અત્યંત તેજસ્વી તારક છે. જ્ઞાનપ્રૌઢિમાં તો એ અજોડ છે. નવ્યન્યાયના આ આચાર્ય ષડ્દર્શનવેત્તા હતા અને કાવ્યશાસ્ત્ર, વ્યાકરણ આદિ અનેક વિદ્યાઓમાં એમની અનવરુદ્ધ ગતિ હતી. આ વિષયોમાં એમણે સંસ્કૃત-પ્રાકૃતમાં અનેક ગ્રંથોની રચના કરી છે. એમનું ગુજરાતી (અને થોડુંક હિંદી) સાહિત્યસર્જન પણ સારા પ્રમાણમાં છે, એમાં રાસ, સંવાદ, સ્તવનસજ્ઝાયાદિ પ્રકારો આવરી લેવાયા છે અને સાંપ્રદાયિક તત્ત્વ-પરામર્શની સાથે સાહિત્યકળાની ઉચ્ચતા જોવા મળે છે. એમણે પોતે નોંધ્યું છે કે ગંગાકાંઠે ‘એં’ એ બીજાક્ષરના જાપથી સરસ્વતી એમના પર તુષ્ટમાન થયાં હતાં અને એમણે એમને તર્ક અને કાવ્યનું વરદાન આપ્યું હતું. એમનું સાહિત્ય જાણે આ હકીકતની સાખ પૂરે છે. એમાં તર્ક એટલે વિચારશક્તિ - બૌદ્ધિકતા અને કાવ્ય એટલે સાહિત્યકળા - રસ-સૌન્દર્યનો મેળ જોવા મળે છે. ‘જંબૂસ્વામી રાસ’માં એમણે કહ્યું છે – તર્કવિષમ પણ કવિનું વયણ સાહિત્યે સુકુમાર, અરિગજગંજન પણ દયિત નારી મૃદુ ઉપચાર. (કવિનું વચન તર્કને કારણે વિષમ, પણ સાહિત્યગુણે કરીને સુકુમાર હોય છે, જેમ શત્રુરૂપી હાથીઓને પરાભવ પમાડનાર પ્રિયતમ નારી પ્રત્યે મૃદુ વ્યવહારવાળો હોય છે.) તે રીતે યશોવિજયજીનું સાહિત્યસર્જન પણ તર્કવિષમ પણ કાવ્યરસમધુર છે. અહીં ગુજરાતી-હિંદી કૃતિઓને સંદર્ભે એમની સાહિત્યકળાની કેટલીક લાક્ષણિકતાઓની સંક્ષિપ્ત નોંધ લેવાનો ઉપક્રમ છે. વિચારવૈદગ્ધ્ય તર્કપાટવ, વિચારબળ, વિદગ્ધતા કે ચાતુર્ય યશોવિજયજીના સાહિત્યનું એક વિશિષ્ટ લક્ષણ છે, કદાચ બીજે ભાગ્યે જ જોવા મળે એવું. ‘સમુદ્રવહાણ સંવાદ’માં સામસામી દલીલોની કેવી પટાબાજી છે! સમુદ્ર મોટાઈનો મહિમા કરે છે તો સામે વહાણ મોટા કરતાં નાના પદાર્થો કેવા ઉપયોગી થાય છે તે બતાવે છે. સમુદ્ર પોતાનું કુલગૌરવ આગળ કરે છે તો વહાણ કુલજન્મ કરતાં સારાંનરસાં કાર્યો જ વધુ મહત્ત્વનાં છે એવું પ્રતિપાદિત કરે છે. આ જ રીતે ગુણગર્વની સામે ગુણનમ્રતા, ધનસંપત્તિ હોવાની સામે એ કામમાં આવે તેમાં સાર્થકતા વગેરે મુદ્દાઓ એક પછી એક મુકાયે જાય છે. આ દલીલબાજીમાં અનેક પૌરાણિક-લૌકિક સંદર્ભો ખપમાં લેવાયા છે. દાખલા તરીકે, ચંદ્ર સાગરમાંથી જન્મ્યો છે એ પૌરાણિક કથાનો લાભ લઈ સાગરને પોતાના પુત્રચંદ્રનો મહિમા ગાતો બતાવ્યો છે તો સામે વહાણને ચંદ્ર તો સાગરના પાપથી નાસીને અંબરવાસી બન્યો છે એવો રોકડો જવાબ પરખાવતો દર્શાવ્યો છે. નાનાપણાનો મહિમા ગાતાં મોટો એરંડો ને નાની ચિત્રાવેલી, મોટું આકાશ અને નાનો ચંદ્ર વગેરેનાં દૃષ્ટાંતો આપ્યાં છે. ‘સમુદ્રવહાણ સંવાદ’માં આવા સંદર્ભો જાણે ધોધની પેઠે ઠલવાતા દેખાય છે અને યશોવિજયનું આપણને પ્રભાવિત કરે એવું પુરાણપરંપરા ને લોકવ્યવ્યહારનું જ્ઞાન પ્રગટ થાય છે. ‘શ્રીપાલ રાસ’માં પતિ મૃગયાને ક્ષત્રિયધર્મ ગણાવે છે ત્યારે પત્ની એની સામે જે રજૂઆત કરે છે તે યશોવિજયજીની વિચારપટુતાનું એક સુંદર ઉદાહરણ છે. પત્ની કહે છે કે : ૧. મોમાં તરણું રાખનાર શત્રુને પણ જીવતો મૂકવો એ ક્ષત્રિયાચાર છે, તો આ તો તરણાંનો જ આહાર કરવાવાળા પશુઓ છે. ૨. નાસે એની સાથે ક્ષત્રિય લડાઈ ન કરે, અશસ્ત્ર સાથે પણ ન કરે તેવો ક્ષત્રિયાચાર છે, તો આ સસલાં તો અશસ્ત્ર છે અને નાસે પણ છે. ક્ષત્રિયધર્મની સામે ક્ષત્રિયધર્મને જ મૂકીને મૃગયામાંથી વારવાનો કેવો યુક્તિપૂર્ણ ઉપાય અહીં અજમાવવામાં આવ્યો છે! યશોવિજયજીની અલંકારરચનાઓમાં પણ એમનાં વિદગ્ધતા અને બુદ્ધિચાતુર્યનું પ્રવર્તન જોવા મળે છે, જેમકે ‘જંબૂસ્વામી રાસ’માં – અધર સુધા, મુખ ચંદ્રમા, વાણી સાકર, બાહુ મૃણાલી રે, તે પેઠી મુજ ચિત્તમાં, તેણે કાયા કહો કિમ બાલી રે. આમાં વિરોધાભાસની રચનામાં બુદ્ધિચાતુર્ય રહેલું છે. બ્રહ્મા આ સૃષ્ટિનું સર્જન કરનાર છે અને સુંદર સ્ત્રીનું સર્જન કરીને બ્રહ્માએ હાથ ધોઈ નાખ્યા એમ કવિઓ વર્ણન કરતા હોય છે. પણ બીજી બાજુથી બ્રહ્માને ‘શ્રુતિજડ’ પણ કહેવામાં આવ્યા છે. એનો લાભ લઈ યશોવિજય એક જુદો જ તર્ક લડાવે છે. ‘શ્રીપાળ રાસ’માં તિલકસુંદરીનું વર્ણન કરતાં તે કહે છે કે - તે તો સૃષ્ટિ છે ચતુર મદન તણી, અંગે જીત્યા સવિ ઉપમાન રે, શ્રુતિજડ જે બ્રહ્મા તેહની રચના છે સકળ સમાન રે. શ્રુતિજડ બ્રહ્માની રચના તો સઘળી સરખી જ છે. ત્યારે તિલકસુંદરી તો અનન્ય છે. એનું સર્જન બ્રહ્માથી કેવી રીતે થાય? એ તો ચતુર મદનનું જ સર્જન. શ્રીપાલના દાનેશ્વરી પણાની વાત કરતાં યશોવિજય કર્ણ કરતાં એનું ચડિયાતાપણું કેવી વક્રતાથી - વ્યંજનાત્મકતાથી સૂચવે છે! – ‘કર્ણ વગેરે લોકોના મનરૂપી ગુપ્તગૃહમાં હતા તેમને છોડાવ્યા’. મતલબ કે કર્ણ વગેરે હવે લોકોના મનમાં ન રહ્યા, શ્રીપાળના દાનેશ્વરીપણાએ એમને ભુલાવી દીધા. તત્ત્વવિચારક યશોવિજયનો પ્રવેશ અલંકારરચનામાં એ રીતે પણ થાય છે કે એ તત્ત્વવિચાર ને ધર્મવિચારના ક્ષેત્રમાંથી ઉપમાનો લાવે છે. અમૂર્તને માટે મૂર્ત પદાર્થોનાં ઉપમાનો યોજવાં એ વ્યાપક રૂઢિ છે. યશોવિજયમાં મૂર્ત પદાર્થો માટે અમૂર્ત વિચારપ્રદેશનાં ઉપમાનો યોજાય છે. જેમકે શ્રીપાળ અને એની આઠ પત્નીઓ વિશે તેઓ કહે છે કે — અડ દિઠ્ઠિ સહિત પણ વિરતિને જિમ વંછે સમકિતવંત રે, અડ પ્રવચનમાતા સહિત મુનિ સમતાને જિમ ગુણવંત રે, અડ બુદ્ધિ સહિત પણ સિદ્ધિને, અડ સિદ્ધિ સહિત પણ મુક્તિ રે. પ્રિયા આઠ સહિત પણ પ્રથમને નિત ધ્યાવે તે ઈણ યુક્તિ રે.
ધર્મવિચારની કૃતિઓમાં યશોવિજયજી પ્રચુરપણે દૃષ્ટાંતો તથા દૃષ્ટાંતકથાઓ ગૂંથે છે. ‘પ્રતિક્રમણ હેતુ ગર્ભિત સ્વાધ્યાય’માં નિંદાપર્યાય માટે આપેલી કથાઓમાં માનવવર્તનના કોયડા રજૂ કરતી બુદ્ધિચાતુર્યયુક્ત કેટલીબધી કથાઓ આપવામાં આવી છે! બુદ્ધિચાતુર્ય તરફનું યશોવિજયનું સવિશેષ આકર્ષણ એમાં વરતાઈ આવે છે. સાંપ્રદાયિક શાસ્ત્રવિચારની કૃતિઓમાં જ્યાં દૃષ્ટાંત ને દૃષ્ટાંત કથાઓનો ઓછોવત્તો ઉપયોગ થયો છે ત્યાં કાવ્યત્વનો એટલે અંશે અનુપ્રવેશ થયો છે, પરંતુ મોટા ભાગની કૃતિઓમાં એવું બની શક્યું નથી. એ યશોવિજયની તીક્ષ્ણ શાસ્ત્રસમજ ને વાદપટુ બુદ્ધિપ્રતિભાનો પરિચય અવશ્ય કરાવે છે. બીજી બાજુ એમનાં પદો વિશાળ અધ્યાત્મવિચાર રજૂ કરે છે ને એમાં એમનો હૃદયભાવ, એમની વાક્છટા, એમણે લીધેલો રૂપકાત્મકતાનો આશ્રય વગેરેને કારણે સર્વસ્પર્શી કાવ્યરૂપતા સિદ્ધિ થઈ છે. અલંકારરચના કાવ્યસૌંદર્યનો એક મહત્ત્વનો સ્ત્રોત આપણે ત્યાં પરંપરાગત રીતે અલંકારો ગણાવાયેલા છે. અલંકાર વિના કાવ્ય નહીં એમ મનાયું છે. કવિની કસોટી પણ અલંકારરચના અને એમાં વ્યક્ત થતી એની કલ્પનાશીલતા. યશોવિજય અલંકારરચનાનું ઘણું કૌશલ બતાવે છે. ઉત્પ્રેક્ષા, ઉપમા, રૂપક, વ્યતિરેક વગેરે વિવિધ અલંકારો યોજે છે, એટલું જ નહીં એમની અલંકારરચનાઓ આગવી મુદ્રા લઈને આવે છે એમણે ઉપમાનો બિનપરંપરાગત ક્ષેત્રોમાંથી શોધ્યાં છે, વિચારના ક્ષેત્રને પણ એમણે એમાં ઉપયોગમાં લીધું છે. અલંકારોની સંકુલ રચનાઓ કરી છે. અલંકારાવલિઓ યોજી છે. વક્રતા અને વ્યંજનાત્મકતાથી એમાં નિગૂઢતા આણી છે ને અપૂર્વ કલ્પનાશીલતા દાખવી છે. થોડાંક એવાં ઉદાહરણો જોઈએ. શ્રીપાળના દાનેશ્વરીપણાનો મહિમા કરતાં કવિ કહે છે કે સુરતરુ સ્વર્ગથી ઊતર્યાં, તપસ્યા કરી અને એની કરઅંગુલી બની રહ્યાં. રૂપક-અલંકારની આ એક પરોક્ષ રચના છે. એ કેટલીબધી અર્થસભર છે! શ્રીપાળની કરઅંગુલીને સુરતરુ તરીકે કલ્પવામાં એ ઇચ્છિત વસ્તુ આપે છે, માગ્યા વિના જ આપે છે અને સદ્ય આપે છે એમ સૂચવાય છે. ઉપરાંત, કરઅંગુલી સુરતરુરૂપ છે એવી સીધી રૂપકરચના કરી નથી, સુરતરુને સ્વર્ગથી ઊતરતાં ને તપસ્યા કરતાં વર્ણવ્યાં છે, તપસ્યાને પરિણામે એ કરઅંગુલી બન્યાં એમ કહ્યું છે. આમાં સુરતરુનો ઉદ્યમ અને કર-અંગુલી બનવામાં એની કૃતાર્થતા વ્યક્ત થાય છે. ખરેખર તો આ રીતે સુરતરુ હોવામાં કરતાં કરઅંગુલી બનવામાં વધારે મહિમા છે એમ સમજાય છે. તો આ વ્યતિરેક અલંકાર કહેવાય? ‘શ્રીપાળ રાસ’માં ચૈત્યોની ભવ્યતા વર્ણવતાં નૂતન કલ્પના કરી છે કે ‘વિધુમંડલ અમૃત આસ્વાદ રે, ધ્વજ-જીહે લીયે અવિવાદ રે.’ ચૈત્યો ધ્વજરૂપી જીભથી ચંદ્રના અમૃતનો જાણે આસ્વાદ કરે છે. ચૈત્યોની ભવ્યતા-દિવ્યતા-અમૃતમયતા અને ધજાઓની ઊંચાઈ આમાં ધ્વનિત થાય છે. આ અલંકાર- રચનામાં રૂપક-ઉત્પ્રેક્ષાની સંસૃષ્ટિ છે. ‘જંબૂસ્વામી રાસ’માં જંબૂસ્વામી નહાય છે તેનું વર્ણન કરતાં એક સરસ ઉત્પ્રેક્ષા ગૂંથી છે – નીચોઈનું પાણી રે, નાહ્યા જંબૂ શિર જાણી રે, લોચ ઢૂકડો માનું એ કેશ આંસુ ઝરે રે. કેશમાંથી નીતરતા પાણીથી એવું લાગે છે કે જાણે લોચ નજીક જાણીને કેશ આંસુ સારી રહ્યા છે. આ કલ્પના ભાવિ કથાઘટનાનો સંકેત કરી જાણે કથાને આગળ લઈ જાય છે. દીક્ષાસજ્જ જંબૂકુમારનું આ વર્ણન જુઓ : ચિત્ત માહીં અણમાતું શુક્લ ધ્યાનનું પૂર, બાહિર આવી લાગ્યું, ઉજ્જ્વલ માનું કપૂર. જંબૂસ્વામીના શરીર પર કપૂરનો લેપ છે તે જાણે શુક્લ ધ્યાનનું પૂર એમના ચિત્તમાં ન સમાતાં બહાર આવ્યું હોય એવું લાગે છે. અહીં ભૌતિક દ્રવ્યને માટે માનસિક વૃત્તિનું ઉપમાન વપરાયું છે એ એક વિશેષતા અને જંબૂકુમારની દેહસજ્જા ઉપરાંત એમની ચિત્તાવસ્થાનું. એમની આધ્યાત્મિક સ્થિતિનું સાથેલાગું વર્ણન થયું છે એ બીજી વિશેષતા. અને આ ઉત્પ્રેક્ષાઓની હારમાળા — શ્રીપાલ-પ્રતાપથી તાપીયો રે લાલ, વિધિ શયન કરે અરવિંદ રે. કરે જલધિવાસ મુકુંદ રે, હર ગંગ ધરે નિસ્પંદ રે, ફરે નાઠા સૂરજ ચંદ રે.... બહ્મા કમલમાં વાસ કરે છે તે જાણે શ્રીપાલના પ્રતાપથી તપ્ત થઈને શીતળતા મેળવવા — આ બધી ઉત્પ્રેક્ષાઓમાં કવિએ પૌરાણિક ને ભૌગોલિક હકીકતોને કામમાં લીધી છે અને એ રીતે શ્રીપાલનો પ્રતાપાતિશય દર્શાવ્યો છે. તો આ રૂપકોની હારમાળા – તમે અંબર, અમે દિશા, તમે તરુઅર, અમે વેલિ, સૂકાં પણ મૂકાં નહિ રે, લાગી રહું રંગરેલિ.
તમે યોગી, અમે વિભૂતિ, તમે અધિકારી, અમે કલમ,
તમે પુણ્ય, અમે વાસના, તમે ભાગ્ય, અમે લલાટરેખા.
તમે સંયમ, અમે ધારણા, તમે રૂપી, અમે રૂપ. તરુઅર-વેલિનું રૂપક તે એકમાત્ર પરંપરાગત રૂપક, બાકી બધાં નવાનકોર. અધિકારી-કલમ જેવાં વ્યવહારજીવનમાંથી લીધેલાં રૂપક, તો અંબર-દિશા જેવાં વિરાટ પ્રકૃતિતત્ત્વનાં રૂપકો. યોગી-વિભૂતિ એ અધ્યાત્મજીવનચર્યાનાં રૂપકો ને બાકીનાં ઘણાં તો અમૂર્ત ગુણો ને વૃત્તિઓનાં રૂપકો. વિરાટથી માંડીને સૂક્ષ્મ તત્ત્વોને આંબી વળતી યશોવિજયની કલ્પનાલીલાનો આ કેવો વિસ્મયકારી પ્રભાવક આવિષ્કાર છે! અને એમાંથી જંબૂસ્વામીની પત્નીઓનો જંબૂસ્વામી સાથે અંશ રૂપે એકત્વનો ભાવ કેવો પ્રબળપણે વ્યક્ત થાય છે! યશોવિજય પરંપરાગત ઉપમાનોનો ઉપયોગ નથી કરતા એવું કંઈ નથી. પણ એની નોંધ લેવાનું અહીં પ્રયોજન નથી. છતાં એક ઉપમાવલિ તો ઉતારીએ જ. આ છે આખું ‘પાર્શ્વનાથજિન સ્તવન’ : વામાનંદન જિનવર, મુનિવરમાં વડો રે, કે મુ૰ જિમ સુર માંહી સુરપતિ પરવડો રે, કે સુ૰ જિમ ગિરિ માંહી સુરાચલ, મૃગ માંહી કેસરી રે, કે મૃ૰ જિમ ચંદન તરુ માંહી, સુભટ માંહી મુરઅરિ રે, કે સુ૰ ૧ નદીયાં માંહી જિમ ગંગ, અનંગ સુરૂપમાં રે, કે અ૰ ફૂલ માંહી અરવિંદ, ભરતપતિ ભૂપમાં રે, કે ભ૰ ઐરાવણ ગજ માંહી, ગરુડ ખગમાં યથા રે, કે ગ૰ તેજવંત માંહી ભાણ, વખાણ માંહી જિનકથા રે, કે વ૰ ૨ મંત્ર માંહી નવકાર, રતન માંહી સુરમણિ રે, કે ર૰ સાગર માંહી સ્વયંભૂરમણ શિરોમણિ રે, કે ર૰ શુક્લ ધ્યાન જિમ ધ્યાનમાં, અતિ નિરમળપણે રે, કે અ૰ શ્રી નયવિજય વિબુધ પય સેવક ઈમ ભણે રે, સે૰ ૩ પરંપરાગત છતાં ધોધની પેઠે આવતાં ઉપમાનો આપણને ખેંચી તો જાય છે જ. પરંપરાગત ઉપમાનોની વચ્ચે જૈન સંપ્રદાયમાંથી આણેલાં ‘વખાણ (વ્યાખ્યાન)માં જિનકથા’ ‘મંત્રમાં નવકાર’ ‘સાગરમાં સ્વયંભૂરમણ (નામનો સાગર)’ ‘ધ્યાનમાં શુક્લ ધ્યાન’ વગેરે ઉત્કૃષ્ટતાદર્શક નવીન ઉપમાનો આપણા લક્ષ બહાર ન જ રહેવાં જોઈએ ને? યશોવિજયજીનો અલંકાર-રસ ઘણો ઉત્કટ છે. વિચારાત્મક-બોધાત્મક વિષયવસ્તુ હોય ત્યાં દૃષ્ટાંતોનો આશ્રય લેવાનું સહજ હોય જ. ઉપરાંત આ કવિ ઉત્પ્રેક્ષાઓ ખૂબ લડાવે છે અને રૂપકોમાં રાચે છે. સુમતિને સખી રૂપે કલ્પે છે ને પંચમહાવ્રત-જહાજ તથા ભવ-સાગર જેવી વિસ્તૃત રૂપકગ્રન્થિઓ રચે છે. એમનાં વર્ણનો, ભાવચિત્રણો વગેરેમાં પણ અલંકારો દાખલ થયા વિના રહેતા નથી. ઘણી વાર તો એ કેવળ આલંકારિક જ બની રહે છે. વસ્તુચિત્ર પ્રત્યક્ષતા, મૂર્તતા એ મહત્ત્વનો કવિધર્મ છે. કવિનું કામ માત્ર કહેવાનું નથી, વસ્તુનો સાક્ષાત્કાર કરાવવાનું છે, વસ્તુનું ચિત્ર આપવાનું છે. વસ્તુના લાક્ષણિક અંશોના વર્ણન દ્વારા આ થઈ શકે. યશોવિજયજી આ કવિધર્મ યોગ્ય રીતે બજાવે છે. કાવ્યના ખરા શ્રોતા - ભાવકની ભાવદશાને યશોવિજય એની ચેષ્ટાઓ - એના અનુભાવો દ્વારા મૂર્ત કરે છે તે જુઓ : શીશ ધુણાવે ચમકિયો, રોમાંચિત કરે દેહ, વિકસિત નયન, વદન મુદા, રસ દિયે શ્રોતા તેહ. દિયર નેમિનાથ સાથે ભાભીઓ હોળી ખેલે છે તેનું ચિત્ર તો રંગીલું અને મદીલું છે: તાલ કંસાલ મૃદંગ સું, રંગ હો હોરી, મધુર બજાવત ચંગ, લાલ રંગ હોરી, ગયબ ગુલાલ નયન ભરે, રં. બઈન બજાવે અનંગ. લાલ રં૰. પિચકારી છાંટે પીયા. રં૰ ભરીભરી કેસરનીર. લાલ રં૰ માનું મદનકીરતીછટા, રં૰ અલવે ઉડાવે અબીર. લાલ રં૰ યોવનમદ મદિરા છકી, રં૰ ગાવત પ્રેમ-ધમાલી. લાલ રં૰ રાચત માચત નાચતી, રં૰ કૌતુક સું કરે આલી. લાલ રં૰ સોહે મુખ તંબોલ સું. રં૰ માનું સંધ્યાયુત ચંદ. લાલ રં૰ પૂરિત કેસર ફુલેલ સું, રં૰ ઝરત મેહ જિઉં બુંદ. લાલ રં૰. થણ ભૂજમૂલ દેખાવતી, રં૰ બાંહ લગાવત કંઠ, લાલ રં૰. હોળીના રંગ-નાદ-ઉત્સવની રેખાઓ કવિએ આબાદ ઝડપી છે અને સ્ત્રીઓની શૃંગારચેષ્ટાઓ વર્ણવવામાં પણ એમણે સંકોચ અનુભવ્યો નથી. એમાં ઝીણું દર્શન પણ કર્યું છે -સ્ત્રીઓ સ્તન અને બાહુમૂલ (બગલ) દેખાડે છે. સમગ્ર વર્ણનમાં એક વાક્છટા તો છે જ, તે ઉપરાંત, અલંકારોક્તિથી વર્ણનના અંશોને પ્રભાવપૂર્ણ ઉઠાવ આપ્યો છે - નયનમાં ગયબ (ગેબ, રહસ્ય, ગૂઢ ભાવ)નો ગુલાલ ભરે છે. અનંગ વીણા બજાવે છે વગેરે. તંબોલભર્યા મુખ માટે સંધ્યાયુક્ત ચંદ્રની ઉત્પ્રેક્ષા કરી છે તેના પર તો વારી જવાય એવું છે. સાગરના કોપનું, એમાં જાગેલા તોફાનનું રૌદ્ર-ભયાનકરસને મૂર્તિમંત કરતું ચિત્રણ ગાઢી વીગતોથી થયેલું છે તથા ચિત્રને ઘેરા રંગ અર્પતા અલંકારોનો પણ ઉપયોગ થયો છે. વહાણના પ્રવાસીઓની ભયભીત મનોદશાને વ્યક્ત કરતા એમના પ્રતિભાવો એ ચિત્રણને એક બીજું પરિમાણ આપે છે. થોડીક કડીઓ નમૂના રૂપે જોઈએ : એહવે વયણે રે હવે કોપેઈ ચડ્યો, સાયર પામ્યો રે ક્ષોભ, પવનઝકોલે રે જલભર ઊછલી, લાગે અંબરમોભ. ૧ ભમરી દેતા રે પવન ફિરીફિરી રે, વાલે અંગતરંગ, અંબરવેદી રે ભેદી આવતા, ભાજે તે ગિરિશૃંગ. ર જલનઈ જોરઈ રે અંબર ઊછલઈ, મચ્છ પુચ્છ કરી વંક, વાહણલોકનઈ રે જો દેખો હુઈ, ધૂમકેતુ શત શંક. ૩ રોષઅગનિનો રે ધૂમ જલધિ તણો, પસર્યો ઘોર અંધાર, ભયભર ત્રાસે રે મશક પરિ તદા, વાહણના લોક હજાર. ૫ છૂટે આડા રે બંધન થંભનાં, ફૂટઈ બહુ ધ્વજદંડ, સૂક વાહણ પણિ છોતા પરિ હુઈ, કુઆથંભ શતખંડ. ૮ (સમુદ્રવહાણ સંવાદ, ઢાળ ૧૩) અને હવે જુઓ તોફાન શમી ગયા પછીની વહાણની નિર્વિઘ્ન, શાંત ગતિનું વર્ણન. પાર્શ્વનાથની કૃપાથી વિઘ્ન ટળ્યું છે તેથી ધર્મભાવથી રંગાયેલી ને પ્રસન્નતાસૂચક ઉત્પ્રેક્ષાઓથી કવિએ એને કેવળ વસ્તુચિત્ર ન રહેવા દેતાં ભાવચિત્ર બનાવી દીધું છે : કુઆથંભ ફિરિ સજ કીઓ હો, માનું નાચકો વંસ, નાચે ફિરતી નર્તકી હો, શ્વેત અંસુર ધરી અંસ. ૪ સોહે મંડિત ચિહું દીસે હો, પટમંડપ ચોસાલ, માનું જયલચ્છી તણો હો, હોત વિવાહ વિશાલ. ૫ બેઠો સોહે પાંજરી હો, કુઆથંભ-અગ્રભાગ, માનું કે પોપટ ખેલતો હો, અંબર-તરૂઅર લાગિ. ૬ નવનિધાન લચ્છી લહી હો, નવ ગ્રહ હુઆ પ્રસન્ન, નવ સઢ તાણ્યા તે ભણી હો, મોહે તિહાં જનમન્ન. ૭ મેઘાડંબર છત્ર વિરાજે, પટમંડપ અતિ ચંગ, બીજે બિહું પખ સોહતા હો, ચામર જલધિતરંગ. ૯. એક વેલિ સાયર તણી હો, દૂજી જનરંગ-રેલી, ત્રીજી પવનની પ્રેરણા હો, વાહણ ચલે નિજ ગેલિ. ૧૦ (સમુદ્રવહાણ સંવાદ, ઢાળ ૧૬) ‘સમુદ્રવહાણ સંવાદ’માં દશમી ઢાળમાં કડખાની દેશીમાં ઝડઝમકભરી વાક્છટામાં પ્રસંગની ભીષણતાને તથા રુદ્રતાને પ્રગટ કરતા અલંકારોથી નૌકાયુદ્ધનું જુસ્સાદાર વર્ણન થયું છે તેમાં શસ્ત્રાસ્ત્રોની રમઝટ સાથે યોદ્ધાઓના રણોત્સાહને પણ કવિએ વણી લીધો હોવાથી એ વર્ણનને સભરતા સાંપડી છે. થોડીક કડીઓ જુઓ : કાલ—વિકરાલ કરવાલ ઉલાળતા, ફૂંકે મૂકે પ્રબલ વ્યાલ સિરખી, જૂઠ અતિ દુઠ જન સુખ સરમોહતા, યમમહિષ સાંભરે જેહ નિરખી. ૨ હાથિ હથિયાર શિર ટોપ આરોપિયા, અંગિ સન્નાહ ભુજ વીર વલયાં, ઝલકતે નૂર દલપુર બિહું તબ મલ્યાં, વીરરસ જલધિ ઊધાંણ વિલયાં. ૪ ભંડ બહ્મંડ શતખંડ જે કરી સકે, ઊછલે તેહવા નાલિ-ગોલા, વરસતા અગન રણમગન રોસે ભર્યા. માનું એ યમ તણા નયન-ડોલા ૯ વર્ણનોમાંયે યશોવિજયજીનું પાંકિત્ય અછતું રહેતું નથી — વીગતો એમની જાણકારી બતાવે છે. અલંકારો એમનું વિશ્વજ્ઞાન ને એમની કલ્પનાશીલતા બતાવે છે, શબ્દરાશિ ને અભિવ્યક્તિ એમની વાગ્વિદગ્ધતા. ‘શ્રીપાલ રાસ’ના યુદ્ધવર્ણનના નીચેના અંશમાં એમનાં પાંડિત્ય ને વાગ્વિદગ્ધતા કેવાં પ્રગટ થયાં છે! — નીર જિમ તીર વરસે સદા યોધઘન, સંચરે બગ પરેં ધવલ નેજા. ગાજ દલસાજ ઋતુ આઈ પાઉસ તણી, વીજ જિમ કુંત ચમકે સતેજા. કોઈ છેદે શરેં અરિ તણાં શિર સુભટ, આવતાં કોઈ અરિબાણ ઝીલે, કેઈ અસિછિન્ન કરિકુંભ-મુક્તાફલેં બહ્મરથવિહગમુખ ગ્રાસ વાલે. યુદ્ધને વર્ષાઋિતુનું રૂપક આપ્યું છે તે તો સમજાય એવું છે – યોદ્ધારૂપી વાદળ, તીરરૂપી નીર, બગલા જેવી ધજાઓ, વીજળીની જેમ ચમકતા ભાલાઓ વગેરે. પણ છેદો મુકાયેલી કલ્પનામાં અભિવ્યક્તિનો કેવો મરોડ છે ને કેવી સઘનતાથી રજૂ થયો છે! કેટલાક વીરો પોતાની તલવારથી હાથીઓનાં કુંભસ્થળને વિદારે છે અને એનાં મોતીઓનો ચારો ‘બ્રહ્મરથવિહગમુખ’ને ધરે છે. બ્રહ્માના વાહનરૂપ પંખી એટલે હંસ, તેને મુખે. બ્રહ્મા હંસવાહન છે એ પૌરાણિક માન્યતા અને હંસ મોતીનો ચારો ચરનારા છે એ કવિસમય આપણી સ્મૃતિમાં ન આવે તો યશોવિજયની કલ્પના આપણી પહોંચ બહાર જ રહે. કવિએ પાંડિત્ય લડાવ્યું છે ને? વસ્તુનું સીધું, ઈન્દ્રિયપ્રત્યક્ષ વર્ણન કરવાને બદલે વસ્તુના પ્રભાવનું, એના મહિમાનું વર્ણન કરવું એ કવિમાન્ય રીતિ છે. એથી વસ્તુનો વર્ણનાતીત ગુણાતિશય આપણા હૃદયને નિબિડપણે પ્રતીત થાય છે. યશોવિજયજીને આવું મહિમાગાન કરવાનું ઘણું ગમે છે. જેમકે, ‘શ્રીપાળ રાસ’માં ત્રૈલોક્યસુંદરીના સૌન્દર્યનું વર્ણન કરતાં તેઓ કહે છે - રોમાગ્ર નિરખે તેહને, બ્રહ્માદ્વય અનુભવ હોય રે, સ્મર-અદ્વય પૂરણ દર્શને, તેહને તોલ્ય નહીં કોય રે. એના રોમાગ્રને નિરખવાથી બ્રહ્મ સાથેના અદ્વૈત જેવો અનુભવ થાય છે, તો એનું પૂરું દર્શન થતાં તો સ્મર (કામભાવ) સાથેના અદ્વૈતનો અનુભવ. સૌન્દર્યાનુભવની આ બે કોટિઓ કેવી વિલક્ષણ છે ને બ્રહ્મ-અદ્વૈતની ઉપર સ્મર-અદ્વૈતને મૂકવામાં શૃંગારભાવનો કેવો અદ્ભુત મહિમા રહેલો છે! સાધુ-કવિ યશોવિજયજીનો આ ઉદ્ગાર છે તેથી એ વધુ નોંધપાત્ર બને છે. ભાવચિત્રો : પ્રીતિભાવ પ્રભાવક વસ્તુચિત્રો જ નહીં, મર્મસ્પર્શી ભાવચિત્રો પણ યશોવિજયજીની કલમેથી આપણને સાંપડે છે. ‘જંબૂસ્વામી રાસ’માં ભંવદત્ત મુનિ પોતાના ભાઈ ભવદેવ સમક્ષ પોતાની બાલ્યાવસ્થાને સંભારે છે તેમાં વતનપ્રેમ અને અતીતાનુરાગ કેવાં સાથેલાગાં વ્યક્ત થયાં છે! કેવાં હૃદયંગમ રીતે વ્યક્ત થયાં છે! ને વતનનું એક મધુરું ચિત્ર એમાંથી ઊપસે છે તે તો લટકાનું - ગામસીમ એ રૂખડાં, મોહનગારાં હુંત, વાનર પરે ચઢતા જિહાં, આપણ બેઉ રમંત. તેહ સરોવર, તેહ જલ, તેહ તીર મનોહાર, કંઠે આરોપ્યા જિહાં, તાલ નલીનના હાર. સોહે એહ જ વાલુકા, ઉજ્જ્વલ જેસી કપૂર, બાલલીલાએ આપણે, કર્યા જિહાં ઘર ભૂરિ. પંડિત કવિ યશોવિજયજી કેવા હળવા અને લોકહૃદયગમ્ય બની શકે છે તેનું આ એક સરસ ઉદાહરણ છે. જંબૂસ્વામી પ્રત્યે એની પત્નીઓ ‘તમે અંબર અમે દિશા’ એમ કરીને જે ઉદ્ગારો કરે છે તે આપણે આગળ નોંધી ગયા. એ પણ વસ્તુતઃ ઉત્કટ પ્રેમભાવનું ચિત્ર છે — ભક્તિરંજિત પ્રેમભાવનું, કેમકે એમાં પ્રિયતમના અંશરૂપ બની રહેવાની અભિલાષા વ્યક્ત થઈ છે. એ ઉદ્ગારો પણ ઉપાધ્યાયજીની સરળ સર્વસ્પર્શી અભિવ્યક્તિનું ઉદાહરણ છે. યશોવિજયજીમાં લૌકિક પ્રીતિભાવનાં ચિત્રો ખાસ ન મળે એ સમજાય એવું છે. પણ નેમ-રાજુલને નિમિત્તે એમણે વિરહપ્રીતિ ને એના સંચારિભાવો તીક્ષ્ણતાથી અને પ્રબલતાથી આલેખ્યાં છે. રાજુલના ઉદ્ગારો રૂપે આ ભાવચિત્રો આપણને પ્રાપ્ત થાય છે. એની વ્યાકુળતા જુઓ - મનકી લગની ભર અગની સી લાગે, અલી! કલ ન પરત કછુ કહા કહું બતીયાં. એની તીવ્ર તરસ જુઓ, ઊછળતા ઉમંગો જુઓ – ગુન ગૃહો, જશ બહો, ધરિ રહો, સુખ લહો, દુઃખ ગમો, મુઝ સમો રંગ રમો રતિયાં. દુઃખ પર દુઃખ ખડકાઈ રહ્યાની, દુઃખ ઘૂંટાઈ રહ્યાની એની લાગણી જુઓ - એક યૌવન, બીજું મદન સંતાપઈ રે, ત્રીજું વિરહ કલેજું કાપઈ રે, ચોથું તે પિઉપિઉ પિક પોકારઈ રે, દુઃખિયાનું દુઃખ કોઈ ન વારઈ રે. આશા નિરાશામાં પલટાવાની વેદના તો કેવી ભારે હોય? પૂર્વ દિશા રાતી દેખાય છે, પણ પછી સૂર્ય ઊગતો દેખાતો જ નથી! પૂર્વ દિશા રાતી લાગી તે તો, હાય, રોતી (ને તેથી રાતી) આંખને લીધે! - નીંદ ન આવઈ ઝબકી જાગું રે, પૂરવ દિસિ જઈ જોવા લાગું રે, રોતાં દીસે રાતડી નયણે રે, કિમહી ન દીસે પણિ તે ગયણિ રે. એ નરી નિ:સહાયતા અનુભવે છે – પિઉ અવલઈ કુણ સવલો થાઈ રે? સર્વ ઉપાયો પણ, અરેરે, નિરર્થક જઈ રહ્યા છે - નેહગહેલી દુરબલ થાઉં રે, માનું જિમતિમ પિઉ-મનિ માઉં રે, પણ નવિ જાણ્યું એ ન ઉપાયો રે, પ્રીતિ પરાણિ કિમઈ ન થાયો રે. વિરહિણી નારીને માટે જગતના પદાર્થો કેવા વિષમ-વિપરીત થઈ જાય છે ને એનું મન કેવીકેવી કલ્પનાઓ કરે છે! મનમાં ભારોભાર કટુતા વ્યાપી વળી છે – કોકિલ બોલઈ ટાઢુંમીઠું રે, મુઝ મનિ તો તે લાગઇ અંગીઠું રે, વિરહ જગાવી વિરહિણી બાલી રે, તે પાપઈ તે થઈ છઈ કાલી રે. પોતાનો ત્યાગ કરનાર પ્રિયતમને એનું દગ્ધ સ્ત્રીહૃદય માર્મિક કટાક્ષપ્રહારો કરે છે – ચંદ્ર કલંકી જેહથી રે હાં, રામ ને સીતા વિયોગ, તેહ કુરંગને વયણડે રે હાં, પતિઆવે કુણ લોક? ઉતારી હું ચિત્તથી રે હાં, મુગતિ ધુતારી હેત, સિદ્ધ અનંતે ભોગવી રે હાં, તેહ સ્યુ કવણ સંકેત? પ્રીતિ કરતાં સાહેલી રે હાં, નિરવહતાં જંજાલ, જેહવો વ્યાલ ખેલવવો રે હાં, જેહવી અગનની ઝાળ. ધૃષ્ટ બની એ પ્રિયતમને આમંત્રણ આપે છે - આઓ ને મંદિર વિલસો ભોગ, બૂઢાપન મેં લીજે યોગ. છેવટે તો રાજુલનો અખંડ એકનિષ્ઠ પ્રીતિભાવ લૌકિકત્વ છોડી અલૌકિકત્વ પ્રાપ્ત કરે છે. અને એ પ્રાર્થે છે — જો વિવાહ-અવસર દિઓ રે હાં, હાથ ઉપર નહિ હાથ, દીક્ષા અવસર દીજીયે રે હાં, શિર ઉપર જગનાથ. ને અધ્યાત્મસહચારનો દિવ્ય રસાનંદ એ પ્રાપ્ત કરે છે - કંતે દીનું કેવલજ્ઞાન, કીધી પ્યારી આપ સમાન મુગતિમહેલમેં ખેલે દોઈ... રાજુલના ભાવવિવર્તો અને અ-સામાન્ય ભાવપલટાને તાદૃશતાથી ને ચમત્કૃતિભરી રીતે આલેખી આપવામાં યશોવિજયજીનું મનોરમ કવિકૌશલ રહેલું છે. પ્રેમભક્તિભાવ યશોવિજયજીમાં આપણને વધારે મળે છે તે તો જિનેશ્વર દેવ પ્રત્યેના એમના પોતાના હૃદયના પ્રેમભક્તિના ભાવોનું આલેખન. હા, માત્ર ભક્તિના નહીં. પ્રેમભક્તિના ભાવો. એમની સ્તવનરચનાઓમાં બહુધા જિનપ્રભુને સીધું સંબોધન છે અને એમાં પ્રભુદર્શનનો ઉમળકો, ગુણાનુરાગ, અને અનન્યનિષ્ઠા જ નહીં, પણ અવિભંગ પ્રકટ પ્રીતિનો ભાવ, પ્રિયમિલનના વિલંબની અસહ્યતા, એકાંત ગોષ્ઠિની ઝંખના, આર્જવ અનુનય, અસમાન વચ્ચેની પ્રીતિની વિષમતા-વિલક્ષણતા, પોતાનું પ્રેમસાહસ વગેરે ભાવો પણ સમાવેશ પામ્યા છે. જુઓ :
- હુઓ છીપે નહિ અધર અરુણ જિમ, ખાતાં પાન સુરંગ,
પીવત ભરભર પ્રભુગુણપ્યાલા, તિમ મુજ પ્રેમ અભંગ. ઢાંકી ઇક્ષુ પરાળ શું જી, ન રહે લહિ વિસ્તાર, વાચક જશ કહે પ્રભુ તણો જી, તિમ મુજ પ્રેમપ્રકાર.
- આવો આવો રે ચતુર સુખભોગી, કીજે વાત એકાંત અભોગી,
ગુણગોઠે પ્રગટે પ્રેમ. ઓછું અધિક પણ કહે રે, આસંગાયત જેહ, આપે ફળ જે અણકહ્યાં રે, ગિરૂઓ સાહિબ તેહ. દીન કહ્યા વિણ દાનથી રે, દાતાની વધે મામ, જળ દીનેં ચાતક ખીજવી રે, મેઘ હુઓ તેણે શ્યામ. મોડુંવહેલું આપવું રે, તો શી ઢીલ કરાય, વાચક જશ કહે જગધણી રે, તુમ તૂઠે સુખ થાય.
- લઘુ પણ હું તુમ મનિ નવિ માઉં રે, જગગુરુ, તુમને દિલમાં લાવું રે,
કુણને દીજે એ શાબાશી રે, કહો શ્રી સુવિધિ જિણંદ વિમાસી રે. મુજ મન-અણુ માંહિ ભક્તિ છે ઝાઝી રે....
- તુમે બહુ મૈત્રી રે સાહિબા, માહરે તો મન એક,
તુમ વિણ બીજો રે નહિ ગમે, એ મુજ મોટી રે ટેક.
- અંતરયામી સવિ લહો, અમ મનની જે છે વાત હો,
મા આગળ મોસાળનાં, શ્યા વરણવવા અવદાત હો. જાણો તો તાણો કિશ્યું, સેવાફળ દીજે દેવ હો, વાચક જશ કહે ઢીલની, એ ન ગમે મુજ મન ટેવ હો.
- અમે પણ તુમ શું કામણ કરશું...
- મેં રાગી પ્રભુ થેં છો નિરાગી, અણજુગતે હોએ હાંસી,
એક પખે જે નેહ નિરવહવો, તેમાં કિસી શાબાશી. નિરાગી સેવે કાંઈ હોવે, ઈમ મનમેં નવિ આણું, ફળે અચેતન પણ જિમ સુરમણિ, તિમ તુમ ભક્તિ પ્રમાણું.
- પ્રેમ બંધાણો તે તો જાણો, નિરવહશ્યો તો હોશે પ્રમાણો.
વાચક જશ વિનવે જિનરાજ, બાંહ્ય ગ્રહ્યાની તુજને લાજ.
- અણદીઠે અલજો ઘણો, દીઠે તૃપતિ ન હોઈ રે.
- સાસ પહિલાં સાંભરે રે, મુખ દીઠે સુખ હોય,
વિસાર્યા નવિ વિસરે રે, તેહ શ્યું હઠ કિમ હોય રે.
- મુખ દેખી ટીલું કરે રે, તે નવિ હોવે પ્રમાણ,
મુજરો માને સવિ તણો રે, સાહિબ તેહ સુજાણ.
- મસિ વિણ જે લિખ્યા તુજ ગુણે, અક્ષર પ્રેમના ચિત્ત રે,
ધોઈએ તિમતિમ ઉઘડે, ભગતિજલે તેહ નિત્ય રે.
- નીરખીનઈ, નીરખીનઈ, મઈ લોઅણ અમિઅ પખાલિઆં.
- મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી.
આત્મરતિભાવ યશોવિજયની કેટલીક રચનાઓમાં એક જુદી જ ભાવદશાનું આવિષ્કરણ છે. એ છે અધ્યાત્મયોગીની મસ્ત મનોદશા, આત્મરમણાનો આનંદ. સમતા સમ્યક્ત્વ અને સુબુદ્ધિ - અનુભવજ્ઞાન એનાં મુખ્ય લક્ષણો છે. નિર્ગ્રન્થપણું, પ્રેમમયતા, ધીરતા, નિર્દભતા, મોહમાયાનિરાસ, પરમ તૃપ્તિ - આ બધાંથી ભરીભરી એ ચિત્તસ્થિતિ છે. આ ચિત્તસ્થિતિનું સીધું ને વીગતે વર્ણન તો ‘શ્રીપાળ રાસ’ની છેલ્લી ઢાળમાં થયેલું છે – તૂઠો તૂઠો રે મુઝ સાહિબ જગનો તૂઠો, એ શ્રીપાળનો રાસ કરંતા, જ્ઞાનઅમૃતરસ વૂઠો રે. ૧ ઉદકપયોઅમૃતકલ્પ જ્ઞાન તિહાં, ત્રીજો અમૃત મીઠો, તે વિણ સકળ તૃષા કિમ ભાંજે, અનુભવ પ્રેમગરીઠો રે. ૩ ઊગ્યો સમકિત-રવિ ઝળહળતો, ભરમતિમિર સવિ નાઠો, તગતગતા દુર્નય જે તારા, તેહનો બળ પણ ઘાઠો રે. ૧૧ મેરુધીરતા સવિ હર લીની, રહ્યો તે કેવળ ભાઠો, હરી સુરઘટ સુરતરુકી શોભા, તે તો માટી-કાઠો રે. ૧૨ હરવ્યો અનુભવ જોર હતો જે, મોહમલ્લ જગલૂંઠો, પરિપરિ તેહના મર્મ દેખાવી, ભારે કીધો ભૂંઠો રે. ૧૩ થોડે પણ દંભે દુખ પામ્યા, પીઠ અને મહાપીઠો, અનુભવવંત તે દંભ ન રાખે, દંભ ધરે તે ધીઠો રે. ૧૫ ‘આનંદઘન અષ્ટપદી’માં આનંદઘનના અને એમના સ્પર્શે યશોવિજયમાં પ્રગટેલા આત્મરતિના ભાવનો પ્રબળ ઉદ્ગાર છે :
- મારગ ચલતચલત ગાત આનંદઘન પ્યારે, રહત આનંદ ભરપૂર,
તાકો સરૂપ ભૂપ, ત્રિહું લોકથે ન્યારો, વરસત મુખ પર નૂર.
- સુમતિ સખિ ઓર નવલ આનંદઘન મિલ રહે ગંગતરંગ.
- કોઉ આનંદધન છિદ્ર હી પેખત, જસરાય સંગ ચડી આયા,
આનંદઘન આનંદરસ ઝીલત, દેખત હી જસ ગુણ ગાયા.
- એ રી આજ આનંદ ભયો, મેરે તેરો મુખ નિરખનિરખ,
રોમરોમ શીતલ ભય અંગોઅંગ. શુદ્ધ સમજણ સમતા-રસ ઝીલત, આનંદઘન ભયો અનંતરંગ. * આનંદઘનકે સંગ સુજસ હી મિલે જબ, * તબ આનંદ સમ ભર્યો સુજસ, પારસ સંગ લોહા જો ફરસત, કંચન હોત હી તાકે કસ. ખીરનીર જો મિલ રહે આનંદ જસ, સુમતિ સખિકે સંગ ભયો હે એકરસ, ભવ ખપાઈ સુજસ વિલાસ ભયે, સિદ્ધ સ્વરૂપ લિયે ધસમસ. સમતા અને સુમતિને સખી તરીકે કલ્પી યશોવિજય આત્મરમણાને શૃંગાર-ક્રીડાનું રૂપ આપે છે એ ખાસ ધ્યાન ખેંચે એવું છે. આત્માનુભવ એ રસપૂર્ણ ભાવદશા છે એમ આથી સૂચવાય છે. નીચેના પદમાં જ્ઞાનીની સંયોગપ્રીતિને અને એની મસ્ત આનંદદશાને શંકરપાર્વતીગંગાના દૃષ્ટાંતથી હૃદયંગમ રીતે વર્ણવી છે : અજબ બની હે જોરી, અર્ધાંગ ધરી હે ગોરી. શંકર શંક હિ છોરી, ગંગ સિર ધરી હે. પ્રેમકે પીવત પ્યાલે, હોત મહા મતવાલે, ન ચલત તિહૂ પાલે, અસવારી ખરી હે. જ્ઞાનીકો એસો ઉત્સાહ, સમતાકે ગલે બાંહ, શિર પર જગનાહ-આણ, સુર-સરી રહે. લોકકે પ્રવાહ નાંહિ, સુજસ વિલાસ માંહિ, ચિદાનંદઘન છાંહિ, રતિ અનુસરી હે. પોતાની આ કલ્પનાને અનુસરી યશોવિજય ચેતન સુમતિને છોડી મમતા સાથે પ્રીતિ જોડે છે ત્યારે સુમતિની વિરહદશાની વ્યાકુળતા આલેખે છે – કબ ઘર ચેતન આવેંગે? મેરે કબ ઘર ચેતન આવેંગે? સખિરિ, લેવું બલૈયા બારબાર, મેરે કબ ઘર ચેતન આવેંગે? રેનદીના માનુ ધ્યાન તું સાઢા, કબહુંકે દરસ દિખાવેંગે? વિરહદીવાની કિરૂં ઢૂંઢતી, પીઉપીઉ કરકે પોકારેંગે, પિઉં જાય મલે મમતાસે, કાલ અનંત ગમાવેંગે. તો વળી ચેતનાનો એના પ્રિયતમથી આનંદાનુભવથી વિરહ પણ આલેખાયો છે. એમાં સુમતિસખીને પ્રિયતમને મનાવવાની વિનંતી કરવામાં આવી છે – કંત બિનુ કહો કૌન ગતિ ન્યારી, સુમતિસખી, જઈ વેગેં મનાવો, કહે ચેતના પ્યારી. ધન કન કંચન મહોલ માલિએં. પિઉ બિન સબ હિ ઉજારી, નિદ્રાયોગ લહું સુખ નાંહિ, પિયુવિયોગ તનુ જારી. તોરેં પ્રીત પરાઈ દુરજન, અછતેં દોષ પુકારી, ઘરભંજન કે કહન ન કીજે, કીજે કાજ વિચારી. વિભ્રમ મોહ મહામદ બિજુરી, માયા રેન અંધારી, ગર્જિત અરતિ લવેં રતિ દાદુર, કામકી ભઈ અસવારી. પિઉ મિલવેકું મુઝ મન તલફે, મેં પિઉ-ખિજમતગારી, ભુરકી દેઈ ગયો પિઉ મુઝકું ન લહે પીર પિયારી. અલબત્ત, પ્રિયતમ પછી આવે છે ને ‘ચિદાનંદઘન સુજસ વિનોદે, રમે રંગ અનુસારી.’ જોઈ શકાય છે કે આધ્યાત્મિક ભાવદશાઓને પણ સ્પર્શક્ષમ રૂપ આપવાનું યશોવિજયજીએ ઇચ્છ્યું છે અને એમાં એમને પૂરતી કામયાબી મળી છે. પદ્યબંધ-પદાવલિપ્રભુત્વ સાહિત્યકળાનાં અન્ય સર્વ અંગો પરનું યશોવિજયનું પ્રભુત્વ પ્રશસ્ય છે. દુહા-ચોપાઈ આદિ છંદો અને અનેક દેશીઓ એ અધિકારપૂર્વક વાપરે છે. દેશીઓનું વૈવિધ્ય સાહિત્યપરંપરા સાથેનો એમનો ગાઢ નાતો બતાવે છે. યુદ્ધવર્ણનને કડખાની દેશીમાં આલેખતા યશોવિજય પાસે છંદના ઔચિત્યની પણ સૂઝ છે એમ દેખાઈ આવે છે. પદ્યબંધની કેટલીક આકર્ષક છટાઓ પણ યશોવિજયે નિર્મી છે. જેમકે વિવિધ પ્રકારની ધ્રુવાઓ એમણે યોજી છે ને લાંબે સુધી ખેંચાતા પ્રાસ એમણે સાધ્યા છે. પ્રાસસાંકળી, પંક્તિઅંતર્ગત પ્રાસો, શબ્દોને બેવડાવવાની રીતિ વગેરેથી એમણે પદ્યછટા જ નહીં વાક્છટા પણ ઊભી કરી છે. થોડાંક ઉદાહરણો જોઈએ :
- દીઠી હો પ્રભુ દીઠી જગગુરુ તુજ,
મૂરતિ હો પ્રભુ મૂરતિ મોહનવેલડીજી.
- શ્રી અનંતજિન શું કરી, સાહેલડિયાં,
ચોલમજીઠનો રંગ રે, ગુણવેલડિયાં, સાચો રંગ તે ધર્મનો, સાહેલડિયાં, બીજો રંગ પતંગ રે, ગુણવેલડિયાં.
- મોરા સ્વામી ચંદ્રપ્રભ જિનરાય, વિનંતડી અવધારિયે જી રે જી,
મોરા સ્વામી તુમ્હે છો દીન દયાલ, ભવજલથી મુજ તારીયે જી રે જી.
- ધરમનાથ તુજ સરિખો, સાહિબ શિર થકે રે કે સાહિબ શિર થકે રે.
- ચોર જોર જે ફોરવે, મુજ શ્યું ઈક મતે રે કે મુજ શ્યું ઇક મતે રે.
- આઠમિંઈ અંગઈ એ કહિયા રે, લાલનાં,
વલિ અનેક મુનિચંદ રે, વઇરાગી લાલનાં, સુમુખ દુમુખ કુરવા ભલા રે, લાલનાં, વસુદેવ-ધારણી-નંદ રે, વઈરાગી લાલનાં.
- શરણાગત ત્રાતા રે, તૂ દોલતિ-દાતા રે, હવઈં દીજઈં મુજ સાતા
સમકિત-શુદ્ધિની રે.
- પ્રભુ ધરી પીઠિ વેતાલ બાલ, સાત તાલ લોં વાધે,
કાલ રૂપ વિકરાલ ભયંકર, લાગત અંબર આધે.
- સમરીએ સરસતી વરસતી વચનસુધા ઘણી રે.
વીર જિનેસર કેસર અરચિત જગધણી રે. રાજ નયર વર ભૂષણ દૂષણ ટાળતો રે, ઘુણસ્યું ગુણકરણે જગ અજુઆલતો રે.
- ઉન્નતપુરમંડન જિન તું જયો, ઠકુરાઈ તુજ જોર,
તુજ મુખ, તુજ મુખ દીઠઈં હો મુજ હિયડું ઠરઈ, જિમ ઘન દીઠઈં મોર, હું તુજ ઉપરિ અહિનશિ ભાવિઓ, તુમ કેમ રહો ઉદાસ, આસંગઈં આસંગઈં અધિકેરાં હો વયણ ન ભાસિઈં, જેહની કીજઈં આસ.
- બાલા રૂપશાલા ગલે માલા સોહે મોતિન કી,
કરે નૃત્યચાલા ગોરી ટોરી મિલિ ભોરી સી.
- સયનકી નયનકી બયનકી છબી નીકો,
મયનકી ગોરી તકી લગી મોહિ અવિયાં. યશોવિજયજીનો શબ્દરાશિ વિરલ સંસ્કૃત શબ્દોથી માંડીને તળપદી બોલીના શબ્દો સુધીનો વ્યાપ બતાવે છે. એમણે વ્રજહિંદીમાં રચનાઓ કરી છે એ ઉપરાંત એમની ગુજરાતી કૃતિઓમાં હિંદીની છાંટ મળે છે. ‘ખિજમત’ જેવા ઘણા ફારસી શબ્દો પણ પ્રયોજાય છે. પ્રાસ, યમક, શ્લેષ અને અન્ય અલંકારોને નિમિત્તે પણ યશોવિજયજીની શબ્દસમૃદ્ધિ પ્રગટ થાય છે. વિવિધ સ્તરના શબ્દો, સઘન ઉક્તિઓ તથા ફૂટ અલંકારરચનાઓને કારણે યશોવિજયજીની ભાષાભિવ્યક્તિ પંડિતાઈની મુદ્રા વારંવાર ધારણ કરે છે, કેટલીક વાર એ દુર્બોધ પણ બને છે. પરંતુ એમાં ઔચિત્ય અને અર્થસમર્પકતા હમેશાં જોઈ શકાય છે. તત્ત્વવિચાર તરફનું વલણ, વસ્તુરૂપનું માર્મિક ગ્રહણ, અલંકાર આદિ કવિકૌશલો પરનું પ્રભુત્વ વગેરેથી પોતાની આગવી કવિપ્રતિમા સર્જનાર યશોવિજય મધ્યકાલીન ગુજરાતી સાહિત્યદરબારમાં ઊંચા આસનના અધિકારી છે.
ઉપાધ્યાય યશોવિજય સ્વાધ્યાય ગ્રંથ સંપા. પ્રધુમ્નવિજયગણિ, જયંત કોઠારી, કાંતિભાઈ શાહ, ૧૯૯૩