સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – મણિલાલ દ્વિવેદી/વિવેચક-પરિચય

From Ekatra Wiki
Revision as of 07:45, 6 April 2025 by Shnehrashmi (talk | contribs)
Jump to navigation Jump to search


વિવેચક-પરિચય

મણિલાલ દ્વિવેદી

ગુજરાતી સાહિત્યના પંડિતયુગમાં મણિલાલ દ્વિવેદી એક પ્રતિભાસંપન્ન સર્જક અને સમર્થ તત્ત્વચિંતક તરીકે આગવું સ્થાન ધરાવે છે.

મણિલાલ ધ્યેયલક્ષી સાહિત્યકાર હતા. એમનું જીવનદર્શન અને તત્ત્વદર્શન મૂળતઃ શાંકર અદ્વૈતના વિચારથી પ્રભાવિત છે. એમણે આ દર્શનના વ્યાપક સ્વીકારને પોતાના જીવનનો એક હેતુ માન્યો હતો. એમના સાક્ષરજીવનનો એક બહુ મોટો હિસ્સો આ દર્શનને વ્યાપક માન્યતા અપાવવા માટે ખરચાયો હતો. અને એ કારણે એમનાં લખાણોમાં અભેદવિચાર એક અથવા બીજી રીતે દેખા દે છે. ૧૮૯૮માં તેમનું અવસાન થયું ત્યાં સુધી 'પ્રિયંવદા' અને 'સુદર્શન' સામયિકોમાં લેખો લખીને ગુજરાતી પ્રજાને સ્વધર્મ અને સ્વસંસ્કાર પ્રત્યે જાગૃત કરવાનો એમણે બૌદ્ધિક પુરુસાર્થ કર્યો હતો.

૧૮૯૩માં શિકાગોમાં ભરાયેલી પાર્લામેન્ટ ઑફ વર્લ્ડ રિલીજીયનમાં પેપર વાંચવા માટે એમને આમંત્રણ મળ્યું હતું પરંતુ નાદુરસ્ત તબિયતના કારણે જઈ ન્હોતા શક્યા. છતાં એમને મોકલેલું પેપર ત્યાં વાંચવામાં આવ્યું હતું. સ્વામી વિવેકાનંદે આ પાર્લામેન્ટમાં હાજરી આપી ત્યારબાદ તેઓ એક વિદ્વાન તત્ત્વજ્ઞ તરીકે વિશ્વસ્વીકૃતિ પામ્યા. મણિલાલે જો આ પાર્લામેન્ટમાં હાજરી આપી હોત તો કદાચ ગુજરાતી સાહિત્યનો જ નહીં પણ સમગ્ર ભારતીય તત્ત્વજ્ઞાનનો ઇતિહાસ કૈંક અલગ હોત. – અનંત રાઠોડ