zoom in zoom out toggle zoom 

< સાફલ્યટાણું

સાફલ્યટાણું/૧૪. એ મુક્ત વાતાવરણ

From Ekatra Wiki
Revision as of 14:20, 6 April 2025 by Kamalthobhani (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૧૪. એ મુક્ત વાતાવરણ

મને સરકારી કૉલેજમાં આ પહેલાં કે તે પછી ભણવાની તક મળી ન હતી તેથી ત્યાંના વાતાવરણ અને શિસ્તનો મને અનુભવ ન હતો; પરંતુ મુંબઈના રાષ્ટ્રીય મહાવિદ્યાલયમાં મેં જે થોડાક દિવસ ગાળ્યા તે ઉપરથી યુનિવર્સિટી કક્ષાએ અધ્યયન કેવું હોઈ શકે એનો મને કાંઈક ખ્યાલ આવ્યો હતો. અમારો વર્ગો પ્રમાણમાં નાના હતા. એના પરિણામે અધ્યાપકો અને વિદ્યાર્થીઓ વચ્ચે આદાનપ્રદાનની ઘણી અનુકૂળતા રહેતી. અધ્યાપક એક મુદ્દાની માંડણી કરે એ પછી વિદ્યાર્થીને પ્રેરી પોતાના વિચારના સહભાગી તેમને તે બનાવતા. આથી વ્યાખ્યાનપદ્ધતિમાં ઘણી વખત વિદ્યાર્થીઓ અન્યમનસ્ક બને, ઘણી વખત જે વિગતો તેમની પાસે આવે તે સમજાયા વિનાની રહે તેવું ઓછું બનતું. એટલું જ નહિ પણ જે વિષય ચર્ચાતો હોય તેની નવી દિશાઓ અમને સૂઝતી. એને પરિણામે અમારી જિજ્ઞાસા સતેજ થતી અને તે અમને ગ્રંથાલયમાં પ્રેરી જતી. આમ વિદ્યાનું વાતાવરણ ગુરુ-શિષ્યના જીવંત સંબંધ દ્વારા વધુ પ્રેરણાભર્યું બનતું.

અમદાવાદના મહાવિદ્યાલયમાં આનું પુનરાવર્તન હું રોજ રોજ અનુભવવા લાગ્યો. મેં રાજશાસ્ત્રનો વિષય લીધો હતો એટલે એમાં લગભગ બધા જ પેપરો અમારે અંગ્રેજીમાં કરવાના હતા. એ વખતના મારા સાથીઓને અને મને ભાષા અંગે કોઈ મુશ્કેલી ન હતી. એટલે ગીદવાણીજી અમને પ્રો. ગ્રીનના રાજનૈતિક જવાબદારીના સિદ્ધાંતોને લગતા પુસ્તકમાંથી શીખવતા ત્યારે એમની વાણી ઉપર અમે મુગ્ધ થઈ જતા, અને સમય ક્યાં વ્યતીત થતો એની કશી જ ખબર પડતી નહિ, બલકે સમય પૂરો થતાં એમ લાગતું કે હજુ આગળ ચાલે તો સારું! આને પરિણામે પ્રો. ગ્રીન અને લાસ્કીનાં લખાણો પ્રમાણમાં વધુ અઘરાં અને ઘૂંટાયેલાં હોવા છતાં અમને વાંચવા ગમતાં. તેના ઉપરથી અમે અમારી વ્યક્તિગત નોંધ પણ ઉતારતા, અને કોઈ કોઈ વખત એકબીજાની સાથે તેની આપલે કરતા. આમ બહાર જ્યારે રાજકીય ઝંઝાવાતો ફૂંકાતા હતા ત્યારે અમારા આ અભ્યાસખંડોમાં એ અમને ક્યાંય સ્પર્શતા ન હોય એમ અમે વિદ્યોપાસનામાં ગરક થયેલા રહેતા.

જુદા જુદા વર્ગોમાંથી ફરજિયાત ગુજરાતી અને હિંદીના વર્ગોમાં અમે ભેગા થતા ત્યારે વર્ગ ઘણો મોટો બની જતો. આગાખાનના બંગલામાં એવો એક મોટો ખંડ હતો જેમાં અમારા બધાનો સમાવેશ થતો. ગુજરાતીમાં પાઠકસાહેબ અમારા અધ્યાપક હતા. મોટી સંખ્યા સાથે એમને સંબંધ સ્થાપવાનો હતો; પરંતુ એમની પૂર્વ તૈયારી એટલી તો સરસ હતી કે એમનાં વ્યાખ્યાનો જો નોંધી લેવાય તો અલ્પવિરામ, પૂર્ણવિરામ આદિ વિરામચિહ્નોના અને ફકરાઓના પૂરા નિર્દેશ સાથેની એ નોંધ બને. આ વર્ગ ઘણો મોટો હોઈ, આદાનપ્રદાન માટેનો અવકાશ મળવો સરળ ન હતો; પરંતુ પોતે લીધેલા વિષયનો એક એકમ પૂરો થતાં પ્રશ્નોત્તરીનો અવકાશ રખાતો અને તે વખતે વાતાવરણમાં એક પ્રકારની બૌદ્ધિક આભા પ્રસરી રહેતી.

હિંદીમાં અમારા અધ્યાપક હતા મુલાયમ અને નમ્ર સ્વભાવના બનારસીદાસ ચતુર્વેદી: દરિયાપારના ભારતવાસીઓના એમના અભ્યાસને માટે એ જાણીતા હતા. તેમનું કામ પ્રમાણમાં થોડું મુશ્કેલ હતું કારણ કે હિંદીમાં નાન્યેતર જાતિ ન હોઈ, હિંદીમાંથી ગુજરાતીમાં અનુવાદ કરાવવામાં તેમને થોડીક મુશ્કેલી રહેતી; પણ હળવા વિનોદ સાથે એમાંથી તે સરળતાથી બહાર આવતા. અમને અમારા અભ્યાસક્રમમાં ન હોય એવાં કેટલાંક કાવ્યો પણ તે સંભળાવતા.

હિંદી સાથે અમારે ઉર્દૂ પણ શીખવાનું હતું અને તે પણ ઉર્દૂ લિપિમાં. એ માટેના અમારા અધ્યાપક હતા મૌલવી અબુલઝફર નદવી. ફારસીના એ પંડિત લેખાતા. સ્વભાવ ગુલાબી, ચાના શોખીન અને એમની પાસે જવાની તક મળતાં અચૂક રીતે એ તમને ચા પાવાના અને પૂછવાના કે એમાં સીરી flavour છે? તે flavour બીજી flavour કરતાં કઈ રીતે જુદી પડે છે તેની પણ મલાવીને વાત કરતાં! આ બંને અધ્યાપકો સાથે એમની મુશ્કેલીઓનો પૂરો ખ્યાલ રાખી અમે સમભાવપૂર્વક વર્તતા અને નદવી સાહેબ તો એ પછીથી વર્ષો બાદ ગુજરાત વિધાનસભામાં જોડાયા ત્યારે પણ એમની સાથેનો અમારામાંથી ઘણાનો સંબંધ ચાલુ રહ્યો.

આચાર્ય કૃપાલાની આમ તો રાજકારણના વિષયના અધ્યાપક હતા, એટલે બીજા વિષયના વિદ્યાર્થીઓને અમારા પ્રાર્થના સંમેલનમાં મળતા લાભ ઉપરાંત વિશેષ લાભ મળતો ન હોઈ વિદ્યાર્થીઓની અપેક્ષા રહેતી કે તેમની પાસે પણ કંઈક શીખવાનું મળે. આથી કૃપાલાનીજીએ ગીતાંજલી ઉપર અઠવાડિયાનાં એક કે બે વ્યાખ્યાન આપવાં શરૂ કર્યાં. એ વ્યાખ્યાન વખતે હોલમાં બેસવાની પૂરી જગ્યા ન મળે એવી ગીર્દી થતી. જેમ જેમ એની વાત બહાર ફેલાતી ગઈ તેમ તેમ ગુજરાત કૉલેજમાંથી જ માત્ર નહિ પણ બીજા પણ કેટલાક અભ્યાસીઓ અને સાહિત્યરસિકો એમાં અવારનવાર આવવા લાગ્યા. આ વ્યાખ્યાન વખતે ગીતાંજલીનાં કાવ્યોનો એમને મુખે થતો પાઠ સાંભળવો એ વિરલ તક હતી. Where live the poorest, the lowliest and the lost ધ્રુવપદવાળું ગીતાંજલીનું વિખ્યાત કાવ્ય સંભળાવતાં કવિ અને પયગંબર કેમ જીવન સાથે તાદાત્મ્ય સાધી પોતાની સંવેદનાનો અનેક હૈયામાં સંચાર કરે છે તે ગાંધીજી અને ટાગોરના જીવનદર્શનની તુલના કરતાં તેમણે નિરૂપ્યું. એવી જ રીતે unto that heaven of freedom, oh my father, let my country awake! એ પંક્તિ સાથે પૂરા થતા ટાગોરના જાણીતા કાવ્યનો પુસ્તકમાં જોયા વિના એમણે પાઠ કર્યો. તે વખતની તેમની તન્મયતા અમારા હૈયાને સ્પર્શી ગઈ. ગીતાંજલીનાં એમનાં આ વ્યાખ્યાનો કેટલો વખત ચાલ્યાં એ યાદ નથી; પણ એ વ્યાખ્યાન નિમિત્તે મહાવિદ્યાલયની બધી વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ સાથે એમનો સંબધ બંધાયો.

કૃપાલાનીજીની એક લાક્ષણિકતા તે એમનામાં રહેલી વિનોદવૃત્તિ. એનો એક કિસ્સો મને બરોબર યાદ રહી ગયો છે. દિવાળીની રજાના દિવસો નજદીક આવી રહ્યા હતા. એ પ્રસંગે એમની સહી હેઠળ એક નોટિસ અમારા નોટિસબૉર્ડ ઉપર આવી. એ કાંઈક આ પ્રકારની હતી-Students are asked to inform their old grandmas, dadis, nanis, chachis, mashis and whatnot at home that they should postpone their dying business for sometime atleast; they may father be told that if inspite of this warning, they persist in that nefarious profession they shall do it at their own risk and cost!

નોટિસબૉર્ડ ઉપર આ નોટિસ આવતાં આખા વિદ્યાલયમાં હાસ્યનું મોજું ફરી વળ્યું અને નોટિસ વાંચવા માટે પડાપડી થવા લાગી!

આ વાત અહીં ન અટકી. બે-ચાર દિવસ પછી બીજી એક નોટિસ આવી અને તેમાં દિવાળીની રજા બહુ ટૂંકી બનાવવામાં આવી છે તેવું જણાવવામાં આવ્યું. જો પહેલી નોટિસે હાસ્યની છોળો ઉછાળી હતી તો બીજીએ રોષની લાગણી જન્માવી! ઠેર ઠેર વિદ્યાર્થીઓ અકળાઈને કહેવા લાગ્યા, ‘આ સિંધી ને ગુજરાતીઓને મન દિવાળીનો મહિમા કેવો છે એની શી ખબર પડે!' કૃપાલાનીજી વિદ્યાર્થીઓને ઊંચાનીચા થતા જોઈ મનમાં ને મનમાં મલકાતા હશે. અને જ્યારે વાતાવરણ ઠીક ઠીક ગરમ થયું ત્યારે એમણે સભા બોલાવી, ચર્ચા કરી જણાવ્યું કે દિવાળીની રજાઓમાં કુટુંબ સાથે તહેવારના દિવસો ગાળવા માટે એક અઠવાડિયું પર્યાપ્ત છે. એને માટે લાંબા વેકેશનની શી જરૂર? એ પછી એમણે સહેજ વિનોદ કરતાં પૂછ્યું, ‘તમારામાંથી કેટલા પરણેલા છે?' એટલે કેટલાક હાથ ઊંચા થયા. તેમણે સ્મિત કરતાં કહ્યું, ‘એ લોકોને જવાનું પ્રલોભન થાય એ સમજાય એવું છે; પણ બીજાએ શા માટે જવું જોઈએ?’ અને એ પછી એમણે જે વિનોદ કર્યો એ મને યાદ નથી રહ્યો. પણ અમે છૂટા પડ્યા ત્યારે અમારા મુખ ઉપર સ્મિત હતું અને એ સાથે અમે એકબીજાને કહેવા મંડ્યા કે આપણને બોલાવીને બનાવ્યા અને છેતર્યા.

એને બીજે દિવસે બપોરે બારના અરસામાં અમારા એક સાથી ભાઈ રમણ ભટ્ટ હાથમાં સળગતા હરિકેન લૅન્ટર્ન સાથે કૃપાલાનીજીની ઑફિસના બારણા આગળ આંટા મારવા લાગ્યા. એ વખતે અમે રાત્રે પ્રકાશ માટે હરિકેનનો ઉપયોગ કરતા. સંજોગોવશાત્ કૃપાલાનીજી એમની ઑફિસમાંથી બહાર આવતાં રમણને આ રીતે આંટા મારતો જોઈ બોલ્યો, રમણે પોતાના લમણે આંગળી અડાડતાં કહ્યું, ‘એ તો બધું સલામત છે; પણ હું કંઈક ઢૂંઢું છું.' કૃપાલાનીજીએ પૂછ્યું, ‘શું?’ એટલે રમણે કહ્યું, ‘અમારી પેલી કમબખ્ત રજાઓ આચાર્યશ્રીના કમરાના કા ખૂણામાં સંતાઈ ગઈ છે, એને ખોળી કાઢી મારે બહાર લાવવી છે!’ ‘કમબખ્ત’ કૃપાલાનીજીનો બહુ લાડનો શબ્દ. તે રમણનો જવાબ સાંભળતાં હસી પડ્યા અને બોલ્યા, ‘હું તપાસ કરીશ' અને પછી થોડી વારમાં એક વધુ નોટિસ આવી કે દિવાળીની રજા પૂર્વવત્ ચાલુ રહેશે!

આ પ્રસંગને બધાં એક સરખી રીતે મૂલવશે એવી મારી કોઈ અપેક્ષા નથી. કોઈકને એમાં વિદ્યાકીય ક્ષેત્રમાં ઔચિત્યના અભાવ જેવું પણ લાગે; પરંતુ મારે મન ગુરુ-શિષ્ય વચ્ચે હોવા જોઈએ તેવા સંબંધનું મનને ગમે એવું એ ચિત્ર છે. કૃપાલાનીજીની આવી હળવાશનો અમને અવારનવાર લાભ ખાનગી વાતચીતમાં પણ મળતો.

વિદ્યાલયમાં પ્રતિભાશાળી અધ્યાપકો ઉપરાંત અમને આપણા દેશનાં જુદાં જુદાં ક્ષેત્રના અનેક અગ્રગણ્ય નેતાઓનો પણ લાભ મળતો; અને એ વખતે એમનાં વ્યાખ્યાન બાદ આભાર માનતાં કૃપાલાની જે ટૂંકું વ્યક્તવ્ય કરતા તેમાં એમની પારગામી દૃષ્ટિનો ડગલે ને પગલે પરિચય મળતો. ઉદાહરણ તરીકે, એક વખત આપણા મૂર્ધન્ય કવિ બળવંતરાય ક. ઠાકોર અમારા મહેમાન હતા. ઇતિહાસના એ મોટા વિદ્વાન. એમણે અંગ્રેજ પ્રજાની લાક્ષણિકતાઓ અને તેમના કેટલાંક ઉમદા ગુણોનો અહોભાવ સાથે ઉલ્લેખ કર્યો અને એ દરેક ઉલ્લેખને અંતે એમનું એક ધ્રુવપદ એ હતું. કે અંગ્રેજોનો દ્વેષ મા કરશો! કૃપાલાનીજીએ આભાર માનતાં બ. ક. ઠા. ના ઇતિહાસના જ્ઞાનને બિરદાવતાં કહ્યું કે અમારામાંના કોઈને અંગ્રેજો માટે જ નહિ, બીજા કોઈને માટે પણ દ્વેષ નથી. અમે એવા ગુરુના શિષ્ય છીએ જે જનરલ ડાયર જેવો માણસ પણ જો કોઈક આપત્તિમાં આવી પડે તો તેની પૂરા સમભાવ સાથે શુશ્રૂષા કરે! પણ અંગ્રેજ પ્રજાએ જે રીતે એમનો સામ્રાજય વિસ્તાર કર્યો છે તે ઇતિહાસનું એક ધોર કલંક છે, ને એથી એમના પ્રતિ રોષ થાય એવાં કેટલાંક કારણો ગણાવું.'

કારણ નં. ૧. ભયાનક સામ્રાજ્ય લાલસા. આનાથી પ્રેરાઈ એમણે જે અનૈતિક અને ગુનાહિત કાર્યો કર્યાં છે, તેનો જગતના ઇતિહાસમાં જોટો મળવો મુશ્કેલ છે. એ ગુનાહિત કૃત્યોનાં ઉદાહરણો દુનિયાના બધા ખંડો અને મહાસાગરો વેરાયેલાં પડ્યા છે.

પેટા કારણ ૧ : આ હેતુ સિદ્ધ કરવા લાંચ-રુશ્વત, દગોફટકો ને વિરોધીઓમાં ફાટફૂટ પડાવવાની શક્તિ એ પ્રજાએ એક કલાની જેમ ખીલવી છે. એને પરિણામે દુનિયાના બધા જ દરિયાઈ માર્ગો ઉપર એમણે કબજો જમાવ્યો છે. એક કબજો કેવી રીતે મેળવ્યો એની કથા અત્યંત કલંકિત છે. એક અંગ્રેજ ઇતિહાસકારે કબજા હેઠળના એક પ્રદેશ ઉપર પડોશી દેશ આક્રમણ ન કરે એ ખાતર પડોશીને પણ પોતાને એડી નીચે લાવવાની તેમની કામગીરીનો ઉલ્લેખ કરતાં નોંધ્યું છે કે ‘One day in order to prevent an invasion from the mars, we shall have to annex the moon.' બીજા શબ્દોમાં કહેતાં અંગ્રેજોએ લૂંટારાની જેમ જગતને રંજાડ્યું છે. એથી એમના ઇતિહાસ પુરુષોમાં દરિયાઈ ચાંચિયાઓ ને ક્લાઈવ જેવાની પણ ગણના થાય છે.

આમ કારણ ૧ અને તેના પેટા કારણ અ, બ, કારણરને તેનાં પેટા કારણ એમ ભૂમિતિનો કોઈ પ્રમેય સિદ્ધ કરવો હોય તેમ હળવાશથી ને છતાં પૂરી ગંભીરતાથી અંગ્રેજોએ સામ્રાજ્ય વિસ્તાર માટે જ અનૈતિક પ્રવૃત્તિઓ દુનિયાભરમાં કરી હતી તેનું વર્ણન કરી જણાવ્યું કે આ બધાં કારણો પરથી સ્પષ્ટ થાય છે કે અંગ્રેજોનાં કરતૂતોને કલંકિત લખવાં હોય તો એમાં અંગ્રેજોને અન્યાય નથી થતો, Q. E. D-ઈતિસિદ્ધમ્.

કૃપાલાનીજીના આભારદર્શન વખતે બ. ક. ઠા. સસ્મિત સાંભળતા રહ્યા. વિચારભેદ વ્યક્ત કરવામાં સ્પષ્ટતા ને પ્રતીતિકર થઈ શકે એવી હકીકતો મૂકવાનું કૌશલ્ય કૃપાલાનીજીએ એક અસાધારણ કલાની જેમ ખીલવ્યું હતું, અને અમારે માટે એવા પ્રસંગો ચિરસ્મરણીય બની જતા.

વિદ્યાલયમાં કેટલીક ઈતર પ્રવૃત્તિઓ માટે પણ સગવડ હતી. એનો લાભ લઈ મેં સિતાર શીખવાનું નક્કી કર્યું. અમારા અધ્યાપક શંકરરાવ પાઠક એથી રાજી થયા, ને મેં પણ ઉત્સાહથી વર્ગમાં જવાનું શરૂ કર્યું. રિયાજ કરવા માટે ઘરે પોતાનો સિતાર હોય એ જરૂરનું લેખાય; પરંતુ એ વખતે એ ખરીદવા જેવી મારી સ્થિતિ ન, હોઈ પાઠકસાહેબે મારા અનુકૂળ સમયે હું ત્યાં રિયાજ કરી શકું તેવી પણ સગવડ કરી આપી. આ રીતે કેટલીક ગત પણ હું શીખ્યો. પણ મને અત્યારે જે કાંઈ ઝાંખું યાદ છે તે મુજબ સિંધ કાફી રાગ આગળ મારું ગાડું ઘોંચમાં પડ્યું! મને ખ્યાલ છે ત્યાં સુધી ‘ધ' ઉપરથી તારને ખેંચી એમાંથી ‘સા' નીપજાવવાનો હતો. એ માટેની મથામણ પણ મેં કરી જોઈ; પરંતુ મારા પ્રયત્નને સમભાવપૂર્વક જોતાં પાઠકસાહેબની મુખમુદ્રા કાંઈક બદલાતી. એમને જાણે કે એમાંનું બેસૂરપણું કઠતું હતું. એટલે મને થયું કે એમને આ રીતે પરેશાન કરવાને બદલે મારે સ્વીકારી લેવું જોઈએ કે સિતાર શીખવા જેટલી યોગ્યતા મારામાં નથી અને પાઠકસાહેબની ઘણી સમજાવટ છતાં મેં સિતાર છોડી દીધો.

વિદ્યાલયના એ વખતના વાતાવરણને શબ્દો દ્વારા જીવંત કરવાનું મુશ્કેલ છે. એમાં જે ચેતન ધબકતું હતું તે અનુભવગમ્ય હતું. ભાષા એને માટે ઊણી પડે. એટલે અહીં તો આટલાથી સંતોષ માની હવે પછીના પ્રકરણમાં એ વખતની મારી કેટલીક સ્મૃતિઓ આલેખવા પ્રયત્ન કરીશ.