સાફલ્યટાણું/૧૩. ગુજરાત વિદ્યાપીઠ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૩. ગુજરાત વિદ્યાપીઠ

અમદાવાદ તે વખતે સ્વરાજ આશ્રમ, શાંતિનિકેતન, ગુલિસ્તાં, તિલક છાત્રાલય, હિંદ આશ્રમ આદિ છાત્રાલયો વિદ્યાપીઠ તરફથી ચાલતાં હતાં અને તે બધામાં કોઈને કોઈ અધ્યાપક ગૃહપતિ પદે હતા. શરૂઆતમાં હું કયા છાત્રાલયમાં ગયો તે ભુલાઈ ગયું છે; પરંતુ જે દિવસે હું ગયો ત્યારે ત્યાં પ્રવેશતાં જ મેં અત્યંત મધુર સ્વરે ગવાતું એક ગીત સાંભળ્યું. એના શબ્દો હતા:

સૂની સૂની યમુના તટ બંસી બાજે

આ ગીત સાંભળતાં મારા મનમાં નવી આશાનું જાણે કે પરોઢ ઊઘડતું હોય એવી એક અનુભૂતિ મને સ્પર્શી ગઈ. ગાંધીવિહોણી સાબરમતીની આ સૂની ભૂમિમાં એની જ બંસી બજી રહી હતી. ઠેરઠેર નવલોહિયા જુવાનોને બગલાની પાંખ જેવી સ્વચ્છ સફેદ ખાદીના ઝભ્ભા અને ધોતિયામાં ફરતા મેં જોયા. પાછળથી જેમનો મને પરિચય થયો તે મારા એક સાથી યજ્ઞેશ આ ગીત ગાઈ રહ્યા હતા. આમ અમદાવાદના પ્રવેશ સાથે જ જે પ્રેરણા મને મળી તે દિનપ્રતિદિન વધતી જ રહી. મને ગુજરાત કૉલેજની સામે આજે પણ અસ્તિત્વમાં છે તે ચાલમાં ચાલતા તિલક છાત્રાલયમાં જગા મળી. એ વખતે અમારા ગૃહપતિ હતા પાઠકસાહેબ--અધ્યાપક રામનારાયણ પાઠક, જેમને બટુભાઈના વહાલસોયા નામથી બધા સંબોધતા હતા. આ સ્થળમાંથી પ્રિતમનગર નજીક આવેલા હિંદઆશ્રમમાં ક્યારે અને કેવી રીતે અમે ગયા તે પણ યાદ નથી; પરંતુ હિંદઆશ્રમના સંસ્મરણો ઘણા મીઠાં છે. ત્યાં આગળ અમે આઠ વિદ્યાર્થીઓ પાઠકસાહેબની દેખરેખ હેઠળ રહેતા હતા. છાત્રાલયોમાં હોય એવા કોઈ નિયમો અમારી ઉપર હતા નહીં. અમારું રસોડું અમે ચલાવતા. અમારું રહેવાનું માળ ઉપર હતું. નીચેના ભાગમાં પાઠકસાહેબ, એમના નાનાભાઈ નાનુભાઈ પાઠક અને તેમના કુટુંબ સાથે રહેતા હતા. મારા એ આઠ સાથીઓ પૈકી રમણ ભટ્ટ, રતિલાલ નાગરવાડિયા, ભોગીલાલ પટેલ, ગોપાળરાવ પ્રધાન, જેઠાલાલ ગાંધી, રામચંદ્ર ત્રિવેદી અને કીકુભાઈ દેસાઈ હતા. સ્નાતક થયા પછી જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં એ બધા અગત્યની કામગીરી બજાવી ચૂક્યા છે. એ પૈકી આજ તો કાકુભાઈ, જેઠાલાલ ગાંધી, રામચંદ્ર ત્રિવેદી અને હું એમ ચાર જ હયાત છીએ. અમારા મહાવિદ્યાલયની વાત કરું તે પહેલાં હિંદઆશ્રમની થોડીક વિગતો આલેખી લઉં. અમારા આઠેય સાથીઓ વચ્ચે બિરદારીનો એક અતૂટ તાર સંધાયો હતો; અને રાષ્ટ્રીય વાતાવરણમાં ફેલાયેલી હતાશા અમને સ્પર્શતી ન હતી. પાઠકસાહેબ સાથે ગુરુશિષ્ય તરીકેનો મારો સંબંધ મૈત્રીમાં પરિણમ્યો. એમની સાથે વાત કરવી એ જીવનનો એક લહાવો હતો. એમના અને અમારા રહેઠાણ વચ્ચે એક જ કુટુંબ એક ઘરમાં રહેતું હોય એવો ઘરોબો બંધાયો. અવારનવાર અમે તેમના અભ્યાસખંડમાં હોઈએ તો તે અમારા કોઈની ઓરડીમાં આવ્યા હોયતેવું સતત બનતું રહેતું. એ પ્રસંગો કોઈકોઈક વાર અમારા માટે કોઈ નવી જાણકારી મેળવવાના બનતા. સાહિત્ય, તત્ત્વજ્ઞાન અને વ્યાપક સમાજજીવન અંગેની એમની સૂક્ષ્મ દૃષ્ટિ અમને અનેક વખતે મંત્રમુગ્ધ કરીદેતી. કાન્ત, બ. ક. ઠાકોર અનેનાનાલાલ માટેનો એમનો પક્ષપાત કેટલો સાર્થ અને ઉચિત હતો એનાં ઢગલાબંધ પ્રમાણો એમની સાથેની વાતચીતમાંથી અમને મળતાં અને એમણે સંપાદિત કરેલાં ‘કાવ્ય સમુચ્ચય'ના બે ભાગમાં અમને એનાં ઠેકઠેકાણે પ્રમાણ મળતાં. હિંમતલાલ ગણેશજી અંજારિયા સંપાદિત કાવ્યમાધુર્ય પછી આ બન્ને ભાગો કાવ્યક્ષેત્રે સીમાચિહ્ન રૂપ બન્યા. અમારું ગુજરાત મહાવિદ્યાલય સાબરમતી નદીના એલિસબ્રિજ બાજુના તટઉપર હાલ જ્યાં જવાહરબ્રિજછેતેની નજીક આવેલા આગાખાનાનાં બંગલામાં હતું. પહેલા દિવસે જ મને રોમાંચક અનુભવ થયો, અમે અમારા વર્ગોમાં જઈ કામકાજ શરૂ કરીએ તે પહેલાં વિદ્યાલયની સામેના ચોગાનમાં વ્યવસ્થિત રીતે અમે બેસી ગયા. વાતાવરણ તંબૂરાના તારથી ગુંજતું થઈ ગયું હતું. નજીકમાંજસાબરમતી નદીનો પ્રસન્ન પ્રવાહ વહેતો હતો. તે વખતની સાબરમતી કેવીનિર્મળ હતી એનો આજે ખ્યાલ આવવો મુશ્કેલ છે. પાણી ઊંડા ન હતાં પણ સતત વહેતો પ્રવાહ નિર્મળ હતો, અને આંખને પ્રસન્નતા આપતો હતો. પ્રાર્થના માટે જે ગીત ગાવાનું હતું તે અમારી સામે એક બ્લેકબૉર્ડ ઉપર ચાકથી સરસ અક્ષરે લખવામાં આવ્યું હતું. પ્રાર્થનાકરાવનાર અમારા અધ્યાપકશંક ૨ામ પાઠક, પંડિતવિષ્ણુ દિગંબરના એક આગળ પડતા શિષ્ય હતા અને સત્યાગ્રહ આશ્રમના નારાયણ મોરેશ્વર ખરેના મિત્ર હતા, વાયોલિનમાં એ સિદ્ધહસ્ત હતા, સિતાર પણ એ સરસ વગાડતા. કંઠ્ય સંગીત પણ ઉચ્ચ કોટિનું હતું. એમણે અમને ગીત ઝિલાવ્યું અને અમે સૌએ તે ઝીલ્યું. આ રીતે બીજે-ત્રીજે દિવસે ઝિલાવ્યા પછી અમારે સૌએ બૉર્ડ ઉપરન લખાણમાંથી શબ્દો જોઈ એમની સાથે સમૂહમાં જોડાવાનું આવતું અને એકાદ અઠવાડિયામાં એ ગીત અમને મોઢે થઈ જતું. બૉર્ડમાં એ ગીતનો રાગ તેમ જ કર્તાની પણ નોંધ રહેતી તેથી અનાયાસે સંગીત માટેની રુચિ કેળવાતી ને જાણકાર વધતી. ઉ.ત., ‘અબકી ટેક હમારી' ભજન કાફીમાં ગવાતું. ફરી ફરી સાંભળત કાફી રાગની પારિભાષિક લાક્ષણિકતાઓની જાણકારી વગર પણ મનમાં મનમાં અમે એનું ગુંજન કરતા રહેતા. અને કોઈ વાર કાફી રાગ કાને પડતાં અમે તરત જ રાગનું નામ કહી શકતા. આ રીતે અમારા પ્રાર્થના સંમેલનમાંથી અમે દરબારી કાનડો, પીલુ, ભૈરવ, ભૈરવી, કાલિંગડો, બાગેસરી, ભીમપલાસ, દેશ આદિ ઘણા રાગો મહાવિદ્યાલયના અમારા અભ્યાસકાળ દરમિયાન કોઈ પણ જાતના આયાસ વિના સહજ રીતે શીખ્યા. આચાર્ય તરીકેની જવાબદારી ૧૯૩૪થી મેં સંભાળવા માંડી ત્યારથી આજપર્યંત મારી સંસ્થામાં આ પરંપરા હું જાળવતો આવ્યો છું અને એ રીતે વિદ્યાપીઠમાંના મારા એ જૂના દિવસો તાજા થતા રહ્યા છે. અમારા પ્રાર્થના સંમેલનની બીજી એક લાક્ષણિકતા એ હતી કે સંગીતનો કાર્યક્રમ પૂરો થયા પછી તરત જ અમારા આચાર્યનું પ્રવચન થતું. હું વિદ્યાલયમાં પ્રવેશ્યો તે વખતે આચાર્ય ગીદવાણીને સ્થાને આવેલા આચાર્ય કૃપાલાનીજીનું વ્યક્તિત્વ અમારા સૌને પ્રભાવિત કરતું હતું. એમના ફરફરતાછૂટા વાળ, આકર્ષક મુખમુદ્રા, સુંદર નાક, બેસવાની એમની ઢબછબ, વાક્છટા એ બધામાં અમને નખશીખ જીવનના કોઈ કલાધરનાં દર્શન થતાં. એમના પ્રવચનમાં સામાન્ય રીતે તાજા સમાચાર ઉપરની એમની તલસ્પર્શી સમાલોચનાઓ રહેતી અને એ નિમિત્તે એ યુગના અનેક નેતાઓ અને અગ્રણી કાર્યકર્તાઓનાંરેખાચિત્રો અમનેસાંપડતાં. મારા જીવન ઉપર જે અનેક વ્યક્તિઓનું ઋષિઋણ છે તેમાં આચાર્ય કૃપાલાનીને હું મોખરાના સ્થાને ગણું છું. અંગ્રેજી તેમજ હિંદી બન્ને ભાષામાં તે પ્રવચન તેમજ વાતચીત કરતા. એ વખતના એમના પ્રવચનોની જો નોંધ રાખી શકાઈ હોત તો આપણા એ યુગના એક જીવંત ઇતિહાસની પ્રાણવાન ઝલક આપણને અનુભવવાની મળત. એ ઉપરાંત એમના વ્યક્તિત્વની પણ એક સુરેખ આકૃતિ આપણી કલ્પનામાં કંડારાયેલી રહેત. એ તો નથી બની શક્યું એટલે એમની લાક્ષણિકતાઓની કંઈક ઝાંખી થઈ શકે એ રીતે પ્રસંગોપાત અવારનવાર હું એનો નિર્દેશ કરતો રહીશ. પ્રાર્થના પૂરી થતાં. અમારા વર્ગોમાં અમે જતા. એ વખતે મહાવિદ્યાલયમાં જે જુદા જુદા વિષયોની તાલીમ અપાતી હતી તેમાં ગુજરાતી, હિંદી, સંસ્કૃત, અંગ્રેજી, ફ્રેંચ, બંગાળી, મરાઠી આદિ ભાષા પૈકી સ્નાતક કક્ષા સુધીના અભ્યાસક્રમ માટે ભાષાના વિદ્યાર્થી પોતાની રુચિ પ્રમાણે ગમે તે એક લઈ શકતા. એ જ પ્રમાણે સમાજશાસ્ર વિષયમાં રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, ઇતિહાસ અને સમાજશાસ્ત્રની સ્વતંત્ર વિષય તરીકેની સગવડ હતી. એવી રીતે વાણિજય અને તત્ત્વજ્ઞાન અને ગણિતના વિષય પણ હતા. આ ઉપરાંત પુરાતત્ત્વના સંશોધનાત્મક અભ્યાસ માટેની વ્યવસ્થા પણ હતી. બધા અભ્યાસક્રમોનું આયોજન કુશળતાભર્યું અને જીવનકેન્દ્રીય અનુબંધમૂલક હતું. એ વખતની મુંબઈ યુનિવર્સિટીના અભ્યાસક્રમો સાથે સરખાવતાં, જાણકારોના જણાવ્યા મુજબ એમ. એ. કક્ષા સુધીના સોપાનને એ અભ્યાસક્રમ આવરી લેતા હતા. આને માટે મુંબઈ યુનિવર્સિટીના ઈન્ટરમીડીએટનું જે વર્ષ હતું તેને ગ્રેજ્યુએશન માટેના બે વર્ષ સાથે જોડી વિદ્યાપીઠમાં સ્નાતક માટેનો અભ્યાસ ત્રણ વર્ષનો કરવામાં આવ્યો હતો. આથી વિદ્યાર્થી જે વિષય પસંદ કરે તેમાં તેને સઘન તાલીમ મળતી. પ્રથમા પરીક્ષા-એટલે તે વખતની પ્રિવિયસની પરીક્ષા-બાદ ત્રણ વર્ષમાં સ્નાતક થઈ શકાતું, એટલે વિનીત પછી કુલ ૧+૩ વર્ષમાં સ્નાતકની પદવી મળી શકતી. એ ત્રણ વર્ષના સઘન અભ્યાસક્રમમાંથી શું પસંદ કરવું એ અંગે મેં થોડો વખત ઠીકઠીક મૂંઝવણ અનુભવી. મને બધા વિષયો ગમતા. ગણિત માટે મારે પક્ષપાત હતો અને એને માટે એ વખતે એક મેઘાવી ગણિતશાસ્ત્રી તરીકેની જેમની છાપ હતી તે સ્વામિનારાયણ એ વિષયના વડા હતા. એ આકર્ષણ નાનું સૂનું ન હતું. એ જ પ્રમાણે ભાષાઓ માટે પણ મને ગજબનું આકર્ષણ હતું. એના પ્રતિભાશાળી અધ્યાપકો પૈકી ગુજરાતી માટે રામનારાયણ પાઠક અને સંસ્કૃત માટે રામચંદ્ર આઠવલેનો વિદ્યાલયમાં દાખલ થવાના ત્રણચાર દિવસમાં જ મને જે પરિચય થયો તે ઘણો પ્રેરક હતો. બંગાળી માટેનું આકર્ષણ જેવું તેવું ન હતું અને એ માટેના અધ્યાપક ઈન્દુભૂષણ મજમુદારનો મને શરૂઆતમાં પરિચય થયો ન હતો. એમ છતાં મને વિશ્વાસ હતો કે હું જો બંગાળી લઉં તો હું એક નવી ભાષા શીખવા ઉપરાંત ટાગોર, શરદચંદ્ર, બંકિમચંદ્ર આદિના સાહિત્યનો એમની પોતાની ભાષા દ્વારા પરિચય સાધી શકું. આમ જુદા જુદા વિષયોમાં રહેલાં મારી રુચિ અને જીવનને સ્પર્શતાં તત્ત્વો અને મૂલ્યોનો અભ્યાસ કરતાં છેવટના નિર્ણય પર આવવાનું મારે માટે મુશ્કેલ બન્યું અને તેથી છેવટની પસંદગી કરતાં પહેલાં હું અવારનવાર જુદા જુદા વિષયોના વર્ગમાં જઈ આવ્યો. અંતે લાંબો વિચાર કરતાં મને લાગ્યું કે અમે જીવનના જે ઉત્તુંગ મોજાં ઉપર ફંગોળાયા હતા તેમાં રાજકીય સ્વાધીનતા માટેની લડત યુગધર્મ રૂપે હતી. એ લડતને માટે જો મારે પૂરી સજ્જતા મેળવવી હોય તો એમાં રાજ્યશાસ્ત્રના વિષયનો અભ્યાસક્રમ જોતાં મને લાગ્યું કે એ માર્ગદર્શક અને પ્રેરક બની શકે. પરીક્ષા માટે ગુજરાતી અને હિંદીના ફરજિયાત વિષયો બાદ કરતાં દસ વિષયોનો અભ્યાસ કરવાનો હતો. એ દસ પૈકી બે પેપર હતા પોલીટિકલ ફિલોસૉફીના. પ્લેટો અને એરિસ્ટોટલના રીપબ્લિક અને પોલીટિક્સ ઉપરાંત સીમાચિહ્નરૂપ લેખાય એવા હૉબ્સ, લોક, રૂસો આદિના ગ્રંથોનો પણ ડર્નિંગના ત્રણ ગ્રંથ ઉપરાંત વિગતે અભ્યાસ કરવાનો હતો. ત્રીજો પેપર હતો પોલિટિકલ સાયન્સનો. એમાં એ માટેના નિયત પાઠ્યપુસ્તક ઉપરાંત લૅસ્કીના ગ્રામર ઓફ પોલીટિક્સ, ગ્રીનના વ્યાખ્યાનો આદિનો અભ્યાસ કરવાનો હતો. બીજા બે પેપર કમ્પેરેટિવ પોલીટિક્સના, જેમાં પશ્ચિમના જુદા જુદા દેશનાં રાજ્ય બંધારણનો અભ્યાસ કરવાનો આવતો. એ માટે લૉવેલ અને બ્રાઈસનાં પુસ્તકો નિયત થયાં હતાં. એક પેપર હતો પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન યુરોપના ઇતિહાસનો, પ્રાચીન ભારતનો ઇતિહાસ અને દંડનીતિનો પણ એક પેપર હતો. એમાં યસ્વાલનું એ વિષયનું પુસ્તક અને કૌટિલ્યનું અર્થશાસ્ર, શુક્રનીતિ અને શાંતિપર્વ આદિમાંથી પણ કેટલુંક તૈયાર કરવાનું હતું. બીજા પેપરોમાં અર્થશાસ્ત્રનાં મૂળ તત્ત્વો, ભારતીય અર્થશાસ્ત્ર, ઈન્ટરનેશનલ લૉ અને હિંદુ-મુસ્લિમ લૉ મળી ચાર પેપરો કરવાના હતા. આમ આ કુલ દસ પેપરોનો સઘન અભ્યાસ ત્રણ વર્ષમાં થતાં ઇતિહાસ, અર્થકારણ, રાજનીતિ, કાયદાશાસ્ત્ર આદિ સમાજજીવનને ઘડતાં બળોનો વિદ્યાર્થીને સારો પરિચય થાય એ રીતે આયોજન થયું હતું. આવું જ આયોજન બીજા બધા વિષયોમાં હતું. આપણા દેશમાંથી જ્યાંથી મળી શકે ત્યાંથી ઉત્તમ અધ્યાપકો મેળવવા ગાંધીજીએ અંગત દોરવણી આપી રાષ્ટ્રીય કેળવણી માટે સુદૃઢ પાયો નાખ્યો હતો. મેં જે વિષય લીધો હતો તેમાં અમારા અધ્યાપક હતા. આચાર્ય કૃપાલાની, આચાર્ય ગીદવાણી, અધ્યા. મલકાની, અઘા. સિપાહીમલાની, વિઝીટિંગ પ્રોફેસર તરીકે દાદાસાહેબ માવળંકર, જ્યૉર્જ જોસેફ વગેરે. એમનાં વ્યાખ્યાનોનું આકર્ષણ એટલું મોટું હતું કે ગુજરાત કૉલેજમાંથી કેટલાક વિદ્યાર્થીઓ અવારનવાર આ વર્ગોમાં આવતા. એમની હાજરીથી કામકાજમાં કશો જ વિક્ષેપ પડતો નહીં. પરીક્ષા કૉમ્પાર્ટમેન્ટલ સીસ્ટમ અનુસાર લેવાતી એ પદ્ધતિ મુજબ દર છ છ મહિને અમને પરીક્ષા આપવાની અનુકૂળતા રહેતી. આથી ત્રણ વર્ષમાં અમને છ તક મળતી. એમાં ફરજિયાત બે વિષયો ત્રીજા વર્ષને અંતે આપવાના રહેતા. બાકીના દસ પેપરો પૈકી એક-બે કે વધુ અમે અમારી અનુકૂળતા પ્રમાણે આપી કે શકતા. આને લઈને દરેક વિષયમાં સઘન અભ્યાસ કરવાની, માથા ઉપર અન્ય વિષયોનો બોજો ન હોવાથી પૂરી તક મળતી. આનું એક પરિણામ એ પણ આવ્યું કે કોઈ વિષયમાં નિષ્ફળ થવાય તો એ માટે ફરીથી પરીક્ષા આપી શકાતી અને સમગ્ર પરિણામ પર નિષ્ફળતાની કોઈ અસર રહેવા પામતી નહીં. ટૂંકમાં અભ્યાસક્રમ, પરીક્ષા અને વિદ્યાભ્યાસ માટે એ સમય અવધિમાં કેન્દ્રસ્થાને વિદ્યા અને વિદ્યાર્થીઓ હતા અને તેમના માર્ગદર્શક તરીકે એ વિષયના સમર્થ અધ્યાપકો હતા. આથી જે રાષ્ટ્રીય કેળવણીનું વિદ્યાપીઠમાં નિર્માણ થયું તેનો અમારે ત્યાં વખતોવખત આવતા દેશપરદેશના અનેક વિદ્વાનો પ્રશંસાપૂર્વક ઉલ્લેખ કરતા. ઑક્સફર્ડ-કેમ્બ્રિજ જેવી પશ્ચિમની યુનિવર્સિટીઓ અને તક્ષશિલાનાલંદા જેવી પ્રાચીન ભારતની વિદ્યાપીઠોની સાથે એની તેઓ સરખામણી કરતાં. મહાવિદ્યાલયનું બીજું એક વિશિષ્ટ લક્ષણ તે એનું સમૃદ્ધ પુસ્તકાલય.પુસ્તકાલયમાં પ્રવેશ્યા એટલે તરત જ તમને વિદ્યાના વાતાવરણનો અને પ્રજ્ઞાપ્રદીપ્ત શાંતિનો અનુભવ થાય. પુસ્તક બધાં વિષય વાર અને કર્તાવાર વ્યવસ્થિત રીતે બંધ કબાટોમાં નહીં પણ ખુલ્લી છાજલીઓ (open shelf) ઉપર મુકાયેલાં રહેતાં. ત્યાં બેસીને અભ્યાસ કરવા માટે જુદી જુદી જગ્યાએ સગવડ હતી. વિદ્યાર્થીઓ પોતાને જોઈતાં પુસ્તકો છાજલી ઉપરથી કોઈ પણ જાતની રોકટોક વિના લઈ શકતા અને કામ પૂરું થયે જયાંથી એ લીધું હોય ત્યાં, અથવા તો આવી રીતે લેવાયેલાં પુસ્તકો મૂકવાની નિયત જગાએ મૂકી દેતાં. બીજે દિવસે પુસ્તકાલય ઊઘડતાં એ પુસ્તકો એના સ્થાને ગોઠવાઈ ગયેલાં નજરે પડતાં. વિદ્યાર્થીઓને એક સાથે બે પુસ્તકો પંદર દિવસ માટે આપવામાં આવતાં અને એ માટે જો કોઈ માગણી આવી ન હોય, અને જરૂર હોય તો ફરીથી આપવામાં આવતાં. અસહકારની લડતને મળેલું ધર્મયુદ્ધ નામ કેટલું સાથે હતું તે આ ગ્રંથાલયના નિત્યના વ્યવહારમાં આચરાતી પ્રામાણિકતાથી સહેજે નજરે પડતું. મહાવિદ્યાલયનું બીજું એક વિશિષ્ટ લક્ષણ તે એનું સમૃદ્ધ પુસ્તકાલય.-પુસ્તકાલયમાં પ્રવેશ્યા એટલે તરત જ તમને વિદ્યાના વાતાવરણનો અને પ્રજ્ઞાપ્રદીપ્ત શાંતિનો અનુભવ થાય. પુસ્તક બધાં વિષય વાર અને કર્તાવાર વ્યવસ્થિત રીતે બંધ કબાટોમાં નહીં પણ ખુલ્લી છાજલીઓ (open shelf) ઉપર મુકાયેલાં રહેતાં. ત્યાં બેસીને અભ્યાસ કરવા માટે જુદી જુદી જગ્યાએ સગવડ હતી. વિદ્યાર્થીઓ પોતાને જોઈતાં પુસ્તકો છાજલી ઉપરથી કોઈ પણ જાતની રોકટોક વિના લઈ શકતા અને કામ પૂરું થયે જ્યાંથી એ લીધું હોય ત્યાં, અથવા તો આવી રીતે લેવાયેલાં પુસ્તકો મૂકવાની નિયત જગાએ મૂકી દેતાં. બીજે દિવસે પુસ્તકાલય ઊઘડતાં એ પુસ્તકો એના સ્થાને ગોઠવાઈ ગયેલાં નજરે પડતાં. વિદ્યાર્થીઓને એક સાથે બે પુસ્તકો પંદર દિવસ માટે આપવામાં આવતાં અને એ માટે જો કોઈ માગણી આવી ન હોય, અને જરૂર હોય તો ફરીથી આપવામાં આવતાં. અસહકારની લડતને મળેલું ધર્મયુદ્ધ નામ કેટલું સાથે હતું તે આ ગ્રંથાલયના નિત્યના વ્યવહારમાં આચરાતી પ્રામાણિકતાથી સહેજે નજરે પડતું. મહાવિદ્યાલયના મારા શરૂઆતના પાંચ-સાત દિવસોમાં જ આ બધી છાપ મારા ચિત્તમાં ઊપસી આવી અને જે મનીષીઓનો હું આ પહેલાં ઉલ્લેખ કરી ગયો છું તે ઉપરાંત ભારતીય કક્ષાએ જેમની નામના થઈ તે પંડિત ધર્માનંદ કોસાંબી, મુનિ જિનવિજયજી, પંડિત સુખલાલજી, પં. બેચરદાસ જેવા વિદ્વાનો અમારા અધ્યાપક હતા. શ્રી કિશોરલાલ મશરૂવાળા જેવા સમર્થ ચિંતક વિદ્યાપીઠના મહામાત્ર હતા. ગાંધીજી એના કુલપતિ હતા અને આચાર્ય ગીદવાણી એના કુલનાયક હતા. આમ કોઈ પણ વિદ્યાપીઠ ગૌરવ લઈ શકે એવી પ્રતિભાશાળી વિભૂતિઓના અંતેવાસી બનવાની મને તક મળી.