zoom in zoom out toggle zoom 

< સાફલ્યટાણું

સાફલ્યટાણું/૧૭. વિદ્યાપીઠ અને આપણું લોકજીવન

From Ekatra Wiki
Revision as of 14:22, 6 April 2025 by Kamalthobhani (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૧૭. વિદ્યાપીઠ અને આપણું લોકજીવન

વિદ્યાપીઠમાં આવેલા વિદ્યાર્થીઓ જીવનની ઉદાત્ત ભાવનાઓથી પ્રેરાયેલા હોઈ વિદ્યાપીઠના વાતાવરણમાં હંમેશાં એક પ્રકારની બૌદ્ધિક તેજસ્વિતા અને આદર્શની સુષમા નજરે પડતી. ૧૯૨૯ સુધીનાં જે વર્ષો મેં વિદ્યાપીઠમાં ગાળ્યાં તેમાં જે અધ્યાપકો અને વિદ્યાર્થીઓના સંસર્ગમાં હું આવ્યો તેમાંના અનેકે આપણા રાષ્ટ્રના નવઉત્થાનમાં અને સાંસ્કૃતિક વિકાસમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે જે આજે ઇતિહાસને પાને આકર્ષક રીતે અંકિત થયેલો છે.

અધ્યાપકોના ઉલ્લેખમાં આ પહેલાં જે અધ્યાપકોનો નિર્દેશ મેં કર્યો છે તે સૌનો આપણાં પ્રજાજીવનનાં વિકાસમાં જે ફાળો નોંધાયો છે તે સુવિદિત છે. કૃપાલાનીજી, ગિદવાણીજી, પંડિત સુખલાલજી, કૌસાંબીજી, જિનવિજયજી, પાઠકસાહેબ, કાકાસાહેબ, નરહરિ પરીખ, રસિકલાલ પરીખ, રા. બ. આઠવળે, પં. બેચરદાસ આદિના નામોલ્લેખ સાથે જ આપણા સાંસ્કૃતિક જીવનના ભિન્ન ભિન્ન પાસાં ઉપરની એમની અસર સહેજે નજર આગળ અંકિત થઈ રહે છે. બીજા પણ પોતપોતાના ક્ષેત્રમાં મૌલિક કામ કરતા અધ્યાપકોમાં તરત યાદ આવે એવા નામ છે શ્રી ચંદુલાલ દલાલ, જેમણે ગાંધીજીની દિનવારીનું અખૂટ પરિશ્રમ લઈ ઝીણવટભરી સંશોધન-ક્ષમતા દાખવતું એક અણમોલ પુસ્તક આપણને આપ્યું છે. એવું જ બીજું નામ છે શ્રી હરિનારાયણ આચાર્યનું. જેમણે ‘કુમાર'માં ‘વનેચર' તખલ્લુસથી ‘આપણા વનવગડાનાં વાસીઓ'નો આલ્હાદક પરિચય કરાવ્યો, જેને ગુજરાત વિદ્યાસભાએ ગ્રંથસ્થ કરી આપણને એક બહુમૂલ્ય ગ્રંથ આપ્યો. બીજા અધ્યાપકોમાં મલકાનીજી અર્થશાસ્ત્રના અધ્યાપક હોવા ઉપરાંત કલાના ઊંડા મર્મજ્ઞ હતા અને તેમની સાથે એ વિષયની ચર્ચા કરવી ઘણી ગમતી, એ ઉપરાંત અમારા સમવયસ્ક લેખાય એવા અધ્યાપકોમાં પાઠકસાહેબના નાના ભાઈ પ્રાણજીવન પાઠક, વિદ્યાપીઠમાં જેમણે મહામાત્ર તરીકે કેટલોક સમય વારાફરતી કામ કર્યું એવા નંદલાલ શાહ અને ત્રિકમલાલ શાહ, શ્યામલાલ ભગવતી વગેરેની પણ આગવી સાંસ્કૃતિક મુદ્રાઓ હતી.

આ જ પ્રમાણે આપણા પ્રજાજીવન ઉપર જેમની નોંધપાત્ર છાપ રહી છે તેવા સૌથી પહેલા સ્નાતકોમાં ખંડુભાઈ દેસાઈ, બળવંતરાય મહેતા, વિઠ્ઠલદાસ કોઠારી, મગનભાઈ દેસાઈ વગેરેનો નામોલ્લેખ માત્રથી જ એમનાં કાર્યોનાં વિશાળ ક્ષેત્રો આપણને યાદ આવે છે. એ જ પ્રમાણે આજીવન હિરજન સેવાનું કામ કરી હરિજન પ્રવૃત્તિના આત્મારૂપ બનેલા પરીક્ષિતલાલ મઝમુદાર, પ્રારંભમાં એમને આ કાર્યમાં સક્રિય સાથ આપનાર હરિવદન ઠાકોર, પ્રાચીન સાહિત્ય અને ધર્મગ્રંથોના ઊંડા અભ્યાસના પરિપાકરૂપ કેટલાક અવિસ્મરણીય ગ્રંથો આપનાર ગોપાળદાસ જીવાભાઈ પટેલ, ગુજરાતમાં બંગાળી સાહિત્યની સ્ફૂર્તિદાયક હવા ઊભી કરનાર, અનેકને બંગાળી ભાષાની દીક્ષા આપનાર સંસ્કૃત અલંકારશાસ્ત્રના ગ્રંથોને ઉત્તમ રીતે ગુજરાતીમાં ઉતારનાર નગીનદાસ પારેખ, સાહત્ય ક્ષેત્રે જેમનું પ્રદાન નોંધપાત્ર લેખાયું છે તે ચંદ્રશંકર શુક્લ, કરસનદાસ માણેક, સુંદરમ્, શ્રીધરાણી ભોગીલાલ ગાંધી (ઉપવાસી), ચૈતન્ય પ્રસાદ દીવાનજી, વિદ્યાર્થીતકેરી વિદ્યાપીઠમાં રીતસર નોંધાયા વિના, કાકાસાહેબના અંતેવાસી તરીકે, થોડોક વખત વિદ્યાપીઠમાં રહી ગયેલા ઉમાશંકર જોશી-એ બધાનો નામોલ્લેખ જ માત્ર એક દાયકાની અવધિમાં વિદ્યાપીઠે આપણા પ્રજાજીવનના વિકાસમાં કેટલો મોટો ફાળો આપ્યો તેની કાંઈક ઝાંખી કરાવે છે. શિક્ષણક્ષેત્રમાં પણ વિદ્યાપીઠના સ્નાતકોનું કાર્ય નાનુંસૂનું નથી. વેડછી, બોચાસણ, દક્ષિણામૂર્તિ, સણોસરા આદિ સંસ્થાઓમાં સર્વશ્રી ચીમનલાલ ભટ્ટ, શિવાભાઈ પટેલ, મૂળશંકર ભટ્ટ, જીવનભર વિદ્યાપીઠમાં સેવા અર્પનાર શાંતિલાલ ગાંધી વગેરેનો ફાળો સુવિદિત છે. કોશાકાર તરીકે શ્રી પાંડુરંગ દેશપાંડે તરફથી આપણને અંગ્રેજી-ગુજરાતી અને ગુજરાતી-અંગ્રેજીના ઉત્તમ પ્રકારના કોશ મળ્યા છે.. ગ્રંથાલય પ્રવૃત્તિમાં પણ સ્નાતકોનું મૂલ્યવાન અર્પણ રહ્યું છે. અમદાવાદનું મા, જે. પુસ્તકાલય જેને લાઇબ્રેરી કમિશને ભારતના ઉત્તમ રીતે આયોજિત શ્રેષ્ઠ ગ્રંથાલય તરીકે બિરદાવ્યું હતું તેના આયોજક શ્રી કીકુભાઈ દેસાઈ અને વિદ્યાપીઠ દ્વારા ચાલતી ગ્રંથપાલ તાલીમના સંચાલક શ્રી જેઠાલાલ ગાંધીનાં નામ સહેજે નજરમાં તરી રહે છે. અમદાવાદની મજૂર મહાજન સંસ્થામાં પણ સ્નાતકોનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે. રાજકારણમાં શ્રી દિનકર મહેતા, શ્રી કમળાશંકર પંડ્યા, કુ. મણિબેન પટેલ, કુ. મૃદુલા સારાભાઈ, કેબીનેટ કક્ષાએ મંત્રીપદની જવાબદારી ઉપાડનાર શ્રી ઈન્દુબહેન, શ્રી ઠાકોરભાઈ દેસાઈ, શ્રી ગોરધનદાસ ચોખાવાલા વગેરેનો નામોલ્લેખ વિદ્યાપીઠમાં વિચાર સ્વાતંત્ર્ય કેવી અબાધિત રીતે વિકસ્યું હતું તેની સહજ પ્રતીતિ કરાવે છે. આવો જ ફાળો વિદ્યાપીઠના સ્નાતકોએ ઔદ્યોગિક ક્ષેત્રે પણ આપ્યો છે. સર્વશ્રી વાડીલાલ લલ્લુભાઈ, ચતુર્ભુજદાસ, નંદદાસના નામો સહેજે યાદ આવે છે. આધ્યાત્મિક ક્ષેત્રે પણ વિદ્યાપીઠના શ્રી મોટા અને શ્રીરંગ અવધૂતનું પ્રદાન ગુજરાતને ઘણું જાણીતું છે. એ ક્ષેત્રમાં શ્રી જી. કે. પ્રધાને પણ એમના Towards the Silver Crest of the Himalayas' ગ્રંથ દ્વારા મહત્ત્વનું પ્રદાન કર્યું છે. ખાદીપ્રવૃત્તિથી માંડી અનેક રચનાત્મક કાર્યોમાં પણ વિદ્યાપીઠના સ્નાતકોએ ઘણી મૂલ્યવાન કામગીરી બજાવી છે. વર્તમાનપત્રોના તંત્રી તરીકે શ્રી ખાંડુભાઈ રણછોડજી દેસાઈ, શ્રી ઈન્દ્રવદન ઠાકોર, શ્રી કપિલરાય મહેતા, શ્રી કકલભાઈ કોઠારી, નવજીવન પ્રેસના સંચાલક શ્રી જીવણજી દેસાઈ વગેરે નામ જાણીતાં છે. આ યાદી ઘણી લંબાવી શકાય; પરંતુ પ્રજાજીવનમાં જ્યારે કોઈ પ્રચંડ ભાવનાનો આવિષ્કાર થાય છે ત્યારે એનાં બધાં અંગો કેવાં દીપ્તિમંત બની જાય છે તેનો કંઈક ખ્યાલ આપી શકાય એ હેતુથી માત્ર એક ઊડતી નજરે આ ઉલ્લેખ કર્યો છે, અને તે પણ માત્ર ૧૯૨૦ થી ૧૯૩૦ સુધીના એક દાયકા પૂરતો જ.

વિદ્યાપીઠમાં વિદ્યાર્થી તંત્રીઓએ સંપાદિત કરેલું છાપેલું ‘સાબરમતી’ દર બે મહિને બહાર પડતું. તેમાં વિદ્યાર્થીઓ ઉપરાંત અધ્યાપકોના પણ લેખ આવતાં. એમાંના કેટલાક ઉત્તમ લેખોનો સંચય કરી હજુ સુધી કેમ વિદ્યાપીઠે ગ્રંથસ્થ નથી કર્યાં એ જરા નવાઈ પમાડે એવું છે; પણ હજી પણ એ તરફ ધ્યાન જાય તો ગુજરાતને એક મૂલ્યવાન લેખ સંચય મળે, જે આપણી સ્વરાજની લડતના કેટલાક યાદગાર દિવસોની સ્મૃતિ આપણા મનમાં તાજી કરે. જેમની માતૃભાષા ગુજરાતી ન હતી ને વિદ્યાપીઠમાં આવ્યા પછી જે ગુજરાતી શીખ્યા તેવા વિદ્યાર્થીઓ પણ કેવું ઉત્તમ ગદ્ય લખતા હતા તે શ્રી ગોપાળરાવ કુલકર્ણીના ‘સાબરમતી'માંના લેખોમાંથી જણાશે.

ચર્ચાપરિષદ પણ વિદ્યાપીઠના કાર્યક્રમનું એક અગત્યનું અંગ હતું. એમાં કોઈ અધ્યાપક કે વિદ્યાર્થીના પ્રમુખપદે ચર્ચાનું આયોજન થતું. એ ચર્ચામાં પહેલી વાર મેં જે ભાગ લીધો તે પ્રસંગ મારા જીવનને માટે કિંમતી નીવડ્યો. હું બેત્રણ વાક્યો બોલ્યો ત્યાં તે સભામાંથી સુ..સુ..સુ એવા સૂસકારા થવા માંડ્યાં. હું મૂંઝાઈ ગયો. મને સમજ ન પડી કે આવું એ બધા શાથી કરતા હતા! પણ જાણે માથાભારે બનતો હોઉં તેમ હું બોલ્યો, ‘તમે ભલે સૂસકારા કરો પણ મારે જે કાંઈ કહેવું છે તે પૂરું કરીને જ હું અટકીશ.' એ પછી સૂસકારાનું પ્રમાણ કંઈક ઘટ્યું; અને મેં પૂરું કર્યું ત્યાં સુધીમાં મને વિશેષ વિક્ષેપ નડ્યો નહિ. એ પછી મારી જગા ઉપર બેસતાં, મારી સાથેના સાથીને એ સૂસકારાનું કારણ મેં પૂછ્યું. ત્યારે તેણે કહ્યું કે, “તારા “શ” ના સુરતી સકાર માટેના એ સૂસકારા હતા.' અને ત્યારે મને ખ્યાલ આવ્યો કે એ દિવસ સુધીની મારી આખી જિંદગીમાં ‘શ' નો ‘સ’ તરીકે જ હું ઉચ્ચાર કરતો રહ્યો હતો! એ પછી એ ક્ષતિ નિવારવા મેં સતત પરિશ્રમ કર્યો. પરિણામે કેટલીક વખત ‘સ’ પણ ‘શ’ બની જતો. મને એ વાતનો આનંદ છે કે હું મારી એ ક્ષતિને આટલી સફળતાપૂર્વક નિવારી શક્યો; કારણ કે જ્યારે મેં મારા ચરોતરના સાથીઓને ‘ળ’ નો ‘૨’ બોલતા સાંભળ્યા અને તેઓ પ્રયત્ન છતાં ‘ળ' બોલી શકતા નહિ ત્યારે મારી સફળતાએ મારા આત્મવિશ્વાસને વધુ દૃઢ કર્યો.

વિદ્યાપીઠમાં આવતા અતિથિઓનો થોડોક ઉલ્લેખ આ પહેલાં હું કરી ગયો છું. એવા અતિથિઓ પૈકી જે મને પ્રેરક રીતે યાદ રહ્યા છે તેમાં દિલીપકુમાર રાય અને ઝવેરચંદ મેધાણી અગ્રસ્થાને છે. દિલીપકુમારના કંઠમાં અજબ જાદુ હતો. ‘બસો મોરે નયનમેં નંદાલાલ' જેવી પંક્તિ આજ પણ મારા મનમાં ગુંજી રહે છે. એમણે ગાયેલું મીરાંનું ભજન ‘ચાકર રાખોજી’ એટલા તો ભાવથી ગવાયું હતું કે એની પંક્તિએ પંક્તિએ આલેખાતાં ચિત્રો મારા મનમાં કંડારાતાં ગયાં. કૃષ્ણની મૂર્તિ આગળ ભક્તિમાં લીન થઈ ગયેલી મીરાંનું એ વખતે થયેલું દર્શન મેં વખતોવખત અનુભવ્યું છે, અને ત્યારે મીરાંના ગીતોમાંથી મને કોઈ કોઈ વાર નવાં દર્શન લાધતાં રહ્યાં છે. દા. ત. ભાઈ મેં તો પકડી આંબલિયાની ડાળ રે જંગલ બીચ હું એકલી’-આમાંનું કલ્પન અને વ્યંજના હું ફરી ફરીને માણતો રહ્યો છું. મારી આવી અનુભૂતિઓથી હું જે જીવનદર્શન પામ્યો તે આચાર્ય તરીકે મેં શૈક્ષણિક આયોજનની જવાબદારી લીધી ત્યારે મને ઘણું માર્ગદર્શક નીવડ્યું.

આવા બીજા અતિથિ, જેમની સાથે વખત જતાં આત્મીયતા બંધાઈ તે શ્રી મેઘાણી, એ વખતે એટલા જાણીતા થયા ન હતા. હું ભૂલતો ન હોઉં તો એમણે સંગ્રહેલાં લોકગીતોનો કાર્યક્રમ પહેલવહેલો વિદ્યાપીઠમાં એમણે આપ્યો. તેમનું વ્યક્તિત્વ અત્યંત આકર્ષક હતું. બાંધી દડીનું એમનું શરીર, એમનો સાફો, આત્માના ઊંડાણમાં ઊતરી જતી હોય એવી સ્વપ્નદર્શી એમની આંખો, એમનો સૂરીલો અને બુલંદ અવાજ, એમની વાણીનું માધુર્ય ને નમ્રતા એ બધું પ્રથમ દર્શને જ આપણા મન પર વશીકરણ જમાવે એવું હતું. ગીતોની એક પછી એક વહી આવતી અમૃતધારાનું અમે આકંઠ પાન કર્યું. આચાર્ય કૃપાલાનીજી અને અમારા બીજા સિંધી અધ્યાપકોએ પણ ઉત્કંઠાથી એ રસ માણ્યો. એ કાર્યક્રમ ખાસ્સો બે અઢી કલાક જેટલો ચાલ્યો અને સમય ક્યાં જતો રહ્યો એની કોઈને ખબર સરખી પણ રહી નહિ. હવે તો ગુજરાતની જીભને ટેરવે રમતાં થઈ ગયેલાં અનેક ગીતો એમણે અમને સંભળાવ્યાં. એ દરેક ગીતની એમની મિતાક્ષરી સમીક્ષા આકર્ષક હતી. ઉદાહરણ તરીકે ‘વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં’ ગીત વખતે નણંદે સાસુને સંભળાવ્યું, સાસુએ સસરાને સંભળાવ્યું એમ જે પરંપરા સર્જાઈ તેના ઉલ્લેખમાં તેમણે એ વખતે રોઈટર, ઍસોશીએટેડ પ્રેસ વગેરે જે જાણીતી ન્યૂઝ એજન્સીઓ હતી તેનાં ઉદાહરણ આપી તેની હળવાશથી ગીતની અસરને વધુ ઉઠાવ આપ્યો. આચાર્ય કૃપાલાનીજીએ એમનો આભાર માનતા જે પ્રવચન ર્ક્યુ તેમાં સિંધી લોકગીતોનો ઉલ્લેખ કરી લોકજીવન અને લોકલાગણીઓ વચ્ચે બધે કેવી સમાનતા પ્રવર્તે છે એનું સુરેખ ચિત્ર આલેખ્યું. પાઠકસાહેબે પણ મેઘાણીને ઘણા ઘણા બિરદાવ્યા. અમારે માટે જેમ આ એક અવિસ્મરણીય પ્રસંગ હતો તેમ એમની પ્રવૃત્તિઓને અમે જે ઉમળકાથી વધાવી લીધી. તેનાથી તેમને માટે પણ એ પ્રસંગ ઘણો યાદગાર બની ગયો. બીજી વખત પણ એમણે કેટલાંક વધુ લોકગીતો અને સૌરાષ્ટ્રની લોકકથાઓનો અમને આસ્વાદ કરાવ્યો.

આ જ પ્રમાણે વિદ્યાપીઠની ગાંધીજીની મુલાકાતો પણ અમારે માટે વિરલ તક જેવી હતી. જેલમાંથી સજા પૂરી થયા પહેલાં એ છૂટીને આવ્યા ત્યારે અમારો ઉત્સાહ અસીમ હતો. મેં એ નિમિત્તે એક ગીત લખ્યું હતું. તે પ્રાર્થનામાં ગવાયું ને મેં ધન્યતા અનુભવી. એમને આવકારતાં કૃપાલાનીજીએ જે પ્રવચન કર્યું તેણે ગાંધીજી સહિત સૌને મંત્રમુગ્ધ કર્યા, ગીતાંજલિમાંનું ટાગોરનું પેલું પ્રસિદ્ધ કાવ્ય-રાજાની પધરામણી થવાની છે; પણ ગફલતમાં રહેવાથી રાજાના આગમન વખતે કશીજ તૈયારી થઈ ન હતી-માં રહેલો ભાવ કાવ્યના સુંદર પાઠ સાથે લાગણીપૂર્વક તેમણે વ્યક્ત કર્યો, ત્યારે ગાંધીજીએ સ્મિત કરતાં એ મતલબનું કહ્યું કે રાજો જો છ વરસની અવધ આપીને ગયો હોય ને બે જ વર્ષમાં આવી ચઢે તો યજમાન બિચારા શું કરે! ગાંધીજી અમારે મન પરમ આત્મીય જેવા હતા, અને એમનો પણ અમારી ઉપર એવો જ ભાવ હતો, એવી એમની અનેકવિધ પ્રવૃત્તિઓમાં પણ થોડો વખત દર અઠવાડિએ એક વર્ષ વિદ્યાપીઠમાં આવી તેમણે અમને ભાઈબલ શીખવ્યું. એક કુશળ અધ્યાપકની જેમ તે પૂર્વ તૈયારી સાથે આવતા. કોઈ કોઈ વખત શબ્દોના પર્યાયો આપતાં એના મૂળ સુધી પણ તે જતાં, માત્ર વિદ્યાર્થીઓ માટે જ નહિ, અધ્યાપકો માટે પણ એ વિરલ પ્રસંગો હતા.

રાષ્ટ્રીય પર્વોની ઉજવણી અમારી પ્રવૃત્તિઓનું આકર્ષક અંગ હતું. એ વખતે પ્રસંગને અનુરૂપ કોઈ વિદ્વાન મહેમાનને નિમંત્રવામાં આવતા અને તેમનો અમને પ્રત્યક્ષ પરિચય થતો. એ રીતે, ગાંધી જયંતી જેને રેંટિયા બારશ નામ અપાયું હતું તે અમારી એક મહત્ત્વની ઘટના બનતી. એવા એક ઉત્સવ પ્રસંગે કૃપાલાનીજીએ ગાંધીજીના વ્યક્તિત્વનું ચિત્ર દોરતાં અમેરિકાના એક પાદરી હોમ્સે કરેલા એક વિધાનનો ઉલ્લેખ કર્યો. હોમ્સે એ વખતના જગતના મહાપુરુષો તરીકે આઈનસ્ટાઈન, રોમે રોલાં અને ગાંધીજીને વર્ણવી ગાંધીજીને જગતની એક અનન્ય વિભૂતિ તરીકે બિરદાવ્યા હતા. આ ઉલ્લેખ પછી ગાંધીજી અંગે પોતાનો વ્યક્તિગત પ્રતિભાવ આપતાં તેમણે કહ્યું કે આવી પયગંબરી વિભૂતિઓ અનેક સૈકાઓ બાદ જ્યારે આ ધરતી ઉપર અવતરે છે ત્યારે ગ્રીષ્મના મધ્યાહ્નનો સૂર્ય જેમ આપણી આંખને આંજી દે છે તેમ આપણા જીવન ઉપર ચોમેરથી તે ભરડો લે છે. એથી આપણે કચરાઈ નહિ જઈએ એની પૂરી કાળજી રાખી એના પ્રકાશમાં આપણે આપણા લક્ષ્યની દિશા ચૂક્યા વિના આગળ વધીએ તો આપણું જીવન સાર્થ થાય. આથી ગાંધીજીએ ચીંધેલા માર્ગે હું જાઉં પણ તે મારી રીતે, તેમની પ્રતિભાથી મારા જીવનને કચરાવા દીધા વિના. એમને મારા જીવનની એક તસુ જેટલી જગ્યામાં પણ પ્રવેશવા નહિ દઉં. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે સરદાર વલ્લભભાઈ હતા. તે પણ કૃપાલાનીજીના આ વિધાનને સસ્મિત સાંભળી રહ્યા. એમને એ ગમ્યું હોય બલકે એમની પોતાની જ વાત કૃપાલાનીજી કહેતા હોય એવું એમના મોં પર જાણે કે દેખાતું હતું. એનું પ્રત્યક્ષ પ્રમાણ બારડોલી સત્યાગ્રહના વિજયની ઊજવણી નિમિત્તે વિદ્યાપીઠમાં ગાંધીજીના પ્રમુખપદે મળેલી સભામાં અમને મળ્યું. તે વખતે સરદારે વિદ્યાપીઠમાં સ્વયંસેવક તરીકે બારડોલી ગયેલા વિદ્યાર્થીઓની વાત કરતાં કહ્યું કે, ‘એમાંના કેટલાક મારી સાથે ચર્ચા કરવા ઇચ્છતા હતા કે આ અહિંસા કહેવાય? પેલી બાબતમાં હિંસા નથી? સત્યાગ્રહીથી આવું થાય? ને એવું બધું-ત્યારે તેમને મેં કહ્યું કે તમારે એ ચર્ચા કરવી હોય તો સાબરમતી જાવ. ત્યાં પેલા ડોસાને આવી બધી ચર્ચા માટે નવરાશ છે.’ (આ સાંભળતા ગાંધીજી પણ ખડખડાટ હસ્યા.) સરદારની વાત ખરી હતી. ગાંધીજી માટે અખૂટ ભક્તિ હોવા છતાં તે પોતાના જીવનવ્યવહારમાં પોતાની રીતે જ વર્તતા. આ જ વાત કૃપાલાનીજીના જીવનમાં પણ દેખાતી. એનો એક પ્રસંગ જે મને એમની પાસેથી જ જાણવા મળ્યો હતો, તેના ઉલ્લેખથી આ વિધાનને હું વધુ સ્પષ્ટ કરું.

કરાંચી કૉંગ્રેસમાંથી એ બધા પાછાં વળતા હતા. ગાડી ખીચોખીચ ભરાઈ ગઈ હતી. આ સંજોગોમાં ડૉ. અન્સારી ફર્સ્ટ ક્લાસમાં હતા. તેમના કમ્પાર્ટમેન્ટમાં રાજાજી, કૃપાલાનીજી વગેરે ચઢી ગયા. આની જાણ થતાં ગાંધીજીએ દેવદાસને મોકલી કહેવડાવ્યું કે ગાર્ડને આની જાણ તરત કરો. એ સાંભળતાં કૃપાલાનીજીએ પૂછ્યું, Yes. Devdas, what's Bapu's message? દેવદાસે બાપુના સંદેશનું પુનરુચ્ચારણ કર્યું. એટલે એમની લાક્ષણિક રીતે એમણે કહ્યું, “Tell your father, I do not borrow my morality from others. દેવદાસ ધૂંઆપૂંઆ થતા ગાંધીજી પાસે ગયા. આ સાંભળતાં ગાંધીજી ખડખડાટ હસ્યા અને બોલ્યા, ‘મને શી ખબર કે એ બંદર ત્યાં છે!'

ગાંધીજી સાથે કૃપાલાનીજી જે લાડ ભરેલી છૂટ લેતા તેવી બીજા કોઈએ લીધી હશે કે કેમ એની તો ખબર નથી પણ એ છૂટ દ્વારા એ ગાંધીજીની વધુ નિકટ જતા અને ગાંધીજી માટેનો એમનો પ્રેમ આપણને પણ સ્પર્શી જતો, અવળવાણી જેવા એમના શબ્દપ્રયોગ ચિર આસ્વાદ્ય બની જતા. ગાંધીજી જેને સત્યાગ્રહ કરતાં પણ પોતાના જીવનની વધુ મોટી ભેટ લેખતા તે બુનિયાદી તાલીમને કેવળ કૃપાલાનીજીજ Latest fad. તરીકે ઓળખાવી એનું સુંદર નિરૂપણ કરી શકે.

કૃપાલાનીજીની આ ગાંધીભક્તિ ૧૯૫૧થી શરૂ થઈ હતી. એ અરસામાં કલકત્તામાં એ એમના સંપર્કમાં આવ્યા. ત્યાર પછી ગાંધીજી ચંપારણમાં ગયા ત્યારે રસ્તામાં કૃપાલાનીજીને ત્યાં એ ઊતર્યા. કૃપાલાની તે વખતે મુઝફ્ફરપુરની સરકારી કૉલેજમાં પ્રોફેસર હતા. ગાંધીજી જેવાને કોઈ સરકારી અધિકારી પોતાને ત્યાં ઉતારો આપવાનું જોખમ ખેડે એવું એ વખતે લગભગ અશક્ય જેવું હતું. કૃપાલાનીજી જે મકાનમાં રહેતા હતા તેના નીચેના ભાગમાં એમના એક અધ્યાપક સાથી રહેતા હતા. ગાંધીજી એમના એ મકાનમાં ઊતરવાના છે એ જાણતાં બેબાકળા બનેલા એ અધ્યાપક એ દિવસ માટે પોતાના ઘરને બારણે તાળું લટકાવી ઉચાળા ભરી ગયા!

કૃપાલાનીજી ગાંધીજીને પોતાને ઘેર ઉતારો આપીને જ અટક્યા નહિ. તેમણે એમના વિદ્યાર્થીઓને પણ એની જાણ કરી. છાત્રવાસમાં ઉત્સુકતાનું એક મોટું મોજું ઊછળ્યું. ગાંધીજીનો સ્ટેશને સત્કારકરવા વિદ્યાર્થીઓ થનગની ઊઠ્યા ને આરતીથી એમનું સ્વાગત કરવાની તેમણે સૂચના કરી. આરતીમાં શ્રીફળ પણ જોઈએ તે હાથવગા નહિ હોઈ કૃપાલાનીજી પાસેની નાળિયેરી પર ચઢી ગયા ને તે પરથી બે નાળિયેર તેમણે પાડ્યાં! સરકારી કૉલેજના અધ્યાપક માટે ભયંકર દુ: સાહસ લેખાય એવું આ કૃત્ય કરનાર કૃપાલાનીજી એમના વિદ્યાર્થીકાળથી જ ક્રાંતિકારી હતા. એમના પિતા સરકારી અધિકારી હતા. તેમની સાથે એથી એમને અવારનવાર ચકમક ઝરતી ને એવા પ્રસંગો ટાળવા પિતાથી દૂર મુઝફ્ફરપુરમાં તેમણે નોકરી લીધી હતી. માલવિયાજીને કોઈ શક્તિશાળી અધ્યાપકની જરૂર હતી એથી ગાંધીજી પાસે માગણી કરતાં કૃપાલાનીજી બનારસ ગયા. ત્યાં લાલબહાદુર શાસ્ત્રી જેવા વિદ્યાર્થીઓના પ્રેરણા કેન્દ્ર એ બની ગયા. અસહકાર આવતાં બનારસની હિંદુ યુનિવર્સિટીમાંથી છૂટા થઈ એમણે મેરઠ આશ્રમ સ્થાપ્યો. ત્યાંથી ગાંધીજી એમને વિદ્યાપીઠમાં લઈ આવ્યા.

ગાંધીજી માટેની અનન્ય ભક્તિ સાથે પોતાના જીવનને પોતાની આગવી રીતે ઘડવાની કૃપાલાનીજીની સાધના અમને મળેલી જીવનદીક્ષા જેવી હતી. આજે જ્યારે ચોમેર અંધકાર દેખાય છે ત્યારે મારા જેવા એમના અનેક શિષ્યો ને સાથીને નિરાશાના ગર્તમાં ગબડી પડતાં ઉગારવા તે મથે છે.

ગાંધીજી પરની અખૂટ શ્રદ્ધાના અનેક પ્રસંગો કૃપાલાનીજીના જીવનમાં ઠેર ઠેર વેરાયેલાં પડ્યા છે. એ પૈકી કોંગ્રેસમાં ‘નાફેરવાદી’ અને ‘સ્વરાજીસ્ટ’ એવા ભાગલા પડ્યા તે વખતનો એક છે. ગાંધીજીએ એવી સલાહ આપી કે સ્વરાજીસ્ટો કૉંગ્રેસથી અલગ થઈ ધારાસભા મારફત પોતાની પ્રવૃત્તિ કરે, અને નાફેરવાદીઓને અસહકારના પંચવિધ બહિષ્કારની પ્રવૃત્તિ કરવા દે. અમને રાજકારણનો વિષય શીખવતાં લોકશાહીમાં પક્ષીય રાજકારણનો ખ્યાલ આપી કૃપાલાનીજીએ ગાંધીજીના આ વિધાનની ચર્ચા કરી, લોકશાહીમાં મતભેદ હોવાના જ, અને મતભેદ હોય એટલે પક્ષો પણ પડવાના. એમ જણાવી ગાંધીજીનું વિધાન બરોબર છે? એવો મુદ્દો તેમણે ઊભો કર્યો. એની લંબાણથી ચર્ચા કરી એમણે કહ્યું:

But atler all his darkness is bigner than ny light.

આ વાક્ય એમના મુખમાંથી સર્યું ન સર્યું ત્યાં અમારા અણુઅણુમાં જાણે કોઈ પ્રકાશ ઝળાંઝળાં થઈ રહ્યો હોય એવું અમે અનુભવ્યું. કૃપાલાનીજીએ ગાંધીજીના વિધાનમાં રહેલા ઔચિત્યનું સમર્થન કરતાં જણાવ્યું કે લોકશાહી સિદ્ધાંતો જ્યાં સંજોગો સ્વાભાવિક હોય ત્યાં બરોબર જળવાવા જોઈએ; પણ અણધાર્યા સંજોગો આવે-દા. ત. દેશ ઉપર કોઈ બાહ્ય આક્રમણ આવે ત્યારે પક્ષીય સરકારને સ્થાને બધા પક્ષે એકત્ર થઈ રાષ્ટ્રીય સરકારની રચના કરે. આપણે તો આવી રાષ્ટ્રીય આપત્તિ હેઠળ વર્ષોથી છીએ એટલે એનો સામનો કરવા કૉંગ્રેસે ઊભી કરેલી અસહકારીની સેના અખંડિત રહે તો જ અસરકારક સામનો થઈ શકે. લડતા લશ્કરને બુદ્ધિભેદ પરવડે નહિ.

વિદ્યાપીઠમાં મુક્ત વાતાવરણ હતું; પણ તે સાથે શિસ્તની પણ બહુ કાળજીથી જાળવણી થતી. નાગપુરમાં શ્રી જમનાલાલ બજાજના અને તેમની ગિરફતારી પછી વલ્લભભાઈના નેતૃત્વ હેઠળ ‘ઝંડા સત્યાગ્રહ'ની લડત ઉપાડવામાં આવી હતી. એ લડતમાં ભાગ લેવા ઠેરઠેરથી સત્યાગ્રહી સ્વયંસેવકોનો પ્રવાહ વહેવા માંડ્યો. વિદ્યાપીઠમાં પણ એની ઉત્તેજના વ્યાપી; અને સત્યાગ્રહ માટે એક ટુકડી તૈયાર થઈ. એને વિદાય આંપવાનો એક સમારંભ ગોઠવવામાં આવ્યો. આ બધું કૃપાલાનીજીને પૂછ્યા વિના બારોબાર પત્રવ્યવહાર કરી ગોઠવવામાં આવ્યું હતું. કૃપાલાનીજીએ સમારંભમાં આ બધું કેવી રીતે બન્યું એની માહિતી માગી. એ મળતાં એમણે પૂછ્યું, ‘તમારો આ વ્યવહારગેરશિસ્તભર્યો નથી?' નાગપુર જનાર વિદ્યાર્થીઓમાંથી એકે કહ્યું, ‘આમાં ગેરશિસ્ત ક્યાં આવી? અમે અસહકાર કરી અમારી જૂની સંસ્થાઓમાંથી બહાર આવ્યા હતા અને એની પાછળ સ્વરાજની લડતમાં ભાગ લેવાની ભાવના હતી. એ હજુ આવ્યું નથી. ત્યાં સુધી અસહકારની લડતના જે કોઈ ઉગ્ર કાર્યક્રમો આવે તેમાં ભાગ લેવાની અમને જો અમારી ફરજ લાગતી હોય તો એમાં ગેરશિસ્ત ક્યાં આવી?' કૃપાલાનીજીએ કહ્યું કે ‘વિદ્યાપીઠમાં પણ તમે એ લડતના એક મહત્ત્વના અંગરૂપ છો. જે ‘અનામત સૈન્ય’ કહેવાય એવા તમે છો અને એ રીતે તમે એની શિસ્તથી બંધાયેલા છો.’ એટલે બીજા એકે કહ્યું, ‘અમે ક્યાં ગેરશિસ્ત કરી છે? વલ્લભભાઈને પૂછીને ૪ અમે આમાં જોડાયા છીએ.’ કૃપાલાનીજીએ કહ્યું, ‘અહીંની બધી જવાબદારી મારે માથે છે. વલ્લભભાઈ તો ત્યાં જે કોઈ સ્વેચ્છાથી જાય તેને આવકારે; પણ જો વિદ્યાપીઠે એમાં ભાગ લેવાનો હોય તો એ માટેનું ઘટતું આયોજન ન થાય ત્યાં સુધી કોઈ આપમેળે નિર્ણય ન લઈ શકે.' અમારી જૂની સંસ્થાઓ છોડીને અમે બહાર નીકળ્યા હતાં એના જેવું જ આ હતું એવા અમારા મુદ્દાને સ્પર્શતાં તેમણે જણાવ્યું કે, “ત્યાંથી તમે નીકળ્યા હતા તે પાછા જવા માટે નહિ. અને વિશેષ તો એ સંસ્થા જે સરકારને તમારે હઠાવવી છે તેના એક મહત્ત્વના ગઢ જેવી હતી. જ્યારે વિદ્યાપીઠનું સ્વરૂપ એથી જુદું જ છે. તમારે સક્રિય રીતે લડતના મોરચાએ જવું હોય તો, અને વિદ્યાપીઠના વિદ્યાર્થી તરીકેનો તમારો હક્ક અબાધિત રાખવો હોય તો, વિદ્યાપીઠ એ અંગે ઘટતું કરે ત્યાં સુધી તમે આપમેળે કોઈ સક્રિય પગલું નહિ ભરી શકો.” એ વખતે જે ઝીણવટભરી ચર્ચા શિસ્ત અંગે એમની સાથે અમારે થઈ તેની વિગતો કેવળ સ્મૃતિને આધારે-અને તે પણ અત્યંત ધૂંધળી એવી મેં આલેખી છે; પરંતુ તેની અસર ઘણી પ્રબળ હતી. એ ચર્ચાને અંતે વિદ્યાપીઠ ઝંડા સત્યાગ્રહ'માં ભાગ લે છે એના પ્રતીક તરીકે શ્રી પરીક્ષિતલાલ મઝુમદાર અને તેમની સાથે બીજા એક વિદ્યાર્થી ભાગ લે એવો વચલો માર્ગ કાઢી અમારી ટુકડીને નાગપુર જતી રોકી દીધી.

કૃપાલાનીજીનું આ વલણ ગાંધીજીના સિદ્ધાંતને બરોબર અનુસરતું હતું. ગાંધીજીએ અસહકારની લડતના એક ભાગ તરીકે શાળા-મહાશાળા છોડવાનો જે આદેશ આપ્યો હતો તેમાં સ્પષ્ટ કર્યું હતું કે જો વિદ્યાર્થીઓએ પોતાની સરકાર માન્ય શાળાઓમાં ભણવાનું ચાલુ રાખવું હોય તો તેમનાથી શાળાની શિસ્તને હાનિ પહોંચે એ રીતે નહિ વર્તી શકાય, એટલે કે તેઓ હડતાલ નહિ પાડી કે. કાયમ માટે એ સંસ્થા છોડવી હોય તો જ તેમણે એ છોડીને બહાર આવવું. વિશેષમાં ત્યારે એમણે એ પણ કહ્યું હતું કે જે વિદ્યાર્થીઓ શાળા-મહાશાળા છોડી બહાર આવે તેમણે થોડો વખત ભણવાની સગવડ નહિ મળે તો તે માટેની માનસિક તૈયારી રાખવી જોઈએ. તેમને એવી સગવડ મળે તે માટે બનતા બધા જ પ્રયત્ન થશે; પરંતુ એવું કાંઈ ન થઈ શકે અને તેમને ભણવાને બદલે પથ્થર ફોડવા જેવું કામ કરવું પડે તો તે માટે પણ તૈયાર રહેવું જોઈએ. આ બધું આટલી વિગતે એથી હું નોંધું છું કે ગાંધીજીના શિસ્ત અંગેના આ ખ્યાલ આજ તો બધા ક્યાંય ફંગોળાઈ ગયા છે, અને જે ગેરશિસ્ત જોતાં ગાંધીજી અકળાઈ જાય એવી ગેરશિસ્ત આપણી શિક્ષણ સંસ્થાના જાણે કે એક નિત્યના વ્યવહારરૂપ બની ગઈ છે. અસહકારની લડત દરમિયાન કોઈ પણ શાળા, પાઠશાળા કે યુનિવર્સિટીમાં કોઈ ભાંગફોડ અને અંધાધૂંધી થયાનું બન્યું ન હતું તે આજના આપણા શિક્ષણ જગતની ભયંકર અનવસ્થા જોતાં નવાઈ પમાડે તેવું નથી?

એ વખતે યુવક પ્રવૃત્તિ પણ પૂરા ઉત્સાહ સાથે શરૂ થઈ હતી અને એમાં રાજકીય મતમતાંતરોના કોઈ પણ ભેદ વિના અસહકારી વિદ્યાર્થીઓ કે સરકારી સંસ્થામાં ભણતા વિદ્યાર્થીઓ વચ્ચેના કોઈ પણ અંતરાય વિનાના, પાંત્રીસ કે એથી નીચેની વયના સહુ કોઈ યુવક પ્રવૃત્તિમાં જોડાઈ શકે એવી ‘અમદાવાદ યુવક સંઘ' નામની એક સંસ્થાની સ્થાપના થઈ. શ્રીમતી સરલાદેવી સારાભાઈ એના પ્રથમ પ્રમુખ તરીકે ચૂંટાયાં. વિદ્યાપીઠમાંથી ઘણાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ આની સ્થાપનામાં મહત્ત્વનો ફાળો આપ્યો. એ પૈકી વિદ્યાર્થીઓમાં કીકુભાઈ દેસાઈ અને અધ્યાપકોમાં મલકાનીજી મુખ્ય હતા. બીજા સભ્યોમાં ગુજરાત કૉલેજમાંથી શ્રી સત્યેન્દ્ર દીવાન અને નાગરિકોમાંથી શ્રી સમર્થલાલ વૈદ્યનાં નામ મને અત્યારે યાદ આવે છે. પાછળથી શ્રી રોહિત મહેતાએ એમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. આ સંઘની પ્રવૃત્તિએ યુવકોમાં ભાવના અને આદર્શની હવા ઉભી કરી. દેશની સાચી પરિસ્થિતિ અંગે યુવકોમાં સભાનતા કેળવવાની દિશામાં એ હતી. આને લઈને અસહકારી વિદ્યાર્થીઓ અને બીજા વિદ્યાર્થીઓ વચ્ચે સમભાવ અને બિરાદરીની સારી એવી હવા ઊભી થઈ. પરિણામે ખાદી, સ્વદેશી વગેરે રચનાત્મક કાર્યક્રમના અંગરૂપ લેખાતી પ્રવૃત્તિઓ માત્ર અસહકારીઓમાં સીમિત નહિ રહેતાં વધુ વ્યાપક બની. એને પરિણામે વિદેશી કાપડના બહિષ્કારના કાર્યક્રમમાં અને મઘનિષેધના કાર્યક્રમમાં સારી એવી સંખ્યા જોડાઈ. આમ વિદ્યાપીઠના સા વિદ્યા યા વિમુયે ધ્યાનમંત્રને સાર્થ કરે એવી પ્રાણવાન આબોહવા એ વખતના અસહકારી તેમ જ સરકારી સંસ્થાના વિદ્યાર્થીઓએ હાથમાં હાથ મિલાવી ગુજરાતમાં ફેલાવી અને એની અસર દૂર દૂર સુધી દેશના ઘણા ભાગોમાં પહોંચી.