હયાતી/૧૨. મઝધારે મુલાકાત
Jump to navigation
Jump to search
૧૨. મઝધારે મુલાકાત
રૂપલે મઢી છે સારી રાત રે, સજન,
એનું ઢૂંકડું ન હોજો પ્રભાત,
સૂરજને કોઈ ઓલી મેર રોકી રાખો,
હજી આદરી અધૂરી મારી વાત.
વેળા આવી તો જરા વેણ નાખું, વાલ્યમા,
એક જરા મોંઘેરું ક્હેણ નાખું વાલ્યમા,
ફેણ રે ચડાવી ડોલે અંધારાં દૂર,
એને મોરલીને સૂર કરું મ્હાત;
રૂપલે મઢી છે સારી રાત રે, સજન,
એનું ઢૂંકડું ન હોજો પ્રભાત.
દિલના દરિયાવનાં ઊંડાણ જરા જોઈ લઉં,
કેવાં રે મહોબતનાં તાણ જરા જોઈ લઉં,
મારા કિનાર રહો દૂર ને સુદૂર,
રહો મઝધારે મારી મુલાકાત,
રૂપલે મઢી છે સારી રાત રે, સજન,
એનું ઢૂંકડું ન હોજો પ્રભાત.
૧૯૫૬