< હયાતી
હયાતી/૨૪. ઘર
આ રોજ સવારે આંગણથી આરંભાતો
ને રોજ સાંજના ત્યાં જ સમેટાઈ રહેતો :
આ મારગ. ત્યાં હું ગતિ કરું કે માર્ગ સ્વયમ્
કે છળી બેઉને રહે કાળ પોતે વહેતો.
હું હળવે હૈયે મારગ પર જ્યાં પાય મૂકું
એ કેવા છલકાતા હેતે સામો ધસતો,
આ મલક મલક મલકાય મકાનો બેઉ તરફ,
આ પવન પલક વીંટળાય, પલક આઘો ખસતો.
આ પાલખ પર ઘૂ ઘૂ કરતાં બે પારેવાં
મુજ પદરવથી શરમાઈ ફરી વાતે વળગ્યાં;
આ પૂર્વગગનથી કિરણ કિરણની ધૂપસળી
અડકી તો રૂના પોલ સમાં વાદળ સળગ્યાં.
ઝાલી માતાનો કર જે ગગન નીરખતો’તો
મન થતું, જરા એ બાળક સંગે ગેલ કરું;
આ એકમેકથી રીસ કરી અળગા ચાલે,
બે માણસમાં એક ગીત ગાઈ મનમેળ કરું.
આ નેત્ર ઉદાસી ભરી અહીં બે વૃદ્ધ ઊભા,
હું અશ્રુ બે’ક સારી એને સાંત્વન આપું :
આ ઉન્મન ને સુંદર યુવતીની આંખોને
એ તરસે છે, તલખે છે એવું મન આપું.
આ ભીડભર્યા કોલાહલમાં નીરવ રીતે
કોઈ મિત્ર તણો હૂંફાળો કર થઈ જીવી શકું;
તો માર્ગ વહે કે કાળ વહે કોને પરવા
પરવા કોને, હું થીર રહું કે વહી શકું.
જ્યાં રોજ સાંજ ઢળતાં ચરણો વળતાં મેળે
આ માર્ગ પછીની મંઝિલ એ મારું ઘર છે :
ને કદી જીવનની સાંજ ઢળ્યે જ્યાં જંપીશ હું
એ માર્ગ પછીની મંઝિલ પણ મારું ઘર છે.
૧૯૬૪