કવિલોકમાં/અભિવ્યક્તિના આગવા મરોડથી થયેલું વાસ્તવચિત્રણ

From Ekatra Wiki
Revision as of 10:08, 10 April 2025 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


અભિવ્યક્તિના આગવા મરોડથી થયેલું વાસ્તવચિત્રણ

અડોઅડ, ભાનુપ્રસાદ પંડ્યા, પ્રકા. વોરા, અમદાવાદ, ૧૯૭૨

પ્રિય ભાનુભાઈ, આ પત્રમાં હું તમને 'અડોઅડ’ વિશે કંઈક લખવા ધારું છું એમ આરંભમાં જ તમને કહી દઉં તો અગસ્ત્ય જાણે દક્ષિણયાત્રાએથી પાછા ફર્યા હોય એવો તમને ભાવ થશે. પણ કવિતાની અડોઅડ જવું એ વિંધ્ય વળોટવા જેવું કામ નથી શું? એમાંયે કવિતારસમાં ડૂબવું એ એક વાત છે. એમાં તો કવિતા જ પોતાનું કામ કરે. પણ કવિતાનું વિવેચન કરવા બેસીએ ત્યારે કવિતા અક્કડ, અણનમ થઈને ઊભી રહે. એક શિખર પછી બીજું શિખર માથું ઊંચું કરતું આગળ આવે. કવિતાનું વિવેચન એક સાહસયાત્રા બની રહે. રઘુવીરે કેટલાક સમય પહેલાં મારે વિશે એવી મતલબનું લખેલું કે જયંતભાઈ કવિતાનો સંકોચ અનુભવે છે. ખરી વાત છે. કવિતાને ઊભી બજારે અલપઝલપ મળવાનું મને ફાવતું નથી, એની છેડતી કરવાનું મને ગમતું નથી. કવિતાને હું સમજીને પામવા ઇચ્છું છું. એટલે કવિતા સાથે ઓળખાણ કરવામાં હું ધીમો હોઉં છું અને પ્રમાણમાં ઓછી કવિતા સાથે હું ઘનિષ્ટ સંબંધ કેળવી શકું છું. કવિતાનો આનંદ લેવાની આ ખરી રીત છે એવું નથી. પણ એ મારી રીત છે. એના કેટલાક લાભ છે, કેટલાક ગેરલાભ પણ છે. તમારી કવિતામાં તો મને અંગત રસ હતો. અને તમારો પણ મારા પર વિશેષ અધિકાર. વરસો પહેલાં ‘સંસ્કૃતિ'માં એક કાવ્ય — 'રાજાના અશ્વો’? — વાંચેલું. એના લેખક ભાનુપ્રસાદ પંડ્યા તે તમે જ એમ જ્યારે જાણ્યું ત્યારે કેવો વિસ્મય-રોમાંચ-ઉમળકાનો ભાવ થયેલો! આપણે ભણતા હતા. ત્યારે તમને ભાષામાં રસ છે તે હું જોઈ શક્યો હતો પણ તમારી કાવ્યરચનાની પ્રવૃત્તિ કંઈ જાણમાં આવેલી નહીં. તમે કવિ તરીકે તો મારે માટે સામયિકોનાં પાનાં પર જ એકાએક ઊઘડી ઊઠ્યા! અંગત મિત્ર સર્જક હોય એનો એક વિશેષ રોમાંચ હોય છે તે સાથે એની સર્જનયાત્રાને, એની વિકાસયાત્રાને નજીકથી નિહાળવાનું પણ મન થાય. એટલે 'અડોઅડ' વિશે ઝીણવટથી હું વિચારતો રહ્યો, તમે શું સિદ્ધ કર્યું છે અને શું સિદ્ધ કરવું જોઈએ એ તપાસતો રહ્યો અને પરિણામે સમય સરતો રહ્યો. તમારાં કાવ્યો વાંચતાં સૌથી પહેલી છાપ તો એ પડે છે કે તમે એમાં આપણા તળપદા ગ્રામજીવનને જ બહુધા ગાયું છે. આ તમારા આજના અનુભવની દુનિયા હોવાની શક્યતા ઘણી ઓછી છે. એટલે એને સ્મરણોની દુનિયા - કદાચ એષણાઓની દુનિયા તરીકે ઘટાવવાની રહે. તમે તળપદા લોકજીવનની કેટલીક એવી માર્મિક ને ઊંડી રેખાઓ અહીં આંકી છે કે તમારા ચિત્તમાં એ જીવન કેવું ઘર કરી ગયું હશે એની પ્રતીતિ થાય છે. આ પ્રતીતિ પણ મારે માટે તો નવી હતી. તમે આલેખેલી દુનિયા બહુધા ગઈ કાલની દુનિયા છે એ બીજી રીતે પણ દેખાઈ આવે છે. અહીં હજુ કોસ ચાલે છે, પનિહારીઓ બેડાં લઈ પાણી ભરે છે, વાંસળી વાગે છે. આપણાં બધાં ગામડાં કંઈ પૂરાં બદલાયાં નથી, પણ બદલાવા લાગ્યાં છે એનાં કશાં ચિહ્ન અહીં પડ્યાં નથી. કૂવા પર મુકાયેલાં મશીનો, ખેતરમાં ચાલતાં ટ્રેક્ટર, ઘરઆંગણે પાણી પહોંચાડતી પાઈપ-લાઈનો, વિવિધ ભારતી રેલાવતા રેડિયા ગ્રામજીવનનું આ બદલાયેલું ચિત્ર કવિતામાં ક્યારે જોવા મળશે? જોવા મળશે ત્યારે એ કેવું લાગશે? લોકજીવનની કવિતા સામેનો આ એક પડકાર છે. ગામડાના પ્રાકૃતિક જગતને અને તળપદી જીવનપદ્ધતિને તમે મુગ્ધતાથી જોઈ છે એ અછતું રહે તેવું નથી. અહીં સઘળું સુંદર અને મધુર છે. અહીં અભાવ, વિયોગ, તરસ છે તો સાથેસાથે આશા, વિશ્વાસ અને સમાધાન છે. કદર્યતા, કરાલતા ને ક્રૂરતા, દુર્ભગતા ને દુષ્ટતા એવું કંઈ અહીં નથી. ‘સભ્યતા' એ કાવ્યમાં તમે નગરજીવનની કૃત્રિમતા અને યાંત્રિકતા પર જે કટાક્ષ કર્યો છે તેમાં ગ્રામજીવન પ્રત્યેનો તમારો પક્ષપાત પરોક્ષ રીતે વ્યક્ત થઈ જાય છે. વાસ્તવિકતાનો સવાલ જવા દઈએ તો તમને ગમતી એક સૃષ્ટિનું તમે આલેખન કર્યું છે. કદાચ આપણી આજની સભ્યતાનો, જીવનરીતિનો અસંતોષ આ રીતે વ્યક્ત થાય છે. એના સહભાગી તો સૌ સંવેદનશીલ માણસો બનશે. અને માટે જ તમારી મુગ્ધ દૃષ્ટિની સૃષ્ટિ પણ એમના ચિત્તમાં વસી જશે. એમ કહી શકાય કે તમારો મુખ્ય કવિવ્યાપાર લક્ષણાનો છે. આજની કવિતાનો પણ એ મુખ્ય વ્યાપાર છે. અભિધામૂલક પણ વ્યંજના હોઈ શકે છે એ વાત જાણે વીસરાવા લાગી છે. વર્ષો પહેલાં 'કુમાર'માં કદાચ ‘ડમણી ખેંચે છોગલું પરું, જાળિયું પ્રોવે આંખ' એ પંક્તિના લાક્ષણિક પ્રયોગોની મારા ચિત્તે ખાસ નોંધ લીધાનું સ્મરણ છે. પછી આ જાતના લાક્ષણિક પ્રયોગોની સાર્થકતા વિશે પણ હું વિચારતો રહ્યો છું. આપણે ત્યાં લક્ષણાને સાધનભૂત માનવામાં આવી છે. લક્ષણા-વ્યાપારથી જો ધ્વનિની દિશા ખૂલતી ન હોય તો લક્ષણા એક ઉપચાર-માત્ર બની રહે છે અને એ અમુખ્યપણે રજૂ થતું વાચકત્વ — અમુખ્યપણે પ્રવર્તતો અભિધાવ્યાપાર જ ગણાય. કેવળ લક્ષણાનું કોઈ કાવ્ય-મૂલ્ય નથી. એમાંયે લક્ષણાપ્રયોગની રૂઢિ બંધાઈ જાય તો તો એમાં કશો મર્મ રહેતો નથી. એટલે હું વિચારવા લાગ્યો કે 'ડમણીમાં બેઠેલા પુરુષ'ને બદલે 'ડમણી' મૂકવાથી કે ‘જાળિયામાંથી જોતી સ્ત્રી'ને બદલે ‘જાળિયું મૂકવાથી ખરેખર શું સિદ્ધ થાય છે? મને લાગ્યું કે જાળિયું પ્રોવે આંખ' એ પંક્તિમાં આસક્તિ - આતુરતાનો ભાવ માર્મિકતાથી અને સઘનતાથી મૂર્ત થાય છે, એ રીતે એ લક્ષણાપ્રયોગ સાર્થક છે. ‘ડમણી’ના પ્રયોગમાં એવી સાર્થકતા કદાચ નથી. એ એક ઉપચાર બની જાય છે. તમારા લક્ષણાવ્યાપારમાં રૂપક, અતિશયોક્તિ, ક્રિયા કરનારને સ્થાને ક્રિયા, પદાર્થને સ્થાને એના ગુણધર્મ, ઘટનાને સ્થાને એનાં સ્થળ-સમય, આજે જેને આપણે સજીવારોપણ તરીકે ઓળખીએ છીએ તે — એમ અનેકવિધ પ્રક્રિયાઓ જોવા મળે છે. થોડાં ઉદાહરણોથી વાત સ્પષ્ટ થશે : રૂપક : તૃણની પાંપણ, મોં-સૂઝણાના ગોંદરા, શમણાંની સાહેલિયું, મેળાપના દીવા, તાજું હસ્યાનાં કૂણાં તરણાં, છટકવાનાં હરણો, પવનનાં હરણાં, ઝંખા-ચલ્લી, તારા મલક્યાનું ભોર, ઉમંગનાં હરણાં, નજર-પંખી વગેરે. અતિશયોક્તિ : આંગણાનું નૂર (= આંગણાના નૂર સમી કન્યા), દીવાલ પરના ધોળા તંબુ (= કરોળિયાનાં જાળાં), ભીંતનું મલકી ઊઠવું (= ધોળાવાથી ઉજ્જ્વળ થવું) વગેરે. ક્રિયા કરનારને સ્થાને ક્રિયા : ગીતની ટોળી (= ગીત ગાતાં પંખીઓની ટોળી), ગ્હેક (= ગ્હેકતા મોર), રોણું (= રોતું બાળક), ડેલીમાં અકળાતું જોણું (= જોનાર), વાતનું ટોળું (= વાત કરતી સ્ત્રીઓનું ટોળું) વગેરે. પદાર્થને સ્થાને એના ગુણધર્મ : રૂપ કે રૂપના રેલા (= રૂપવંતી સ્ત્રી), ટીખળ (= ટીખળી સ્ત્રી), બુઢાપો (= વૃદ્ધ પુરુષો), ઉત્કંઠા (= ઉત્કંઠિત સ્ત્રી), રોફ (= રોફવાળો પુરુષ) વગેરે. ઘટના કે પદાર્થને સ્થાને એનાં સ્થળસમય : ગગન (= ગગનમાંથી વરસતો વરસાદ), આષાઢ (= આષાઢમાં વરસતો વરસાદ), ઊછળતા ખીલેખીલા (= ખીલે બાંધેલાં વાછરું), જાળિયું (= જાળિયામાં ઊભેલી સ્ત્રી), ભસી ઊઠે ફળિયું (= ફળિયાનાં કૂતરાં) વગેરે. સજીવારોપણ : ચૌટું નવરાત ઘૂમતા ચરણોને ઝીલવા ઝંખે છે, બારણે કૂદાકૂદ કરે અંજવાસ, વીંધી લીલોતરીના પ્હાડો સુગંધને સોંસરવા ચાલવાના હેવા. થોડાંક અપહ્યુતિનાં ઉદાહરણો મળી આવે છે –

  • તૃણ, નથી આ તીતીઘોડો, ઉલ્લાસ અમારો લસરે!
  • ફળિયું ચીતરીને ઊડી જતા અંકાશ

એ નથી કપોત – ભોળા ઓરતા.

  • બોરસલીથી ફૂલ નહિ પણ ખૂટે નહિ એમ હળવે ઝરતાં હાસ!

અને થોડાંક અન્યોક્તિનાં પણ – 'રાજાના અશ્વો, ‘લક્કડખોદ પંખી' ('લક્કડખોદ ડાળખી’ છાપભૂલ જણાય છે). 'દીવાલમૈયા', 'ખરેલા પીંછાની પંખીને વિનવણી' વગેરે. 'રાજાના અશ્વો’ કંઈક સભાન, ગણતરીપૂર્વકની, ખુલ્લી પડી જતી રચના છે, પણ બાકીની ત્રણે રચનાઓ ધ્વનિપૂર્ણ છે, એટલું જ નહીં, જીવનના ઊંડા મર્મને વેધક રીતે વ્યક્ત કરે છે. સામાન્ય રીતે તમારી કવિતા વર્ણનપ્રધાન છે, એમાં આ વિચારપ્રધાન રચનાઓ જુદી પણ પડી આવે છે. આ પણ કવિતાની એક ખેડવા જેવી દિશા છે એમાં શંકા નથી. તમારી કવિતા એક સાથે વાંચીએ ત્યારે તમારા લક્ષણાપ્રયોગોમાં — અને અન્ય ભાષાપ્રયોગોમાં પણ - કેટલીક લઢણો પકડાઈ આવે છે : છટકવાનાં હરણાં, પવનનાં હરણાં, ઉમંગનાં હરણાં, સોડમનાં ફૂલ, સોડમના ચોક, સોડમની કેડી. ‘ગગન' કે 'નભ'નો લાક્ષણિક પ્રયોગ પણ ઠીકઠીક વપરાયો છે. કવિની કવિતામાં ઘણી વાર અમુક ચિત્ર-કલ્પનોનો કસ કાઢવાનો પ્રયત્ન દેખાતો હોય છે. ઉપરાંત, કવિ એક જ ચિત્રકલ્પનને વધારે ઉચિત સંદર્ભમાં ગોઠવવા પ્રયાસ પણ કરે. તમારી આ લઢણોને એ બચાવ હમેશાં મળે તેમ નથી. કેટલુંક ટેવવશ આવી જતું પણ લાગે છે. રૂપકો કે વસ્તુને બદલે એના ગુણ કે ક્રિયા - એ જાતના લાક્ષણિક પ્રયોગો પણ અતિપ્રયુક્ત હોય એમ લાગે છે. આ પરિસ્થિતિથી બચવા જેવું છે. આમ છતાં, મનમાં રમી રહે તેવાં ઘણાં લાક્ષણિક પ્રયોગો અને વર્ણનરેખાઓ તમારી કવિતા પાસેથી સાંપડે છે. કેટલીક લઢણોને તમારી આગવી છટા તરીકે પણ આસ્વાદી શકાય છે. એટલે થોડી જે રૂઢ બની ગયેલી વસ્તુ જોવા મળે છે તે તમારી સમગ્ર કવિતાના આસ્વાદમાં ખાસ બાધારૂપ બનતી નથી. વળી આગળ મેં લક્ષણાપ્રયોગોની સાર્થકતાની વાત કરી હતી તેના સંદર્ભમાં મને સંસ્કૃત કાવ્યશાસ્ત્રની ગુણીભૂતવ્યંગ્યની વિભાવના પણ યાદ આવે છે. ધ્વનિ આછો હોય અને રમણીયતા વાચ્ય ચિત્રની પ્રધાનપણે હોય એવી કાવ્યસ્થિતિની કલ્પના આપણા કાવ્યશાસ્ત્રીઓએ કરેલી જ છે. આ લક્ષણાપ્રયોગમાં પણ ધ્વનિ આછો હોય અને રમણીયતા લાક્ષણિક અભિવ્યક્તિની મુખ્યત્વે હોય એમ પણ બની શકે. ધ્વનિના ગૌણત્વવાળી આ રમણીયતા તે શું એવો પ્રશ્ન જરૂર થઈ શકે પણ મને લાગે છે કે લક્ષણાપ્રયોગથી બીજું કંઈક નહીં પણ અભિવ્યક્તિની ઘનતા સિદ્ધ થતી હોય તો એને પણ એક કાવ્યમૂલ્ય જરૂર લેખી શકાય. દા.ત. 'ફૂલને હોઠે ગંધ હસી’ એ મને એક સરસ સઘન લાક્ષણિક પ્રયોગ લાગે છે. તરસ્યા તળાવની વેળુ જ્યારે એમ કહે છે કે ‘સાંજે સુકોમળી ભોળી આંગળીઓમાં / મીનના રોમાંચ માની ખેલું' ત્યારે એમાં કેટલીબધી પરિસ્થિતિઓ એક સાથે વ્યંજિત થાય છે! સુકાયેલું તળાવ, એની રેતમાં કૂબા બનાવતાં બાળકો, તળાવને થતો એમની કૂણી આંગળીઓનો સ્પર્શ, એ જાણે માછલીઓનો સળવળાટ હોય એવો ભાસ, એમાંથી વ્યક્ત થતી તળાવની પાણીની ઝંખના : એક મર્મસભર મનોરમ કલ્પનાચિત્ર અહીં સર્જાયું છે. અર્થઘનતા લાક્ષણિક પ્રયોગથી જ સિદ્ધ થાય એવું કંઈ નથી. એક સાદું અભિધાનું ઉદાહરણ લઈએ : ‘આંચળે અડ્યાં આંગળાં એની / છાણમાં ઊઠે છાપ!' તમે આંગળાંની કડીથી ગ્રામજીવનની સવારના સમયની બે પ્રવૃત્તિઓને જે રીતે સાંકળી લીધી છે એથી એક પ્રકારની અર્થઘનતા અહીં પણ સિદ્ધ થયેલી મને લાગે છે. તમારા લાક્ષણિક પ્રયોગો માત્ર ઘનતાના ગુણવાળા છે એવું નથી. અવારનવાર એ વ્યંજનાસમૃદ્ધ પણ બને છે. 'તરસ્યા તળાવની વેળુ'ના એક કલ્પનાચિત્રની વ્યંજનાસમૃદ્ધિની મેં હમણાં જ વાત કરી. બીજું એક સજીવારોપણના પ્રકારનું ઉદાહરણ લઈએ : 'લ્યો, એકલા ને અણોહરા ઊભા / વાછરું ભેગા કોઢ્યના ખીલા!' અહીં એકલા ને અણોહરા ઊભેલા ખીલા એ જ કંઈ વક્તવ્ય નથી, એ દ્વારા મૂર્ત થતું કોઢનું ખાલીખમપણું એ પણ વક્તવ્ય છે, પણ એ એકલા ઊભેલા ખીલાના માધ્યમથી જે તીવ્રતાથી વ્યક્ત થયું એ ભાગ્યે જ બીજી કોઈ રીતે વ્યક્ત થઈ શક્યું હોત. સીધીસાદી વર્ણનરેખા પણ સંદર્ભમાં વ્યંજનાપૂર્ણ બની જાય છે એવું એક સરસ ઉદાહરણ નોંધવું જોઈએ. સંદર્ભ માટે આખી કડી ટાંકવી જરૂરી છે :

એને આવ્યે તો પીઠ વળગેલો ભાર
બાઈ, હળવો થ્યે ઊઘડે કલાપ!
ઘરમાં હોઈએ ને તોય ખેતરમાં લાગીએ
મૂંગા હોઈએ ને લાગે કરતા આલાપ!
કૂંપળની જેમ રોજ કૉળી તો ઊઠીએ
એને અડક્યે લાગે કે થયાં બમણાં!

પહેલાં એક નાનકડો, જલદી ધ્યાનમાં ન આવે એવો એક વ્યાકરણદોષ નોંધું. ‘ખેતરમાં લાગીએ'ની સામે 'લાગે કરતા આલાપ’ એ અસંગત રચના છે; ‘જાણે કરીએ આલાપ' કે એવું કોઈ વાક્ય બંધ બેસે... પણ હવે મુખ્ય વાત. પહેલી પંક્તિ વરસાદની ઋતુમાં કળા કરતા મોરનું વાસ્તવિક વર્ણન કરતી પંક્તિ પહેલી દૃષ્ટિએ લાગે. એ રીતે જોતાં પણ પીઠે વળગેલો ભાર કલાપ થઈને ઊઘડે એમ કહેવામાં ચમત્કાર રહેલો છે. પણ આ પંક્તિને માત્ર આ રીતે જોવામાં એની સાર્થકતા નથી. આ પછીની બધી પંક્તિઓ ગ્રામલોકના અનુભવ કે સંવેદનને વર્ણવતી પંક્તિઓ છે. પહેલી પંક્તિને પણ એ જ સંદર્ભમાં ઘટાવીએ તો? ભારરૂપ, શ્રમરૂપ બનેલું જીવન વર્ષાના આગમને હળવું બને છે, સૌંદર્યમય રૂપે ખીલે છે એવો સંકેત એમાંથી પ્રગટે. પાનાં ફેરવતાં અર્થસભર પંક્તિઓ ઘણી નજરે ચડે છે. પહેલાં જેમાં વિશેષ અર્થ ન દેખાયો હોય એમાં પછીથી દેખાય છે : 'એના હાલ્યામાં કોરી ધૂળ ન દબાય / બાઈ, એને હાલ્યે તે ઊગે તરણાં.’ વરસાદના ચાલવાથી તરણાં ઊગે એ તો સમજાય એવી વાત છે. પણ એમાં વિરોધ એ રહેલો છે કે સામાન્ય રીતે હાલચાલથી જમીન પર કંઈ ઊગતું બંધ થઈ જાય છે; ત્યારે વરસાદના ચાલવામાં આ વિશેષતા છે. આમ જોતાં, આ વર્ણન એક વક્રોક્તિપૂર્ણ વર્ણન બની જાય છે. પંક્તિવિશ્લેષણ હવે હું બંધ કરું, પણ મને ગમતી થોડીક પંક્તિઓ તો અવતારું :

  • તૃણ, તમે તો ગરજેલા આષાઢ તણું થૈ મૌન લીલેરું ઊગ્યાં!

('લીલો પુરાવો')

  • કલગી પરથી વેરી પ્રાચી મહીં ગુલમો'ર ને

ગલી છલકતી કીધી, હાવાં છજે ચૂપ કુક્કુટ.  (‘રવિ હજી ઊગે')

  • કોઠિયુંના અંધાર ખૂણાનો

ઝીણકો દાણો પાથરી બેઠો ચાસમાં કૂણો તોર,
આંય તો હવે સાંકડી લાગે
ખેસવી લેશો કોઈ હવે આ ચાર શેઢાની કોર?  ('આણ')

  • ચહે મૂક ટોડલા :

શિશુ સમ હવે તેડી લેવા દિયો લઘુ કોડિયાં!  ('શરદાગમને')

  • મોતીએ પ્રોવેલ મારી બધી નવરાશ

એને ટોડલિયે ઝૂલશે,  (‘એવો તે દિ’…’)

  • સીમે વાવેલ અમે સોબતનો છોડવો

ને ઓરડે ઉજાગરાનાં ફૂલ! બોલ, કોને કે'વું?
('કોને કે'વું?')

  • આ થોડાંક પંખીઓ પણ

વનવાસે આવ્યાં હશે આ નગરમાં?  ('સભ્યતા')

તમારાં ઘણાં કાવ્યોમાં પ્રકૃતિ અને પ્રણયના અનુભવો ગૂંથાયા છે. એમાં દેખીતી રીતે જ કેટલાક સર્વસમાન અંશો આવે. પણ કેટલીક વાર વિશિષ્ટ પરિપ્રેક્ષ્યથી જોવાથી વસ્તુને જુદું પરિમાણ મળતું હોય છે. એ પ્રકારના રચનાવિધાનનાં દૃષ્ટાંતો પણ તમારી કવિતામાં જોવા મળે છે. દાખલા તરીકે, વરસાદ પૂર્વેની પ્રાકૃતિક સ્થિતિનું વર્ણન તમારાં એકથી વધુ કાવ્યોનો વિષય બનેલ છે. પરંતુ ‘તરસ્યા તળાવની વેળુ'માં વેળુને મુખે વરસાદની ઝંખના મૂકવાથી વાતને પોતાનું એક જુદું કેન્દ્ર મળ્યું છે. પગલાં ('પગલાં') કે કેડી ('વાંકું ચિતરામણ’')ના દોરથી ગ્રામજીવનના કેવા વિવિધ અંશોને તમે ગૂંથી લીધા છે! એ જ રીતે હથેળીઓના માધ્યમથી પ્રણયના રંગીન અનુભવોનો સંકેત કરવામાં આગવી કાવ્યમયતા પ્રગટ થાય છે (‘હથેળિયુંમાં'). 'બારી' જેવી તરંગલીલાની કહી શકાય એવી રચના તમારી પાસેથી જવલ્લે જ મળે છે. એ તરંગલીલા પણ આસ્વાદ્ય છે. જોકે એમાં બીજી કડીમાં છે તેવી દુરાકૃષ્ટ કલ્પના - તુક્કા —માં સરી પડવાનું જોખમ હોય છે. તમને 'ચાતુર્ય લડાવવાનું ક્યારેક ગમે છે, છતાં એકંદરે સહજ ભાવની તમારી કવિતા છે. વીગતોને કલ્પનાથી રસવાનું તમને ગમે છે (જે વલણ રૂપકના પ્રચુર ઉપયોગથી સિદ્ધ થાય છે) છતાં વાસ્તવની અનેક બારીક રેખાઓ ઝીલવામાં તમારી વિશેષતા છે એમ લાગે છે. 'કારતકનું ગીત'માં 'દાતરડે વળિયુંમાં કીધો જ્યાં વાસ' એમ વાસ્તવિક સ્થિતિની એક લાક્ષણિક રેખાથી તમે ઋતુચિત્રને ઉઠાવ આપો છો. 'સાંજ' કાવ્યમાં ગામડાગામની સાંજનું એક આબાદ ચિત્ર તમે ખડું કર્યું છે. એમાંની કેટલીક રેખાઓ તો તમારાં બીજાં કાવ્યોમાં જોવા મળતી - મળે તેવી છે પણ નીચેની પંક્તિઓમાં તમારી વાસ્તવની પકડ મને ખાસ નોંધપાત્ર લાગી :

આળસતી બે હાટડિયુંના
ઓટા પરથી ઝગી ઊઠી કૈં
મીઠી ગડાકુ-ઝાળ!

ક્વચિત્ કેવળ વાસ્તવિક વીગતોથી ખચિત વર્ણનકાવ્યો પણ મળે છે. જેમકે ‘સીમાડે, એની કાવ્યમયતા વિશે પણ શંકા થાય; જોકે વીગતસભરતાનો પોતાનો એક પ્રભાવ હોય છે. પણ તમારાં કાવ્યોમાં માર્મિક દૃષ્ટિથી જોવાયેલું ઘણું જડે છે અને તેથી કલ્પનારસિત ન હોય તોપણ તમારી ઘણી વર્ણનરેખાઓ સ્વભાવોક્તિકાવ્યનો આનંદ આપે છે. સવાર, સાંજ, કારતક, વૈશાખ, શ્રાવણ, શરદ, ગ્રીષ્મ, વર્ષા, વરસાદના આગમન પૂર્વેની ઋતુ, વરસાદ આવ્યા પછીની સ્થિતિ આમ ઋતુઋતુની પ્રાકૃતિક સ્થિતિને તમે તમારાં કાવ્યોમાં પૂરી સજ્જતાથી અને અધિકારપૂર્વક તાદૃશ કરી આપી છે. તમારાં પ્રકૃતિકાવ્યોમાં જેટલી વીગતસભરતા છે એટલું ભાવવૈવિધ્ય કદાચ પ્રણયકાવ્યોમાં ન લાગે. પણ ત્યાં પરિવેશની વીગતો કાવ્યના ભાવને વિશિષ્ટ રંગે કેટલીક વાર રંગે છે. દાખલા તરીકે, ‘દીવો બળે ને...’.માં છે તો વિરહભાવનું આલેખન, પણ ખારવાજીવનના પરિવેશની કેટલીક લાક્ષણિક વીગતોને લીધે એને એક વિશિષ્ટ અભિવ્યક્તિ મળી છે. પ્રણયકાવ્યોમાં તમે ગ્રામ નરનારીના મુગ્ધ હૃદયભાવોને આલેખ્યા છે. (અને એટલે જ ‘અનુનય' જેવું શીર્ષક યોગ્ય લાગતું નથી.) ‘એવો તે દિ... 'માં ઓરતા તે ગ્રામવધૂના લાક્ષણિક ઓરતા છે. 'વિનવણી'માં અનન્ય પ્રેમસંબંધની દુહાઈ આપી છે તે આપણાં તળપદા રીતરિવાજોનો ચતુરાઈભર્યો ઉપયોગ કરીને. આ બધું નક્કર વાસ્તવિક સૃષ્ટિમાં આપણને મૂકી આપી છે. એ સિવાય 'એ જોણું'માં નિરૂપાયેલો પ્રથમ પ્રેમનો રોમાંચ, 'હાજરીનો ભાર'માં વ્યક્ત થતો મુગ્ધા નારીનો સંકોચભર્યો ઉમંગ - આવી કેટલીક ભાવછટાઓ પણ સ્પર્શી જાય છે. 'ઊપડી ડમણી' જેવું કોઈક કાવ્ય તો તમારી બારીક વાસ્તવદૃષ્ટિનો પરિચય કરાવતી ચમત્કારક વર્ણનરેખા પણ લઈને આવે છે :

સાંતી છોડી ગુસપુસ કરી ગોઠડી ભેરુ સંગે
મોં ભાળ્યાની ચગળી ચગળી, કોઈ મધ્યાહ્લવેળા
છાંયે બેસી ઝગતી બીડીના ગૂંચળામાં ધસંતું
શેઢે જોયું રૂપ ધૂમસિયું! આજ ગાડું ભરીને
સોડે બેઠું.

અહીં વિનોદનાં તથા વિચ્છેદ, અપ્રાપ્તિ કે એકલતાની વેદનાનાં કાવ્યો પણ છે, પણ એ બધી વીગતોમાં હું જતો નથી. તમે માનવજીવનની સઘળી ભાવાવસ્થાને જાણે ગાવાની નેમ રાખી હોય તેમ વાત્સલ્યનાં કાવ્યો કર્યાં છે અને વૃદ્ધત્વની મનોદશા પણ આલેખી છે. એમાં પરંપરાના પડઘા સંભળાય કે અનુસંધાન દેખાય, પણ તમે કેટલુંક તમારી રીતે કામ કર્યું છે એ પણ દેખાઈ આવે છે. ‘આપો’માં ‘ખોળાનો ખૂંદનાર દ્યોને'વાળા લોકગીતનો આધાર અત્યંત સ્પષ્ટ છે. પણ ‘કંઠે હાલરડાંનાં રૂંધ્યાં કપોત/ એને ઊડવા ગગન થોડું આપો' એવી એક નવી ભાવરેખા તમે ઉમેરી છે. આંગણાની ધૂળના સંદર્ભમાં ‘એમાં કમળ ઉગાડી એક આપો' એવી નવી કલ્પના તમે મૂકી છે, અને સાડલાને મેલો કરવાની વાતને તો તમે વિકસાવીને ક્યાં લઈ ગયા છો! એને શોભાની એક વસ્તુ બનાવી દીધી છે -

કોરા કડાક મારા પાલવની ભાત્યમાં
પડવા દ્યો પચરંગી ડાઘ!
એનાથી ફળફૂલે ઝૂમરો આ બાંધણીના
વણમ્હોર્યા બાવન સૌ બાગ!

પ્રાચીન લોકગીતને જાણે તમે તમારું એક નવું સંસ્કરણ આપ્યું છે. તમારું 'ઊગી ગઈ…' કાવ્ય બલવંતરાયના 'જૂનું પિયેરઘર'ની યાદ અપાવે છે. ત્યાં સ્ત્રી બાળપણની સ્મૃતિમાં ખોવાઈ જાય છે, અને એ સોબતીઓ વચ્ચે પતિની મૂર્તિને પણં બાળવેશે જુએ છે. અહીં વર્ષો પછી વતનને ઘરે જનાર વ્યક્તિનું ચિત્ત બાળપણમાં પહોંચી જાય છે અને ભેરુનો સાદ સંભળાય છે : 'લે ચાલ, તારા લઈ બેય મોર / માટી તણા શેરી મહીં...?’ વૃદ્ધત્વની મનોદશાને વર્ણવતાં તમારાં ચારે કાવ્યો મને નોંધપાત્ર લાગ્યાં છે. 'હવે થાય કે'માં વર્તમાન સ્થિતિનો વિષાદ છે. એમાં ‘અરે, વટાવ્યું વન તોયે કાં વધ્યા કરે અંધારું?' એ છેલ્લો વિરોધમૂલક ઉદ્ગાર અસરકારક છે. ‘બધું ચણી ગયાં...'માં અતીતની મધુર સ્મૃતિમાં ખોવાઈ જવાની ઘટના છે અને એ સંદર્ભમાં બાજુના ખેતરના રખોપિયાની ઉક્તિ -' બધું ચણી ગયાં પંખી, ડોસા! લિયો ઝટ ઘા દિયો!’ ખોવાયેલી જિંદગીનો માર્મિક સંકેત કરે છે. ‘અરે ત્યાં તો’માં બાળકોના સંસર્ગે બાળભાવમાં સરી જતા વૃદ્ધત્વની વાત છે, તો 'ચહું ન રસ ઇક્ષુનો...'માં જીવનના રસો હવે સીધા નહીં, પણ સંતાનોની દ્વારા લેવાની વાત વઙકિસલયના રૂપકથી મૂકી છે. વિચારની આ ચમત્કૃતિ છતાં કાવ્ય સમગ્રપણે સભાન રીતે ગોઠવાયેલું લાગે છે. ‘દુનિયા અમારી' તો તમારું ઘણું પ્રસિદ્ધ કાવ્ય છે. એના વિશે હું કંઈ ન લખું તોપણ ચાલે. પણ મને એ કાવ્ય આગવી દુનિયાઓને ઝીલવાની તમારી શક્તિનું દ્યોતક લાગે છે. ગુમાવેલી એક ઈન્દ્રિયની કામગીરી અન્ય ઇન્દ્રિયોએ કેવી ઉપાડી લીધી છે, આસપાસના જગતને આંખ વિના પણ કેવું સંવેદી શકાય છે એની વિસ્મયપૂર્ણ કહાની એમાં છે. છેલ્લે તમે કશાક જીવનવિચારને રજૂ કરતી કેટલીક કૃતિઓ મૂકી છે. એની થોડી વાત હું આગળ કરી ગયો છું. તમે અન્યોક્તિ કે પ્રતીકરચનાથી વિચાર મૂક્યો છે અને વિચારને ગૂઢ રાખ્યો છે ત્યાં એ રચનાઓ વધારે સફળ થઈ છે. કાળના, અસ્તિત્વના, મૂળ સ્વરૂપના—એમ જીવનના મૂલ પ્રશ્નો એમાં પડેલા છે એ રીતે પણ એ રચનાઓ ધ્યાન ખેંચે છે. તમે કાવ્યના જે વિવિધ પ્રકારો ખેડ્યા છે એમાંથી ગીત તમને સૌથી વધુ ભાવતો અને ફાવતો પ્રકાર છે. છંદોબદ્ધ અને અછાંદસ બન્ને પ્રકારની રચનાઓ પણ તમને સિદ્ધ છે. થોડાંક સૉનેટોમાં ઘાટ એકંદરે સુઘડ રીતે ઊતર્યો છે. ગઝલ તમારો પ્રિય કાવ્યપ્રકાર નથી અને એમાં નોંધપાત્ર અંશો પણ ઓછા છે. તમારી કવિતામાં ક્યાંક અભિધાપરાયણતા છે, ક્યાંક સભાન સાયાસ વસ્તુવિચારનિરૂપણ છે, ક્યાંક વિચારવસ્તુ કશી ચમત્કૃતિ વગરનાં છે, ક્યાંક શબ્દાળુતા છે, ક્યાંક કાવ્યનું આયોજન શિથિલ છે, — કેટલાંક નબળાં, કેટલાંક ક્લિષ્ટ કાવ્યો પણ જડી આવે છે. પણ એની વીગતે ચર્ચા કરવી આ પત્રમાં શક્ય નથી. વિશે રૂબરૂમાં જ ક્યારેક અવકાશે વાત કરીશું. પણ મારે જે કહેવું છે તે તો એ છે કે આવું કેટલુંક છતાં તમારી કવિતામાં ઘણાં રસતત્ત્વો મને જણાયાં છે, જેમજેમ તમારી કવિતા વધારે વાંચતો ગયો તેમતેમ એની રસવત્તા વધુ પ્રગટ થતી થઈ છે અને થોડાંક કાવ્યો નખશિખ સુંદર પ્રતીત થયાં છે. ‘અડોઅડ’ના કવિ મારા મિત્ર છે એ હકીકતે ગૌરવ અનુભવી શકાય એવું કામ અવશ્ય થયું છે. અભિવ્યક્તિના આગવા મરોડથી, સૂક્ષ્મ નિરીક્ષણથી તમે વાસ્તવનું જે તાદૃશ ચિત્રણ કર્યું છે એ જ એક મોટી સંતોષપ્રદ ઘટના છે. પણ તમારી કવિતા સંવેદન, વિચાર અને અભિવ્યક્તિની હજુ વિશાળ દુનિયામાં વિસ્તરે એવી આશા વ્યક્ત કરવાનું જરૂર મન થાય. મેં શરૂઆતમાં કહ્યું હતું તેમ કવિતાને પૂરેપૂરી પામવાનું કાર્ય ઘણું મુશ્કેલ છે. હું 'અડોઅડ'ની ખરેખર કેટલો અડોઅડ જઈ શક્યો છું એ તો તમે કહો ત્યારે. પણ મારો આ પ્રયાસ તમને બહુ અસંતોષકારક ન લાગે, અગસ્ત્ય ખાલી હાથે જ પાછા આવેલા ન લાગે તો બસ. જૂન ૧, ૧૯૭૮

ગ્રંથ, જુલાઈ, ૧૯૭૮; વ્યાસંગ, ૧૯૮૪