હયાતી/૩૫. સમયની સાથે

From Ekatra Foundation
Revision as of 05:38, 13 April 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૩૫. સમયની સાથે

નજર આ કોની સમી સાંજથી બુઝાઈ છે,
કહે છે ઘર, છતાં લાગી રહ્યું સરાઈ છે.

કદીક પાંખ મળે છે, કદીક પાય કપાય,
સમયની સાથે તને શું કોઈ સગાઈ છે?

બપોર રણની, છતાંયે અધર સુકાતા નથી,
કોઈ સવારે તમે કેવી સુધા પાઈ છે!

તમારી સાથે હવે એટલે હસી શકશું,
કે એકલા તો અમે વેદનાને ગાઈ છે.

વિરહની કેવી ઘટા હોય, હવે યાદ નથી,
હજીયે જો કે મિલનની તો બસ નવાઈ છે.

કોઈ ઉપાયે મને જોઈતું મરણ ન મળ્યું,
હતું મેં માન્યું, ફક્ત જિંદગી પરાઈ છે.

૧૨–૨–૧૯૭૦