બાબુ સુથારની કવિતા/તમે એક કાચબો જૂઓ છો
તમે એક કાચબો જુઓ છોઃ
એની પીઠ પર
સાત સમુદ્રો ઊભા છે
અલ્પવિરામની જેમ.
તમે ત્યાં જ અટકી જાવ છો.
તમે ઉપર જુઓ છોઃ
તમારા માથા ઉપર
કાકાકૌઆ જેવડા ભમરા ભમી રહ્યા છે,
એમની પાંખો
તમારા લોહીમાં
અર્થાત્ આ કવિતામાં
એટલે કે આ કવિતાની બાનીમાં
ખરી રહી છે.
હવે તમને સમજાય છે
હોવું એટલે શું.
હવે તમને સમજાય છે
કે
હોવું એટલે જીભ નીચે પોતાના મૃતદેહોને અગ્નિદાહ આપવો
એટલે કે પોતાની ચામડીની નીચે ડૂબી ગયેલાં વહાણને
અક્ષરમાં તરતાં મૂકવાં
એટલે ઢેફાં પર શિલાલેખો કોતરવા.
બીજું કંઈ નહિ, એટલે કે બેઠાં બેઠાં જોયા કરવા ઐરાવતોને
બારાખડીમાં આળસ ખાતાં.
હવે પછીની પંક્તિમાં
જ્યાં લય તૂટે છે
બરાબર ત્યાં એક કાગડી સળગી રહી છે.
સળગતાં સળગતાં એ
મૂકી રહી છે ઈંડાં.
તમે પૂછો છો એનેઃ
બધું જ સળગી રહ્યું છે ત્યારે
શો અર્થ છે ઈંડા મૂકવાનો?
કાગડી કહે છેઃ
એકાદ ઈંડું બચી જશે
તો પણ આ જગત ટકી જશે.
તમને લાગે છે
કે
આ કાગડી ચોક્કસ
કોઈક કવિના હસ્તાક્ષરમાં
માથાબોળ નાહીને આવી છે.
નહિ તો આટલી આશાવાદી કઈ રીતે બની શકે?
તમે મનોમન વિચારો છો
અને એ કાગડીના એક સળગતા ઈંડાને લઈને
તમારા ગળામાં
માદળિયાની જેમ
પહેરી લો છો
અને પછી આગળ ચાલો છો.
રસ્તાની બેઉ બાજુએથી તમને સંભળાય છે
શરણાઈ.
તમે જુઓ છોઃ
કેટલાક લોકો
અશ્વની પીઠ પર
સળગતી ચિતા મૂકીને એની પાછળ ચાલી રહ્યા છે,
બોલી રહ્યા છેઃ
રામનામ સત્ છે.
તમે તમારા હાથમાંની દોણીમાં
સળગતા કાગડાને જરાક સંકોરીને
કવિતા આગળ વાંચો છોઃ
કવિતા શું છે?
કવિતા અંતિમ ક્રિયા છે લોહીની.
કવિતા મહોત્સવ છે વિષાદનો.
કવિતા જીવન છે લોહીમાં ગ્રંથાયેલું.
કવિતા એક કળા છે
સત્ ની જીભને
લકવાગ્રસ્ત બનતાં અટકાવવાની.
તમે જાણો છો કે
છઠ્ઠી એના લેખ લખે
તે પહેલાં
પીડા મનુષ્ય માત્રના દેહમાં
હળોતરા કરી જતી હોય છે.
સાચું કહું તો
કવિતા એ હળોતરાની સાથેનો સંવાદ છે.
કવિ પીડાના ચાસમાં શબ્દો વાવતો હોય છે.
તમે જુઓ છોઃ
ગલીઓમાં
ઠેર ઠેર
રોગચાળાની જેમ
ફાટી નીકળેલ કાયા વગરના પડછાયા
જાણી રહ્યા છે
બિલાડીની આંખો,
કૂતરાના દાંત,
વાઘના નહોર,
સાપની જીભ.
આ પંક્તિઓ છે કવિતાની
હમણાં જ ફૂટ્યા છે એના અંકુર.
તમે હવે પછીની પંક્તિ વાંચો છોઃ
માણસનું ભવિષ્ય
ખરતાં પાંદડા સાથે
અને શીતળાનાં ભિંગડાં સાથે
જોડાયેલું છે.
એકાએક તમારી નજર
તમારા ગળામાં
સળગતા કાગડીના ઈંડા પર જાય છે.
એકાએક તમારા કપાળમાં થઈને
એક વાદળ
આરપાર ચાલ્યું જાય છે.
છરાની જેમ.
એકાએક તમને લાગે છે
કે
તમારા લોહીમાં
કબીરવડ સુકાઈ રહ્યો છે.
તમે બોલો છો મનોમનઃ
લીલા પાંદડા વગર
કઈ રીતે કરી શકશે અર્થ
કવિતાનો?
લીલા પાંદડા વગર
શબ્દને શબ સાથે જોડવામાંથી
કઈ રીતે મળશે મુક્તિ
માણસને?
લીલા પાંદડા વગર
કઈ રીતે કાપી શકશે નખ
માનવજાત?
જો આમ ને આમ ચાલશે
તો શું થશે વાક્યોનું?
શું થશે કર્તાકર્મક્રિયાપદનું?
પોતાનાં મૂળિયાં છોડીને ભાગી રહેલાં વૃક્ષોને
કઈ રીતે અટકાવી શકાશે?
તમે જુઓ છોઃ
એક માણસ
બેઠો બેઠો
મંકોડાની પીઠમાં
તારા ઝબોળી રહ્યો છે.
તમે એને પૂછો છોઃ
શું કરે છે તું?
એ કહે છેઃ
તારાને ટમટમતા રાખવા માટેના નુસખા કરી રહ્યો છું.
જોજોને,
જ્યારે આકાશ પણ સળગી જશે
ત્યારે આ તારા
મંકોડાઓની પીઠમાં ટમટમશે.
કવિતાને બચાવવી હોય
તો પહેલાં તારા બચાવવા પડે.
તમને તમારા ગળામાં
સળગી રહેલા ઈંડામાંથી
કોઈક પક્ષીનો અવાજ સંભળાય છે.
પણ તમે સત્ ને ભ્રમ માનીને
આગળ ચાલો છો.
બીજા ચાલે છે તેમ જ.
હવે પછીની પંક્તિ આવે છેઃ
વસ્તુઓ પોતાની આસપાસના અવકાશને ગળી રહી છે.
ઘા અને તારામાં
/ આ/ એકમાત્ર સ્વર છે
ચીસના મરોડદાર અક્ષરથી લખેલો.
તમે વિચારો છોઃ
કેવું કમનસીબ છે માનવજાતનું?
પીડામાં કોઈ જોડણીદોષ નથી.
તમે આગળ વાંચો છોઃ
તમારા ટેબલ પરના કાગળની સફેદાઈ
આંખમાંથી પીયા બહાર આવે
એમ બહાર આવી ગઈ છે.
તમને લાગે છે
કે
હમણાં
કદાચ
એ સફેદાઈ
બ્રહ્માંડમાં ફેરવાઈ જશે,
તમે આંખના પીયામાં
કેદ થઈ ગયા છો.
તમને થાય છે કે આના કરતાં
હું ઘામાં લોહી કે પરુ બન્યો હોત તો કેવું?
મને પણ એમ જ થાય છે.
તમારી નજરની અડોઅડ ઊભેલા અવકાશમાં
જેમ કાચમાં પડે છે તેમ
તિરાડો પડવા લાગે છે.
તમને થાય છેઃ
આ તિરાડો હમણાં જ અવકાશને કરકોલી ખાશે.
આ તિરાડો નખમાં થઈને
માથાના વાળમાં
અને એમ કરતાં દૂંટીમાં
પ્રસરી જશે.
ક્ષરમાં,
જીભમાં,
અક્ષરમાં,
ઢીંચણમાં,
સર્વત્ર
ભય છે
ધૂમકેતુની પૂંછડી
લોહીલુહાણ થઈ જવાનો,
ગરોળીની પૂંછડી
માણસની કરોડરજ્જુની જગ્યાએ
ગોઠવાઈ જવાનો,
જીભ નીચે
ઉકરડા ઊગી નીકળવાનો.
(‘વિષાદમહોત્સવ’માંથી એક અંશ)