બાબુ સુથારની કવિતા/ઓ મારી ગુજરાતી ભાષા
ઓ મારી ગુજરાતી ભાષા,
હું આપી આપીને તને શું આપી શકું?
લે, આ વિક્રમરાજાની વાર્તા
મારી માએ કહેલી એ
હું તને સાદર ભેટ ધરું છું.
એમાં રાજાનો કુંવર
જે ઘોડા પર બેસીને જાય છે
તે ઘોડા પર બેસીને તું પણ જજે ઉજેણી નગરી.
ઠગજે મને, ઠગજે આખી નગરીને, મળજે વિક્રમરાજાને અને
કહેજે કે...
લે, આ ટપ ટપ અવાજ
મારા નળિયાંવાળા ઘરમાં ચૂવા પડતા હતા
ત્યારે બાએ મૂકેલા વાસણમાંથી આવતો હતો એ,
તને કામ લાગશે કદાચ
બે શબ્દો વચ્ચેના તૂટતા જતા પ્રાસને સાંધવા.
અને લે, આ મારા બાપાની દાઢીનો સ્પર્શ,
મેં ખાસ સાચવી રાખ્યો છે.
મારા પૂર્વજો જેના પર બેસીને
સ્વર્ગસ્થ થયા છે
એ વાદળો
હજી પણ એમાં તર્યા કરે છે.
અને હા, આ એક લીમડાની સળી.
ક્યારેક સ્વરવ્યંજનની વચ્ચે
જગ્યા પડી જાય
અને એમની વચ્ચે કશુંક
ભરાઈ જાય તો
એને દૂર કરવા કામ લાગશે તને.
અને હા, હજી એક વસ્તુ આપવાની રહી ગઈઃ
તારા પૂર્વજોની દૂંટીમાંથી કાઢીને
હરણોની દૂંટીમાં
મૂક્યા પછી વધેલી
આ કસ્તૂરી,
તું પણ મૂકી દેજે એને
તારી દૂંટીમાં.
હું તને બીજું તો શું આપી શકું?
હું પણ તારા જેટલો જ દરિદ્ર છું.
હું પણ તારી જેમ રોજ તારા વેડું છું.
અને મારા કાણાં ખિસ્સાં ભરવાનો
પ્રયાસ કર્યા કરું છું.
લોકો એને કવિતા કહે છે,
હું એને વલોપાત કહું છું
હજી મારી પાસે એક ચીજ બચી છે
તારા માટે,
તને કદાચ એ ગમશે.
મારા પુરોગામી સર્જકોની અપૂર્ણ કૃતિઓની હસ્તપ્રતો,
જે દહાડે હું ક લખતાં શીખેલો
તે દહાડો
મારા મેરુદંડના મૂળમાં
ઊગી નીકળેલી એ.
એમાંની એક એક હસ્તપ્રતને પૂરી કરીને
મેં કરી છએ કવિતા,
એ હસ્તપ્રતોના દેહ સાથે
મેં કલમ કરી છે મારા જીવની
અને ઉગાડી છે થોડીક કથાઓ.
લે, એમાંની એક હસ્તપ્રત પૂરી કરીને
હું આપું છું તને
આ કવિતા,
મારાં બીજાં બધાં સર્જનોની જેમ
આ પણ તારા જ હસ્તાક્ષરમાં છે.
(ઉથલો એક)
(‘ઘરઝુરાપો’માંથી)</poem>}}