સાત પગલાં આકાશમાં/૭

From Ekatra Foundation
Revision as of 18:58, 14 April 2025 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| ૭ | }} {{Poem2Open}} હર્ષના જન્મ પછી બે વર્ષે અશેષનો જન્મ થયો. તે પછી ત્રણ વર્ષે દીપંકરનો. વસુધા ઇન્ટરમાં ભણતી હતી ત્યારે, ૧૮મા વર્ષે તેનાં લગ્ન થયેલાં. પછી ભણવાનું બંધ થયું. ઇન્ટરમાં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


હર્ષના જન્મ પછી બે વર્ષે અશેષનો જન્મ થયો. તે પછી ત્રણ વર્ષે દીપંકરનો. વસુધા ઇન્ટરમાં ભણતી હતી ત્યારે, ૧૮મા વર્ષે તેનાં લગ્ન થયેલાં. પછી ભણવાનું બંધ થયું. ઇન્ટરમાં થોડું અર્થશાસ્ત્ર શીખી હતી. તેમાં ‘લૉ ઑફ ડિમિનિશિંગ રીડર્ન્સ’ — ઘટતા જતા વળત૨નો નિયમ આવતો. માણસ જમવા બેસે ત્યારે પહેલી રોટલીથી તેને જે તૃપ્તિ થાય ને પાંચમી રોટલીથી ન થાય. બાળકો વિશે માબાપને આવું થતું હશે? હર્ષના જન્મ વખતે એક અપૂર્વ અદ્ભુત ઘટનાને પોતાની અંદર બનતી નિહાળવાનો રોમાંચ હતો. ભય હતો. થરકાટ હતો અને અવર્ણનીય આનંદ હતો. અશેષ વખતે ઘટના પરથી રોમાંચ ઊપટી ગયો હતો. અને દીપંક૨ વખતે તો થઈ ગયું હતું કે હવે બસ, હવે વધારે નહિ સહન થાય. પીડા દરેક વખતે વધતી ગઈ હતી, આનંદ દરેક વખતે ઘટતો ગયો હતો. દીપંકર વખતે તો તે યાતનાના અગ્નિકુંડમાં ઝબોળાઈને પાછી આવી હતી. વસુધાને તેની મા યાદ આવતી. પાંચ દીકરીઓ અને એક દીકરો… છ-છ સંતાનોને જન્મ આપવાના ઘોર પીડાગૃહમાંથી તે શી રીતે પસાર થઈ હશે? પોતાની ઇચ્છાથી તો તે ફરી ફરી એ રસ્તે નહિ જ ચાલી હોય. તેની અનિચ્છા વિશે કોણે તેને પૂછ્યું હશે? કદાચ તેને માટે આ આખી બાબત ‘રૂટિન’ બની ગઈ હશે. મૃત્યુનો સાક્ષાત્કાર કરાવતી આ પીડા, અને એક નવા જ મનુષ્યને પોતાની અંદરથી બહાર લાવવાનો ચમત્કાર — આ બન્ને બાબતોની આવડી મોટી અસાધારણતા પણ એક સાધારણ રૂટિન બની જાય, એથી વધુ મોટી જીવનની કરુણતા બીજી કઈ હોઈ શકે? દરેક વખતે એ જ ઘટમાળ. ચીસો પાડી દેવાય તેવી અંગઅંગને વહેરી નાખતી વેદના, જન્મ થયા પછીની અસીમ રાહત, બાળક માટે ઊભરાતું વહાલ. પછી એ જ બાળોતિયાં, ભીનાં-ગંદાં કપડાંની સતત ફેરબદલી, એ કપડાંની વિશિષ્ટ વાસ, દૂધની બાટલી ને બ્રશ, હીંચકાની દોરી ખેંચતા પોતાની જ ઊંઘમાં ઢળી પડતી આંખો, નાના-મોટા અકસ્માતો, કોઈક વાર દૂધ પચે નહિ, દાંત ફૂટે તેની માંદગી આવે, ચાલવાનું શીખતાં પડે-આખડે, વાગે! અને હવે તો ત્રણ બાળકો હતાં. પુસ્તકો તો ક્યારનાં પેટીમાં મુકાઈ ગયાં હતાં. અગાસીને યાદ ક૨વાની ફુરસદ નહોતી. છોકરાઓને ઉઠાડવા, મોં સાફ કરાવવું. દૂધમાં જરાક ચા નાખી, ચા માગતા હર્ષને પટાવવો, અશેષ ને દીપંકરની તકરારો શાંત પાડવી, ‘આમ કરાય ને આમ ન કરાય’ — ના પાઠ શીખવવા, તેમનાં મેલાં કપડાં, વેરવિખેર રમકડાં, તેમની તોડફોડ, નાહવાની આનાકાની, હર્ષ જે ખાવાનું જુએ તે માગે, અશેષને ખવડાવવા માટે પાછળ પાછળ તાસક લઈને ફરવું પડે… જાતજાતની ન જાણેલી, ન ધારેલી પરિસ્થિતિ ઊભી થાય, બધું સંભાળવાનું વસુધાને માથે. ઉપરાંત વ્યોમેશની, ફૈબાની જરૂરિયાતો સાચવવાનું ને ઘરનાં ૨સોઈનાં કામ તો ખરાં જ. સવારે સાડા નવે રસોઈ તૈયાર જોઈએ તે જોઈએ જ. ચટણી-કચુંબર સાથે હોવાં જ જોઈએ. સમયની ખૂબ કરકસર કરવી પડતી. ક્યું શાક જલદી થાય. ફણસી કે ભાજી સમારતાં કેટલી વાર લાગે — બધો હિસાબ મનોમન ગણવો પડતો. છોકરાઓ આખા ઘરમાં ઘૂમી વળતાં. કોઈ પડતું, કોઈને વાગતું. દવા લગાડતાં ચીસાચીસ કરી મૂકે. એકને માંડ ચુપ કરે ત્યાં બીજાનું ક્રંદન શરૂ થાય. વ્યોમેશ ઘેર હોય ત્યારે રડારોળ જરા પણ ન થવી જોઈએ. ઑફિસથી થાક્યોપાક્યો આવ્યો હોય, તેને શાંતિ મળે તેનું ધ્યાન રાખવું જોઈએ. તે તો ઘણી વાર ગુસ્સે થતો અને છોકરાઓને લાત પણ મારી દેતો. એટલે વસુધા ગમે તે કામ કરતી હોય, સ્ટવ પર દાળનો વઘાર કરતી હોય કે સાબુના પાણીમાં કપડાં બોળતી હોય, છોકરાનું રડવું સાંભળતાવેંત ઝડપથી ઊભાં થઈ જવાની તેને ટેવ પડી હતી. જાણે ‘રિફ્લેક્સ-એક્શન!’ એક વાર એક નાની ત્રિપાઈ પર ચાના કપ મૂકેલા. નવું ચાલતાં શીખેલા અશેષે ત્રિપાઈ જોરથી પકડી કે તે ઊંધી પડી. ગરમ ગરમ ચા ઢોળાઈ. કપ ફૂટી ગયા. અશેષના રુદનથી ઘર ગાજી ઊઠ્યું. વસુધા ઝડપથી આવી. ક્ષણેક ડઘાઈને ઊભી રહી. વ્યોમેશે તેની સામે જોયું. એ નજરમાં શું હતું? વસુધાએ કાચના ટુકડા વીણી લીધા, ચા ઢોળાઈ હતી તે લૂછી અને અશેષને ત્યાંથી દૂર લઈ ગઈ. ક્યાંક તેને લાગ્યું કે અશેષના આ વર્તાવને તેનો અપરાધ માનવામાં આવે છે. બધી વખત ગુનાઓનું કાંઈ આરોપનામું ઘડાતું નથી. એક અશબ્દ ઠપકો — ‘વસુધા, તું છોકરાઓને સંભાળીને કેમ નથી રાખતી?’ વિકલ્પ તો હતો. વ્યોમેશ ઊભો થઈ કાચ વીણી, ચા લૂછી અશેષને છાનો રાખી શક્યો હોત. પણ ના, છોકરાંઓનાં બધાં તોફાન, તેમણે કરેલાં નુકસાન, ઢોળફોડ — એની જવાબદારી ફક્ત વસુધાને માથે છે. અને છોકરાઓ કોઈ હોશિયારી દાખવે ત્યારે? ચતુરાઈભરી વાત કરે કે કોઈક નાનું કામ કરી આવે ત્યારે? ફૈબા ખુશ થઈને છોકરાને તેડી લેતાં : ‘મારો હર્ષ એના બાપ કરતાં સવાયો થશે.’ છોકરાઓ મોટા થશે ત્યારે તેઓ પોતાના વ્યોમેશ મહેતાના પુત્ર તરીકે ઓળખાવશે. આખી જિંદગી તેઓ પોતાના નામ સાથે પિતાનું નામ લઈને દુનિયામાં ફ૨શે. કુટુંબનો આંબો બનશે ત્યારે વ્યોમેશના નામની પાંદડીમાંથી ત્રણ પાંદડી ફૂટશે. એમાં ક્યાંય માનું નામ નહિ હોય. ગર્ભ ધારણ કર્યાથી જન્મ આપી મોટા કરવા સુધી માએ વેઠેલી તકલીફનું ક્યાંય આલેખન નહિ હોય. અંતહીન કામોમાં કંતાઈ ગયેલું શરીર અને મન લઈને તે એક નામહીનતામાં વિલીન થઈ જશે. અર્જુન કરતાં વધારે એકાગ્રતાથી પોતાનું અસ્તિત્વ તેમને આપ્યું છે, પોતાનું હૃદય અને રક્ત આપીને બાળકોને ઉછેર્યાં છે. પણ બાળકના નામમાં, તેની વંશાવલિમાં ક્યાંયે એના ઉજાગરાની ઓળખ નહિ હોય. છોકરાઓ જાણીતા થશે તો લોકો પૂછશે : તેના બાપા કોણ? દાદા કોણ? પરદાદા કોણ? કયા કુટુંબનો? અનંતશંકર આનંદશંકરનું કુટુંબ? અને દીકરાઓને બદલે દીકરીઓ જ હોત, તો વ્યોમેશની પાંદડીમાંથી આગળ કોઈ નામ ફૂટત નહિ. જાણે તેને સંતાનો ન હોય! જાણે તે બાપ બન્યો જ ન હોય!’ પુસ્તકોને પેટીમાં મૂકી દીધાં છે. વિચારોને પેટીમાં પૂરી દઈ શકાયા નથી. વંશના ચલાવનારને જે જન્મ આપે છે અને વંશના ઇતિહાસમાં જેનું નામ ક્યાંય આલેખાતું નથી તે મા થવાનો આ આનંદ શાનો આનંદ છે? આખું શરીર માગી લેતી, આખું મન માગી લેતી, આખો સમય માગી લેતી, પોતાની આગવી જરૂરિયાતો અને અંગત ઇચ્છાઓનો સંપૂર્ણ ભોગ માગી લેતી આ સ્થિતિનો આનંદ એ શાનો આનંદ છે? એક જીવનના સર્જનનો? એ જીવનના સર્જનનો જ શુદ્ધ આનંદ હોય, તો એક દીકરી પછી બીજી દીકરી જન્મે તો બીજાં બધાનું ને માનું સુધ્ધાં મોં કેમ ઝાંખું પડી જાય છે? ‘પુત્રવતી ભવ’ની જેમ ‘પુત્રીવતી ભવ’ એવા આશીર્વચનનું કેમ અસ્તિત્વ જ નથી? બધાં શાસ્ત્રો, વિધિક્રિયાને લગતા નિયમો-મંત્રોમાં કેમ હંમેશા પુત્રનો જ ઉલ્લેખ હોય છે, પુત્રીનો ક્યારેય નહિ? તો પછી આ આનંદ જગતને મૂલ્યવાન પ્રદાન કરવાનો આનંદ છે? પણ પ્રદાન મૂલ્યવાન છે કે નહિ તેની પહેલેથી કેમ ખબર પડે? દીકરો પ્રેસિડન્ટ બને તો મા રાજી થાય, પણ તે પ્રેસિડેન્ટનો હત્યારો બને તો? ગોડસેએ ગાંધીજીનું ખૂન કર્યું ત્યારે તેની મા જીવતી હતી? હિટલરની મા કોણ હતી? આ સ્ત્રીઓને એમ થતું હશે કે આના કરતાં તો પુત્રને જન્મ ન આપ્યો હોત તો સારું થાત? એક કોમળ પળે જેના નિર્દોષ મુખનું દર્શન કરી જીવનની સાર્થકતાનો અનુભવ કર્યો હતો તે મોટપણમાં અત્યાચારી, આતતાયી, ખૂની, લૂંટારું બને ત્યારે માતાના મનમાં શા વિચારો ઊઠતા હશે? એક વ્યક્તિને પૃથ્વીના પટ પર ઉતારવી તે કેવડી મોટી જવાબદારી છે? પોતાના જીવન વડે તે બીજાને માટે પ્રકાશથી ઝળહળતો માર્ગ આંકી આપી શકે; અથવા પોતાની લોહિયાળ આકાંક્ષાઓ ખાતર તે બીજાઓને નિષ્ઠુરપણે મોતના મોંમાં પણ ઓરી દઈ શકે. બાળક શું બનશે તેની તો કોઈને જાણ નથી હોતી. તો પછી બાળકને જન્મ આપવાનો આનંદ શાનો આનંદ છે? ખબર નથી પડતી પણ આનંદ જરૂર થાય છે. ભોળી આંખોનું વિસ્મય જોઈને આનંદ થાય છે. શિશુ સાથે શિશુ થઈ ૨હેવાનો આનંદ છે. છતાં આ આનંદ પણ કાંઈ સ્થાયી તો નથી! હજી હમણાં સુધી શરીર એકરૂપ હતું, પણ હવે શરીર જુદું થવા લાગ્યું છે. પણ મન હજુ તદાકાર છે. માનું હેત, માનો ગુસ્સો બાળક અનાયાસ પારખી જાય છે. બાળકની વણબોલી ઇચ્છા મા પારખી જાય છે. પણ આ કેટલો વખત? દુનિયામાં બધું જ પરિવર્તનશીલ છે. માની ને શિશુની પણ સદાકાળ સુંદર ને સુકુમાર રહેતી નથી. મા તેની તે રહે છે પણ શિશુ બદલાઈ જાય છે. તે ઊગે છે, ઇચ્છા કરે છે, માગણીઓ કરે છે. મા, શીરો ખાવો છે. મા, નવાં કપડાં પહેરવાં છે. મા, વાર્તા કહે. શાની વાર્તા કહું દીકરા? રાજકુમારી માટે ઝળકતો પ્યાલો ભરી લાવતા રાજકુમારની. ભલે… એક રાજકુમારી હતી. એક રાજકુમાર તેના માટે ઝાકળનાં ટીપાંથી પ્યાલો ભરીને લઈ આવ્યો હતો — પોતાનો પ્રેમ પ્રગટ કરવા. વાર્તા સાંભળતાં સાંભળતાં બાળકો ઊંઘી જાય છે. વસુધા જાગે છે. વાર્તા જીવે છે. સાચી વાર્તા. સાચી વાર્તામાં કોઈ રાજકુમાર ઝાકળનો તો શું, પાણીનો પ્યાલો પણ લાવીને ધરતો નથી. રાજકુમાર માટે, રાજકુમારના મિત્રો માટે ચાના પ્યાલા લઈને, નાસ્તાની તાસકો લઈને રાજકુમારી આવે છે. ખાલી પ્યાલા લઈને પાછી જાય છે. રાજકુમારને મળ્યા પછી રાજકુમારી રાજકુમારી રહેતી નથી. પછી તે થઈ જાય છે રાણી. ધુમાડા ને વરાળથી સર્જાયેલા, વાસણનું સંગીત અને કાચીપાકી સુગંધથી ભરેલા દસ ચોરસ ફૂટના ઓરડાની રાણી. પછી તે થઈ જાય છે મંત્રી. પછી તે થઈ જાય છે દાસી. અનેક વ્યક્તિત્વોના થર તેના પર ચડે છે. મૂળ વ્યક્તિત્વ પછી તેને પોતાનેયે યાદ નથી રહેતું.

*

દીપંકરના જન્મ વખતે વસુધાની સ્થિતિ ગંભીર થઈ ગઈ હતી. પુરુષ માટે જે સાદી સુખદાયી મિલનપળો છે, તે સ્ત્રીને માટે આખા વ્યક્તિત્વને બદલી નાખતી, ક્યારેક તેને મૃત્યુની કિનારીએ લઈ જતી પ્રક્રિયા બને છે, એનું વસુધાને ફરી ફરી ભાન થતું હતું. દીપંકર વખતે વ્યોમેશ હૉસ્પિટલમાં હાજ૨ હતો. પુત્રનો જન્મ થયો છે તેમ નર્સ આવીને કહી ગઈ, પણ થોડી જ વા૨માં રૂમમાં નર્સોની અવરજવર વધી પડી. ડૉક્ટર બહાર આવ્યા ને વળી અંદર ગયાં. બધાંના ચહેરા તંગ હતા. ગ્લુકોઝના બાટલા, લોહીના બાટલા લાવવામાં આવ્યા. થોડી વારે ઑક્સિજનનો બાટલો આવ્યો. વ્યોમેશ ઉતાવળથી જ્યોતિબહેન પાસે ધસી ગયો. ‘વસુધાને ઠીક નથી? શું થયું છે તેને?’ જ્યોતિબહેન ઊભાં રહ્યાં નહિ. ફરી અંદર ગયાં. બેત્રણ વાર બારણાં ઊઘડ્યાં ને બંધ થયાં. નર્સો આવી ને ગઈ. ઇંજેક્શન આવ્યાં. થોડી દોડધામ મચી ગઈ. જ્યોતિબહેન બહાર આવ્યાં. ‘અમે બનતો બધો પ્રયત્ન કરીએ છીએ, પણ કાંઈ કહેવાય નહિ. તમારે કોઈને બોલાવવા હોય તો બોલાવી લો.’ વ્યોમેશને ભરબપોરે સૂરજ ઓલવાઈ જતો હોય એમ લાગ્યું. ચારે તરફ અંધકારનાં પૂર ઊભરાયાં. વસુધાને કંઈ થયું તો હું શું કરીશ? ત્રણ છોકરાઓને હું કેવી રીતે સાચવીશ? એકનો તો હજી આજે જ જન્મ થયો છે. ઓ ભગવાન, હવે શું થશે? પગ નીચેથી પાટિયું ખેંચી લેવાયું હોય તેમ તે ઢગલો થઈ ગયો. બીજા બે ડૉક્ટર લાંબાં ડગલાં ભરતાં આવ્યાં અને બારણાં પાછળ અદૃશ્ય થઈ ગયા. એક કલાક એક દિવસ જેવડો લાગ્યો. છેવટે જ્યોતિબહેને આવીને કહ્યું : ‘અત્યારે તો જોખમ ટળી ગયું લાગે છે. મળવું હોય તો આવીને મળી લો. પણ બે જ મિનિટ.’ વ્યોમેશ ઝડપથી અંદર ગયો. ‘વસુધા… વસુધા…’ તેનો અવાજ ઘોઘરો થઈ ગયો હતો. ‘હાશ, હવે ઠીક છે ને? હું તો એટલો ગભરાઈ હતો!’ તેણે વસુધાનો હાથ હાથમાં લઈ પસવાર્યો. ‘ભગવાનની કૃપા કે જોખમમાંથી તું બહાર આવી ગઈ. તને કાંઈ થયું હોત તો — તો મારું શું થાત? ત્રણ છોકરાને હું કેમ કરીને સંભાળત?’ વસુધાના ફિક્કા ચહેરા પર એક બહુ જ ક્ષીણ હાસ્ય ફરક્યું. ધીરે રહીને તેણે પોતાનો હાથ વ્યોમેશના હાથમાંથી સેરવી લીધો. ઘેન હેઠળ અડધી સૂતી પડેલી ચેતનામાં પ્રશ્નની એક રેખા અંકાઈ. છોકરાઓ ન હોત, તો કાંઈ વાંધો નહોતો; નહિ? [ વસુધા બચી તો ગઈ, પણ તેને ખૂબ શ્રમ પડ્યો હતો. શરીરની અંદર એક બખોલ થઈ ગઈ હતી, એક ઘાવ જાણે મોટું મોં ફાડીને રહેલો હતો. તે ઘેર આવી, હરતી-ફરતી થઈ પણ અશક્તિએ તેના શરીરમાં ઘર કર્યું હતું. થોડુંક કામ કરતાં તે થાકી જતી, રસોઈ તો માંડ તે કરી શકતી. વ્યોમેશ જાય કે સૂઈ જતી. છોકરાઓનું ધ્યાન બરોબર રાખી શકાતું નહીં. ઘર અસ્તવ્યસ્ત રહેતું. ફૈબા કહેતાં કે હવે પોતે ઘરડાં થયાં છે, અને આમ પણ ધરમ-ધ્યાનમાંથી બચે એટલો જ સમય તે આપી શકે ને? વ્યોમેશ ચા બનાવવા ગયો તો દાઝ્યો, હર્ષને તેણે બે વાર માર્યો અને અશેષ સ્ટૂલ લઈને બારી પર ચડવા જતો હતો તેને ઉતાવળે રોકવા જતાં સ્કૂલ પણ પડ્યું ને અશેષ પણ પડ્યો. ઓહ — વસુધા ક્યારે સાજી થશે? તેણે ડૉક્ટરને બોલાવ્યા. કોઈ ઊંડી માંદગી તો નથી ને? ડૉક્ટરે તપાસીને કહ્યું : ‘અંદર કાંઈ ખરાબી નથી પણ જ્ઞાનતંતુ ખૂબ થાકી ગયા છે. થોડા દિવસ હવાફેર કરી આવો, માથેરાન કે લોનાવાલા જઈ આવો. તાજી હવાથી અને આરામ કરવાથી સારું થઈ જશે.’ વસુધાનું મન લીલું થઈ ગયું. લગ્ન પછી સાથે સરસ જગ્યાએ ક્યારેય ગયાં નહોતાં. માથેરાન તેણે જોયું નહોતું, પણ વાતો સાંભળી હતી. ટચૂકડી ટ્રેન, હરિયાળા પહાડો, ધુમ્મસભરી ખીણો. મારા મનને સારું લાગશે. મારો થાક ઊતરી જશે. પણ વ્યોમેશે ડોકું ધુણાવ્યું. ‘માથેરાન જઈ તો શકાય… પણ તને સાજાં થતાં કેટલા દિવસ લાગે, કોને ખબર? ઘણી રજા લેવી પડે. અને છોકરાઓનું શું? હર્ષ મોટો થયો છે. તેને ધારો કે ફૈબા પાસે મૂકીને જઈએ, પણ અશેષ અને દીપંકરને તો સાથે લેવા જ પડે. તેમને કોણ સાચવે?’ માંદગીમાં કાંટાળી વાડ ઓળંગી, માથેરાનનાં હરિયાળાં મેદાનમાં ફરતું, પંખીના ટહુકા સાંભળવાનું વસુધાનું મન પાછું આવી વાસ્તવિકતાની પથારીમાં ગુપચુપ ભરાઈ ગયું. વ્યોમેશ આંટા મારવા લાગ્યો. હસીને બોલ્યો : ‘હું માંદો પડું તો કોઈ ખાસ તકલીફ ન પડે, પણ તું માંદી પડી તો ઘરનો વ્યવહા૨ જ જાણે ઠપ્પ થઈ ગયો…’ પછી અચાનક કંઈક સૂઝી જતાં બોલ્યો : ‘લે વસુધા, આ તો મને યાદ જ નહોતું આવ્યું. તું તારી મા પાસે જ જા ને! આમ પણ તું ઘણા વખતથી ગઈ નથી. ત્યાં તને આરામ મળશે અને મન પણ પ્રફુલ્લિત થઈ જશે.’ વસુધાએ વિરોધ કર્યો : ‘ત્રણ છોકરા ને માંદી હું — આટલાં બધાંનો બોજો મા પર કેમ નખાય?’ ‘પણ ત્યાં તો ઘણાં જણ છે ને! વળી મોકળું ઘર છે. અને તને માથેરાન કરતાં મા પાસે ન ગમે? ત્યાં તને વધારે આરામ મળશે. મા છે એટલે દીપંકરનોય વાંધો નહિ આવે. કોઈ પોતાની ચિંતા કરતું હોય, પોતાના આરામ માટે ઉપાયો વિચારતું હોય ત્યારે કેમ કહેવાય કે હર્ષના જન્મ વખતે મા પાસે જવા હું ઝંખતી હતી ત્યારે તમે મને નહોતી જવા દીધી. આજે મારે ત્યાં જવું નથી, મારી માંદગીનો બોજો એની પર નાખવો નથી ત્યારે તમે મને ત્યાં મોકલવાનો આગ્રહ રાખો છો! અને કહો તો, તમે માંદા હોત તો મેં તમને ક્યાંય મોકલી દીધા હોત કે? ત્રણ બાળકોને સાચવવા ઉપરાંત ફૈબાને સાચવ્યાં હોત અને તમારી પણ ચાકરી કરી હોત, અને એ બરોબર જ છે. માણસને સાજેમાંદે પોતાનું માણસ કામ ન લાગે તો તે ક્યાં જાય?… બોલ્યા વિના મનના વિચારોની બીજાને જાણ નથી થતી એ સારું જ છે, નહિ તો દુનિયાનો કારોબાર ચાલત શી રીતે? પોતાની માંદગીમાં પોતાનો માણસ વસુધાને કામ લાગ્યો નહિ. રજા લઈને વ્યોમેશ તેને પિયર મૂકી આવ્યો.

*

લાલ ઈંટોનું, ઢળતા છાપરાવાળું નાનકડી અગાસીવાળું એ જ ચિરપરિચિત ઘર. આંગણામાં એ જ પાતળો, નાજુક, આછી લીલી પર્ણઘટાવાળો સરગવો. હવામાં ઝૂલતાં નાનાં શ્વેત ફૂલ. સક્કરખોરાનું ગુંજનમય ઉડાણ, માંદી વસુધા સરગવાની આસપાસ ફરી. ચંપાને વહાલ કર્યું. તેનાં ફૂલોની સુગંધથી ખોબો ભરી લીધો. મા તો રાજી જ થઈ. છોકરાઓને નવા દોસ્તારો સાથે ૨મવાની મઝા પડી. મોટીબહેનની તેર વરસની દીકરી સારા અને નાનકડો અપુ પણ હતાં. હેતપ્રીતના કિલ્લોલથી ઘર ગાજી ઊઠ્યું. વસુધાના ચહેરા પર રંગ ડોકિયું કરવા લાગ્યો. વ્યોમેશના પત્રો આવતા : ‘તબિયત કેમ છે? બરોબર આરામ કરજે. સરખું ખાજે-પીજે.’ થોડા વખત પછી પત્ર આવ્યો : ‘તું સાજી થઈ ગઈ હોય તો હવે આવતી રહે. ઘરમાં બહુ અગવડ પડે છે.’ તારા વગર ગમતું નથી એમ કહ્યું હોત તો ઊડીને જવાનું કદાચ મન થાત. પણ શી ખબર, એવું કહેલું ખોટુંયે હોત. લૂખીસૂકી પણ સાચી વાત સારી. જવાની તૈયારી કરી. ભાઈએ કહ્યું : હું મૂકવા આવીશ. દિવસ નક્કી કર્યો. આગલી સાંજે તે અગાસીમાં ગઈ. અગાસીની પાળીને અઢેલીને તે ઊભી રહી. ચારે બાજુ વિસ્તરેલાં નાનાં નાનાં મકાનો, વચ્ચે ક્યાંક લીમડાનાં, પીપળાનાં ભરાવદાર વૃક્ષો, દૂર દેખાતું મેદાન, ઘાસ પર ઢોળાયેલા પીળી સાંજના અવશેષ તે જોઈ રહી. લગ્ન પહેલાંની સાંજ યાદ આવી. હવે ફરી ક્યારે આટલી નિરાંત મળશે? હવાનો એક ઝપાટો આવ્યો અને તેની સાથે પડોશના મકાનમાંથી હાસ્યનું મોટું મોજું વહી આવ્યું. એકસામટાં ઘણાં જણ ખૂબ હસતાં હતાં. ‘બધાં ખૂબ આનંદ કરતાં લાગે છે’ — તેણે વિચાર્યું. હર્ષ અને અશેષનાં હાસ્ય પણ એમાં જ ભળ્યાં હશે. ઘડીક વાર એ હાસ્યની છાલકથી તે ભીંજાતી રહી, પછી નીચે ઊતરી આવી. બીજે દિવસે વહેલી સવારે નીકળવાનું હતું. બધી તૈયારી કરીને તે સૂવા ગઈ. સારા બાજુમાં જ સૂતી હતી. અચાનક વસુધાને યાદ આવ્યું. પૂછ્યું : સારા, તમે લોકો સાંજે આટલું બધું શું હસતાં હતાં?’ સારાએ ઉત્સાહમાં બેઠાં થઈને જવાબ આપ્યો : ‘તમે સાંભળેલું માસી? એ તો આદિત્યભાઈ વાઘ-રીંછની વાત કરી બધાંને હસાવતા હતા.’ વસુધાની આંખમાંથી સહસા ઊંઘ સરી પડી. ‘આદિત્ય આવ્યો છે?’ સારાએ નવાઈ પામીને પૂછ્યું : ‘તમે એમને ઓળખો છો, માસી?’ ‘હા, એક વાર હું નાની હતી ત્યારે મને પણ બહુ હસાવી હતી.’ ‘કેવી સરસ વાતો કરે છે, નહિ માસી? હિમાલયના વાઘની વાત કરતાં એવી ગર્જના કરી કે અશેષ તો બીને મારા પડખામાં ભરાઈ ગયો હતો.’ આદિત્ય આવ્યો છે, અત્યારે જ છેક ખબર પડી. આજકાલમાં જ આવ્યો હશે. નહિતર તો જાણ થઈ હોત. મળવા જવાનું મન થઈ આવ્યું, પણ રાતના દસ વાગ્યા છે. અત્યારે જાય તો કેવું લાગે? અને શી ખબર, પોતાને ઓળખે કે ન ઓળખે. સાત-આઠ વર્ષ પહેલાં એક વાર આવ્યો હતો ત્યારે મળેલાં. ત્યારે પોતે હરણી જેવી ચંચલ ઉત્ફુલ્લ તરુણી હતી. આજે હું ત્રણ છોકરાની મા છું. કદાચ નયે ઓળખે. સવારે નીકળતાં પડોશના મકાન તરફ વળી વળીને નજ૨ ગઈ. કદાચ વહેલો ઊઠ્યો હોય. ફરવા જવા નીકળ્યો હોય. બે મિનિટ વાત કરી લેવાય. યાદ તાજી કરી શકાય. પણ મકાન શાંત હતું. આગણું શાંત હતું. દરવાજો ચૂપ હતો. વસુધા છોકરાઓને લઈને ઘોડાગાડીમાં બેઠી. ગાડી ચાલવા લાગી… નિયતિ તરફ. દરેક જણ પોતાની નિયતિ તરફ ગતિ કરે છે. તેમાંથી કોઈ છટકી શકતું નથી. તેના મોં પર સ્મિત આવ્યું. કોઈક વાર તને મળીશ આદિત્ય, તારા ખબર જાણીશ, તારી પાસેથી હિમાલયની વાતો સાંભળીશ… કોઈક વાર…