સાત પગલાં આકાશમાં/૧૦

Revision as of 19:03, 14 April 2025 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| ૧૦ | }} {{Poem2Open}} લગ્ન પછી વસુધાની સાથે વાત થતાં મા ઘણી વાર કહેતી : ‘તારે ઘેર આમ, તારે ઘેર તેમ.’ લગ્ન પહેલાં વસુધા કાંઈક વિશેષ શીખવાની કે એવી કોઈ ઇચ્છા કરે ત્યારે પણ મા કહેતી : ‘એ બધ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૧૦

લગ્ન પછી વસુધાની સાથે વાત થતાં મા ઘણી વાર કહેતી : ‘તારે ઘેર આમ, તારે ઘેર તેમ.’ લગ્ન પહેલાં વસુધા કાંઈક વિશેષ શીખવાની કે એવી કોઈ ઇચ્છા કરે ત્યારે પણ મા કહેતી : ‘એ બધું તું હવે તારે ઘેર જઈને કરજે.’ પોતાનું ઘર કયું? વસુધાના હોઠ જરા મરડાયા. મારું ઘર હોત, તો મારી બહેનપણીને થોડા દિવસ ઘરમાં રાખી ન શકત? મુશ્કેલીમાં મદદ કરીશ — એમ કહેલું, તે પાળી ન શકત? જન્મકાળથી જે પોતાનું ઘર હતું તે લગ્ન થયાં તે ઘડીથી બની ગયું બાપનું ઘર. અને મા જેને ‘તારું ઘર’ કહેતી હતી એ તો હતું પતિનું ઘર. કોઈક દિવસ પોતે ૪૫-૫૦ વર્ષની થશે ત્યારે એ ઘરમાં પોતાનો કંઈક અધિકાર હશે. આજે તો અહીં રહેવા માટે પોતાના બધા મૂળભૂત અધિકારો ભૂંસી નાખવા પડ્યા છે. પોતાના શબ્દોનું પાલન કરવા જેવી સાદી બાબત પણ પોતાના હાથમાં નથી. શબ્દપાલનનું મૂલ્ય રાજા હરિશ્ચંદ્ર માટે હોય, રાણી તારામતીએ એની કોઈક સખી સમક્ષ ઉચ્ચારેલા વચનની વળી કિંમત શી? સાંજ પડ્યે બાગમાં જવાનો વિચાર કરતાં સુમિત્રાનાં સ્મરણો ટોળે વળતાં, ટગર ટગર તેની સામે જોઈને પૂછતાં : ક્યાં ગઈ પેલી સુંદર છોકરી, જેના હાસ્યમાં ચાંદની ચમકતી હતી? ક્યાં ગઈ એ તેજભરી શક્તિની રેખા જેવી કન્યા, જેણે તારા પરના વિશ્વાસે રાત વખતે આવી તારા બારણે ટકોરા માર્યા હતા? વસુધા વ્યથિત થઈ જતી. વિચારતી : ધારો કે વ્યોમેશને કહ્યું હોત કે મેં સુમિત્રાને વચન આપ્યું છે, તેને સહાય કરવી એ મારી ફરજ છે, તો? એને ખાતરી હતી — તો વ્યોમેશે કહ્યું હોત : પણ મને પૂછ્યા વગર તેં એવું વચન આપ્યું જ શા માટે? કહ્યું હોત : ‘મારા ઘરમાં એ લફરું મને ન જોઈએ.’ મા ભલે કહે : તારું ઘર, ઘર તો વ્યોમેશનું હતું. ગમે તેટલા સત્યવાદી થવું હોય, ગમે તે સત્કાર્ય કરવું હોય, આ ઘરમાં રહેવું હોય તો વ્યોમેશની મંજૂરી વગર એ કરી શકાય નહિ.

*

વસુધાએ એક પછી એક પોતાની બધી પરિચિત સ્ત્રીઓની વાત યાદ કરી જોઈ. ફૈબા ભલેને કહેતાં કે વહુ તો ઘરની રાણી છે! રાજા ગુજરી જાય તો રાણીનું રાજપાટ રઝળી પડે. ફૈબા પોતે જ વિધવા થતાં પિયર આવીને રહ્યાં હતાં. ‘ઘર’ નામની જગ્યા સાથે સ્ત્રીનો કેવો સંબંધ છે, તે પોતાના મનના ઊંડાણમાં દરેક સ્ત્રી જાણે છે. તેથી તો શાન્તાકાકી બાવન વર્ષના થયાં તોયે તેમના ગ૨મ મિજાજના પતિ, શાન્તાકાકી કંઈક દલીલ કરે કે ઘરના બારણા તરફ આંગળી ચીંધી દેતા, અને કાકી ચુપ થઈ જતાં. ઘર પોતાનું નથી તેવું જાણવાથી જ તો વિજયાબહેને પતિ સાથે બહુ તકરાર થતાં ભભૂકીને કહેલું : ‘તો રાખો તમારું ઘર તમારી પાસે’ — અને તે ઘર છોડીને ચાલ્યાં ગયેલાં. વિજયાકાકી બહુ જોરદાર હતાં, પણ તોયે, ઘર પોતાનું નથી તેમ તે સમજતાં હતાં. રાજ તો રાજાનું જ હોય. રાણી ગુજરી જાય તો પણ રાજાનું રાજ તો કાયમ રહે. વસુધાના ઘર પછી ત્રીજું મકાન હતું ‘માતૃછાયા.’ ત્યાં રહેતા અંબરીષની પત્ની શૈલા અકસ્માતમાં ગુજરી ગઈ. રિવાજ હતો કે પુરુષને ફરી પરણવું હોય તો સ્મશાને ન જાય. નવ વરસ સુધી પોતાનાં સુખદુઃખ સાચવનાર પત્નીને અંતિમ વિદાય આપવા અંબરીષ ગયો નહિ. થોડા જ વખતમાં તેણે બીજાં લગ્ન કર્યાં. કોઈએ પૂછ્યું નહોતું કે શૈલાને બદલે અંબરીષનું અવસાન થયું હોત તો ‘પોતાના ઘર’માં શૈલા કેવી પદભ્રષ્ટ થઈ હોત!

*

પ્રમીલાનાં લગ્ન જરા નાની ઉંમરે થયાં હતાં. પિયર ગામમાં જ હતું. સાસરે જતાં જ કહી દેવામાં આવ્યું : ‘ગામમાં જ પિયર છે એટલે કોઈ વા૨ મળી આવવાનું, રહેવા નહિ જવાનું.’ એક વાર ભાઈને ઠીક નહોતું ને ઉપરાઉપર બે દિવસ જોવા ગઈ તો સાસુએ કહ્યું : ‘શું છે તે વારેઘડીએ પિયર દોડ્યાં જાઓ છો?’ અને એક વાર લાંબો વખત તેની તબિયત સારી નહોતી તો બહેનપણીએ કહ્યું : ‘તારે ઘેર થોડા દિવસ રહી આવ. અહીં તને આરામ નહિ મળે.’ કામ કરવા માટે પતિનું ઘર, આરામ કરવા માટે માનું ઘર. તો પછી પોતાનું ઘર કયું?

*

મોટા ભાગના લોકો જન્મકાળથી જે વાતાવરણમાં શ્વાસ લે, જે ભણતર ઘૂંટે, માબાપ સગાસંબંધીની જે વાતો સાંભળે તેમાંથી આપોઆપ જ રૂઢ માન્યતા, સંસ્કાર, મૂલ્યો મેળવતાં હોય છે, મોટાં થતાં નિશ્ચિત વલણો કેળવી ચૂક્યાં હોય છે. વસુધા વૃક્ષો સાથે, આકાશ સાથે, ખુલ્લી હવા સાથે વધુ હળેલી હતી એટલે કદાચ, રૂઢિગત માન્યતાઓ તેના મનમાં જામીને જડ થઈ ગઈ નહોતી. તેથી તેને બધી બાબતમાં પ્રશ્નો થતા. બીજી સ્ત્રીઓ જેને સ્વાભાવિક માનીને સ્વીકારી લે, તેમાં રહેલી અસંગતતા તેને આશ્ચર્ય પમાડતી. સ્વભાવે તે સ્નિગ્ધ હતી, એટલે પડકાર ફેંકવાનું કે બળવો કરવાનું તેના મનમાં ક્યારેય ઊગ્યું નહોતું. પણ નવાઈથી તેનું મન ઊભરાતું. બીજી સ્ત્રીઓનાં મન ઘરની મર્યાદિત દુનિયા અને એકસરખાં વૈવિધ્યરહિત કામોમાં પરોવાઈને કુંઠિત થઈ ગયાં હતાં. ઘર, છોકરાં, મહેમાન, કપડાં, દાગીના, રસોઈ, સગાંસંબંધીઓનો વહેવાર — એ સિવાય ભાગ્યે જ બીજી વાત તેમની વચ્ચે થતી. વસુધાને કંઈક સમજવાળી વાતો કરવાનું મન થતું, પણ બીજી સ્ત્રીઓને તો કદી પ્રશ્નો ઊઠતા જ નહોતા. છાપાં તેઓ ભાગ્યે જ વાંચતાં. બહારની દુનિયા સાથે તેમને ખાસ સંબંધ નહોતો. ક્યાંક ફાટી નીકળેલી લડાઈ, કોઈને મળેલું નોબેલ ઇનામ — કશાથી તેમના તાર ઝણઝણતા નહિ. એ ૫૦નો દાયકો હતો. ભારતે સ્વતંત્રતાની હવામાં નવો નવો શ્વાસ લીધો હતો. ચીનમાં નવું રીપબ્લિક અસ્તિત્વમાં આવ્યું હતું. પણ આ કોઈ ઘટના પરત્વે તેમનું મન ઊઘડતું નહિ. છાપાંમાં કોઈ વાર સરોજિની નાયડુ કે કમલાદેવી ચટ્ટોપાધ્યાય જેવાં નામ દેખાતાં, તે કોઈ બીજી દુનિયાનાં નિવાસીઓનાં લાગતાં. છાપામાં બસ તેઓ વાંચતાં, તો મરણનોંધ. કોણ ક્યારે ગુજરી ગયું અને કોને ઘેર ‘બેસવા’ જવું પડશે તેનો ખ્યાલ રાખવાની અલિખિત જવાબદારી તેમની હતી. માત્ર વસુધાનું ધ્યાન જતું કે આવી નોંધમાં, સ્ત્રી ગુજરી જાય તો ‘અમુકની પત્ની’ કે ‘અમુકની વિધવા’ તરીકે તેની ઓળખ અપાતી. પુરુષ ગુજરી જાય તો ‘અમુકનો પતિ’ એવું કદી ન લખાતું. ‘અમુકનો વિધુર’ — એવો તો શબ્દપ્રયોગ અસ્તિત્વમાં જ નહોતો. તેને માટે લખાતું ‘અમુકનો પુત્ર’ ‘અમુકનો ભાઈ’ ઇ. પુત્ર તરીકે ઓળખ અપાય ત્યારે પણ તેમાં પિતાનું જ નામ રહેતું, માતાનું નહિ. લગ્નની પત્રિકાઓમાં પણ પિતાનું, કાકાનું, દાદાનું નામ મુખ્યપણે હોય. મૃત્યુ પામેલા પૂર્વજોનાં સ્વ.નામ પણ હોય. જૈન લોકોની દીક્ષાની કંકોત્રી નીકળે તેમાંયે બાપા, કાકા, ભાઈ, જીવિત કે મૃત દાદાનું નામ હોય. માતાનું નામ ભાગ્યે જ હોય. સ્વ. કોઈ સ્ત્રી કે દાદીના નામનો સવાલ જ ઊભો ન થાય. પુરુષ મરણ પામે તોયે તે કુટુંબના આંબામાં, કુટુંબના પેઢી-દર-પેઢીના નામમાં કોઈક રીતે જીવે. સ્ત્રી મરણ પામે એટલે તે સાવ ભૂંસાઈ જાય. પણ વસુધાની આસપાસની સ્ત્રીઓ લીના, રંજના, શોભા, ઊર્મિલાને આમાં કાંઈ લાગતું નહિ. સ્ત્રીઓનું ઊતરતું સ્થાન એટલું બધું સ્વીકારાઈ ગયું હતું કે સ્ત્રીઓનું પોતાનું પણ તે તરફ ધ્યાન ન જતું. તેમને તો કોઈનું મૃત્યુ થતાં કપડાંની ચિંતા રહેતી. આવા પ્રસંગ માટે ખાસ કપડાં રહેતાં. ન હોય તો માગી લેવાતાં. વહેવાર સાચવવો પડે. કોઈને જવું ગમતું નહિ, પણ બધાં જ જતાં. ‘મારી સાડી ઘસાઈ ગઈ છે. તારી પાસે કાંજી-ઇસ્ત્રી કરેલી હોય તો આપને!’ સફેદ ઝીણા સુંવાળા પોતાની સાડી હોય તો તેનાં વખાણ થતાં. એમાં મૃત્યુના ચહેરા પરથી ટપકતાં આંસુ લૂછવાની વાત ભાગ્યે જ આવતી. મરણના ખરખરે જઈ આવી, પાછાં આવી કપડાં બદલી લગ્નના જમણમાં જતાં કોઈને બહુ વાંધો ન આવતો. આ છીછરાપણું વસુધાને ખૂંચતું. તેને જુદી રીતે જીવવાનું મન થતું. પણ એની એવી ઇચ્છા કોઈને સમજાઈ ન હોત. રંજનાની સ્થિતિ સાધારણ હતી. ‘દીપકની થાળી સચવાવી જોઈએ’ એવું કોઈએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું નહોતું, પણ તે સમજી લેવાયું હતું. તેને જમાડ્યા પછી તેની થાળીમાં, કે લોટ બાંધ્યો હોય તે થાળીમાં રંજના જમી લેતી. જમવાનું થોડું વધારે હોય તો, પેટ ભરાઈ ગયું હોય તોયે ખાઈ લેતી. બગાડ ક્યાં કરવો? અને થોડું ઘટ્યું હોય તો ચલાવી લેતી. બધી સ્ત્રીઓ પતિ જમે પછી જ જમતી. પતિને પત્નીના જમતાં પહેલાં જમી લેવામાં કશો બાધ નહોતો, પણ સ્ત્રીઓ પતિ જમે નહિ ત્યાં સુધી ભૂખી રહેતી. પતિ કોઈ વાર ઑફિસેથી બારોબાર બહાર જાય ત્યારે પત્ની રાહ જોઈને બેસી રહે. ‘નિખિલના પપ્પાનું તો કાંઈ ઠેકાણું જ નહિ. ૫૨મ દિવસે ક્યાંય સુધી, આવશે એટલે સાથે જમીશું કહીને હું બેસી રહી, તો છેક રાતે દસ વાગ્યે આવ્યા.’ ‘જમવાનું બહુ મોડું થયું હશે પછી…’ વસુધા બોલી. ‘ના, ના, એ તો એમના ભાઈબંધને ત્યાં ભજિયાં ખાઈને આવેલા. મને પણ પછી બધું ફરી ગરમ કરવાનો કંટાળો આવ્યો. ખાલી કેળું ખાઈને સૂઈ ગઈ.’ અને વાતને છેડે એક દીન હાસ્ય, સંગોપાંગ ક્ષમાથી ભરેલું. રંજનાની દીકરીને ડૉક્ટર થવાની બહુ હોંશ હતી, પણ — ‘દીકરાઓને જ ભણાવવાનો ખર્ચ માંડ નીકળે તેમ છે, ત્યાં આશાને ડૉક્ટર બનાવવાનું ક્યાંથી પોસાય?’ રંજના કહેતી. શોભા ટાપસી પૂરતી : ‘આમ પણ એ તો પરણીને એને ઘેર જવાની. એની પાછળ ખર્ચ કરો તો એ થોડી જ કમાઈને તમને ખવડાવવાની છે?’ દીકરી શા માટે માબાપને કમાઈને ખવડાવી ન શકે? — એવો પ્રશ્ન કોઈને થતો નહિ. અથવા એનો જવાબ તેઓ જાણતાં. દીકરીએ માબાપને ખવડાવવું હોય, તેમની સેવા કરવી હોય, તો એણે કુંવારા રહેવું જોઈએ. તે લગ્ન કરે પછી માબાપની સેવાનો તેને અધિકાર ન રહે. એ અધિકાર દીકરાનો. તે લગ્ન કરીને પણ મા-બાપની સેવા કરી શકે, પત્ની પાસે કરાવીયે શકે. … વસુધાના મનમાં નવાઈના થર પર થર ખડકાતા. બધાં માણસો જ છે ને? પછી આટલા બધા ભેદ શું કરવા? લીના જરા પોચા દિલની છોકરી હતી. એક દિવસ ખૂબ થાકેલી લાગતી હતી. વસુધાએ પૂછ્યું : ‘કેમ આમ સાવ નખાઈ ગઈ છે?’ લીનાની આંખમાં આંસુ આવી ગયાં. નાક લૂછીને બોલી : ‘કહે તો વસુધા, સ્ત્રી પરણે એટલે શું તે માણસ મટી જાય?’ ‘પણ શું થયું એ તો કહે!’ મહેન્દ્રનાં સગાં બહારગામથી આવેલાં. લીના-મહેન્દ્રનાં લગ્ન પછી પહેલી વાર આવેલાં. વહુ ઘર કેવું સાચવે છે તે જોવાનું કુતૂહલ હતું. લીનાએ તેમને રાજી રાખવા ભરચક પ્રયત્નો કર્યા, રોજ કંઈક નવું રાંધવું, તેમની જરૂરતો ખડેપગે સાચવવી. પણ તે થાકી જતી. એટલાં બધાં લોકોની રસોઈ, એટલાં વાસણ, એટલાં કપડાં. કામ કરનાર બાઈને મદદ કરાવવી પડે, નહિ તો તે ખાડો જ પાડે. પણ પેલા લોકો આંગળી હલાવતાં નહોતાં. લીનાના હોઠ સુધી શબ્દો આવી જતા : ‘આટલી ભાજી વિણાવો ને! આ વાસણ લૂછી અભરાઈ પર ચડાવી દેશો?’ પણ બોલવાની હિંમત ચાલી નહિ. ૨ખેને તેમને માઠું લાગે. વહુને વળી થાક કેવો? તેણે તો શારીરિક શક્તિનો એક પુંજ બની રહેવું જોઈએ. જતાં જતાં છાબમાં પ્રશંસાનાં ફૂલો ભરતાં ગયાં… વહુ કેટલી વિનયશીલ છે! બધું પોતે કરી લે છે. કોઈને કામ ચીંધતી નથી. વિનયશીલ હોવું એટલે શું? વિનયશીલ હોવું એટલે ઓછામાં ઓછું બોલવું અને વધુમાં વધુ કામ કરવું. વિનયશીલ હોવું એટલે કમર તૂટી પડતી હોય તોયે કપડાં ધોવાં. વિનયશીલ હોવું એટલે ગમે એવો ઘા વાગ્યો હોય તોયે લોહી નીકળવા ન દેવું… ‘તું સાવ ઢીલી છે.’ વાસંતીએ કહેલું : ‘કહેવું હતું ને કે મારાથી પહોંચાતું નથી, જરા કામ કરવા લાગો!’ લીનાએ કહ્યું : ‘એવું કહેત તો મહેન્દ્રને ન ગમત. એ કહેત : બે દિવસ સહન ન કરી લેવાય? ક્યાં રોજરોજ આવવાનાં છે?’ અને આગળ કાંઈ કહ્યું હોત તો કહેત : ‘મારાં સગાં તને ભારે પડે છે, નહિ?’ લીનાની તકલીફ જાણી, મહેન્દ્ર પોતે એને મદદ ક૨વા લાગે એ તો આકાશ પારનું સ્વપ્ન. ઘરનું કામ ગમે તેટલું હોય, સ્ત્રી ગમે તેટલી થાકેલી હોય ને પતિ ગમે તેટલો સશક્ત હોય, એ બોજો સ્ત્રીને જ માથે. પતિનાં નજીકનાં — દૂરનાં સગાં ઘેર આવે, મળવા, જમવા. એ બધાની ખાતર-બરદાસ્ત ઉત્સાહથી કરવી જોઈએ. પત્નીનાં સગાં ઓછાં આવે. એમનું ધ્યાન પતિને રાખવું હોય તો રાખે, ‘મૂડ’ ન હોય તો ન રાખે. પત્ની તેમને માટે બહુ ઉમળકો બતાવે તો પતિને, સાસુને ખાસ ગમે નહિ. ઊર્મિલાની મામાની દીકરી તેના વર ને સાસુસસરા સાથે બે દિવસ માટે મુંબઈ આવી હતી. ઊર્મિલાને તેમને બોલાવીને જમાડવાનું મન હતું, પણ જમાડી ન શકી. ખબર હતી, સાસુને એ પસંદ નહિ પડે. પતિ એના ભાઈને, મિત્રોને ઇચ્છે તેટલા પૈસા આપી શકે. પત્ની પાસે પૈસા હોય જ ક્યાંથી? ખાનગી પૈસા હોય તે ખાનગી રીતે આપવા પડે. પ્રગટપણે પોતાની સાડી કે ઘરેણાં બહેનને ૫હે૨વા આપે તોય સાસુના મોંની રેખાઓ વાંકીચૂંકી થઈ જાય. રંજનાને રક્ષાબંધન પર પિયર જવું હતું. બહુ દૂર નહોતું. રજા પણ હતી. દીપકને આગ્રહ કર્યો : ‘ચાલોને સાથે!’ પિયરનાં લોકો પાસે શોભીતાં થઈને જવું ગમે. સાસરામાં પોતાને માટે સુખની બિછાત છે એવો દેખાવ કરવો ગમે. પણ દીપકે ચોખ્ખી ના પાડી, ‘મને કંટાળો આવે છે, તારે જવું હોય તો જા, હું નહિ આવું.’ રંજનાનો ભાઈ લેવા આવ્યો તેને પણ અવગણી કાઢ્યો. રંજનાનો બધો ૨સ ફિક્કો પડી ગયો. ‘તમારાં સગાંને હું કેટલાં સાચવું છું! મારા પિયર માટે તમે માત્ર આવવા પૂરતી પણ મહેનત ન લો!’ પણ એણે ફરિયાદ ન કરી. ઘરના એક નાના ખૂણાની નાની પળ આંસુથી ભીની બની રહી. સાસરાના લોકો નારાજ થઈ જાય — તેની સ્ત્રીને ભારે ચિંતા. પત્નીનાં સગાં રાજી થાય, નારાજ થાય — પતિને તેની ખાસ પડી ન હોય. પત્નીની બહેનપણીઓ આવી હોય, વાતો ચાલતી હોય, પતિ ઘરમાં દાખલ થાય એટલે જરા રહીને બહેનપણીઓ ચાલવા માંડે. પત્ની કશેક જવા તૈયાર થઈ નીકળવામાં હોય, પતિના મિત્રો આવે તો ચા-નાસ્તો બનાવવા રોકાઈ જવું પડે. ક્યારેક જવાનું રદ પણ ક૨વું પડે.

*

એક દિવસ વસુધા, રંજના, લીના, ઊર્મિલા બેઠાં હતાં ત્યાં શોભા સાવ સફેદ કપડાં પહેરીને આવી. ‘કેમ આવાં કપડાં પહેર્યાં છે? કાંઈ થયું? શું થયું?’ પ્રશ્નોની ઝડી વરસી. ‘મારાં માસીજી, અનિલનાં માસી ગુજરી ગયાં.’ વસુધાએ તે દિવસે સવારે અનિલને કામ ૫૨ જતો જોયો હતો. તેણે રોજનાં કપડાં પહેર્યાં હતાં. પુરુષોને તો કામ કરવાનું હોય, બહાર જવાનું હોય, શોક પાળવાની તેમને ફુરસદ ક્યાં? એ બધું તેમની વતી તેમની સ્ત્રીઓ કરી લે. સગાં પોતાનાં મરણ પામે કે પતિનાં, તેનું દુઃખ પત્નીએ પહેરવાનું, અંદર શોક હોય કે નહિ, બહાર તેનાં ચિહ્નો ધારણ કરવાનાં. વરસી વાળવાની. સાડલો બદલવાનો. આ બધી વિધિઓ સ્ત્રીઓ માટે અનામત. વસુધા વિસ્મિત થતી. શોક શું એવી વસ્તુ છે કે એકના વતી બીજું અનુભવી લઈ શકે? શોભાનાં માસી ગુજરી ગયાં હોત તો અનિલને કશી બાધા હોત? અને શ્વેત જેવા નિર્મળ રંગને ખભે મૃત્યુ અને શોકનો કાળો ભાર શા માટે નાખવામાં આવ્યો હશે? મારે અમસ્તાં જ સફેદ કપડાં પહેરવાં હોય તો હું શા માટે ન પહેરી શકું? પણ અહીં શોક ક્યાં છે? અહીં માત્ર રિવાજ છે.

*

ઊર્મિલા ગ્રેજ્યુએટ હતી, ચિત્રકલાના વર્ગ ચલાવતી. લગ્ન થયા પછી તેને નણંદની ઇચ્છાનુસાર ચાલવું પડતું. તે કહે તે જ કપડાં પહેરાવાનાં. તે રજા આપે તો જ પતિ સાથે ફ૨વા જવાનું. તે ચિત્રકાર હતી એ વાત ભૂતકાળ બની ગઈ. નલિની નોકરી કરતી હતી. તેનાં સાસુ સાજાંસારાં હતાં પણ નલિની આવ્યા પછી કામને હાથ અડાડતાં નહિ. નલિની સવારે ચા, દૂધ, નાસ્તો, ઘરકામ, રસોઈ પતાવી નોકરી પર જતી. સાંજે ઘેર આવતાં એ જ ઘરકામ, રસોઈ. સૂવા જતાં રાતના અગિયાર વાગી જતા. તેને જુદી જુદી ભાષાઓ શીખવાનો શોખ હતો, પણ હવે એ માટે સમય ક્યાં? કોઈ કોઈ સ્ત્રીઓ જબરી ગણાતી. લડકણી, કર્કશ પ્રકૃતિને લીધે ઘ૨માં તેમનું વર્ચસ્વ હતું. પણ તેમની પાસેય પૈસાની સત્તા નહોતી. તેમનું ઘર નહોતું, ભણતર નહોતું, કમાવાની આવડત નહોતી. લતા પતિ સાથે રોજ ઝઘડા કરતી, પણ પતિ એક દિવસ અચાનક મૃત્યુ પામ્યો, તો પતિના ભાઈઓએ બધી મિલકત પડાવી લીધી. લતાને પોતાનાં ઘરેણાં પણ મળ્યાં નહિ. પિયર ચાલી ગઈ. માબાપ નહોતાં… ભાઈ-ભાભીનાં ઓશિયાળાં થઈને રહેવું પડ્યું. તે જબરી ગણાતી, પણ તેની પાસે પોતાની પર નિર્ભર થઈને જીવવા માટે કશી સામગ્રી નહોતી.

*

આ સ્ત્રીઓની દુનિયા હતી, એક ધીમી, લાંબી, તપેલી બપોર જેવી નાની દુનિયા, નાનાં નાનાં દુઃખ. રસોડાના અંધારામાં ખૂણેખાંચરે આ દુઃખો ભરાઈ રહે. કોઈની ત્યાં ખાસ નજર પડે નહિ. ઘરના બીજા ઓરડા હવાઉજાસવાળા. રસોડું નાનું, અંધારિયું. સ્ત્રીને જ્યાં ઘણા કલાકો પસાર કરવાના હોય તે જગ્યા અજવાળા વગરની, નીરસ. ક્યારેક તો દિવસે પણ બત્તી કરી રાખવી પડે. રસોડામાં બેસવાની કોઈ વ્યવસ્થા ન હોય. બહેનપણીઓ આવે ને સ્ત્રી રસોડામાં હોય તો પછી તેઓ ઊભાં રહીને જ વાતો કરે. બીજા રૂમમાં પંખા હોય, રસોડામાં વધુ સમય ગાળવાનો, ગરમી વધુ, પણ રસોડામાં પંખો ન હોય. તેમના રસના વિષયો ઓછા. દૃષ્ટિ સાંકડી. વસુધાને લાગતું જાણે બધી સ્ત્રીઓ કોઈક મોટા કિલ્લામાં કેદ છે, જેની દીવાલ તેમને દેખાતી નથી. આ કિલ્લામાં તે બંદી પણ હતી અને સુરક્ષિત પણ હતી. તેને થતું : કોઈ વાર બધી સ્ત્રીઓ આ કિલ્લામાંથી બહાર નીકળી પડે તો રસ્તા કેવા રંગીન લાગે?

*

ફરવા જવાનું બને કોઈક વાર. એક વાર પિકનિક પર ગયાં હતાં. આગલા દિવસથી વસુધાએ તૈયારી કરી હતી, નાસ્તો-પાણી, શેત્રુંજી, તાસકો — બધું યાદ કરીને લીધું. વચ્ચે વળી છોકરાઓનાં તોફાન ચાલે. ઘણી ઉતાવળ કરી, છેવટ બધાને તૈયાર કરીને નીકળી ત્યારે વ્યોમેશના મોં પર નારાજી હતી : ‘બહુ મોડું કર્યું. સાડા સાતે નીકળવાનું હતું ને આઠ તો અહીં વાગ્યા. હવે તાપ થઈ જશે…’ સાંજે પાછાં આવ્યાં ત્યારે થાકી ગયાં હતાં. અશેષ અડધો ઊંઘમાં હતો. વસુધા એને સુવાડવા ગઈ. વ્યોમેશે ધબ દઈને આરામખુરશીમાં પડતું મૂક્યું. ‘થાકી ગયા…’ તેણે છાપું શોધ્યું. ‘આજ તો સવા૨નું છાપુંય ઉઘાડ્યું નથી.’ અને પછી : વસુધા, એક સરસ કપ ચા બનાવજે ને! ત્યાં પેલી હોટેલવાળી ચામાં કંઈ મઝા ન આવી.’ વસુધા અશેષને જેમતેમ સુવાડી રસોડામાં આવી. સ્ટવ પેટાવી ચા બનાવી ત્યાં વ્યોમેશનો અવાજ આવ્યો : ‘વસુધા, જોને દીપુ કેમ રડે છે? એને છાનો રાખ ને!’ પિકનિક પર ચાલવાનું વધુ થયું હતું. રોજ એટલું ચાલવાની ટેવ નહોતી. પગ દુખતા હતા. ચા બનાવી ઢાંકીને મૂકી. દીપુને છાનો રાખવા જતાં જતાં વ્યોમેશને કહેતી ગઈ : ચા થઈ ગઈ છે. જરા ગાળીને લઈ લેજો ને!’ વ્યોમેશ છાપામાંથી નજ૨ ઊંચી કર્યા વગર બોલ્યો : ‘ગાળીને આપતી જા ને! એમાં કેટલી વાર લાગે?’ વખતનો જ ફક્ત સવાલ નહોતો. પણ કહ્યું હોત : ‘હા, હા, ગાળી લઈશ. તું તારે દીપુને છાનો રાખ!’ ચા ગાળીને, ગળણી પણ ધોઈને મૂકી દઈ શકાય. અને કોઈ વાર… ના ના. એ તો ખોટી જ આશા… પણ કોઈક વાર જો કહે : ‘તેં પીધી, વસુધા? તારો કપ પણ લઈ આવ ને!’ અથવા — ‘જા, તું છોકરાનું પતાવી દે. આજ તો હું ચા બનાવું. પછી આપણે સાથે પીએ. તુંયે થાકી હોઈશ!’ પછી જાતને જ કહે — મૂરખ છે સાવ તું! એને એવી ટેવ નથી, ખબર છે. પછી શું કામ એવી રાહ જુએ છે? કોઈક વાર મનમાં પ્રશ્ન થાય. એને મારે માટે પ્રેમ છે? મને એના માટે પ્રેમ છે? તે કમાય છે, પણ એ તો આખા કુટુંબ માટે. તે વસુધાની અંગત જરૂરિયાતો કદી સાચવતો નથી. પોતે તેનું એક એક અંગત કામ કરી આપે છે, કાળજીથી કરી આપે છે. એ કર્તવ્ય છે કે પ્રેમ છે? પોતે તેની બધી અંગત જરૂરિયાતો સાચવવી જોઈએ. પત્ની તરીકે પોતાની પાસેથી એ અપેક્ષિત છે. તે મારી અંગત જરૂરિયાતોનું ધ્યાન રાખે એવું અપેક્ષિત નથી. કારણ? કારણ કે તે કમાય છે, પૈસા લાવે છે. પૈસા રળવા એ બહુ મોટું કામ ગણાય. એવડું મોટું કામ પુરુષ કરે, પછી બીજાં કામોની તેની પાસેથી કાંઈ અપેક્ષા રખાય?

*

બધી સ્ત્રીઓનું જ્ઞાન અલ્પ હતું, તેમની ક્ષમતા વિચારની ભૂમિકાએ આગળ વધેલી નહોતી. સહન કરી લેતી, ઘસાઈ મરતી સ્ત્રીનાં વખાણ થતાં અને તે સંતોષાઈ જતી. કામ બધાં કરતાં, પણ વ્યક્તિ માટેના કે કામ માટેના પ્રેમથી કરતાં તેના કરતાં ઘરેડથી વધુ કરતાં, કર્તવ્યના ભાનથી કરતાં. એમના જીવનમાં શણગાર હતો પણ ઉલ્લાસ નહોતો, જીવન રિવાજો વડે ચાલતું હતું, યાંત્રિક બનેલું હતું. લાગણીઓની સચ્ચાઈ નહોતી, સંબંધોમાં ગણતરીઓ હતી, અપેક્ષાઓ હતી અને તે પૂરી ન થાય ત્યારે અછતો ભય હતો. બીજાઓ શું કહેશે? તેમને શું લાગશે? એનો બોજ હતો. વસુધાને અર્થશાસ્ત્રમાં આવતો રિકાર્ડોનો સિદ્ધાંત યાદ આવતો. મજૂરોને હંમેશા ઓછો પગાર આપવો જોઈએ જેથી તેમનાં સંતાનો ઉચ્ચ શિક્ષણ ન મેળવી શકે, પરિણામે તેઓ મજૂર જ બની રહે અને ઉદ્યોગોને ક્યારેય મજૂરોની ખોટ ન પડે. સ્ત્રીનું જગત પણ મર્યાદિત રાખવામાં આવ્યું છે, જેથી તે ચુપચાપ જે છે તે તેમ જ હોય — એમ સ્વીકારીને ચાલે. એમાં સંતુષ્ટ રહે, પ્રશ્નો ન પૂછે, પરિવર્તનનો પવન ન ઝંખે… અને બીજા કોઈકનું સામ્રાજ્ય ચાલે છે તેમ ચાલ્યા કરે.

*

એક દિવસ સાંજે વસુધા શાકભાજી લઈને મકાનનો દાદર ચડતી હતી. શિયાળાની સાંજ હતી એટલે અંધારું વહેલું થઈ ગયું હતું. પહેલો દાદર ચડી તે બીજાનો વળાંક વળવા જતી હતી ત્યાં તેણે કાંઈક અવાજ સાંભળ્યો. ધીમી ગુસપુસ જેવો વાતચીતનો અવાજ. તેને નવાઈ લાગી કે આમ દાદરમાં ઊભાં રહીને કોણ વાત કરતાં હશે? તે આગળ ચડી પણ તેના પગનો અવાજ સંભળાતા વાતચીત બંધ થઈ ગઈ. ઝડપથી કંઈક સંચાર થયો અને તેણે રંજનાને ત્યાં પહેલાં કામ કરતી હતી એ લક્ષ્મીને સામેથી ઊતરી આવતી જોઈ. નવવારી સાડીની પેટ પરની ગાંઠમાં તે કંઈક ખોસતી હતી. વસુધાને તે ઓળખતી હતી, પણ તેને જાણે જોઈ ન હોય તેમ ઝડપથી તેને ઘસાઈને ઊતરી ગઈ. વસુધાએ નવાઈથી તેની પાછળ જોયું. આટલી બધી ઉતાવળ કેમ? તેણે આગળ જોયું. તે કોની સાથે આમ વાત કરતી હતી? બીજા માળે રંજનાનું ઘર હતું. તેના બારણામાં દીપક ઊભો હતો. રંજના બે દિવસ માટે તેના મામાને ત્યાં ગઈ હતી. તો એ દીપક હતો? લક્ષ્મીએ તો તેમના ઘરનું કામ ઘણા વખત પહેલાં છોડી દીધું હતું. દીપકે વસુધા સામે જોયું. તે આકર્ષક વ્યક્તિત્વવાળો, ઊંચો જુવાન હતો. તેની આંખોમાં એક તીવ્રતા હતી. એ નજર ક્યાંક પડતી, પછી ઝટ ઊંચકાતી નહિ. વસુધાને એ નજ૨ ગમી નહિ. તે ઝડપથી દાદર ચડી ગઈ. ખાસ કશા કારણ વગર તેના હૃદયના ધબકારા વધી ગયા. કાલે હું વાસંતીને આ વાત કરીશ — તેણે મનોમન વિચાર્યું.