સાત પગલાં આકાશમાં/૨૯

Revision as of 19:34, 14 April 2025 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| ૨૯ | }} {{Poem2Open}} ‘મા નિવૃત્તિ લે છે!’ વસુધાએ અલગ-અલગપણે બધાંને સહજભાવે વાત કરી. પણ તેણે ધાર્યું હતું એવો કોઈ ખળભળાટ ઘરમાં મચી ગયો નહિ. મોટા દીકરા હર્ષે વાત સાંભળીને હસીને કહ્યું ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૨૯

‘મા નિવૃત્તિ લે છે!’ વસુધાએ અલગ-અલગપણે બધાંને સહજભાવે વાત કરી. પણ તેણે ધાર્યું હતું એવો કોઈ ખળભળાટ ઘરમાં મચી ગયો નહિ. મોટા દીકરા હર્ષે વાત સાંભળીને હસીને કહ્યું : ‘લે મા, તું પણ કેવી વાત કરે છે! ઘરમાં વહુઓ આવી તે દિવસથી તું નિવૃત્ત જ છે ને! તારે રસોડામાં જવું જ નહિ એટલે બસ, તું નિવૃત્ત!’ અને એટલું કહીને તેણે છાપું વાંચવામાં માથું ઘુસાડી દીધું. અશેષનો પ્રતિભાવ જુદો નહોતો. ‘નિવૃત્તિની વાત તો પ્રવૃત્તિ કરતા હોય એ લોકો કરે. નોકરીવાળા લોકો કરે. તેં તો હંમેશા ઘ૨માં રહીને ઘરકામ જ કર્યું છે; બીજું કશું તો કર્યું નથી. તું નિવૃત્તિની વાત કરે તેનો અર્થ કાંઈ સમજાયો નહિ. આમ પણ, પહેલાં કરતાં તો તું હવે ઘરનું કામ ઓછું જ કરે ને? સાવ ન કરે તોયે ચાલે. પણ તો પછી તારો વખત કેમ જાય? પચાસ વરસ એ કાંઈ પગ વાળીને બેસવાની ઉંમર તો ન કહેવાય!’ આ દીકરાઓ, જેમની પાછળ પોતે પોતાનાં સુંદરતમ વર્ષો આપી દીધાં હતાં, તે દીકરાઓને મન પણ પતિની જેમ જ, મા એટલે એક સ્ત્રી હતી. અને સ્ત્રી એટલે ઘરકામ. ઘરકામને કાંઈ ‘કશું કરવું’ ન કહેવાય. પછી નિવૃત્તિ શાની? એક ગૃહિણી નિવૃત્ત થવાની વાત કરે એ વળી શું? મા માટે પ્રેમ ને આદર હતાં, પણ તેના વિશેનો ખ્યાલ તો પરંપરાગત પુરુષનો જ હતો. પોતાને માટે એક મહાન ક્ષણ આવી હતી. વર્ષોનાં વર્ષો પોતે આ દિવસની, આ ક્ષણની રાહ જોઈ હતી. નિવૃત્તિ — એ તો એક મોટા પગલાનું નાનકડું નામ હતું. પોતાને માટે આ બહુ મહત્ત્વનો નિર્ણય હતો. સ્વીકૃત વ્યવહારના સલામત કોચલાને ભેદીને, જ્ઞાનની સીમાઓ વળોટીને અજાણ્યા પથહીન પ્રદેશે સફર કરવાની વાત હતી. આ વાત વ્યોમેશ પણ ન સમજ્યો હોત, તો દીકરાઓ તો સમજે જ ક્યાંથી? પોતે દીકરાઓને જુદી રીતે ઉછેર્યા હોત તો તેઓ માનું વ્યક્તિ તરીકે મૂલ્ય સમજ્યા હોત! પણ તે જન્મ્યા ત્યારે તો પોતે કેટલી નાની, આશંકાઓથી ભરેલી અને અણસમજુ હતી! વ્યોમેશને વાત નહોતી કહી. તેણે વાતને હસી કાઢી હોત. એક સ્ત્રી માટે ઘર, પતિ, સંતાનો — એ સિવાય બીજી કઈ સ્થિરતા હોય? વ્યોમેશને પોતાને તો, જે હતું તે બધું બહુ જ વ્યવસ્થિત, સ્થિર, સુરક્ષિત લાગતું હતું. આ જે છે — તેની પારની કોઈક ઝલક, વસુધાએ મનમાં પચાસ વર્ષની ઉંમર સુધી સંગોપ્યા કરી હોય, બધું ઠરીઠામ થઈ ગયું હોય ત્યારે, જીવનને એક ધરાતલ ૫૨થી ઉખેડી નવી ભૂમિકામાં મૂકી જોવાનું તેને સપનું હોય — એ વાત તેને કોઈયે રીતે સમજાઈ ન હોત. તે ભાવનાઓ ને સંવેદનાઓનો માણસ જ નહોતો : તે તો ફક્ત હકીકતો જોઈ શકતો. પોતે કમાઈને પૈસા લાવ્યો હતો, વસુધાએ ઘર ને વ્યવહારો ચલાવ્યાં હતાં. હવે દીકરાઓ કમાય છે. તેમનાં લગ્ન થઈ ગયાં છે. બધું બરોબર છે. ક્યાંય કોઈ છિદ્ર નથી. એક મોટા બાકોરામાંથી જીવન ધધડાટ કરતું વહી જાય છે, તેની તેને સહેજ પણ ખબર નથી. એટલે — આ પથહીન પ્રદેશે એકલાં ચાલવાનું છે. વ્યોમેશનો સાથ તેમાં મળે તેમ નથી. સાથની વાત જવા દો, આમાં તેની સામે કોઈ વિદ્રોહ છે, એવું તે ન માને તોપણ બસ. વિદ્રોહ કોઈનીયે સામે નથી. માત્ર પોતાનું જીવન જરા જુદી રીતે જીવી લેવાનું મન છે. આટલાં વર્ષ ગૃહિણી તરીકે, પત્ની તરીકે, મા તરીકે જીવી આખું પોતાપણું એમાં ઠાલવી દીધું હતું. પોતાને માટે પોતાની જાત જરા જેટલીયે બાકી રહેવા દીધી નહોતી. આ જો ફરજ હોય તો પોતે તે પૂરેપૂરી બજાવી હતી. મનમાં તે જરા મલકી. કોઈક તબક્કે, જિંદગીમાં છેવટે કોઈક તબક્કે માણસને શું થોડી નિરાંત ન મળવી જોઈએ? પોતાના જીવન પર પોતાનો અધિકાર કોઈક સમયે તો મળવો જોઈએ ને? ‘મારે કાંઈ હજારો લોકો પર રાજ કરવું નથી. મારે ઍવરેસ્ટ ચડવું નથી કે એન્ટાર્ક્ટિકા પર પગ માંડવો નથી. મારે માત્ર શોધ કરવી છે. કૃત્રિમ વ્યવહારોમાં મેં આખું જીવન આપી દીધું. હવે સહુને પોતપોતાનો સંસાર છે. અને હું ક્યાં છું? હું મારે માટે જો હવે ન હોઉં તો મારે માટે કોણ છે? અને હું ફક્ત મારે જ માટે હોઉં તો આ બધા સાથેના સંબંધોનો સાર શો છે?’ આ બધું આજે જ વિચારવું જોઈએ. હવે વખત નથી રે, વખત નથી. સમયના વેગીલા અશ્વો છૂટી ગયા છે. હમણાં સૂરજ આથમી જશે ને દીવો બુઝાઈ જશે. જે કંઈ કરવું હોય તે કરી લેવાનો સમય હવે આવી ગયો છે. તે બારી પાસે જઈને ઊભી રહી. ભૂરું શાંત આકાશ દૂર સુધી વિસ્તરેલું હતું. આ કંઈક કરી લેવું એટલે શું — તેનો આખો નકશો નજર સામે નહોતો. નિવૃત્તિ એ તો પહેલું પગલું હતું. ઘરમાં કોઈને તેના અર્થની ખબર નહોતી. કોઈએ પૂછ્યું પણ નહિ કે આ નિવૃત્ત થવું એટલે ખરેખર શું? નિવૃત્ત થવું એટલે — પતિ સાથે સખ્યભાવે જીવવાનું કદી બન્યું જ નહિ. હજીયે પસંદગીઓ અને નિર્ણયો વ્યોમેશના હાથમાં હતાં. હજુ વસુધાને પોતાનાં બધાં કામની ગોઠવણી વ્યોમેશને લક્ષમાં રાખીને જ કરવી પડતી. ઘરમાં હવે હર્ષની પત્ની કમલ અને અશેષની પત્ની સુનીલા હતાં, પણ કમલને મોડા ઊઠવાની આદત હતી. સુનીલા નોકરી કરતી હતી એટલે સવારે પોતાના કામમાં રોકાઈ રહે. એટલે સવારનો ક્રમ તો હંમેશાં ચાલતો હતો તે જ હતો. વહેલી સવારે વસુધા દૂધ-કેન્દ્ર ૫૨ દૂધ લેવા જતી. આવીને ચા બનાવતી, દૂધ ગરમ કરતી. વ્યોમેશને આપતી. પછી માટલું ભરતી, દાળચોખા ધોઈને કૂકર તૈયા૨ કરતી. વ્યોમેશને દાઢીનું પાણી આપતી. બાથરૂમમાં તેનાં કપડાં મૂકતી. રસોડામાં આવી શાક સમારતી. ત્યાં સુનીલા ઉતાવળી ઉતાવળી રસોડામાં આવતી અને પછી પોતે બહાર નીકળી જતી. કમલ-સુનીલા તો થોડાંક વર્ષથી આવ્યાં છે. તે પહેલાં આખોય વખત ઘરના કામમાં જતો. વર્ષોનાં વર્ષોથી એક જ ક્રમ ચાલ્યો આવ્યો હતો. વ્યોમેશ સાથે ક્યારેક સગાંઓને ત્યાં જવું, ક્યારેક સિનેમા જોવા જવું…મહેમાનો, બાળકો, તેમનું શિક્ષણ, તેમનાં લગ્ન, બધાંમાં છેવટની પસંદગી વ્યોમેશની રહેતી. વસુધાને ક્યારેક પૂછતો, ઘણુંખરું માની લેતો કે તે પોતાની જેમ જ વિચારે છે. પોતાથી જુદી તેની રુચિ, પસંદગી હોઈ શકે એવો તેને કદી ખ્યાલ જ આવ્યો નહોતો. અને ખ્યાલ આવ્યો હોત તો શું તે વસુધાની મરજી પાસે પોતાની પસંદગી જતી કરત? શાંતિ હતી ઘરમાં. શાંતિ હતી કે સ્થગિતતા હતી? — વસુધાએ પોતાને જ સવાલ પૂછ્યો. પચાસ વર્ષે જીવનનો અર્ધવિરામ આવે. આ ઉંમરે કશું પામવાનું બાકી રહ્યું હોય તેવું કોઈ માને ખરું? પણ પોતાને માટે તો હજી બધું જ બાકી છે. પોતાનું ખરું સુખ શામાં છે, તેની શોધ કરવાની હજી બાકી છે. કુટુંબની સ્વતંત્ર એવી પોતાની હસ્તીની શોધ કરવી…પતિ-સંતાનોથી સ્વતંત્ર કોઈ સભરતા છે કે નહિ તેની શોધ કરવી, એ શું સ્વાર્થ છે? ના આ કેવળ ન્યાયની બાબત છે. અત્યાર સુધી તે બધાં માટે મેં મને ખર્ચી નાખી છે. હવે હું મારી જાતને ન્યાય આપવા ઇચ્છું છું, એ મારો ફક્ત અધિકાર જ નથી, કર્તવ્ય પણ છે. હું કાંઈ ફ૨જ અને જવાબદારીઓમાંથી છટકી જવા નથી માંગતી. પણ હવેથી મારી ફરજ કઈ ને મારું કર્તવ્ય શું એનો નિર્ણય હું કરીશ — વ્યોમેશ નહિ, દીકરાઓ નહિ. ચૈતન્ય વગરની પ્રણાલિકા કે ચહે૨ા વગરનો સમાજ નહિ. ઘર નામનું શક્તિશાળી પ્રાણી નહિ. ‘મને બધાં માટે પ્રેમ છે. મેં સાચા હૃદયથી તમારી કાળજી લીધી છે. પણ હવેથી હું તમને કેન્દ્રમાં રાખીને જીવવા નથી માગતી. હું મારી જાતને શોધવા માગું છું, આપણને ખરેખર જે સાચું લાગતું હોય, તે પ્રમાણે જીવી શકાય તેમ છે કે નહિ, તે શોધવા માગું છું.’ ક્યાંક ઊંડે ભય હતો જ, તેથી જ પોતાના મનને ફરી ફરી ખાતરી આપ્યા કરવી પડી. પોતાનો માર્ગ સાચો હતો? વ્યોમેશને કેવું લાગશે? રાજી તો નહિ જ થાય. નારાજ થશે? પણ કોઈને કેવું લાગશે — એમ વિચારીને કાર્યો ક૨વાની રીતમાંથી નીકળી જવું — તે તો નવા પ્રયાણનું પ્રથમ ચરણ હતું. આનું પરિણામ શું આવશે? પોતે ઠૂંઠાની જેમ સુકાઈ જશે કે વૃક્ષની જેમ ઊગશે અને ઘટાદાર બનશે? પરિણામની ચિંતા કરીને નિર્ણય લઈ શકાય નહિ. જે થશે તે — એની જવાબદારી હું મારા પર લઉં છું. સ્ત્રી એટલે સમર્પણ — એ માપદંડથી સ્ત્રીનું મૂલ્ય આંકવું એ બેહૂદું છે. સમર્પણ પ્રેમનું હોય; પ્રેમ પરસ્પર હોય. સત્તા પાસે સમર્પણ તે શાણપણ હોઈ શકે, તે સત્ત્વશીલતા નથી.

*

તે સાંજે પણ વ્યોમેશ ઑફિસેથી આવ્યો કે હંમેશની જેમ ચા બનાવીને આપી. જરા વાર બેઠી. પછી ઊઠીને ચાલી ગઈ. મન થયું, પોતાનો એક અલગ રૂમ હોત તો પોતે એકલી ત્યાં બેસી શકત. પણ તેનો રૂમ તે વ્યોમેશનો રૂમ પણ હતો. ઘર મોટું હતું. હર્ષને અને અશેષને પોતપોતાના રૂમ હતા. તેમના લગ્ન પછી ઘરમાં થોડા ફેરફાર કરાવ્યા હતા. મોટા રસોડામાં પાર્ટિશન મૂકી ડાઇનિંગ રૂમ જુદો કર્યો હતો. હવે જમવા માટે ટેબલ-ખુરશી હતાં. એક બેઠકખંડ હતો. અગાસીમાં એક નાની રૂમ કરાવી હતી — પૂજા માટે. વ્યોમેશ હમણાંથી રોજ સવારે એક કલાક પૂજા કરે છે. એક સ્ટોર રૂમ હતો. પોતાને માટે માત્ર કશે જગ્યા નહોતી. એકાંત — તે પોતાની પાયાની જરૂરિયાત હતી. પણ આ ચુસ્ત ગોઠવણીથી ભરેલા ઘરમાં પોતાને માટે ખાલી જગ્યા ક્યાં ખોળવી? મનમાં સહેજ અકળામણ થઈ આવી. એકાંત નહોતું, તેથી એકલી પડી ગઈ હોય એમ લાગ્યું. નાહીશ તો સારું લાગશે — તેણે વિચાર્યું અને તે નાહવા ચાલી ગઈ. સાંજ વખતે આમ નાહવા તે પહેલી વાર ગઈ. વ્યોમેશ ઘણી વાર ઑફિસેથી આવીને નહાતો. છોકરાઓ નહાતા. તે કદી સાંજે નહાઈ નહોતી. સાંજે નાહવાનું તો પુરુષો માટે જ હોય — એવું કાંઈક પોતાના મનમાં હશે? સવારે તો હંમેશાં સમયની ભીડ રહેતી. ઉતાવળે નાહી લેવું પડતું. આજે બે બાલદીમાં ગરમ પાણી ભરીને ખૂબ નિરાંતે, ધીરે ધીરે નાહી સ્નાનનો આનંદ માણ્યો. ત્વચા પરથી ભૂતકાળનો સ્પર્શ ધોઈ નાખતી હોય એમ પાણી રેડ્યા જ કર્યું. નાનપણમાં ગાયેલા કોઈક પ્રિય ગીતની પંક્તિઓ હોઠ પર ૨મી રહી. નાહીને શરીરે લૂછતાં ગળામાં કંઈક વાગ્યું. મંગળસૂત્રના હૂકનો એક તાર જરા છૂટો પડી ગયો હતો, એનો છેડો વાગતો હતો. ગળામાંથી મંગળસૂત્ર કાઢી હાથમાં તે જોઈ રહી. લગ્ન કર્યાં ત્યારે તો નહોતી પહેરતી. પછી મહારાષ્ટ્રી સ્ત્રીઓની દેખાદેખીથી ફૈબાએ કરાવડાવ્યું હતું. પહેરવાનું કહ્યું હતું. તેણે પહેર્યું હતું. હંમેશાં પહેરી રાખ્યું હતું. કદી એ વિશે વિચાર નહોતો કર્યો. આજે હાથમાં લઈને જોતાં થયું : આનું મહત્ત્વ કોણે અને ક્યારે અને શા માટે ઊભું કર્યું હશે? એ કાળાં મોતીના કોઈ વેપારીએ સોનીએ સાથે મળીને રચેલું ષડ્‌યંત્ર હશે? કોઈ સ્થાપિત વર્ગનું હિત ચોક્કસ એની સાથે સંકળાયેલું હશે. નહિ તો એનો એટલો પ્રચાર શાથી થાય? સ્ત્રીઓ ખરેખર ભોળી હોય છે. કોઈએ રચેલા ષડ્‌યંત્રનો સહેલાઈથી ભોગ થઈ પડે છે. પુરુષોને તો કાંઈ પડી નથી હોતી, સ્ત્રીઓ જ તેને વળગી રહે છે. નકામી વસ્તુઓમાં ભાવનાઓ આરોપી ભ્રમણાનું જગત ઊભું કરે છે અને રાચે છે… અત્યાર સુધી પોતે પણ એ ભ્રમણાનો ભોગ બનેલી હતી. આજે એ દૂર કરવાનું મન થયું. કાઢી નાખ્યું તો હળવાશ લાગી. નાકમાં સળી હતી, કાઢી. કાનમાં હીરાનાં બૂટિયાં હતાં. તે પણ ધીરે ધીરે કાઢ્યાં. આ બધાં વગરની હું કેવી લાગું છું? અરીસામાં જોયું. શાંત, સુરેખ ચહેરો. પચાસ વર્ષે પણ સીધું સુડોળ શરીર. ત્વચા ઘઉંવર્ણી છે, પણ એમાં એક દ્યુતિ છે. માત્ર બંગડી રહેવા દીધી. મને ગમે છે તેથી પહેરું છું, નહિ ગમે તે દિવસે નહિ પહેરું. નિર્ણય કર્યો ત્યારે ખબર નહોતી કે સાચા થવાની વાત જીવનની એકેએક ક્રિયા સાથે સંકળાયેલી છે. ત્યારે તો એટલું જ હતું કે શોક હૃદયમાં હશે તો શોક પ્રગટ કરીશ. કોઈ બાબત રૂચતી નહિ હોય તો નથી રૂચતી તેમ કહીશ. વહાલ હશે તો વરસીશ. પણ શિષ્ટ આચારને નામે દેખાવ નહિ કરું. મારી સાંજ મારી રીતે ગાળીશ. મારા પર છેલ્લી સત્તા મારી હશે. પણ હવે ખબર પડી કે સાચા થવું એટલે એક-એક વસ્તુને એક-એક ક્રિયા, એક-એક વિચાર અને લાગણીને તપાસવાં; તે ક્યાંથી આવે છે, તેનો ઉદ્ગમ શો છે, તેમાં કેટલી ભ્રાંતિ, કેટલું આરોપણ છે તે નીરખવું. બહુ મોટું કામ હતું. કોઈ ચિંતક કે સાધક આ કરી શકે. પોતે તો એક સાવ સાદી, વિશેષ પ્રતિભા કે વિશેષ શિક્ષણ વગરની સ્ત્રી હતી. માત્ર એક સાંજે આકાશે એક વાત તેને કહી હતી. તેના પ્રત્યે ધ્રુવનિષ્ઠા મનમાં સેવી હતી. મનમાં વિચારો ને પ્રશ્નો ઊઠતા હતા, તેનો ઉત્તર મેળવવાનું મન હતું, ‘હું આ બધું કરી શકીશ?’ પોતાના જેવું વિચારતી બીજી સ્ત્રીઓ પણ ક્યાંક નહિ હોય? એમનો સાથ મળે તો કંઈક બળ મળે. તે સાંજે જમવામાં બધાં સાથે હતાં. તેનાં અલંકારવિહોણા મુખ તરફ જોઈ કમલ ને સુનીલાની આંખોમાં આશ્ચર્ય ડોકાઈ રહ્યું પણ તેઓ કંઈ બોલ્યાં નહિ. વ્યોમેશ-હર્ષ-અશેષનું તો ધ્યાન જ એ તરફ ગયું નહિ. માત્ર નાની સલીનાએ કહ્યું : ‘માની આંખો આજે કેટલી બધી ચમકે છે!’ વસુધાએ હસીને મોં નીચું કરી દીધું. જમ્યા પછી વ્યોમેશ હંમેશની ટેવ મુજબ આરામખુરશીમાં બેસીને ઑફિસનાં કંઈક કાગળિયાં જોવા લાગ્યો. સાધારણતઃ વસુધા ત્યારે પાસે બેસતી, કંઈક વાંચતી. આજે તે ત્યાં બેઠી નહિ. અગાસીમાં ગઈ. બહુ વખતે અગાસીમાં જતાં એકાએક લાગ્યું : માના ખોળામાં પોતે પાછી આવી છે. ઉપર આકાશમાં છૂટાંછવાયાં હળવાં સફેદ વાદળ તરતાં હતાં. હવા મંદ હતી. તેને પોતાની અંદર-બહાર ખૂબ મોકળાશ લાગી, આકાશ જાણે પોતાની અંદર ઊતરી આવ્યું હોય! આખા શરીરમાં એક ગતિ અનુભવી. જાણે પોતે નાની થઈ ગઈ — ચાંદની રાતે ગરબા લેતી તરુણી જેવી. ફરી એક વાર લાગ્યું, આકાશ તેને કંઈક કહે છે, હવા કંઈક કહે છે. બહુ વાર સુધી તે બેસી રહી. હૃદય વિસ્તાર પામતું ગયું. એક શુદ્ધ આનંદનો તેણે અનુભવ કર્યો. શાને માટે જીવવું? — રોજના જીવનની યાંત્રિક ઘટમાળથી થાકતી ત્યારે ઘણી વાર મનમાં પ્રશ્ન થતો. આજ નાહતાં નાહતાં એનો જવાબ મળ્યો. માન્યતાઓ, ભ્રાંતિઓને દૂર કરીને સાચું શું છે તે શોધી કાઢવું અને પછી તે જીવવું — તે જીવનનો હેતુ હોઈ શકે. પહેલા દિવસની પહેલી ક્ષણે જ એક મોતી મળ્યું. …કોઈનાં ધીમાં પગલાં સંભળાયાં. તે તંગ થઈ ગઈ. વ્યોમેશ હશે? તે અંદર આવવા કહેશે? પહેલા દિવસે સંઘર્ષમાં નથી ઊતરવું. પગલાંમાં વજન નહોતું. શાંતિને સાચવી લેતાં હોય એવાં એ મૃદુ હતાં. સલીના હતી. આવીને બારણાં પાસે ઊભી રહી. ચુપચાપ વસુધા ભણી જોઈ રહી. થોડી વાર પછી એવા જ ધીમા પગલે, વસુધાને વિક્ષેપ કર્યા વિના પાછી ચાલી ગઈ. વસુધાએ સુખનો અનુભવ કર્યો. ઘ૨માં કોઈકને એનામાં એને ખાતર રસ હતો ખરો. મોડે સુધી અગાસીમાં બેઠા પછી એ સૂવા ગઈ. વ્યોમેશ હજી જાગતો હતો. તે પથારીમાં સૂતી કે સહેજ નજીક ખસીને બોલ્યો : ‘ક્યાં હતી અત્યાર સુધી?’ વસુધાના શરીરમાંથી કશીક સુગંધ ઊઠતી હતી. ‘અગાસીમાં.’ વસુધાએ શાંત કંઠે કહ્યું અને તેનું હૃદય મૂંગું મૂંગું અનુનય કરી રહ્યું. મને અડતા નહિ. આજે નહિ. નહિ. વ્યોમેશે જરા હાથ લંબાવ્યો. આજથી મેં નક્કી કર્યું છે, મારી ભાવનાઓને છેહ નહિ દેવાનું… હવે મારી ઇચ્છા હશે તો જ. ત્યારે જ… તેણે શરીરને સંકોચી લીધું. વસુધા તરફથી કશો પ્રતિસાદ ન મળતાં વ્યોમેશે આગ્રહ ન રાખ્યો. પડખું ફેરવીને સૂઈ ગયો. નવા જીવનના પ્રથમ દિવસને અને પ્રથમ રાત્રિને અક્ષુણ્ણ રાખવા માટે વસુધાએ ભગવાનનો આભાર માન્યો. આવતી કાલે હવે જે થાય તે.