સાત પગલાં આકાશમાં/૩૩

Revision as of 19:40, 14 April 2025 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| ૩૩ | }} {{Poem2Open}} વસુધાનો તાવ જરા લાંબો ચાલ્યો. પેરાટાઇફૉઈડ હતો. ડૉક્ટરે ખૂબ આરામ કરવાનું કહ્યું. હર્ષ ને અશેષ પાસે આવીને બેસતા. સુનીલા પણ વખત મળ્યે આવીને ખબર પૂછી જતી. બહારથી કાં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૩૩

વસુધાનો તાવ જરા લાંબો ચાલ્યો. પેરાટાઇફૉઈડ હતો. ડૉક્ટરે ખૂબ આરામ કરવાનું કહ્યું. હર્ષ ને અશેષ પાસે આવીને બેસતા. સુનીલા પણ વખત મળ્યે આવીને ખબર પૂછી જતી. બહારથી કાંઈ લાવવાનું હોય તો કામ પરથી આવે ત્યારે લેતી આવતી. કમલે ખૂબ પ્રેમથી ચાકરી કરી. અને સનીલા તો મોટા ભાગનો સમય વસુધા પાસે જ ગાળતી. આવતો નહિ માત્ર વ્યોમેશ. બહારથી અછડતી ખબર પૂછી લેતો. સવારની ચા એકલો પી લેતો. એવી આશા રાખવી તો વ્યર્થ કે તે વસુધાના રૂમમાં બેસી ચા પીએ, વસુધાનું મન પ્રસન્ન કરવા અલક-મલકની વાતો કરે અથવા તે જાતે જ ચા બનાવીને લાવે. કહે : ‘આખી જિંદગી તેં મારી સેવા કરી છે. ભગવાનનો ને તારી માંદગીનોયે પાડ, કે આજે મને ઋણ ચૂકવવાની તક મળી. જો, આ ચા મેં બનાવી છે, મારા હાથે બનાવી છે, હં! તારા જેવી તો નહિ થઈ હોય, પણ જોને, પાસ માર્ક તો મળશે ને?’ અથવા કોઈ વાર જો કહ્યું હોત : ‘માથું દુખે છે? પગ દુખે છે? દબાવી આપું?’ પ્રેમ હોત તો એમ પણ કહી શકાયું હોત : ‘વસુધા, બ્લેસિંગ ઇન ડિસ્ચાઇઝ જેવો શબ્દપ્રયોગ સાંભળ્યો છે? માંદગીને આમ કાંઈ ‘ભલે પધાર્યા’ ન કહીએ પણ તે દિવસે માંદગીને લીધે તું સાદડીમાં બેસવાથી આબાદ બચી ગઈ! તું ઘરમાં હો ને ન બેસે તે તો કેટલું ખરાબ કહેવાય!’ બેસત. જરૂ૨ બેસત. તમે સાદડીનું નક્કી કર્યું ત્યારે તમને મારા વિચારોની જાણ નહોતી, એટલે એમાં હું તમને સાથ આપત. બ્રાહ્મણોને જમાડવાના છે ને હજી? તેમાંય સહકાર આપીશ. તમે મારો સહકાર હશે, એમ માની લઈને બધું નક્કી કર્યું હશે ને? તમારો વિશ્વાસ નહિ તોડું. પણ તમે મારું મન જાણ્યું છે. હવે મને જે પસંદ ન હોય તે કરવાની તમે ફરજ નહિ પાડો એવો વિશ્વાસ હું પણ રાખું ને! પણ વ્યોમેશ તો પાસે આવીને ક્યારેય બેઠો નથી. પોતાની ઑફિસની વાતો કહેવા માટે વસુધાની હાજરી હમેશ ઇચ્છતો વ્યોમેશ આજે વસુધાને ખાતર, તેના મનને બહેલાવવા ખાતર તેની પાસે બેસીને વાતો કરવા તૈયાર નથી! એકાદ-બે વખત વસુધાએ સૂઈ રહેવાનો કંટાળો આવતાં ઘરમાં જરા આંટો માર્યો હતો. વ્યોમેશ ત્યારે ઘરમાં જ હતો, પણ તેણે વસુધાની સામે જોયું નહિ. તેની હાજરીની નોંધ જ લીધી નહિ. આટલો બધો ગુસ્સો? સાદડી વખતે જ માંદી પડી ગઈ એટલે? સુનીલાને રિહર્સલમાં જવા દીધી એટલે? આગલા દિવસે આટલી દલીલ ન કરી હોત, તો સુનીલા રિહર્સલમાં ગઈ કે નહિ, ખાસ ખબર પણ ન પડી હોત. સુનીલા ગઈ એટલે નહિ, વસુધાએ તેને જવા દીધી તેથી તે ગુસ્સે છે. પોતાના વિચારો સ્પષ્ટતાથી વ્યક્ત કર્યા તેથી ગુસ્સે છે. થોડાક સ્વતંત્ર નિર્ણયો કર્યા તેથી ગુસ્સે છે. આટલું કરવાની પણ મને છૂટ નહિ? એ હા પાડે તો છૂટ, ના પાડે તો નહિ. એની ના સર્વોપરી છે. આ ઘરમાં રહેવું હોય તો… મને યોગ્ય લાગે તે રીતે મારે જીવવું છે એમ કહ્યું તેમાં કાંઈ તમારી સામે વિદ્રોહ નહોતો, તમારા માટેના સ્નેહ ને કાળજીનો અંત નહોતો. તમારી ઇચ્છા ને અનુકૂળતાથી હું કાંઈ જુદું માનું ને કરું એને તમારા પ્રત્યેનો વિરોધ માની લેવાની તો જરૂર નહોતી! હવે ચૂપ નહિ રહું — એમ કહ્યું હતું, પણ બોલવું શાને ખાતર? કોઈ સાંભળનાર ન હોય તો બોલવું કોને માટે? એક દિવસ વસુધા સૂતાં સૂતાં કંઈક વાંચતી હતી. તાવ હવે ઊતરી ગયો હતો, પણ નબળાઈ ઘણી હતી. બીજાં બધાં બહાર ગયાં હતાં, તે વખતે કમલ તેની પાસે આવીને બેઠી. બે-ત્રણ વાતો કર્યા પછી કહ્યું : ‘તમને ખબર છે મા, સુનીલા ને અશેષભાઈ…’ તે અટકી. વસુધાએ કશાક આઘાતનો અણસાર પારખ્યો. તે થાકેલી આંખોએ કમલ ભણી જોઈ રહી. ‘એ લોકો જુદાં રહેવા જવાનાં છે…’ વસુધાએ ઊંડો શ્વાસ લઈને કહ્યું : ‘પણ મને તો કહ્યું નથી!’ અને તરત કહ્યું : ‘એ લોકોને એમાં સગવડ લાગતી હોય તો મને વાંધો નથી!’ ‘હુંયે એ જ કહેતી હતી…’ કમલે સરળતાથી કહ્યું : ‘તમે બહુ ઉદાર છો, પણ પપ્પાજીને વાત કરતાં અશેષભાઈ અચકાય છે…’ પપ્પાજી — આખા ઘરની ધરી એ એક હસ્તી ફરતી જ ઘૂમે છે. …અને હવે રવિવારે વળી એક વધુ સંઘર્ષ થશે. ઘેર ઘણા લોકો જમવા આવશે અને સુનીલા નાટકમાં ગઈ હશે. જતાં જતાં મને કહેતી જશે : ‘જાઉં છું.’ વ્યોમેશ માનશે કે મેં રજા આપી તે નારાજ છે, વધુ નારાજ થશે. ‘અશેષને જુદાં રહેવા જવું હોય તો ભલે જાય…’ વસુધાએ ફરી એ જ વાક્ય ધીમેથી ઉચ્ચાર્યું. આ વિશે પણ સંઘર્ષ થશે. માત્ર તેઓ જુદાં થાય છે તે માટે નહિ, પણ પોતે અનુમતિ આપે છે તેથી… વસુધાને ખૂબ થાક લાગ્યો. હું બધા સંબંધોને નવેસ૨થી સુંદર બનાવવા, બન્ને પક્ષે વિશ્વાસ, સંતોષ, આનંદ આપે તેવા બનાવવા ઇચ્છું છું. પણ વ્યોમેશ એ સમજશે નહિ. સમજવાનો પ્રયત્ન પણ નહિ કરે… ઘરમાં આટલાં લોકો… કોઈનો કાંઈ મત, કોઈનો કાંઈ. કોઈની નારાજી, કોઈની આકાંક્ષા… બધું આસપાસમાં ટકરાયા કરે. આ બધાં વચ્ચે મેળ રાખવો એ ફક્ત મારું જ કામ છે? પણ હવે હું એ કરી શકું તેમ નથી. હવે મારી પહેલી ફરજ મારા પ્રત્યે છે. હું આ લોકોના નાના નાના સ્વાર્થને લીધે નીપજતા ઝઘડા પાછળ મારો વખત ખર્ચી શકું તેમ નથી. મારે પોતાને માટે કંઈક કરવું છે… એકાએક નિર્વેદ આવી ગયો. જીવનના અંત સુધી શું આ જ ખેંચતાણ, હૈયા-બળતરા, દ્વેષ અને ભય? લોકો પચાસ વરસની વય પછી વાનપ્રસ્થ આશ્રમનું જીવન સ્વીકારતા તે રિવાજ ઘણો ઉપકારક હોવો જોઈએ.

*

તે દિવસે, ઘણા વખતે જમ્યા પછી વસુધાને સહેજ સારું લાગતું હતું. સવારે કમલ સાથે વાત કર્યા પછી મન ખૂબ થાકથી કળવા માંડ્યું હતું તે ઓછું થઈ ગયું. બારીમાંથી શાંત આકાશ જોતાં કેટલીયે જૂની વાતો યાદ આવવા લાગી. એમાં હીરા જેવી એક ચમકદાર મોહક વાત… વાસંતીએ એ વાત કરેલી. લગ્ન પછીના થોડા મહિનામાં…એક વાર ઘરમાં કાંઈ શાક નહોતું. વાસંતીએ સતીશને લાવી આપવા કહ્યું. સતીશ ત્યારે લખવામાં મગ્ન હતો. તેણે ના પાડી. ‘મને હમણાં વખત નથી.’ વાસંતીએ આગ્રહ કર્યો : ‘થોડાં બટેટાં લાવી આપ ને! દસ-પંદર મિનિટ લાગશે. બીજું કાંઈ નથી જોઈતું.’ સતીશ ગયો. ‘એક વાર કહ્યું તો ખરું કે હું કામમાં છું.’ વાસંતી પછી બોલી નહિ. મોં ફુલાવીને ચાલી ગઈ બાથરૂમમાં. અડધા કલાકે બહાર આવી. સતીશ ત્યારે ઘરમાં ન હતો. રસોડામાં ગઈ, તો ચમત્કાર! એક મોટી થાળીમાં બટેટાં, દૂધી, વટાણા, ફણસી, મેથીની ભાજી, કોથમીર…કેટલુંય શાક પડ્યું હતું! તે દિવસે સતીશને ટિફિન મોકલવાનું હતું. રોટલીના ખાનામાં રોટલી વાળી બાજુમાં જરા જગ્યા કરી, ડાઘ ન પડે એટલે પ્લાસ્ટિકની થેલીમાં એક કવર મૂક્યું. અંદર ફૂલ-ચીતરેલો સુંદર કાગળ. ખૂણામાં ત્રણ શબ્દો : ‘આઈ લવ યૂ.’ સાંજે સતીશ આવ્યો ત્યારે એકબીજા પર ઢળી પડતાં બન્ને એટલું હસેલાં! પોતાના ભૂતકાળના ભંડારમાં આવું નર્યા માધુર્યનું રત્ન એકે જડતું નથી. બધાં કાંઈ સતીશની જેમ જ ન વર્તે. જેટલા લોકો એટલા પ્રકારનો વર્તાવ. પણ પ્રેમ હોય તો, સૂરજની જેમ ગમે તેવા વાદળ પાછળથી પ્રકાશી ઊઠે. તો પછી વ્યોમેશને શું મારે માટે જરાયે પ્રેમ નહિ હોય? શૂળની જેમ વિચાર હૃદયમાં ભોંકાયો. મારા પતિને શું મારે માટે જરાયે પ્રેમ નથી? આંખમાં પાણી ધસી આવ્યાં. એની આરપાર બારી-આકાશ-અજવાળું-ધુમ્મસ એકાકાર થઈ ગયાં. ‘ક્યારનાં શું વિચાર કરો છો, મા?’ એકાએક અવાજ સાંભળતાં ચમકી. સલીનાનો હાસ્યોજ્જ્વલ ચહેરો જોઈ મન દૂર ક્યાંક ચાલ્યું ગયું હતું તે પાછું આવ્યું. ‘ક્યારની બારણામાં ઊભી ઊભી જોતી હતી, પણ તમારી નજર તો બારી ભણી જ મંડાયેલી હતી. શું જોતાં હતાં? આકાશ?’ વસુધા હસી. ‘આવ સલીના, આવ. બેસ અહીં.’ ‘ના. ઊભા રહો, પહેલાં તમારે માટે ચા બનાવી લાવું. રોજ તો માસીને જ લાભ મળે છે. હમણાં પાંચ મિનિટમાં આવું છું હો! પાછાં આકાશમાં ઊડી જતાં નહિ.’ તે લગભગ દોડતી હોય એમ ગઈ. વસુધાનું હૃદય સુખથી છલકાઈ ગયું. એકાએક વિચાર આવ્યો. મારે હવે ઘરેણાંને શું કરવાં છે? દીપંકર તો કોને ખબર ક્યારે પરણે! તો સુનીલા ને કમલને થોડુંક થોડુંક આપી બાકીનું બધું સલીનાને આપી દીધું હોય તો? તેને મા નથી. વ્યોમેશ કાંઈ ના નહિ પાડે. આમ પણ ઘરેણાં તો બધાં મારાં જ છે ને! ધીરે ધીરે ઊઠીને તે વ્યોમેશના રૂમમાં ગઈ. ઘરેણાંની પેટી કાઢી. વ્યોમેશના પલંગ પર જ તકિયા ગોઠવી અઢેલીને બેઠી. આટલું કરતાં પણ થાક લાગ્યો. માથું પાછળ ઢાળી આંખો મીંચી દીધી. મા! ઓ મા પાછાં ક્યાં ઊડી ગયાં?’ બોલતી સલીના ચા લઈને વસુધા પાસે આવી. ઠપકાથી બોલી : ‘થાકી ગયાં ને? ચા પીને અહીં આવ્યાં હોત તો થાક ઓછો લાગત. જુઓ જોઈએ. ફર્સ્ટ ક્લાસ બની છે ને ચા?’ ચા સાચે જ સરસ બની હતી. ‘આખી જિંદગીમાં આટલી ઉત્તમ ચા ક્યારેક જ પીધી હશે. જા, તું પહેલા નંબરે પાસ.’ વસુધાના મોં પર તૃપ્તિના ભાવ હતા. પછી પેટીમાંથી હાર કાઢી સલીનાને આપતાં બોલી : ‘તે દિવસે વાત અધૂરી રહી હતી. લે આ હાર, જો જોઈએ, તને ગમે છે?’ સલીનાએ હાર લીધો નહિ. હસીને બોલી : ‘એક પ્યાલો ચા પિવડાવવાનો આટલો મોટો પુરસ્કાર? આવું કરશો તો તમારો ખજાનો જલદી ખલાસ થઈ જશે.’ પછી સહેજ ગંભીર થઈને બોલી : ‘તમે આપો છો, પણ મને જરૂ૨ નથી. રહેવા દો. હું ક્યાં સોનાનાં ઘરેણાં પહેરું છું?’ તે દિવસે વ્યોમેશે એના હાથમાંથી હાર લઈ લીધો હતો એટલે તે આમ કહેતી હશે માની વસુધાએ કહ્યું : ‘પપ્પાજીને ખબર નહોતી કે હું તને ભેટ આપું છું, એટલે જ એમણે એવું પૂછ્યું હશે. તને ગમતો હોય તો લે ને! મારો જ છે. હું મારી ખુશીથી આપું છું.’ સલીના હસીને બોલી : ‘આ સોનાના ઝગમગાટ કરતાં મોટો તમારા પ્રેમનો ઝગમગાટ શું મને દેખાતો નહિ હોય? એમ ન હોય તો, મારા જેવી આ ઘરની નહિ તેવી છોકરીને, આટલી કીમતી વસ્તુ આપવાની ઇચ્છા શી રીતે કરી શકાય?’ વસુધાનું હૃદય અનેક કોમળ ભાવોથી ઝંકૃત થઈ ઊઠ્યું. હું તો ફક્ત હાર નહિ, બધાં ઘરેણાં તને આપવા માગું છું એમ કહી દેવાનું મન થયું, પણ મનને વાર્યું. વ્યોમેશ સાથે વાત કર્યા પછી આપીશ. આપતાં કેટલો બધો આનંદ થશે? વ્યોમેશે એક વાર કોઈ રાહતફંડમાં પાંચ હજાર રૂપિયાનું દાન કર્યું હતું. તે દિવસે ઘેર આવીને વાત કરતાં એનો ચહેરો ગર્વથી ચમકતો હતો. પછી એકલાં પડતાં વસુધાએ મનમાં કલ્પના કરી જોઈ હતી : આવડી મોટી ૨કમ આપીને માણસ કેવા પ્રકારનો સંતોષ અનુભવતો હશે? ચોક્કસ, એ બહુ ઊંચી અનુભૂતિ હોવી જોઈએ. એ પણ પોતાની પાસે તો કોઈ મિલકત નથી. દાનવીર કર્ણ હતો. દાનવીર શેઠોનાં નામ સામાજિક કથાઓમાં ઘણાં છે. સ્ત્રીઓ પાસે તો ધન જ ન હોય, તે શી રીતે દાનવીર બની શકે? આજે થયું, ઘરેણાં આપતાં જે સંતોષ ને આનંદ થશે, તે વ્યોમેશના તે દિવસના આનંદ ને સંતોષ જેવાં હશે. એક દિવસ ઘરેણાં માટે પોતાને મોહ હતો એ વાત તે સાવ ભૂલી ગઈ. આપવાના આનંદથી જ તેનું હૃદય સભર થઈ રહ્યું. સલીના એના મોં સામે નીરખીને જોઈ રહી હતી : ‘મા, તમે વારે વારે વિચારમાં પડી જાઓ છો, નહીં?’ આ છોકરી ખૂબ…ખૂબ શું? હં, ખૂબ હૃદયવાળી છે. હેતપૂર્વક તેને કહ્યું : ‘તું આ કુટુંબની નથી, એમ કોણે કહ્યું? સગપણના સંબંધો જેટલા જ સ્નેહના સંબંધોયે સાચા હોય છે સ્તો!’ પછી સલીનાની ચિબુક પકડી બોલી : ‘હાર રાખજે સલીના, હમણાં ભલે ન પહેરે! લગ્ન વખતે પહેરીશ ને! એટલે કે ૫હે૨વો જ જોઈએ એમ હું નથી કહેતી, પણ તને ગમે તો તું પહેરી શકે…’ એક પળ હાસ્યની ચાંદની પર ઉદાસીની વાદળી ફરી વળી. પણ એ તો ક્ષણવાર જ. તરત જ એને હટાવીને બોલી : ‘તમે પણ ખરાં છો, મા! હું લગ્ન કરીશ જ એવું તમને કઈ કોયલ કહી ગઈ? હું તો કરું પણ ખરી ને ન પણ કરું.’ સલીના સાથે વાતો કરતાં બહુ પોતાપણું લાગતું હતું. તકિયા પર આડા પડી આંખોમાં આનંદ ને સ્નેહ ભરીને પૂછ્યું : ‘ઠીક સલીના, ધારો કે તું લગ્ન કરે, તો કેવા માણસ સાથે કરે? તને કેવો વર ગમે?’ સલીનાના મોં પર લજ્જાના ભાવ આવ્યા નહીં. સહજ સૂરે બોલી : ‘પ્રામાણિક, સૌથી પહેલાં તે પ્રામાણિક હોવો જોઈએ. માને કંઈ ને કરે કંઈક, લાભ ખાતર, લોભ ખાતર, ભય કે રિવાજ ખાતર, વિચારે કંઈક ને બોલે કંઈક એવો નહીં; નખશિખ પ્રામાણિક.’ વસુધાએ પોતાની અંદર ક્યાંક દર્દ અનુભવ્યું. ‘પછી?’ ‘ગંભીર બાબતો પૂરતો ગંભીર પણ બાકીની બાબતોમાં ખૂબ હસે-હસાવે તેવો, નવું નવું શોધી કાઢીને મને વારંવાર આશ્ચર્યોમાં ડુબાડી દે તેવો.’ આ સાંભળતાં વળી વાસંતીની વાત યાદ આવી ગઈ હતી. ખૂબ સ્પષ્ટતાથી સલીનાએ વાત કરી છે. તેણે આ વિશે વિચાર કર્યો હશે — વસુધાને થયું. કેવો માણસ પતિ તરીકે ગમે — એ પ્રશ્ન તે કોઈ કોઈ વાર સંબંધીઓની દીકરીઓને પૂછતી — અત્યારની કન્યાઓનું માનસ સમજવા માટે. મોટા ભાગની છોકરીઓએ કહેલું : ‘અમારા કરતાં થોડુંક ઓછું ભણેલો હશે તો ચાલશે, પણ સારું કમાતો હોવો જોઈએ.’ પન્નાએ કહેલું : ‘મારા કરતાં થોડોક ઊંચો હોવો જોઈએ.’ રન્નાએ કહેલું : ‘મારે અમેરિકા જવું છે, ત્યાંનો કોઈ છોકરો હોય તો કહેજો.’ માણસના ગુણોમાં બસ આટલું જ! જોકે આટલુંયે હવે કહે તો છે! વસુધાને યાદ આવ્યું : પોતે એ ઉંમરની હતી, એ જમાનામાં તો લગ્નની વાત નીકળતાં છોકરીઓ શરમાઈ જતી. મારે પરણવું જ નથી, એમ કહી દેતી. નહીં તો માબાપને કહેતી : ‘તમને ઠીક લાગે તેમ કરો, તમે મારું હિત જ જોવાનાં છો ને!’ સલીનાના મોં પર લજ્જા નથી, બુદ્ધિની એક દીપ્તિ છે. તેની વાણીમાં ગર્વ નથી, અસ્મિતાનો એક સહજ રણકાર છે. પોતાના ને તેના સૂર સંવાદી છે. અને ધારો કે મા, હું લગ્ન કરું તો એવી રીતે તો ન જ કરું કે લોકો મને જોવા આવે. બે-પાંચ પ્રશ્નો પૂછે, ભણતર-દેખાવ, જ્ઞાતિ એવા બધા આધારે પસંદગી કરે. મને તો એ આખી પદ્ધતિ એટલી ખોટી લાગે છે! મોટા ભાગના લોકોને રૂપ જોઈતું હોય છે. પણ શરીરની સુંદરતા તો મર્યાદિત વસ્તુની મર્યાદિત સુંદરતા છે, નહીં મા?’ તે વસુધા ભણી ઉત્સુકતાથી તાકી રહી. ‘અને ખરું જુઓ તો, દરેકમાં કંઈ ને કંઈ સુંદરતા તો હોય જ છે — કોઈકમાં પ્રગટ, કોઈકમાં અપ્રગટ. પણ પ્રેમ એ અપ્રગટ સુંદરતાને જોઈ શકે છે. હું પરણું તો એવા માણસને પરણું, જે ખૂબ પ્રેમ કરી શકતો હોય, ઢંકાયેલી સુંદરતાને જોઈ શકતો હોય.’ વસુધાનું હૃદય એક અનામ વેદનાથી અમળાવા લાગ્યું. ‘મેં બહુ બોલી નાંખ્યું, નહીં મા? અને તમે કેટલી શાંતિથી મારી વાત સાંભળી! નહીં તો લોકોને પોતાની વાત કહેવામાં જ રસ હોય છે. ધ્યાન દઈને બીજાની વાત સાંભળનાર લોકો મેં બહુ ઓછાં જોયાં છે.’ ‘ખરી વાત છે.’ વસુધાએ ઓછો નિઃશ્વાસ નાખ્યો. ‘આપણે કોઈને ધ્યાનથી જોતાં નથી, કોઈને પૂરું મન દઈ સાંભળતાં નથી, એટલે તો બે માણસો સાવ નજીક હોવા છતાં એકબીજાથી માઈલો દૂર હોય છે.’ ‘પણ તમે તો મારી વાત સાંભળો છો, મા! તમે શું પહેલેથી જ આવાં છો?’ ‘આવી એટલે કેવી?’ ‘તમને બીજા માણસનું મહત્ત્વ છે. બીજાનું દુઃખ જોઈને તમને લાગી આવે છે. મારાં માસીને તો બીજાનું દુઃખ દેખાતું જ નથી. તે એટલાં બધાં સુખી છે કે બહાર વિશાળ જીવનમાં દુઃખનું બહુ મોટું અસ્તિત્વ છે એની તેમને ખબર જ નથી. આટલું બધું સુખ સારું નહીં, ખરું ને મા?’ ઓહ, આ છોકરીમાં આટલી બધી સંવેદનશીલતા છે? એની અંદરનું જગત ઘણું સમૃદ્ધ હશે. એની કૉલેજમાં તે જાણીતી હશે. કદાચ કૉલેજના વિદ્યાર્થી-યુનિયનની નેતા હશે. ‘સલીના!’ વસુધાના અવાજમાં ગાઢ આત્મીયતા હતી. ‘શું મા?’ ‘તને કાંઈ દુઃખ છે, બેટા?’ સલીનાએ મોં ફેરવી લીધું. કશો જવાબ આપ્યો નહીં. મને કહીશ નહીં?’ ‘આજે નહીં. કોઈક વાર કહીશ.’ તે ઊભી થઈ. ‘હવે જાઉં? આજે તો તમારી સાથે કેટલી વાતો કરી! આટલી વાતો તો માસી સાથેય કોઈ દિવસ કરી નથી.’ સલીના ગઈ. તેની સાથે થયેલી વાતોના આનંદના રેશમી ઢગલામાં મોં ખૂંપાવી વસુધા ક્યાંય સુધી સૂતી રહી. અશેષ-સુનીલાના જુદાં રહેવા જવાની વાતથી હૃદય ક્ષુબ્ધ થયું નહીં. એમને એમ ગમતું હોય તો ભલે એમ કરે. વ્યોમેશ એ સાંભળીને રાજી નહીં થાય, પણ હું સમજાવીશ. બન્ને દીકરાઓ બાપ સાથે બહુ છૂટથી બોલતા નહોતા. એમનો સ્વભાવ જ એવો છે. મારી સાથે ભલે નહીં, પણ દીકરાઓ સાથે તો મિત્રની જેમ વર્તી શકાય ને! તે સાંજે હર્ષ આવ્યો ત્યારે તેની સાથે અલગપણે વાત કરી — સલીના અહીં રહીને ભણે તે વિશે. હર્ષને ગમ્યું. તેને એ ઉદાસ આંખોવાળી, મા વિનાની છોકરી માટે સ્નેહ હતો. બાપને ‘ડિસ-ઓન’ કરેલો — એ હિંમત ને મૌલિકતા માટે માન હતું. ખુશ થઈને બોલ્યો : ‘કમલની ને મારી એવી જ ઇચ્છા હતી. તમે પણ એમ જ ઇચ્છો છો, એટલે —’ પપ્પાજી ના પાડે તોય સમજાવી લેવાશે — એવું કંઈક તેને બોલવું હતું પણ તે અચકાયો. વસુધા સમજી. ‘પપ્પાજીને ના પાડવાને કાંઈ કારણ નથી, છતાં તે હા-ના કરશે તો હું સમજાવી લઈશ.’ આજે બધું બહુ સરસ બન્યું હતું. સલીનાની વાતો અને કમલની સરળતા, હર્ષની સલીના માટેની લાગણી, બધાં ઘરેણાં ભેટ આપી દેતાં પોતાને કેવો અનુભવ થશે, તેની કલ્પના — બધાંથી વસુધાનું હૃદય જરા ઉત્તેજિત હતું. અશેષ તેની તબિયતના ખબર પૂછવા આવ્યો. સુનીલા પણ સાથે હતી. ‘સુનીલા, નાટકની પ્રૅક્ટિસ સારી ચાલે છે?’ ‘સરલ લાગે છે, મા! કાલે એની રજૂઆત છે! તેણે કહ્યું. ‘પણ કાલે જમણ છે ને મા! હું જઈશ તો કોઈ નારાજ તો નહીં થાય?’ ‘કોઈ રાજી થાય કે નારાજ, નાટકનો કાલે શો છે, એટલે જવું તો પડવાનું જ છે ને! પછી ચિંતા શું કરવા કરે છે?’ વસુધાએ સ્નિગ્ધતાથી કહ્યું. એના એ કંઠસ્વરથી આશ્વસ્ત થઈને અશેષ નિખાલસપણે બોલ્યો : ‘પણ મા, સુનીલાના તો અવારનવાર આમ કાર્યક્રમ થવાના. દરેક વખતે કોઈને નારાજ કરવા તેના કરતાં…’ તે જરા અટક્યો. ‘તે કરતાં, મા, હું કહું છું…અમે જુદાં રહેવા જઈએ તો તને કેમ લાગે છે?’ વસુધા હસી. તેણે અશેષના હાથ પર હાથ મૂક્યો. એ નરમ, ફિક્કો પડી ગયેલો, તાવની જરાતરા અસરવાળો હાથ પંપાળીને અશેષ ઉતાવળે બોલ્યો : જુદાં રહેવાથી જુદાં થઈ જઈએ છીએ તેવું તો નથી, મા! ઊલટાનું તનેય જ૨ા ચેઇન્જ મળશે. વચ્ચે વચ્ચે પછી ત્યાં પણ તું રહેવા આવજે.’ સુનીલા શંકા ને ઉત્સુકતાથી વસુધા ભણી જોઈ રહી. ‘તમે જુદાં રહેવા જાઓ તેનો મને સહેજ પણ વાંધો નથી, અશેષ!’ વસુધાના અવાજમાં શાંતિ હતી. ‘આજે જમતી વખતે વાત કરજે.’ ‘પણ પપ્પાજી…’ સુનીલાએ વાક્ય અડધું મૂક્યું. ‘એમને હું સમજાવી લઈશ.’ આજે કેટલામી વાર વસુધાએ આ વાક્ય ઉચ્ચાર્યું?

*

અશેષે વિચાર કરેલો કે જમવાના ટેબલ પર પપ્પાને ધીમેથી વાત કરીશ. હર્ષને પણ સાથે જ વાત થઈ જશે. બે ભાઈઓને બહુ ગાઢ સંબંધ નહોતો, તો ખાસ અમેળ પણ નહોતો. પણ ૨સોઈ વ્યોમેશને ભાવે તેવી નહોતી કે પછી ઑફિસમાં તેને કાંઈ થયું હશે તેથી, જમતી વખતે તે દેખીતી રીતે જ ગુસ્સામાં હતો. અશેષે ત્યારે વાત કરવાનું ઉચિત ન માન્યું. જોકે કાલે જમવા માટે લોકો આવવાના હતા, સુનીલા જશે તો પપ્પા ગુસ્સે થશે — બધી ખબર હતી. પણ ગુસ્સાનો પ્રસંગ આવવાનો હોય તો ભલે કાલે આવે, આજે કહીને આજ ને કાલ બન્ને શા માટે બગાડવાં? વસુધાને ખબર નહોતી કે અશેષે વાત નથી કરી. જમવાના ટેબલ પર તે ગઈ નહોતી. જમ્યા પછી બધાં પોતપોતાના રૂમમાં ગયાં ત્યારે ધીમે ચાલીને તે વ્યોમેશની રૂમમાં ગઈ. ‘ઓહો, આજે અહીં પગલાં કર્યાં કાંઈ?’ આખા દિવસના આનંદનું પંખી પહેલી જ ઊંડાણમાં પથરા વડે ઘાયલ થઈ પડ્યું. પણ હવે આવી છું તો વાત કરવી પડશે — વસુધાએ વિચાર્યું. પલંગ પર બેસતાં બોલી : ‘થોડીક વાત કરવી હતી.’ વ્યોમેશ કશું બોલ્યા વિના તેની સામે જોઈ રહ્યો. એ આંખોમાં માયા નહોતી, સ્નેહની છાયા નહોતી. ઘણું કહેવાનું હતું. સલીનાના અહીં રહેવા વિશે, તેને ઘરેણાં આપવા વિશે, સુનીલાના નાટક વિશે, તેમના જુદા રહેવા વિશે. પહેલી વાત માટે ગુસ્સો ક૨શે તો પછી તેની જ્વાળામાં બાકીની વાતોયે ભસ્મીભૂત થઈ જશે. એની સામે ટકવાની પોતામાં શક્તિ છે? …ધીમેથી બોલી : ‘કાલે બધા જમવા આવવાના છે?’ ‘એમાં તને કાંઈ તકલીફ નહીં પડે. મેં મહારાજને આવવાનું કહી દીધું છે.’ ‘સુનીલાને તો —’ ‘નાટકમાં જવાનું છે એમ ને? ભલે જાય. જેને જવું હોય તે જાય. તારે જવું હોય તો તું પણ જજે.’ વસુધા શક્તિ એકઠી કરીને બોલી : ‘તમે નાહકના ગુસ્સે થાઓ છો. મેં એટલું બધું એવું શું કર્યું છે? જરા શાંતિ રાખીને વાત સાંભળો તો—’ ‘મારે કોઈની વાત સાંભળવી નથી.’ વ્યોમેશ ગરજી ઊઠ્યો. અચાનક કબાટ તરફ તેની નજર ગઈ. ‘કબાટ ખુલ્લો કેમ છે? તેં ઉઘાડ્યો હતો?’ બધી દૃઢતા, નિર્ભયતા, સંકલ્પશક્તિને એકત્રિત કરીને વસુધા ઝટઝટ બોલવા લાગી : ‘હા, બંધ કરવાનું ભૂલી ગઈ. ઘરેણાંની પેટી જોઈતી હતી. મને મન થયું : કમલને-સુનીલાને કંઈક આપવું. બીજાં ઘરેણાં સલીનાને આપવાં છે.’ વ્યોમેશ સાપનો ડંખ લાગ્યો હોય એમ ઊછળી પડ્યો. ‘ઘરેણાં આપી દેવાં છે? તારું મગજ તો ઠેકાણે છે ને?’ વસુધાએ ઉત્તેજિત થયા વિના કહ્યું : ‘ઘરનાં લોકોને તો આપું છું.’ ‘કોને પૂછીને?’ આછું હસવાનો પ્રયત્ન કરીને બોલી : ‘ઘરેણા તો મારાં છે ને! ઘરની વહુઓને આપી ન શકું?’ સહસા અંદરથી શક્તિનો એક સ્ફુલ્લિંગ ઊઠ્યો. બધી વાતો મારે શું તમને પૂછીને જ કરવી પડે?’ સટાક — એક જોરદાર તમાચો વસુધાના ગાલ પર પડ્યો. માંદી વસુધા પગથી માથા સુધી હલબલી ગઈ. ‘હદથી બહાર જવું સારું નથી, વસુધા! ઘરેણાં તારાં ક્યાંથી આવ્યાં? મેં તને એ આપ્યાં છે. મેં કમાઈને ખરીદ્યાં છે. નાનપણથી મહેનત કરીને, પરસેવો પાડીને હું કમાયો છું. આ ઘરની એકેએક વસ્તુ મારી કમાઈની છે.’ ફાટેલા અવાજે વસુધા બોલી : ‘અને શું આટલાં વર્ષ મેં કાંઈ કામ નથી કર્યું? મહેનત નથી કરી?’ ‘તો આટલાં વર્ષ તેં ખાધું નથી? પહેર્યું-ઓઢ્યું નથી? એમાં ખર્ચ નથી થયો?’ માથા પરથી છત તૂટી પડી હોત તોયે વસુધાને આટલો આઘાત ન લાગત. પથ્થરની જેમ જડ થઈને વ્યોમેશને તાકી તે ઊભી રહી. પછી ઘણી વારે નજ૨ નીચી કરી પોતાના રૂમમાં ચાલી ગઈ.