સાત પગલાં આકાશમાં/૩૯

From Ekatra Foundation
Revision as of 19:52, 14 April 2025 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| ૩૯ | }} {{Poem2Open}} સંયુક્ત મોરચાની તત્કાળ પૂરતી માગણી નાની હતી, પણ સાદી નહોતી. તેમણે મિનિસ્ટ૨ને વિનંતી કરી હતી હતી કે ગુનેગારને સરઘસ સામે કોઈ ઊંચી પીઠિકા પર ઊભો કરવામાં આવે, જેથી આ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૩૯

સંયુક્ત મોરચાની તત્કાળ પૂરતી માગણી નાની હતી, પણ સાદી નહોતી. તેમણે મિનિસ્ટ૨ને વિનંતી કરી હતી હતી કે ગુનેગારને સરઘસ સામે કોઈ ઊંચી પીઠિકા પર ઊભો કરવામાં આવે, જેથી આખો સમૂહ તેને જોઈ શકે. વસુધાની ઇચ્છા તો એમ હતી કે તે જાહે૨માં રત્નાને પગે પડી માફી માગે. મિત્રાનું સૂચન એમ હતું કે બધાંની સામે તેના મોં પર એક પ્રતીકાત્મક ધોલ મારવામાં આવે, જે ધોલ, સ્ત્રીને પોતાની વાસનાતૃપ્તિનું રમકડું સમજતા બધા પુરુષોના ગાલ ૫૨ વાગે. પ્રધાનપુત્રે કરેલા ગુનાના પ્રમાણમાં, અને અદાલત તેને જે દંડ કરે તેના પ્રમાણમાં આ સજા સાવ અલ્પ હતી, પણ તેની નામોશી ઘણી મોટી હતી. અને એ જ તો મોરચાનો એક ઉદ્દેશ હતો, કે સ્ત્રીઓ સામે ગુનો કરનારાઓને તો કાયદો સજા કરે ત્યારે કરે, પણ એની સામાજિક પ્રતિષ્ઠા આમ જાહેર રીતે પાછી ખેંચી લેવાવી જોઈએ. પણ આવેદનપત્રમાં તો ફક્ત તેને સમૂહ સામે હાજ૨ ક૨વાની જ માગણી હતી. ચુપચાપ ચાલતું, જોનારાના દિલમાં ભય અને પ્રભાવ જન્માવતું, ક્રાન્તિના અદૃશ્ય પડઘમ વગાડતું હોય એવું સરઘસ છેવટે મિનિસ્ટરના મકાન પાસે આવી પહોંચ્યું. સરઘસની બેઉ બાજુ પોલીસના માણસો ચાલતા હતા. વાહનવ્યવહાર સઘળો અટકી ગયો હતો. આજુબાજુનાં મકાનોની બારીઓ અને ઝરૂખામાં લોકો મોરચાને જોવા ઊભા હતા. મિનિસ્ટરના નિવાસ્થાન પાસે પોલીસની એક ટુકડી ગોઠવાઈ હતી. એ મકાનનાં બારીબારણાં સખ્ત ભીડેલાં હતાં. અંદર કોઈ છે કે નહીં, એ કળાતું નહોતું. આનંદગ્રામના પુરુષ-સભ્યો છેક પહેલેથી, સરઘસની જોડાજોડ ચાલ્યા હતા. સ્વરૂપ માટે આ બધું તેના સ્વભાવ અને પ્રકૃતિથી ઘણું દૂરનું હતું. પણ અત્યારે બધાના સહચારી થવાનો તેને પોતાનો ધર્મ લાગ્યો હતો. તેના ને આદિત્યના મોં પર ચિંતાની વાદળી ઘેરાઈ આવી હતી. સંઘર્ષની ક્ષણ સાવ નજીક આવીને ઊભી રહી. આ ભીડની પાર તેમને વસુધા, મિત્રા, સલીના કે બીજાં કોઈ જ દેખાતાં નહોતાં. દેખાતાં હતાં માત્ર રણશિંગાની જેમ ઊંચકાયેલા પ્લેકાર્ડ, કાળાં મોજાંની લયબદ્ધ ગતિ અને ખાખી કઠોર દીવાર. સરઘસ સાવ નજીક પહોંચ્યું. પોલીસના માણસોમાં સળવળાટ થયો. એક અધિકારીએ શરીરને ટટ્ટાર કરી એક પગ આગળ મૂક્યો. સરઘસ થંભી ગયું. સલીના-રત્ના-કાવેરીએ એક ક્ષણ પોલીસ અધિકારી સામે જોયું. પછી પાછળ નજ૨ ફે૨વી વિરાટ સમુદાય ભણી જોયું. બધાંનો શ્વાસ અધ્ધર થઈ ગયો. આખા સમૂહે થોડાં ડગલાં આગળ ભર્યાં. વસુધાએ મિત્રાના મોં પર નજ૨ નાખી. એને એ ચહેરો તેજથી ઝળહળતો લાગ્યો. સહસા યાદ આવી ગયું. એક વાર સુમિત્રાએ કહ્યું હતું : આપણે ત્યાં મળીશું જ્યાં મશાલનો પ્રકાશ પથરાયો હશે…તો આ જ એ મિલનભૂમિ હતી? તે મિત્રાની સહેજ નજીક સરી. મિત્રા આગળ વધી. અધિકારીએ ઇશારો કર્યો. બે પોલીસે લાઠી આડી ધરી. ‘અહીંથી આગળ વધવાની મનાઈ છે.’ મિત્રાએ ગંભીર અવાજે કહ્યું : ‘અમારે મિનિસ્ટરને આવેદનપત્ર આપવું છે.’ અધિકારીએ હાથ લાંબો કર્યો : ‘મને આપી દો, હું પહોંચાડી દઈશ.’ સલીના આગળ આવી. ‘અમારે એમને મળવું છે.’ ‘અને અત્યારે જ મળવું છે.’ કાવેરીએ કહ્યું. અધિકારીના મોં પર સખ્તાઈ તરી આવી. ‘મિનિસ્ટર ઘરમાં નથી.’ એકાએક મકાનના ઉપલા માળની એક બારી ખૂલી અને તેમાંથી એક ડોકું બહાર આવ્યું. પણ સામે મોરચાનું કરાળ રૂપ જોઈ, હેબતાઈને પાછું ખેંચાઈ ગયું. ફટાક કરતી બારી બંધ થઈ ગઈ. રત્નાનું ધ્યાન ગયું ને તે મોટેથી બૂમ પાડી ઊઠી : ‘એ રહ્યો, એ અંદર છે…પેલો નાલાયક નપાવટ ગુંડો!’ રત્નાની બૂમ સાંભળતાં નજીકની સ્ત્રીઓએ કિકિયારી કરી અને પછી અચાનક જ બધામાં કશુંક જોશ ઊભરાયું. આગળથી એવું કાંઈ નક્કી નહોતું કર્યું, પણ અનાયાસ જ આપમેળે તેમણે એકીસાથે મોટા અવાજે બોલવા માંડ્યું : ‘ગુનેગારને હાજ૨ કરો, અમને તેનું મોં જોવા દો.’ એકસાથે સેંકડો કંઠના હીંચકા પર તાલબદ્ધ ઝૂલતા આ પોકારથી અત્યાર સુધી મૌન ચાલ્યા આવેલા મોરચાની શાંતિ ભેદાઈ ગઈ અને ચારે બાજુ અસ્વસ્થતા અને કોલાહલ ફેલાયાં. મકાનની જમણી બાજુએ પાછળના ભાગમાં ગૅરેજ હતું. રત્નાએ એમાંથી મોટરકાર બહાર નીકળતી જોઈ, અને તે તરફ ધસી. ‘પેલો ભાગી જાય છે. અટકાવો એને, અટકાવો.’ તેનામાં ગાંડપણ ને ઝનૂન ઊભરાયાં. પોલીસની વચ્ચેથી તે મકાનના દરવાજા તરફ જવા મથી. ગાડીમાં મિનિસ્ટ૨ ને તેનો પુત્ર બન્ને બેઠેલા અલપઝલપ દેખાયા. ડ્રાઇવર પાછળનું ફાટક ખોલવા ગાડીમાંથી નીચે ઊતર્યો. પકડો, પકડો એને. અમારી સામે એને અહીં હાજ૨ કરો. એનું કાળું મોં અમને બધાંને જોવા દો.’ એક સ્ત્રીએ આવેશમાં આવી, બધું જોર વાપરીને બૂમ પાડી અને બે હાથ ઊંચા કરી તે આગળ દોડી. પાછળ રત્ના દોડી. પોલીસે રત્નાને જોરથી ધકેલી. તે ગડથોલિયું ખાઈ ગઈ, પણ પાછી ઊભી થઈને આગળ વધી. ‘પેલા લૂંટારાની તમે રક્ષા કરો છો અને મને ધક્કો મારો છો!’ તેના હૃદયમાં જ્વાળા ભડકી. તેના આગળ વધવા સાથે મોરચાની અગ્ર હરોળની બધી સ્ત્રીઓ આગળ વધી. દરિયાનું એક પ્રચંડ મોજું ઊંચું થઈને કિનારા પર અફળાવાની રાહ જોઈ રહ્યું. કાવેરી, સલીના, મિત્રા, વસુધાએ પણ જોર કરી, પોલીસની હરોળ ભેદીને મકાનના દરવાજા તરફ જવા મરણિયો પ્રયત્ન કર્યો. પોલીસે પહેલાં હાથ વડે બળપૂર્વક ધક્કા મારી-મારી બધાંને પાછાં હડસેલવા માંડ્યાં. અને પછી એકાએક જ, કશું કહ્યાકારવ્યા વિના, વિખરાઈ જવાની ચેતવણી આપ્યા વિના લાઠીમાર શરૂ કર્યો. ફડાફડ લાઠીઓ વીંઝાઈ અને સ્ત્રીઓનાં માથાં ૫૨, હાથ પર, પગ પર, જ્યાં ફાવે ત્યાં પડવા લાગી. સ્ત્રીઓ સ્તબ્ધ થઈ ગઈ, તેમના ગળામાંથી ચીસો નીકળવા લાગી. મિત્રા વગેરેને હતું કે બહુ તો પોલીસ પકડી લેશે. લાઠીમારની કલ્પના તેમણે કરી નહોતી. તેમણે પોલીસોના હાથ પકડી પકડી તેમને અટકાવવાની કોશિશ કરી, પણ તેમના શરીર પર જોરથી દંડા પડ્યા ને તેઓ ફેંકાઈ ગયાં. પોલીસનું બળ વધ્યું. તેમણે નિષ્ઠુરતાથી લાઠીઓ ફટકારવા માંડી. સ્ત્રીઓમાં ચીસાચીસ, ભાગંભાગ, ધક્કામુક્કી થઈ પડી. દોડવાનો પ્રયત્ન કરતાં તે એકમેક સાથે અથડાઈ, ભોંય પર પછડાઈ. ચારે બાજુ બુમરાણ ને દોડાદોડી મચી ગઈ. મિત્રા ઊભી થઈને પોલીસ અધિકારીને લાઠીમાર રોકવાનું કહેવા આગળ આવી કે તેના માથા પર જોરદાર ફટકો પડ્યો. લોહીની ધારા વછૂટી અને તે તમ્મર ખાઈને રસ્તા પર ફંગોળાઈ. બધાંએ મળી તે દિશામાં દોડવા માંડ્યું. ખૂબ ધાંધલ મચી ગઈ. સ્વરૂપ-આદિત્ય વગેરેએ, લાઠીમાર થઈ રહ્યો છે એ સમજાતાં ભીડને ચીરીને અગ્ર હરોળ પાસે પહોંચવા જીવ-સટોસટના પ્રયત્નો કર્યા. આદિત્ય આગળ નીકળી શક્યો, પણ સ્વરૂપના ખભા ૫૨ મોટી લાઠી પડી. ઘણી વારે ધમાલ શમી. બૂમો પાડતી સ્ત્રીઓ છેવટે વિખરાઈ ગઈ. જેટલો કોલાહલ હતો એટલો જ સૂનકાર પથરાઈ ગયો. માત્ર રસ્તા પર પડેલી સ્ત્રીઓનાં કંઠમાંથી નીકળતા પીડાના સ્વર સૂનકારમાં નકશી આંકી રહ્યા. વિનોદ, ગગનેન્દ્ર — બધા પહોંચ્યા ત્યારે મિત્રા અને વસુધાને તેમણે બેભાન પડેલાં જોયાં. મિત્રાના માથામાંથી અને વસુધાના મોંમાંથી લોહી વહેતું હતું, કાવેરી, સલીના, એના, અલોપા બધાંને સખ્ત વાગ્યું હતું. કોના શરીરમાં ક્યાં અને શી ભાંગતોડ થઈ તેની ખબર નહોતી પડતી. બધાં વેદનાથી કણસતાં હતાં. માત્ર રત્નાને પ્રમાણમાં ઓછું વાગ્યું હતું. બીજી પણ ઘણી સ્ત્રીઓ વિવિધ રીતે ઘવાઈને રસ્તા પર પડી હતી. ભોંય પર લોહીનો છંટકાવ થયો હતો. સામાજિક સંસ્થાઓના કાર્યકરો ઝડપથી આવી પહોંચ્યા. બીજા સહૃદય અને જાગ્રત નાગરિકો, મોરચામાં ભાગ લેનાર અને ઘાયલ થનાર સ્ત્રીઓના સ્વજનો આવ્યા. બધી સ્ત્રીઓને હૉસ્પિટલમાં પહોંચાડવામાં આવી. સા૨વા૨ની વ્યવસ્થા થઈ. જે સ્ત્રીઓને સાધારણ વાગ્યું હતું તેમને પાટાપિંડી કરીને જવા દેવામાં આવી. કેટલાકને ઘણું વધારે વાગ્યું હતું. હૉસ્પિટલમાં ડૉક્ટરો અને નર્સોની દોડધામ ચાલી. બહાર આખી સાંજ ને મોડી રાત સુધી સ્ત્રીઓનાં ટોળાં જામેલાં રહ્યાં. જરૂ૨ પડ્યે પોતાનું લોહી આપવા બધાં તત્પર હતાં. તેઓ સમાચારની રાહમાં ઊભાં હતાં, અને વચ્ચે વચ્ચે સૂત્રો પોકારી લેતાં હતાં. આજુબાજુનાં મકાનોમાં રહેતી સ્ત્રીઓએ તેમને પાણી અને નાસ્તો પૂરાં પાડ્યાં. સરઘસ પૂરું થઈ ગયું હતું. પણ મોરચો જુદા રૂપે ચાલુ હોય એવું વાતાવરણ બહાર હતું, અને એવો જુસ્સો સહુના મનમાં હતો. હૉસ્પિટલની મહિલા-ડૉક્ટરોએ અંગત રીતે વિશેષ રસ લઈને, ઘવાયેલી સ્ત્રીઓનાં સગાં-સંબંધીઓ સાથે વાત કરી, છેલ્લામાં છેલ્લી માહિતી આપી. બહાર ઊભેલા સમૂહને પણ થોડી થોડી વારે સમાચાર આપવાની વ્યવસ્થા હૉસ્પિટલના સ્ટાફની સ્ત્રીઓએ કરી. રાતે દસ વાગ્યે સલીના ભાનમાં આવી. તે હવે જોખમમાંથી મુક્ત છે તેવા સમાચાર જાહેર થતાં, ટોળાંએ તાળીઓ અને આનંદના પોકારોથી વાતાવરણ ભરી દીધું. વસુધાએ ભાનમાં આવતાં સૌ પહેલાં રત્નાના સમાચાર પૂછ્યા, અને રત્ના સલામત છે જાણી રાહતનો શ્વાસ લીધો. એના-અલોપાના હાથને પ્લાસ્ટર કરવું પડ્યું. છેલ્લા સમાચાર મિત્રાના આવ્યા. તેના પર તાકીદનું ઑપરેશન કરવું પડ્યું. તેના માથામાંથી સારા પ્રમાણમાં લોહી વહી ગયું હતું. ઑપરેશન પછી તે ભાનમાં આવી જ નહીં. રાત્રે બાર વાગ્યે મિત્રાનું મૃત્યુ થયું.

*

શહેરનાં બધાં અખબારોમાં, મિત્રાની છબી સાથે તેના મૃત્યુના સમાચાર પ્રગટ થયા. સાથે મોરચાની તસવીરો અને વિગતે અહેવાલ પણ છપાયા. સમાનતા, સમાદર, સ્નેહ માટેની સ્ત્રીઓની લડતમાં મિત્રા પ્રથમ શહીદ બની. મિત્રાના મૃત્યુના સમાચાર પ્રસરતાં, શહેરની સ્ત્રીઓમાં તીવ્ર ખળભળાટ ફેલાઈ ગયો. આજ સુધી સ્ત્રીઓના મોરચા પર ક્યારેય લાઠીચાર્જ નહોતો થયો. બીજા દેશોમાં એવું બન્યાના ખબર વાંચ્યા હતા, પણ અહીં આવું બને એ લોકોની કલ્પના બહારનું હતું. મોરચા તરફથી તો કોઈ હિંસકતા કે આક્રમકતા દાખવવામાં નહોતી આવી. તો પછી, આ સ્ત્રીઓ તે વળી શું કરવાની હતી? — એવા તુચ્છકારનું આ પરિણામ હશે? કે ઊંડે ઊંડે સ્ત્રીઓની માગણી સાચી હોવાનો ભય હશે? મિત્રાની ભવ્ય સ્મશાનયાત્રા નીકળી એમાં સ્ત્રીઓ જ સ્ત્રીઓ હતી. પાછળથી થોડા પુરુષો પણ જોડાયા. એક સ્ત્રીના હાથે જ મિત્રાના અગ્નિસંસ્કાર થયા. સ્મશાનભૂમિની જ્વાળાઓએ એકીસાથે આટલી બધી સ્ત્રીઓનાં અગ્નિમય ચહેરા ક્યારેય નિહાળ્યા નહોતા. સાંજે સંયુક્ત મોરચા તરફથી મોટી સભા ભરાઈ. અનેક સ્ત્રી-આગેવાનોએ આગઝરતાં ભાષણો કર્યાં. પોલીસના અત્યાચારના વિરોધમાં તેમ જ મિનિસ્ટર પોતાના પુત્રના ગુના વિશે જાહેર નિવેદન બહાર પાડે તે માટે સ્ત્રીઓને હડતાલ ૫૨ ઊતરવાનું એલાન અપાયું. સ્ત્રીઓની હડતાલ — આ એક અભૂતપૂર્વ એલાન હતું. જ્યાં જ્યાં સ્ત્રીઓ કામ કરતી હતી, ત્યાં ત્યાં તેમણે હડતાલ પાડી. ટ્રેડ યુનિયનોએ મોરચાને ટેકો આપ્યો હતો. તેથી સ્ત્રી-કામદારોએ પણ હડતાલમાં ભાગ લીધો. સુધરાઈના સફાઈ-કામદારોમાંની સ્ત્રીઓ ટોપલા ને સાવરણા લઈ કામ છોડી રસ્તાની કિનારીએ બેઠી અને સૂત્રો પોકા૨વા લાગી. શિક્ષિકાઓ સ્કૂલમાં ભણાવવા ગઈ નહીં અને પુરુષ-શિક્ષકોની સંખ્યા પૂરતી નહોતી તેથી ઘણી શાળાઓ બંધ રહી. સ્ત્રી-ડૉક્ટરો, નર્સો, વકીલો, ન્યાયમૂર્તિઓ — જ્યાં જ્યાં સ્ત્રીઓ કામ કરતી હતી ત્યાં બધે હડતાલ પડી. પહેલાં પહેલાં તો સત્તાવાળાઓએ અને સ્ત્રીની શક્તિથી અનભિજ્ઞ લોકોએ હડતાલને એક બાલિશ ચેષ્ટા ગણી તેને અવગણી કાઢી, પણ ધીમે ધીમે કામોમાં તકલીફ થવા લાગી ત્યારે તેઓ ચોંકી ગયા. નર્સો અને સ્ત્રી-ડૉક્ટરો વગર હૉસ્પિટલનું કામ ખોરવાવા લાગ્યું. ઍર-હૉસ્ટેસો વગર ઘણાં વિમાનો ઊડી શક્યાં નહીં. ક્લાર્ક, ટાઇપિસ્ટ, રિસેપ્શનિસ્ટ, સેક્રેટરી, સ્ટેનો કામ પર ન જવાને કા૨ણે ઑફિસોના કામમાં મુશ્કેલી ઊભી થવા લાગી. કૉલેજોમાં મહિલા-પ્રોફેસર અને વિદ્યાર્થિનીઓ ગયાં નહીં. બૅન્કમાં ફક્ત પુરુષ કર્મચારીઓ જ ગયા. જેમની સંખ્યા કામના પ્રમાણમાં ઓછી હતી, આથી બૅન્કના કામમાં પણ રુકાવટ આવી અને તેની વેપારઉદ્યોગ પર પણ અસર પડી. ગૃહિણીઓ પણ હડતાલમાં જોડાઈ, પોતપોતાના મકાન આગળ જૂથમાં બેસી તેમણે બુલંદ સ્વરે સૂત્રો ઉચ્ચાર્યા. પ્રધાનપુત્રની છબીવાળાં ફરફરિયાં આખા શહેરમાં વહેંચાયાં અને મકાનોની દીવાલો પર, દુકાનોનાં બારણાં ૫૨, વીજળીના થાંભલા પર, ટ્રેન પર, બસ પર, વૃક્ષોનાં થડ પર ફરફરિયાં ચોડાયાં. ઠેકઠેકાણે સભાઓ ભરાવા લાગી. સ્ત્રીઓમાં જાગૃતિ આવી. અત્યાર સુધી તેમણે પોતાની જાતને માત્ર કુટુંબનું જ એક અંગ માની હતી. હવે તેમને ખ્યાલ આવ્યો કે તેઓ પણ સમાજનાં મહત્ત્વનાં, જવાબદાર, સક્રિય ઘટકો છે. હવે માત્ર ઘર સાચવીને બેસી રહેવાથી નહીં ચાલે. જે સ્ત્રીઓ હંમેશા ઘરમાં પણ ચૂપ રહી હતી તે બહાર આવી જાહેર સમૂહ આગળ તીખાં ભાષણો કરવા લાગી. પુરુષો ચોંકી ગયા, અસ્વસ્થ થયા. સમગ્ર સમાજના સંચાલનમાં સ્ત્રીઓનો ફાળો કેટલો મોટો છે તેનો આ પહેલાં તેમને ખ્યાલ જ નહોતો આવ્યો. સ્ત્રીઓની સાથે ઘણા પુરુષોએ પણ ભાષણો કર્યાં અને હડતાલમાં સાથ આપ્યો. હડતાલ મક્કમ અને વ્યાપક હતી. સિને-તારિકાઓએ શૂટિંગમાં જવાનું બંધ કર્યું અને હવેથી પોતે પતિઓને પગે પડી કાકલૂદી કરતી હોય કે અન્યાય સહીને ચૂપ રહેતી હોય તેવાં દૃશ્યો ને ભૂમિકાઓમાં ભાગ નહીં લે તેમ જાહેર કર્યું. સ્ત્રી-ધારાસભ્યો અને ખુદ પ્રધાનમંડળના મહિલા પ્રધાનોને પણ લાગ્યું કે અત્યારે આપણે સ્ત્રીઓની સાથે નહીં રહીએ તો દ્રોહી ગણાઈશું. તેમણે પણ સભાઓમાં હાજરી આપી અને સ્ત્રીઓને સંબોધી. મોરચાનું વિરાટ પૂર શમી ગયું હતું પણ તેની નાની નાની અસંખ્ય શક્તિધારાઓ સમાજમાં વહી રહી અને એક નવા યુગની આગમનીના સૂર સંભળાવા લાગ્યા. આંદોલનના આ દબાણ હેઠળ છેવટે ગુનેગાર પુત્રના પિતાએ પ્રધાનમંડળમાંથી રાજીનામું આપ્યું, રત્ના અને તેનાં માબાપ પાસે જઈ માફી માગી અને પુત્રને રત્ના સાથે પરણાવવા પોતે તૈયાર છે એમ કહ્યું પણ રત્નાએ હલકટ માણસ સાથે પરણવાની ચોખ્ખી ના પાડી દીધી. આ સમાચાર પણ છાપાંમાં છપાયા. પછીના દિવસે વહેલી સવારે, પ્રધાનપુત્રે દરિયામાં ડૂબી જઈને આપઘાત કર્યો.