૧૬. લાલની પાસે
લાલની પાસે
પીળો
લોહીની પાસે
લીલો
પીળા
પાસે
લીલો
સૂરજમુખીના ફૂલની ધારે ધારે
ડાંગરના છોડ
છોડને કણસલે કણસલે
બબ્બે પક્ષી
એક
ડાબે,
એક
જમણે.
એક
બેઠું બેઠું
ખાય
બીજું
ફોતરાં
ગણે
આછા
પાસે
ગાઢ
દાંતની વચોવચ
કરચલાની પીઠ પર
રાવજી પટેલની પીઠ
અરધી કપાયેલી
જાણે કે જીન
મરી ગયેલા ઘોડા પર
લદાયેલું
લોહીની ભાગોળમાં
ભૂરા રંગનું
આકાશ
એક એક પક્ષીનાં પીંછાંમાં
ઈયળો
બેઠી બેઠી
મેઘ
ખાય
ધનુષ
પીએ
હું જોઉં છું
સૂરજમુખીની નાભિમાં
એક ચાકુ
એના હાથા પર
ફૂટી છે કૂંપણો
મને પ્રશ્ન થાય છે
હું શા માટે કાલે વાન ઘોઘનાં ચિત્રો જોવા ગયેલો?
શા માટે
મેં
મારાં હાડકાંમાં
રાફડા બાંધીને રહેતા
મારા પૂર્વજોની સાથે
બારાખડી વ્યવહાર કરેલો?
ખોવાઈ ગયેલી નદી
એમ કાંઈ મળી આવતી હશે, ભલા?
(‘નદીચાલીસા’ માંથી)