બાબુ સુથારની કવિતા/હજી યમરાજાને આ ઘટના સમજાતી નથી
૨૨. હજી યમરાજાને આ ઘટના સમજાતી નથી.
હજી યમરાજાને આ ઘટના સમજાતી નથી.
એ તો અમસ્થા જ ગામના એક ફળિયામાં થઈને
પસાર થઈ રહ્યા હતા
ત્યાં જ, કોયો ઠાર ઘરમાંથી બહાર આવ્યા
અને પાડા પર બેસી ગયા.
છેક ગામની બહાર નીકળી ગયા પછી
યમરાજાને ખબર પડી કે
એમના પાડા પર બીજું પણ કોઈક બેઠું છે.
એમણે જોયું તો કોયા ઠાર.
એમણે કોયા ઠારને કહ્યુંઃ
“હજી તમારો સમય નથી થયો.
તમે પાછા જાઓ.”
તો કોયો ઠાર કહે, “તમે તપાસ કરો
મારો સમય તો ક્યારનોય થઈ ગયેલો
તમે મોડા આવ્યા.”
યમરાજાએ તપાસ કરી તો એમને કોયા ઠાર સાચા લાગ્યા.
ક્યારેય મોડા ન પડતા યમરાજા
કોયા ઠારની બાબતમાં કેમ મોડા પડ્યા હશે
એ હજી એમને સમજાતું નથી.
(‘ડોશી, બાપા અને બીજા કાવ્યો’ માંથી)