બાબુ સુથારની કવિતા/બધું જ બરાબર કરેલું
Jump to navigation
Jump to search
૨૩. બધું જ બરાબર કરેલું
બધું જ બરાબર કરેલું
બાપા કરતા હતા એમ જ.
સૌ પહેલાં તો જે જગ્યાએ ઘોડો મૂકવાનો હતો
એનું માપ લીધેલું,
પછી એ માપ પ્રમાણે પાટિયાં કાપેલાં,
પછી પેન્સિલ વડે કયું પાટિયું ક્યાં જશે
એની બરાબર નિશાની પણ કરેલી,
બાપાએ કહેલું જે છેડે ૧ લખેલું હોય એ છેડે જ ૧ જવું જોઈએ.
મેં એ નિયમ બરાબર પાળેલો.
પછી બધ્ધાં ને સ્ક્રૂ લગાવેલા
બે-ચાર સ્ક્રૂ વાંકા ગયેલા
તો એને એક જગ્યાએ કાઢીને
બીજી જગ્યાએ લગાડેલા.
બધ્ધું જ મેં બાપા કરતા હતા એમ જ કરેલું.
તો પણ કોણ જાણે કેમ ઘોડો જરા ત્રાંસો બન્યો.
ઘોડો બનાવતી વખતે
મેં બાપાની જેમ
કાન પર પેન્સિ ન હતી ખોસી
એટલે તો આવું નહીં થયું હોય ને?
(‘ડોશી, બાપા અને બીજાં કાવ્યો’ માંથી)