અનુબોધ/આજની ગુજરાતી કવિતા : રૂપનિર્માણના પ્રશ્નો

Revision as of 02:21, 16 April 2025 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


આજની ગુજરાતી કવિતા : રૂપનિર્માણના પ્રશ્નો

‘શેષવિશેષ,’ના આ સંપાદન-પ્રકાશન પાછળ સંપાદકોનું મુખ્ય ધ્યેય, દેખીતી રીતે જ, ઓગણીસો ચોર્યાસીના વર્ષ દરમ્યાન આપણાં નાનાંમોટાં સામયિકોમાં પ્રકાશિત થયેલી કાવ્યરચનાઓમાંથી ખરેખર સત્ત્વશીલ અને સાચી રણકાદાર કૃતિઓને અહીં અલગ તારવીને મૂકવાનું છે. (છઠ્ઠા દાયકામાં સુરેશ દલાલે આપણે ત્યાં એ સમયે લખાતી કવિતાના ત્રણેક વાર્ષિક સંચયો કરેલા એ વાતનું અહીં સહજ સ્મરણ થશે.) પણ આ સંપાદનમાં આપણી આજની કવિતાની ગતિવિધિઓનું બને તેટલું સમગ્ર ચિત્ર રજૂ થાય. અને ખાસ તો આકાર, લય, રચનારીતિ અને ભાષાકર્મના સ્તરે નવા ઉન્મેષો પ્રગટાવવાના જે પ્રયત્નો થતા રહ્યા છે તેનો ય અમુક અંદાજ આવે, એ પણ અભિપ્રેત છે. જો કે આ સંચયમાં સમાવેશ પામેલી અમુકતમુક કૃતિઓની સંપાદકોની પસંદગી પરત્વે આપણા બીજો કોઈ રસિકો સંમત ન પણ થાય તો તે સમજાય તેવો મુદ્દો છે. સહૃદયોમાં કાવ્યની રુચિ અને દૃષ્ટિની અમુક ભિન્નતાને અવકાશ છે જ. પણ, આ સંપાદકોની નિસ્બત હકીકતમાં અહીં સંપાદિત કરેલી રચનાઓના પ્રકાશન પૂરતી જ સીમિત નથીઃ આપણાં સામયિકોનાં પૃષ્ઠો પર છપાઈને પડેલી કાચીપાચી અર્ધસફળ ને નિષ્ફળ એવી બીજી અસંખ્ય ‘કવિતા’ નામધારી રચનાઓ પણ તેમની ચિંતા અને ચિંતનનો વિષય બની છે. આપણા મર્મજ્ઞ અભ્યાસીઓ એ વાત સ્વીકારશે કે આપણાં કેટલાંક સામયિકો ‘કવિતા’ને નામે ઢગલાબંધ સાવ નિર્જીવ અને રેઢિયાળ રચનાઓ છાપતાં રહ્યાં છે. અને એવી પરિસ્થિતિમાં કાવ્યલેખનપ્રકાશનની આખી પ્રવૃત્તિ આપણા મનમાં કેટલાક મહત્ત્વના પ્રશ્નો ઊભા કરી જાય છેઃ આપણો આજનો કવિ કવિતાનો કયો ખ્યાલ લઈને ચાલે છે, અથવા ચાલવા માગે છે? નવમા દાયકાની કવિતા એની આગળના બે અઢી દાયકાઓની કાવ્યપ્રવૃત્તિથી ભિન્ન એવી કોઈ મુદ્રા અને મિજાજ દાખવે છે ખરી? એમાં વિકાસની કોઈ દિશા પ્રત્યક્ષ થાય છે ખરી? પરંપરા સાથે એનું અનુસંધાન ક્યાં અને કેટલું? આજના તરુણ કવિઓ ખરેખર કયા પ્રાણપ્રશ્નોનો સામનો કરી રહ્યા છે? આજની કવિતાના આંતરબાહ્ય વિકાસમાં કવિને કયા અવરોધો નડે છે? વગેરે વગેરે. અલબત્ત, મહાન કવિતાના સર્જનમાં કવિની પ્રતિભા સ્વયં એક મોટો સ્રોત બની રહે છે. આપણે એમ કહેવું જોઈએ કે કવિની આવી અંતર્ગત શક્તિનો કોઈ વિકલ્પ જ ન હોય, ન હોઈ શકે, પણ સાથોસાથ યે ય લક્ષમાં રાખવાનું છે કે કોઈપણ કવિ, નાનો કે મોટો, પોતાના સમયની સાહિત્યિક પરંપરા વચ્ચે ઊભો હોય છે, અને પોતાની સામે ઉપસ્થિત થયેલી સાહિત્યિક પરિસ્થિતિ જ તેની સામે ઘણો મોટો પડકાર બની હોય છે. પોતે અનુભવનું જે એક નવું ‘વિશ્વ’ લઈને આવ્યો છે તેને સમર્થ રીતે અને પર્યાપ્તપણે રજૂ કરવાના પ્રયત્નમાં પોતાના અવરોધોને તે પોતાની સબળતામાં ફેરવી નાંખી શકે છે. અને, એટલે જ, ‘શેષવિશેષ’ની કવિતાના આ સંપાદન પ્રસંગે આપણી આજની કાવ્યપરિસ્થિતિને અનુલક્ષીને કેટલુંક સર્વસામાન્ય સ્વરૂપનું રસળતું ચિંતન કરી લેવાની જરૂરિયાત વરતાય છે. તો, આપણી સામે પહેલો પ્રશ્ન એ આવે છેઃ આપણી આજની કવિતાની ગતિવિધિ કઈ દિશાની છે? એમાં મુખ્ય વહેણ કયું? પ્રશ્નો અલબત્ત, સરળ નથી. આજની પરિસ્થિતિ ઠીક ઠીક અંશે પ્રવાહી દશાની છે. આઠમા દાયકાના અંત ભાગમાં એ સમયે લખાતી છપાતી કવિતાના સંદર્ભે આપણા કેટલાક અભ્યાસીઓને એમ લાગવા માંડ્યું હતું કે આપણી ‘આધુનિક’ કવિતા ઝડપથી બંધિયાર, વાસી અને નિષ્પ્રાણ બની રહી છે. તેમનું અવલોકન કંઈક એવું હતું કે આપણે ત્યાં છઠ્ઠા-સાતમાં દાયકામાં પ્રથમપણે સક્રિય બનીને પ્રવર્તેલાં આધુનિકતાવાદી વિચારવલણો હવે મંદ પડવા આવ્યાં છે. અને, વળી કવિતામાં (તેમ નવલકથા, ટૂંકીવાર્તા જેવાં બીજાં સાહિત્યસ્વરૂપોમાં ય) કેવળ પ્રયોગ ખાતર પ્રયોગ કરવાનું વલણ પણ ખાસ્સું નરમ પડ્યું છે. જો કે આગલા સાતમા દાયકામાં વ્યાપક રૂપે ખેડાતી રહેલી પરંપરિત મેળની અને અછાંદસ રીતિની કવિતા સાથે એનું ગાઢ અનુસંધાન રહ્યું છે ખરું, અને ગીતો અને ગઝલોમાં કેટલાંક આંતરબાહ્ય પરિવર્તનો સાધીને તરુણ કવિઓએ પોતપોતાની રીતે લેખન ચાલુ રાખ્યું છે. પણ આઠમા દાયકાના અંતભાગમાં કશીક ગતાનુગતિકતા વરતાવા લાગી હતી. સુખદ આશ્ચર્ય જાગે એવી ઘટના એ બની કે આવા બંધિયાર બનતા જતા પ્રવાહ વચ્ચેથી જ કેટલાક તાઝગીભર્યા પ્રાણવાન ઉન્મેષો આપણી કવિતાએ જન્માવ્યા છે. આવા નવોન્મેષો જન્માવવામાં કેટલાક આગલા દોઢ-બે દાયકાઓમાં સક્રિય રહેલા કવિઓ, તેમ તાજેતરની પેઢીના તરુણ કવિઓ નિમિત્ત બની રહ્યા. લાભશંકર ઠાકર, સિતાંશુ યશશ્ચન્દ્ર, રમેશ પારેખ, રાજેન્દ્ર શુક્લ, ચિનુ મોદી, હરીશ મીનાશ્રુ, દિલીપ ઝવેરી, જયેન્દ્ર શેખડીવાળા, યજ્ઞેશ દેવ, ચંદ્રકાન્ત ટોપીવાલા, હરિકૃષ્ણ પાઠક, મણિલાલ પટેલ, જયદેવ શુકલ,કિસન સોસા, ઉદયન ઠક્કર, દર્શન જરીવાલા, પ્રફુલ્લ પંડ્યા, મહેન્દ્ર જોશી, રવીન્દ્ર પારેખ, ડાયલ ઠાકોર, દલપત ચૌહાણ, પ્રવીણ ગઢવી આદિ કવિઓની સર્જનપ્રવૃત્તિનું અવલોકન કરતાં તેમાં તેમની કેટલીક અનોખી કાવ્યછટાઓ જોવા મળશે. આપણને એમ લાગે કે નવા દાયકામાં આ કવિઓ કંઈક જુદો જ મિજાજ પ્રગટ કરી રહ્યા છે. આગલા બે દાયકાઓની કવિતામાં સિદ્ધ થયેલાં નૂતન કળાતત્ત્વો અને કળાપ્રયુક્તિઓ એમાં જાણે કે નવી ક્ષમતા પ્રગટાવે છે કહો કે આપણી આગલા બે દાયકાઓની કવિતામાં અર્ધસિદ્ધ કે અલ્પસિદ્ધ રહેલી શક્તિઓ હવે સમન્વિત થઈને બહાર આવી રહી છે. લાભશંકર સિતાંશુ આદિ આગલા દાયકાઓમાં સક્રિય રહેલા કવિઓને કાવ્યના રૂપનિર્માણના આગળના અનુભવો હવે ફળદાયી બન્યા છે. કાવ્યમાં એ રીતે સંપ્રજ્ઞપણે નવા મરોડો આણવાનો કે નવા પરિણામો સિદ્ધ કરવાનો તેમનો પ્રયત્ન ચોક્કસ પરિણામકારી નીવડ્યો છે. જો કે અહીં એમ નોંધવું જોઈએ કે આ કવિઓની જે કંઈ વિરલ પ્રાપ્તિઓ છે, અથવા કશુંક અનન્ય નિર્માણ કરવાની જે મથામણો છે, તેને વિશે આપણા વિવેચનજગતમાં જોઈએ એવા સમજદારીભર્યા અને જવાદારીભર્યા પ્રતિભાવો મળ્યા નથી. કેટલાક તેજસ્વી કવિઓના પહેલા કવિતાસંગ્રહો વિશે સંગીન દૃષ્ટિસંપન્ન વિવેચન પણ મળ્યું નથી. જો કોઈ તરુણ કવિના પહેલાબીજા કાવ્યસંગ્રહને અવલોકન (review)નો ‘લાભ’ મળ્યો છે તો ત્યાં એ અવલોકનનું સ્તર પણ ચિંતા જગાડે તેવું છે. ખરેખર તો આપણી આધુનિક મિજાજની કે આધુનિક રીતિની કવિતાને સૂક્ષ્મવેધક દૃષ્ટિની વિવેચનાની અપેક્ષા છે. કૃતિઓની રચનાપ્રક્રિયા, સંયોજનની પ્રયુક્તિઓ, લયવિધાન, પદબંધ (diction), કવિસ્વર ( poet’s voice) કે નેરેટરનો સ્વર, ટોન, થિમ અને મૂલ્યબોધ આદિ પ્રશ્નોની ભૂમિકાએથી આખી તપાસ ચાલવી જોઈએ. પણ કમનસીબે, આપણા કાવ્યવિવેચનમાં રચનાપ્રક્રિયાના મુદ્દાઓ ઝાઝા ખેડાયા નથી, એટલે વિવેચનનાં આ ઓજારો આપણે ત્યાં સભાનતાપૂર્વ અને નિષ્ઠાથી બહુ યોજાયાં નથી. વળી ‘આસ્વાદ’ નામે ઓળખવાયેલું વિવેચન ઘણી રીતે ઊણું રહી ગયું છે આસ્વાદપ્રવૃત્તિને નામે આસ્વાદકો વારંવાર પ્રસ્તુત કૃતિનો ભાવાર્થ રજૂ કરીને થંભે છે કે કલ્પનોપ્રતીકોના અહીં તહીં નિર્દેશો કરીને કૃતિનાં કેટલાંક રસકીય બિંદુઓ નોંધે છે કે સંવેદનપ્રક્રિયાને લગતી અમુક નોંધ લે છે પણ પ્રશ્ન કવિસ્વરની પ્રમાણભૂતતાનો છે. આપણે ત્યાં એ જાતનું sensitive કે perceptive criticism કેટલું એવા પ્રશ્નને સહેજે અવકાશ મળે છે. અને આપણો કોઈ તરુણ કવિ કશુંક અ-પૂર્વ કશુંક સર્વથા મૌલિક સિદ્ધ કરીને બેઠા હોય કે એવી સિદ્ધિ અર્થે પ્રામાણિકતાથી મથ્યો હોય, અને વિવેચકોએ એ વિશે કેવળ ઉપેક્ષા જ સેવી હોય ક્યારેક તો મીંઢુ મૌન ધારણ કર્યાનું લાગે – ત્યારે તેને ઊંડી અવસ્થતા થાય તો તે સમજાય તેવી વાત છે. પણ આપણી આજની કાવ્યપરિસ્થિતિની આ એક બાજુ થઈ : એની બીજી બાજુની પણ નોંધ લેવા જેવી છે. એ બીજી બાજુ તે અપાણાં કેટલાંક સામયિકોની કવિતાના સંપાદન પરત્વેની બિનજવાબદાર નીતિ છે. આ સામયિકોનાં પૃષ્ઠોમાંથી પસાર થતાં એમ જ લાગે કે અનેક કાચી રચનાઓ તો એમાં જાણે કે ખાલી પાનાંઓનો અવકાશ પૂરવાને જ સ્વીકાર પામી છે. આ સંપાદનરીતિ ખરેખર ચિંતાજનક લેખાવી જોઈએ. તરુણ કવિઓને પ્રોત્સાહિત કરવાને આવી રીતિનીતિ જરૂરી છે એ ખ્યાલ પણ કોઈ રીતે સમાધાનકારક નથી. કવિયશઃપ્રાર્થી તરુણની એકાદબે કાચીપાકી રચનાઓ એકાદ જાણીતા સામયિકમાં સ્વીકારાય તે પછી કાવ્યલેખનનો તેનો ‘ઉદ્યોગ’ એકદામ ઝડપથી ચાલવા લાગે છે. પહેલાં પહેલાં શબ્દની સાથે કામ પાડતાં તેને જે અમુક તરકીબો હાથ લાગી ગઈ હોય તેને તે ફરી ફરી યોજવા લલચાય છે. પણ એ રીતે સાચકલા અનુભવની પ્રક્રિયાથી તે અળગો થઈ જાય છે. શબ્દના વંધ્ય વિસ્તારમાં તેની દૃષ્ટિ છેવટે જકડાઈ જાય છે. સંપાદકોની આવી બિનજવાબદાર નીતિએ અનેક તરુણ કવિઓને હાની કરી છે, એવા તારણ પર પહોંચવાનું મુશ્કેલ નથી. પણ આ આખીય પરિસ્થિતિને એક જુદા જ પરિપ્રેક્ષ્યમાં વિચારી લેવાનું આવશ્યક બને છે. આપણી સામે આ પ્રશ્નો ઊપસી આવે છે. આ તરુણ કવિઓ પૈકી આગવી કાવ્યદૃષ્ટિ કેળવીને સ્વતંત્ર કેડીએ ચાલવા મથ્યા હોય એવા કવિઓ કેટલા? પોતાના વિશિષ્ટ અનુભૂતિખંડને સમુચિત કળાત્મક રૂપ અર્પવાના પ્રયત્નોમાં પોતાની સામે ઉપસ્થિત થતા વિશિષ્ટ અનુભૂતિખંડને સમુચિત કળાત્મક રૂપ અર્પવાના પ્રયત્નોમાં પોતાની સામે ઉપસ્થિત થતા વિશિષ્ટ પ્રશ્નોને પૂરી સજ્જતા અને સમજથી સામનો કરવા પ્રવૃત્ત થયા હોયએવા કવિઓ કેટલા? તાત્પર્ય કે, આપણા મોટા ભાગના તરુણ કવિઓ કવિતાની રચનાપ્રક્રિયાના મૂળભૂત પ્રશ્નો વિશે પૂરતા સભાન નથી. હકીકતમાં સર્જનની ઘટના કંઈ સર્વથા અસંપ્રજ્ઞાત વ્યાપાર નથી જ. મહાન કૃતિ કેવળ યાદચ્છિકપણે જન્મી આવતી વસ્તુ નથીઃ કવિની તેજસ્વી મેધા અને રૂપવિધાનમાં ઓછેવત્તે અંશે ભાગ ભજવે જ છે. પણ રચનાવિધાનની તેની સૂઝસમજ કંઈ શૂન્યાવકાશમાં ખીલતી નથી. સમકાલીન અને પૂર્વકાલીન કવિતા સાથેનો સંપર્ક એમાં દ્યોતક નીવડી શકે છે. પોતાની ભાષાની જુદા જુદા તબક્કાની કવિતાની સિદ્ધિ-મર્યાદાઓનો અને તેનાં બલાબલોનો થોડોક પણ ખ્યાલ તેણે કર્યો હોય, જુદા જુદા કવિઓએ જુદા જુદા સમયે કયાં કાવ્યોરૂપો સિદ્ધ કર્યા, કઈ નવી જૂની રચનાપ્રયુક્તિઓ કામે લગાડી અને કવિતામાં કયા કારણે આંતરબાહ્ય ફેરફારો આવ્યા, વગેરે પ્રશ્નોની તપાસ કરી હોય; અને પેઢીએ પેઢીએ બદલાતી કાવ્યભાષાનું નિરીક્ષણ કર્યું હોય, તો તેની સર્જકતાને તે કોઈક રીતે માર્ગદર્શક નીવડી શકે છે. મોટા ગજાના કવિઓ પોતાની સમગ્ર પરંપરાને આત્મગત કરીને ચાલે છે, એ હકીકત ઘણી રીતે સાચી છે અલબત્ત, પોતાની લેખનપ્રવૃત્તિને અનુલક્ષીને કવિ સાક્ષરી ચર્ચા કરે એમ અહીં અભિપ્રેત નથી – કદાચ સાક્ષરી પ્રવૃત્તિ તેની સર્જકતાને રુંધનારું તત્ત્વ બની રહે એવો ભય છે – પણ સર્જનની જે ઘટનામાં પોતે સીધેસીધો સંડોવાયો છે તેને વિશે ઊભા થતા નાનામોટા પ્રશ્નોનો સભાનપણે તે વિચાર કરે એટલું તો જરૂર ઇચ્છવાયોગ્ય છે. જો કે આપણા બહુ ઓછા તરુણ કવિઓ આ રીતે અંતર્મુખવૃત્તિથી પોતાના પ્રશ્નોને ઓળખવા મથ્યા જણાય છે. આપણી આજની કવિતા જે રીતે અવનવા ઉન્મેષો પ્રગટાવવા મથી રહી છે તે જોતાં તેની રૂપરચના, લયવિધાન, અને ભાષાકર્મના પ્રશ્નો આપણે માટે સૌથી વધુ પ્રસ્તુત બને છે. છેલ્લાં પચ્ચીસત્રીસ વર્ષોમાં પુષ્કળ સંખ્યામાં અછાંદસ/પરંપરિત મેળની રચનાઓ લખાયા પછી, આજે કોઈ કોઈ તરુણ કવિ અક્ષરમેળ છંદોની હિમાયત કરતો દેખાય છે. અછાંદસ રીતિ આપણી કવિતાના ભાવિ વિકાસની દૃષ્ટિએ ઉપકારક નહિ થાય એવી માન્યતા તેમણે કદાચ કેળવી છે. ગમે તે હો, આપણી આવતી કાલની કવિતાના વિકાસની દૃષ્ટિએ છાંદસ-અછાંદસ રચનાબંધનો પ્રશ્ન અત્યંત નિર્ણાયક બની રહેતો લાગે છે. એ તો જાણીતું છે કે કવિ ન્હાનાલાલે અક્ષરમેળ છંદોને પોતાની કાવ્યસર્જનની પ્રવૃત્તિમાં બંધનરૂપ બનતા જોયા અને અનુનેય માધ્યમની ખોજમાં માત્ર ડોલનશૈલી સુધી તેઓ પહોંચ્યા! અને આજે કોઈ તરુણ કવિ અક્ષરમેળની હિમાયત કરવા લાગે છે, ત્યારે ય ઝાઝું વિસ્મય થતું નથી. એટલું તો નક્કી કે આપણો આ કવિ ફરીથી પદ્યબંધની ખોજમાં પડ્યો છે. પણ આપણે અહીં એમ ભારપૂર્વક બતાવવા ચાહીએ છીએ કે આજના કવિ માટે અક્ષરમેળનો બંધ અને અછાંદસ રચનાબંધ-એ બે વચ્ચે કેવળ પદ્યરીતિના વિકલ્પનો જ પ્રશ્ન નથી. એમાં સહજ રીતે અભિવ્યક્તિની રીતિ, સંયોજન રીતિ, પદબંધ(diction), લયવિધાન, કાવ્યવિષયને જોવાની ઘટાવવાની અને રજૂ કરવાની કવિની વિશિષ્ટ દૃષ્ટિ અને કવિની ભૂમિકા – વગેરે મુદ્દાઓ સંકળાઈ જાય છે. અંતે કવિતાની કઈ વિભાવના કવિ પાસે છે તે પ્રશ્ન અહીં નિર્ણાયક બને છે. અક્ષરમેળ છંદોના સમર્થનમાં આપણા વિવેચકો વારંવાર આપનું ધ્યાન એ તરફ ખેંચતા રહ્યા છે કે કાન્ત, કલાપી, બળવંતરાય, ન્હાનાલાલ અને ઉમાશંકર સુંદરમ્‌ આદી ત્રીસીના કવિઓએ અક્ષરમેળનો વ્યાપકપણે પ્રયોગ કર્યો છે, અને કાન્ત કલાપી જેવાએ અનેક રચનાઓમાં સુબગ રીતે તેને ખપમાં લીધા છે. પણ આ સંદર્ભમાં એ વાત સ્પષ્ટ થઈ જવી જોઈએ કે અમુકતમુક કવિઓએ અક્ષરમેળ છંદો સમર્થ રીતે યોજેલા છે, એટલું સાદુંસીધું નિરીક્ષણ આપણે માટે ભાગ્યે જ કશું ફળપ્રદ બને. ખરો મુદ્દો તે અક્ષરમેળનો પદ્યબંધ અને તેમાં સંભવતાં અભિવ્યક્તિરીતિ, પદબંધ અને રચનાપ્રયુક્તિઓના સહસંબંધને લગતો છે. જેમ કે, કાન્તે પોતાનાં ખંડકાવ્યોમાં અક્ષરમેળ છંદોનો કુશળતાથી ઉપયોગ કર્યો તે ખરું, પણ અહીં રચનાની ભૂમિકા જુદી છે. ખ્યાત વિષયવસ્તુમાં તેઓ આગવું રહસ્ય જોઈ શક્યા છે. પણ તેમની એ કૃતિના કેન્દ્રમાં તો વૃત્તાંત જ રહે છે, અને એ વૃત્તાંતને ચોક્કસ અંતર રાખીને કાન્ત તેનો વિકાસ સાધે છે. અહિં અત્યંત મહત્ત્વની વાત એ છે કે મુખ્યત્વે કથનવર્ણનની રીતિએ કાન્તે એમાં કામ પાડ્યું છે. પદ્યના બંધમાં અમુક અક્ષરમેળ છંદોની ચોક્કસ ભાત રચાય તે રીતે ગોઠવ્યા છે. અને શ્લોકના ચુસ્ત માળખામાં નિયત માપની પંક્તિઓને અનુરૂપ કથનવર્ણનની વિગતો સમાવવામાં આવી છે. પણ અભિવ્યક્તિની રીતિ અહીં વર્ણ્યવિષયને વસ્તુલક્ષી ભૂમિકાએથી રજૂ કરવા ચાહે છે. એટલે, બાહ્યસ્તરની કથન વર્ણનની અમુક માર્મિક વિગતો પર્યાપ્ત નીવડે છે. નોંધવું જોઈએ કે કવિના અસંપ્રજ્ઞાત મનનાં સંકુલ સંદિગ્ધ સંવેદનને તાગવાનો અહીં ઉપક્રમ નથી. વર્ણ્યપ્રસંગ જ કૃતિના રહસ્યને અહીં ધ્વનિત કરે છે. એટલે અહીં છંદોલયની ભૂમિકા પણ અમુક રીતે સીમિત છે. ત્રીસીના ગાળામાં ઉમાશંકર સુંદરમ્‌ આદિ કવિઓની કાવ્યપ્રવૃત્તિ પણ મુખ્યત્વે અક્ષરમેળ છંદોમાં ચાલી છે, પણ ત્યાં એ છંદો વારંવાર કવિતાના વિકાસમાં અવરોધક બન્યા છે. પણ, ના અહીં પ્રશ્ન થોડો જટિલ છે. આ ગાળાના કવિઓએ શૈલીગૌરવનો આગવો ખ્યાલ કેળવી લીધો હોય એમ સમજાય છે. વિશાળ ગંભીર વિચાર કે ભાવનાને ઝીલવા મથતી ભાષા પણ એટલી જ ઓજસ્‌વતી શિષ્ટ અને પ્રૌઢિયુક્ત હોય એવી તેમની અપેક્ષા જણાય છે. આવા કશાક ખ્યાલને કારણે તત્સમ શબ્દો માટે તેમણે સૌએ પક્ષપાત દાખવ્યો છે. પરિણામે તેમની કાવ્યભાષા ઘણાંય દૃષ્ટાંતોમાં રોજિંદા બોલચાલના સાહજિક અને જીવંત લહેકાઓ અને રણકાઓથી વેગળી રહી ગઈ છે. પણ આ પ્રશ્નમાં કાવ્યભાષાનો એના છંદવિધાનથી અલગ નિરપેક્ષ વિચાર કરવાનું ઝાઝું ફળપ્રદ બનશે નહિ. ખરો મુદ્દો એ છે કે ત્રીસીના કવિઓએ ચિંતનનો તંતુ લઈને કે ઊર્મિસ્પૃષ્ટ વિચાર લઈને જે રીતે કવિતા રચવાનો પ્રયત્ન કર્યો તેમાં હજી ય વાગ્મિતાનું તત્ત્વ પડ્યું છે. મુશ્કેલી વળી એ વાતની છે કે નિરૂપ્યમાણ વિચારને અલંકૃત રૂપમાં રજૂ કરવા, ભાષાનો જે રીતે વિસ્તાર કરવો પડ્યો છે તેમાં, અક્ષરમેળના ચુસ્ત માળખાને સાચવવા વારંવાર તાણીતૂસીને સાવ અપરિચિત, બિનજરૂરી અને વિસંવાદી પદક્રમ અને પદસંવાદના સહજ ક્રમનો ભંગ કે દુરાકૃષ્ટ અન્વયોની અરુચિકર યોજના – એ બધું કાવ્યતત્ત્વના સહજ વિકાસવિલાસને રુંધે છે. એ તો સ્પષ્ટ છે કે ત્રીસીની કવિતામાં કાવ્યભાષાનો પ્રશ્ન ઘણો ગંભીર છે. સ્વાતંત્ર્યોત્તર ગાળામાં તરુણ કવિઓએ પદ્યબંધની રૂઢ રીતિનો જે સંયોગોમાં ત્યાગ કર્યો તેનો ય અહીં ટૂંકમાં ઉલ્લેખ કરી લઈએ. આપણા કાવ્યરસિકોને એ વાતો તો સુપરિચિત છે કે આ ગાળામાં અક્ષરમેળ છંદો અને તેની સાથે સંલગ્નિત ચુસ્ત પદ્યબંધનો તરુણ કવિઓ ત્યાગ કરવા પ્રેરાયા. પરંપરિત માત્રામેળ, સંખ્યામેળ અને અછાંદસના બંધમાં તેમણે કામ કરવાનું સ્વીકાર્યું. પણ અહીં સ્પષ્ટ કરવું જોઈએ કે અક્ષરમેળનો ત્યાગ તેમને માટે સાવ યાદચ્છિક બાબત નહોતી. કવિતાના રૂપનિર્માણનો વિશિષ્ટ ખ્યાલ તેમને એમાં પ્રેરક બન્યો હતો. હકીકતમાં પ્રતીકવાદી કવિતા અને તેની વિશિષ્ટ કાવ્યરીતિનો તેમાં કેન્દ્રીય ભૂમિકાએ સ્વીકાર હતો. અજ્ઞાત ચિત્તમાં ઊઠતા ધૂંધળા અવ્યાકૃત ભાવસંવેદનને તેની પૂરી સંકુલતામાં, સૂક્ષ્માતિસૂક્ષ્મ સંચલનોની પકડ સાથે, તેઓ રજૂ કરવા ચાહતા હતા. ભાવસૃષ્ટિનાં સૂક્ષ્મતમ અર્થો અને અર્થચ્છાયાઓ પૂરેપૂરી સુરેખતામાં ઊપસી આવે, અને એ અર્થો-અર્થચ્છાયાઓ પર યથાસ્થાને ભાર પડે, તેમ જ ક્ષણે ક્ષણે સંવિદની બદલાતી ગતિસ્થિતિના બારીકમાં બારીક મરોડો અંકિત કરી લઈ શકાય – તેવા અનુનેય રચનાબંધની તેમને આવશ્યકતા વરતાઈ હતી. કવિના સૂક્ષ્મ ચૈતન્યની સંચલનામાં કાવ્યમૂલ્ય નિર્માણ કરવાની આ વિશિષ્ટ પ્રવૃત્તિ છે. એમાં અર્થ અર્થ વચ્ચે, પદાર્થ પદાર્થ વચ્ચે, સંચલન સંચલન વચ્ચે સૂક્ષ્મ સંબંધ પ્રત્યક્ષ કરવાની અપેક્ષા છે. કલ્પન, સાદું કે સંકુલ, સ્વયં એક સમૃદ્ધ વિશ્વ બની રહે એ રીતે તેની માવજત કરવામાં આવે છે. એટલું જ નહિ, કાવ્યપંક્તિની લંબાઈ નક્કી કરવામાં આવાં સમૃદ્ધ કલ્પનો સ્વયં નિર્ણાયક તત્ત્વ બની રહે છે. અછાંદસ/પરંપરિત/સંખ્યામેળ જેવા રચનાબંધ બદલાતા સંવેદનના ગતિલયને અનુકૂળ થવાની ઘણી ક્ષમતા છે. અને કલ્પનોપ્રતીકોના સંયોજનને કારણે આ કાવ્યમાં પદબંધ(diction)ની ભૂમિકા મૂળથી બદલવા પામી છે. કાન્તના ‘વસંતવિજય’માં પદબંધનું નિયામક અને સંયોજક તત્ત્વ એક છે, ઉમાશંકરના ચિંતનપ્રધાન કાવ્ય ‘ઉષા’ના પદબંધમાં એ બીજું જ છે, જ્યારે લાભશકંરના ‘પ્રવાહણ’માં એ ત્રીજું જ છે. ટૂંકમાં તરુણ કવિ સામે પદ્યનિર્માણનો પ્રશ્ન એ કંઈ માત્ર છાંદસ કે અછાંદસ રીતિના વિકલ્પનો જ પ્રશ્ન નથી – કૃતિના રૂપનિર્માણનો, સર્જકતાની ભૂમિકાનો, કાવ્યની વિભાવનાનો ય એ પશ્ન બને છે. આટલી ભૂમિકા સ્પષ્ટ કર્યા પછી આપણે એમ નોંધીશું કે કવિતાની પદ્યરચના, પદબંધ, અને લયવિધાનના પ્રશ્ને આપણા અનેક તરુણ કવિઓ એટલા જાગૃત રહ્યા દેખાતા નથી. અછાંદસ રીતિની તેમની અસંખ્ય રચનાઓ સજીવ અને સક્ષમ લયના અભાવમાં વત્તેઓછે અંશે વણસી જવા પામી છે. અછાંદસ બંધમાં લખવા પ્રેરાતા કવિ સામે મૂળથિ એક જોખમ રહ્યું છે. તેની રચના પાછળ લયતત્ત્વ સાવ ક્ષીણ અને નિર્બળ હોય તો તેની ભાષાભિવ્યક્તિમાં જોડાતાં ભાષાતત્ત્વો પરસ્પરથી વિચ્છિન્ન બની જાય એવો મોટો ભય છે. વાસ્તવમાં લયનાં વિભિન્ન આવર્તનો કૃતિના સંયોજનમાં વિભિન્ન સ્તરોએથી સંયોજક બળ તરીકે મહત્ત્વનો ભાગ ભજવે છે. કૃતિના વાક્યખંડો કે શબ્દસમૂહોને આત્મસંવાદી બનાવવામાં અને તેને એકતા અર્પવામાં, અમુક શબ્દ/ અર્થ પર ભાર યોજીને તેને સમુચિત ઉપસાવવામાં, વિભિન્ન કલ્પનોના અર્થસંકુલનો ઉપચય કરાવી આપવામાં, અને પંક્તિઓ/ કંડિકાઓના સંયોજનમાં લયતત્ત્વ એક યા બીજી રીતે ચોક્કસ સમર્પક બને છે. પણ લયનાં આવર્તનો કાવ્યભાષાનાં લાંબાટૂંકાં રૂપો નિર્માણ કરવામાં જે રીતે ભારે નિર્ણાયક ભાગ ભજવે છે, તે હકીકત આપણે માટે અહીં એટલી જ બલકે સવિશેષ મહત્ત્વની છે. વાસ્તવમાં લયવિધાનના પ્રશ્નોને કૃતિના ભાષાભિવ્યક્તિ, પદબંધ અને સંરચનાના પ્રશ્નોથી અલગ નિરપેક્ષપણે વિચારી શકાય જ નહિ. કેમ કે લયનું પ્રવર્તન કે આવર્તન કવિતાની ભાષામાં સાદ્યત વિધાયક બળ બને છે. જરા વધુ સ્પષ્ટ થઈએ તો, રચનાબંધમાં જોડાઈને આવતાં વાક્યો/વાક્યાંશોના અન્વય અને પદક્રમ પર, તેમ જ શબ્દોની morphology પર, લયતત્ત્વની સીધી અસર પડે છે. પરંપરિત ઝૂલણા કે પરંપરિત હરિગીતમાં રચાતી કવિતા અને સર્વથા અછાંદસમાં રચાતી કવિતા – એ બેના ભાષાસંવિધાનમાં ઘણી ભિન્નતા સંભવી શકે છે. અલબત્ત, લયના સંવિધાયક તત્ત્વના અભાવમાં કાવ્યભાષા સ્થગિત થઈ જાય અને કાવ્યતત્ત્વ રુંધાઈ જાય એ જેમ સાચું છે તેમ એ ય સાચું છે કે લયનો પ્રબળ અન્વય ધરાવતી પંક્તિઓ એમાંની કલ્પનશ્રેણિઓની સંગતિ અને સુગ્રથિતતાના અભાવે પણ વણસી જાય એમ બનતું હોય છે. આ રીતે આપણા કવિઓ સામે પદ્યબંધ અને લયસંયોજનના પ્રશ્નો પડકાર બનીને આવે છે. અક્ષરમેળ, માત્રામેળ, સંખ્યામેળ અને અછાંદસ – એ દરેક રચનાબંધીની અમુક આંતરિક ક્ષમતાઓ છે, તોએ દરેકને એનાં ભયસ્થાનો પણ છે. એટલે આજે આધુનિક સંવિદને પ્રગટ કરવા ચાહતા તરુણ કવિએ વિભિન્ન રચનાબંધની ક્ષમતા-અક્ષમતાઓને, તેની સબળતા-નિર્બળતાઓને, સમજી લેવાનું અનિવાર્ય બને છે. અછાંદસ રચનારીતિની મર્યાદાઓ અને મુશ્કેલીઓનો તેને ખ્યાલ આવીજાય તો તેણે જુદા જ લયબંધ તરફ વળવું પડે, પણ અક્ષરમેળનો આશ્રય લઈને ચાલતાં તેનો પ્રશ્ન ઉકલી જ જશે એમ માનવું વધારે પડતું છે. કેમ કે ખરો પ્રશ્ન કવિના ભાવસંવેદનને અનુરૂપ રચનાપ્રક્રિયાનો છે, સર્જકતાની નિજી એવી ભૂમિકાનો છે, અને કાવ્યની પોતીકી વિભાવનાનો છે, વર્ણ્યવસ્તુના સ્વરૂપબોધ અને રહસ્યબોધને લગતો આ નિર્ણાયક પ્રશ્ન છે. કવિને ખરેખર પોતાના ચિત્તમાં જન્મેલા સંકુલ અનુભવને એની સજીવ રેખાઓમાં ઝીલવો છે, અને જો એ અનુભવને એની સમગ્ર સંકુલતામાં પ્રસ્તુત કરવો છે, તો અક્ષરમેળ છંદોનાં ચુસ્ત માળખાં તેને ક્યાં સુધી ઉપયોગી કે અનુકૂળ બેન તે વિચારણીય પ્રશ્ન લાગે છે. અને, વળી એમ પણ સ્પષ્ટ કરવું જોઈએ કે, કાવ્યરચના માટે કોઈ ઐતિહાસિક/પૌરાણિક પાત્ર કે ઘટના કે એવી કોઈ વસ્તુનો સંદર્ભ મળ્યો હોય તેથી એના આલેખનમાં એવો અક્ષરમેળનો બંધ ઉપકારક બની જ જશે એમ પણ ન કહી શકાય. કેમ કે એવા કોઈ પાત્ર કે ઘટનાનો સંદર્ભ પણ કવિના આત્મલક્ષી સંવેદનને રજૂ કરવા Objective correlativeના રૂપમાં આવી મળ્યો હોય તો તેવા પ્રસંગમાં પણ આંતરિક સંચલનોના ગતિલયને અનુરૂપ એવા અનુનેય પદ્યબંધની અપેક્ષા રહે છે. તાત્પર્ય કે કાવ્યરચનામાં પદ્યબંધ અને લયવિધાનના પ્રશ્નોનો તેની વર્ણ્યસામગ્રી અને અભિવ્યક્તિની રીતિથિ અલગ અને નિરપેક્ષપણે ખ્યાલ કરી શકાય નહિ. એટલે પ્રશ્નોનો પ્રશ્ન તરુણ કવિ સર્જકતાની કોઈ ભૂમિકાએથી કામ કરવા માગે છે તેને લગતો છે. આપણા તરુણ કવિઓએ આછાંદસની મુશ્કેલીઓનો આજે સામનો કરવાનો છે, પણ એ માટે આપણી આખી કાવ્યપરંપરામાં ઉપસ્થિત થયેલા પદ્યબંધના પ્રશ્નોની ઊંડી સૂઝસમજ તેને આવશ્યક છે. આપણી આધુનિક લેખાતી કવિતા, આમ જુઓ તો, પ્રતીકાત્મક રીતિનો વિનિયોગ કરવા ચાહે છે. અજ્ઞાત ચિત્તનાં સંકુલ સંવેદનોને તરુણ કવિઓ કલ્પનો પ્રતીકો કે મિથનાં તત્ત્વોને આશ્રયે વ્યક્ત કરવા મથ્યા છે. વારંવાર તરુણ કવિના સંવેદનમાં કશુંક કપોલકલ્પિત કે મિથિકલ કે એબ્સર્ડનું તત્ત્વ અસંપ્રજ્ઞાત સ્તરે સંકળાતું રહ્યું છે. સર્જકનો ક્રિયેટિવ સેલ્ફ સંવેદનની અંતર્ગત આવાં તત્ત્વોનો ઉપચય કરતો રહે છે. આથી આદુનિક રચનામાં વર્તુળના વ્યાસની જેમ કૃતિનેએક છેડેથી બીજે છેડે વ્યાપી લેતો નક્કર વિચાર શોધી કાઢવાનું મુશ્કેલ છે. કૃતિના વિકાસમાં દરેક તબક્કે સર્જકચેતના જ નિર્ણાયક બનીને પ્રવર્તે છે. કૃતિના સંયોજનની આ ભિન્ન પદ્ધતિ છે. અને તમે મેટાફરની નહિ મિટોનિમીની રચનારીતિ કહી શકો. પણ રચનાના સંવિધાનની આ રીતિ કવિ સામે એટલો જ મોટો પડકાર બની રહે છે. તેની કાવ્યચેતનાનો સ્રોત જો છીછરો અને ક્ષીણ હશે, તો રચનાના કોઈ તબક્કે ઇચ્છા કે આયાસપૂર્વક કૃતિનો સ્વીકાર કરવા તે પ્રેરાશે, અને એવી ક્ષણોમાં કશુંક કેવળ બૌદ્ધિક સ્તરે ઉદ્‌ભવેલું, અને તેથી સાવ આગંતુક તત્ત્વ એમાં ભળી જશે. દીર્ઘ વિસ્તારી કાવ્યરચનાઓમાં આવા આગંતુક અંશો પ્રવેશી જવાની ભીતિ વિશેષ રહે. વળી રચનાપ્રક્રિયા દરમ્યાન કવિ સ્વૈરપને ભાષાનો વિસ્તાર કરવા પ્રેરાય અને અમુક ભાષારૂપ પોતે જ સ્વસંચલિત થઈને અન્ય ભાષારૂપને જન્માવે, અને એ રીતના ભાષાકીય વિસ્તારમાં તેની નિયામક સર્જકચેતનાનું અનુસંધાન છૂટી જાય, તો એ તબક્કે રચના કેવળ જલ્પન બની બેસે એવો ભય છે. અલબત્ત, કૃતિમાં ગૂંથાઈ આવતું એકેએક વાક્ય કે વાક્યાંશ કે શબ્દરૂપ કૃતિના રહસ્યમાં ખરેખર સમર્પક (અને એ રીતે સાર્થક) બને છે કે કેમ તેનો નિર્ણય કરવાનું સહેલું નથી. કવિતાના રૂપનિર્માણના સંદર્ભે આમ પદ્યબંધ, લયવિધાન, અભિવ્યક્તિની રીતિ અને પદબંધના છેક પાયાના પ્રશ્નો પડેલા છે, અને એની સાથે સંકળાઈને કવિતાનો ‘અર્થ’, કવિસ્વર (poets voice)અથવા નેરેટરનો સ્વર (narrator’s voice), ટોન, પર્સન (persona), કવિવૃત્તિ (attitude) વગેરે મુદ્દાઓ પણ કાવ્યવિવેચનમાં સ્થાન લે છે. કૃતિમાં કવિના અર્થબોધ અને મૂલ્યબોધની ભૂમિકા અહીં આપણને મળે છે. કમનસીબે કાવ્યવિવેચનમાં આ ઓજારોનું આપણે ત્યાં ઝાઝું મહત્ત્વ દેખાતું નથી. પણ આપણે અહીં નોંધવું જોઈએ કે કાવ્યરચનામાં સ્વતંત્ર અને નિરપેક્ષ સર્જકચેતનાના વ્યાપારનો માત્ર સૈદ્ધાંતિક ભૂમિકાએથી સ્વીકાર કરીએ તેટલા માત્રથી કૃતિના વર્ણનવિશ્લેષણના જટિલ પ્રશ્નો ઊકલી જતા નથી. રચનામાં સિદ્ધ થતાં આવતાં સૂક્ષ્મતમ અર્થો અને અર્થચ્છાયાઓ અને સંવેદનનાં મૂલ્યોની ઓળખ માટે verbal text જ આપણે માટે સાચો આધાર બની રહે છે. કલ્પન પ્રતીક મિથ કે મેટાફર – એ સર્વ રચનાપ્રયુક્તિઓ આપણી સામે એક યા બીજી રીતની ભાષાકીય સંરચના રૂપે આવે છે. એટલે કવિની ભાષામાં સંયોજિત થતાં સ્થૂળસૂક્ષ્મ મૂર્તઅમૂર્ત સમવિષમ એવાં તત્ત્વો વચ્ચે આંતરિક સંગતિ, સમસંવાદ અને એકાત્મતા સિદ્ધ થયાં છે કે કેમ એ કાવ્યસમીક્ષાનો એક મહત્ત્વનો મુદ્દો બને છે. અને આપણે અહીં નોંધવું જોઈએ કે અછાંદસ રીતિમાં લખાતી રહેલી આપણી અસંખ્ય રચનાઓ આ કસોટી પરત્વે ઘણી ઊણી ઊતરે છે. પદબંધના સ્તરેથી એવી રચનાઓનું અવલોકન કરતાં તરત સ્પષ્ટ થશે કે એમાં વારંવાર અભિવ્યક્તિ કથળતી રહી છે. સશક્ત લયના નિયમના અભાવમાં ભાષાનો સ્વૈર વિસ્તાર થયો હોત ત્યાં ભાષાની શિથિલતા કે વ્યસ્તતા તરત ચાડી ખાય. પણ પોતનું ઝીણવટભર્યું અવલોકન કરતાં વળી તેમાંની અભિવ્યક્તિના સ્તરે રહી ગયેલી વિસંગતિઓ કે વિસંવાદિતાઓ તરત જડી આવશે. કમનસીબે આપણું કાવ્યવિવેચન ભાષાની પ્રક્રિયાના સ્તરોએથી આ જાતની તપાસ કરવા હજી ખાસ સક્રિય બન્યું નથી. અને કવિસ્વર, નેરેટરનો સ્વર, પર્સન ટોન આદિ મુદ્દાઓ કવિતાના રૂપવિધાનના ખેડાયેલા પ્રશ્નો સાથે સંબંધિત છે. પાશ્ચાત્ય કાવ્યવિવેચનમાં આજે એ મુદ્દાઓ અત્યંત મહત્ત્વનું સ્થાન લેતા દેખાશે. ત્યાંના કવિઓએ અંગત સંવેદનને વસ્તુલક્ષી રૂપ આપવાના – આત્મસંવિદના objectificationના સભાન પ્રયત્નો કર્યા છે, અને ત્યાંના વિવેચને તેના આ જાતના પ્રશ્નોની તાત્ત્વિક ભૂમિકા સમજવાના એવા જ પ્રયત્નો કર્યાં છે. ચિત્તનાં સંકુલ સંચલનોને સમગ્રતામાં ઝીલવા કવિ એ સર્વ સંવેદનો-સંચલનોને પોતાની જાતથી કેવી રીતે અળગાં કરીને જુએ, અને કેવી રીતે વસ્તુલક્ષી ભૂમિકાએથી તેને નાટ્યાત્મક રૂપ અર્પે, એ આખીય રચનાપ્રક્રિયા ત્યાંના કવિઓ અને વિવેચકોને માટે ઊંડા અવલોકનનો વિષય રહી છે. આમ જુઓ તો, આ પ્રશ્ન રૂપનિર્માણ પરત્વે કવિના અભિગમનો છે. કૃતિમાં કવિનો સ્વર, કવિએ સર્જેલા ‘પર્સન’ (Person) કે નેરેટરનો સ્વર, સંવેદનમાં છતો થતો કવિનો ટોન, વર્ણ્યવસ્તુ પરત્વે કવિનું attitude – આ પ્રશ્નોને, દેખીતી રીતે જ વળી કૃતિના ‘અર્થ’ (કે ‘રહસ્ય’) સાતે નિસ્બત છે; પણ આપણા બહુ ઓછા કવિઓ રૂપનિર્માણની આવી સ્ટેટ્રેજી વિશે પૂરતા સભાન હોવાનું જણાય છે. આજની આપણી કવિતા ભાષા સાથે કેવી રીતે કામ પાડી રહી છે અને પ્રસંગે પ્રસંગે એમાં કપોલકલ્પિત કે મિથિકલ તત્ત્વો કેવી રીતે વિલસી રહે છે તેનાં એક બે દૃષ્ટાંતો હવે જોઈએ. – લાભશંકરની ‘પ્રવાહણ’ રચનાનો એક ટૂંકો સંદર્ભ :

નિશ્ચિત છે નિશ્ચિત આ કમોડ, ચક્રકાર ઘૂમતું
ને કશુંય ના નિશ્ચિત-ની ક્ષણ પર બેઠા છીએ –
ઈર્રિડ્યુસિબલ લિટરરી મિનિમમને કાઢવા.... મથતા, ઊં...હ ઊં...હ
તરબૂચ ટેટી –હોદ્દો – ગાદી –લૂંટફાટ –ઋણવિદ્યુત – લીલમ
ગર્ભાધાન–અચેતન –ગાંડું – ઈન્ટરલોક – નિવેદન – દૂષણ
સ્ટ્રેટેજી-સ્ટ્રેટેજમ–રુખસદ-તત્કાલીન
વૉરહેડ્‌ઝ-મિઝાઈલ-કિટિ

પૂંછડી વિનાનું એક પંખી પોપટ જેવું, જોયાનું પ્રિય તને યાદ છે? કીવી, કીવી, ટીવી પર જોયાનું, કેમ વળી નિશ્ચિત બરાબર યાદ છે.

ન્યૂઝીલેન્ડનું પંખી કીવી
નીવીબંધને સરકાવીને યાદ કરે છે બીવી
તો પછી મૉકસિનના સુંવાળા જોડા પગમાંથી કેમ નથી નીકળતા?

કાવ્યરચનાની આ જાતની ભૂમિકા આપણા વિવેચન સામે જાણે કે પડકાર બનીને આવી છે. અહીં નેરેટરનો ‘અવાજ’ જે રીતે ખુલતો આવે છે તેમાં સંવેદનની પ્રક્રિયા સાથે ઉપહાસનો ભાવ છતો થાય છે. અહીં ભાષાનાં વિવર્તનો ચૈતસિક વાસ્તવને વિભિન્ન સપાટીએ સ્પર્શે છે. જે કંઈ ગહનગંભીર રૂપે સ્વીકારતું આવ્યું છે તેનું મર્માળું વ્યંગભર્યુ ચિત્રણ થતું અહીં જોવા મળે છે, તો જે કંઈ ક્ષુદ્ર અને કુત્સિત છે તેને વળી આભાસી ગંભીરતા સાથે પ્રત્યક્ષ કરવમાં આવ્યું છે. ભાષાનાં વિલક્ષણ રૂપો અહીં સ્વયં ગતિશીલ બનીને પ્રવર્તે છે, અને કશુંય દૃઢપણે પ્રતિષ્ઠિત થાય ન થાય તે પહેલાં ઓગળી જાય છે! આ પ્રકારની કાવયપ્રક્રિયાને સંગીન વિવેચનની આજે અપેક્ષા છે. હરીશ મીનાશ્રુની ‘ધ્રિબાંગસુંદરકાંડ’ની પહેલી ગઝલ અહીં ઉતારી છે, તે પણ આજની કાવ્યપ્રવૃત્તિના એક અતિ વિલક્ષણ ઉન્મેષ રૂપેઃ

ગઝલ – ૧ (અર્થાત્‌ શ્રી પ્રભુના ધ્રિબાંગસુંદરાવતારની કથા)

ધ્રિબાંગસુંદરના હોઠે શરબતનો પ્યાલો
અને હાથમાં ચમકે પુંકેસરનો ભાલો
આ કાગળના સ્ફટિકદેશનો કુંવરપાટવી
ટપકું ખરતાં તુરત રચી દે દ્વીપપ્રવાલો
ક્ષીરસાગરમાં કલમપત્રની સુખશય્યા પર
કરે વામકુક્ષિ ઓઢીને શબ્દ-દુશાલો
શાહીનાં આ તમસ ખૂંદીને વનવન વીંધે
ધરી પ્રજળતાં કેસૂડાંની કૈંક મશાલો
ધ્રિબાંગસુંદર અહો! અવતરે સ્વર્ગ ત્યજીને
જટા વિખેરી તત્પર ઊભા હુંશિલાલો

ધ્રિબાંગસુંદરની મિથિકલ ઈમેજ અહીં વ્યંગભર્યા ટોનમાં રજૂ થઈ છે. કવિની સર્જકચેતના કોક ઊર્ધ્વ ભૂમિકાએથી આખી ઘટનાને પ્રત્યક્ષ કરી રહી હોવાનું અહીં સમજાશે. કાવ્યવસ્તુને અમુક અંતર પાડીને objectify કરવાની પ્રક્રિયા ખરેખર તો ઝીણવટભર્યું અવલોકન માગે છે. કાવ્યબાનીમાં ગૂંથાઈ આવેલાં પૌરાણિક તત્ત્વોનો મર્મવ્યંગભર્યો પ્રયોગ પણ અહીં ધ્યાનાર્હ છે, અને ગઝલની રચનાપ્રણાલિ અને પરંપરા અહીં આગવી રીતે creative tension રચે છે, અને કૃતિના રહસ્યને આગવી સંકુલતા અર્પે છે. લાભશંકરના લઘરા જૂથનાં કાવ્યોમાં મિથિકલ રૂપ ધરાવતો ‘લઘરો’ કે દિલીપ ઝવેરીનાં ‘પાંડુ પ્રહેલિકા’ વિષયનાં કાવ્યોનો પાંડુ, કે રમેશ પારેખનો આલા ખાચર, કે હરિકૃષ્ણ પાઠકનો ‘અડવો’ કે રાજેન્દ્ર શુકલના ‘સ્વવાચકની શોધ’માંનો કાવ્યનાયક, કે ધીરુ પરીખના ‘છપ્પાઓ’નો કવિસ્વર – આવી આવી અનેક વિલક્ષણ રચનાઓ આપણા વિવેચનને પડકાર કરી રહી છે. જોઈએ, આપણું વિવેચન એ પડકાર કેવી રીતે ઝીલે છે...

* ‘શેષવિશેષ-૧૯૮૪’ (સં. પ્રમોદકુમાર પટેલ, ૧૯૮૬)–ની પ્રસ્તાવના

* * *