અનુબોધ/પરમ રસના ઉપાસક કવિ સુંદરમ્‌

Revision as of 02:39, 16 April 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


‘પરમ રસ’ના ઉપાસક કવિ શ્રી સુંદરમનું નવપ્રયાણ

૧૩મી જાન્યુઆરી ૧૯૯૧ના રોજ પોંડિચેરીમાં શ્રી સુંદરમ્‌ની પાર્થિવ જીવનલીલા સંકેલાઈ ગઈ. ‘પરમ રસ’ની પ્રબળ ઝંખનામાં જીવતા કવિ કોઈ મહામૌનમાં વિરમી ગયા. શ્રી અરવિંદ અને પૂજ્ય માતાજીને ચરણે સાધના કરી રહેલા સાધક કોઈ નેપથ્યલોકમાં સરી ગયા... ઉમાશંકર, સુંદરમ્‌ સ્નેહરશ્મિ – એ ત્રણ સાહિત્યોપાસકોની વિદાય સાથે ગાંધીયુગના છેલ્લા સ્વરો શમી ગયા... ત્રીસીના અગ્રણી કવિઓ તરીકે ઉમાશંકર–સુંદરમ્‌નાં નામોનો આપણે ઘણુંખરું એકસાથે ઉલ્લેખ કરતા રહ્યા છીએ. અંગત જીવનમાં બંને કવિઓ અતિ નિકટના મિત્રો રહ્યા છે એ ય નોંધપાત્ર બીના છે. અને બંને એ યુગનાં વૈચારિક-સાંસ્કૃતિક આંદોલનો વચ્ચે જીવ્યા છે, અને બંનેના સાહિત્યમાં યુગનાં સ્પંદનો આગવી રીતે ઝિલાયાં છે. પણ ધ્યાનાર્હ બાબત એ છે કે સાહિત્યકળા અને જીવનદર્શન પરત્વે બંનેના અભિગમમાં ક્યાંક મૂળથી જ ફેર રહ્યો છે. ઉમાશંકર માનવસમાજ, સંસ્કૃતિ અને ઐતિહાસિક પ્રવાહો સાથે છેવટે સુધી ગાઢ નિસ્બત પ્રગટ કરતા રહ્યા; તો સુંદરમ્‌ આરંભમાં જ સામાજિક, આર્થિક વિષમતાઓ, સંઘર્ષો અને માનવકલહો વિશે તીવ્ર અભિજ્ઞતા ધરાવતા છતાં માનવવ્યક્તિના શ્રેય અર્થે આધ્યાત્મિક માર્ગની ખોજમાં રહ્યા. શ્રી અરવિંદ અને પૂજ્ય માતાજીના સાન્નિધ્યમાં મુકાયા પછી તેમની આધ્યાત્મિક ખોજનો અંત આવ્યો : જીવનની સાધનાનો માર્ગ તેમને મળી ગયો તે સાથે તેમની કવિતાને પણ જાણે ‘ધ્રુવપદ’ મળી ગયું. શ્રી અરવિંદના જીવનદર્શનના પ્રકાશમાં સુંદરમ્‌નું સર્જનચિંતન એ પછી એક નવી ભૂમિકા પર મંડાયું. ઉમાશંકર અને સુંદરમ્‌ બંનેની જીવનગતિ અને કલાદૃષ્ટિમાં ક્યાંક મૂળથી જ ફેર રહ્યો છે એમ કહેવું જોઈએ. સુંદરમ્‌ એમની કારકિર્દીમાં કવિ તરીકે સક્રિય બન્યા અને પછીથી સાધનાને માર્ગે વળ્યા – એ કથન પણ, કદાચ, પૂરેપૂરું સાચું નથી ‘કોયા ભગતની કડવી વાણી’નાં ગીતોમાં દલિતપીડિતોની અવદશાનું વર્ણન કરતાં આ જગતના પાલકનું ઠઠ્ઠાવિનોદભર્યું ચિત્રણ તેમણે જે રીતે કર્યું તેમાં ઘેરી નાસ્તિકવૃત્તિ જોવાની જરૂર નથી : આ વિશ્વજીવનની વ્યવસ્થા વિશેનો એ એક પ્રામાણિક પ્રતિભાવ જ હતો; તેમની આધ્યાત્મિક ખોજનું એ એક આરંભબિંદુ જ હતું. હકીકત તો એ છે કે ૧૯૨૬માં રચેલા એક સૉનેટ ‘એકાંશ દે’માં તેમની આસ્તિકવૃત્તિ એટલી જ પ્રબળપણે મુખરિત થઈ ઊઠી છે :

સ્રજે જગત, ને વહે સકળ ભાર ભૂમિ તણો,
અને વિકળ વિશ્વનાં દુઃખ હરે, ઠરે વિશ્વ આ
તુંમાં, જગત સ્થાપતી, ધરતીને ય સંહારતી,
અમેય તવ શક્તિનો મુજ ગરીબને અંશ દે.
અપાર તવ સૌમ્ય, રુદ્ર, રમણીય વ્હેતી મીઠી
સજીવન સુધા થકી સફળ જીવવા અંશ દે.’સ

— સુંદરમે આ સૉનેટમાં પરમ તત્ત્વનું સ્વરૂપ જે રીતે વર્ણવ્યું છે તેમાં ગીતાના ગાયક શ્રીકૃષ્ણના વિભૂતિસ્વરૂપની ઝાંખી થાય છે. એક રીતે, સુંદરમ્‌ના સંવેદનાતંત્રમાં પડેલાં ભૌતિક-અધિભૌતિક તત્ત્વોનો એમાં યુગપદ્‌ પરિચય થાય છે. પૃથ્વીનાં જડ પ્રાકૃતતત્ત્વની બોજિલતાનો એમાં નિર્દેશ છે, તો પરમ તત્ત્વમાં અનુસ્યૂત રહેલા ‘સુધાતત્ત્વ’નો ય ઉલ્લેખ છે. પણ, સુંદરમ્‌ની આધ્યાત્મિક ઝંખના એ અવતારી પુરુષની ઉપાસનામાં સીમિત થઈ જતી નથી. ધર્મના કોઈ પણ પંથ, સંપ્રદાય કે માર્ગથી, કર્મકાંડથી, પુરાણકથાઓથી તેઓ અળગા રહ્યા છે. છેવટે શ્રી અરવિંદના યોગમાર્ગમાં તેમની શ્રદ્ધા ઠરી છે. શ્રી અરવિંદના જીવચિંતનની અને દર્શનની પ્રેરણા, એ પછીથી તેમના સમગ્ર સર્જનચિંતનને નવી ભૂમિકા પર મૂકી આપે છે. માનવવ્યક્તિના આધ્યાત્મિક વિકાસ અને પરમ ગતિનો તેમનો વિચાર હવે નવું અર્થદર્શન પામે છે. માનવ્યક્તિની સ્થૂળ લૌકિક દૃષ્ટિની પાર રહેલાં સૂક્ષ્માતિસૂક્ષ્મ વિશ્વો અને સત્ત્વો, અને તેનાથી ય મુક્ત પરમ ચેતનાનો તેઓ સ્વીકાર કરે છે અને પૃથ્વીના જડ પ્રાકૃત પદાર્થો અને માનવવ્યક્તિના ઉત્કર્ષ અર્થે એ પરમ ચેતના સ્વયં સક્રિય બની અહીં અવતરવાની છે, એવી શ્રદ્ધાભૂમિ પર તેઓ પહોંચે છે. જરા જુદી રીતે કહું તો, આ કવિ-સાધકે શબ્દની ઉપાસનાના આરંભકાળથી જ માનવવ્યક્તિ લેખે વિશ્વજીવનમાં પોતાનું સ્થાન અને જીવનનો અર્થ પામવાની ઝંખના પ્રગટ કરી છે. એ ઝંખના જ તેમને વિશ્વજીવનની ગહન ગતિવિધિઓનાં, તેનાં કેન્દ્રિય સંચલનોનાં અને તેની હેતુલક્ષિતાનાં ચિંતનસંવેદનમાં રોકી દે છે. એમાં ભૌતિક વિશ્વનાં પ્રાકૃત તમિસ્રઘન તત્ત્વોનો પૂરો સ્વીકાર છે; તેની સીમિતતા અને પરિમિતતાની અભિજ્ઞતા છે; તે સાથે એ માનવસંયોગોને અતિક્રમી જવાની પ્રબળતમ ઝંખનાય છે. વિશ્વજીવનની સમુત્ક્રાંતિના ક્રમમાં તેઓ માનવજીવનની ગતિવિધિઓને જોવા-સમજવા ચાહે છે. એટલે જ, આરંભમાં પરમ તત્ત્વ વિશે સંશય, પ્રશ્ન, આત્મખોજ, સંઘર્ષ અને સમાધાનની ભિન્ન ભિન્ન અને વિરોધી લાગતી વૈચારિક ભૂમિકાઓમાંથી તેઓ પસાર થાય છે. અંતે શ્રી અરવિંદ અને પૂજ્ય માતાજીની જીવનદૃષ્ટિના સંસ્પર્શે એ સર્વ વિસંવાદો શમી જાય છે. કવિતા, ટૂંકી વાર્તા, ચિંતન, વિવેચન આદિ ભિન્નભિન્ન ક્ષેત્રોમાં સુંદરમે જે કામ કર્યું તેમાં તેમની આ બદલાતી જીવનદૃષ્ટિ અને બદલાતી ભૂમિકાનો આલેખ જોઈ શકાશે. એ ખરું કે કવિતાઓમાં અને ટૂંકી વાર્તાઓમાં આરંભકાળમાં લોકજીવનની વિષમ કઠોર વાસ્તવિકતાના પ્રશ્નો અને સંયોગોનું આલેખન થયું છે, એમાં કેટલીયે કવિતા અને વાર્તાઓના વિષયો પરસ્પરથી અલગ લાગશે પણ તેમના સમગ્ર સર્જનચિંતનના ક્રમશઃ ઉઘાડને લક્ષમાં લઈએ તો, આરંભના તબક્કાની કવિતા-વાર્તાઓ અને જીવનવિચારો એક ચોક્કસ દર્શનના વિકાસક્રમમાં ગોઠવાઈ જતાં લાગશે. માનવીની સામાજિક, આર્થિક સ્મસ્યાઓનો, તેની દીનદલિત દશાનો, તેઓ પૂરી પ્રામાણિકતાથી સ્વીકાર કરે છે. પણ, માનવીના પરમ શ્રેય અર્થે, ભૌતિક સમૃદ્ધિની નહિ, આધ્યાત્મિક ઉન્નતિની તેમને જરૂર વરતાઈ છે. માનવજાતિના – માનવવ્યક્તિના – શ્રેયના કૂટ પ્રશ્નો તે તો તેની પ્રાકૃતતાના સ્તરનો જ પ્રશ્ન છે : તેમનું સર્જનચિંતન એવા આધ્યાત્મિક પ્રશ્નો સાથે કામ પાડે છે. ટૂંકમાં, સુંદરમ્‌ પોતાની શબ્દની ઉપાસનામાં, આરંભકાળમાં, લોકજીવનની વાસ્તવિકતાઓ પર દૃષ્ટિ ઠેરવે છે. કવિતા અને વાર્તામાં, એ રીતે, લોકજીવનની પ્રાકૃતતાના સ્વીકાર સાથે કઠોર ભીષણ વાસ્તવિકતાનાં અનેકવિધ ચિત્રણો તેમણે આપ્યાં છે... પણ એ નકરા વાસ્તવની અભિજ્ઞતા સાથે જ, તેમનામાં આ વિશ્વજીવનનાં સંચાલક બળો વિશે પ્રશ્નો થાય છે. અંતે શ્રી અરવિંદ અને પૂ. માતાજીના ચરણમાં માનવજાતિના સંઘર્ષો, વિસંવાદો, અને વિઘટનો ઓગળી જાય છે : ‘યાત્રા’ની અને તે પછીની કવિતાઓ અને ગીતો પરથી સમજાશે કે કવિ-સાધક પરમ ચિતિને શરણે આવ્યા છે. તેમની કવિતાનો મુખ્ય વિષય આત્મવિલોપન અને પ્રપત્તિ બને રહે છે. એ શ્રદ્ધાભૂમિ પરથી હવે એક જ રટણ ચાલે છે :

‘અમને રાખ સદા તવ ચરણે / કમલ સમા તવ મધુમય શરણે.’

છેક ૧૯૩૩માં સુંદરમે ‘ધ્રુવપદ ક્યહીં?’ શીર્ષકની ચિંતનલક્ષી કવિતા રચેલી. એમાં પોતાની કાવ્યપ્રવૃત્તિના ‘ધ્રુવપદ’ વિશે તેમણે પ્રશ્ન કર્યો હતો :


‘અરે, મારી ભોળી શિશુક કવિતાને હજી નથી
મળ્યું એનું સાચ્ચું ધ્રુવપદ, ભમે આજ અટૂલી
સુગ્રંથ્યાં વિશ્વોમાં બસુર સ્વરથી, કાવ્યઘડુલી
મહા સત્યાબ્ધિમાં સ્થિર તરણ અર્થે રહી મથી
ઉકેલી વિશ્વોની ગહનલિપિ સામંજસવતી,
સુયોજ્યા સંસારે સ્થળ મનુજનું સત્ય નિરખી
પ્રતિપ્રાણીનાં જીવનજલતણાં વ્હેણ પરખી,
હું શબ્દે શ્રદ્ધાના કવિશ કવિતા ઓજસવતી.’

—અને, અંતે, ‘આ ધ્રુવપદ’માં કવિને ઉત્તર મળ્યો છે :

ધરા લેશે ત્યારે નિજ વિકસને નવ્ય પગલું,
લીધેલાં વિષ્ણુએ ત્રણ ક્રમણમાં ચોથું ક્રમણ
થશે, એ છે આશા ધરતી ઉરની, ઊર્ધ્વગમન
*
પ્રભુત્વે આરોહી, પ્રભુતણી લઈ સિદ્ધિ સકલ,.
ધરાહૈયે પાછું અવતરિત થાવું, પ્રભુતણી
અહીં આંકી દેતી બૃહત ઋતમુદ્રા – રણઝણી
રહો એ ભવ્યાશે વિકસિત ઉરોનાં શતકુલ.’

આ બે ચૈતસિક અવસ્થાઓ વચ્ચે સુંદરમે માનવપ્રણય, માનવસંયોગોની વિષમતા, પરમ તત્ત્વની ખોજ, વ્યક્તિવિશેષોની જીવનગતિ, અને બીજા અનેક પ્રસંગોને નિમિત્ત કરી કવિતાઓ રચી છે. એમાં પ્રણય અને પરમ તત્ત્વની ખોજ – એ બે તેમની કાવ્યચિતિના મુખ્ય સ્થાયિભૂત પ્રાણવાન સ્પંદો રહ્યા છે. આરંભમાં માનવપ્રણય અને અધ્યાત્મતત્ત્વની ખોજ અલગઅલગપણે ચાલે છે. પણ એક તબક્કે પ્રણયભાવનું વિશુદ્ધ સત્ત્વ સ્વયં એક ઉદાત્ત ઊર્ધ્વરસનું કેન્દ્ર બને છે; અને ત્યાં કવિની અધ્યાત્મઝંખના અને પ્રણયઝંખના એકલક્ષી બને છે. લૌકિક પરિસ્થિતિઓ અને લૌકિક સંબંધો વચ્ચે પાંગરતા પ્રણયભાવનું આ સૂક્ષ્મીકૃત ઊર્ધ્વીકૃત રૂપ એ આપણા કાવ્યસાહિત્યની એક અનોખી ઘટના છે. ‘કાવ્યમંગલા’માં અંગત લૌકિક પ્રેમનાં બહુ થોડાં કાવ્યો છે. ‘વસુધા’માં પ્રણયનાં સંવેદનો વિભિન્ન ભાવભૂમિકાએ અને વિભિન્ન ઉદ્રેકો સમેત વર્ણવાયાં છે. ‘બંધાઈ ગયું’ જેવી મર્માળા વિનોદની પ્રસંગકવિતાથી લઈ ‘જગતનું આશ્ચર્ય’ જેવી ઉદાત્તસૂક્ષ્મ રહસ્યવાદી છાયા ઝીલતી અનુભૂતિની રચનાઓ એમાં જોવા મળે છે. સંસારી સંબંધોની મર્યાદાઓ વચ્ચે પ્રિયજનના વિયોગ અને હૃદયની અતૃપ્ત ઝંખનામાંથી જન્મતા કરુણની ઘેરી છાયા – એ પ્રકારની અનેક રચનાઓમાં વરતાય છે. પ્રિય પાત્રના મિલનની આશાનિરાશા કવિમાં આત્મગત સંવેદનચિંતનની આગવી ધારા જન્માવે છે. નોંધપાત્ર બાબાત એ છે કે કવિ સૂક્ષ્મ રીતે પોતાની લૌકિક વૈયક્તિક ભૂમિકાએથી અળગા થઈ વ્યાપક મનુજપ્રણયની ભૂમિકા તરફ સરકતા રહ્યા છે. ‘વસુધા’નાં પ્રણયકાવ્યોમાં પ્રણયસંબંધો અને તેની ભાવભૂમિકા વધુ ને વધુ ભાવનાત્મક સ્તરોએથી અને પ્રતીકાત્મક સંદર્ભોમાં રજૂ થતાં રહ્યાં છે. ‘આજે વસંતે’, ‘સાંજે જ્યારે’, ‘નથી નિરખવો શશી’, ‘કમલદલમાં’, ‘દ્યુતિ પલકતાં’, ‘ઉષા ન્હોતી જાગી’, ‘સૂઉં તારાં સ્વપ્ને’, ‘તે રમ્ય રાત્રે’, ‘જાવા પૂર્વે’, ‘સળંગ સળિયા પરે’, ‘જઈ આવી’, ‘નિશિગન્ધાની સુરભિને–’ જેવી રચનાઓમાં પ્રણસંવેદનની રજૂઆતમાં બદલાતી ભૂમિકા તરત ધ્યાન ખેંચે છે. ‘નિશિગન્ધાની સુરભિને’નો આ સંદર્ભ જુઓ :

રાત્રે યદા આશ પ્રકાશ કેરી
સરી પડે છે ઉરમાંથી વિશ્વના,
પદાર્થ જે તેજ વિષે સુમોહક
તે ધૂંધળા છાયસ્વરૂપ થૈ રહૈ,
ત્યારે ય પૃથ્વીઉર જીવતું છે
જણાવતી જે ભરપૂર પૂરથી
સદા અનિર્વાચ્ય સુવાસ કેરા,
છે એકલી જે બસ જિન્દગીને
પ્રફુલ્લતાથી ભરનાર સુપ્રિયા!

પ્રણયમાત્ર હવે એક રહસ્યમય વિશ્વચેતના સાથે એકરૂપ બની જાય છે! માનવઅંતરની પ્રણયઝંખના હવે કોઈ એક મનુજવ્યક્તિનો આકસ્મિક અંશ નહિ, વિશ્વજીવનના ગૂઢ પ્રવાહરૂપે સંચરતી બૃહદ્‌ ચિતિ સ્વયં બની રહે છે. ‘યાત્રા’નાં પ્રણકાવ્યોમાં નાયકનાયિકાના લૌકિક સંબંધો અને સંયોગોની અમુક છાયાઓ હજી શેષ રહી છે. પણ એમાં મુખ્ય સ્પંદ તે પ્રણયનું સૂક્ષ્મતર સત્ત્વ વર્ણવવા તરફનો રહ્યો છે. નાયિકાના પ્રણય માટેની ઝંખના હવે વિશ્વચિતિમાં રહેલા પરમરસમાં ભળી જાય છે . ‘ગઈ કાલે’, ‘પ્રણય મુજ’, ‘પ્રીતિ તુજની’, ‘તુજ વિજય’, ‘મળ્યાં’, ‘મારો સખી સ્નેહ’, ‘મંગલ સમ’, ‘તારી થાળી’, ‘પૂર્ણ મયંક’, ‘નિશા ચૈત્રની’, ‘મધુ રાત્રિ’, ‘વહેલી સવાર’, ‘વિશ્વ આખું’, ‘દીઠી તને’, ‘મનુજ પ્રણય’ – જેવી રચનાઓમાં પ્રણયના લોકોત્તર ભાવો અને ભાવઝંખનાઓ વધુ ને વધુ પ્રતીકાત્મક સંદર્ભોમાં નિરૂપાતાં રહ્યાં છે. આધ્યાત્મિક દૃષ્ટિના પ્રકાશમાં એ ભાવો – ઝંખનાઓનું રહસ્ય સ્ફુટ થતું આવે છે ‘મનુજ પ્રણય’ના અંતભાગનો સંદર્ભ :

હતી સ્વપ્નાવસ્થા? અહ સુખદ એ કેવીક દશા?
મને અંગેઅંગે અણુઅણુમહીં કો પરસતું
ગયું, એવો ચૈત્યે ઝરમર રસો કો વરસતું
રહ્યું એવા જેવા મનુજજગમાં ક્યાંય ન વસ્યા
વસ્યા એ મીઠેરા રસ અમિત જ્યાં અમૃતરસ્યા
ત્યહીં મારાં હાવાં ચરણ વળતાં તૃપ્ત તરસ્યાં.

‘દીઠી તને’માં પ્રણયમૂર્તિ સ્વયં વિશ્વના પરમ રસની અધિષ્ઠાત્રી બની છેઃ

મેં પ્રાર્થ્યું કે :
આ દીન પૃથ્વી કાજ કો તું રૂપ દે,
જે સર્વદા સર્વત્રથી
સર્વરૂપે સર્વને લાધ્યા કરે,
એકી રસે, એકી ટસે વરસ્યા કરે,
જેના ઝરણથી અંજલિ પામ્યા વિના
કોઈ ના પાછું ફરે!

કવિ સુંદરમ્‌ની કાવ્યચિતિમાં નારીસ્નેહની ઉત્કટ ઝંખના જે રીતે પ્રબળપણે વ્યક્ત થઈ ઊઠી છે, તે કોઈ આગંતુક બાબત નથી; નારીદેહની વિભૂતિરૂપ શોભાનું અનન્ય મહત્ત્વ એમાં સ્વીકારાયું છે. ‘મને આકર્ષ્યો છે’ શીર્ષકની રચનામાં એ વિશેનો માર્મિક સંકેત મળે છે.

મને આકર્ષ્યો છે સતત ગરવાં આ પયધરે
અષાઢે જે ઘેરી ગગનપટ, ને યૌવન વિષે
ખિલી જે નારીને હૃદય ધરતાં પીન ઘનતા.
નથી લાધ્યો યાવત્‌ ગહનતર કો શાશ્વત રસ
ધરાઅંકે તાવત્‌ લઘુ મનુજ અર્થે ન અવર
રહ્યું કે જે અર્પી અમિત રસ સૌંદર્યસ્રવન
પ્રફુલ્લાવે એનો પડતર લુખો જીવનપટ.

—અંતે નારીવિભૂતિ સ્વયં ‘જગન્માતર્‌’ રૂપે પ્રત્યક્ષ થાય છે :

ખિલી તુ પુષ્યોમાં, પ્રગટી દ્યુતિમાં, સર્વ રસમાં;
પ્રફુલ્લી તેવી તું અમ ઉરની ઇપ્સાની રતિમાં
જગત્‌ આ જે જન્મ્યું તવ ચિતિની ઊર્ધ્વનસમાં.
જગન્માતર્‌, તારો સકલરસ, તારી જ રસના
વિખેરીને લેતી મધુ કણકણે ઘૂંટ રસના.

—સુંદરમ્‌ની પ્રણયભાવની કવિતામાં, આમ, આધ્યાત્મિક દૃષ્ટિના પ્રકાશ સાથે જે નવું રહસ્ય ખીલતું આવ્યું છે તેને લક્ષમાં લેતાં આ વિષયની સમસ્ત રચનાઓને જાણે કે નવું જ રહસ્ય પ્રાપ્ત થાય છે. પરમ તત્ત્વની ઝંખનાને વિષય કરતી કવિતાઓમાં સુંદરમ્‌ની આરંભની સંવેદના-ઝંખના અવનવા રંગરાગ ધારણ કરે છે. અગાઉ નિર્દેશ કર્યો છે તેમ, ‘કડવી વાણી’નાં ગીતોમાં તેમ ‘ત્રણ પાડોશી’ જેવી કૃતિમાં સામાજિક, આર્થિક વિષમતા અને દલિતપીડિતોનાં દુઃખોના નિરૂપણસંદર્ભે વિશ્વના સ્રષ્ટાનું વ્યંગવિનોદભર્યું વર્ણન મળે છે. જ્યારે ‘વિરાટની પગલી’માં રહસ્યવાદી અનુભૂતિનો સંસ્કાર વર્ણવતી, ઈશ્વરી સત્તાની રૌદ્ર-રમ્ય છબી ઉપસાવતી, એક વિરલ આધ્યાત્મિક ઘટના રજૂ થઈ છે. પણ ‘કાવ્યમંગલા’ અને ‘વસુધા’નાં પરમતત્ત્વવિષયક કાવ્યોમાં વિશ્વજીવનની પ્રાકૃતતા, જડતા અને તેની તમિસ્રાવૃત દશાનું પણ જુદી જુદી રીતે વર્ણન થતું રહ્યું છે. જે પ્રાકૃતજીવન માનવવ્યક્તિ સામે પ્રત્યક્ષ થાય છે, તેની વિસંવાદિતા, વિષમતા કે વિચ્છિન્નતા પર વારંવાર તેમની દૃષ્ટિ ઠરે છે. તેમની પ્રસિદ્ધ રચના ‘૧૩-૭ની લોકલ’ તેમની આ ગાળાની ભાવભૂમિકાનું વેધક દર્શન કરાવે છે. દેખીતી રીતે તો, સમાજનાં રંક, દીનહીન જનોનું પૂરી સહાનુકંપાથી એમાં ચિત્રણ થયું છે. સુંદરમે અતિ સૂક્ષ્મ મર્માળી રગમાં, સ્વભાવોક્તિભર્યું, એમાં જે ચિત્રણ કર્યું છે, તે ભાવકના ચિત્ત પર ઘણી ઊંડી અસર મૂકી જાય છે, પણ કૃતિના અંતભાગમાં કાવ્યનાયક સ્વગતોક્તિરૂપ જે ચિંતન કરે છે, તે વસ્તુ સામાન્ય ભાવકના ધ્યાન બહાર રહી જાય એવો સંભવ છે. એ પંક્તિઓ છે :

ખાલી એ અવકાશે ત્યાં તગતા સૂર્યતેજમાં
પાટાઓ સાંધતા સૂતા ક્ષિતિજો બે દિશા તણી.
ત્યહીં શું કોટિ કોશાન્તે ઝગતો સવિતા દિસે
ઊતરી આવીને નીચે દ્રાવતો દ્રવ્ય પૃથ્વીનાં
ભિન્નની ભિન્નતા ગાળી એકત્વે ઓપતો બધું.
ના, ના, એ ઝાંઝવાં સંધું! દૂર એ ભર્ગધામ છે!
અહીં તો હાલ સર્વત્ર
માટી ને લોહના જેવી પૃથક્‌તાના મુકામ છે!

—લોકલ ટ્રેન પસાર થઈ ગયા પછી નિર્જન સ્ટેશનવિસ્તારમાં ઉપસ્થિત કાવ્યનાયક આખા દૃશ્યને આ રીતે ઘટાવે છે! ક્ષણેક તો સામસામી દિશામાં અનંત વિસ્તરેલા લાગતા પાટાઓ સૂર્યતેજમાં ક્યાંક ભળી જતા લાગે છે, પણ તરત જ કાવ્યનાયકની ભ્રાન્તિ તૂટે છે : ‘અહીં તો હાલ સર્વત્ર/માટી ને લોહના જેવી પૃથક્‌તાના મુકામ છે.’ કવિ સુંદરમ્‌ના જીવનદર્શનમાં વર્તમાનની વિષમ કઠોર વાસ્તવિકતાનો સ્વીકાર છે, તે અહીં પ્રતીત થશે. શ્રી શંકરાચાર્યના અદ્વૈતદર્શનમાં બ્રહ્મ સત્ય છે, જગત્‌ મિથ્યા છે એ ખ્યાલ કેન્દ્રસ્થાને છે. સુંદરમ્‌ જગતની વર્તમાન દશાને મિથ્યા લેખવતા નથી. પૃથ્વીની પ્રાકૃતતા અને સ્થૂલતાને નક્કર વાસ્તવિકતારૂપે તેઓ અનુભવે છે. બલકે, માનવીની સીમિતતા અને પ્રાકૃતતા જ તેમની સામે પ્રશ્નરૂપે આવે છે. ‘પથ્થરે પલ્લવ’ના અંતભાગમાં આવતું આ ચિંતન જુઓઃ

હું માનવી સર્જનઅદ્રિ કેરી
ઉત્તુંગ ટોચે અણજોડ ઊભું
નિષ્પ્રાણ નિષ્પલ્લવ શો રહી શું
જાઉં રુંધાઈ ધવલા હિમથી વિઘાતી?
*
શું ટોચે તો માત્ર નિહાળવાની?
કે વીજળી-ઘા સહી તૂટવાની?
શું પથ્થરે પલ્લવ બેસશે ના?
શું ફ્‌ટશે અવર કૈં નહિ માનવીથી?

અહીં મુખ્ય પ્રશન પ્રાકૃતતાને અતિક્રમી જવાનો છે. માનવવ્યક્તિના, માનવજાતિના, બલકે સમસ્ત પૃથ્વીલોકના ઊર્ધ્વીકરણની સંભાવનાનો અહીં એ પ્રશ્નમાત્ર છે. તેમની જાણીતી રચના ‘માનવી માનવ’માં વળી વિશ્વજીવનની સમુત્ક્રાંતિનો ઘટનાક્રમ સ્વીકારાયો છે, અને ત્યાં માનવી એની પ્રાકૃતિક ભૌતિક અવસ્થામાંથી મુક્ત થાય એવી અભીપ્સા પણ વ્યક્ત થઈ છે :

ને આમ ઉત્ક્રાન્તિપથે પળંતો
હું માનવી ચિત્‌-ચણગાર ઝાઝો
જ્વલંત થાતો દિન એક પૂર્ણ
નિર્ધૂમ જ્યોતિ થઉં શુદ્ધ આત્મા.

સુંદરમ્ની આ આધ્યાત્મિક ભાવનાને શ્રી અરવિંદના દર્શનના પ્રભાવ નીચે અભિનવ ભૂમિકા મળી છે. પૃથ્વીલોકનાં પ્રાકૃત તત્ત્વો ઊર્ધ્વ આરોહણ અર્થે અભિમુખ બનશે, તો પરા ચેતના સ્વયં સક્રિય બનીને એ પ્રાકૃત તત્ત્વોને સહાયભૂત થવા પૃથ્વીપટ પર અવતરશે – એવી શ્રદ્ધામૂલક પ્રતીતિ પર તેઓ આવી ઊભે છે. ‘યાત્રા’ની કવિતાઓમાં પ્રણય, ઈશ્વર, વ્યક્તિવિશેષ કે વિશ્વપ્રકૃતિના પદાર્થો વિશે તેમણે જે જે સંવેદનચિંતન વર્ણવ્યું, તેમાં તેમની આ દૃષ્ટિવિશેષનો એક યા બીજી રીતે સંસ્પર્શ મળે જ છે. ઉ. ત. ‘અંગુલિ હે!’ શીર્ષકની રચનામાં હસ્તસંપુટ વિશેની ગૂઢ અનુભૂતિમાં તેમની આ શ્રદ્ધાભૂમિ જ પ્રગટ થાય છે.

બિડાયલાં આ દશ બિન્દુની પ્રભા
ઉઘાડશે દ્વાર ઋતુો અનંતનાં–
ને સંપુટે એ નભચારી દિવ્યતા
લેઈ બધાં અમૃત ઊર્ધ્વ લોકનાં
આવી રચંશે નિજ નીડ ઉન્નત.

‘ગુલબાસની સોડમાં’ રચનાના કેન્દ્રમાં રહેલું ગુલબાસનું પુષ્પ યોગમાર્ગના પ્રવાસી માટે ગૂઢ સંદેશ વ્યક્ત કરતું પ્રતીક માત્ર છે. એમાં માનવજાતિના સંઘર્ષો, કલહો અને હિંસાઓનો નિર્દેશ છે, તે સાથે એ રુગ્ણતાના નિવારણ અર્થે ગુલાબાસનું પુષ્પ આશ્વાસન અર્પે છે એવી ઝંખના પણ વ્યક્ત થઈ છે :

ગુલબાસ, તારો શ્વાસ મારા પ્રશ્નને આશ્વાસતો મીઠો વહે
આકાશના રસ ઝીલી તેં આ મિટ્ટીને મધુમય કરી
લાવ તારો હસ્ત આખી પૃથ્વીને હૈયે ધરું.
જો ઝેર હા વર્ષી શકે છે વ્યોમમાંથી ભૂમિ પર
તો અમૃતનીયે વાદળી વેરસી જશે અહીં એક દી.
આ ભૂમિએ નિજ રોગનું ઔષધ રહ્યું છે માગવું
આકાશની શીતળ ઘટાની ગહન રસશાળા થકી.

સુંદરમ્‌ની કાવ્યસાધનામાં આ ‘પરમ રસ’ જ દ્વૈવપદ છે. પર્મ તત્ત્વમાં ચિંતનસંવેદન અને ઊર્ધ્વની ઝંખનામાં એ ભિન્નભિન્ન રૂપે સાકાર થતો રહ્યો છે. એનાં રુદ્ર-રમ્ય બંનેય રૂપો તેમણે વર્ણવ્યાં છે. ‘રસઉગ્રતા’ શીર્ષકની રચનામાં રસતત્ત્વના રૂદ્ર કારલ પણ શિવંકર એવા આવિષ્કારનું નિરૂપણ થયું છે, તો ‘અહો ગગનચારિ’માં તેમની પ્રાપત્તિ અને આત્મલોપની ભાવના એક અસાધારણ ભીષણ ઘટનાના આશ્રયે વ્યક્ત થઈ છે. ‘નાચીજની કહાણી’ અને ‘કત્લની રાત’માં આત્મવિસર્જનની ઝંખના, વળી અતિ, વિલક્ષણ પરિવેશ ધરીને મૂર્ત થઈ છે. ‘અગ્નિવિરામ’ શીર્ષકની કૃતિ તરુણ કવિમિત્ર ગોવિંદ સ્વામીના અવસાન નિમિત્તે જન્મી છે. પણ કવિમિત્રના વિલક્ષણ વ્યક્તિત્વ અને તેમની વિલક્ષણ માનસસૃષ્ટિને અથવા ચિંતનસંવેદનમાં રસીને વર્ણવ્યાં છે. તેમની સમગ્ર કવિતામાં વિરલ રંગદર્શી સર્જકતાનાં એંધાણ આપતી અસંખ્ય રચનાઓ સહૃદય ભાવકને મળી રહેશે. અલબત્ત, આધ્યાત્મચિંતનના ગંભીર ચંક્રમણથી મુક્ત એવી રચનાઓ પણ સુંદરમ્‌માં મળે છે. ખાસ કરીને પૂર્વ તબક્કાની ઘણીએક પ્રણયકવિતા, ગીતરચનાઓ, પ્રસંગકાવ્યો કે વ્યક્તિવિશેષને લગતી રચનાઓ એમાં સમાવેશ પામે. ‘બુદ્ધનાં ચક્ષુ’, ‘ત્રિમૂર્તિ’, ‘કાલિદાસને’, ‘સ્વ. સંકરદત્તાત્રેય પાઠકને’, ‘પતંગિયું અને ગરુડ’, ‘તલાવણી’, ‘બાનો ફટોગ્રાફ’, ‘ગઠરિયાં,’ ‘કોણ’, ‘શિશુવિષ્ણુલાંછન,’ ‘ઘણ ઉઠાવ’, ‘છાતીએ છૂંદણાં,’ ‘પુણ્યાત્મા,’ ‘દ્રૌપદી’, ‘કર્ણ જેવી રચનાઓ અહીં સહેજે યાદ કરી શકાય. ગીત રચનાઓની સર્જકતાનો જ્યાં સુધી પ્રશ્ન છે, એમાં દીર્ઘ ચિંતનને અવકાશ નથી; એક નિર્વ્યાજ ઊર્મિનો આવેગશીલ સ્પંદ, તેજસ્વી ચિંતનરેખ, કે દીપ્તિમંત કલ્પનાનું ભાતીગળ ઉડ્ડયન – કોઈપણ નિમિત્તે ગીતનો પ્રારંભ થઈ શકે. સુંદરમ્‌ે, અલબત્ત, છેક આરંભમાં ‘કોયા ભગતની કડવી વાણી’માં ગ્રંથસ્થ કરેલાં ગીતોનું રહસ્ય નિરાળું છે. એમાં રંક દીનહીન જનોની કરુણ વિષમ દશાનું હળવી રગમાં ચિત્રણ થયું છે. ‘કાવ્યમંગલા’માં ગ્રંથસ્થ ‘વરેણ મીંદડી’, ‘પાંદડી’, ‘રૂડકી’ જેવી રચનાઓ પણ એ જ રગમાં રચાઈ છે. પણ સુંદરમે એ સિવાય આત્મગત ઝંખના, સ્વપ્નિલતા, કે પરમ તત્ત્વની ઝાંખીને વિષય કરતાં અનેક સુંદર ગીતો આપ્યાં છે. ‘એક સવારે’, ‘તુજ પગલી’, ‘હંકારી જા’, ‘ગઠરિયાં’, ‘કોણ?’, ‘સાંજને સમે’, ‘તવ ચરણે’, ‘આભનો ખેડૈયો’, ‘પુનમરાણીને’, ‘હંસા મારા’, ‘ઢૂંઢ ઢૂંઢ’, ‘પલક પલક’, ‘એક જ્યોત’, ‘સો મેરા હથિયાર’, ‘મેરે પિયા’ જેવી અસંખ્ય રચનાઓ તેમની ગીતનિર્માણની શક્તિનો સુખદ પરિચય આપે છે. સુંદરમ્‌ની પ્રસંગજન્ય અને ચિંતનપ્રણિત કવિતા ઘણુંખરું અક્ષરમેળ વૃત્તોમાં રચાયેલી છે. એથી શ્લોકને દૃઢ બંધ અને સમગ્ર રચનાને ચોક્કસ સૌષ્ઠવભરી આકૃતિ મળ્યાં છે. કાવ્યની પ્રશિષ્ટતા અને અભિજાત શૈલીનો આદર્શ એમાં પ્રેરક બન્યો હોય. પણ, અક્ષરમેળ વૃત્તોનાં માપ સાચવવાના પ્રયત્નોમાં ઇચ્છા-અનિચ્છાએ પંક્તિઓમાં દુરાકૃષ્ટ અન્વયો અને ક્લિષઆટ શબ્દસમૂહો યોજવા પડ્યા છે. શબ્દની પસંદગીમાં ય માપ સાચવવા સાવ અપરિચિત તત્સમ શબ્દો સ્વીકાવા પડ્યા છે. એ રીતે છાંદસ રચનાઓમાં બાનીની પ્રસાદિકતા અને તેની પોતાની સંવાદિતા અનેક સ્થાને ખંડિત થઈ છે. અતિ સૂક્ષ્મ સંવેદનપટુ ભાવકને એવાં સ્થાનોએ રસાનુભૂતિમાં વિધ્ન નડે જ, એ સમજાય તેમ છે. કવિતાની સર્જકતા અને કવિની આધ્યાત્મિક પ્રતીતિના સંબંધનો પ્રશ્ન અત્યંત જટિલ અને દુર્ગ્રાહ્ય રહ્યો છે. એટલે એની તાત્ત્વિક ચર્ચામાં આપને અહીં રોકાઈશું નહિ; માત્ર એટલું જ નોંધીશું કે શ્રી અરવિંદ અને પૂજ્ય માતાજીના સાન્નિધ્યમાં મુકાયા પછી સુંદરમ્‌ નિશ્ચિત દાર્શનિક દૃષ્ટિનો અંગીકાર કરીને ચાલ્યા છે. છતાં તેમની તેજસ્વી પ્રાણવાન કલ્પના વિશ્વજીવનની ઘટનાઓ અને પદાર્થોમાં વારંવાર વેધક પ્રવેશ કરે છે, અને તેનું હાર્દ પ્રકાશિત કરે છે. તેથી અનેક સંદર્ભે વિરલ સૌંદર્યનો બોધ કરાવે છે. તેમની ચિંતનપ્રવણતા પણ, વારંવાર સર્જક-માનસનો વિસ્મયકારી ઉઘાડ આણે છે તેથી, કે ઐન્દ્રિયિક રૂપોમાં મૂર્ત થતાં અનોખી રહસ્યમયતા ધારણ કરે છે તેથી, પ્રભાવક બને છે. જો કે ‘ઇંટાળા’, ‘પૂલના થાંભલાઓ’, ‘સિનેમાના પર્દાને’, જેવી કેટલીક રચનાઓ સરળ બોધપ્રદ રૂપકગ્રંથિ (moral allegory) માં જકડાઈને રુંધાઈ જવા પામી છે. ટૂંકી વાર્તાના ક્ષેત્રમાં સુંદરમ્‌ની સર્જકપ્રતિબા અનેક વિરલ કૃતિઓ નિપજાવી શકે છે. પણ તેમની વાર્તાઓને જરૂરી એવું મર્મગ્રાહી વિવેચન ઓછું જ મળ્યું છે તેમના વાર્તાસંગ્રહોનો પ્રકાશનક્રમ આ પ્રામણે છે : ‘હીરાકણી અને બીજી વાતો’ (૧૯૩૮), ‘ખોલખી અને નાગરિકા’(૧૯૩૯), ‘પિયાસી’(૧૯૪૦), ‘ઉન્નયન’(૧૯૪૫) અને ‘તારિણી’(૧૯૭૮). ટૂંકી વાર્તા જેવું કથામૂલક સ્વરૂપ, સ્વાભાવિક રીતે જ, એના સર્જકને સમાજજીવનની વાસ્તવિકતા તરફ અભિમુખ કરે. સુંદરમ્‌ પણ પોતાની વાર્તાઓના વિષયવૃત્તાંતો, ઘણુંખરું, પોતાના અનુભવમાં આવેલા લોકજીવનમાંથી ઉપાડે છે. ‘માજા વેલાનું મૃત્યુ’, ‘બીડીઓ’, ‘લીલી વાડી’, ‘પેકાર્ડનો પ્રવાસ’, ‘મીન પિયાસી’ જેવી તેમની કેટલીક વાર્તાઓ સમાજના દીનદલિત વર્ગનાં માનવીઓનાં સુખદુઃખની આસપાસ ગૂંથાયેલી છે. ‘કોયાભગની કડવી વાણી’ અને ‘કાવ્યમંગલા’નાં દીનદલિતોનાં કાવ્યો સાથે આ વાર્તાઓનું માર્મિક અનુસંધાન જોવા આપણે સહેજે પ્રેરાઈએ. પણ આપણે લક્ષમાં રાખવાનું છે કે ટૂંકી વાર્તાનું રહસ્ય તેના વર્ણ્યવિષયની સંરચના, સર્જકના મૂળ ‘આશય’નું નિર્વહણ, વર્ણ્યવસ્તુ પ્રતિ સર્જકનું વલણ, અને કૃતિ સમગ્રમાંથી ધ્વનિત થતા ટૉનમાં અનુસ્યૂત રહ્યું હોય છે. એ દૃષ્ટિએ જોઈએ તો, આ વાર્તાઓમાં સામાજિક વિષમતા, અન્યાય શોષણ કે વર્ગસંઘર્ષના મુદ્દા ગૌણ પશ્ચાદ્‌ભૂમિકામાં રહે છે. માનવઅંતરની સહજ લાગણીઓ, આશાનિરાશા, કે માનવીય ઝંખનાના ભાવો જ અહીં પ્રબળપણે ઊપસે છે. જેમ કે, ‘માજા વેલાનું મૃત્યુ’માં ભદ્ર સમાજથી ઉપેક્ષિત રહેલા દિનદલિત વર્ગના એક કુટુંબના મોભા સમા માજા વેલાના અવસાનની કથા કેન્દ્રમાં છે. માજો વેલો પોતાના વિસ્તારી કુટુંબને પોતાની આપવીતીનીક જે પરાક્રમકથા કહે છે તેમાં તેની આરંભકાળની બેહાલ દશા, અનેએ પછી ચોરીધાડની પ્રવૃત્તિ નિમિત્તે તેની પરાક્રમકથા, અને પોતાની વર્તમાન પેઢીની નિર્બળતાનું પણ વર્ણન છે. પણ, સમગ્ર વાર્તાવિધાનમાંથી, અંતે, એના કુટુંબના સભ્યોની એ વૃદ્ધ પ્રત્યેની માયામમતાની લાગણી જ પ્રબળપણે રણકી ઊઠે છે. અહીં કોઈ એક પાત્રને – માજા વેલાને સુધ્ધાં – પોતાની સામાજિક, આર્થિક અવદશા સામે એવી કોઈ ફરિયાદ નથી કે ઉગ્ર અસંતોષ નથી : ‘માજો વેલો બહુ સારું મોત પામ્યા. બહુ સુખી મોત, બહુ સારુ મોત!’ એવા સંતોષની લાગણી સાથે વાર્તા પૂરી થઈ છે! ‘મીન પિયાસી’માં પણ શહેરની ભરચકતા વચ્ચેય તરસથી પીડાતા ભજનિકના અવસાનની કથા રજૂ થઈ છે. મૂળ કોઈ ગામડાનો ખેડૂત, પણશાહિકારના દેવા પેટે જમીન ખોઈ બેઠેલો, એ વૃદ્ધ પેટિયું રળવા માટે શહેરમાં આવ્યો છે. ઈશ્વરે તેને સૂરીલો કંઠ આપ્યો છે એટલે શહેરની ફૂટપાથ પર મીઠી હલકમાં ભજનો લલકારી તે થોડા પૈસા પામે છે. પોતાનો દીકરો અને તેની પુત્રી આ કાર્યક્રમમાં જોડાય છે. એક અતિ ધનાઢ્ય શેઠને બંગલે ભજનો રજૂ કરવા તેને આમંત્રણ મળ્યું છે. પણ અત્યંત ઝાકઝમાળવાળી એ દુનિયામાં વૃદ્ધ ભજનિકનો પ્રાણ રુંધાય છે. અંતે, ટૂંકીક માંદગીમાં તે અવસાન પામે છે. પણ આ વાર્તામાં વૃદ્ધ ભજનિકને પોતાની આર્થિક બેહાલી માટે કોઈ અફસોસ નથી. મૃત્યુ પૂર્વે તે જે ભજન ગુંજતો રહે છે, તેમાં તેને ઊંડુ આધ્યાત્મિક સમાધાન છે, શાંતિ છે : ‘પાની મેં મીન પિયાસી રે મોહે દેખત આયે હાંસી રે’ – પંક્તિમાં સંસારીજનોની ઝાંઝવાંનાં જળ સમાં સુખો માટેની અવિરત દોડધામ પ્રત્યે મર્માળી ટકોર રણકે છે! વાર્તામાં ભજનિકની અવદશાની પશ્ચાદ્‌કથામાં શાહુકારના શોષણનો વૃત્તાંત રજૂ થયો છે ખરો પણ સમગ્ર વાર્તામાં પ્રવર્તતા લેખના ‘આશય’ને સમજવા મથીએ, તો અન્યાય-શોષણભરી સમાજવ્યવસ્થા પણ એમાં ગૌણ મુદ્દો ઠરે છે! માનવીના આધ્યાત્મિક શ્રેયનો પ્રશ્ન જ, અંતે પ્રબળપણે રણકી ઊઠે છે. સુંદરમ્‌ના વાર્તાસાહિત્યમાં પ્રેમ, લગ્ન અને દાંપત્યજીવનની સમસ્યાઓ રજૂ કરતી વાર્તાઓ એક વિશાળ મધ્યવર્તી તરેહ રચે છે. એમાં પણસુંદરમ્‌ની બદલાતી જીવનદૃષ્ટિનું પ્રગટ કે પ્રચ્છન્નપણ ચોક્કસ અનુસંધાન જોઈ શકાય છે. ‘ખોલકી’ જેવી આરંભકાલીન વાર્તામાં, સમાજના પછાત વર્ગની પશ્ચાદ્‌ભૂમિકા પર, લગ્નજીવનની કરુણ વિષમતાનું જે નિરૂપણ કરવામાં આવ્યું છે, તેમાં માનવીની અતિ સ્થૂળ પ્રાકૃતિક જાતીય વાસનાનું વરવું બિભત્સ રૂપ જ છતું થયું છે. બીજી બાજુ, ‘ઉલ્કા’ જેવી વાર્તામાં પ્રણયભાવનું અભિજાત અને ઊર્ધ્વીભૂતરૂપ પ્રગટ થયું છે. આ બે ભૂમિકાઓ વચ્ચે લગ્ન, દાંપત્ય, સંતાનઝંખનાની અનેકવિધ સમસ્યાઓ તેમણે રજૂ કરી છે. ‘આશા’, ‘જીવનની તરસ’, ‘સૌન્દર્ય શું?’, ‘માને ખોળે’, ‘અંબા ભવાની’, ‘નાગરિકા’, ‘લાલ મોગરો’, ‘પ્રસાદજીની બેચેની’, ‘પાપિણી’, ‘પુષ્પિતા’, ‘ઉલ્કા’, ‘મિલનની રાત’–જેવી વાર્તાઓમાં એક ચોક્કસ આંતરિક તરેહ પડેલી છે. માનવપ્રકૃતિમાં ઊંડે રોપાયેલી જાતીય ઇચ્છા સંતાનઝંખના, સ્નેહની તરસ – એવાં મૂળભૂત માનવીય સ્પંદનોની આસપાસ એ વાર્તાઓ રચાયેલી છે. માનવજીવનનાં શ્રેયાશ્રેય અને અર્થબોધની ખોજ એમાં કામ કરરે છે. અત્યંત નોંધપાત્ર એવી બાબત એ છે કે, આ ખોજમાં નારીનું ગૂઢ આંતરસત્ત્વ પ્રગટ કરવા તેઓ સતત આતુર રહ્યા છે. ‘વસુધા’ અને ‘યાત્રા’ ની પ્રણયભાવનાની કવિતાઓ સાથે આ વાર્તાઓ ઊંડે ઊંડે માર્મિક સંબંધ પ્રગટ કરે છે. (સુંદરમ્‌ના વાર્તાવિશ્વ વિશે આ લખનારે એક સ્વતંત્ર લેખ કર્યો છે, અને તેમાં આ વિશે વિસ્તૃત ચર્ચા કરી છે). જો કે, સુંદરમ્‌ની વાર્તાકળાને લગતાં થોડાંક મહત્ત્વનાં અવલોકનો અહીં સંક્ષેપમાં નોંધીને આગળ ચાલીશું. એક, સુંદરમ્‌નું એક વ્યાપક વલણ તે મુખ્ય વૃત્તાંતને અનુષંગે અનેક ગૌણ વૃત્તાંતો સાંકળતા જવાનું રહ્યું છે. બે, વારંવાર રોમાંચક કૌતુકભરી ઘટનાઓનો તેઓ આશ્રય લેતા રહ્યા છે. કેટલીક વાર ભ્રમણા, સ્વપ્નિલતા, કપોલકલ્પિત કે અતિપ્રાકૃતિક ઘટનાઓનો તેઓ વિનિયોગ કરતા રહ્યા છે. (‘જીવનની તરસ,’ ‘માને ખોળે’, ‘અંબા ભવાની’, ‘મિલનની રાત’, ‘ગટ્ટી’, ‘પાપિણી’ વગેરે). ત્રણ, લોકજીવનના બનાવો, દૃશ્યો, પાત્રોનાં માનસિક સંચલનો – એમ કથનવર્ણનના સર્વ સ્તરે ઝીણીઝીણી અસંખઆય માર્મિક વિગતો સાથે તેઓ કામ પાડે છે. એમાં તેમની સૂક્ષ્મ નિરીક્ષણશક્તિનો વિસ્મયકારી પરિચય થાય છે. બનાવો–દૃશ્યોને મૂર્ત ઐન્દ્રિયિક રૂપોમાં તેઓ હંમેશાં પ્રત્યક્ષ કરવા ચાહે છે. પણ આવી વિગતપ્રચુરતાને કારણે ‘આશા’, ‘ખોલકી’, ‘માને ખોળે’ જેવી એકાદ મુખ્ય ઘટનાની આસપાસ ચાલતી વાર્તાઓ પણ, વિસ્તારી હોવાની છાપ ઊભી કરે છે. ચાર, સુંદરમ્‌ની એક મુખ્ય લાક્ષણિકતા વળી એ કે, પાત્રો અને બનાવોની રજૂઆત પૂરેપૂરા પ્રાકૃતિક પરિવેશમાં કરવા ચાહે છે. સબળ જીવંત પરિવેશ તેમની ઘણીએક વાર્તાઓમાં ઓતપ્રોત રહ્યો છે. વાર્તાની ઘટનાઓનું તે સ્વયં સંચાલક બળ હોય એમ પણ અનેક દૃષ્ટાંતોમાં લાગે. પાંચ, સુંદરમ્‌ની ભાષાશૈલીમાં, આમ તો વાસ્તવવાદી ભૂમિકા જ સ્પર્શતી રહે છે; પણ કથનવર્ણનની વિગતોમાં, અલંકારોમાં, ચિત્રણોમાં, તેમની પ્રબળ રંગદર્શી સર્જકતા પ્રગટ થાય છે. અતિ અપરિચિત (the strange) અને અતિ પ્રાકૃતના વિશ્વને તેઓ એમાં વારંવાર સ્પર્શી રહે છે. સુંદરમ્‌ની પ્રવાસકથા ‘દક્ષિનાયન’ એ માત્ર તેમના સાહિત્યલેખનમાં જ નહિ, સમસ્ત અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં એક વિરલ સીમાચિહ્ન સમો મહાન પ્રશિષ્ટદ ગ્રંથ ઠરે છે. એની અનુભવસમૃદ્ધિ અને તેજસ્વી સૌન્દર્યમંડિત ગદ્યનિર્મિતિને કારણે એને સહેજે કાકાસાહેબની કથા ‘હિમાલયનો પ્રવાસ’ની સમકક્ષ મૂકી શકાય. દક્ષિણ ભારતની પ્રકૃતિની અનંતવિધ શોભા અને શ્રીનું, તેમ ત્યાંનાં ગગનચુંબી મંદિરો-સ્થાપત્યો-શિલ્પો આદિથી મંડિત સંસ્કૃતિનું, તેમણે હૃદયસંતર્પક વર્ણન એમાં કર્યું છે. એમાં પ્રવાસી સુંદરમ્‌નું વિશિષ્ટ વ્યક્તિત્વ પૂરું ઊઘડી આવ્યું છે. તેમની સૂક્ષ્મ અભિજાત અને મર્મજ્ઞ રસદૃષ્ટિ, લોકજીવન અને લોકસંસ્કૃતિના મર્મ પામવાની જિજ્ઞાસા, સમાજના ગરીબ અને રંક વર્ગ પ્રત્યેની સહાનુકંપા, જીવનનાં વિલક્ષણ તત્ત્વો પરત્વે વિનોદ વૃત્તિ, અને સૌથી વધુ તો તેમની આધ્યાત્મિક ઝંખના – એ સર્વ આંતરિક ચેતના તેમાન પ્રવાસવર્ણનમાં સતત પ્રતીત થાય છે. એમાં એક બાજુ રાષ્ટ્રીય ભાવનાનો પુટ વરતાય છે, બીજી બાજુ પંચમહાભૂતોની અનંતવિધ લીલા પ્રત્યેની આધ્યાત્મિક વૃત્તિ પ્રત્યક્ષ થાય છે. કન્યાકુમારીના સમુદ્રમાં સ્વામી વિવેકાનંદ સ્મારકનાદર્શને જતાં, એક ક્ષણે તો, વિશ્વજીવન સાથેના પૂર્ણ સંવાદમાં તેઓ જે આનંદસમાધિ અનુભવે છે તે પ્રસંગનું વર્ણન અત્યંત પ્રભાવક છે. પોંડિચેરીની મુલાકાત પણ તેમની આધ્યાત્મિક ઝંખનાને સતેજ કરે છે, પણ આ સિવાય પ્રવાસના કથનવર્ણનમાં સુંદરમે શિષ્ટ પ્રૌઢ પણ ભરચક સર્જનાત્મક ઉન્મેષોવાળું જે ગદ્ય ખિલવ્યું છે, તે સ્વયં એક અનન્ય સિદ્ધિ છે. વિવેચન : સુંદરમ્‌ની સાહિત્યપ્રવૃત્તિમાં, આપણા ભાવકો અને વિવેચકોનું વિશેષ ધ્યાન તેમની કવિતા-વાર્તાઓ પર મંડાયેલું રહ્યું, કવિ તરીકેની તેમની પ્રતિભાનું જ સતત ગૌરવ કરવામાં આવ્યું, અને શ્રી અરવિંદદર્શનના અભ્યાસી તરીકે ય તેમને વધુ ને વધુ પ્રતિષ્ઠા મળતી રહી; એટલે જ કદાચ તેમની વિવેચનપ્રવૃત્તિનું જોઈએ તેવું મૂલ્યાંકન થયું નહિ. હકીકત તો એ છે કે, ‘અર્વાચીન કવિતા’(ઈ.સ. ૧૯૪૬), ‘અવલોકના’(ઈ.સ ૧૯૬૫), ‘સાહિત્યચિંતન’(ઈ.સ. ૧૯૭૮) ઉપરાંત અન્ય શેષ વિવેચનલખાણોને સમગ્રતયા લક્ષમાં લેતાં, આપણા પ્રથમ કોટિના સંનિષ્ઠ અભ્યાસી અને અતિ સૂક્ષ્મ અભિજાત રસદૃષ્ટિવાળા મર્મજ્ઞ વિવેચક તરીકે તેઓ બહુમાનને પાત્ર ઠરે છે. એક સિદ્ધાંતકાર તરીકેની તેમની પ્રવૃત્તિઓનું અવલોકન કરીએ તો એ વાત નોંધવાની રહે કે છૂટક સ્વતંત્ર લેખો, વ્યાખ્યાનો, પત્રચર્ચાઓ–એમ ભિન્નભિન્ન નિમિત્તે, ભિન્નભિન્ન રૂપે તેમનાં એ પ્રકારનાં લખાણો જન્મ્યાં છે. અને,પાંચમા દાયકામાં – તેમની કારકિર્દીના નવા તબક્કામાં કાવ્યતત્ત્વ વિશેના તેમના ચિંતનમાં મૂલગામી પરિવર્તન આવ્યું છે એ ય નોંધપાત્ર છે. વધુ યથાર્થ રીતે મૂકીએ તો – કવિતાના તાત્ત્વિક સ્વરૂપ અને પ્રયોજનના, કવિતાનાં સૌંદર્ય અને સત્યબોધના, કવિની સર્જકપ્રતિભા અને ભાવકની ભાવનશક્તિના પ્રશ્નો શ્રી અરવિંદની જીવનદૃષ્ટિ અને કાવ્યભાવનાના પ્રકાશમાં તેઓ હવે ચર્ચે પણ છે. આ નવા તબક્કાના વિવેચનની પરિભાષા પણ બદલાઈ છે, કેમ કે એનો દાર્શનિક સંદર્ભ હવે બદલાયો છે. ‘સર્જકોનું સંમેલન’, ‘પત્રોમાંથી’, ‘કળા અને બીજી પ્રવૃત્તિઓ’, ‘કળામાં અનુકરણ’, ‘કવિતાના ધામમાં’, ‘પરાવરની યાત્રા’, ‘યાત્રા : સૌંદર્યની અને સત્યની’ અને ‘તપોગિરિની આનંદયાત્રા’ – જેવા લેખોમાં તેમની કાવ્યવિચારણાની ઉત્તરકાલીન અને સ્થિર થતી ભૂમિકા જોવા મળે છે. ગુજરાતી કાવ્યતત્ત્વવિચારમાં એ એક અનોખું પ્રસ્થાન છે. જો કે આધ્યાત્મિક દૃષ્ટિમાં રોપાયેલું આ કાવ્યચિંતન સૌને સ્વીકાર્યં બને જ એમ કહી શકાય નહિ. ‘અર્વાચીન કવિતા’માં સુંદરમ્‌ની અવિરત અધ્યયનશીલતાનો વિસ્મયકારી પરિચય થાય છે. આપણી અર્વાચીન કવિતામાં અર્પણ કરનારા અગ્રણી અને ગૌણ સર્વ કવિઓના કાવ્યસંગ્રહોમાંથી, સહૃદયભાવે પણ મર્મજ્ઞ વિવેચનદૃષ્ટિ સાથે, તેઓ પસાર થાય છે. આવા આકરગ્રંથનું નિર્માણ ગુજરાતીમાં વિરલ ઘટના બની રહેશે એમ લાગ્યા કરે છે. પણ, સુંદરમ્‌ની ભાવયિત્રી પ્રતિભાનો એટલો જ સમર્થ યાને સુખદ પરિચય તેમના ‘અવલોકના’ના લેખોમાંથી ય મળે છે. એમના સમકાલીન સાહિત્યકારો અને તેમની વિશિષ્ટ કૃતિઓનાં વિવેચનમૂલ્યાંનમાં સુંદરમ્‌નો દૃષ્ટિવિશેષ છતો થાય છે. ‘શ્રી બલવંતરાય ક. ઠકોરની કવિતા સમૃદ્ધિ’, ‘શેષનાં કાવ્યો’, ‘કલાપી : સાહિત્યકાર તરીકે,’ ‘ધૂમકેતુની વાર્તાકળા’, ‘વળામણાં’, ‘મળેલા જીવ’, ‘હવા’દાર’ વાર્તાઓ’ જેવાં સમૃદ્ધ લખાણો સુંદરમ્‌ને પ્રથમ કોટિના વિવેચકનું ગૌરવ અપાવે એમ છે. વિવેચ્ય કૃતિના સૂક્ષ્મતમ રમણીય અંશો કે રસકીય ઉન્મેષો તેમની દૃષ્ટિમાં બરોબર ઝીલાય છે. યથાપ્રસંગ કૃતિનાં આકાર સૌષ્ઠવ, રચનાવિધાન, ભાષાશૈલીનાં તત્ત્વો વિશેય એટલાં જ વેધક નિરીક્ષણો તેઓ આપતા રહે છે. કૃતિનું પૂરી સહૃદયતાથી અવલોકન કરતા છતાં રચનાવિધાન કે શૈલીના દોષો પણ સરળ નિર્ભીકતાથી તેઓ નોંધતા રહે છે. અને એય નોંધવું જોઈએ કે, એ સમયના વિવેચનની આબોહવામાં ઊછર્યા હોઈ કૃતિ કે કર્તાનાં વિવેચન મૂલ્યાંકનમાં પરંપરાને તેઓ સતત નજર સામે રાખે છે. આ ઉપરાંત ‘શ્રી અરવિંદ મહાયોગી’ જેવા મૌલિક પુસ્તક દ્વારા તેમજ શ્રી અરવિંદ અને પૂજ્ય માતાજીનાં અનેક પુસ્તકોના અનુવાદો દ્વારા એ મહાસાધકની અધ્યાત્મિક વિચારણાઓ તેમણે ગુજરાતી પ્રજા સુધી પહોંચાડી છે. શ્રી પૂજાલાલ આદિ કવિઓના સહયોગે શ્રી અરવિંદનાં કાવ્યોના અનુવાદ પણ તેમણે આપ્યા છે. અર્ન્સ્ટ ટોલરની નાટ્યકૃતિઓ, શુદ્રકનું ‘મૃચ્છકટિક’ વગેરેના અનુવાદો પણ તેમણે કર્યાં છે. ‘દક્ષિણા’ સામયિકનું સંપાદનકાર્ય પણ કર્યું છે. ગુજરાતની સાહિત્યિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં કવિ-સાધક સુંદરમ્‌, આમ, એક અનોખી કેડી કંડારી આપે છે. સર્જન અને સાધના પાછળના તેમના આદ્ય ચિતિસ્પંદનને યથાર્થ રૂપે ઓળખવાનો અને સમજવાનો ઉપક્રમ આપણે સ્વીકારીએ, અને એ રીતે જ, અપાણે તેમને સાચી શ્રદ્ધાંજલિ અર્પી શકીશું. અસ્તુ.

* ‘ફાર્બસસભા ત્રૈમાસિક’ જાન્યુઆરી-માર્ચ ૧૯૯૧

* * *