ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/મગનલાલ નરોત્તમદાસ પટેલ

Revision as of 02:58, 21 April 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
મગનલાલ નરોત્તમદાસ પટેલ

‘મહાજન-મંડળ’ના કર્તા શ્રી મગનલાલ પટેલનો જન્મ વિ.સં.૧૯૧૫ (સને ૧૮૫૯)ના ફાગણ માસમાં મહીકાંઠા જિલ્લામાં આંબલીઆરા ગામે થયો હતો. તેમના પિતાનું નામ નરોત્તમદાસ અને માતાનું નામ સખબાઈ હતું. જ્ઞાતિએ લેઉઆ પાટીદાર. ગામડા ગામમાં ખેતીનો ધંધો કરતી આજથી આશરે ૮૦ વરસ પહેલાંની પ્રજા કેળવણીના ફાયદા તો ક્યાંથી સમજે? પણ ૧૮૬૮માં ૫હેલવહેલી સરકારી ગુજરાતી શાળા તેમના ગામમાં ખૂલી એટલે કૌતુકને ખાતર આંબલીઆરાના ખેડૂતોએ પોતાનાં બાળકોને નિશાળે ભણવા મોકલ્યાં હતાં. દસ વર્ષના મગનલાલ પણ એ વખતે નિશાળે બેઠા હતા. ઈ.સ. ૧૮૭૬માં ગુજરાતી છઠ્ઠા ધેારણની પરીક્ષા તેમણે ૫સાર કરી હતી. એથી વિશેષ અભ્યાસની ગામડામાં સગવડ નહોતી અને પુત્રને શહેરમાં ભણવા મોકલવા જેટલી મગનલાલના પિતાની શક્તિ નહોતી. તેથી અંગ્રેજી ભણવાની ઘણી હોંશ હોવા છતાં તેમને અભ્યાસ છોડવો પડ્યો. તેમણે ગામની શાળામાં મૉનિટર તરીકે માસિક એક રૂપિયાના પગારથી નોકરી શરૂ કરી. આ વખતમાં તેમના વિદ્યાગુરુ સદાશિવરાવ અનંતરાવ અને તેમના સહાધ્યાયી પીતાંબરદાસ શંભુરામના સંસર્ગથી મગનલાલને વાચનનો શૉખ લાગ્યો. પુનઃ તેમને અંગ્રેજી ભણવાની ઈચ્છા જાગી અને પિતાની અનુમતિ મેળવીને તેઓ ૧૮૭૮માં અમદાવાદ આવીને અંગ્રેજી શાળામાં દાખલ થયા. પણ થોડા જ વખતમાં માંદા પડતાં ઘેર પાછા આવવું પડ્યું. ફરીથી તેઓ સરકારી કેળવણી ખાતામાં શિક્ષક થયા. મહીકાંઠા અને બાવીશી જિલ્લાનાં જુદાં જુદાં ગામોમાં બે વરસ નોકરી કર્યા બાદ તેમણે માલપુર દરબારમાં કારકૂનની જગ્યા મેળવી. . આ બધો વખત મગનલાલના મનમાં અંગ્રેજી ભણવાની લગની હતી જ. આખરે એક દિવસ એ હેતુ બર આણવા માટે તેઓ છાનામાના પૂના ન્હાસી ગયા અને ત્યાં ખૂબ કષ્ટ વેઠીને અંગ્રેજીનો કામ પૂરતો અભ્યાસ કર્યો. શ્રી મગનલાલને મૂળથી જ મહાપુરુષોનાં જીવનચરિત્ર વાંચવાનો શૉખ હતો. પૂનાથી મુંબઈ આવીને તેઓ તેમના મિત્ર દોલતચંદ પુરુષોત્તમદાસ બરોડીયાને ત્યાં રહ્યા હતા ત્યાં તેઓ તે વખતના લોકપ્રસિદ્ધ પુરુષો સ્વામી દયાનંદ સરસ્વતી, પં. ગટ્ટુલાલજી, દાદાભાઈ નવરોજી વગેરેને રૂબરૂ મળ્યા હતા અને તેમનાં વ્યાખ્યાનો સાંભળ્યાં હતાં. ૧૮૮૬માં માલપુર દરબારની નોકરીમાં તેઓ ફરી જોડાયા. ત્યાંથી મહીકાંઠાના પોલીટીકલ એજન્ટની મારફત સામેરામાં ઓપિયમ ઑફિસરની સરકારી નોકરી મળી. ત્યાં બે વર્ષ નોકરી કરી એટલામાં એક અમલદાર પર લાંચ લેવાના આરોપના મુકદ્દમામાં તેમની જુબાની સરકારી ખાતાને પસંદ નહિ પડતાં મગનલાલને છૂટા કરવામાં આવ્યા. પછી માલપુરમાં ફોજદાર તરીકે થોડો વખત રહીને ૧૮૮૯ના ઑગસ્ટમાં તેઓ મુંબઈ ગયા અને ત્યાંની જ્યુબિલી મીલમાં કૉટન કારકૂન તરીકે રહ્યા. આ અરસામાં મગનલાલે લેખન-કાર્ય શરૂ કર્યું. ૧૮૮૯ના ડિસેંબર મહિનામાં કૉંગ્રેસનું પાંચમું અધિવેશન મુંબઈમાં ભરાયું હતું. તે વખતે તેમણે ‘ઇન્ડિયન નેશનલ કૉંગ્રેસ’ નામની એક ન્હાની પુસ્તિકા લખીને બહાર પાડી હતી. તેમાં કૉંગ્રેસનો ચાર વર્ષનો ટૂંકો ઈતિહાસ અને તેનાં હેતુ ને ઉપયોગિતાનું વાર્તારૂપે બયાન કરવામાં આવ્યું હતું. આ પુસ્તિકા લોકોને પસંદ ૫ડતાં એ જ વખતે તેની હજારો નકલ ખપી ગઈ અને મગનલાલને પણ ખ્યાતિ મળી. પછી તેમણે મુંબઈની પારસી કૉમની સાંસારિક સ્થિતિની હિંદુ સમાજના રિવાજ સાથે તુલના દર્શાવતી ‘સંસારચિત્ર કાદંબરી’ નામની વાર્તા લખી, જે તેમના સમયમાં ઠીક વખણાઈ હશે એમ ગુજરાતના કેટલાક અગ્રગણ્ય સાક્ષરોના તેમણે ટાંકેલા અભિપ્રાય પરથી સમજાય છે. ૫છી તેમણે ‘મુંબઈ શહેરનું વર્ણન’ તથા ‘ખેતીવાડીનાં મૂળતત્ત્વની પાઠમાળા ભા. ૧’ લખ્યા હતાં. આ ઉપરાંત ‘બુદ્ધિપ્રકાશ’, ‘સત્યમિત્ર’ વગેરે પત્રોમાં તેઓ ખેતી, આરોગ્ય આદિ વિષે ૫ર છૂટક લેખો પણ લખતા હતા. આમ, લેખનકાર્યમાં આત્મશ્રદ્ધા ઉત્પન્ન થયા પછી મગનલાલે ‘મહાજન-મંડળ’નું મહાભારત કાર્ય ૧૮૯૨માં ઉપાડ્યું. રૉયલ સાઈઝનો ૧૪૨૦ પાનાંનો આ બૃહદ્ ગ્રંથ મગનલાલના પુરુષાર્થના સ્મારકરૂ૫ છે. આ ગ્રંથમાં તેમણે ભારતવર્ષના પ્રાચીન તેમજ અર્વાચીન યુગના નૃપતિઓ, રાજપુરુષો, સંતો, ધર્મપ્રવર્તકો, પંડિતો, કવિઓ, દેશભક્તો, ધર્મચિંતકો, વૈદ્ય–દાક્તરો, સંગીતકારો તેમજ સતીઓ, વીરાંગનાઓ અને વિદુષીઓ વગેરેના પરિચયો આપેલા છે. આ લેખોની લખાવટમાં કોઈ વિશિષ્ટતા નથી. પણ તેને અંગે માહિતી મેળવવા પાછળ લેખકે ઉઠાવેલો શ્રમ પ્રશસ્ય છે. આજે પણ એ ગ્રંથ એ જમાનાના અનેક લેખકો અને પ્રસિદ્ધ પુરુષો વિશે માહિતી પૂરી પાડનાર ગુજરાતી ‘આકર-ગ્રંથ ‘ની ગરજ સારે છે.

કૃતિઓ

કૃતિનું નામ *પ્રકાર *પ્રકાશન-સાલ *પ્રકાશક
૧. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ *વાર્તા *૧૮૮૯ *પોતે
૨. સંસારચિત્ર કાદંબરી *વાર્તા *૧૮૯૧ *પોતે
૩, મુંબઈ શહેરનું વર્ણન *નિબંધ *૧૮૯૧ *પોતે
૪. ખેતીવાડીનાં મૂળતત્ત્વની પાઠમાળા ભા.૧ *નિબંધ *૧૮૯૨ *પોતે
૫. મહાજનમંડળ *ચરિત્ર-લેખો *૧૮૯૬ *પોતે

અભ્યાસ-સામગ્રી

‘મહાજન-મંડળ’, પૃ. ૧૨૯૬–૧૩૦૬

***