ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/હરજીવન સોમૈયા

Revision as of 03:45, 21 April 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
હરજીવન સોમૈયા

સ્વ. હરજીવન સોમૈયાનો જન્મ ઈ.સ. ૧૯૦૮માં જોડિયાના ગરીબ લોહાણા કુટુંબમાં કરાંચી ખાતે થયો હતો. નાનપણમાં જ પિતાને ગુમાવનાર હરજીવનને માતાએ મહેનત-મજૂરી કરીને ઉછેર્યા હતા. ઈ.સ. ૧૯૩૬માં શ્રી કાન્તાબહેન સાથે તેમનાં લગ્ન થયાં હતાં. માતાની દેખરેખ નીચે પ્રાથમિક શિક્ષણ પૂરું કરીને માધ્યમિક શિક્ષણ તેમણે તે વખતની કરાંચીની અગ્રગણ્ય શિક્ષણ-સંસ્થા ‘શારદામંદિર’માં લીધું હતું. કૉલેજમાં જાય તે પહેલાં તો તેમણે ત્રીસની સ્વાતંત્ર્ય-લડતમાં ઝંપલાવ્યું. કરાંચીની ટુકડીમાં સામેલ થઈને તેઓ ધોલેરા સત્યાગ્રહ સંગ્રામમાં જોડાયા. ૧૯૩૪માં લડત પૂરી થઈ ત્યાં સુધીમાં અનેક વાર તેમને કારાવાસ ભોગવવો પડ્યો હતો. જેલમાંથી બહાર આવીને હરજીવનભાઈએ શિક્ષણ-ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. તેમણે રાણપુરમાં હરિજન-શાળા શરૂ કરી. ખૂબ મમતા અને કાળજીથી તેઓ શાળાનાં હરિજન બાળકોને ભણાવતા અને સ્વચ્છ રાખતા. એકાદ વર્ષ પછી કૌટુંબિક સંજોગોને કારણે તેમને કરાંચી જવું પડ્યું. ત્યાં તેઓ શારદા મંદિરમાં શિક્ષક તરીકે જોડાયા. બે-ત્રર્ણ વરસમાં જ આદર્શ શિક્ષક તરીકે તેમની ખ્યાતિ થઈ; પણ સતત પરિશ્રમ કરવાને કારણે કરાંચીમાં તેમનું શરીર ક્ષીણ થઈ ગયું. ‘વિદ્યાર્થી’વસ્થામાંથી જ હરજીવનભાઈને લખવાનો શૉખ હતો. ‘દરિયાના મામલા’ નામની કિશોરભોગ્ય સાહસ-કથા તેમણે ૧૯૩૬માં સૌપ્રથમ રચી, જે ભારતી સાહિત્ય સંઘ તરફથી એ જ વર્ષમાં પ્રગટ થઈ હતી ભારતી સા. સંઘ તેમના મિત્રો ચલાવતા હતા. ૧૯૩૭માં લેખનવ્યવસાયને અપનાવવાનો નિશ્ચય કરીને હરજીવનભાઈ પણ એ સંસ્થામાં જોડાયા. સંઘ તરફથી પ્રગટ થતાં માસિકો ‘ઊર્મિ’ અને ‘નવરચના’ના સંપાદનનું કામ તેમણે ભારે ખંત અને નિષ્ઠાથી કર્યું હતું. જુદી જુદી ભાષાઓ શીખવાનો તેમને શૉખ હતો. ગુજરાતી ઉપરાંત મરાઠી, બંગાળી, હિંદી અને અંગ્રેજી ભાષાઓની તેમને સારી જાણકારી હતી. ઉર્દૂ અને તેલુગુ ભાષા શીખવાના પણ તેમણે પ્રયત્નો કર્યા હતા. હિંદી ભાષા-શિક્ષણના પાઠો તેઓ ‘ઊર્મિ’માં લખતા હતા. તેમના આ અનેક-ભાષા-જ્ઞાને તેમને કેટલાંક સુંદર મરાઠી અને અંગ્રેજી પુસ્તકોના ગુજરાતી અનુવાદો કરવાની તક આપી હતી. હૉલ કેઈન, આનાતોલ ફ્રાંસ અને વિકટર હ્યુગો તેમના પ્રિય લેખકો હતા. ભૂગોળ, ઇતિહાસ, વિજ્ઞાન અને દેશદેશના લોકોના સામાજિક રિવાજો તેમના અભ્યાસના ખાસ વિષયો હતા. વાર્તામાં નવા જ વિષયોનું ખેડાણ કરીને સોમૈયાએ ગુજરાતી સાહિત્યમાં અનોખી ભાત પાડી છે. દેશવિદેશના લોકોના જીવનને વણી લેતી, તેમની ‘ઊર્મિ’માં પ્રગટ થતી વાર્તાઓ પ્રત્યે શ્રી કિશોરલાલ મશરૂવાળાએ અનુરાગ વ્યક્ત કર્યો હતો; ભૂગોળ અને ઈતિહાસના લાંબા તેમજ વિવિધરંગી પટ પર વિસ્તરતી નવલકથાઓ તેમણે રચી છે. તેમની પહેલી નવલકથા ‘પૃથ્વીનો પહેલો પુત્ર’ કલાદૃષ્ટિએ ખામીવાળી હોવા છતાં વિષયના નાવીન્યને કારણે વિવિધ દિશામાંથી આવકાર પામી હતી. ‘સમાજના ત્રીજા અંગ’રૂપ મવાલીના જીવનનું તાદશ ચિત્ર આપતી ઉદ્દેશપ્રધાન નવલજોડી ‘પુનરાગમન’ સોમૈયાની વાર્તાકલાનો સ્પષ્ટ વિકાસ સૂચવે છે. ‘છોકરાંઓને નમાલાં બનાવી મૂકે તેવું સાહિત્ય પ્રકટ થાય છે તે મારાથી નથી સહન થતું’ એમ ફરિયાદ કરતા સોમૈયાએ બાળકો અને કિશોરોને સાચા પુરુષાર્થી બનાવે તેવું સત્ત્વશાલી બાલસાહિત્ય પણ પીરસ્યું છે. ટૂંકમાં નવીન વિષયો અને જીવનના વિવિધ અનુભવોનું પોતાની રીતે વાર્તામાં વિતરણ કરીને સોમૈયાએ ગુજરાતી સાહિત્યમાં પોતાના વ્યક્તિત્વની વિશિષ્ટ છા૫ પાડી છે. ૧૯૪૧માં ‘સંઘ’માંથી છૂટા થઈને તેઓ ફરીથી કરાંચી ગયા અને શિક્ષણ-કાર્યમાં ડૂબી ગયા. પણ શરીર કથળતાં રાણપુર પાછા આવવું પડ્યું. ૧૯૪૨માં હૃદયરોગનો હુમલો થતાં તેઓ અમદાવાદ સારવાર અર્થે આવ્યા અને જુલાઈની ૧૯મી તારીખે ચોત્રીસ વર્ષની ભરજુવાન વયે અવસાન પામ્યા. સ્વ. સોમૈયાંએ છેલ્લી પળ સુધી લેખન-કાર્ય ચાલુ રાખ્યું હતું. તેમણે લેખકના વ્યવસાયને અર્થોત્પાદક સાધન તરીકે નહિ, પણ સાધન તરીકે અપનાવ્યો હતો. પોતાના લખાણ દ્વારા શુદ્ધ ભાવનાનું ઉદ્દબોધન કરવાની તેમની નેમ તેમનામાં રહેલી શિક્ષકની દૃષ્ટિનું નિદર્શન કરે છે. ચોખૂંટ ધરતી પર વસતી માનવપ્રજાના પ્રત્યેક ઘરમાં-પછી તે ભલેને જંગલી, અણઘડ કે ગુનેગારની છાપ પામ્યો હોય-માનવતાનું ઝરણું વહી રહ્યું છે એ બતાવવાનો તેમનો મુખ્ય ઉદ્દેશ હતો. જોડણીની શુદ્ધિ માટે તેમની ચીવટ એટલી હતી કે એક વાર ‘હરિજનબંધુ’માં આવેલી કેટલીક છાપભૂલો તરફ ગાંધીજીનું ધ્યાન દોરીને તેમાં યોગ્ય સુધારા કરાવ્યા ત્યારે જ તે જંપ્યા હતા. તેમની કથનરીતિ સરલ, રસવાહી અને ચોકસાઈવાળી હતી. વાચકના મનમાં રમ્યાં કરે એવાં પાત્રો સર્જવાની હથોટી પણ તેમને આવી ગઈ હતી. તેમની વાર્તાઓ પ્રૌઢ કલાસ્વરૂપ ધારણ કરે તે પહેલાં તે એમની પ્રવૃત્તિને કાળે અટકાવી દીધી. તેમ છતાં પાંચેક વર્ષના ગાળામાં બધી મળીને વીસેક કૃતિઓ આપનાર હરજીવન સોમૈયાનું નામ સાહિત્યને ચો૫ડે નોંધપાત્ર રહેશે એમાં શંકા નથી. ત્રણ નવલકથાઓ; ત્રણેક વાર્તાસંગ્રહો, ચારેક બાલસાહિત્યનાં પુસ્તકો અને એક હિંદી પાઠયપુસ્તક-એટલું તેમનું સાહિત્ય અપ્રગટ છે.

કૃતિઓ

કૃતિનું નામ *પ્રકાર *પ્રકાશન-સાલ *પ્રકાશક *મૂળ કૃતિનું નામ
૧. દરિયાના મામલા *કિશોરકથા *૧૯૩૬ *ભારતી સા. સંઘ, અમદાવાદ * -
૨. ભરદરિયે *કિશોરકથા *૧૯૩૭ *ભારતી સા. સંઘ, અમદાવાદ * -
૩. શંકરાચાર્ય *કિશોરભોગ્ય ચરિત્ર *૧૯૩૭ *ભારતી સા. સંઘ, અમદાવાદ * -
૪. નાનાં છોકરાં *બાળવાર્તા *૧૯૩૭ *ભારતી સા. સંઘ, અમદાવાદ * -
૫-૬. જં ગલમાં મંગળ ભા.૧-૨ *પ્રાણીકથા *૧૯૩૮ *ભારતી સા. સંઘ, અમદાવાદ * -
૭. ઉપવાસ કેમ અને ક્યારે *નિબંધ *૧૯૩૮? *ભારતી સા. સંઘ, અમદાવાદ * -
૮. જીવનનું ઝેર *નવલકથા *૧૯૩૮ *ભારતી સા. સંઘ, અમદાવાદ * -
૯ . પૃથ્વીને પહેલો પુત્ર *નવલકથા *૧૯૩૯ *ભારતી સા. સંઘ, અમદાવાદ * -
૧૦. દોન ધ્રુવ *નવલકથા *૧૯૩૯ *ભારતી સા. સંઘ, અમદાવાદ * વિ. સ. ખાંડેકરની મરાઠી

નવલકથાનો અનુવાદ

૧૧. ૫શ્ચિમને સમરાંગણે *નવલકથા *૧૯૪૦ * એચિશ મેરિયા રેમાર્ક કૃત All quiet on the Western frontનો અનુવાદ
૧૨. અહંકાર *નવલકથા *૧૯૪૧ *ભારતી સા. સંઘ, અમદાવાદ * આનાતોલ ફ્રાંસકૃત “થાઈ”નો અનુવાદ
૧૩. કાંટાની વાડ *નવલકથા *૧૯૪૧ *ભારતી સા. સંઘ, અમદાવાદ *હોલકેઈન કૃત ‘બાર્બ્ડ વાયર’નો અનુવાદ
૧૪-૧૫. પુનરાગમન ખં. ૧-૨ *૧૯૪૩ *ભારતી સા. સંઘ, અમદાવાદ * -
૧૬. પશમી અને બીજી નવલિકાઓ વાતો *૧૯૪૪ *ભારતી સા. સંઘ, અમદાવાદ * -

અભ્યાસ-સામગ્રી

૧. ગુજરાત સાહિત્ય સભાની ૧૯૪૧-૪૨ની કાર્યવાહીમાં ‘પૃથ્વીનો પહેલો પુત્ર’ તથા ’ જીવનનું ઝેર’ની સુંદરમે કરેલી સમીક્ષા.
૨. ‘પુનરાગમન’ ભાગ ૧ માં મૂકેલ પ્રકાશકોનું નિવેદન ‘અમારા હરજીવનભાઈ’ તથા શ્રી વિશ્વનાથ ભટ્ટની પ્રસ્તાવના ‘વાર્તાની વિચારસરણી’
૩. ‘પશ્ચિમને સમરાંગણે’ તથા ‘કાંટાની વાડ’ની પ્રૉ. અનંતરાય રાવળે લખેલી પ્રસ્તાવનાઓ.

***