ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/ફિરોઝ કાવસજી દાવર

Revision as of 14:50, 22 April 2025 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ફિરોઝ કાવસજી દાવર

શાંતપણે વર્ષોથી અંગ્રેજીના અધ્યાપકનું કાર્ય બજાવતા પ્રૉ. દાવરનો જન્મ ઈ.સ. ૧૮૯૨માં અહમદનગરમાં પારસી જરથોશ્તી કૉમમાં થયેલો. તેમનું મૂળ વતન તો સુરત પણ લગભગ આખું જીવન તેમણે અમદાવાદમાં પસાર કર્યું છે. તેમના પિતાનું નામ કાવસજી ડોસાભાઈ દાવર અને માતાનું નામ દીનબાઈ. ઈ.સ. ૧૯૩૩માં તેમણે શ્રી. સુનાબાઈ સાથે લગ્ન કરેલું છે. અધ્યયન જેમનું આજીવન ધ્યેય રહ્યું છે તેવા આ વિદ્વાન અધ્યાપકનું વિદ્યાર્થીજીવન તેજસ્વી હતું. ગુજરાત કૉલેજમાંથી ઈ.સ. ૧૯૧૨માં તેમણે બી. એ.ની પરીક્ષા બીજા વર્ગમાં પસાર કરી અને કોલેજમાં પ્રથમ નંબરે આવતાં તેઓ તેના દક્ષિણા ફેલો નિમાયા. એમ. એ. પણ તે જ કૉલેજમાંથી ઈ.સ. ૧૯૧૩માં બીજા વર્ગમાં પસાર કરી. મુખ્ય વિષય અંગ્રેજીમાં આખી યુનિવર્સિટીમાં સૌથી વધુ ગુણ મેળવ્યા હોઈ સર લૉરેન્સ જેન્કીન્સ શિષ્યવૃત્તિના ખરા અધિકારી તેઓ હતા પણ તે માટે અરજી ન કરતાં તે શિષ્યવૃત્તિ તેમને મળી નહિ. એમ. એ સુધીની તમામ પરીક્ષાઓમાં ફારસીમાં પણ પ્રથમ વર્ગના ગુણ તેમણે મેળવેલા. ત્યારબાદ ઈ.સ. ૧૯૧૬માં તેમણે એલએલ. બીની પરીક્ષા મુંબઈની સરકારી લો કૉલેજમાંથી બીજા વર્ગમાં પસાર કરી હતી અને એમ. એમ. બનાજી પારિતોષિક મેળવ્યું હતું. અધ્યયન ને અધ્યાપનની પ્રવૃત્તિમાં ખૂબ રસ હોવાથી વિદ્યાર્થી તરીકેની કારકિર્દી સમાપ્ત કરી કે તરત જ ઈ.સ. ૧૯૧૬-૧૮માં અમદાવાદની નેટિવ ઇન્સ્ટિટ્યૂશન નામની શાળાના હેડમાસ્તર તરીકે તેઓ નિયુક્ત થયા. ત્યારબાદ ઈ.સ. ૧૯૧૮થી’૨૦ સુધી પૂનાની ડેકકન કૉલેજમાં, અને ઈ.સ. ૧૯૨૦થી’૪૭ સુધી સતત અમદાવાદની ગુજરાત કૉલેજમાં તેમણે અંગ્રેજી ભાષા-સાહિત્યના અધ્યાપક તરીકે પ્રશસ્ત કાર્ય કર્યું. ઈ.સ. ૧૯૪૭માં સરકારી નોકરીમાંથી નિવૃત્ત થતાં તેઓ અમદાવાદની શેઠ લાલભાઈ દલપતભાઈ આર્ટ્સ કૉલેજમાં અંગ્રેજીના અધ્યાપક તરીકે જોડાઈને આજે પણ પોતાનું ઇષ્ટ શિક્ષણકાર્ય નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છે. એમના જીવનને ઘડનારી પ્રેરક વ્યક્તિઓ મિસિસ એની બીસેન્ટ અને સ્વામી વિવેકાનંદ જેવી ધાર્મિક વિભૂતિઓ છે. વિદ્યાર્થીકાળ દરમ્યાન એમની જ્ઞાનપિપાસા એટલી તો જાગ્રત હતી કે તે કાળ પૂરો થતાં તેમને બુદ્ધિકોષ વિરલ ખંત અને નિષ્ઠાથી કરેલા વિવિધ વિષયોના વાચનમનનથી સમૃદ્ધ બન્યો. થિયોસોફી અને ગીતાના પરિશીલને તેમના જીવન- ઉદ્દેશને ઘડ્યો છે. તેમનો જીવન-ઉદ્દેશ અધ્યાપન દ્વારા ઉચ્ચ વિચારો રજૂ કરી સંસ્કાર, સંયમ, ચારિત્ર અને જ્ઞાનનો વિદ્યાર્થીઓ દ્વારા સમાજમાં ફેલાવો કરવાનો છે. સાહિત્યનો હેતુ માત્ર જીવન-ઉલ્લાસ નથી પરંતુ જીવન-ઉત્કર્ષ પણ છે, એ એમની માન્યતા છે. વિદ્યાર્થીઓને પરીક્ષા પસાર કરવામાં મદદ કરવી તેના કરતાં તેમને ઉચ્ચ જીવન જીવતાં શીખવાડવું એ વધુ ઇષ્ટ છે; જ્ઞાન આપવું છતાં વિદ્યાર્થીઓની વૃત્તિ વલણ ને ચારિત્ર પ્રત્યે દુર્લક્ષ સેવવું એ તેમની કુસેવા કરવા બરાબર છે; પ્રભુ અને ધર્મમાં ઊંડી શ્રદ્ધા જ રાખ્યા વિના નીતિનો પાયો દૃઢ રહેતો નથી; નીતિ અને ચારિત્ર વિનાના વિદ્વાનો તેલ વિનાના દીવા જેવા છેઃ આ અને આવા સિદ્ધાંતો દ્વારા ફલિત થતો અધ્યાપનનો આદર્શ અમલમાં મૂકવાના તેમણે જીવનભર સમર્થ પ્રયત્નો કર્યા છે. યુવાનીમાં શેક્સપિયર, મૅકોલે અને ટેનિસને અને ત્યારબાદ અદ્યાપિ પર્યંત એમર્સન, ડૉ. રાધાકૃષ્ણન અને આચાર્ય ધ્રુવે તેમના પ્રિય લેખકોનું સ્થાન લીધું છે. ડૉ. રાધાકૃષ્ણનની પ્રતિભા અને શૈલીના ચમકારે, એમર્સનની વિચારગહનતાએ અને આચાર્ય ધ્રુવની તુલનાત્મક અભ્યાસ અને શાંત માધુર્યયુક્ત વિદ્વત્તાએ એમના માનસ પર સચોટ છાપ પાડી છે. કિશોરાવસ્થામાં ‘અરેબિયન નાઈટ્સ’, ‘ગુલીવર્સ ટ્રાવેલ્સ’, ‘ડોન કવીકઝોટ’ જેવાં પુસ્તકો-તો પછીના કાળમાં ફિરદૌસીનું ‘શાહનામે’ અને ટેનિસનનાં કાવ્યો તેમને પ્રિય બન્યાં છે. ટેનિસનનું ‘ઈન મેમોરિયમ’ તેમનું માનીતું પુસ્તક છે. એમાંની ઊંડી ધાર્મિકતા અને સુંદર શૈલી પ્રત્યે તેમને ખૂબ પક્ષપાત છે. એમના પ્રિય સાહિત્યપ્રકારો ઇતિહાસ, જીવનચરિત્ર અને આત્મચરિત્ર છે. પ્રજાઓ અને મહાપુરુષોએ કઈ રીતે મુસીબતોનો સામને કર્યો અને મહત્તા પ્રાપ્ત કરી તેના અભ્યાસમાં તેમને ઊંડો રસ છે. ઈરાનનો ઇતિહાસ, તેનો પ્રાચીન ધર્મ, ફિલસૂફી, સંસ્કૃતિનો અભ્યાસ, તુલનાત્મક ધર્માભ્યાસ અને રહસ્યવાદ તરફ તેમને સ્વાભાવિક આકર્ષણ છે. તેમણે લેખનપ્રવૃત્તિની શરૂઆત ઈ.સ. ૧૯૨૫માં ‘સાંજ વર્તમાન’ના પતેતી ખાસ અંકમાં લેખ આપીને કરી. ત્યારથી દર વર્ષે એ પત્રના પતેતી અંકમાં તેઓ નિયમિત લેખ આપ્યા કરતા હતા. તેમનું પ્રથમ પુસ્તક-‘આર્ટ ઍન્ડ મોરેલીટી ઍન્ડ અધર એસેઝ’-અંગ્રેજી ભાષામાં ઈ.સ. ૧૯૩૫માં પ્રગટ થયું. એમનું લેખક થવાનું મુખ્ય કારણ આનંદપ્રાપ્તિ ઉપરાંત સ્વવિચારોને વ્યક્ત કરી યથાશક્તિ વિચારસાહિત્યમાં ફાળો આપવો અને તે દ્વારા સમાજને વિચારતો કરે એ છે. તેઓ અમદાવાદની ‘ગુજરાત સાહિત્ય સભા’ના અને ‘ગુજરાત વિદ્યાસભા’ના આજીવન સભ્ય છે. તેમનાં પુસ્તકો મુખ્યત્વે ધર્મ, તત્વચિંતન અને જરથોસ્તી સંસ્કૃતિ ઉપરનાં છે. ચિંતન અને બોધના ઉચ્ચ સાહિત્યમાં તેમણે અમૂલ્ય ફાળો આપ્યો છે. સ્વસ્થ, શાંત છતાંય પ્રેરક વિચારણા અને અંતરનો ઉજ્જવલ પ્રકાશ આપણને તેમના નિબંધોમાંથી મળે છે. તાજેતરમાં ગુજરાત વિદ્યાસભા તરફથી પ્રગટ થયેલ ‘મોત પર મનન’ નામનો તેમનો મૌલિક ચિંતન અને વિદ્વત્તાપૂર્ણ ગ્રંથ આના સમર્થ પુરાવારૂપ છે. પ્રૉ. દાવરનો આ ગ્રંથ ગુજરાતી ભાષાના મૃત્યુવિષયક સાહિત્યને સમૃદ્ધ કરે તેવો છે. આ એક જ ગ્રંથ ગુજરાતી સાહિત્યમાં તેમને સ્થાન અપાવવા બસ છે.

કૃતિઓ

કૃતિનું નામ *પ્રકાર *રચના સાલ *પ્રકાશન સાલ *પ્રકાશક *મૌલિક, કે સંપાદન?
૧. Art & Morality & other Essays *અભ્યાસલેખો. ૧૯૨૮ થી ૧૯૩૫ *૧૯૩૫ *ડી. બી. તારાપોરવાલા એન્ડ સન્સ. મુંબઈ *મૌલિક
૨. જરથોસ્તી નિબંધો અને બહાઈ ધર્મો ઉપર પ્રકાશ પાડતા લેખો *૧૯૪૩ *૧૯૪૩ *‘બઝમે-જશ્ને રૂઝે બહેરામ’ અમદાવાદ *સંપાદન
૩. મોત પર મનન *પ્રબંધ *૧૯૪૪ *૧૯૪૭ *ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ *મૌલિક

અભ્યાસ-સામગ્રી

‘મોત પર મનન’ માટે-૧. ઈ.સ. ૧૯૪૭નું ગ્રંથસ્થ વાઙ્મય.
૨. ‘પ્રજાબંધુ’નું અવલોકન.
૩. ‘રેખા’ એપ્રિલ, ૧૯૪૮.

***