સંવિધાન અને ચરિત્રનું તારતમ્ય

ઍરિસ્ટૉટલ ટ્રૅજેડીનાં છ અંગો ગણાવે છે : વસ્તુરચના (પ્લૉટ) કે ક્રિયા (ઍક્શન), પાત્ર કે ચરિત્ર (કૅરેક્ટર), બુદ્ધિવ્યાપાર (થૉટ), પદરચના (ડિક્શન), ગાન (સોંગ) અને દૃશ્યતા (સ્પેક્ટક્લ). આ બધાંમાં વસ્તુરચના કે વસ્તુરચના જેનું મૂર્ત રૂપ છે એ ક્રિયાને ઍરિસ્ટૉટલ મૂર્ધન્ય સ્થાને સ્થાપે છે. એ કહે છે : “પણ બધાં અંગોમાં સૌથી અગત્યનું અંગ ઘટનાઓનું સંવિધાન છે.” આ વિધાન આમ ને આમ આવ્યું હોત તો તો કશી ખાસ મુશ્કેલી નહોતી. કોઈ પણ કલાકૃતિમાં એના ઘટક અંશોનું સંવિધાન એ ઘણી અગત્યની વસ્તુ છે, પરંતુ જ્યારે કોઈ પણ કલાનાં બે અંગો વચ્ચે તારતમ્ય કરવામાં આવે ત્યારે એ માર્ગ જરા જોખમી બની જાય છે. ઍરિસ્ટૉટલ આ જોખમી માર્ગે આગળ વધે છે. ટ્રૅજેડી એ કથામૂલક સાહિત્યપ્રકાર છે. એનાં બે વિશિષ્ટ તત્ત્વો ગણાવી શકાય : એકાત્મક ક્રિયા કે સંવિધાન અને ચરિત્ર. ઍરિસ્ટૉટલ આ બન્ને તત્ત્વો વચ્ચે તારતમ્ય કરે છે. “સંવિધાન એ ટ્રૅજેડીનો પ્રથમ સિદ્ધાંત અને તેના આત્મારૂપ છે. ચરિત્ર બીજું સ્થાન ધરાવે છે.” ટ્રૅજેડી પૂરતું આ તારતમ્ય આપણે કદાચ ચલાવી પણ લઈએ, કેમ કે ટ્રૅજેડીએ વિશિષ્ટ ટ્રૅજિક અસર નિપજાવવાની હોય છે અને એને માટે કોઈ વિલક્ષણ પરિસ્થિતિ સર્જવી લગભગ અનિવાર્ય જેવું બની રહે છે. ટ્રૅજેડીમાં ભાવકના હૃદયને સૌથી વધુ અભિભૂત કરનાર બે અંશો ઍરિસ્ટૉટલને દેખાય છે –પરિણામવિપર્યય અને અભિજ્ઞાન. આ બંને એની દૃષ્ટિએ વસ્તુ રચનાના ભાગરૂપ છે. આમ, જો ટ્રૅજેડીની સફળતા ઉત્કટ વિલક્ષણ પરિસ્થિતિ અને એના કલાત્મક સંવોજન પર આધાર રાખતી હોય તો સંવિધાનને ટ્રૅજેડીનું મહત્ત્વનું અંગ ગણવામાં ભાગ્યે જ કોઈ ગંભીર ભૂલ થતી હોવ. એક બીજી રીતે પણ, ઍરિસ્ટૉટલના આ તારતમ્યને આપણે, સ્વીકારી ન શકીએ તોપણ, સમજી શકીએ છીએ. આ તારતમ્ય કરતી વખતે ઍરિસ્ટૉટલના મનમાં એના સમયની ગ્રીક ટ્રૅજેડીઓ જ હોય એ સ્વાભાવિક છે. ગ્રીક ટ્રૅજેડીઓ મુખ્યત્વે પરિસ્થિતિનિર્ભર ટ્રૅજેડીઓ છે. એમાં કેટલેય ઠેકાણે અત્યંત આસ્વાદ્ય માનવચરિત્ર છે. માનવ અને પરિસ્થિતિનો ઉત્કટ સંઘર્ષ પણ છે, છતાં માનવચરિત્ર ત્યાં શેક્‌સ્પિઅરની ટ્રૅજેડીઓ જેવું ઘટનાત્મક સ્થાન ભોગવે છે એમ કહી શકાશે નહીં. શેક્‌સ્પિઅરમાં તો, આપણે કહીએ છીએ કે, ચરિત્ર જ નિર્ણાયક હોય છે (કૅરેક્ટર ઇઝ ડેસ્ટિની), ગ્રીક ટ્રૅજેડીમાં આવું ચરિત્ર નથી હોતું. ગ્રીક ટ્રૅજેડીમાં જે માનવભાવો રજૂ થતા તે પણ સાદા અને મૂળભૂત માનવભાવો હતા. એ રજૂ થતા હૃદયવેધક ઉત્કટતાથી, છતાં તેમાં આજના જેવી પરસ્પર અથડાતા ગૂંચાતા હેતુઓની જાળ જોવા મળતી નથી. માનવના આંતરમનની આજના જેવી અવનવી લીલાઓ ત્યાં પ્રગટ થઈ નહોતી. ગ્રીક નાટકમાં પાત્રનિરૂપણ કે માનસનિરૂપણ નહોતું આવતું એમ નહીં – ઍરિસ્ટૉટલને પરિચિત અને એમણે પ્રશંસેલી પ્રશિષ્ટ નાટ્યકૃતિઓ પછીના સમયની ટ્રૅજેડીઓ કરતાં ઓછી ઘટનાપ્રચુર હતી – પણ શેક્‌સ્પિઅરની ટ્રૅજેડીઓ અને કેટલાંક અર્વાચીન નાટકો કરતાં ગ્રીક ટ્રૅજેડીઓમાં ચરિત્રવિકાસ ઓછું ધ્યાન ખેંચે એવો હોય તો એનું કારણ સંઘટનાની રીતમાં રહેલું છે. ગ્રીક ટ્રૅજેડીઓ ટૂંકી હોય છે અને કટોકટીની ક્ષણની ઘણી નજીકથી શરૂ થતી હોય છે.૨૩ એટલે આજે ભલે આપણે માટે, વૅનબ્રધ કહે છે તેમ “મુખ્ય રસ અને બોધ કાર્યવાહી અને ઘટના કરતાં વિશેષ તો ચરિત્ર અને પદરચનામાં” રહેલો હોય; ઑર્તેગાની પેઠે નવલકથાને માટે ભલે એવું લક્ષ્ય રાખીએ કે “એણે રસપ્રદ વસ્તુપ્રપંચો રચવાને બદલે – એ કામ લગભગ અશક્ય છે – રસપ્રદ ચરિત્રો શોધવાં જોઈએ”; ઍરિસ્ટૉટલ ગ્રીક સાહિત્યને નજરમાં રાખીને ચરિત્ર કરતાં વસ્તુસંવિધાનનું વધારે મહત્ત્વ કરે તો એ પણ આપણે સમજી શકીએ. સંવિધાનને આપણે ટ્રૅજેડીનું પ્રાણપદ તત્ત્વ ગણીએ તોયે ચરિત્ર બીજા અને તે પણ અત્યંત મહત્ત્વના સ્થાને આવે જ. ચરિત્રાલેખનની સિદ્ધિ વિના માત્ર સંવિધાનથી ટ્રૅજેડી નામને લાયક ટ્રૅજેડી બને ખરી? ઍરિસ્ટૉટલ એક ઠેકાણે આવું માનતા જણાય છે.[1] વળી, એ સ્પષ્ટ રીતે કહે પણ છે કે, “ક્રિયા વિનાની ટ્રૅજેડી ન હોઈ શકે, ચરિત્ર વિનાની કદાચ હોઈ શકે.” ઉત્તમ પ્રકારના ચરિત્રનિરૂપણ વિનાની, માત્ર પરિસ્થિતિનિર્ભર ટ્રૅજેડી તે ટ્રૅજેડી કહેવાય ખરી? આપણે તો એને ‘મેલોડ્રામા’ (અતિરંજક, નાટકી રચના) નામની હલકી કોટિમાં નાખીએ. તો ઍરિસ્ટૉટલ જેવા દૃષ્ટિવાળા વિવેચક આવા અર્થહીન લાગતા અભિપ્રાય સુધી કેમ ગયા? આ પ્રશ્ન, જો બની શકે તો, ઝીણવટથી વિચારવા જેવો છે. બીજો એક પ્રશ્ન પણ વિચારવા જેવો છે. ઍરિસ્ટૉટલે એમના સર્વ સિદ્ધાંતો – અનુકરણ, સત્ય અને આકૃતિવિધાનના – ટ્રૅજેડીના સંદર્ભમાં જ વિચારેલા છે. છતાં એ, જરા જુદે રૂપે પણ, સર્વ સાહિત્યને, સર્વ સમયના સાહિત્યને આવરી લે છે. ફિલસૂફ તરીકેની તત્ત્વગ્રહણની ઍરિસ્ટૉટલની એ શક્તિ છે. તો પછી સંવિધાન અને ચરિત્રના સ્થાન બાબતમાં ઍરિસ્ટૉટલની દૃષ્ટિ તત્કાળમાં જ કેમ બંધાયેલી રહી? ઉપરના બન્ને પ્રશ્નોના જવાબ ઍરિસ્ટૉટલની ક્રિયાની અને ચરિત્રની વિભાવનામાં રહેલા છે. એ વિભાવનાઓ તપાસતાં જણાય છે કે ચરિત્ર વિનાની ટ્રૅજેડીનો ખ્યાલ ત્યાં સાવ અર્થહીન થઈ જતો નથી, એટલે કે એ ખ્યાલ ત્યાં કંઈક અર્થ પ્રાપ્ત કરે છે. બીજું એ જણાય છે કે ક્રિયા અને ચરિત્રનું આ તારતમ્ય ઍરિસ્ટૉટલે વિચારેલું તો છે વ્યાપક રૂપે જ – એની જીવનફિલસૂફીનો જ એ એક ભાગ છે –, ટ્રૅજેડીને તો એમણે એ માત્ર લાગુ જ પાડ્યું છે. ઍરિસ્ટૉટલની જીવનફિલસૂફીમાંથી નિષ્પન્ન થતી ક્રિયા અને ચરિત્રની વિભાવનાઓ આપણે જોઈએ. ઍરિસ્ટૉટલ જીવનને ક્રિયા – કદાચ પ્રક્રિયા રૂપે જુએ છે. પ્લેટોએ જીવનના કોઈ શાશ્વત સ્થાયી ભાવનારૂપ પર નજર ઠેરવી હતી. એ ‘હોવા’(બીઇંગ)માં માનતા હતા. ઍરિસ્ટૉટલ જીવનને નવીનવી ભંગિમા ધારણ કરતા ચૈતન્યતત્ત્વ રૂપે જુએ છે. એ ‘હોવા’માં નહીં ‘થવા’ (બિકમિંગ)માં માને છે. એમને મન જીવનનું લક્ષ્ય ક્રિયા છે. સુખદુઃખ પણ કોઈ અવસ્થાઓ નહીં પણ ક્રિયાઓ છે; માણસની ગુણવૃત્તિ કેળવાય છે વર્તન દ્વારા, અને ગુણને ધારણ કરવામાં નહીં પણ એના આચરણમાં સાર રહેલો છે. પ્લેટો ગુણને જ્ઞાનરૂપ માનતા હતા. ઍરિસ્ટૉટલ ગુણને આચારરૂપ માને છે. જુઓ, ‘પોએટિક્સ’માં ઍરિસ્ટૉટલ કહે છે : ‘ટ્રૅજેડી વ્યક્તિઓનું નહીં પણ ક્રિયાનું અને જીવનનું અનુકરણ છે અને એનું લક્ષ્ય કોઈક પ્રકારની ક્રિયા છે, ગુણલક્ષણ નહીં. હવે, ચરિત્ર માણસનાં ગુણલક્ષણો દર્શાવે છે, પણ એનું સુખ કે દુઃખ તો એની ક્રિયાઓમાં રહેલું હોય છે.” ‘એથિક્સ’માં એ કહે છે : “આપણને સદ્‌ગુણોની પ્રથમ પ્રાપ્તિ સદ્‌ગુણોના આચરણ દ્વારા થાય છે... ન્યાયી કાર્યો કરવાથી આપણે ન્યાયી બનીએ છીએ, સંયમયુક્ત કાર્યો કરીને આપણે સંયમી બનીએ છીએ, વીરતાભર્યાં કાર્યો કરીને આપણે વીર બનીએ છીએ.” વળી કહે છે : “જેઓ સુખને સદ્‌વૃત્તિ કે કોઈ એક સદ્‌ગુણની સાથે એકરૂપ ગણે છે તેમની સાથે અમારી સમજણ મળતી આવે છે; કારણ કે સદ્‌વૃત્તિ સદાચરણમાં રહેલી છે, પરંતુ પરમ કલ્યાણ વસ્તુ પોતાની પાસે હોવામાં કે એને વાપરવામાં, મનઃસ્થિતિમાં કે પ્રવર્તનમાં રહેલું માનીએ એથી, કદાચ, કંઈ જેવોતેવો ફેર પડતો નથી, કારણ કે મનઃસ્થિતિ, ઊંઘતા કે બીજી કોઈ રીતે તદ્દન નિષ્ક્રિય માણસની બાબતમાં બને છે તેમ, કશું સારું પરિણામ નિપજાવ્યા વિના અસ્તિત્વ ધરાવી શકે, પરંતુ પ્રવર્તન સારું પરિણામ નિપજાવ્યા વિના રહી ન શકે; કારણ કે જે પ્રવર્તનશીલ છે તે જરૂર કાર્ય કરતો હશે અને સત્કાર્ય કરતો હશે.” અહીં બે મુદ્દા ધ્યાન ખેંચે છે : એક તો, ઍરિસ્ટૉટલ ક્રિયાને જિવાતા જીવનના લગભગ પર્યાયરૂપ ગણે છે અને બીજું. ચરિત્ર એની દૃષ્ટિએ કંઈક પૂર્વનિર્ણિત વસ્તુ છે; કારણ કે ચરિત્ર લક્ષણો દર્શાવે છે, અને લક્ષણો આચરણ દ્વારા સિદ્ધ થઈ ચૂકેલાં હોય છે. ઍરિસ્ટૉટલ જ્યાં સંવિધાનરચનાની સામે ચરિત્રનિરૂપણને મૂકે છે ત્યાં “ચરિત્રને વ્યક્ત કરતી ઉક્તિઓનો સમૂહ” એવા શબ્દો વાપરે છે તે પરથી પણ એવું સમજાય છે કે ઍરિસ્ટૉટલનો ચરિત્રનો અર્થ મર્યાદિત છે. એમાં ક્રિયા દ્વારા વ્યક્ત થતા વ્યક્તિત્વના અંશોનો સમાવેશ થતો નથી. ‘ચરિત્ર’ શબ્દને આજે આપણે સર્વગ્રાહી અર્થમાં વાપરીએ છીએ. એમાં માણસની બૌદ્ધિક શક્તિનો, એના સામાજિક ઘડતરનો, એનાં નૈતિક દૃષ્ટિબિંદુઓનો અને એની સંવેદનશક્તિનો પણ આપણે સમાવેશ કરીએ છીએ. ઍરિસ્ટૉટલનું ‘ચરિત્ર’ સર્વગ્રાહી નથી. કોઈ પણ હકીકત પુરવાર કરવામાં કે સત્યાસત્યનો નિર્ણય કરવામાં માણસની જે શક્તિ પ્રગટ થાય છે એને એ ચરિત્રથી જુદી ગણે છે અને બુદ્ધિવ્યાપાર (થૉટ) તરીકે ઓળખાવે છે. ચરિત્ર એટલે તો વ્યક્તિમાં જોવામાં આવતાં ગુણલક્ષણો, માણસ વસ્તુઓનો સ્વીકારપરિહાર જે નૈતિક હેતુઓથી કરતો હોય તે ઍરિસ્ટૉટલનું ‘ચરિત્ર’ આ રીતે માણસની માત્ર નૈતિક બાજુને સ્પર્શે છે. વળી એમાં માણસના સામાજિક દરજ્જાનો ખ્યાલ પણ ભળેલો છે.[2] એટલે કે રાજાનાં લક્ષણો અમુક પ્રકારનાં હોય, સ્ત્રીનાં અમુક પ્રકારનાં, ગુલામનાં અમુક પ્રકારનાં. આ પ્રકારના ચરિત્રનું ટ્રૅજેડીમાં ખાસ મહત્ત્વ નથી એમ ઍરિસ્ટૉટલ કહેવા માગે છે. અનુભવોમાંથી પસાર થતાં માનવહૃદયમાં જે ક્રિયા-પ્રક્રિયાઓ થાય છે એનો સમાવેશ ઍરિસ્ટૉટલના ચરિત્રાલેખનમાં થતો નથી, કદાચ એની ‘ક્રિયા’માં થતો હોય.[3] ઍરિસ્ટૉટલની ક્રિયાની વ્યાખ્યા સામાન્ય ખ્યાલ કરતાં વધારે સર્વગ્રાહી છે તે આપણે જોઈ ગયા છીએ. ઍરિસ્ટૉટલની ‘ક્રિયા’ની વ્યાખ્યા સર્વગ્રાહી અને ‘ચરિત્ર’ની વ્યાખ્યા સંકુચિત, એથી જ બધી મુશ્કેલીઓ ઊભી થાય છે. ઍરિસ્ટૉટલને ‘ક્રિયા’ અને ‘ચરિત્ર’ દ્વારા આ જે કંઈ અભિપ્રેત છે તે અને એની જીવનફિલસૂફીને ખ્યાલમાં રાખીએ તો, ઍરિસ્ટૉટલની આ ચર્ચાનું તાત્પર્ય એના પરિણામરૂપ જ છે એમ લાગ્યા વિના નહીં રહે. “ચરિત્ર વિનાની ટ્રૅજેડી હોઈ શકે.” એમ તો એ માત્ર પ્રસંગોપાત્ત કહે છે અને ત્યાં ‘કદાચ’ શબ્દ એમણે વાપરેલો જ છે. ટ્રૅજેડીમાં ચરિત્ર ન આવે એમ એ ખરેખર કહેવા માગતા નથી; ક્રિયા આવી એટલે વ્યક્તિઓ આવે અને વ્યક્તિઓ ચરિત્ર અને બુદ્ધિનાં લક્ષણોથી યુક્ત હોવાની, એમ એ કહે જ છે. ક્રિયા અને ચરિત્રનો વધારે ઊંડો સંબંધ પણ એ જાણે છે. એ કહે છે કે ક્રિયાની વિશિષ્ટતા બુદ્ધિની અને ચરિત્રની વિશિષ્ટતામાં રહેલી છે તેમજ બુદ્ધિ અને ચરિત્ર ક્રિયાનાં પ્રભવસ્થાનો છે. આમ છતાં ઍરિસ્ટૉટલમાં ‘ચરિત્ર’ની અવગણના થતી દેખાતી હોય તો એનું તાત્પર્ય એટલું જ છે કે ચરિત્રનું (ઍરિસ્ટૉટલની વિભાવના પ્રમાણેના ચરિત્રનું) કોઈ સ્વતંત્ર મૂલ્ય નથી; ચરિત્ર લક્ષ્ય નથી, ક્રિયા લક્ષ્ય છે. “નાટકમાંની ક્રિયા ચરિત્રના આલેખન માટે યોજાતી નથી; ચરિત્ર ક્રિયાને અનુષંગે – અર્થે આવે છે.” ઍરિસ્ટૉટલે ચિત્રકળામાંથી આપેલું ઉદાહરણ એમના આ વિચારને સ્પષ્ટ કરે છે. એ કહે છે કે અત્યંત સુંદર રંગો ગમે તેમ પાથરી દેવાથી એટલો આનંદ નહીં આવે જેટલો ચિત્રની ખાલી રેખાઓથી આવશે. રેખા ક્રિયાને સ્થાને છે; રંગ ચરિત્રને સ્થાને. રંગ જાતે વ્યક્તિત્વદ્યોતક નથી, એ રેખાને માત્ર મદદ કરી શકે; એમ ઍરિસ્ટૉટલનું ચરિત્ર જાતે વ્યક્તિત્વદ્યોતક નથી, એ ક્રિયાને માત્ર મદદ કરી શકે. સામે પક્ષે રેખા વ્યક્તિત્વદ્યોતક છે તેમ ક્રિયા પણ વ્યક્તિત્વદ્યોતક છે. ઍરિસ્ટૉટલે કરેલું ક્રિયા અને ચરિત્રનું આ તારતમ્ય એમની ફિલસૂફી અને એમની વિભાવનાઓના સંદર્ભમાં સમુચિત નથી લાગતું? પણ એ તારતમ્યનું કંઈ વિશેષ મૂલ્ય ખરું કે નહીં? કદાચ કંઈક બતાવી શકાય. ઍરિસ્ટૉટલે કરેલા ‘ક્રિયા’ના મહત્ત્વને આપણે ‘થવા’ની પ્રક્રિયાના મહત્ત્વ તરીકે જોઈ શકીએ તો એ મહત્ત્વ માત્ર ટ્રૅજેડી કે અન્ય કથામૂલક સાહિત્યપ્રકારો માટે જ નહીં પરંતુ સર્વ કાવ્યસાહિત્યને માટે સાચું ઠરે; કેમ કે અંતે તો કાવ્યમાત્રનું લક્ષ્ય માનવજીવનની ગતિલીલાને જ મૂર્ત કરવાનું હોય છેને? વળી સંવિધાન એટલે સ્થૂળ બનાવોની ગોઠવણી એટલો જ અર્થ નહીં કરતાં આ જાતની માનવજીવનની ગતિલીલાનું સંવિધાન એવો કરીએ તો સંવિધાનમાં જ સાચી સર્જકતા રહેલી છે અથવા તો કલાકૃતિમાં આસ્વાદ્ય છે તે સંવિધાન જ, એ મંતવ્યો કશી મુશ્કેલી ઊભી કરતાં નથી, કેમ કે જ્યાં માનવચરિત્રને કારણે આસ્વાદ આવે છે કે એમાં જ ખરી સર્જકતા પ્રતીત થાય છે એમ આપણે માનીએ છીએ ત્યાં પણ ચરિત્ર ખરેખર કલાત્મક સંવિધાનથી રજૂ થયેલું હોય છે. ઍરિસ્ટૉટલની આ વિચારણાને આટલે સુધી ન લઈ જઈએ તોપણ એના સંવિધાનના – આકૃતિવિધાનના આગ્રહના નમૂના રૂપે એ નોંધપાત્ર છે.

  1. ૨૪
  2. ૨૫
  3. ૨૬