ધ્વનિ/ભૂલ ભાંગી મારી ભૂલ હો ભાંગી
Jump to navigation
Jump to search
૧૪. ભૂલ ભાંગી મારી ભૂલ હો ભાંગી
ભૂલ ભાંગી મારી ભૂલ હો ભાંગી
માઝમ રાતનું સોણલું સર્યું, કિરણને કર આંખ હો જાગી. -ભૂલ.
રંગ ને રૂપે રમતી તરલ
નીરખી’તી કૈં છાયા,
આવતી મારે હાથ ના તો યે
પ્રાણમાં પ્રગટી માયા,
તરસ્યું હરણ દૂરનાં પેલાં, ઝાંઝવાંને નીર જેમ હો રાગી. -ભૂલ.
ઝંખનાથી યે પામતાં ઝાઝૂં
ધન્ય હું બડભાગી,
અવ ન શિશિર-દાહ, ધરાને
મલયની લ્હેર લાગી,
સુષુમણાની મોરલી મારી મોહન સૂરને લય હો વાગી. -ભૂલ.
૬-૧૨-૪૩