ધ્વનિ/ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર?

From Ekatra Foundation
Jump to navigation Jump to search


૧૫. ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર?

ભાઈ રે, આપણા દુઃખનું કેટલું જોર?
નાની એવી જાતક વાતનો મચવીએ નહિ શોર.
ભાઈ રે, આપણા દુઃખનું કેટલું જોર?

ભારનું વાહન કોણ બની રહે નહિ અલૂણનું કામ,
આપણ તો બડભાગી, ખમીરનું આજ ગવાય રે ગાન,
સજલ મેઘની શાલપે સોહે રંગધનુષની કોર.
ભાઈ રે, આપણા દુઃખનું કેટલું જોર?

જલભરી દૃગ સાગર પેખે, હસતી કમળ ફૂલ,
કોકડું છે પણ રેશમનું એનું ઝીણું વણાય દુકૂલઃ
નિબિડ રાતનાં કાજળ પાછળ પ્રગટે અરુણ ભોર.
ભાઈ રે, આપણા દુઃખનું કેટલું જોર?

આપણે ના કંઈ રંક ભર્યોભર્યો માંહ્યલો કોશ અપાર,
આવવા દો જેને આવવું, આપણે મૂલવશું નિરધાર :
આભ ઝરે ભલે આગ, હસીહસી ફૂલ ઝરે ગુલમ્હોર.
ભાઈ રે, આપણા દુઃખનું કેટલું જોર?
૧-૧૦-૪૫