ધ્વનિ/એક દિન સામેને તીરે બાંધી તેં બેડલી
એક દિન સામેને તીરે બાંધી તેં બેડલી.
પેલા વડલાની હેઠ,
ઝૂલતી ડાળીઓની હેઠ,
રે અણજાણ્યા બંધુ!
બપોરી વેળાની બાંધી બેડલી.
શમિયાં શુકનાં જ્યાં ગાન,
વાયરે ડોલે નહિ પાન,
તડકો તપે રે સુમસાન,
ત્યારે છાંયડીને ઓળકોળાંબડે
તારી મોરલીને સૂર,
ચડિયાં પૂનેમનાં પૂર,
મારે ઉર
કો લહરીએ આવી કહ્યું રે, ‘ચલ, ચલ!’.
મેં તો માન્યું’તું ‘છલ, છલ’,
રે અણજાણ્યા બંધુ!
સામેને તીરે બાંધી’તી બેડલી.
આંહીંને આરે બેઠી’તી એકલી.
વેળુ-ખેતરિયે તે મુજ,
ઝાઝી ટેટી ને તરબૂજ,
રે રખોપે એના
વચલી વેળાએ બેઠી એકલી.
મારી ઓઢણીને ચીર,
રંગ રંગને તે હીર,
ચીતર્યા મોર, ચીતરું કીર,
ત્યાં તેં નેણલે અંજન એવું આંજિયું
નહિ આ લોક, નહિ આ માયા,
નીરખી મંદારની છાયા,
સોનલ કાયા
તારી, અણસારે કહી રહી, ‘આવ હે સ્વજન!’
મેં તો માન્યું’તું સ્વપન
રે અણજાણ્યા બંધુ!
આંહીંને આરે હું બેઠી એકલી.
સામેને તીરે બાંધી’તી બેડલી.
નરવો એનો એ છે વડ,
ક્યાંય ના દીસે તારે સઢ,
રે અણજાણ્યા બંધુ!
સામેને તીરે બાંધી’તી બેડલી.
લાંબા દિનની આ ખેલા,
જલથલ લહી હેલા મેલા,
સરતી વેળુકણ શી વેળા,
ત્યારે આંહીંના તે વિજન એકાન્તમાં
ફળ જો લચે રાશિ રાશિ,
તો ય રે ભવની ઉપવાસી
હું ઉદાસી
જલની લહરીને ફરી ફરી કહું રે ‘ચલ, ચલ!’
એ તો બોલે રે ‘કલ, કલ.’
રે અણજાણ્યા બંધુ!
આંહીંને આરે હું બેઠી એકલી.
૧૫-૨-૫૦