ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૫મું/રમણલાલ પી. સોની

Revision as of 01:28, 13 May 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
રમણલાલ પી. સોની

એઓ જ્ઞાતે સોની શ્રીમાળી અને અમદાવાદ જિલ્લાના મોડાસા ગામના વતની છે. એમના પિતાનું નામ પીતામ્બરદાસ રણછોડદાસ સોની અને માતાનું નામ જેઠીબ્હેન છે. એમનો જન્મ તા. ૨૩-૧૨-૧૯૦૭ (સં. ૧૯૬૪ ના પોષ વદ ૭) ને શનિવારના રોજ વણિયાદ કોકાપુર (ઈડર સ્ટેટ) માં થયો હતો. મોટા ભાગનું બાળપણ પણ ત્યાં જ વીતેલું. આ રીતે ગ્રામ્ય જીવનનો પરિચય બાળપણથી જ એમને રહ્યો છે. લગ્ન પ્રથમ ૧૩ વર્ષની વયે થયેલું; પરંતુ પાંચ વર્ષમાં જ પત્ની ગુજરી જવાથી દ્વિતીય લગ્ન ૨૭ વર્ષની ઉંમરે એમણે અ. સૌ. નર્મદાબ્હેન છોટાલાલ સાથે નીકોડા (ઈડર સ્ટેટના) ગામમાં કર્યું હતું. મોડાસાની મ્યુનિસિપલ શાળામાં ચાર ધોરણ પૂરાં કરી ત્યાં જ અંગ્રેજી શાળામાં તેઓ દાખલ થયેલા. અંગ્રેજી ચોથા ધોરણમાં આવ્યા પછી ભણવા પર દીલ ચોટ્યું અને ત્યારપછી દરેક ધોરણમાં પ્રથમ નંબરે રહેલા. લેખન પ્રવૃત્તિ તરફનો રસ છેક બાળપણમાં રામલીલાઓ, ફરતી નાટકમંડળીઓ ને ભવાઇઓના અનુકરણ વખતે દેખાયેલો. શરૂઆતની રચનાઓમાં શામળ ભટ્ટ, પ્રેમાનંદ અને દલપતરામની સંમિશ્ર અસર હતી. આખ્યાને, વર્ણનકાવ્યો, ઉપદેશકાવ્યોજ લખતા. અંગ્રેજી પાંચમા ધોરણમાં તેમને કાવ્યમાધુર્યનો પરિચય થયો; તેમાં કલાપીના કથાકાવ્યોએ આકર્ષ્યા. પછી સન ૧૯૨૫માં થિયોસોફી સાહિત્યનાં વાચને અને પૂ. મહાત્માજીના જીવને તેમનામાં દિશાપલટો કર્યો. અંગ્રેજી છ ધોરણ મોડાસા વિનયમંદિરમાં પૂરાં કરી, સાતમા ધોરણનો અભ્યાસ લુણાવાડા હાઇસ્કુલમાં કરેલો અને સન ૧૯૨૪ માં મેટ્રીકની પરીક્ષા પાસ કરેલી. તે જ વર્ષમાં તેઓ મોડાસા મ્યુનિસિપાલિટીમાં ક્લાર્ક તરીકે નોકરીમાં રહ્યા. સન ૧૯૨૮માં એ નેકરી છોડી ગૂજરાત વિદ્યાપીઠના ગ્રામ્ય સેવા મંદિરમાં થોડાક મહિના અભ્યાસ કર્યો. પછી મોડાસા હાઇસ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા. એટલામાં સત્યાગ્રહની લડત શરૂ થતાં. હાઇસ્કૂલમાંથી રાજીનામું આપી છૂટા થયા. પોતે લખેલાં યુદ્ધગીતોનો એક સંગ્રહ ‘રણનાદ’ નામે એવામાં એમણે પ્રગટ કર્યો, તે જપ્ત થયો હતો. એમણે ડ્રોઈંગનો અભ્યાસ જાતે જ શીખીને એક સ્વતંત્ર વિદ્યાર્થી તરીકે એલિમેન્ટરી અને ઈન્ટર મિડિએટ ગ્રેડની બંને પરીક્ષાઓ પસાર કરેલી છે. સત્યાગ્રહની ચળવળને અંગે તેઓ બે વાર જેલમાં જઈ આવ્યા હતા; અને જેલનિવાસ દરમિયાન બંગાળી અને મરાઠીનો અભ્યાસ કર્યો હતો. અત્યારે એમની પાસે એમનું અપ્રકટ સ્વતંત્ર બાળસાહિત્ય ઘણું પડ્યું છે.

: : એમની કૃતિઓ : :

નં. પુસ્તકનું નામ. પ્રકાશન વર્ષ.
સાદી સીધી વાતો ભા. ૧ સન  ૧૯૩૦
બાળકોનાં ગીતો  ” ૧૯૩૦
રણનાદ  ” ૧૯૩૧
ચબૂતરો  ” ૧૯૩૩
૧ સ્વામી દયાનંદ સરસ્વતી ,, ૧૯૩૩

૨ કવિવર રવીન્દ્રનાથ ૩ લોકમાન્ય ટિળક
૪ કમદેવયાની (બંગાળી પરથી) વગેરે પુસ્તિકાઓ.