ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૫મું/ડૉ. રમણલાલ કનૈયાલાલ યાજ્ઞિક
એમ. એ; પી. એચ. ડી;
એઓ નડિયાદના વતની અને જ્ઞાતે વડનગરા નાગર બ્રાહ્મણ છે. એમનો જન્મ સન ૧૮૯૫ ના તા. ૨૧ મી સપ્ટેમ્બરના રોજ (આસો સુદ ત્રીજ સંવત્ ૧૯૫૧) નડિયાદમાં થયો હતો. એમના પિતાશ્રીનું નામ કનૈયાલાલ ઝવેરીલાલ યાજ્ઞિક અને માતુશ્રીનું નામ સૌ. મણિગૌરી લાભશંકર પંડ્યા હતું. એઓ જાણીતા સમાજસેવક શ્રીયુત ઇન્દુલાલ યાજ્ઞિકના ન્હાનાભાઈ થાય છે. એમનું લગ સન ૧૯૨૦ માં સૌ. વિનોદિની બ્હેન–જાણીતા સાક્ષર શ્રીયુત ચંદ્રશંકર નર્મદાશંકર પંડ્યાની પુત્રી–સાથે થયું હતું; અને એ બ્હેન બી. એ., થયલા છે. એટલું જ નહિ પણ પતિની સાથે ઈંગ્લાંડ જઇને ત્યાં કેળવણીશાસ્ત્રનો ખાસ અભ્યાસ કરી ટિ. ડિ. ની ઉપાધિ ધારણ કરી આવ્યાં છે. હમણાં ભાવનગરમાં મહિલા વિદ્યાલયના તેઓ આચાર્યપદે છે અને ત્યાંના સ્ત્રીજીવનના વિકાસ માટે સારી કાળજી રાખે છે. પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ એમણે નડિયાદમાં પ્રાપ્ત કર્યું હતું, અને હાઈસ્કુલમાં થયલા નાટ્યપ્રયોગમાં એમને સુંદર અભિનયકળા માટે ઇનામ મળ્યું હતું. સન ૧૯૧૭ માં બી. એ. ની પરીક્ષા એમણે ઇંગ્લિશ ઑનર્સ સહિત વિલ્સન કૉલેજમાંથી પાસ કરી હતી. એ વર્ષે એ કોલેજમાં તેઓ ફેલો નિમાયા હતા અને સન ૧૯૨૦ માં એમ. એ. ની પરીક્ષા ઇંગ્રેજી અને ગુજરાતી એ વિષયોમાં બીજા વર્ગમાં પાસ કરી હતી. હાલમાં તેઓ સામળદાસ કોલેજ–ભાવનગરમાં ઇંગ્રેજી સાહિત્યના મુખ્ય અધ્યાપક છે. વચમાં (૧૯૨૯–૩૧) તેઓ ઈંગ્લાંડ વધુ અભ્યાસ માટે ગયા હતા; અને ત્યાંથી “હિંદી નાટકો” એ વિષયપર એક પુસ્તક લખીને પી. એચ. ટી.ની ડોક્ટરેટની પદવી ઇંગ્રેજી વિભાગમાં મેળવી આવ્યા હતા. એમનું એ હિંદી રંગભૂમિ પરનું પુસ્તક હિંદી તેમજ ઇંગ્રેજી પત્રોમાં સારી પ્રશંસા પામ્યું છે. એ પુસ્તકની ખાસ અમેરિકન આવૃત્તિ છપાય છે. ઉપર જણાવ્યું છે તેમ અભિનય કળા પ્રતિ પ્રથમથી એમને અનુરાગ હતો અને એમની એ શક્તિનો પરિચય કાઠિયાવાડમાં નર્મદ શતાબ્દી પ્રસંગે સ્થળે સ્થળે સફળતાથી રંગલીલા ભજવી હતી, તે વખતે સૌને થયો હતો. સાહિત્ય માટે એમને એવી જ પ્રીતિ છે. ભાવનગર સાહિત્ય પરિષદ ભરવામાં અને તેને ફતેહમંદ રીતે પાર ઉતારવામાં એમનો ફાળો મ્હોટો હતો તેમજ સાહિત્ય પરિષદના મંત્રી તરીકે લાઠીમાં પણ એમનું સેવાકાર્ય કિંમતી જણાયું હતું. અંગ્રેજી કવિતા અને નાટ્યસાહિત્ય એ એમના પ્રિય વિષયો છે. ગોવર્ધનરામ, કાન્ત, ન્હાનાલાલ અને મુનશીની એમના જીવનપર પ્રબળ અસર થયલી છે. શેક્સપિયર અને સમગ્ર નાટ્યસાહિત્ય એ એમને વિશેષ આકર્ષે છે. સન ૧૯૨૦ થી ગુજરાતી માસિકોમાં એમને લેખો ખાસ કરીને વિવેચનના અવારનવાર પ્રસિદ્ધ થયલા છે. હાલમાં વિલાયતનાં માસિકમાં પણ તેઓ લખે છે. સન ૧૯૨૮ માં એમના શિષ્ય મિત્ર સ્વર્ગસ્થ પ્રો. ગજેન્દ્રશંકર બુચનો લેખસંગ્રહ “ગજેન્દ્ર મૌક્તિકો” એ નામથી એમણે ‘એડિટ’ કર્યો હતો અને તાજેતરમાં એમનું The Indian Theatre એ નામનું પુસ્તક અંગ્રેજીમાં વિલાયતમાં પ્રસિદ્ધ થયું છે, જે દરેક નાટ્યસાહિત્ય પ્રેમીએ વાંચવા જેવું છે.
: : એમની કૃતિઓ : :
| નં. | પુસ્તકનું નામ. | પ્રકાશન વર્ષ. |
| ૧ | ગજેન્દ્ર મૌક્તિકો (સંપાદિત) ગોંડળ, | સન ૧૯૨૮. |
| ૨ | The Indian Theatre (અંગ્રેજીમાં) લંડન | સન ૧૯૩૩ |