મર્મર/પ્રવેશક

From Ekatra Foundation
Revision as of 06:18, 14 May 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પ્રવેશક

શ્રી. જયન્ત પાઠકના આ કાવ્યસંગ્રહનું નામ ‘મર્મર’ ઔચિત્યથી રખાયું છે. આ કાવ્યોનાં પ્રયોજન મોટાં નથી, તેમ જ તેના આકારમાં પણુ ભારેખમ આયેાજન નથી. અહીં કવિ હૃદયનાં નાજુક સ્પન્દનોને નિરૂપે છે. અટપટા ને વિશાળ જીવનને વીગતે દર્શાવવાનું કાર્ય જેમ સાહિત્યનું છે તેમ હૃદયનાં નાજુક ને સૂક્ષ્મ સ્પન્દનોને ઝીલી લેવાનું કાર્ય પણ કવિતાનું ગણાયું છે. એવાં સ્પન્દનો ને વેદનો એટલાં સુકુમાર હોય છે કે તેનો સ્પષ્ટ બોધ થાય તે પહેલાં તે ઘણીવાર અલોપ થઈ જાય છે. એમને આકાર આપવો એ કવિઓને અધિકાર છે. એવાં વેદનોને મર્મર કહો, બુદ્બુદ્ કહો; એ સૌ કોઈ રહસ્યમય છૂપી વાત કહી જાય છે. એમાં આપણા સંસારનું કે વ્યક્તિના મનસ્તલનું કોઈ રહસ્ય પ્રગટ થાય છે. કંઈ નહિ તો કાવ્યો દ્વારા પણ આપણે આપણા તરફ તેમ જીવન તરફ વધુ ગાંભીર્ય કે વિસ્મયથી જોવા માંડીએ છીએ. શ્રી. જયન્ત પાઠક કહે છેઃ

બીજને કદીયે ન વાંછવું
ઝીલવાને સ્મિત સૂર્યરશ્મિનું;
ફૂલનું પ્રગટાવવા સ્મિત
બીજને અંધ ભૂગર્ભમાં જવું.
(બીજ)

યજ્ઞના રહસ્યને આ એક કડી પ્રત્યક્ષતા આપે છે. કોના જીવનની ક્યાં સાર્થકતા છે એ કોણ જાણી શકે? સંપત્તિ, કીર્તિ, પ્રકાશ મળ્યાં ના હોય, માત્ર અંધકારમાં જાત ઘસીને ગુમાવવાની હોય તો યે કોઈ ઉન્નત દૃષ્ટિએ એમાં ધન્યતા છે. ફૂલને પ્રકાશ મળે ને એ હસે, પણ બીજના આપભોગને એ કેમ વીસરે? આ જગતની સર્વ ક્રિયામાં, આવિર્ભાવમાં, આવિષ્કારમાં—મજૂરની મહેનત કે સંગીતના તાનમાં—કોઈ અદ્ભુત યજ્ઞચક્ર ફરી રહ્યું છે એમ કવિ દર્શાવે છે. એ જ રીતે જીવનમૃત્યુને ભેદને ઓગાળતી બુદ્ધિથી કવિ ઉચ્ચારે છેઃ

મને જિન્દગી ને મરણની ખબર છે:
કબર પર ફૂલો ને ફૂલો પર કબર છે.
(જિન્દગી ને મરણ)

શું નથી મરતું? કે શું નથી નવે રૂપે જીવતું? એ સાચી કે ગૂઢ વાત કવિ સ્મરણીય રીતે કહી જાય છે. જુવાન દિલની પ્રેમપિપાસા અને સૌન્દર્યદૃષ્ટિ ભાષા પાસે મધુર કામ કરાવે છે. અંગનાના સૌન્દર્યની અને એના પ્રથમ પ્રણયવિભ્રમની સનાતન વાત શ્રી. પાઠક ગાય છે :

એક અલકમલકની અલબેલી
શી મહાલે છે મન મેલી!
(અલબેલી)

જાજરમાન સુન્દરીના પાનેતરનો ભરાવ નિહાળતા યુવકને પ્રિયતમા ‘જાતને ઝાંઝરમાં ખોતી’ લાગે છે. બીજા એક કાવ્યમાં પ્રિયજનની પગલીઓથી વૃંદાવનની વાટે મોહનનો ભેટો થઈ ગયો હોય એમ પ્રિયાને અંતરમાં લાગે છે. બાહ્ય સ્થિતિનું અન્તરમાં પ્રતિબિંબ નવીન રીતે કવિ દર્શાવે છે. બાહ્ય પરિસ્થિતિ અને અન્તરની સમાન્તર રેખાઓ દોરવામાં શ્રી. પાઠકનું કૌશલ મને સરસ લાગ્યું છે. સમાન્તર રેખાઓ દોરી ગીતને અંતે કોઈ કૂટ વાતને સ્ફુટ કરી દેતી પંક્તિ મૂકી કવિ તેને પ્રકાશિત ને ચમત્કારવાળું કરે છે. એક કાવ્યમાં આષાઢી ઘનઘટા ને પ્રેમઘટાનું મિશ્ર ચિત્ર છે– જે કાવ્યમાં જ ચિત્ર બને, ચિત્રમાં નહિ. એમાં સૃષ્ટિની એકાકારતાનું મનભર દૃશ્ય સુકુમાર વાણીમાં પ્રગટે છે:–

ગહન તિમિરને અંક સપનમાં ઢળી સૃષ્ટિની કાયા,
સકલ ચરાચર પરે અકલની ઢળી અલૌકિક છાયા;
ભેદ ગયા ભૂંસાઈ
સંતો પ્રેમઘટા ઝૂક આઈ—
(પ્રેમઘટા ઝૂક આઈ)

આવી પ્રકૃતિલીલા અને આધ્યાત્મિક અનુભવની ઓતપ્રોતતાનું સુભગ દર્શન અખો, પ્રીતમદાસ જેવા કવિઓની કવિતામાં પણ થાય છે. ઊગતા કવિનું પ્રથમ લક્ષણ એ હોય છે કે ભાષા અને લયને રમાડી એમાં નવું સૌન્દર્ય તે દાખવે છે; અને એમાં પ્રગટતો અર્થ રંગની મોહનીમાં અવનવો થઈ જાય છે. નવીન કવિ અલકમલકની અલબેલી માફક છુટ્ટી વેણીએ મહાલે છે. એને સુન્દરતાની પડી છે; એને આકર્ષણ કરવું છે; એનો શબ્દ ટહુકાર થવો જોઈએ. બીજું બધું–ભાવની ગંભીરતા, ભાવના સંઘર્ષ, ચિંતન-અનુભવ વધતાં આવી રહેશે. એનું દિલ સૌન્દર્ય સર્જવામાં હોય છે, તર્કશુદ્ધ વિચાર આપવામાં નહિ. સૌન્દર્ય કે ભવ્યતાના પ્રતિભાવો એના પ્રમાણિક છે; પણ એની શ્રદ્ધા કે એનું દર્શન ગણવા જેવું એમાં ઓછું પણ હોય. એ તો કૌતુકનો પ્રવાસી છે ને નવો વિચાર તેના હૃદયને ઘડીભર હલાવે તો તેને રમણીય આકાર અર્પવામાં તે કૃતાર્થતા અનુભવે છે. ‘પામો સૌ ન્યૂનતાઓ મુજ, તુજ સ્પરશે પૂર્ણતામાં પ્રબોધ.’ આવાં વચનોમાં કવિની ફિલસૂફી કે ધર્મશ્રદ્ધા કરતાં શ્રી અરવિંદ પ્રત્યે મુગ્ધ હૃદયની ભક્તિ વધારે જોવા મળે છે. એ ભક્તિપ્રેરિત વિચાર માટે શ્રી. પાઠક ગુંજનક્ષમ પંક્તિઓ રચે છે:–

હે સુન્દર ગોવિંદ!
તુજ સ્પરશે આ પંક વિષે શું નહીં પ્રગટે અરવિંદ?
(ચરણઠેશથી)}}

આ મુગ્ધ ઉચ્ચારો કરતાં નીચેના ઉદ્ગારમાં તાજગી વિશેષ છે:

ક્યાં આવો જનમેળો મળવો!
સાથે બીજે ક્યાં આવો રળવો!
આટઆટલાં મનથી મળવાં એ શું નથી નવાઈ!
(ચાહી લે)

આ સંસારમાંના સમાગમો પણ પારિતોષક હોય છે એમ રામનારાયણભાઈ પેઠે તે ગાઈ લે છે.

* * *

ગેય કવિતાનું–ભજન કે ગીતનું સંવિધાનતંત્ર શ્રી. પાઠકને બરાબર સમજાયું છે. અને એમાં એમની સિદ્ધિ બહુ આશાસ્પદ છે. બીજાં કાવ્યોમાં પણ, ખાસ કરીને પ્રકૃતિ કાવ્યોમાં, તેઓ સાચા કાવ્યતત્ત્વને સચોટ પકડી વસ્તુનો સંસ્પર્શ કરાવે છે. ‘મેઘદૂત’માં કાવ્યાનુકૂલ ચમત્કાર છે. ‘નર્મદાનાં પૂર’માં કવિનો ઊંડો પ્રકૃતિપ્રેમ તથા ઉદાર જીવનની અભીપ્સા દેખાય છે :

ઓ શાં રેવાજલ વહી રહ્યાં મસ્ત લેતાં હિલોળા
હૈયા કેરે સ્થિર જલ જગાડી યુવાના ઉછાળા;
થાતું જાણે ભીંજવી વહું સૌ ક્ષેત્ર હૈયાં અસીમ,
જેની માટી ફળદ્રુપ કરે મોલથી લીલી સીમ.
(નર્મદાનાં પૂર)

‘શરદ્વર્ણન’ પણ એવું જ હૃદયંગમ કાવ્ય છે. પરંતુ કવિની સ્વાભાવિક શક્તિ ‘વર્ષાનું પ્રભાત’ના મનોહર કાવ્યમાં વિશેષ જણાય છે. છ લીટીમાં કવિએ સૉનેટનું સૌન્દર્ય સમાવી લીધું છે. કાવ્યની શબ્દ સંઘટના જ વર્ષાના સંસ્કાર જાગૃત કરે છે.

ધરાગગન રાત આખી નિજ વાત ક્હેતાં રહ્યાં
રહસ્યમય; શબ્દ શાં વરસતાં ધીમે બિન્દુડાં!
અને નીરખ્યું પ્રાતમાં : પૃથિવી અંગઅંગે દીઠી
અસંખ્ય તૃણની પ્રસન્ન પુલકંત રોમાવલિ.
(વર્ષાનું પ્રભાત)

કવિએ દેશપ્રેમનાં સુવાચ્ય કાવ્યો આપ્યાં છે. ગાંધીજી, સરદાર, શ્રી અરવિંદ, બ. ક ઠાકોર ને નાનાલાલને તેમણે ઉચિત અંજલિ અર્પી છે. એમાંનાં કેટલાંક કાવ્યોમાં રચના સૉનેટની છે. એક સંસારી રસના સૉનેટમાં નાયકનો વિરૂપ નાયિકા તરફનો ભાવ નવા દૃષ્ટિકોણથી કવિએ વર્ણવ્યો છે. નાયિકામાં રૂપ નથી, રંગ નથી, ઢંગ નથી; અને જગતની અનેક અપ્સરાઓ એના ચિત્તને રોજ વીંધી જાય છે. પણ બેઉનું બાળક એ જ વરવી સ્ત્રીમાં–માતામાં–અદ્ભુત આકર્ષણ જુએ છે. માતાની છાતીમાં છુપાવામાં એને ખૂબ મઝા છે. નાયકને થાય છે કે આ વરવી નારીને ચાહવા સારું બાલક જેવું કેમ ના બનાય? વિશ્વમાં વિલસતું પ્રેમનું તત્ત્વ જ સાચું સૌન્દર્ય ને આકર્ષણ છે એવું કવિના દિલમાં ઊગી જતું લાગે છે. ‘ઊર્મિલા–લક્ષ્મણ’માં પરલક્ષી કવિતાને શ્રી. પાઠકે સફળ પ્રયોગ કર્યો છે. એમના વિયોગનો પ્રસંગ નાટ્યોચિત ઢબે એમણે નિરૂપ્યો છે. વિધિની વિચિત્રતા અને ઊર્મિલાની અપ્રસિદ્ધ વેદના વિષાદની છાયા પાથરે છે. બીજાં પણ મનોહર પરલક્ષી કાવ્યો પાઠકે લખ્યાં છે. એમની કલ્પના અને ચિંતનશીલતા એવાં કાવ્યોમાં પણ પ્રતીતિ, પ્રસાદ ને મધુરતાના સંસ્કાર મૂકી જાય છે. આ નવીન કવિની કવિતાનો પરિચય મને ઘણાં વર્ષથી છે. મને હંમેશાં તેમાં સાચી કવિતા અને ઉત્તમ કવિશક્તિનો ભણકાર આવ્યો છે. કવિ પાસે રમણીય રૂપો સર્જવા માટે ભાષા, છંદ આદિનું પ્રભુત્વ છે; તેમને નવીન છતાં રમણીય આકારની સૂઝ છે; નવનવા દૃષ્ટિકોણથી જીવનના રંગો ને ઢંગો જોવાનો સ્વભાવ છે; સાચી કલ્પનશક્તિ ને તરલ તરંગ છે; અને આર્દ્ર અને ચપલ વેદનશીલતા છે. આ સંગ્રહનાં કાવ્યોમાં જ પોતાની કવિતાની વિશિષ્ટ ભાત એમણે દર્શાવી છે. એમાં કાવ્યરીતિ અને કાવ્યવિષયનું આકર્ષક વૈવિધ્ય પણ છે. ગુજરાતી સાહિત્યને રમણીય કવિતાની ખોટ નથી પડવાની એવી શ્રી. જયંત પાઠક જેવા કવિઓની ઉષાઝલક જોઈને શ્રદ્ધા બેસે છે.

—વિષ્ણુપ્રસાદ ૨. ત્રિવેદી