અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/લાભશંકર ઠાકર/મેં કવિતા લખવાની શરૂઆત કરી

Revision as of 07:37, 13 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મેં કવિતા લખવાની શરૂઆત કરી|લાભશંકર ઠાકર}} <poem> કપાયેલી પાંખ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


મેં કવિતા લખવાની શરૂઆત કરી

લાભશંકર ઠાકર

કપાયેલી પાંખોવાળું કબૂતર
ક્યારનુંય
શેરીમાં ફફડ્યા કરે છે.
વન્ધ્યાના ગર્ભાશયની
રિક્તતા
શેરીમાં થરક્યા કરે છે.
શેરીના ખાબોચિયામાં
આજે ફરી
શતસહસ્ર જંતુઓ જન્મ પામ્યાં.
પાંડુ વર્ણનો એક વૃદ્ધ
પશ્ચિમ ભણી ડગ ભરતાં
શેરીની વિષમ ભૂમિમાં
ઠેસ ખાઈને પડી ગયો.
તેમ છતાં
એક પતંગિયું
મારી ખરબચડી કાળી દીવાલો પર
બેઠું ન બેઠું...
અને
મેં કવિતા લખવાની શરૂઆત કરી.