મર્મર/નવસર્જન
Jump to navigation
Jump to search
નવસર્જન
ચઢી પવનઆંધી, ધ્રૂજી ધરતી ઊઠી ઝાપટે
ઊઠ્યું ગગનવૃક્ષ ધૂણી, ફૂલ તારકોનાં ખર્યાં.
સમસ્ત અવકાશને ભરી તમિસ્રપૂરો ચઢે
ચરાચર ભયાર્ત મૂક ઘન વેદનાથી ભર્યાં.
ચઢી મરુતસેન, વજ્ર શત ઈન્દ્રનાં ત્રાટકે
લપાય પશુપંખી ઝાડ ઝડીઓ ઝીલે કારમી
પડે ઊખડી કોઈ એક ક્યમ નૈક સામે ટકે!
સવાર પડતાં, થતું: પ્રલયધ્વસ્ત જોશું જમીં.
પ્રભાત પ્રગટ્યું: અહો સકલ કલ્પનાથી જુદું!
ભીની ધરતીને કરો અડકતા પૂષાના મૃદુ;
જાતે હરી ઉતાવળે અનિલ વાદળાંનું ધણ;
વિધૌત દ્રુમડાળિયો મુખર પંખીઓને સ્વન.
અને અહીં ઢળેલ વૃક્ષતણી સોડમાં પોપડો
હટાવી મૃદનો તૃણાંકુર સમૂર્ધ્વ શીર્ષે ખડો.