મર્મર/નર્મદાનાં પૂર


નર્મદાનાં પૂર

એ શો કોલાહલ, ઊછળતું શું ધસે ગાંડું પૂર!
આજે બાજે પ્રલયલયમાં નર્મદાનાં નૂપુર.
પાસે પાસે ઉભય તટની ફેંકતી વારિછોળો
વીંટી લેતી નગરગૃહને ફેલવી બાહુ બ્હોળો.

શૃંગો જાણે ઊખડી પડતાં ઈન્દ્રના વજ્રપાતે
કે આકાશે ઘૂમત ઘન શાં કંપતાં વાયુઘાતે
એવા આજે ઊછળી ઢળતા પૂરવારિતરંગ;
ઘૂમે જાણે સમર ભૂમિમાં ખેલતા વીર જંગ.

ઘેરા સૂરે ડણકત વને કેસરીની સટાશા
કે વાયુમાં ફરકત છૂટી ધૂર્જટિની જટાશા
ઘાટે ઘાટે અથડઈ રચે ઘુમ્મટો સીકરોના
નર્તે જેમાં દીપસુમન શ્રદ્ધાળુ કેરા કરોનાં.

જાણી જાણે શિશુ જનનીનો ક્રોધ કૃત્રિમ, અંકે
ખેલે ખેંચે સ્તન પર ઢળ્યો સાળુછેડો નિશંકે
તેવી ખેલે તરલ વહને હોડીઓ આમ તેમ
ના છે જેને વમળભય કે ના અકસ્માતવ્હેમ.

કાંઠે ઊભા જન પ્રતિપળે વાધતું ન્યાળી પૂર,
મંદિરોના શિખરકલશો ઢાંકતું ગાંડુંતૂર.
ના વિધિની સમજી શક્તા બાજી, ચ્હેરે ઉદાસે
ચિંતે વ્હાલાં સ્વજનની દશા જે પળેલાં પ્રવાસે.

આવે ધીંગાં ધરથી ઊખડી વૃક્ષ વ્હેણે તટસ્થ,
ને આઘાતો સહી ટકી રહે તે ય ડોલે, ન સ્વસ્થ;
બન્ને કાંઠે નજર ન જતી ત્યાં લગી જાય પાણી,
તીરે ઊભાં ગરીબઝૂંપડાં ઢોર સૌ જાય તાણી.
ઓ શાં રેવાજલ વહી રહ્યાં મસ્ત લેતાં હિલોળા
હૈયાકેરે સ્થિર જલ જગાડી યુવાના ઉછાળા;
થાતું જાણે ભીંજવી વહું સૌ ક્ષેત્રહૈયાં અસીમ
જેની માટી ફલદ્રુપ કરે મોલથી લીલી સીમ.

રેવા હું એ ક્ષણની નીરખું વાટ જ્યારે છવાય
હૈયાકાશે ઘન, પ્રલયનું ગાણું ઘેરું ગવાય.
તૂટી બારે ઘન વરસી ર્હે મુક્ત મારા નવાણે
જેનાં પૂરો ફરી વળી નકામું જવે સર્વ તાણે.

ને એ માટી મહીં ખીલી રહે મોલ લીલો હસંતો
કૂળાં ભાનુકિરણ ઝીલતો વાયુલ્હેરે લસંતો
છોને એવાં ફરી ન ચઢતાં એકદા જે ચઢ્યાં તે
પૂરો; વર્ષો કંઈ લગ રહે સ્પર્શ જેને અડ્યાં તે.

રેવા, એવું નસીબ જીવવું જો ક્ષણે આવી જાય
જ્યારે છુટ્ટે કર સહુયને આપવાનું અપાય.
જીવ્યું જેથી અસહ ન બને શેષ મારું સપંક
ને પૂઠે ના જનજીભ વદે કે હતો પાજી, રંક.