કથાલોક/કાયા અને માયાની રમણા

From Ekatra Foundation
Revision as of 03:41, 19 May 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search



કાયા અને માયાની રમણા

‘કાળુભારનો કાંઠડો જાણે મધની લાળ,
પાણી પીને પારખો પડ પૂરો પાંચાળ.’

‘આ પાંચળને નાકે સુવાસણના નાકના મોતી જેવું બાબરા ગામ... ‘ચોગરદમ ગુરુની ફરતા હારબંધ જોગીઓ સમાધિમાં લીન હોય તેવી ટેકરીઓ સાલેમાળના ડુંગરોને ગુરુ બનાવીને ફરતી ગોઠવાઈ ગઈ છે. ‘કાળુભારનો કાંઠો બાબરામાં બહુ જ મનોહારી બને છે. લબરમૂછિયાની મૂછ જેવડું ઘાસ બારેય માસ ઝૂલતું દેખાય છે. ચોમાસે એ લીલું રહે છે. પછી એનાં ડાભોળિયાં સાવરણીમાં બંધાઈ જીવતરના કચરા કાઢે છે.’ આવાં વર્ણનો વડે નવીન અને તરુણ વાર્તાકાર મનસુખલાલ મો. ઝવેરી એમની નવલકથા ‘કાળુભારને કાંઠે’માં વાચકને પ્રવેશ કરાવે છે. આ વર્ણન જેટલું ઝમકદાર છે એટલો જ એનો કથાપ્રવાહ જકડી રાખનારો છે. પહેલી નજરે આ લઘુક નવલકથા એક પ્રેતાત્માની અતૃપ્ત ઇચ્છાઓની અને એ ઇચ્છાઓની તૃપ્તિની કથા દેખાય છે. વલભભાઈ અને વજકુંવરનો પુત્ર નાથિયો લીલ માગે છે. જવલભાભુને એ સોણામાં આવે છે, અને કહી જાય છે કે હું લીલા ઝાડ નીચે અતૃપ્ત પડ્યો છું. શેરી વાળનારી ઢેઢડી લખડી મને ભરખી ગઈ છે. મને લીલ પરણાવો પણ સાત વર્ષનો છોકરો તે ક્યાંય લીલ માગતો હશે? આવી દલીલ વડે વડીલો આ વાતને રોળીટોળી નાખવા મથે છે. નાથિયા પાછળ લીલ પરણાવવાને બદલે કુટુંબના જ એક વિધુર સભ્યને મનહરના પિતાને–ફરી પરણવાનો પેંતરો રચાય છે. એ લગ્ન પ્રસંગે નવવધૂના આગમન વેળા જ પ્રેતાત્મા નાથિયો પોતાનો પરચો બતાવે છે. ટબુની બા સમજુને એ સરમાં આવે છે, અને આગ્રપૂર્વક લીલ માગે છે. લીલ નહિ પરણાવો તો હું તમારું તો ધનોતપનોત કાઢી નાખીશ, એવી ધમકી આપે છે. ભૂતકાળમાં પોતે કેવી રીતે આ કુટુંબને પરેશાન કરેલું એની કબૂલત પણ એ કરે છે. આખરે લીલ પરણાવવાનો વિધિ યોજાય છે. આ વિધિ પ્રસંગે નાથિયાની મા, વજકુંવરની મા સુંદર હાજર હોય છે. એ વેળા સુંદર અને એના ભૂતકાલીન પ્રેમી દરબાર માણસિયાવાળાનું મિલન યોજાય છે. ઘરનાં માણસોની જોડે આ બેઉ પ્રૌઢ પ્રેમીઓ પણ લીલ માટે કાળુભારમાંથી પાણી ભારવાને મિષે જાય છે. એ જ વેળા કાળુભાર છલકી ઊઠતાં આ પ્રેમીઓ એમાં સ્વેચ્છાએ સમાધિ લઈ લે છે, અને વાર્તા પૂરી થાય છે. ઉપરટપકે વાંચનારને આ કથા ચીલાચાલુ પ્રેતકથા હોવાનો ખ્યાલ બંધાય એવું બને ખરું. પણ વાસ્તવમાં એ પ્રેતાત્માઓની વાસનાઓને મિષે જીવતાં માનવીઓની વાસનાઓની વાત કહી જાય છે. મનહરના બાપુજી કરતાંયે વધારે વસમી વાસનાઓ તો માણસિયાવાળા ગરાસિયાની અને સુંદર શેઠાણીની છે. આ કાઠી અને વણિક જેવાં બે વિલક્ષણ પ્રેમીઓ વરસોથી એકબીજાં માટે ઝૂર્યાં કરતાં હોય છે. એમની એક અનૌરસ પુત્રી લખડી ઢેઢડી તરીકે ઊઝરેલી અને મરી ગયેલી. આ લખડી જ એક દહાડે સગર્ભાવસ્થામાં ‘દાળ ખાવાનો ભાવો’ થતાં વજકુંવરને આંગણે ભીખ માગે છે, પણ એ ન મળતાં એ નાથિયા ઉપર વેર લે છે. આમ, અતૃપ્ત ઇચ્છાઓ એકલી પ્રેતયોનીની જ નથી, જીવયોનીમાં પણ વણપુરાયેલી વાસનાઓની વાત આ કથામાં જોવા મળે છે. સુંદર અને માણસિયાવાળાના મિલન, વિયોગ અને વિલોપનના પ્રસંગોમાં લેખક સારી કલાસૂઝ દાખી શક્યા છે. ‘સામી પ્રીત’ ધરાવતાં આ બેઉ પ્રેમીઓનાં પોતપોતાનાં દામ્પત્ય વિફલ ગયાં છે. ગરાસણી રાધાબાઈએ લગ્ન પછી તુરત ‘મરજાદા’ ધારણ કરીને પોતાનો જુદો જીવનપંથ કંડારી લીધો છે. માણસિયાવાળા પોતે એક અદમ્ય ઝંખના સંઘરીને સાલેમાળના ડુંગરાઓમાં ભમ્યાં કરે છે એમાં કવિતાનાં તત્ત્વો દેખાય છે. આખા કથાપટમાં મુકાબલે મોડેથી દાખલ થતો આ પ્રેમકિસ્સો બહુ ચિત્તાકર્ષક બની રહે છે. એની ૫શ્ચાદ્ભૂમાં સહુ પાત્રોની કાયા અને માયાની રમણા ઉઠાવ પામી રહે છે. એના સંદર્ભમાં નાથિયા પાછળ લીલ પરણાવવાનો અંતિમ પ્રસંગ અતૃપ્તિ–સંતૃપ્તિની એક સંજ્ઞા બની રહે છે. છેવટમાં કાળુભારના કાંઠા છલકાય છે એ વેળા વાચકનું ચિત્ત પણ વાર્તારસ વડે છલોછલ બની રહે છે. કથાવસ્તુ તેમજ રજૂઆતનો ચાલુ ચીલો ચાતરીને લેખકે નાનકડા ફલકમાં પણ સારી વાત, સારી રીતે કહી છે. કથનકલાની એમને બહુ સહજ ફાવટ છે એથી કથા રસાળ બની શકી છે. નવલકથાલેખનનો એમનો આ પહેલો જ પ્રયાસ હોવા છતાં એમાં પરિપક્વતા દેખાય છે. સનાતન પ્રેમત્રિકોણ ટાળીને આ પ્રકારના કથાવસ્તુની પસંદગી વડે જ લેખક અરધો જંગ તો જીતી ગયા છે. બાકીને અરધો જંગ તેઓ કથાવસ્તુની કસબયુક્ત માવજત વડે જીતવા મથે છે, અને એમાં એમને સફળતાના ઘણા ઊંચા ગુણાંક મળી શકે એમ છે. લેખકે આ કથામાં સૌરાષ્ટ્રની–સાચું કહીએ તો પાંચાળ પ્રદેશની – ધીંગી તળપદી બોલી બહોળા પ્રમાણમાં યોજી છે. કથામાં પુરુષપાત્રો કરતાં સ્ત્રીપાત્રોની સંખ્યા તેમ જ એમના સંવાદો પુરુષપાત્રો કરતાં ઘણાં વધારે હોવાથી એમની બૈરક બોલીમાં આ તળપદી ઘરગથ્થુ લઢણો સારું કામ આપી શકી છે. પણ પાત્રોની બોલચાલ પૂરી થાય અને લેખક પોતે વૃત્તાંત કહે ત્યારે પણ એ જ પ્રાદેશિક બોલી એના અશુદ્ધ ઉચ્ચારો સહિત ચાલુ રહે ત્યારે એનો અતિરેક જ જણાય. લેખક પોતે લોકભાષાના પ્રેમમાં પડે ત્યારે કોઈ વાર આવો નતીજો આવે. ઢાંચાઢાળ નવલકથાઓ વાંચીવાંચીને વાજ આવી ગયેલા રસિકોને આ નવીન લેખકની લઘુ નવલકથા વાંચવી ગમશે એટલું જ નહિ, ફરીફરીને વાંચવી ગમશે, કેમ કે કાળુભારને કાંઠે રચાતી આ કાયા અને માયાની રમણાના આલેખનમાં અહીંતહી કચાશ રહી ગઈ હોવા છતાં એકંદરે એની કલાત્મકતા સહૃદય ભાવકોને છેલ્લા પ્રકરણમાં છલકાતી કાળુભારની જેમ જ રસતરબોળ કરી મૂકે એવી છે. સપ્ટેમ્બર ૨૯, ૧૯૬૧