કથાલોક/કુળવાનશાહીનો કિલ્લો તૂટે છે ત્યારે
કુળવાનશાહીનો કિલ્લો તૂટે છે ત્યારે...
દાજીસાહેબને જમીન તો દોઢસો વીઘા જ હતી, પણ એમનો દોરદમામ જબરો હતો. પાંચપાંચ પેઢીથી આ કુટુંબમાં એકેક જ પુરુષ–વારસ અવતરેલો, તેથી મિલકતના ભાગલા નહોતા થયા અને ‘જરૂર પડ્યે સદ્ધર સાસરીઓમાંથી દરેકને રકમ મળી રહી હતી.’ દાજીનું કુટુંબ દીકરી આપે તો નાતના મોટા ઘરમાં આપે તે સહજ હતું. એ ગૌરવ લેતા કે કયારેય અમીન કુટુંબ સિવાય એમણે બીજે કન્યા આપી ન હતી. એ અમીન કુટુંબનો નબીરો મોસાળમાં દત્તક થઈને આવ્યો છતાં એણે અમીન કુટુંબનો સામાજિક મોભો કાયમ રાખ્યો હતો. એ સિદ્ધિ નાનીસૂની ન હતી. દાજીનું કુટુંબ ગમે તેટલું મોટું હોય અને જમીનદાર હોય પણ એને કાંઈ અમીન કે દેસાઈની કન્યા ન મળે. એ તો, કન્યા મોટે ઘેર આપીને ગૌરવ લે એટલું જ. એવા મોટા ઘરની કન્યા મેળવવાનો એનો અધિકાર જ નહિ. ભાણેજ એથી દત્તક થઈને દાજીને ઘેર આવ્યો એટલે એનો સામાજિક મોભો પણ આપોઆપ ઊતરી જાય. એ હવે અમીન કુટુંબનો ન રહ્યો, દાજી કુટુંબનો થયો હતો. એના નામ પાછળ લખાતી અમીન અટક પણ લુપ્ત થઈ હતી અને દાજી કુટુંબની પટેલ અટક લખાતી હતી. રહેતો હતો પણ દાજીના કુટુંબમાં, એમના વતનમાં, છતાં પોતાનો સામાજિક મોભો અમીનનો જ હતો એમ તેણે ગૌરવ જાળવ્યું અને એ ગૌરવ મિથ્યાભિમાની નાતે માન્ય પણ રાખ્યું... છ પેઢીથી એ ઘેર અમીન અને દેસાઈ કુટુંબની કન્યા આવી હતી. અને એવા ગૌરવશાળી કુટુંબને દાજીનું જૂનું માનાર્હ સંબોધન ઓછું પડતું હોય તેમ લોકોએ એમાં સાહેબનું નવું વિશેષણ ઉમેર્યું હતું... આવા ઉદ્ઘાટન વડે જેનો આરંભ થાય છે એ ઈશ્વર પેટલીકરની નવલકથા ‘યુગનાં એંધાણ’ જૂની કુળવાનશાહીની કથા છે. એના આરંભમાં તેમ જ અંતમાં દાજીસાહેબની હવેલીની વાત આવે છે અને બે ભાગમાં પથરાયેલ વિસ્તીર્ણ કથાપટમાં પણ આ હવેલી એક પ્રતીક તરીકે તો સ્થૂલ તેમજ સૂક્ષ્મ રીતે વારેવારે ડોકાયાં જ કરે છે, તેથી આ કથાના શીર્ષકમાં જૂની ઢબનાં ઊર્ફે યાને કે કિંવા જેવાં ઉમેરણ વડે ‘હવેલી’ શબ્દ કોઈક રીતે સમાવી શકાય હોત તો કથાનું નામ વધારે સાર્થક બની રહેત. ‘યુગનાં એંધાણ યાને હવેલીનાં વાસી’ એ આ વાર્તાનું યથાર્થ શીર્ષક છે. હવેલીને જૂની કુળવાનશાહીનો કિલ્લો ગણીએ તો આ કથા એ કિલ્લામાં પડેલાં ગાબડાંઓનું બયાન બની રહે છે. લેખકે પોતે આ ગાબડાંને ‘આંચકા’ની પરિભાષામાં વર્ણવ્યાં છે. એમાંનો સર્વપ્રથમ સ્થૂલ આંચકો, દાજીસાહેબનાં સાળી સુમીબહેન ગામની ભાગોળે બસમાંથી ઊતરે છે ત્યારે ગામનો મોહન વાળંદ એ મહેમાનની બેગ ઊંચકવાની ના ભણે છે ત્યારે લાગે છે. યુગપલટાનું આ સર્વ પ્રથમ એંધાણ હતું. પણ દાજીસાહેબનાં નસીબમાં તો આથીયે વધારે ને એકેકથી ચડિયાતા આંચકા અનુભવવાનું લખાયું હતું. પોતાનાં એક સાળીના છત વિનાના પુત્ર ભાણાભાઈ સામે એમની તેજસ્વી પત્ની મનોરમાએ પડકાર ફેંક્યો અને શાણા દાજીસાહેબે આખરે મનોરમને લગ્નવિચ્છેદ કરાવી આપવો પડ્યો. એ લગ્નવિચ્છેદિત ભાણાભાઈને આખરે સુંદરી જેવી એક સામાન્ય કુટુંબની છોકરી જોડે પરણાવીને હવેલીના વારસ તરીકે દાજીએ દત્તક લેવા પડ્યા ત્યારે છ છ પેઢીથી દેસાઈઓ કે અમીનોની જ કન્યા જ્યાં પગ માંડી શકતી એ હવેલીની કુળવાનશાહી પાયામાંથી હચમચી ઊઠી હશે. નવી કેળવણી, સ્વરાજ્ય, ગણોતધારો, ગ્રામપંચાયતની ચૂંટણી, નારીસ્વાતંત્ર્ય આદિ પરિબળોએ પેલા પરંપરિત કુલીનશાહીના કિલ્લાને ખોખરો કરી નાખ્યો હતો. તેથી જ, કથાના છેલ્લા પ્રકરણમાં આ અડીખમ હવેલીના વાસી–દાજીના નાનાભાઈ–અમદાવાદમાં સામાન્યોની સોસાયટીમાં બંગલાનું ખાતમુહૂર્ત કરતા ચિતરાયા છે. ‘હવેલીથી બંગલા સુધી’ એ શબ્દોમાં આ યુગપલટાની ઉત્ક્રાંતિ સૂચવતો ટૂંક સાર આવી જાય છે. સારી સામાજિક નવલકથાઓની નીપજ માટે સુસ્થિર સામાજિક માળખું આવશ્યક છે એવો એક મત છે. ઇંગ્લૅંડમાં વિકટોરિયન યુગ પછી માતબર નવલકથાઓ ઝાઝી નથી ઊતરી એવું પણ એક નિરીક્ષણ થયું છે. પણ આ નિરીક્ષણને સામે પક્ષે એમ પણ કહી શકાય કે જબરાં આર્થિક સામાજિક પરિવર્તનો થઈ રહ્યાં હોય, કાળ કરવટ બદલાતો હોય, સમાજની કાયાપલટ થતી હોય, સામાજિક સ્તરો ઉપરતળે થઈ રહ્યાં હોય, બે યુગોની સંક્રાંતિમાંથી જનસમાજ પસાર થતો હોય ત્યારે એની છબીઓ ઝીલનારી કથાઓ મહાનવલ જેટલું ગજું કાઢી શકે. અમેરિકાની ૧૯૩૦ની મરણતોલ મંદીએ સમાજની જે ખોળિયાંબદલી કરી નાખી એને ઘણાયે નવલકથાકારોએ કથાવિષય બનાવેલો. ગુજરાતમાં ગણોતધારો પણ આવી જ કલાત્મક શક્યતાઓથી ભરેલું એક મહત્ત્વનું પરિબળ છે. આપણ આરૂઢ કથાકાર અને સમાજચિકિત્સક પેટલીકરે આ નૂતન પરિબળનાં દૂરગામી પરિણામો માપવાનો આ કથામાં જે પ્રયોગ કર્યો છે એમાં એમને સારી સિદ્ધિઓ સાંપડી છે. ‘યુગનાં એંધાણ’માં આ સામાજિક–આર્થિક પરિવર્તનોની નોંધ લેવા જતાં લેખકે કેટલાંક યાદગાર પાત્રો ઊભાં કર્યાં છે. વહાલસોયાં ને વત્સલ દાજીસાહેબ તથા ભાભીમાને જૂની પેઢીના, વૈયક્તિકને બદલે વર્ગીય નમૂના ગણીએ તો પણ એમને નિહાળતાં નજર થાકે જ નહિ એવી એમની ગરવી મોહિની છે. અકુળવાનપણાના અસંતોષથી પીડાતા નરસિંહભાઈ દયાપાત્ર પ્રાણી છે. એમ તો નાથા મુનીમથી માંડીને નાનકડી બાળકી સુધા સુધીનાં નાનાંમોટાં બધાં પાત્રોને નિજનિજની કહી શકાય એવી વ્યક્તિત્વરેખ સાંપડી રહી છે છતાં આ વાર્તાનું સૌથી વધારે સુરેખ અને યાદગાર પાત્ર તો હવેલીના દત્તક વારસ ભાણાભાઈની પ્રથમ પરિણીતા મનોરમા જ કહી શકાય. દાજીસાહેબના પિતરાઈ રણજિતભાઈની પુત્રવધૂ પુષ્પા અને આ મનોરમા બેઉમાં ઠીકઠીક સામ્ય છે. બેઉના પતિ ભાણાભાઈ અને જગમોહન છત વિનાના છે. બેઉ કજોડાં કુળવાનશાહીના અનિષ્ટના નાદર નમૂના છે. પણ જગમોહનની પત્ની પુષ્પા આખરે લાચાર બનીને સસરા રણજિતભાઈની કામવૃત્તિને વશ થાય છે, ત્યારે મનોરમા પોતાના લગ્નબંધનને પડકારીને મુક્ત થવા મથે છે. પોતાના માસિયાઈ દિયર સન્મુખ પ્રત્યે એને આસક્તિ જન્મી હોવા છતાં એને વશ ન થવાની એની મથામણમાં કવિતા અને કરુણતાની મિશ્ર છાંટ દેખાય છે. મનોરમા એ ‘જનમટીપ’વાળી ચંદાની માટીમાંથી ઘડાયેલ, પ્રબુદ્ધ સ્ત્રીત્વનું પ્રતીક છે, નમાલા પતિને નિભાવી લઈને સન્મુખ જોડેનો સ્વૈરાચાર એની સૌંદર્યદૃષ્ટિને ઘાતક જણાય છે. તેમ, ડૉ. કુમુદની પેઠે પરિણીત જીવન ચાલુ રાખીને ઉઘાડેછોગ લગ્નબાહ્ય વ્યવહાર યોજવામાં એને આત્મવંચના જણાય છે. તેથી જ એ પૂતળા જેવા પતિની અને હવેલીની છત્રછાયા તજીને અમદાવાદમાં નાનાભાઈને ત્યાં આવી રહે છે અને પોતાના જીવનને જુદે જ પાટે ચડાવવા મથે છે. દાજીસાહેબની કુલીનશાહીને મોટામાં મોટો પડકાર કોઈએ કર્યો હોય તો આ મનોરમાએ જ. કથાના વિસ્તીર્ણ પટને લેખકે બહુ નાના સમયગાળામાં સમાવી લીધો છે, તેથી એ વધારે સુગ્રથિત બન્યો છે. દાજીસાહેબ અને ભાભીમા જાત્રાએ જઈને પાછાં આવે છે એ છ–આઠ મહિનામાં જ યુગનાં આ ઘણાંખરાં એંધાણ વરતાઈ આવે છે. અને એમાંથી જ, પોતાના નાના ભાઈને હવેલીના બોજમાંથી મુક્ત કરીને ભાણાભાઈને દત્તક લેવાનો તેઓ નિર્ણય કરે છે. અને હવેલીને ઉંબરે છ છ પેઢી પછી પહેલી જ વાર કોઈ દેસાઈપુત્રી કે અમીનપુત્રીને બદલે સુંદરી જેવી સામાન્યા પગ મૂકે છે ત્યારે એમાં યુગપ્રભાવ તેમ જ કવિન્યાયનો બેવડો વિજય વરતાય છે. એટલું જ નહિ, કથાનું અંતિમ ગંગાપૂજન પણ આ વિલક્ષણ દત્તકવિધાનને પરિણામે એક વિશિષ્ટ અર્થમાં સ–ફળ બની રહે છે. કલાદૃષ્ટિએ ભરપૂર કસ કાઢી શકાય એવા સામ્પ્રત જીવનના એક ધરખમ પાસા ઉપર પેટલીકરે કલમ ચલાવી છે. ભાંગતી ઠકરાત, ઓસરતી અમીરાત આદિ ઘટનાઓ આર્થિક દૃષ્ટિએ વિષમ હોવા છતાં કલાદૃષ્ટિએ બહુ આકર્ષક લાગે છે. આપણા દેશમાં જમીનદારીની નાબૂદી બ્રિટિશોએ સ્થાપેલી રૈયતવારી જેટલી જ આર્થિક–સામાજિક મહત્ત્વની ગણાશે. એનાં પરિણામો, એના સ્થૂલ તેમ જ સૂક્ષ્મ પ્રત્યાઘાતોની પરંપરા, સામાજિક–કૌટુંબિક ખડભડાટ, ટકરાતાં પરિબળો અને એના સમુદ્રમંથનમાંથી મળનારી સંપ્રાપ્તિઓ વગેરે અવલોકવાનું કામ સમાજશાસ્ત્રીઓને તેમજ સાહિત્યકારોને રસપ્રદ બની રહેશે. પેટલીકરે અહીં, એ બેઉ હેસિયતથી આ યુગપલટાની પ્રક્રિયા અવલોકી છે. ‘પ્રેમપંથ’માં પ્રણય અને પરિણયની જ સમસ્યાઓમાં સીમિત રહેલી એમની કલમ અહીં બહુ મોટા ફલક ઉપર ફરી વળે છે. અહીં પણ ડૉ. કુમુદ, પુષ્પા, નરસિહંભાઈ, સવિતા આદિનાં લગ્નવૈષમ્યના કિસ્સાઓ ઓછીવત્તી છણાવટ પામે છે ખરા, પણ લેખકનું લક્ષ્ય પેલાં યુગનાં એંધાણ ઉપર જ હોવાથી લગ્નમીમાંસા કે દામ્પત્યમીમાંસા માટે એમને બહુ ઝાઝો અવકાશ મળતો નથી. એ જ રીતે પેટલીકરમાં રહેલો પેલો અસાધ્ય સુધારક પણ અહીં બહુ ફાવતો નથી. છતાં એ છેક અછતો તો શાનો રહે? રણજિતભાઈ સરપંચ તરીકેની ચૂંટાવાની લાલચમાં, પોતાના પુત્ર જગમોહનની ત્યક્તા પત્ની સતિતાને પાછી બોલાવવા કબૂલ થાય છે એમાં લેખકની ત્યક્તોદ્ધારની તાલાવેલી છાની રહેતી નથી. જોકે, નરસિંહભાઈના પડકારને પરિણામે આખરે ગેરકાયદે જાહેર થયેલી એ જહેમતભરી ચૂંટણીની એકમાત્ર નક્કર ફલશ્રુતિ તરીકે સવિતાનો આ ઉદ્ધાર આકર્ષક તો લાગે જ છે. કુલાભિમાનમાં અંધ બનેલા રણજિતભાઈને વિધાતાની એક લપડાક તરીકે પણ સવિતાનું આ પુનરાગમન સાર્થક ઠરતું જણાય છે. ‘પ્રેમપંથ’ કરતાં ‘યુગનાં એંધાણ’નું કથાવસ્તુ વધારે ઊંડાણવાળું હોવા છતાં એની લખાવટ આગલી કથાને મુકાબલે શિથિલ શાથી લાગે છે? અહીં તહીં વર્ણનો કે નિરીક્ષણોમાંનું દીર્ધસૂત્રીપણું ક્ષમ્ય ગણીએ તો પણ કથાપટમાં કોઈ કોઈ સ્થળે તાણાવાણા પૂરતા પ્રમાણમાં તંગ ખેંચાયા જણાતા નથી. ગદ્ય પોતે જ એક શિથિલ લેખનપ્રકાર ગણાય છે તેથી એનું ખેડાણ કરનારે તો પદ્ય સાથે કામ પાડનારાઓ કરતાં પણ વધારે સાવધ રહેવું પડે. આપણા રોજિંદા વ્યવહારમાં યોજાતું ગદ્ય તો પુષ્કળ કિટી–કસ્તરવાળું હોય છે. એને સાહિત્યમાં યોજતી વેળા ઘણા શુદ્ધિસંસ્કાર કરવા પડે, વધારે વળ ચડાવવા પડે. થોડાકેય ઢીલા તાણાવાણ કોઈવાર આખા કથાદેહને કથળાવી નાખે. પણ ‘જનમટીપ’ વડે સુઘટ્ટ અને તંગ ગદ્યવણાટનો પરચો આપી ચૂકેલા લેખકને આવી સલાહશિખામણો આપવા બેસીએ એ તો લુહારવાડે સોય વેંચવા જવા જેવું જ ગણાય ને? ઑગસ્ટ ૧૪, ૧૯૬૨