ધૂળમાંની પગલીઓ/૭
શાળાજીવન દરમિયાન જો સૌથી વધુ મહત્વનો દિવસ કોઈ જણાયો હોય તો તે શાળાના ઇન્સ્પેક્શનનો. ઇન્સ્પેક્શન થવાના દિવસો નજીક આવતા જાય તેમ શાળા પણ હંસલાની જેમ જાણે નવાં કલેવર ધરતી જાય. કુંભારનાં બેચાર છોકરાંને શાળાના છાપરે ચઢાવી નળિયાં ચળાવાય. શાળાનાં જાળાં સાફ થાય. બોર્ડ પર પાકો કાળો રંગ ચઢી જાય. એમાં સફેદ ચોકથી જ્યારે પહેલાવહેલાં અક્ષરો પડતાં ત્યારે તે કોઈ હબસી સુંદરીના ચહેરા પરના હાસ્યમાં ચમકી ઊઠતી મોગરાની કળીઓ સરખા લાગતા, અથવા અંધારી રાતે ચમકતાં ચાંદનીનાં ફૂલ સરખા. બાગબગીચાનેય સુધારવા-સમારવાનું કામ દસબાર ચુનંદા વિદ્યાર્થીઓને સોંપાઈ જતું; તેઓ તેમનો બધો કલાકસબ ક્યારીઓ બનાવવામાં ને ફૂલછોડ નાખવામાં રોકતા, કેમ કે આ નિમિત્તે તેમને ભણવા નામની મહાકંટાળાભરેલી લપમાંથી ઊગરી જવાનું મળતું હતું. કેટલાંક સારા હસ્તાક્ષરવાળાં છોકરાંઓને પૂંઠાં પર સુવાક્યો ચીતરવાનું કામ સોપાતું. અમારા જેવા જન્મજાત ભણેશ્રીઓને વાંચીને ગદ્યપાઠ કે મોટેથી કડકડાટ કવિતાપાઠ તૈયાર કરવાનું કાર્ય સોંપાતું. ચિત્રકલા ને ક્રાફટના પાંચદસ કસબીઓ શાળાના સુશોભનમાં લાગી જતા. ચારે બાજુ એક ક્રાંતિની હવા જાણે ચાલતી. હવે શિક્ષકોમાંય વધુ ચપળતા ને ચીવટ ચમકતી. ભીના કકડાએ ખુરશી-ટેબલ, સ્ટૂલ ને કબાટો, બારી-બારણાં વગેરે સાફ થતાં. શાળાના ઘંટનેય ખાટી આંબલીથી માંજીમાંજીને એનો કાટ દૂર કરાતો. એમાં અમારા અનેક હાથોના સહિયારા પરિશ્રમનો ઝગારો સહેલાઈથી જોઈ શકાતો. શાળામાં પટારામાં ધૂળ ખાતી લાઠીઓ, ડંબેલ્સ, લેઝિમ વગેરે ઝમાકા સાથે બહાર નીકળતાં. અમનેય ત્યારે ભણવા કરતાં વ્યાયામમાં જવાનું જ ઝાઝું ગમતું. સાહેબ વ્યાયામમાં જવાનો હુકમ છોડે કે અમે સૌ ગેલમાં આવી જતા અને એમાંય જો ડંબેલ્સ, લેઝિમ જેવું કંઈક લાવવાનું કહે ત્યારે ભારેનો ઉત્સાહ વ્યાપી જતો. કેટલાક તો પટારાથી શાળાના મેદાન સુધીની યાત્રાયે ડંબેલ્સ કે લેઝિમના તાલ સાથે કે લાઠીઘુમાવ સાથે લલિત રીતે કરતા ને ત્યારે દૂર ઊભા ઊભા અમારો તાલ જોતા સાહેબની સિસોટી ‘ખિસકોલી જેમ ખાખરે’ એમ ફરૂકતી અને અમે તત્કાલ ઉતાવળે જઈને એમની આગળ કતારમાં ચપોચપ હાર્મોનિયમની પેટીમાંની ધોળીકાળી (ચાંપો)ની જેમ ખડાં થઈ રહેતા. ત્યારબાદ સાહેબની સિસોટીના તાલે અમારો લયબદ્ધ વ્યાયામ ચાલતો. એમાંય જો કોઈકવાર બ્યૂગલ અને પડઘમના ધ્વનિ ભળતા ત્યારે ઓર ઉત્તેજના અનુભવાતી અને વ્યાયામમાં એક પ્રકારની રમરમાટી આવી જતી. વળી વ્યાયામની જેમ નાટક, નૃત્ય, ગીત, ગરબા આદિ સાંસ્કૃતિક કાર્યક્રમોનીયે ભારે તૈયારી ચાલતી. અમારા પડખે જ કન્યાશાળા હતી ત્યાં ગરબા, ગીત, નૃત્ય વગેરેની પ્રેક્ટિસ ચાલતી. અમે નાના. હજુ અમારામાં સ્ત્રી-પુરુષ વચ્ચેના જાતીય ભેદની સભાનતા નહોતી અને એના કારણે અમને કન્યાઓ પાસે જવા કે હળવાભળવામાં કોઈ શરમસંકોચ કે ભયક્ષોભ પીડતાં નહોતાં. એ નરવાઈનો તો નશો જ અનોખો. અમે શાળાના કામકાજ દરમિયાન તક મળે પેલી કન્યાઓની પ્રેક્ટિસનોયે ચટકો લેવા ધસી જતા. વળી સાહેબ ટોકે ત્યારે અછોડાથી ખેંચાતા વાછડાની જેમ પાછા વળતા - આંખ ને કાન એ દિશામાં રાખીને. આમ ઇન્સ્પેક્શનની તારીખ નજીક આવતી જાય ને સાહેબોનાં બેચેની અને દોડા વધી જતાં. અમને ભણેશ્રીઓને સવાલ-જવાબ બરોબર તૈયાર કરી રાખવાની તાકીદ થતી. દફતર, કપડાં વગેરે વ્યવસ્થિત રાખવાની સૂચના આપવામાં આવતી. અમે ઘેર જઈ પહેલું કામ ચોપડીઓ-નોટોનાં પૂંઠાં શોધવાનું કરતા. મને તો ચોપડીઓ-નોટો માટેનાં સરસ પૂંઠાં દરબારમાંથી મળતાં અને તે ચઢાવી આપવાનું કામ પટાવાળા દ્વારા થતું એટલે આસાન હતું. પટાવાળો જે રીતે પૂંઠાં ચઢાવતો એ ધ્યાનપૂર્વક જોઈ હુયે એમ પૂંઠાં ચઢાવવા બેસી જતો ને પટાવાળો વધતી ઊલટથી એ કામમાં મને ચોંટાડી રાખવા કોશિશ કરતો. નોટ-ચોપડીઓને પૂંઠાં ચઢી રહે એટલે તાતો સવાલ આવે એના પર નામ, વિષય આદિ લખવાનો. એ નામ, વિષય વગેરે ગુજરાતીમાં લખીએ તો કંઈ વટ પડે? એ તો મરોડદાર રોમન લિપિમાં–અંગ્રેજીમાં જ લખાવાં જોઈએ ને પછી એ માટે પિતાશ્રી કે મોટાભાઈની મદદ લેવાતી. એ પૂરું થાય એટલે કોઈ ચિત્રકાર સહાધ્યાયી પાસે પાંચ કાગળ કે બે નવાનક્કોર પૂંઠાં કે બે પિપરમીટની ગોળી-એના બદલામાં તે એમ નહીં તો ઠાકોરજીના પડીકામાં બાંધી લાવેલ એકાદ લાડુડીના બદલામાં રંગીન કલર કે પેન્સિલથી થોડું ચિતરામણ પણ કરાવી લેવાતું. નોટ-ચોપડીઓ ઇન્સ્પેક્શન માટે બિલકુલ તૈયાર. પછી વારો આવે સ્લેટનો. સ્લેટને પહેલાં કોલસાપાણીથી બરોબર ધોતા. જરૂર પડયે સાબુની કટકીયે વાપરતા. ત્યારબાદ થોરનાં પાકાં પાન લાવી એનાથી એનું અંગમર્દન થતું. એ પછી દિવેલનાં બી ઘસી થોડી ચિકાસ લાવતા ને વળી જો પેન એમાં ચાલવાની કે ઊઘડવાની ના ભણે તો ફરી પાછું એનું અંગમર્દન થતું. સ્લેટનું જાતભાતનાં દ્રવ્યોથી મર્દન-લેપન કરતાં અને સ્નાન કરાવતાં સહેજેય કલાક તો નીકળતો. સ્લેટનું પતે એટલે વારો આવે દફતરનો. દફતર માટેની થેલી મા કે બહેન ઘરે જ સીવી દેતી. સામાન્ય રીતે ફાટેલાં પાટલૂન, ચડ્ડી અથવા લેંઘા, ચાદરો વગેરેનો એમાં ઉપયોગ કરાતો. ત્યારે આજનાં જેવાં શહેરમાં મળે છે એવાં રૂપાળાં દફતરો તો સપનામાંયે નહીં, પણ વોરાને ત્યાં વેચાતી પતરાની નાની પેટીઓ (અમે એને ‘બૅક’ કહેતા!) સાદા ચામડાનાં ને જીનનાં પાકીટો થોડાંઘણાં જોવા મળતાં. મને એકાદ પતરાની પેટી મેળવવાની ભારે હોંશ હતી પણ એ તો મનની મનમાં જ રહી. મારી પાસે ઘરની બનાવેલ થેલી હતી. હું બહું જીદ કરું તો મા એક નવી થેલી બનાવી આપે એટલું જ, પણ હું જોતો કે આ બાબતમાંય મારી સ્થિતિ પ્રમાણમાં ઘણી સારી હતી. હું મારી આસપાસનાં બારૈયા; કુંભાર, હજામ વગેરે કોમનાં એવાં બાળકો જોતો હતો, જેમની થેલીઓમાંથી ચોપડીઓ દેખાય એવાં કાણું પડી ગયેલાં હોય અને છતાં તેની મરામત કરવાનું કે ખાસ ધોવાનુંયે બની શકતું ન હોય. ગરીબી જેને વળગે છે એને પૂરા પ્રેમથી વળગે છે. એનો ચહેરો માણસના ચહેરામાં જ નહીં, એ જે કંઈ ચીજ-વસ્તુઓ વાપરે એમાંયે ઓછોવત્તો ઝળુંબતો હોય છે. મારી સાથે એવા વિદ્યાર્થીઓ હતા જેમને વાળમાં નાખવા તેલ નહોતું અને તેથી ઇન્સ્પેક્શનને દહાડે એમાંના મારા મિત્ર બનેલ કોઈક તો ઘેર આવી મા પાસે ‘કાકી, આજે ડિપોટીસા’બ આવવાના છે, જરા તેલ નાખી આલશો માથામાં?’ કહીને મા પાસે તેલ નખાવી જતા ને તેલનું ટીપુ નીચે પડે તો જે ન વેઠી શકતી એ મારી મા પણ આશ્ચર્યજનક ઉદારતાથી તેલ નાખી આપતી. અમે વિદ્યાર્થીઓ આમ ઇન્સ્પેક્શન આવતાં સુધીમાં શિસ્તબદ્ધ સૈનિકની અદાથી તૈયાર થઈ જતા; એટલે પછી ઇન્સ્પેક્ટર સાહેબની સવારીની કાગડોળે રાહ જોવાનું શરૂ કરતા. અમારા ગામમાં બાપુની દસેરાની સવારી, શિવરાત્રીનો વરઘોડો, તાજિયાનું ઝુલૂસ, તેમ બહારગામથી બાપુની મોટર પધારે, અને એમાંય શિકારે ગયા પછી વાઘ કે ઝરખ - જે માર્યું હોય તેનું માથું ગામલોક દેખે એમ મોટરની છત પર કે બોનેટ પર ફૂલહાર સાથે ગોઠવ્યું હોય ને બાપુ ગામમાં પધારે, કઠપૂતળીવાળાની દૂબળી પણ નમણી ઘોડી ગામ વચ્ચેથી રૂમકતી ઝૂમકતી લાલપીળાં ચીથરાં ફરકાવતી પસાર થાય – એ જેમ અમારે મન મહિમાવંત ઘટનાઓ હતી તે જ રીતે અમારી શાળાના નામદાર ડિપોટી-સાહેબેને કાળી છત્રીના છાંયડા નીચે નવી શેતરંજી પાથરેલા દરબારી ડમણિયામાં બેસાડીને અમારા મોટાસાહેબ નિશાળના દરવાજે ઉતારતા એ અમારે મન મહિમાવંત - કહે કે અલૌકિક ઘટના હતી! - ‘ઓ નળ આવ્યો!’ જેવી જ. દરવાજે જેવા ડિપોટીસાહેબો ઊતરે કે બ્યૂગલ ને પડઘમ ગાજી ઊઠતાં ને સાથે ફાટી જ વ્યાયામ શિક્ષકનો ફાટી જતો કંઠ-અવાજ. એ સાથે જ સામસામી કતારની લાઠીઓ હવામાં અધ્ધર ઊંચકાતી ને ત્રિકોણિયા કમાન રચીને રહી જતી અને એની નીચેથી પહેલાં શાળાના સાહેબ, પછી મોટાસાહેબ અને પછી ડિપોટીસાહેબો અને સાથે હોય તો એમનાં મેડમસાહેબોની સવારી પસાર થતી. અમારે મન તો ડિપોટીસાહેબ વિલાયતના હોય કે અહીંના એમનાં વહુ એટલે ‘મેડમ.’ અમારી નજરે આ જાણે કોઈ જુદા જ ગ્રહના આદમીઓ ન હોય! અમારામાંથી કોઈ કોઈ એવા વિદ્યાર્થી નીકળતા જેને થતું કે હવામાં અધ્ધર રહેલી લાઠીમાંથી એકાદ નીચે કોઈ ડિપોટીસાહેબના ચમકતા તાલુકા પર પડે. અમારામાંથી કોઈ કોઈ તો ડિપોટીસાહેબો જાય ત્યારબાદ એમની અને એમનાં મેડમની આબાદ નકલ કરીને હસતા. અને અમારા કેટલાક શિક્ષકોય અમારું આ મફતનું મનોરંજન જોઈ હસવું આવતું છતાં પ્રયત્નપૂર્વક ઠાવકાઈ મોઢા પર ચિટકાડી અમને જોયા-ન જોયા કરી પડખેથી પસાર થઈ જતા. આ ડિપોટીસાહેબોની પાછળ જે રીતે અમારા મોટાસાહેબ ને બીજા સાહેબો ફરતા તેથી અમને ડિપોટીસાહેબ વિશે અકોણાપણાને ભાવ થતો. અમારા સિંહ જેવા સાહેબ સાવ શિયાળની રીતે ચાલે એ અમારાથી બરદાસ્ત કેમ થાય? પણ અમેય એમના પ્રત્યેની માન-લાગણીથી ડિપોટીસાહેબો આગળ ડાહ્યાડમરા થઈને બેસતા-વર્તતા. બેએક દિવસ ડિપોટીસાહેબનો મુકામ હોય ત્યારે ઘેર કન્યાનો વિવાહ હોય અને કન્યાનો બાપ ઘર આખું માથે લઈને, ઘાંઘો થઈને ફરે એવી દશા અમારા મોટાસાહેબની અમને લાગતી. ડિપોટીસાહેબને સમયસર ચા, પાણી, નાસ્તો, જમણ વગેરે મળવાં જ જોઈએ. એમની તહેનાતમાં બેચાર વફાદાર ને પાકટ છોકરાઓને રોકવામાં આવતા. ડિપોટસાહેબોનો સ્વાગત તેમ જ વિદાય સમારંભ ઠાઠથી ઊજવાતો. ગામના સરપંચ, તલાટી, પોલીસ-પટેલ, રામજી મંદિરના બાવાજી, ગામના શેઠ અને દરબારમાંથી મોટા બાપુ, નાના બાપુ અને તેમના પાંચદસ સંબંધીઓ અને તે સાથે કારભારી, મારા પિતાશ્રી વગેરેથી માંડી ત્રણચાર પટાવાળાઓ વગેરેની ફોજ પણ આ સમારંભમાં ગોઠવાતી. અમને બાપુ અને એમના સંબંધીઓના કમર સુધી લટકતાં શેટાં ને માથે ફીંડલામાંથી કાઢેલ છોગાંને જોવામાં ઝાઝો રસ પડતો. હાથમાં ચાંદીની મૂઠવાળી તલવાર હોય ને એવી જ નાના બાપુના હાથમાં; પાછળ એકબેના હાથમાં બંદૂકો હોય, એક-બેના હાથમાં ભાલા અને સવારી શાળાના ઝાંપે આવે. મોટાસાહેબ બાપુનું લળીલળીને સ્વાગત કરે અને ત્યાં હવા ધડૂમ અવાજથી ગાજી ઊઠે ત્યારે આંબલી પરથી પંખીઓ પણ ચિત્કારીને ઊડે. અમે રસપૂર્વક એ બધું જોતા. અમારે મન ત્યારે ડિપોટીસાહેબો ને બાપુસાહેબ કરતાંયે પેલો બંદૂક ફોડનાર પટાવાળો – આપણે એને સગવડ ખાતર ‘ઝફરખાન’ નામે ઓળખીએ વધારે અગત્યનો લાગતો. અમને ત્યારે આશ્ચર્ય એ વાતનું થતું કે આજે સવારે ઉંદરે ચાંચો મારી હોય એવી ગોળ કાળી ટોપી અને મેલાં પહેરણ-સૂંથણું પહેરીને ખભે તેલનો ડબ્બો લઈ, નખિયા બીડી પીતો જે ઝફરિયો દરબારને રસ્તે જતો હતો તે પૂરા મિલિટરી પોશાકમાં સજજ થઈ, ખભે કારતૂસોનો લાલ હારડો લટકાવી, મૂછોના આંકડા કાઢીને કેવા રુઆબથી બંદૂક ચલાવતો હતો! અમારે મન આ બંદૂકધારી ઝફરખાન, આ ભાલા-તલવારો, પેલા દરબારગઢના બુરજ અને ખુદ બાપુસાહેબ વગેરે પરમ અસ્મિતાનાં અને રહસ્યનાં કેન્દ્રો હતાં. એ બધાં વિશે અમારાં બાળમનમાં ઠસોઠસ કથાઓ ભરેલી પડી હતી. અમને તો પેલા ઝફરખાન આગળ જ ઊભા રહેવાનું રુચત, જો અમારા સાહેબ અમને શાળાના ચોગાનમાં નિયત જગાએ પહોંચી જઈને બેસવાની ફરજ ન પાડતા હોત તો. સમારંભની શરૂઆત રિવાજ પ્રમાણે મોટાસાહેબના સ્વાગતવચનથી થતી. બાપુસાહેબ પ્રમુખ હોય. ડિપોટીસાહેબોને બાપુસાહેબ પર અમારા મોટાસાહેબની સરસ્વતી પૂરા ભાવથી વર્ષતી. પછી અમારા બીજા સાહેબ સમારંભનો મોરચો સંભાળતા. અમારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થતા. વિદ્યાર્થીઓનાં નામ બોલાતાં ને કેટલાક ઉત્સાહથી તો કેટલાક વધસ્તંભે જવાનું હોય એવી ધ્રુજારીથી ઊઠતા—જતા. કોઈ જુસ્સાદાર વાણીમાં સંવાદ બોલી જતા. કોઈ નાટક કરી જતા. કોઈ કોઈ કવિતા તો કોઈ ગદ્યપાઠ કરતા. કોઈ ટુચકા કે વાર્તા કહેતું ને એ રીતે બધા પોતાનું કર્તવ્ય અદા કરીને પાછા ફરતા-એ રીતે કે જાણે પીઠ પરથી કાઈને અનાજની ગૂણ ઉતારી દીધી હોય. પછી ગીત, ગરબા ને નૃત્ય થતાં. મોંઘેરા મહેમાનો રસ-ફૂલડે વધાવાતા. પછી વ્યાયામના પ્રયોગો ચાલતા ને વાતાવરણમાં સારી ગરમી આવી જતી. ત્યારબાદ ડિપોટીસાહેબ ને પ્રમુખસાહેબ બોલતા. દરમિયાન મારી જેમ કેટલાક તો કોઈ ને કોઈ, સાહેબ દ્વારા ન પકડાય એવી છૂપી ઇતર પ્રવૃત્તિમાં તનથી નહીં, મનથી તે સરી જ જતા ને છેવટે બધું રંગેચંગે પૂરું થતું અને તેની સચોટ સાક્ષીરૂપે દરબારશ્રી તરફથી પતાસાં કે એવું તેવું વહેંચાતું અને અમારું મન અમારી ભગીરથ તપશ્ચર્યા ને તાપચર્યાના આ મંગલ શુભ્ર ફળરૂપે પ્રાપ્ત પતાસાંથી ફૂલીને હળવું મીઠું થયું જતું. અને છેવટે...જેમ બેત્રણ દિવસની લાગટ હેલી પછી ઉધાડ નીકળે, ચારુ ચમકતો તડકો નીકળે; અથવા જેમ સૂર્ય કે ચંદ્રને ગળે વળગેલું ગ્રહણ છૂટે એમ અમારા પેલા “ડિપોટીસાહેબો’ જતાં અમને સૌને–અમારાં સાહેબો સુધ્ધાંને-હાશકારો લાગતો અને જાણે શાળા તોફનમાંથી હેમખેમ પાર ઊતરી હોય, એની પનોતી ઊતરી હોય કે ઘાત ગઈ હોય એવી આશ્વાસક શાંતિ અનુભવાતી. ઇન્સ્પેક્ટરો ગયા પછી બેત્રણ દહાડા તો શાળા માત્ર કહેવા પૂરતું જ ચાલતી; બાકી અમારા સાહેબો જો ઇન્સ્પેક્ટર વિશેનાં પોતપોતાના પ્રતિભાવોની ઉત્કટ ચર્ચામાં એમનો શાળાસમય વિતાવતા તો અમે એ ‘ડિપોટીસાહેબે ‘ની રમૂજી નકલ કરવામાં અને જે કાર્યક્રમો થયા તેમને મનસા-વાચાકર્મણા વિવિધ રીતે રજૂ કરી તેમનો પુનઃ આસ્વાદ લેવામાં વિતાવતા. આજેય શાળામાંનાં ઇન્સ્પેકશનોને, જેમ તાળાને તેમ, હું માન્ય કરી શકતો નથી. આ ઇન્સ્પેક્શન પ્રવૃત્તિ આપણી સારસ્વત પ્રવૃત્તિના પાયામાં જ કશું ખૂટતું હોવાની, કશું ખોટું હોવાની ને કશું ખોટવાયું હેવાની ચોખ્ખી નિર્દેશક છે. જેમ ભક્તિભાવપૂર્વક-શ્રદ્ધાપૂર્વક દેવમંદિરો ચાલે છે તેમ શાળાઓ ચાલવી જોઈએ પણ આજે તો ભક્તો ને પૂજારીઓ સાથે દેવતાઓ પણ પૂરા વંઠી જાય એવો ભય સતાવે છે. હવે અવારનવાર થાય છે, આ આપણું ભણેલું અ-ભણેલું ન બની શકે? કોની પાસે હશે એની જડીબુટ્ટી? આજે એની શોધમાં છું.