ધૂળમાંની પગલીઓ/૯

From Ekatra Foundation
Revision as of 02:41, 22 May 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


હમણાં એક બહેન મળ્યાં, બાળસાહિત્ય વિશે કેટલાક પ્રશ્નો લઈને આવેલાં. એના ઉત્તરો આપતાં મેં એમને કહ્યું, ‘બહેન, બાળસાહિત્યનું સર્જન કરવા ઇચ્છનારમાં બાળપ્રીતિ ન હોય તો કંઈ બને નહીં. આપણી અંદરના બાળકને ઓળખવો અને એની સાથેની દોસ્તી ગાઢ કરતાં રહેવું એ બહુ મોટી બાબત છે. મોટા થઈ બાળક જેવા થવું અને બાલિશ થવું – એ બેમાં મોટા ભેદ છે. હું તો મોટા થતાં જો બાળક મટી જવાતું હોય તો એવું મોટાપણું જરાયે મંજૂર ન રાખું.’ આ વિચારો, આજે, જ્યારે મારા બાળપણથી મારે વર્ષોનું છેટું પડી ગયું છે ત્યારે, મને થાય છે કે બાળક હતા ત્યારે બાળપણ મજારૂપ છે કે સજારૂપ એ વિચારવાનીયે ફુરસદ કે વૃત્તિ કોની હતી? ત્યારે તો આહાર, નિદ્રા ને ભય— ત્રણેયનો કોઈ અનોખો સ્વાદ હતો. ભયનો પણ? હા, ભયનોયે સ્વાદ ત્યારે ચાંદનીભીના પવનની લહેરથી અગાશીમાં નીંદરનો જે મીઠો છંટકાવ થતો...! સપનાંની કોઈ નિગૂઢ મહેક ઝીણી ઝીણી ઝીકની જેમ હવામાં જે તરવરતી...! કયારે કોઈ ગગનપરી આવીને અમને એના જાદુઈ સ્પર્શથી રમણીય મૂચ્છમાં ઢાળી જતી તેની જરાયે ખબર જ ન પડતી. અમે સપનાંની ગલીઓમાં અવનવી રમતો માંડતા. સપનામાં રમતોની ને રમનારની ભારે ભીડ રહેતી. સફેદ ઘોડા પર ધસતા રાજકુમારો, સોનેરી વાળ-વાળી સોનપરીઓ, મસમોટી સફેદ દાઢીમાં આખા ગગનમંડળને ગૂંચવી દેતા વત્સલ દાદાજીઓ ને દરવેશો – એવાં તો કંઈ કંઈ પાત્રોની ત્યાં ઠઠ જામતી. દ્રાક્ષ માગીએ ને હવામાંથી લચકેલચકાં દ્રાક્ષ ફૂટી નીકળતી ને તેનો મધુર રસ હોઠમાં ટપક ટપક ઝિલાતો. ફૂલમાં બેસીએ ને ફૂલ પતંગિયાની જેમ પાંખ ફફડાવવા લાગે! ક્યાંક ઝૂલા પર બેઠાં નથી ને આભની અટારીએ પૂગ્યા નથી. આ સપનાંની રમણામાં ક્યારે કેવડિયાની કણશે વહાણલું ભલું વાતું એમ કળાતું નહોતું. સવારે હજુ પથારીમાં ચાદરમાં ગોટપોટ થઈને પોઢયા હોઈએ ને તડકાનો સોનેરી પટ્ટો અમારી પથારી પર પથરાતો જાય. ચહેરા પર એનો હૂંફાળો સ્પર્શ લાગે ને આંખોમાં ઝીણી ઝીણી જાગૃતિ સળવળ સળવળ થાય. આંખોનાં પોપચાં કંજૂસની તિજોરીની જેમ બંધ રહેવા માગે પણ મન ખૂલી ગયા પછી આંખોને બંધ રાખવાનું મુશ્કેલ તો થાય જ! ચાદર, ચોરસો, ઓશીકું જે હાથ ચડે તેનાથી મોઢાને ઢાંકીને શાહમૃગીય કળાથી સવારને નવ ગજ વેગળી રાખવાનો પ્રયત્ન જરૂર થતો પણ તે ફળતો નહીં. કોઈ અદેખા હાથ ચાદર જ નહીં, પથારીનેય અમારી તળેથી ખેંચીને અમને નિદ્રાસન પરથી ઉથલાવી પાડતા. અમારી તંદ્રાનું પાત્ર કાચની સૂક્ષ્મ કરચોમાં વીખરાઈ હવામાં ખોવાઈ જતું. અમારી સામે જાજવલ્યમાન સૂરજમુખી જેવો સૂરજ મીઠું મીઠું હસતો રહેતો. પણ અમે તો કટાણું મોઢું કરતાં, બગાસાં પર બગાસાં ખાતાં જઈ ફરસને ગળે વળગી રહેવાનો કેસરિયો પ્રયત્ન કરતા; પણ તેય ક્ષણજીવી નીવડતો. અમારું શયનસુખ ઝાકળની પછેડીની જેમ ઊડી જતું. અમે નિરાલંબા સરસ્વતી જેવા થઈ રહેતા. કશું સૂઝતું નહીં, કશું રુચતું નહીં. ને ત્યાં જ કોઈ કઠોર સરમુખત્યાર હાથ અમારા મોઢામાં કણજી, લીમડો કે વડ-બાવળના દાતણના ઠોયા ઘુસાડી જતો અને અમારે સવારનો રસ સાવ તૂરે તૂરો થઈ જતો. શિયાળો હોય ત્યારે ઘરના વાડામાં અડધી પથારી જાણે ખભે નાખીને ચૂલા આગળ અમે અડિંગો જમાવતા. ચૂલા પર પાણીની દેગ ચડેલી હોય ને ચૂલાની અંદર અડૈયાં, કરાંઠી ને લાકડાંનો ભડભડાટ બરોબર ચાલતો હોય. કેટલીક કરાંઠીની સળીઓ વચ્ચેથી પોલી આવતી ને તેમાંથી ધુમાડાની ઝીણી સેર નીકળતી. અમે એવી કરાંઠીની સળીને બીડીની જેમ મોંમાં મૂકીને અદાપૂર્વક ચૂસતા. આવી લિજજતભરી બાબતમાં અમે એકલપેટા તો રહીએ જ શાના? બીજી ચારપાંચ સળીઓ આજુબાજુના હમદર્દ સાથીઓ માટેય અમે સળગેલી તૈયાર રાખતા. આવી અમારી અહિંસક ઈંડાં જેવી નિર્દોષ ધૂમ્રપાનની મહેફિલ એકવાર બરાબર જામેલી અને એ અમારી પડોશમાં રહેતી મંછા ડોશીની મોતિયો ઊતરતી આંખે ચડી ગઈ; થયું...ખેલ ખલાસ... એમણે તો મોટેથી ઘાંટાઘાંટ કરી મૂકી : ‘રોયાઓ, ફાટીમૂઆઓ, વાણિયાના છોરા થઈ લાજ નથી આવતી આમ મોંમાં હળેકડાં ચૂસતાં? તમારા મોંમાં દેવતા મેલું. ઊઠો, જાવ નહીં તો તમારી માઓને બોલાવું છું!’ અમે મંછી કંકાસિયણ આગળ દલીલમાં ઊતરવાનું ઠીક નહીં માન્યું. અમે ગરમ પાણીની છાલક વાગતાં અકાળે હોલવાઈ ગયેલા લાકડાની જેમ ધૂંધવાયેલા, છતાં ખામોશ રહ્યા ને એ ડોકરીને ખબર પાડવા માટેનો રૂડો અપૂર્વ અવસર ક્યારે આવે છે તેની વાટ જોતા રહ્યા; ને એવો અવસર પણ આવ્યો જ. એ અવસર હતો હોળીનો. હોળી કંઈ ફાગણ સુદ પૂનમના દિવસે જ નહોતી આવતી; અમને તો ફાગણ સુદ પડવાથી એનો કસુંબલ ચહેરો દેખાવા લાગતો; અને ત્યારથી જ અમે ભારે એકાગ્રતાપૂર્વક હોળીની તૈયારીમાં લાગી જતા. અમારી બહેનો જ્યાંથી ત્યાંથી છાણ ભેગું કરી, એની સૂતળીમાં પરોવાય એવાં કાણાંવાળી નાજુક-નાની થેપલીઓ હોળૈયાં બનાવવા લાગી જતી. અમે આ હોળૈયા બરોબર સુકાય તો છે ને એની ચાંપતી દેખરેખ રાખવા સાથે કોઈ સલામતી-અધિકારીની રીતે તેની સાચવણીનાયે અસરકારક ઉપાયો યોજતા. હોળૈયાંના હારડા કેમ લાંબા ને વધારે થાય એની અમે ચાનક રાખતા. વળી હોળીમાં કઈ કઈ વસ્તુઓ પધરાવવી એ વિશેય ગંભીર મસલતો અમે છૂપી બેઠકો યોજીને ચલાવતા. અમારામાંથી અનેક અવેતન બાતમીદારો કોને ઘેર કોના વાડામાં કે ફળિયામાં હોળીમાં બાળવાયોગ્ય સાધન-સામગ્રી છે તેની રોમાંચક બાતમી પૂરી પાડતા. એ પછી વર્ષભરના અમારા સમૃદ્ધ અનુભવોને આધારે અમને પજવનારાઓની, ખોટો રોફરૂઆબ રાખી અમને ધમકાવનારાઓની ને એ રીતે અમને નખશિખ અણગમતા, અમારા પ્રત્યેની વફાદારીમાં શકમંદ જણાતા ‘બદનામ’ ઇસમોની યાદી કરતા; અને એ યાદી અનુસાર કોને ત્યાંથી કયારે ને કઈ રીતે હોળી માટે થઈને શું કેટલું ઉઠાવવું એ નક્કી કરાતું. ત્યાર બાદ આ ગંભીર મિશન પાર પાડવા માટે અમારી ટોળીમાંથી ચુનંદા કાર્યકરોની પસંદગી વખતે હું બને તેટલો પાછળ રહેવા પ્રયત્ન કરતો ને તે ભયના જ કારણે આવી કામગીરીનો ભારે રોમાંચ મને રહેતો પણ તેનાં જોખમો ઉઠાવવાની વાત આવતાં હું પાછો પડતો. એવું જો પાછા પડવાપણું આ જીવનમાં ન હોત તો...પણ વો દિન કહાં કિ...અમે હોળીના અઠવાડિયા પૂર્વે, હોળી માટેનું બળતણ - એ માટેનાં લાકડાં ચોરી લાવવાની વ્યવસ્થિત વ્યૂહરચના ગોઠવી દેતા. આ વ્યૂહરચના બિલકુલ ખાનગી રહેતી. મને યાદ છે કે એક દાખલામાં તો જેના વાડામાંથી એક લાકડાનું ગચિયું હોળી માટે ઉઠાવી લાવવાનું નક્કી થયેલું તે વાડાના માલિકનો જ દીકરો અમારા કાવતરામાં સામેલ હતો અને એણે પંડે જ એ ગચિયું ઉઠાવવા માટેની યોજનામાં પોતાના તરફથી અમૂલ્ય માર્ગદર્શન પૂરું પાડેલું. શી એની નિર્મમતા અને શી એની અમારી મંડળી માટેની અણનમ મમતા! અમે અમારી આ બેઠકમાં મંછા ડોકરીના ઘરનો પગથિયાની જેમ વપરાતો લાકડાનો ઉંબરો જ ખોદી લાવી હોળીમાં હોમી દેવાનો કઠોર સંકલ્પ કર્યો. મંછી ડોશી એકલી. તે ઘરના પાછલા ભાગમાં વાડામાં કાથીની ખાટલી નાખીને સૂએ. આ ઉંબરો આગલા ભાગમાંથી કાઢી લાવવાનો હતો. મારે અને મારા એક સાથીદારે સૂતેલાં ડેાશી પર સાવધાનીપૂર્વક નજર રાખવાની હતી. બાકીનું કપરું કામ કરનારા સાહસિકો-મરજીવાઓ અલગ હતા. અને છેવટે હેાળીનો રંગીલો દિવસ વાજતેગાજતે પધાર્યો. ઢોલનગારાંની રમઝટ સાથે અબીલગુલાલની હવા જામી હતી. ફળિયે ફળિયેથી હોળી આગળ લોકોનો પ્રવાહ ઠલવાતો હતો. અને ત્યાં ભીડસોંસરવો લાકડાની મજબૂત ગેડીઓ પર ઊંચકાઈને મંછી ડોશીનો પેલો ઉંબર ઝડપથી શહીદીની ભાવનાથી હોળીમાં હોમાવાને ધસી આવતો હતો. છોકરાઓ હસતા જાય, ‘રામ બોલો ભાઈ રામ’ કહેતા જાય, મંછીનાં છાજિયાંયે લેતા જાય ને નાચતા જાય. હોળી આગળ પોલા ઉંબરાને લાવીને મૂક્યો અને સૌ સાહસિકોએ હાંફ ને પરસેવો ઉતાર્યો. પછી હળવેથી હોળીમાં થોડાં લાકડાં આધાંપાછાં કરી, ગેડીના જોરથી ઉંબરાને આગમાં હડસેલ્યો ને ત્યાં ક્રૌંચવધ કરનાર પેલા રામાયણવાળા પારધીના સગા કોઈ ચૂગલીખોરે મંછી ડોશીને આ ઉંબરાના વાવડ આપ્યા હશે તે ડોશી તો લાકડીના ટેકે લાંબાં પગલાં ભરતાં ને એથીયે લાંબી ગાળો કાઢતાં હોળીચકલે આવી લાગ્યાં. અમારા સાહસિક શર્વિલકો તો સમય વર્તે સાવધાન થઈને આઘાપાછા થઈ ગયા; ને ડોશી તો જે રાડો નાખે, રાડો નાખે! બે-ચાર પ્રૌઢોને કહી, પોતાના બળતા જતા ઉંબરાને હોળીમાંથી બહાર કઢાવ્યો ને પાણી છંટાવ્યું ને પછી બે મજૂરિયાં મારફતે ડોશી એ બળ્યાઝળ્યા ઉંબરાને ઘેર પાછા તેડી ગયાં. અમે ન તો કંઈ બોલ્યા, ન ડોશીનો વિરોધ કર્યો. માત્ર અજાણતાનો દેખાવ કરી હસતા રહ્યા, અને પૂરું બળવાનું સુખ પણ ન ભોગવી શકેલા પેલા ક્રમનસીબ ઉંબરાની દયા ખાતા રહ્યા. અમારી હોળીમાં કિસમ કિસમની ચીજવસ્તુઓ હોમાતી. કોઈ સડેલું જૂતું ને કોઈ ફાટેલું ખમીસ, કોઈનો ગોતાનો કટાયેલો ડબ્બો ને કોઈનો વાંસનો તૂટેલો ટોપલો – જે હાથ ચડે તે આ હોળીની પવિત્ર આગમાં ધકેલાતું. હોળીમાં પધરાવાતાં નાળિયેરો પર અમારી વેધક દેખરેખ રહેતી. નાળિયેર કઈ બાજુ પડયું છે, તેને ક્યારે બહાર કાઢવું ને તેને ફોડી તેમાંનું બફાયેલું કોપરું કોને કેટલું આપવું – આ બધું રસ ને ઉત્સાહથી ગોઠવાતું. આખી રાત હોળીની આગળ આંખોનાં કેસૂડાં કરતાં અમે જાગતા બેસી રહેતા, ઘૂમતા ને ગેલતા. ક્યારેક જાતભાતનાં ગાણાંય ઉપાડતા. વરત-ઉખાણુંયે ચાલે. એક બાજુ મંદિરમાં હોળીના ઉત્સવની રમઝટ મચે ને બહાર અમારાં તોફનની. ગામમાં બેત્રણ હોળીઓ પેટાવાતી. અમારી હોળી કેમ મોટી ને રોનકદાર થાય ને લાંબામાં લાંબો સમય ભડભડતી રહે એની હોડમાં અમે સતત લાગ્યા રહેતા. હોળી બીજે દિવસે શાંતનરમ થવા લાગે ત્યારે તેના ધગધગતા અંગારામાં અમે અમારા ઘરની પાણીની દેગો લાવીને ગોઠવતા ને પાણી ગરમ થાય ત્યારે હોળીની આગળ જ પહેરેલા કપડે નાહતાં ને નાહતા નાહતાં આસપાસના કદરદાન પ્રેક્ષકોને નવડાવવા સુધીની ઉદારતા બિનશરતે ઢોળતા રહેતા. મને અવારનવાર લાગે છે કે ધૂળ, પાણી, અગ્નિ – આ બધાંની નજીક જતાં આપણે જાણે આપણા અસલી મૂળમાં પહોંચીએ છીએ. એમની સંનિધિમાં આપણી અંદરની કોઈ આદિમતા જંગલી ફૂલોની જેમ મહોરીફોરી ઊઠે છે! અમે પાણી જોતાં, કહો કે, ગાંડા થતા. લોહીમાં જાણે કોઈ નશો ફેલાતો. અમે એકબીજાને ધૂળ ને રાખથી રગદોળતા ને પછી એના પર ડોલબંધ પાણી છોડતાં. રંગો વગરની ને છતાં ભારે રંગીલી એવી હોળી અમારી ટોળા વચ્ચે ખેલાઈ રહેતી. હોળીનો બીજો દિવસ એટલે ધુળેટી. મંદિરમાંયે કેસૂડાનો રંગ બરોબર તૈયાર કરાયો હોય. પિતાજી કીર્તન કરે. ઠાકોરજી અને પછી દર્શન કરનાર સૌ પર કેસૂડાનો રંગ છંટાય. મુખિયાજી ચાંદીના વાટકે કેસૂડાનો રંગ ભરી ભરીને દર્શન કરવા આવતા ભાવિક ભક્તો પર છાંટતા. અમે તો આ અવસરે બરોબર રંગાવા માટેનો ખાસ ગણવેશ જરીપુરાણો ફાટેલો પોશાક–સજીકરીને આવેલા હોઈએ અને મુખિયાજી જે દિશામાં રંગ નાખવા જાય ત્યાં અમે વચમાં ઝંપલાવી રંગને ખુલ્લંખુલ્લી છાતી પર ઝીલવાનું ગૌરવ જમા કરતા. ને એ રીતે પણ રંગ જો મોકળાશથી ન ઝિલાય તો ફરસ પર જે રંગ ઢોળાયો હોય તેમાં બેસી, આળોટીને પણ રંગતરબોળ થવાનો લહાવો લેતા. આમ રંગથી તરબોળ શરીરની મીઠી ધ્રુજારી માણવા સાથે અમે ફગુવાનો – ધાણીચણા અને ખજૂરનો પ્રસાદ પણ આરેાગતા જતા. વળી એ વખતે કોઈ કોઈની પાસે જ પિચકારી જેવી વસ નીકળતી. અમે તો લગભગ ‘ગરીબ’ જેવા. પિત્તળની પિચકારી તો મોંઘુંદાટ સ્વપ્ન હતું. અમે ઘેરથી કાચની ખાલી શીશી લઈ આવતા ને જે કંઈ રંગ મંદિરમાં છંટાય ને ફરસ પર ઢોળાય તે ઉસેડીને શીશીમાં ભરી લેતા. એ પછી એ શીશીઓથી એકબીજાને રંગ છાંટી હેાળીની રંગીનતાનો સ્વાદ લૂંટતા ને લૂંટાવતા. આ હોળી સાથે જ ઘેરૈયાઓનું સ્મરણ ગાઢ રીતે વણાયેલું છે. હોળીની સાથે જ ગામની ભાગોળેથી બળદના ગળામાં બાંધે છે એવા ઘૂધરાનો ને ઢોલપિપૂડીનો અવાજ આવવા લાગે. ગામ આખું જાણે ઘૂઘરા બાંધીને થનક થુનક ન થતું હોય! આબાલવૃદ્ધ ભીલનાં ટોળાં ચિત્રવિચિત્ર વેશભૂષા સાથે ગામમાં ઊતરી પડે. પાંચ-દસ-પંદરની ટોળીઓમાં. ટોળીમાં મેશે ચમકતી ને મારકણી આંખાવાળી, ઉન્નત છાતી ઉછાળતી ને લહેરિયાં લેતી સીસમમાંથી સુરેખ રીતે કંડારી લીધી હોય એવી ભીલસુંદરીએાયે હોય ને કાનસિયાંવાળો માથા પર બાંધેલા લાલ-સફેદ રૂમાલમાં ખોસેલાં પક્ષીનાં પીંછાં ફરકાવતો, રાખોડી ચોળેલો ને મોઢા પરના રંગલપેડાએ વિચિત્ર છતાં મોહકમોજીલો લાગતો ભીલજુવાનડોયે હોય. કોઈ કોઈ વૃદ્ધ તો પત્તાંના જોકર-શો વેશ લઈ વચ્ચે વચ્ચે હસામણી રીતે રમતા હોય. કોઈના માથે ફાટલી, જૂની હૅટ પણ હોય ને કોઈના માથે જાળાંઝાંખરાંનો વણેલો તાજ પણ હોય. કોઈ તો માથે ટોપલી ઊંધી મૂકીને નાચે. એમાંયે એક હાથથી સૂપડું કે રૂમાલ ઉછાળતા, તાલબદ્ધ રીતે ઘૂઘરા ઘમકાવતા લલિત રીતે જ્યારે તેઓ ઘૂમતા ત્યારે તો ઓર મજા આવતી. અમે તો ભીલજુવાન અને ભીલકન્યાઓની મોકળાશથી નાચવાની રીત જોતાં થાકતાં જ નહીં. અમનેય એવા ઘેરૈયા થઈને ઘૂમવાનું ગમતું; પણ અમારું ઘર નોકરિયાત વાણિયાનું. ઘેર ગાયબળદ નહીં. ઘરમાંથી ઘૂઘરા કેમ નીકળે? આ ઘેરૈયા ક્યારેક બિવડાવેય ખરા. એથી અમે અનેકવાર ભયની વકી હોય ત્યાં ઘેરૈયાઓથી સલામત અંતરે રહેવાનું પસંદ કરતા અને ત્યારેય કોઈ ઘેરૈયો સૂપડામાં ધૂળ લઈ અમને ઉડાડવા પાછળ પડતો તો અમે ઘરમાં ભાગી જતા ને બારણું બંધ કરી મેડીની બારીએ પહોંચી જતા. પણ કોઈ ટીખળખોર ઘેરૈયો બારીએ અમે ઊભા હોઈએ તો તીરકામઠું ચડાવી અમને એવા તો તાકમાં લેતો કે અમે ડરના માર્યા બારી ભડાક કરતીકને બંધ કરી દેતા અને પછી હળવેકથી બારીની તિરાડમાંથી એની ચેષ્ટાઓ નીરખતા. ઘેરૈયો બારી બંધ થતાં જ હસતો હસતો તીરકામઠું સંકેલીને ધૂળમાં ધમકારાભરી પગલીઓ છોડીને ચાલ્યો જતો. આ ઘેરૈયાઓનું પ્રિય ગાણું તે આ : ‘બાર બાર મહિને આયા મોટાભાઈ, બાર બાર મહિને આયા રે લોલ; મોટી આશા રાખીએ મોટા ભાઈ, મોટી આશા રાખીએ રે લોલ!’ અમે ભીલડીઓના રણકતા કાંસ્ય કંઠ સાથે તાલ મિલાવતા ઘેરૈયાઓના ઘૂઘરાના અવાજમાં ઝૂમતા. આજેય પેલા ઘૂઘરાનો ઘમકાર ભીતરની ભેખડોમાં અવાર-નવાર ગોરંભાતો ઊઠે છે. મણિલાલ દેસાઈના એક ગીતમાં આવે છે: “ગામને પાદર ઘૂઘરા વાગે, ઊંઘમાંથી મારાં સપનાં જાગે, સપનાં રે લોલ વ્હાલમનાં.’ આ ગામના પાદરના ઘૂઘરા મને તો પેલા ઘેરૈયાનાં સ્મરણો જગાડે છે. ત્યારે એ પણ એક સ્વપ્ન હતું —ઘેરૈયા થવાનું. પગમાં ને કમ્મરે, ગળામાં ને હાથમાં ઘૂઘરા હોય. માથે બાંકું મોરપીંછ ને મોઢામાં પાવો. રેશમી રૂમાલ હાથમાં ફરકે ને તે સાથે કોઈ રમતિયાળ ભીલ-કન્યાના હાથમાં સૂપડું ઊછળે. ખભે તીરકામઠું ને કેડે તલવાર ઝૂલે. આજેય જામતા આષાઢે લીલાછમ ખેતરને શેઢેથી યૌવનનો કોઈ માદક સૂર પાવામાંથી ઊછળતો મને ભીંજવે છે ત્યારે મને થાય છે આ મારાં બૂટમોજાં ફેંકી દઉં, ખુરશીટેબલ હોળીમાં પધરાવી દઉં ને નીકળી પડું કોઈ ડુંગરાની કેડે ઝૂલતી ભીલની ઝૂંપડીમાં હંમેશ માટે રહી જવા. ઝરણામાં પગ ઝબોળીને બેઠો રહીશ. મોરના ટહુકા સાથે મારા ટહુકાને એકાકાર કરીશ. કોયલને એના ટહુકાના ચાળા પાડીને ખીજવીશ. ઠીક લાગશે તો તાડીયે ઉતારી એનાં ચારપાંચ છાલિયાં ઢીંચી લઈશ અને કંદમૂળ ને ફળપાંદડાં ખાતાં આ જિંદગીનો ખેલ રંગેચંગે પૂરો કરીશ. હું ઇચ્છું છું મારા વાળમાં પેલી સફેદ વાદળીનો હાથ ફરે. મારા રોમે-રોમમાં વરસાદી ઝરમરનો સ્વભાવ-શીળા ઉજાસ સિંચાય. મારા જંતરમાં વૃક્ષોની મર્મર ઘૂંટાય ને હું ખુલ્લેઆમ નીકળી પડું, કોઈ આંખો ઉલાળતી નીલકમળ-તલાવડીમાં પંડને ડુબાડી, પ્રીતને નિખારી લેવા. પણ સહેલું નથી આ. મારા પગમાં તો ઘૂઘરા નહીં, જંજીરો ખણખણે છે. સુધર્યાનો શાપ સાપની જેમ મને ભરડામાં લઈ ફૂંફવે છે. હુંય એક લાઓકેન. જાણે મારી સ્વાભાવિક્તા સરકી ગઈ છે. મારાથી આ થાય ને આ ન થાય એવાં વિધિનિષેધોનાં ગરબડિયાં ગણિતોમાં હું ગોટવાઈ ગયો છું. હું મને છોડાવવાનો જ્યાં વિચાર કરું છું ત્યાં કેટકેટલા તાર ખેંચાય છે! નળે દમયંતીનું પટકૂળ ચીર્યું. ત્યારે તે છૂટો થઈ શક્યો; મારે તો મારું પંડનું જ પોત ચીરવું પડે એમ છે, જો છૂટા થવું હોય તો. એ મારી હોળી, એ મારા ઘેરૈયા, એ અબીલ-ગુલાલ ને ફાગ-ફટાણાંથી ભરીભરી મારી દુનિયા, એ ઘાંટા ને ગાળો - આ બધું મને ગમતું હતું, આ બધું મને સરસ રીતે સદેલું હતું. એ બધું ક્યાં છૂમંતર થઈ ગયું? જે ગમે છે એ જ શું ઓછામાં ઓછું ટકે છે આપણી પાસે? લાગે છે કે હું કોઈ વસમા વહેણમાં તણાઉં છું, હું કોઈ લાગણીની લહેરમાં અવશ ઢસડાઉં છું. મારી નાડીઓ તંગ થાય છે. લોહી ઘમ્મર ઘમ્મર થાય છે. હું જાણે ચાકે ચડયો છું. મારે હવે અહીં જ અટકવું જોઈએ. થાય છે હું બારીબારણાં બંધ કરું, બધા પડદા પાડી દઉં, ગાઢ અંધારું કરી, નખશિખ મને કોઈ ચાદર તળે ઢાળી-ઢબૂરી દઉં... પણ મનની તાણ, મનનો અજંપો અસહ્ય છે. મારા ચાકે ચઢેલા મનને કેમ સમજાવું? કઈ માળા લઈને ફેરવું? મનને કોના મણકાઓમાં બાંધું? કંઈક કોશિશ તો કરું, હં. કોશિશ!!... ને...ને...બધું હવે લાકડાની જેમ ભીંજાતું ભીંજાતું ભારે ભારે થાય છે... મારામાંથી જ કશુંક અધ્ધર હવામાં ચઢીને પાછું નીચે ઊતરે છે. અંગારા પર રાખ વળે એમ કશુંક આ હસ્તી પર વળતું જાય છે; બરફની જેમ ઠરતું જાય છે. સ્મરણનું ચક્ર ખોટવાઈ જાય છે. કલ્પનાની પાંખ જાણે ખૂલતી નથી. કોઈ ઊંડો થાક મારી અંદરનાં બધાં દોરડાને ઢીલાં કરી રહ્યો છે. પડું પડું થતા તંબૂનો કંપ મારા કરોડના મણકાઓમાં પસાર થાય છે. મારે મને છોડવો જોઈએ, છોડવા જાઈએ હવે મારા પક્ષાઘાતી શબ્દોને... મારા...