ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાવાદ/આધુનિકતાવાદી ગુજરાતી કવિતા : એક સમીક્ષાત્મક નોંધ
સ્વાતંત્ર્યોત્તર ગાળામાં આધુનિકતાવાદી વિચારવલણોની પ્રેરણા અને પ્રભાવ નીચે કવિતાના ક્ષેત્રમાં તરુણ પેઢીના કવિઓ દ્વારા જે કાવ્યલેખન થયું તે વિશે હવે સારા જથ્થામાં વિવેચનો/અધ્યયનો આપણને ઉપલબ્ધ થયાં છે. આ ગાળાના કેટલાક અગ્રણી કવિઓ અને તેમની કાવ્યપ્રવૃત્તિ વિશે અલગ અધ્યયનો મળ્યાં છે, તો વ્યાપકપણે આપણી આધુનિક કવિતાનું પ્રવાહદર્શન, તેમાં પ્રગટ થયેલાં નવાં વલણો, તેનાં પ્રેરક અને પ્રભાવક બળો, તેના આકાર અને અભિવ્યક્તિના પ્રયોગો અને પ્રશ્નો, તેનાં કલ્પનો પ્રતીકો અને તેમાં યોજાયેલી ભાષા – એમ અનેક બાજુએથી આપણા વિવેચકોએ અને અભ્યાસીઓએ આગવી આગવી રીતે એનું વિવેચન-અધ્યયન રજૂ કર્યું છે. એમાં આધુનિક કૃતિઓના આસ્વાદરૂપ લખાણોનો સમૂહ ધ્યાન ખેંચે એટલો છે. પણ આ સર્વ વિવેચનો અધ્યયનોને પૂરેપૂરાં લક્ષમાં લીધા પછીય આપણા મનમાં એવી એક લાગણી શેષ રહી જાય છે કે આધુનિકતાવાદથી પ્રેરિત આપણી સમગ્ર કાવ્યપ્રવૃત્તિનું જોઈએ એવું સંગીન મૂળગામી વિવેચન આપણને ઓછું મળ્યું છે. વધુ સ્પષ્ટ બનીને કહીએ તો આ પ્રકારની કવિતાની શક્તિમર્યાદાઓની મૂળગામી ખોજ કરવાના પ્રયત્નો એમાં ઓછા દેખાય છે. અહીં આરંભમાં જ આપણે એમ નોંધવું જોઈએ કે છઠ્ઠાસાતમા દાયકાઓમાં અતિ જોમવંતુ બનીને પ્રવર્તેલું આધુનિકતાવાદી આંદોલન હવે મંદ પડ્યું છે. એ સમયગાળામાં અતિ ઉગ્રપણે છતાં થયેલાં આધુનિકતાવાદી વિચારવલણો આઠમા દાયકાના અંત સુધીમાં અમુક અંશે વિરમી જવા આવ્યાં છે, કે સાંપ્રત લેખનમાં તેમાંનાં અમુક તત્ત્વો સૂક્ષ્મ અને પ્રચ્છન્ન રૂપમાં આત્મસાત્ થઈ ચૂક્યાં છે. કવિતામાં આકાર અને અભિવ્યક્તિના આત્યંતિક પ્રયોગો કરવાનું વલણ હવે ક્વચિત્ જ દેખા દે છે. બીજી બાજુ અતિવાસ્તવવાદી અને આદિમતાવાદી વિચારવલણોનો પ્રભાવ ઘણો ઓછો થયો છે. અસ્તિત્વની એકલતા, હતાશા, વિચ્છિન્નતા કે નિસ્સારતાના મનોભાવો રજૂ કરવાનું વલણ પણ ઓછું થયું જણાશે. જોકે કવિતાની ભાવસંવેદનાઓ અને અભિવ્યક્તિની રીતિઓનુ સૂક્ષ્માતિસૂક્ષ્મ દૃષ્ટિએ અવલોકન કરતાં એમ જણાશે કે આધુનિકતાવાદના સંસ્કારો અને તેની સંચલનાઓ આઠમા નવમા દાયકાના કાવ્યાલેખનમાં વધુ પ્રચ્છન્ન રૂપે કામ કરે છે. સિતાંશુની કૃતિ ‘જટાયું’, ચિનુ મોદીની ‘બાહુક’, રમેશ પારેખની ‘લાખા સરખી વારતા’, દિલીપ ઝવેરીની ‘મુંબઈ : એક પાંડુ પ્રહેલિકા’, લાભશંકરની ‘પ્રવાહણ’, હરીશ મીનાશ્રુની ‘Moving On My Own Melting’, યજ્ઞેશ દવેની ‘સિદ્ધપુરના કબ્રસ્તાનમાં’, જયદેવ શુક્લની ‘ગુલામ મોહમ્મદ શેખે ન કરેલું એક ચિત્ર’, ભરત નાયકની ‘ગતિ’, નીતિન મહેતાની ‘તરસ’ – આવી નજીકના ભૂતકાળની કૃતિઓ દૃષ્ટાંત લેખે જરૂર ઉલ્લેખી શકાય. પણ અહીં મારે એય સૂચવવું છે કે આધુનિકતાવાદી વિચારવલણો હવે એવું મોટું પ્રેરક બળ રહ્યાં નથી. એકંદરે, એમ કહી શકાય કે આધુનિકતાવાદથી પ્રેરિત કવિતા હવે સ્થગિત થઈ ચૂકી છે. નવી કવિતાના વિકાસ અને પોષણ અર્થે એકદમ તાજી અને પ્રાણપદ હવાની જરૂર વરતાય છે. કવિતાલેખનની અત્યારની પરિસ્થિતિમાં દૃષ્ટિસંપન્ન અને ગતિશીલ વિવેચન પ્રેરક ચાલક અને માર્ગદર્શક બની શક્યું હોત... પણ ના, એવું ખાસ બન્યું જણાતું નથી. એનું કારણ સમજવાનું પણ કદાચ મુશ્કેલ નથી. એ તો સુવિદિત છે કે આ ગાળામાં આપણે ત્યાં આકારવાદની ઘણી પ્રતિષ્ઠા થઈ અને તે સાથે કાવ્યવિવેચનના ક્ષેત્રમાં ‘આસ્વાદ’ નામે ઓળખાતી વિલક્ષણ વિવેચનરીતિનો વ્યાપક પ્રચાર થયો. ભાવક કે વિવેચકનું પૂરું ધ્યાન દરેક અલગ અલગ કાવ્યકૃતિ પર ઠર્યું. કૃતિના રસકીય અંશોની ઓળખ કરાવવા નિમિત્તે કૃતિની રૂપરચના અને કવિકર્મના પ્રશ્નો જ તેમને વિશેષ રોકી રહ્યા. પણ, એને પરિણામે આપણી આધુનિકતાવાદથી પ્રેરિત કવિતાના પ્રવાહને અનુલક્ષીને તેના વ્યાપક તાત્ત્વિક પ્રશ્નોની કઠોર તપાસ અવગણાતી રહી. ખાસ તો સર્જાતી જતી નવી કવિતાના વિવેચનમૂલ્યાંકનનાં ધોરણો અને કસોટીઓના મુદ્દા ઉપેક્ષિત રહ્યા. એ રીતે આધુનિક રીતિની કવિતામાં સફળનિષ્ફળ કે સારીનરસી રચનાઓ વચ્ચે જોઈએ એટલો સૂક્ષ્મ વિવેકદૃષ્ટિવાળો અને દૃઢ પ્રતીતિપૂર્વકનો નિર્ણય ઓછી વાર જોવા મળશે. ગમે તેમ પણ, આ ગાળાની આપણી વિવેચનપ્રવૃત્તિનો, તેની સમગ્ર ગતિવિધિઓનો, તેના સંદર્ભોનો, અને તેની દિશાનો ફેરવિચાર કરવાનો સમય પાકી ગયો છે. આમ જુઓ તો, આ ગાળામાં ગ્રંથરૂપે પ્રગટ થયેલી અને ગ્રંથસ્થ થવાની રાહ જોતી કવિતાનો જથ્થો કંઈ નાનોસૂનો નથી. લગભગ દાયકે દાયકે તરુણ કવિઓની નવી પેઢી આ સ્વરૂપમાં કામ કરતી થઈ છે. એ રીતે જૂનો નવો અને નવતર – એમ ભિન્ન ભિન્ન કાવ્યપ્રવાહો કયાં સમાંતરે ક્યાં પરસ્પરમાં ભળતા વહેતા રહ્યા છે. એમાં આધુનિક સંવદનાઓને તીવ્રતાથી ઝીલવા મથતા તરુણોની પેઢી, તેમની વિલક્ષણ સંવેદનપટુતા અને મનોદશાને કારણે, તેમ તેમની પ્રગલ્ભ અને વૈચિત્ર્યસભર સર્જકવૃત્તિને કારણે કદાચ આપણું વિશેષ ધ્યાન ખેંચી રહે છે. બીજી બાજુ, ત્રીસીની કવિતા સાથે અમુક અનુસંધાન કેળવીને સક્રિય બની રહેલા અને સમય જતાં આધુનિકતાવાદનાં અમુક વલણો ઝીલનારા, ખાસ તો આધુનિક કવિતાકળાની અભિવ્યક્તિરીતિ અને પ્રયુક્તિઓ સ્વીકારીને લખતા રહેલા કવિઓની પેઢીઓ ય આગવી રીતના અર્પણને કારણે આપણા ધ્યાનમાં વસે છે. પણ આ રીતના પ્રવાહો વચ્ચેથી કામ કરતી નવતર પેઢીના કવિઓ ય આપણું ધ્યાન ખેંચી રહ્યા છે. અછાંદસ રીતિની કવિતામાં પ્રગટ થયેલી ભાવચેતના અને અભિવ્યક્તિરીતિનાં તત્ત્વો સાથે રૂઢ લોકગીતના રચનાબંધનો તેઓ યોગ કરતા દેખાય છે. ગીત ગઝલના પરંપરાગત સ્વરૂપમા અમુક આંતરબાહ્ય પરિવર્તનો કરી એ સ્વરૂપોની આંતરક્ષમતાનો તેઓ તાગ લેવા મથી રહ્યા છે. એય નોંધવા જેવું છે કે આઠમાનવમા દાયકાની આપણી કાવ્યપ્રવૃત્તિમાં અછાંદસ / પરંપરિત મેળની રચનાઓની સમાંતરે ગીત ગઝલનું ખેડાણ વધ્યું છે. છઠ્ઠાસાતમા દાયકામાં આધુનિકતાવાદ જ્યારે પ્રબળતમ રૂપે દેખા દીધો ત્યારે તરુણ કવિઓએ પ્રગલ્ભપણે બીભત્સ જુગુપ્સક અને સંક્ષોભકારી મનોદશા આલેખવાનું સ્વીકાર્યું હતું. આઠમાનવમા દાયકામાં એ વલણ મંદ પડ્યું. એક રીતે નવા રંગરાગી વલણો એમાં કામ કરતા થયાં. કશુંક રુચિર કશુંક મુગ્ધ કશુંક રતિમય વલણ આ ગીતગઝલના રૂપમાં છતું થયું. પણ આ આખા ય ગાળાની આપણી કાવ્યપ્રવૃત્તિનું નિકટતાથી અવલોકન કરનારને એમાં કંઈક અચરજ થાય એવા વૃત્તિવલણો ય જોવા મળશે. કવિયશઃ પ્રાર્થી એવો કોઈ તરુણ દિવસના કોઈ એક પહોરે લોકરંજક તત્ત્વોથી ભરચક અને મુગ્ધ ભાવ રજૂ કરતી ગીતરચના કરે કે કોઈ મુશાયરાના કાર્યક્રમ અર્થે એવા કોઈ રંગરાગી મિજાજની ગઝલ રચે, અને કદાચ એ જ દિવસે અછાંદસ રીતિમાં અસ્તિત્વની એકલતા હતાશા વિચ્છિન્નતા કે નિસ્સારતાની મનોદશા વર્ણવે, વળી બીજો એક તરુણ કવિ કોઈ જૂનવાણી રુચિના સામયિક માટે રાધાકૃષ્ણના પ્રેમને વિષય કરતું કોઈ રંગરાગી ગીત રચે, અને બીજા બળવાખોર સામયિક માટે એકલતા વિરતિ કે વિછિન્નતાનો ભાવ રજૂ કરતી અછાંદસ રચના કરે! આ ગાળામાં આપણે ત્યાં આવી ઘટનાઓ અનેક વાર જોવા મળી છે. તો, આવી પરિસ્થિતિ આપણા વિવેચન સામે એક પ્રશ્નચિહ્ન સમી બને છે. એ ખરું કે કાવ્યલેખનના આરંભના તબક્કામાં તરુણ કવિ આકાર પદ્યબંધ કે ભાષાશૈલીના પ્રશ્ને જુદા જુદા અભિગમો લે અને પ્રેયોગો કરી જુએ. અને એ પણ ખરું કે મોટા ગજાના કવિઓ – ઍલિયટ રિલ્કે નેરુદા – વગેરેમાં તેમની કવિપ્રતિભાની શોધની સાથે સાથે અને વિકાસને જુદે જુદે તબક્કે, દેખીતી રીતે, તેમના વર્ણ્યવિષયો (themes)માં તેમ તેમની અભિવ્યક્તિની રીતિ અને કાવ્યકૃતિમાં ફેરફારો આવ્યા છે. પણ એવા ફેરફારો સર્વથા સ્વૈર મનસ્વી કે યાદૃચ્છિક બાબતો નહોતી. તેમની વિકસતી સંવેદનશીલતા અને તેમની વિકસતી બદલાતી કળાદૃષ્ટિની કોઈ ચોક્કસ ગૂઢ આંતરિક જરૂરિયાતમાંથી એ ફેરફારો આવ્યા છે. કાવ્યસ્વરૂપની ફેરબદલી કે રચનારીતિનો ફેરફાર તેમની સભાન આશયપૂર્વકની ઘટના છે. જે કવિતાની તે ખોજ કરી રહ્યો છે. અથવા કવિતા દ્વારા જે રહસ્યની તે ખોજ કરી રહ્યો છે, તેમાં તેની સચ્ચાઈ અને પ્રામાણિકતા રહી છે, ખુદવફાઈ રહી છે. એટલે, આપણા કવિઓ જ્યારે ગીત ગઝલ અને અછાંદસ / પરંપરિતમાં એક સાથે કામ કરે છે, ત્યારે તેની ખોજ – તેની હેતુલક્ષિતા–ના પ્રશ્નો ઊભા થાય તો આશ્ચર્ય નહિ. અંતે મૂળભૂત પ્રશ્ન કવિનો પોતાની કાવ્યપ્રવૃત્તિ પ્રત્યે અને પોતાની જાત પ્રત્યે નિષ્ઠાનો છે. વધુ સ્પષ્ટ થઈને કહું તો કવિ તરીકેની પોતાની અખિલાઈનો છે. અનેકવિધ લાગણીઓ કવિચિત્તને રોકી રહે, અનેકવિધ આકારો અને રચનારીતિઓ તેની સામે ખુલ્લાં પડ્યાં હોય, કવિની પ્રતિભા એ સર્વે વચ્ચેથી ગતિ કરતાં પોતાના ગહન અર્થ અને ઉદ્દેશને પામે છે, અને ઉપરછલ્લા વૈવિધ્ય નીચે એવા કોઈ ‘અર્થ’ની ખોજ આંતરિક એકતા અને સાતત્ય અર્પે છે. આપણે ત્યાં છેલ્લા ત્રણચાર દાયકાઓ દરમ્યાન કવિતાને નામે જે કંઈ કાચી પાકી રચનાઓ લખાતી ને છપાતી રહી છે તેમાં ખરેખર સંકુલ અને સમૃદ્ધ અનુભવો લઈને આવેલી, પ્રૌઢ અને પ્રશિષ્ટ કોટિની, મોટા ગજાની કાવ્ય કૃતિઓ કઈ અને કેટલી, અથવા એમાં ખરેખર સાચકલી કવિતા કઈ અને કેટલી, તે વિશે ગંભીરતાથી તપાસ કરવાનો સમય પાકી ગયો છે : એટલા માટે કે આ વિશાળ જથ્થામાં ઘણીએક રચનાઓ સિદ્ધ અને સફળ કવિતાનું અનુકરણ કે અનુરણન હોવાની છાપ મૂકી જાય છે. કેટલાક કૌવતવાળા કવિઓની રચનાઓમાં તેમનો આગવો સ્વર અને આગવી શૈલી ખૂલી રહ્યાનું લાગે, પણ બીજા અનેકની રચનાઓમાં રૂઢ પદાવલિઓનો ઉપયોગ કે પ્રચારમાં આવેલાં કલ્પનો / પ્રતીકોનો ઉપયોગ ઊંડી ફેરતપાસ માગે છે. અસંખ્ય રચનાઓમાં કલ્પનોની પ્રચૂરતા નીચે સંવેદનતંતુ ઢંકાઈ ચૂક્યો છે. અથવા, એમ કહીએ કે એમાં સંવેદનતંતુનું નિયંત્રણ ન રહેતાં કલ્પનોની યાદૃચ્છિક ભરમાર જ થવા પામી છે. પણ આપણી ચિંતાના મુદ્દાઓ માત્ર અલગ અલગ કૃતિની રૂપસિદ્ધિના જ નથી : સમગ્રતયા તેની ગતિવિધિઓના, તેનાં પ્રેરક વિધાયક બળોના, તેની દિશા અને તેની ખોજના છે. તરુણ કવિઓની રચનામાં છતું ચતુ સવેદનતંત્ર (sensibility) શી રીતે ઘડાયું છે, તેમાં સંવેદનાઓ અને અનુભવોને માપ (range) કેવો છે, અનુભવ જગતના કયા ખંડો એમાં પ્રવેશ્યા છે, માનવીય અસ્તિત્વના કયા કયા અર્થો કયાં કયાં મૂલ્યો એમાં સાકાર થયાં છે—વગેરે પ્રશ્નોની વ્યાપક શોધના આ પ્રશ્નો છે. એ તો આપણને સૌને સુવિદિત છે કે આપણી આધુનિક કવિતા મુખ્યત્વે પશ્ચિમની આધુનિક કવિતા અને તેની પાછળ પ્રેરકબળ રહેલા ભિન્ન ભિન્ન વાદો અને વિચારણાઓથી પ્રેરાયેલી છે. એમાં પ્રતીકવાદ કલ્પનવાદ અતિવાસ્તવવાદ આદિમ્તાવાદ અસ્તિત્વવાદ જેવા વાદોની આપણા તરુણ કવિઓ પર યુગપદ્ અસરો પડી છે. પશ્ચિમના સાહિત્યમાં જુદા જુદા તબક્કામાં ક્રમશઃ અમુક વાદો/વિચારધારાઓ જન્મ્યાં છે. એમાં એક રીતે dialectical process પણ જોઈ શકાય. અને એ રીતે ત્યાં આધુનિકતાવાદ અને અનુઆધુનિકતાવાદ બંને તબક્કાઓ પણ સ્પષ્ટપણે અલગ રેખાંકિત કરી શકાય એમ છે. આપણે ત્યાં છઠ્ઠાસાતમા દાયકાઓમાં આધુનિકતાવાદ અને અમુક અંશે અનુઆધુનિક વિચારવલણો એ સર્વનો એકી સાથે પ્રભાવ પડ્યો એમ જોઈ શકાશે. આપણે માટે સૌથી પ્રસ્તુત બાબત એ છે કે એ ગાળાના આપણા તરુણ કવિઓની સંવેદનશીલતા પર આ વિચારવલણોનો ઓછેવત્તે અંશે સંસ્કાર બેઠો છે. એમાં એક બાજુ વર્તમાન યંત્ર સંસ્કૃતિ, ટોળાંવાદ અને શહેરીકરણની પ્રક્રિયા સામે તીવ્ર આક્રોશ વ્યક્ત થયો છે, તો બીજી બાજુ, અસ્તિત્વની એકલતા હતાશા વિચ્છિન્નતા શૂન્યતા વિષાદ કે વિરતિના ભાવો રજૂ થયા છે. અછાંદસ / પરંપરિત મેળમાં વહેતી રચનાઓ મુખ્યત્વે આવી આધુનિક સંવેદનાઓ વ્યક્ત કરવાનું માધ્યમ બની. એમાં નાના ફલકની પરિસીમિત સંવેદનાઓ રજૂ કરતી અનેક સરસ રચનાઓ આપણને મળી. આમ છતાં વિસ્તૃત ફલકની સંકુલ અને સમૃદ્ધ સામગ્રી લઈને આવતી રચનાઓ ક્યાંક ને ક્યાંક વણસી જતી દેખાશે. આકાર અભિવ્યક્તિ અને અનુભવનું સુભગ સંયોજન જેમાં થયું હોય એવી major poem આપણને ઓછી જ મળી છે. તરુણ કવિ સર્જનની ક્ષણમાં અજ્ઞાત સ્તરનાં સંકુલ સંવેદનોનો તાગ લેવા કદાચ પૂરતો સજ્જ નથી કે અજ્ઞાત વિશ્વની અરાજકતાને કળાનિર્માણ માટે અનિવાર્ય સુસંવાદી રૂપ રચવાની ક્ષમતા નથી, કે શબ્દનો ક્રીડામય ઉપયોગ કરવા જતાં ભીતરી વાસ્તવની કોઈ પકડ તેનામાં નથી. ગમે તે હો, આપણી આધુનિક કવિતા અસંખ્ય નવોન્મેષો માટે મથતી છતાં તેનું કવિકર્મ ક્યાંક ને ક્યાંક કુંઠિત રહી જવા પામ્યું છે. આધુનિક કવિતાના પ્રારંભના તબક્કામાં જ સુરેશ જોષીએ એ પ્રવૃત્તિ માટે ‘કુંઠિત સાહસ’ એવો શબ્દપ્રયોગ કરેલો તે એકંદરે વ્યાજબી છે. પણ આપણી આ કાવ્યપરિસ્થિતિને હું જરા વ્યાપક સંદર્ભમાં મૂકીને જોવા ચાહું છું. કવિકર્મની કુંઠા તો ખરી જ, પણ આ તરુણ કવિઓની સંવેદનશીલતાનું ઘડતર પણ એક રીતે સીમિત કહેવાય. એટલા માટે કે નગરજીવનની વિષમતા કે અસ્તિત્વપરક એકલતા હતાશા જેવા વિષયોમાં ઝાઝો ઉઘાડ જોવા મળ્યો નહિ. ખાસ તો બૌદ્ધિક નૈતિક સંપ્રજ્ઞતાનો એમાં ઝાઝો દાબ વરતાતો નથી. ‘આસ્વાદ’ નામની પ્રવૃત્તિમાં આપણા ભાવકોનું વિશેષ ધ્યાન ભાષાકર્મ પર ઠર્યું છે. પણ સમૃદ્ધ રચનાઓના ભાવસંકુલમાં સૂક્ષ્મ સ્તરે ગતિશીલ વિચારતત્ત્વ કામ કરતું હોય છે, અને કલ્પનો પ્રતીકો કે મિથનાં તત્ત્વો તેનું વહન કરતાં હોય છે. કોઈ મોટા ગજાની કવિતા - a major poem – કંઈ અજ્ઞાત ચિત્તમાંથી સ્વૈરપણે આકસ્મિકપણે યાદૃચ્છિકપણે જન્મી આવતી નથી. વિસ્તૃત ફલક પર ઊઘડતા વિકસતા અને જુદા જુદા તબક્કામાં રૂપાંતર સાધતા ભાવસંકુલ પાછળ કવિનું આગવું સૂત્ર હોય છે. એવા અનુભવની સંરચનાઓમાં કોઈ વિચારતત્ત્વ કોઈ દૃષ્ટિ નિહિત રહી હોય છે, અને સંભવતઃ કવિના બૌદ્ધિક નૈતિક કે આધ્યાત્મિક ચિંતનનું તેને બળ મળ્યું હોય છે. મૂળ મુદ્દો એ છે કે મોટા ગજાના કવિનું સંવેદનતંત્ર તેના વિશાળ અભ્યાસ અને ચિંતનમનનથી ઘણું સૂક્ષ્મ અને પરિમાર્જિત બન્યું હોય છે. તે જે અનુભવો અને સંવેદનાઓ રજૂ કરે છે તેમાં કોઈ ને કોઈ રીતે તેની સાંસ્કૃતિક ચેતના ય ભાગ ભજવે છે. કવિની સર્જકકલ્પના કે સર્જકચેતના કંઈ શૂન્યાવકાશમાં પાંગરતી નથી કે કામ કરતી નથી. અજ્ઞાત ચિત્તની ભોંયમાંથી તે ઊગે છે એમ સ્વીકારીએ તો પણ અજ્ઞાત ચિત્ત કોઈ જડ શબપેટી નથી. કવિના બૌદ્ધિક સાંસ્કૃતિક અનુભવોના સંસ્કારો સતત તેના પર પડે છે અને અજ્ઞાત સ્તરમાં સુષુપ્ત પડેલી સંવેદનાઓને તે જુદી જુદી રીતે સંકોરે છે, જગાડે છે, કે નવા ઘાટ આપે છે. કવિની સંવેદનશીલતા, ખરેખર તો, તેના અજ્ઞાત અને જાગ્રત ચિત્તમાંથી પોષણ મેળવે છે. પ્રાકૃતિક અને સાંસ્કૃતિક, પૌરાણિક અને ઐતિહાસિક અબૌદ્ધિક અને બૌદ્ધિક એમ પરસ્પરથી વિરોધી એવાં બંને ‘વિશ્વો’માં તેનાં મૂળ પડેલાં છે. એટલે કવિની સંવેદનશીલતા તે કંઈ માત્ર અંધકારમય અરાજક લાગણીઓ અને કલ્પનોનો ખડકલો માત્ર નથી. કવિની ચેતના અજ્ઞાત અને જાગૃત ચિત્તના - આદિમ્ સંવેદના અને વિચારતત્ત્વના – સંવાદ અને સંતુલનની દિશામાં કામ કરતી હોય છે. સંભવતઃ એ કામ કેટલેક અંશે કવિતાની રચના પૂર્વે કવિચિત્તમાં થયું હોય છે, તો શેષ કામ કવિતાની રચનાપ્રક્રિયા દરમ્યાન ચાલે છે. સંવેદનશીલતા એ એક રીતે તંત્રનિર્માણની દિશામાં ચાલતી પ્રક્રિયા છે. અનંત ચિત્તમાં જે કંઈ અરાજક અને ભયાવહ છે તેને વિચાર કલ્પનો પ્રતીક કે મિથની સહાયથી નિયંત્રણ અને વ્યવસ્થા નીચે આણી શકાય છે. કવિતાની રચનાપ્રક્રિયા દરમ્યાન કવિનો નિજી અનુભવ જે રીતે ચિત્તમાં સંરચન પામે છે તેમાં તેનું પૂર્વ સંવેદનતંત્ર સૂક્ષ્મપણે પ્રચ્છનપણે ભાગ ભજવે છે. જોકે વિશાળ અભ્યાસ ચિંતન અને અનુભવની સાથે તેમ વ્યાપક સાહિત્યના આસ્વાદ વિવેચનની સાથે તેના સંવેદનતંત્રમાં અમુક રૂપાંતર પણ સધાય છે. એટલે, આપણે આપણી આધુનિક કવિતાની સત્ત્વશીલતા સમૃદ્ધિ અને સિદ્ધિ અસિદ્ધિઓનો વિચાર કરવા રોકાઈએ ત્યારે વ્યાપકપણે એ પેઢીના કવિઓની સંવેદનશીલતાનું આંતરસત્ત્વ તેની વિકાસશીલતા અને તેના વ્યાપવિસ્તારના મુદ્દાઓ નજરમાં રાખવા પડે. પશ્ચિમમાં ઈ.સ. ૧૮૯૦–૧૯૩૦ના ગાળામાં જે આધુનિકતાવાદ જન્મ્યો અને પ્રવર્ત્યો તેની પાછળ ચોક્કસ ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંદર્ભ પડેલો છે. ત્યાંની આધુનિક કવિતા, બલકે સમગ્ર આધુનિક સાહિત્ય, એ ગાળાનાં ઐતિહાસિક / સાંસ્કૃતિક પરિબળોથી ઘડાયું છે. યુગની વિષમતા અરાજકતા વિચ્છિન્નતા અને વંધ્યતાની તીવ્ર સભાનતા એમાં પ્રતિબિંબિત થઈ છે. ત્યાંનો આધુનિક સર્જક વર્તમાન સંસ્કૃતિની કટોકટી વિશે અત્યંત સચિંત બની ચૂક્યો છે. એક રીતે વર્તમાન સમયની ઇતિહાસની ગતિવિધિઓ અને માનવનિયતિના પ્રશ્નો સાથે તે ગાઢ નિસ્બત છતી કરે છે. મૂળ વાત એ છે કે જ્ઞાન/વિજ્ઞાનના પ્રચંડ સાથે વિસ્ફોટ વાસ્તવિકતા વિશેના પરંપરાગત ખ્યાલો ત્યાં એકદમ હચમચી ઊઠ્યા હતા. વિજ્ઞાનવાદ ઐતિહાસિકતાવાદ ઉત્ક્રાંતિવાદ જેવી વિચારસરણીઓ અને અભિગમોની પ્રતિષ્ઠા સાથે માનવપ્રતિમા માનવસંયોગો અને માનવનિયતિના ખ્યાલો બદલાઈ રહ્યા હતા. યંત્રસંસ્કૃતિ અને ટેકનોલોજીનો વિરાટ વિસ્તાર, ઝડપી શહેરીકરણ, યુદ્વો, માનવસંહાર અને શ્રમછાવણી અને સમૂહમાધ્યમોએ રચેલું કૃતક વિશ્વ – આ બધાં પરિબળોને કારણે માનવીય પ્રશ્નોનું પરિમાણ બદલાઈ ચૂક્યું હતું. ઈશ્વર ધર્મ, નીતિ, પરંપરા અને ભાષાના માધ્યમ વિશે ય આધુનિક સર્જક સંશયવાદી બની રહ્યો. સૈકાઓ જૂની જીવનરીતિ, જીવનના ઊંચા આદર્શો અને મૂલ્યોનો હ્રાસ થઈ રહ્યો છે એ વસ્તુ તે સ્પષ્ટપણે જોઈ શક્યો. આપણે માટે અહીં અત્યંત મહત્ત્વની અને પ્રસ્તુત વાત એ છે કે પશ્ચિમના આધુનિક સર્જકોની સંવેદનશીલતા તેમના યુગની અનેકવિધ બૌદ્ધિક વિચારણાઓથી કોઈ ને કોઈ રીતે પ્રભાવિત થયેલી છે. આજે એ યુગના કવિઓ લેખકોમાં અમુક વાદને વરેલાં મંડળો / જૂથો બતાવી શકીએ છીએ : પ્રતીકવાદ, કલ્પનવાદ, અતિવાસ્તવવાદ કે અસ્તિત્વવાદ જેવી વિચારધારાઓને અનુસરતા અમુક અમુક કવિઓ લેખકોને અલગ તારવી આપી શકીએ, અને એવા વાદ સાથે અમુક ઢંઢેરાઓ અને પૂર્વનિશ્ચિત કાર્યક્રમો ય જોડાયેલા રહ્યા છે. પણ સમગ્રતયા જોતાં આધુનિકતાવાદ એ કોઈ આરંભથી જ સભાનપણે ચલાવાયેલું આંદોલન નહોતું. યેટ્સ એલિયટ વર્જિનિયા વુલ્ફ લોરેન્સ કાફકા રિલ્કે પ્રુસ્ત કેવૅફી સેફેરિસ પિરાન્દેલો જેવા મહાન પ્રતિભાશાળી સર્જકો કોઈ ચોક્કસ વાદને વરેલા નહોતા કે કોઈ આંદોલનમાં જોડાયા નહોતા. પણ, આ સર્વ આધુનિકો અલગ અલગ રીતે લેખનમાં પ્રવૃત્ત થયા હતા તો પણ, પોતાના સમયની ઘેરી સાંસ્કૃતિક કટોકટી વિશે તેઓ સંચિત હતા. પોતાના સમયની ગતિ બદલાઈ છે તે વિશે તેઓ તીવ્રપણે સભાન દેખાય છે. માનવસમાજ ઇતિહાસને જે તબક્કે આવી ઊભો છે, અને તેની સામે જે વિશ્વવિનાશની ક્ષણો ઝઝૂમી રહી છે તે જાતની ભીતિ અને વિષાદ તેમની અસંખ્ય રચનાઓમાં છતાં થતાં દેખાય છે. તેમના કવિસંવિદ્ના વિકાસવિસ્તારમાં તેમની આવી વ્યાપક માનવીય સમસ્યાઓની નિસ્બત જોઈ શકાશે. અલબત્ત, ત્યાંના મોટા ગજાના કવિઓ /લેખકોનું દરેકનું ‘વિશ્વ’ પરસ્પરથી નિરાળું છે. ઉપર ઉલ્લેખેલા યેટ્સ એલિયટ કોઈનું પણ કાવ્યવિશ્વ જુઓ, પરસ્પરથી તે એકદમ નોખું તરી આવે છે. એમાં તેમની કવિતાકળાની વિભાવનામાં ફેર જોવા મળશે, અભિવ્યક્તિની રીતિમાં ફેર દેખાશે, અને કલ્પનો / પ્રતીકો / મિથતત્ત્વોની ભાત કદાચ વધુ સ્પષ્ટ રીતે નોખી પડતી જણાશે, પણ આ સર્વ ભિન્નતાઓ કરતાંય તેમની દરેકની મૂળભૂત સંવેદનશીલતા-હેન્રી જેમ્સ જેને prime sensibility તરીકે ઓળખાવે છે તે – મોટો ભેદ દાખવે છે. આવા પ્રતિભાસંપન્ન કવિઓ માનવસંયોગો વિશેની સભાનતાને આગવાઆગવા સ્તરે અને આગવાઆગવા કોણથી નિહાળે છે. દરેકની સામે માનવીય સમસ્યાઓનો ફલક જુદો, દરેકની નિસ્બતો જુદી અને દરેકની બૌદ્ધિક સંપ્રજ્ઞતા જુદી માત્રાની, એટલે સ્વાભાવિક રીતે જ દરેકનો અનુભવખંડ પણ કોઈક રીતે જુદો. કહો કે તેમની કવિતાની સંવેદનભૂમિ જ નોખીનોખી. અહીં આપણે એ મુદ્દો ય સાંકળી લેવાનો રહે છે કે પશ્ચિમના આધુનિક કવિઓ કવિતાની રચનાકળા અને સર્જનપ્રક્રિયાની પૂરી નજાકતથી તેમ પૂરી ગંભીરતાથી માવજત કરતા છતાં કવિતા પરત્વે તેમના મૂળભૂત અભિગમમાં ક્યાંક ભિન્નતા છે. યેટ્સ એલિયટ રિલ્કે અને કેવૅફી જેવા કવિઓએ કવિતાનું સર્જન એ એક અર્થખોજ (અને એ રીતે મૂલ્યપ્રતીતિ)ની વિશેષ પ્રવૃત્તિ તરીકે સ્વીકારી છે. વર્તમાનમાં જે વાસ્તવિકતા સંમુખ તેઓ ઊભા છે તે જો સર્વથા અર્થશૂન્ય વંધ્ય કે વિચ્છિન્ન હોય, તો તેમને માટે એ વાસ્તવિકતા કોઈ રીતે અર્થદ્યોતક બની શકે નહિ. એટલે એ કવિઓ માટે કાવ્યસર્જનની પ્રવૃત્તિ અર્થશૂન્ય વાસ્તવિકતાની સામે એક આગવું અર્થસભર વિશ્વ રચવાની બાબત બની રહે. અને ખરેખર, પશ્ચિમના આધુનિક કવિઓએ પોતાની સામે અર્થશૂન્ય અને છિન્નવિચ્છિન્ન લાગતા બાહ્ય વિશ્વની સામગ્રીમાંથી અખિલાઈવાળું કાવ્યરૂપ નિપજાવવાનું સ્વીકાર્યું. કવિતાની રચના દ્વારા તે આત્મખોજ આદરે છે, અર્થખોજ આદરે છે. બહારની અને અંદરની વાસ્તવિકતાઓને કવિતારચનાની પ્રક્રિયામાં સાંકળવા ચાહે છે. એમ બને કે કોઈ કવિ આરંભમાં જુદા જુદા વિષયોને સ્પર્શે, જુદા જુદા અનુભવોને અલગપણે આલેખે, બલકે ઉપલક સ્તરે તેમાં મોટું વૈવિધ્ય જોવા મળે, પણ એવી ભિન્નભિન્ન ભાવભૂમિકાઓ વચ્ચે ય કવિ મોટા ગજાનો હશે તો, ઊંડે ઊંડે સાતત્યભરી ખોજ અને ખોજની દિશા પ્રતીત થશે. આરંભકાળના ભિન્નભિન્ન વિષયો અને અનુભવોમાંથી ગુજરતા કવિની સર્જકવૃત્તિ જોઈ એક વિકાસને તબક્કે ચોક્કસ સભાનતાના સ્તરેથી આગળ શોધ ચલાવે છે, કોઈ દિશામાં આગળ વધે છે. એ રીતે મોટા કવિના કાવ્યલેખનમાં અપવાદરૂપ અમુક વિલક્ષણ કૃતિઓને બાદ કરતાં, વ્યાપકપણે એક જીવંત કોષ સમી અખિલાઈ પ્રગટ થાય છે. પશ્ચિમમાં આધુનિક કવિતાના અતિ પ્રાણવાન ઉન્મેષો વિશેષતઃ આ સદીના આરંભના ત્રણેક દાયકાઓમાં જોવા મળ્યા. આથી ભિન્ન, આધુનિકતાવાદ નામની ઘટના આપણે ત્યાં સ્વાતંત્ર્યોત્તર સમયમાં બની છે. આધુનિકતાવાદ આપણે ત્યાં આટલો મોડો કેમ આવ્યો, તેનાં ચોક્કસ ઐતિહાસિક સાંસ્કૃતિક અને સાહિત્યિક કારણો પણ છે, પણ અહીં એની વિગતે ચર્ચા કરવા રોકાઈશું નહિ છતાં એ સંદર્ભમાં એટલું જરૂર નોંધી લઈશું કે ’૪૭ પછી તરતનાં વર્ષોમાં એક રાષ્ટ્ર તરીકે આપણે અભૂતપૂર્વ કારમી કટોકટીમાંથી પસાર થયા અને સ્વાતંત્ર્ય પૂર્વે જે એક સ્વપ્નિલ જગતમાં વિહરતા હતા તે થોડાં જ વર્ષોમાં તૂટીને વિછિન્ન થયું. રાજકીય ક્ષેત્રે હિંદ અને પાકિસ્તાનનું વિભાજન વિશાળ કોમી હુલ્લડો, અમાનુષી અત્યાચારો, ભૂખમરો, અછત, કાળાબજાર. ગાંધીજીની હત્યા... રાષ્ટ્રીય જીવનમાં જે રીતે અરાજકતા અને વિષમતાઓ ફેલાઈ રહી હતી તેમાં કોઈ તરુણ સંવેદનપટુ કવિ / લેખકને એની અસર ન થાય તો જ આશ્ચર્ય. મૂળ વાત એ છે કે છઠ્ઠા દાયકાના આરંભમાં લખનાર કોઈ પણ તરુણ કવિને ગાંધીજી-નેહરુનું સ્વપ્ન જરીકે સ્પર્શી શકે એમ હતું જ નહિ. રામરાજ્યની કલ્પના ઘોર છલના બની ચૂકી હતી. કાળની આટલી ક્રૂર ઉપહાસલીલા આપણા ઇતિહાસમાં કોઈ પણ યુગની પ્રજાએ ભાગ્યે જ પ્રત્યક્ષ કરી હશે. રાષ્ટ્રીય જીવનના તખ્તા પર ભજવાઈ રહેલી કોઈ ટ્રેજેડીનાં ક્રમશઃ ખૂલતાં દૃશ્યોમાં ઊંડી ટ્રેજિક આય્રની છતી થઈ રહી હતી. અલબત્ત, આપણા સાહિત્યના ઇતિહાસમાં રચાઈ આવેલા વળાંકનું પૂરતું સ્પષ્ટીકરણ આપવાનું મુશ્કેલ છે. એમાં આપણા રાષ્ટ્રીય જીવનના સમકાલીન સંયોગો નિમિત્ત બન્યા છે, તો છઠ્ઠા દાયકાના આરંભમાં યુરોપ ખંડના દેશોના સાહિત્યનો સંપર્ક પણ એમાં મોટું પરિબળ બન્યો છે. સ્વાતંત્ર્ય મળ્યું ત્યાં સુધી યુનિવર્સિટી શિક્ષણમાં અંગ્રેજી સાહિત્ય અને તેના વિવેચનનું મહત્ત્વનું સ્થાન હતું, પણ ’૪૭ પછીના ગાળામાં ફ્રેંચ જર્મન સ્પેનિશ અને ઝેક સાહિત્યનો વ્યાપક પરિચય થયો. છઠ્ઠાસાતમા દાયકામાં આધુનિકતાવાદના પ્રભાવ નીચે પશ્ચિમની સાહિત્યકૃતિઓના આપણને જે અનુવાદો મળ્યા તેમાં યુરોપીય ભૂમિખંડની રચનાઓ સારી સંખ્યામાં હતી. બ્રિટિશ સાહિત્યનાં સ્વસ્થ સંયત સર્જનાત્મક વલણો સામે ફ્રેંચ જર્મન સ્પેનિશ સાહિત્યમાં અવનવાં રંગરાગી વલણો પ્રબળપણે છતાં થયાં હતાં. આપણે આધુનિક કવિઓ / લેખકો પર એવાં રંગરાગી વલણોની સીધી અસર થઈ હોય એમ માનવાને કારણો છે. માનવસંયોગોની વિષમતા અને અસ્તિત્વની એકલતા વિચ્છન્નતા જેવી મનોદશાઓ કવિતા, વાર્તા, નવલકથા કે નાટકમાં વારંવાર અતિવાસ્તવવાદી પરિવેશ કે ફેન્ટસીના રૂપમાં રજૂ થઈ હતી. આપણો તરુણ સર્જક પણ એ રીતે પોતાની સર્જકતાને મુક્તપણે અનવરુદ્ધપણે વિસ્તરવાને અવકાશ આપવા પ્રેરાયો. આપણે ત્યાં સ્વાતંત્ર્યોત્તર ગાળામાં ઝડપથી પલટાઈ રહેલી રાજકીય અને સામાજિક પરિસ્થિતિ વચ્ચે તરુણ સર્જક પરંપરાઓનો ચાહીને ત્યાગ કરવા મથ્યો. એમાં ગાંધીજીએ પ્રબોધેલી જીવનભાવના અને તેનાથી પ્રેરિત સાહિત્ય સામે આવેશપૂર્વકનો વિરોધ હતો. સંસ્કૃતિ નહિ, કૃતિ જોઈએ-એવો બુલંદ સ્વર ત્યારે ઊઠ્યો હતો. સ્વાભાવિક રીતે જ, યંત્રસંસ્કૃતિની જડતા વંધ્યતા તેમ શહેરીકરણની સાથે માનવવ્યક્તિની એકલતા અને પરાયાપણાની લાગણી આ ગાળાની આપણી કેટલીએક રચનાઓમાં આલેખાયેલી મળે છે. ઉમાશંકરની ‘છિન્નભિન્ન છું’ અને નિરંજનની ‘પ્રવાલદ્વીપ’ જેવી રચનાઓમાં એનાં પહેલાં એંધાણ મળે છે. એ ગાળામાં હસમુખ પાઠક, નલિન રાવળ, પ્રિયકાન્ત મણિયાર, મણિલાલ દેસાઈ, રાવજી પટેલ, લાભશંકર ઠાકર, સિતાંશુ યશશ્ચન્દ્ર, ચિનુ મોદી આદિની રચનાઓમાં નગરચેતના કોઈ ને કોઈ રૂપે વ્યક્ત થઈ છે. પણ આ વિષયની આપણી કવિતામાં કવિસંવેદનનો વ્યાપ ઠીક ઠીક સીમિત દેખાય છે. નગરમાં વસતા માણસનું વિરાટ ઇમારતો અને અસબાબ વચ્ચે નગણ્ય સ્થાન વારંવાર રજૂ થયું છે. પણ, અંતે, આપણી સામે શેષ પ્રશ્ન રહી જાય છે કે આખા ય યુગની સંકુલતા, અરાજકતા, વિષમતા અને સંઘર્ષનું, આખી ય પરિસ્થિતિમાં ઊપસી રહેલા સામાજિક સાંસ્કૃતિક તણાવો અને તેની અંતર્ગત પડેલા પાયાના અંતર્વિરોધોનું આલેખન એમાં કેટલું? અથવા, જરા જુદી રીતે મૂકીએ તો વર્તમાન યંત્રસંસ્કૃતિનો આપણા તરુણ કવિની સંવેદનશીલતા પર પ્રભાવ કેટલો? અને આ આખરી પ્રશ્ન સાથે તરુણ કવિની સંવેદનામાં તેના બૌદ્ધિક, નૈતિક અને આધ્યાત્મિક વલણોનો મુદ્દો સંકળાઈ જાય છે. આપણો તરુણ કવિ પોતાની આસપાસ ઝડપથી રચાઈ રહેલી યંત્રયુગની વિષમ પરિસ્થિતિ પરત્વે સભાન જરૂર બન્યો છે, પણ તેની કવિતામાં ઝીલાયેલી યુગચેતના છીછરી અને સીમિત છે. આપણને એ તો સુવિદિત છે કે પંચાવન-સાઠના ગાળામાં સુરેશ જોષીએ આપણી સાહિત્યચર્ચામાં પશ્ચિમના ચિંતનવિવેચનમાં વ્યાપકપણે પ્રચલિત બનેલો શબ્દ ‘યુગચેતના’ (the Spirit of the Age) યોજ્યો હતો. કમનસીબે, એના ખરા સૂચિતાર્થો આપણા સાહિત્યજગતમાં સ્પષ્ટ થયા નહિ, તેમ આપણા સર્જાતા જતા સાહિત્યના સંદર્ભે તેનું મહત્ત્વ પણ સમજાયું નહિ. જો કે આમ કેમ બન્યું તે સમજવાનું કદાચ એટલું મુશ્કેલ નથી. કેમ કે, આપણા સમયમાં આકાર લેતા ઇતિહાસની ગતિવિધિ વિશે, ઐતિહાસિક વાસ્તવ અને ઐતિહાસિક પ્રક્રિયા વિશે, બલકે ઐતિહાસિકતા વિશે આપણે ત્યાં એટલી તીવ્ર સભાનતા જન્મી નથી. ‘યુગચેતના’ શબ્દથી તો ચોક્કસ યુગના હાર્દરૂપ વિશિષ્ટ અને વ્યાપક ચેતના સૂચવાઈ જાય છે. એ યુગમાં પ્રચારમાં આવેલાં વિભિન્ન ક્ષેત્રોનાં સત્યો, મૂલ્યો અને આસ્થાઓનો, બલકે આખા ય યુગના સંશયો, સંઘર્ષો અને અંતર્વિરોધોનો એક પ્રવર્તક ચેતનવ્યાપાર એમાં અભિપ્રેત છે. ‘યુગચેતના’નો આખો ય પ્રશ્ન, એ રીતે, કવિની આસપાસની બૌદ્ધિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિ અને પરિવેશની આસપાસ ઘૂમે છે. નગરચેતનાની કવિતા કુંઠિત કેમ રહી? એટલા માટે નહિ કે કવિ નગરની પરિસ્થિતિથી અજાણ હતો. પણ એટલા માટે કે નગરમાં વસતા માનવીની મનોદશામાં પ્રવેશ કરવાને, તેનો પૂરો તાગ લેવાને તેની સજ્જતા ક્યાંક ઓછી પડતી હતી. શહેરી સંસ્કૃતિ અને માનવપરિસ્થિતિની વિષમતાઓની આલેખન રીતિ એક રીતે કવિના વાસ્તવબોધ અને તેની મૂલ્યપ્રતીતિના પ્રશ્નો સાથે સંકળાયેલી બાબત છે. અને આલેખનરીતિના સ્વીકારમાં કવિની કાવ્યવિભાવના સૂચવાઈ જાય છે. ઉ.ત. નલિન રાવળે તેમની ‘રેતપંખી’ નામની રચનામાં નગરજીવનની વંધ્યતા અને વિષમતાની સ્થિતિ રજૂ કરવા ધારી છે, પણ કાવ્યવસ્તુનું તેમણે પ્રતીકવાદી રીતિએ કર્યું છે. આથી ભિન્ન, હસમુખ પાઠકની કૃતિ ‘કોઈને કંઈ કહેવું છે?’માં નગરની પરિસ્થિતિમાં છતી થતી અમાનુષિતાનું સોંસરી વ્યંગકટાક્ષભરી ધારદાર બાનીમાં નિરૂપણ થયું છે. કાવ્યવસ્તુના પ્રસ્તુતીકરણમાં આ રીતે કાવ્યરીતિનો જે ભેદ જોવા મળે છે તે કોઈ યાદૃચ્છિક કે પ્રાસંગિક બાબત નથી. વાસ્તવને જોવાના – અને એ રીતે અનુભવની મૂળ સામગ્રીના અર્થબોધ અને મૂલ્યનિર્ણયના – એ બે અલગ અભિગમો છે. નલિન રાવળની કૃતિમાં આપણને પરિચિત લાગતી નગરજીવનની પરિસ્થિતિનું મૂળ વિભાવન જ પ્રતીકાત્મક રીતિએ થયું છે. તેની પાછળ જાણ્યેઅજાણ્યે ય ‘શુદ્ધ કવિતા’નો ખ્યાલ કામ કરતો જણાશે. હકીકતમાં, પ્રતીકાત્મક રીતિને કારણે પરિચિત વાસ્તવનું રૂપાન્તર થયું છે. પદાર્થો અને ઘટનાઓનું જાણે કે સ્વરૂપાન્તર થયું છે. પરિચિત વાસ્તવના ભાગ તરીકે જે પદાર્થો અને ઘટનાઓ નક્કર સઘન અને સ્પર્શક્ષમ સંભવે છે તે પ્રતીકાત્મક કલ્પનામાં એક નવી અનનુભૂત વાસ્તવિકતા ધરે છે, એક નવી વ્યવસ્થા રચે છે. પણ એના પરિચિત અર્થ અને અર્થવત્તા ક્યાં ઢંકાઈ જાય છે, ક્યાં લુપ્ત થાય છે. શબ્દ ચૈતન્યની એક નવી સત્તા પ્રક્ષિપ્ત થાય છે, જેમાં પરિચિત પદાર્થો અને ઘટનાઓ વ્યવહા૨જગતની દુર્ધર્ષ સત્તાના ગુરુત્વાકર્ષણના બળથી મુક્ત થાય છે. એ તો સુપરિચિત બાબત છે કે પ્રતીકવાદી કવિતાનું કેવળ કાવ્યાનુભવના સ્રોત લેખે મહત્ત્વ છે. સ્થૂલ પ્રાકૃત વાસ્તવિકતાને શક્ય તેટલી ઓગાળી નાંખવાનો એમાં ઉપક્રમ છે. શુદ્ધ કાવ્યચૈતન્ય જ એમાં પરમ મૂલ્ય ઠરે છે. આથી ભિન્ન, હસમુખ પાઠકની રચનામાં પરિચિત વાસ્તવનું સીધેસીધું આલેખન છે. એમાં રજૂ થતા વાસ્તવની ઘનતા અને તેની કૂટસ્થ સત્તા નિરાળા છે. પદાર્થો અને ઘટનાઓની ઓળખમાં જે અર્થબોધ કે મૂલ્યબોધ થાય છે તેને સૂક્ષ્મ કે પ્રગટપણે સામાજિક વાસ્તવની સાથેનો અનુબંધ છે. ખરી વાત એ છે કે કવિ જે રીતે નગરના રાજમાર્ગ પર પાડાના અકસ્માતથી થતા મરણની ઘટના રજૂ કરે છે. તેમાં ભાવકને સીધું ઉદ્બોધન છે, તેના સામાજિક અંતઃકરણને સીધો પડકાર છે. સમસ્ત કાવ્યઘટનાનો અર્થ એ વ્યાપકપણે સમાજજીવનના વિશાળ મૂલ્યબોધના માળખા વચ્ચે જન્મે છે. પણ, સ્વાતંત્ર્યોત્તર ગાળામાં આપણા તરુણ કવિઓનું બળવાન વલણ પ્રતીકાત્મક રીતિની કવિતા તરફ રહ્યું છે. જાણ્યેઅજાણ્યે ય તેઓ એ રીતે આપણી આસપાસની નક્કર કઠોર વાસ્તવિકતાથી અળગા રહ્યા છે. આધુનિકતાવાદી કવિતા બલકે વ્યાપકપણે સાહિત્યની પ્રવૃત્તિઓમાં એક મોટો પાયાનો વિરોધાભાસ રહ્યો છે, અને તે એ કે વર્તમાન ઐતિહાસિક ઘટનાઓ અને વર્તમાન સંસ્કૃતિએ સર્જેલા માનવસંયોગો સામે અતિ તીવ્ર પ્રતિક્રિયા રૂપે એ જન્મ્યું હોવા છતાં એ વધુ ને વધુ આત્મલક્ષી અને અંતર્મુખી બનવાનું વલણ દાખવે છે. આમ જુઓ તો આપણી આસપાસ વિસ્તરી રહેલું શહેરીકરણ એ વર્તમાનમાં રચાતા આવતા ઇતિહાસનું જ એક વિષમ ઘટનાચક્ર છે. જગતના અનેક દેશોના સીમાડાઓ પર આજે યુદ્ધના ભડકાઓ થઈ રહ્યા છે. ધર્મ, લોકશાહી, પ્રગતિ અને શાંતિને નામે એક સમૂહ બીજા સમૂહ પર જુલ્મ કરે છે, સંઘર્ષ થાય છે, હત્યાકાંડો સર્જાય છે, શોષણ અને યાતનાઓ વિસ્તરે છે. આ ઐતિહાસિક ઘટનાઓ આજે આપણને ડારી રહી છે. ‘કલ્યાણ’, ‘શાંતિ’, ‘પ્રગતિ’, ‘વર્ગવિહીન સમાજ’ જેવા શબ્દો ઠાલા પુરવાર થયા છે. ત્યારે, આપણા મનમાં સહેજે પ્રશ્ન ઊભો થાય કે આવી ઐતિહાસિક સામાજિક પરિસ્થિતિની વિષમતા આપણા તરુણ કવિની ચેતનાને કેટલી સ્પર્શે છે? આપણા કવિની સંવેદનશીલતાને ઘાટ આપવામાં ઐતિહાસિક સંયોગોનો પ્રભાવ કેટલો? અલબત્ત, કવિ આજે કોઈ કલ્યાણગ્રામનો સંદેશ આપે કે ભાવિ પ્રગતિ અર્થે માર્ગદર્શન આપે એવી કોઈ અપેક્ષા આપણે રાખતા નથી. પણ ઐતિહાસિક ઘટનાઓનું હાર્દ પકડવા મથે તો કદાચ તેમના અનુભવને નવું પરિમાણ મળે એમ બને. મૂળ મુદ્દો એ છે કે ઐતિહાસિક સમયનો તાગ લેવાના પ્રયત્નોમાં તે કદાચ અણધારી રીતે આ વિશ્વજીવનમાં પડેલા દુરિતતત્ત્વ (evil) સામે આવી ઊભો રહે. અને સંભવ તો એ છે કે વિશ્વજીવનમાં નિહિત રહેલી વિષમતાઓનું, દુરિતોની કૂટ સત્તાશીલતાનું અને જીવનવિધ્વંશક તત્ત્વોનું આલેખન કરવા તે રોકાય તો આપણી કવિતામાં માનવીય અનુભવના સર્વથા અણજાણ ખંડો ખુલ્લા થાય. પ્રશ્ન છેવટે દુરિતોનો મુકાબલો કરવાનો છે, તેનો સ્વીકાર કરવાનો છે, તેની ઓળખ કરવાનો છે. નગરજીવનની વિષમતાના વ્યંગભર્યા આલેખનમાં તરુણ કવિઓ ઘણું ખરું જીવનની ઉપલક સપાટી પરના, પ્રમાણમાં છીછરી અને સ્થૂલ વિગતો દ્વારા ઊપસતા વિરોધાભાસમાં અટક્યા છે. પણ એવાં ઉપરછલ્લાં ચબરાકિયાં નિરીક્ષણોથી સાચી ગહનગંભીર કવિતા સુધી ભાગ્યે જ પહોંચાય. બૌદ્ધિક ચમકારવાળી અને વાગ્મિતાભરી ઉક્તિ પણ સ્થૂળ ચમત્કૃતિ જરૂર જન્માવી શકે, પણ ખરો પ્રશ્ન વર્તમાન નગરજીવનની વિષમતાઓનું હાર્દ પ્રગટ કરવાનો છે. કોઈ મેટાફિઝીકલ કન્સર્ન વિના એ શક્ય નથી. નગરજીવનની વિષમતાઓમાં ગહનતર સ્તરેથી મેટાફિઝીકલ આય્રની કે એબ્સર્ડિટીનું કવિ ગ્રહણ કરે એ એને માટે જરૂરી છે. વિશ્વજીવનની અંતર્ગત સક્રિય રહેલાં પાયાનાં તત્ત્વોમાં જ ક્યાંક અંતર્વિરોધ રહ્યો છે તે કવિએ ઓળખવાનો છે. પશ્ચિમના આધુનિક સાહિત્યમાં વિશેષપણે નગરજીવનના અને વ્યાપકપણે માનવસંયોગોના આલેખનમાં ટ્રેજિક આય્રનીનું તત્ત્વ છતું થતું રહ્યું છે તે કંઈ આકસ્મિક ઘટના નથી. ત્યાંની સાંસ્કૃતિક કટોકટીમાં વ્યાપકપણે એ દેખા દે છે. એક રીતે પશ્ચિમમાં જ્ઞાનવિજ્ઞાનના ક્ષેત્રે બૌદ્ધિક અભિગમથી ચિંતન શરૂ થયું તેમાં rational સામે irrational, orderની સામે chaos અને historical સામે mythical જેવી, સરળતાથી જેના વચ્ચેની ખાઈ પૂરી ન શકાય તેવી, ઓન્ટોલોજિકલ કોટિઓ જન્મી પડી. પરિણામે મેટાફિઝીકલ આય્રની અને એબ્સર્ડનો અનુભવ તેમની નિયતિ સમો બની રહ્યો. એ તો સ્પષ્ટ છે કે એબ્સર્ડનું દર્શન ત્યાંની વિશિષ્ટ એવી દાર્શનિક સાંસ્કૃતિક વિચારણાઓની સહજ તાર્કિક ઉપપત્તિ રૂપે આવ્યું છે. હિંદુ દર્શનમાં પરમ તત્ત્વ કે પરમાત્મા રૂપ જે કોઈ સત્તા છે તે એકી સાથે અંતર્વ્યાપી અને બહિર્વ્યાપી છે, એવો સ્વીકાર છે. ખ્રિસ્તી દર્શનમાં ઈશ્વરની પરમ સત્તાનો સ્વીકાર છે પણ તે વિશેષતઃ પૃથ્વીલોકથી અલગ અને પેલે પારની સત્તા છે. અને એવી ઈશ્વરી સત્તાનો તર્કની ભૂમિકાએથી કે વિજ્ઞાનના દૃષ્ટિકોણથી ઇન્કાર કરે, એટલે આવે વિશ્વના બધાય પદાર્થો વ્યક્તિઓ, વસ્તુઓ વચ્ચેની જીવંત કડી જ નષ્ટ થઈ જાય, બધાય પદાર્થો પરસ્પરથી વિચ્છિન્ન, એકાકી અને કેન્દ્રહીન બની જાય, વિશ્વજીવનનો ક્રમ તેની ગતિ સ્વયં હેતુશૂન્ય બની રહે, માનવીને પોતાને મળેલા અસ્તિત્વની સીમિતતા અને તેની નિઃસીમની અનંત ઝંખના સ્વયં એબ્સર્ડની અનુભૂતિ બની રહે. પરમ આત્માની સત્તા આ વિશ્વપ્રકૃતિથી અલગ અને આત્મપર્યાપ્ત હોય કે પરમ ચૈતન્યની સત્તા અહીં પૃથ્વીલોકના અણુઅણુ સુધી વિસ્તરી જ ન હોય તો તો પ્રકૃતિ અને માનવચેતના વચ્ચે કે પ્રકૃતિ અને પરમ સત્તા વચ્ચે સહેલાઈથી કદીય ન પુરાય એવી ખાઈ ઊભી થવાની. અને, સ્વાભાવિક રીતે જ, પદાર્થ જગતની કૂટ દુર્ભેદ્ય વાસ્તવિકતા વચ્ચે માનવવ્યક્તિ પોતાને સાવ પરાયી અને એકલવાયી અનુભવી રહેવાની. પશ્ચિમના અસ્તિત્વવાદી ચિંતનમાં ટ્રેજિક આય્રની કે એબ્સર્ડિટીનો બોધ એ તેમની આત્યંતિક બૌદ્ધિકતાનું પરિણામ છે. આ પ્રકારની ટ્રેજિક આય્રની અને એબ્સર્ડિટીનું અભિજ્ઞાન ત્યાંના માત્ર અસ્તિત્વવાદી લેખાતા સાહિત્યમાં જ નહિ, સૂક્ષ્મપણે પ્રચ્છન્નપણે ત્યાંના આધુનિક સાહિત્યમાં વ્યાપકપણે તે પ્રતીત થાય છે. કોઈ પણ રાષ્ટ્રમાં કોઈ પણ યુગમાં, આપણે જેને major literature તરીકે ઓળખાવતા હોઈએ છીએ, તેવા સાહિત્યના ઉદ્ભવવિકાસમાં જે તે રાષ્ટ્રની, જે તે યુગની દાર્શનિક/સાંસ્કૃતિક વિચારણાઓ પ્રેરક બની હોય એમ જોવા મળશે. પશ્ચિમના આધુનિકતાવાદી સાહિત્ય માટે આ વાત કદાચ વધુ સાચી છે, વધુ પ્રસ્તુત છે. પશ્ચિમનું આધુનિક સાહિત્ય ત્યાંના જીવંત બૌદ્ધિક સાંસ્કૃતિક પરિવેશમાં જન્મ્યું છે અને તેમાંથી સતત પોષણ મેળવીને પાંગર્યું છે. આપણે ત્યાં સ્વાતંત્ર્યોત્તર ગાળામાં આધુનિકતાવાદ જે રીતે આવ્યો, તે ખરેખર તો, પરભાષા, પરસાહિત્ય અને પરસંસ્કૃતિના યુગપદ્ પ્રભાવની બાબત છે. પશ્ચિમની સાહિત્યાદિ સામગ્રીમાંથી વર્તમાન માનવસંયોગો વિશેનું ચિંતનસંવેદન તેમ આધુનિક કળાવિચારણાઓ આપણા તરુણ લેખકોના મન પર એકીસાથે છવાઈ ગયાં. યંત્રસંસ્કૃતિ શહેરીકરણ અને ટોળાંવાદ સામેનો અવાજ, અસ્તિત્વની એકલતા વિચ્છિન્નતા અને અર્થહીનતાની લાગણી કે સંસ્કૃતિ સામે આક્રોશ – આવી અનેક બાબતોએ આપણા લેખકોની સંવેદનાઓને પ્રેરી સંકોરી કે ઉત્તેજિત કરી, અને એ રીતે આ ગાળાના આપણા સાહિત્યમાં નવી સંવેદનશીલતા જરૂર જન્મી આવી. પણ કવિતા, વાર્તા, નવલકથા જેવાં સ્વરૂપોમાં એ ઝાઝી ફળદાયી બની શકી નથી. આ રીતની સંવેદનાઓ વ્યક્ત કરતા સાહિત્યને અનુલક્ષીને આપણે પ્રશ્નો કરી શકીએ : પશ્ચિમની આધુનિક કૃતિઓમાં પ્રાપ્ત થતી અનુભવની ગહરાઈ સંકુલતા અને વિદગ્ધતા એમાં કેમ ઝાઝી સિદ્ધ ન થઈ શકી? એમાં સાંસ્કૃતિક સંપ્રજ્ઞતાનો દાબ કેમ વર્તાતો નથી? આપણા સર્જકોની સંવેદનશીલતાનું ફલક અને વ્યાપ કેમ સીમિત લાગે છે? તો, આવા પ્રશ્નોના ઉત્તરમાં એક એ હોઈ શકે કે આ તરુણ લેખકો જે સમયગાળામાં લખતા થયા કે લખતા રહ્યા, તેમાં આપણી બૌદ્ધિક/સાંસ્કૃતિક વિચારણાઓનો વ્યાપ જ સીમિત છે : ના, ખરેખર એમ કહેવું જોઈએ કે સંવેદનશીલતાને સક્રિય કરી મૂકે, અંકુરિત કરી મૂકે એવી પ્રાણવાન વિચારણાઓને સંનિકર્ષ એમાં ઓછો છે. કોઈ પણ યુગમાં સર્જાતા સાહિત્ય અને તે સમયની બૌદ્ધિક/દાર્શનિક ખોજ વચ્ચે સીધો સંબંધ સ્થાપવાનું, અલબત્ત, ઘણું મુશ્કેલ છે. દરેક યુગમાં, આમ જુઓ તો, ભિન્નભિન્ન વિચારધારાઓ ખેડાતી હોય કે પરસ્પર વિરોધી ચિંતન ચાલતું હોય ત્યારે કઈ વિચારધારા કયું ચિંતન તત્કાલીન સાહિત્યિક પરિસ્થિતિને પ્રેરક બની રહેશે તે નિશ્ચિતપણે કહી શકાય નહિ. આમ છતાં દરેક યુગના સાહિત્યમાં જે કંઈ વિશિષ્ટ ઉપ્લબ્ધિઓ જોવા મળે છે અને એમાં જે કંઈ યુગચેતના ઝીલાય છે તેમાં એ યુગની અમુક વિચારધારાઓ જરૂર નિર્ણયાત્મક બની હોય છે. એ રીતે આપણા આધુનિકતાવાદી સાહિત્યના સંદર્ભે, આપણા કવિઓ લેખકોની શક્તિમર્યાદાઓનો સ્વીકાર કર્યા પછી ય, આ યુગના સાંસ્કૃતિક પરિવેશનો મુદ્દો ચિંતવવાનો આવે છે. અંતે એમ સ્વીકારવાનું રહે કે સર્જકતાને સાચું બળ એના પોતાના સાંસ્કૃતિક દાર્શનિક ચિંતનમાંથી, બલકે વિચારસંઘર્ષમાંથી મળે છે. અંતે, સર્જકની પોતાની દાર્શનિક ખોજનો, દાર્શનિક નિસ્બતનો એ પ્રશ્ન છે. જરા જુદી રીતે કહું તો, અસ્તિત્વની એકલતા હતાશા જેવી મનોદશાનાં આલેખનો ઝાઝાં પરિણામકારી બન્યાં નથી તો એમાં ક્યાંક ને ક્યાંક કવિકર્મની ઊણપ પણ કારણભૂત છે. તે સાથે તરુણ લેખકોની સંવેદનશીલતાની અમુક કુણ્ઠાઓ પણ એમાં કારણભૂત છે. અનેક તરુણ કવિઓ પોતાની આરંભકાળના એકની એક મનોદશા ઘૂંટીને ક્યાંક સ્થગિત થઈ ચૂક્યા છે. મૂળ મુદ્દો એ છે કે આપણી સમક્ષ ખડી થયેલી સાંસ્કૃતિક કટોકટી સાથે એમાં એટલો કાવ્યાત્મક મુકાબલો નથી : પ્રાણવાન વિચારસંઘર્ષ નથી. આપણી આ સર્જનાત્મક પરિસ્થિતિનો જરા જુદા કોણથી પણ વિચાર કરી શકાય. એ રીતે કે આપણી આધુનિક કવિતા વિશેષતઃ આત્મલક્ષી સંવેદનો અને માનસિક સંચલનાઓ પર નિર્ભર છે. ઘણાએક તરુણ કવિઓ આત્મગત સંવેદનાઓ રજૂ કરવા ઝંખે છે. સહજ સ્વયંભૂ કે બૌદ્ધિક સંપ્રજ્ઞતાના દાબથી રહિત રચનાઓમાં ધૂંધળાં સંવેદનો તરફનો ઝોક રહ્યો છે. એમાં અનેક સંદર્ભે સ્વપ્ન કપોલકલ્પિત ભ્રાંતિ કે દિવાસ્વપ્નના અંશો ભળ્યા છે, અતિવાસ્તવવાદી રીતિની મુક્ત છટાઓ ભળી છે, કે આદિમ્તાવાદને અભિમત પુરાતન લાગણીઓના સંસ્કાર એમાં બેઠા છે. જીવનની પરિચિત વાસ્તવિકતાઓથી નીચે ઊતરવાનો, બૌદ્ધિક વિચારણાઓમાં સીમિત અને કુંઠિત વાસ્તવિકતાઓને ભેદવાનો અને અજ્ઞાત અનનુભૂત વિશ્વ ખુલ્લાં કરવાનો એમાં પ્રયત્ન છે. કલ્પનો/પ્રતીકો/મિથકોનાં તત્ત્વોનો નિબિડ પ્રયોગ કરીને તે કોઈ અર્ધપારદર્શી વિશ્વ રચવા ઝંખે છે. પણ અજ્ઞાત ખંડનું તેનું સાહસ ક્યાંક કોઈ તબક્કે જકડાઈ જતું દેખાશે. આ સંદર્ભમાં કવિની સર્જકવૃત્તિમાં પડેલું એક વિઘાતક વલણ પણ નોંધવા જેવું છે. તરુણ કવિ પોતાના કેાઈ અસ્તિત્વબોધની ક્ષણે નરી શબ્દલીલામાં રાચવા લાગે છે. શબ્દનું ઓજાર હવે નકામું બન્યું છે, પોતાને અભિપ્રેત ભાવ કે ભાવાર્થને વ્યક્ત કરવા તે સમર્થ નથી, અને એટલે જ શબ્દને પોલા કરી નાંખીને તે તેની રમત માંડી બેસે છે. જ્યાં સુધી અસ્તિત્વની પ્રામાણિક ખોજનો પ્રશ્ન છે, આ જાતની શબ્દરમત એક મિથ્યા પ્રવૃત્તિ નીવડી આવવાનો સંભવ છે. વિચારપ્રધાન કવિતાના આદર્શને અનુસરતી આપણી ત્રીસીની કવિતા મુખ્યત્વે તે યુગના રાષ્ટ્રીય સામાજિક અને સાંસ્કૃતિક પરિવેશમાં રોપાઈ હતી. ગાંધીજી ટાગોર રશિયન ક્રાંતિ અને રાષ્ટ્રીયમુક્તિની ચળવળ, બલકે એ સમયના અસંખ્ય અગ્રણી ચિંતકો અને લેખકોનું સાહિત્ય, એ સમયના બૌદ્ધિક સાંસ્કૃતિક વાતાવરણને સચેત રાખતું હતું. એ સમયે ઉમાશંકર સુંદરમ્ આદિ કવિઓએ જે ભાવભાવના પોતાની કવિતાઓમાં રજૂ કરી તેમાં વ્યાપકપણે વિસ્તરી રહેલો એ પરિવેશ જ નિમિત્ત હતો. એ ખરું કે એમાં અનેક સંદર્ભે કવિઓના બૌદ્ધિક નૈતિક સ્તરના સૂક્ષ્મ સંઘર્ષો આલેખાયા છે, પણ એ સમયનો કવિ વિશેષતઃ એ સમયનાં બૌદ્ધિક નૈતિક સંવેદનો ઝીલતો રહ્યો છે. એમાં ઘણીએક રચનાઓમાં રજૂ થતો ‘હું’-કવિતાના વિચાર ભાવ કે ઝંખનાને પ્રથમ પુરુષ રૂપે રજૂ કરતો persona-એ સમયનાં પ્રતિષ્ઠિત સામાજિક નૈતિક મૂલ્યોથી બંધાયેલો પ્રેરાયેલો કે પ્રભાવિત થયેલો જોઈ શકાશે. પ્રણય, મૃત્યુ, રાષ્ટ્રભક્તિ, પ્રકૃતિદર્શન કે અધ્યાત્મચિંતન જેવા વિષયોમાં કવિનાં અંગતરૂપ સંવેદનો કે અનુભૂતિઓ પણ ઘણું ખરું બુદ્ધિગમ્ય કથનવર્ણનમાં ઢળાઈને આવી છે, અને તેમાં કોઈને કોઈ રીતે કવિનું બૌદ્ધિક/નૈતિક વલણ પ્રભાવક નીવડ્યું જણાશે. એમાં વત્તાઓછા દાબ સાથે અમુક ચિંતનપ્રક્રિયા ચાલતી રહી છે. અજ્ઞાત ચિત્તના આવેશ અને ઉન્મેષો, અબૌદ્ધિક સંચલનાઓ કે આદિમ્તાવાદી સંવેદનાઓનું એક રીતે પોતીકું કોઈ મૂલ્ય નથી : વિશાળ જીવનદર્શનમાં ધર્મ નીતિ અને દર્શનના વ્યાપક સંદર્ભે એ અજ્ઞાતખંડને યથાતથ જોવા સ્વીકારવાની વાત તેમને મંજૂર નથી. જે કંઈ પ્રકૃતિરૂપ છે, પ્રાકૃતિક છે, અને પ્રાકૃતિક બળોથી પ્રેરિત છે તેનું માનવજીવનના શ્રેયની દૃષ્ટિએ કોઈ મૂલ્ય સંભવે નહિ. સ્વાતંત્ર્યોત્તર ગાળામાં આધુનિક કવિઓએ કવિતા પરત્વે જે અભિયમ સ્વીકાર્યો તેની ભૂમિકા જુદી છે. અજ્ઞાત ચિત્તની આદિમ્ સંવેદનાઓ, તેના અબૌદ્ધિક અંશો, તેને પૌરાણિક પરિવેશ એ સર્વને તે સર્વથા અંગત રૂપમાં અને તેના સૌથી આદિભૂત રૂપ (nascent form)માં પ્રત્યક્ષ કરવા ઝંખે છે. એટલે એમાંના પ્રાકૃત કુત્સિત અને જુગુપ્સક લાગતા અંશોને ય પ્રગલ્ભપણે તે સ્વીકારે છે. પણ વિચારણીય મુદ્દો એ છે કે આવી પ્રાકૃત અને કુત્સિત સંવેદનાઓ વિવિધરંગી ઝાંયવાળાં કલ્પનો/પ્રતીકો/મિથો દ્વારા તે રજૂ કરવા ચાહે છે. એમાં બૌદ્ધિક/નૈતિક અભિગમથી ભાવને રજૂ કરવાનું કે ઘટાવવાનું વલણ બહુ ઓછું જોવા મળશે. અને આત્યંતિક દૃષ્ટાંતોમાં પ્રાકૃત અને કુત્સિત લાગણીઓનું પ્રગલ્ભ આલેખન વાચકની કોમળ રુચિને આંચકો આપે છે જ, પણ એવી રચનાઓને કવિતાનું મૂલ્ય કેટલું પ્રાપ્ત થાય તે મૂળથી વિચારી જોવાનું રહે છે. કવિતાની રચનાપ્રક્રિયામાં એક કેન્દ્રવર્તી પ્રવર્તક વ્યાપાર તે કવિની પોતાની critical consciousnessનો છે, અને વત્તેઓછે અંશે કવિની મૂળભૂત પ્રકૃતિ સાથે તે જોડાયેલો છે. કેટલાક રંગદર્શી કવિઓ પોતાના ચિત્તની સંવેદનાઓને એવી critical consciousnessના ઝાઝા દાબ વિના કે એવા અંતરાય વિના સહજપણે વિસ્તરવાને અવકાશ આપે છે, જ્યારે બીજા સ્વસ્થ પ્રકૃતિના કવિઓ પોતામાં જન્મ લેતી સંવેદનાઓને કંઈક અંતર પાડીને પ્રત્યક્ષ કરવા અને તેને બૌદ્ધિક નૈતિક વૃત્તિથી ઘટાવવા ચાહે છે. આ બે છેડેનાં વૃત્તિવલણો વચ્ચે ઓછેવત્તે અંશે કવિની critical consciousness જુદી જુદી માત્રામાં પ્રવેશતી રહે છે. આપણા આધુનિકોની કાવ્યપ્રવૃત્તિમાં સ્વ. રાવજીનું કાવ્યલેખન વધુ તો સ્વયંભૂ અને નિર્બંધ પંક્તિઓ પર નિર્ભર છે. એની સામે શેખ લાભશંકર કે નલિનમાં એમની બૌદ્ધિક સંપ્રજ્ઞતાનો દાબ વરતાતો લાગશે. પણ આપણે આપણી મોટા ગજાની કવિતાની શોધ કરીએ ત્યારે આપણે તરત જોઈ શકીશું કે લાંબા ફલક પર વિસ્તરતી રચનાઓ જ્યાં એવા બૌદ્ધિક સંપ્રજ્ઞતાના દાબ નીચે આવી છે ત્યાં તેનું રચનાશિલ્પ વધુ સૂક્ષ્મ રીતે કંડારાયેલું હોય છે. છેલ્લા ત્રણચાર દાયકાની આધુનિક વલણો પ્રગટ કરતી કવિતાઓમાં પોતાની નિજી સંવેદનશીલતા અને નિજી રીતિ/શૈલીથી એકદમ નોખા તરી આવતા કવિઓ આપણને ઓછા મળ્યા છે. એ ખરું કે આ ગાળામાં કાવ્યલેખન ઘણા મોટા જથ્થામાં થયું છે, અને શક્તિસંપન્ન એવા દરેક કવિએ અમુક ભાવસમૃદ્ધ રચનાઓ આપી છે; પણ એમાં બીજી ઘણીએક રચનાઓ ચમત્કૃતિભર્યો નવો ઉઘાડ બતાવતી નથી. જે કંઈ ઉત્કૃષ્ટ રચનાઓ નીવડી આવી હોય તેનું અનુકરણ કરવાની અજ્ઞાત વૃત્તિ એમાં પડેલી દેખાશે. જરા જુદી રીતે કહું તો સમૃદ્ધ અને સફળ કવિતાની બાની એમાં ઠેર ઠેર પડઘાતી સંભળાશે. એમાં રૂઢ થવા આવેલી પદાવલિ કે કલ્પનાવલિના અનુચિત પ્રયોગોથી કવિનું સંવેદન ઊઘડતું રહી ગયું છે. સર્જનની ક્ષણે કવિ પોતાના સંવિદ્ને સૂક્ષ્મ અને તીક્ષ્ણ દૃષ્ટિએ પ્રત્યક્ષ કરવા સમર્થ બન્યો હોત તો તેની પર્યાપ્ત અભિવ્યક્તિ અર્થે તેની સ્વચ્છસુરેખ અને સૂક્ષ્માતિસૂક્ષ્મ રેખાઓ પકડવા માટે નવેસરથી ભાષાનું સંયોજન કરવાની જરૂરિયાત તેને વરતાઈ હોત. હકીકતમાં, કવિ સંવેદનાનાં સૂક્ષ્માતિસૂક્ષ્મ પ્રત્યક્ષો perceptions દ્વારા જ કવિતાનો સૂક્ષ્મ અર્થ અને મૂલ્ય પ્રાપ્ત થાય, એટલું જ નહિ, કવિતાની આગવી નક્કર વાસ્તવિકતાની રણકતી પ્રતીતિ થાય. રંગદર્શી વલણોથી પ્રેરાતો કવિ સહજ સ્વયંભૂ લેખન પર મદાર રાખીને ચાલવા જાય છે, ત્યારે અનિયંત્રિત શબ્દો અને કલ્પનોની પ્રચૂરતા મૂળ અભિપ્રેત સંવેદનને રુંધી રહે એમ બને. અથવા એમાં શબ્દોની મેદસ્વિતા વધી જતાં તેની સૂક્ષ્મ અર્થચ્છાયાઓનો લોપ થાય છે. એક રીતે વ્યંજના સમૃદ્ધ રચનામાં શબ્દની વ્યંજનાશક્તિના વિસ્તાર વિકાસ અર્થે બૃહદ્ અવકાશ રચી આપતું કવિકર્મ તે અર્ધદગ્ધ ધૂંધળી અને દુર્બોધ પદાવલિઓના ખડકલાથી જુદી વસ્તુ છે. કૃતિમાં રજૂ થતો ભાવ કેટલો સંકુલ કેટલો વિદગ્ધ અને કેટલો સમૃદ્ધ બન્યો છે તેની યથાર્થ ઓળખ અર્થે કાવ્યભાષાની સંરચના અને પોતનું બારીક વિશ્લેષણ ઉપકારક બની શકે છે જે પ્રતિભા વિદગ્ધ અને પ્રૌઢ છે, પ્રખર બૌદ્ધિક સંવિત્તિના દાબ નીચે કામ કરે છે તે વિશ્વવાસ્તવની અંતર્ગત રહેલા આંતર્વિરોધો અને આય્રનીનાં તત્ત્વો અનાયાસ પકડી લેશે. અને કાવ્યભાષાના પોતમાં એ તત્ત્વો મેટાફર કે મેટાફરયુક્ત સંકુલ કલ્પનોથી લઈ સમગ્ર સંવિધાનમાં જુદા જુદા સ્તરે પ્રગટ થતાં દેખાશે. એવા મેટાફરમાં tenor અને vehicle વચ્ચેના તણાવોમાં ભિન્નભિન્ન ક્ષેત્રોમાંથી આવેલાં કલ્પનોની અણધારી સહોપસ્થિતિમાં, મુખ્ય ગૌણ પ્રતીકોના આંતરસંબંધોમાં – એમ કોઈ ને કોઈ રીતે કવિસંવિદ્ની સંકુલતા છતી થાય છે. ત્રીસીના ગાળામાં કેટલીક રચનાઓ – ઉ. ત. ઉમાશંકરની કૃતિ ‘એક ચૂસાયેલા ગોટલાને’ કે સુંદરમ્ની ‘પૂલના થાંભલા’ – પ્રગટ કે પ્રચ્છન્નપણે moral allegoryના ઢાંચામાં ઢળાયેલી છે. આધુનિક કવિતામાં કવિ એવી moral allegoryના ઢાંચાને વિગલિત કરીને અનોખું સર્જનાત્મક ઉઠાવ લે છે. નાના ફલકની કૃતિમાં જોકે અમુક અલ્પસ્વલ્પ સંવેદનાનું પ્રમાણમાં સ્થિર શિલ્પ મળશે, પણ મધ્યમ કે દીર્ઘફલકની કૃતિઓમાં ભાવવિકાસને દરેક તબક્કે કવિસંવિદ્ સૂક્ષ્મ રીતે રૂપાંતર સાધે છે. સ્વ. રાવજીની કૃતિ ‘સંબંધ-ક્ષયમાં આત્મદર્શન’માં એવી રૂપાંતરપ્રક્રિયા તરત ધ્યાન ખેંચે છે. આપણી આધુનિક કવિતામાં, કહેવાની ભાગ્યે જ જરૂર હોય કે, ભાવસંવેદનની પ્રસ્તુતી વિશેષતઃ કલ્પનો પ્રતીકો અને મિથતત્ત્વોને આધારે થતી રહી. ધૂંધળી નિહારિકારૂપ કે નિરવયવી લાગણીઓને એથી નક્કર મૂર્ત અને સ્પર્શક્ષમ રૂપ મળ્યું છે. ઇંદ્રિયબોધનો વ્યત્યય કરતાં કલ્પના દ્વારા વળી વાસ્તવિકતાની એક નવી જ અભિજ્ઞતા એમાં જોડાય છે. કલ્પનોપ્રતીકોની ઐન્દ્રિયિક ગુણસમૃદ્ધિ કવિની મૂળ લાગણીમાં નવી અર્થછાયા અને નવાં સાહચર્યો આણે છે, એટલું જ નહિ, અનુભૂતિને વિશેષ ધરાતલ રચી આપે છે. આપણી આધુનિક કવિતાની ગતિવિધિઓ વિશે ગમે તેટલી કઠોર આલોચના કરીએ કે તેના પ્રેરણાસ્રોતો પરત્વે આક્ષેપો કરીએ, હકીકત એ રહી છે કે આપણી અર્વાચીન કવિતાના ઇતિહાસમાં સર્જકતાનું એક નવું પરિમાણ આધુનિક કવિતામાં ખૂલ્યું છે. ત્રીસીની વિચારપ્રધાન કવિતામાં ઐન્દ્રિયિક સંવેદનાઓની ઓછપ રહી છે. રાજેન્દ્ર શાહ અને પ્રહ્લાદની કવિતામાં તેનો સુખદ વિનિયોગ મળે છે. પણ કલ્પનો-પ્રતીકોનાં સર્વથા અણજાણ અને રુક્ષકઠોર રૂપો આપણી આધુનિક કવિતામાં જોવા મળ્યા. આધુનિકોનો ચેતોવિસ્તાર, તેમની પ્રાણવાન સર્જકતાનો ઉદ્રેક, આ કલ્પનોપ્રતીકોના અવનવા સંદર્ભોમાં જોવા મળે છે. છઠ્ઠાસાતમા દાયકામાં કેટલુંક કાવ્યલેખન તો પ્રચૂર કલ્પનશ્રેણીઓમાં થયું છે. તરુણ કવિ અજ્ઞાત ચિત્તના પ્રાકૃત અશ્લીલ ભાવાવેશોને રજૂ કરવાના પ્રયત્નમાં અણજાણ કલ્પનો/પ્રતીકોને પહોંચમાં લેવા મથ્યો ત્યારે કવિતાની રચનામાં એ સર્વ કલ્પનો /પ્રતીકો સંવેદનભોંયમાં સુભગ રીતે ગૂંથાયાં હોય એમ ઓછું બન્યું છે. પણ તેમની સાહસિક સર્જકતાએ સાતમાઆઠમા અને નવમા દાયકાની આપણી કવિતા માટે નવાં ઉપકરણો સજાવી આપ્યાં એ પણ નોંધપાત્ર હકીકત છે. બારીક દૃષ્ટિએ અવલોકન કરનાર વિવેચક તરત જોઈ શકશે કે આઠમાનવમા દાયકાની આપણી કવિતાએ અગાઉના કવિઓએ પકડમાં લીધેલાં કલ્પનો/પ્રતીકોની શ્રેણીમાંથી અમુક એકમોને પરિમાર્જિત રૂપમાં કે વધુ સુભગ સંવાદી રૂપોમાં યોજ્યાં છે. પણ આ આખાયે ગાળાની આધુનિક કવિતાની સમૃદ્ધિનો સાચ તાગ મેળવવાનું અને એની સફળતાનિષ્ફળતાનું નિદાન કરવાનું હજી બાકી છે. એ કલ્પનો/પ્રતીકો કયા ક્ષેત્રમાંથી કયા અનુભવ ખંડમાંથી ઊતરી આવ્યાં છે? એ કલ્પનોમાં ઐન્દ્રિયિક સમૃદ્ધિ કેટલી અને કેવી રીતે ઊતરી આવી છે? એમાં સંવેદનાની તાજગી નાવીન્ય અને વૈચિત્ર્ય ક્યાં ક્યાં પ્રત્યક્ષ થયાં છે? અલગપણે દરેક કવિમાં તેમ આખા યુગમાં કલ્પનોનો વ્યાપ કેટલો? અલગપણે દરેક કવિમાં તેમ આખા યુગમાં કલ્પનો/ પ્રતીકોની ભાત કેવી રીતે ઊપસતી રહી છે અને કેવી રીતે બદલાતી રહી છે? – આવા આવા પ્રશ્નોની ઝીણવટભરી તપાસને અંતે આ કવિઓની સંવેદનશીલતાનો અમુક અંદાજ બાંધી શકાય. ખાસ તા દરેક કવિ અનુભવના કયા સ્તરે ગતિ કરે છે, અને પોતાની રચનામાં કલ્પના પ્રતીકોના વિનિયોગથી અનુભવને કેવી રીતે આકાર અને અર્થ અર્પે છે તેની તપાસ એ કવિતાના સાચા મૂલ્યનિર્ણય તરફ લઈ જઈ શકે. આ ચર્ચાવિચારણાને અનુલક્ષીને અહીં આપણે એમ કહેવાનું પ્રાપ્ત થાય છે કે આ આધુનિક કવિતામાં યોજાયેલાં કલ્પનો / પ્રતીકો બહુધા આસપાસની પરિચિત પ્રકૃતિમાંથી કે રોજિંદા વ્યવહારજગતમાંથી આવ્યાં છે. કલ્પનોનો સ્રોત, અલબત્ત, કવિના ઇંદ્રિયબોધમાં પ્રત્યક્ષપણે આવેલું જગત સંભવે છે. પણ પ્રતીકો / મિથોના વિનિયોગના પ્રશ્નો ઘણા રસપ્રદ છે. આપણી આધુનિક કવિતામાં પ્રકૃતિના પદાર્થો જ વધુ તો પ્રતીકો તરીકે પ્રવેશ પામ્યાં છે. સૂર્ય, અશ્વ, દીવાલ, બારી, તૃણ, પથ્થર, ચાડિયો, ઘૂવડ, આંખ, વૃક્ષ, પર્ણ, રેતી, કીડી, રણ, ઊંટ, જળ, રસ્તો, શાહમૃગ, પીંછું... આ પ્રાકૃતિક તત્ત્વો જ કલ્પનો/પ્રતીકો લેખે વ્યાપકપણે યોજાયાં છે. એની સામે અચરજભર્યો પ્રશ્ન આપણા મતમાં થાય કે આપણી કવિતામાં ધાર્મિક / પૌરાણિક / સાંસ્કૃતિક પ્રતીકો કેટલાં અને ક્યાં ક્યાં પ્રયોજાયાં? આપણી કાવ્યભાષામાં પૌરાણિક / ઐતિહાસિક અર્થો અને સાહચર્યો સાચવતી સંજ્ઞાઓ ક્યાં? આ બધી તપાસને અંતે આપણને એમ પ્રતીત થાય કે એમાં આપણી સંસ્કૃતિ જ્ઞાનવિજ્ઞાન અને પરંપરાઓ સાથે જોઈએ એવું જીવંત અને ગાઢ અનુસંધાન જળવાયું નથી. આ ચર્ચાના સંદર્ભે ફરી એક વાર પશ્ચિમના અગ્રણી આધુનિક કવિઓમાંથી બૉદલેર યેટ્સ એલિયટ રિલ્કે સેફેરિસ કૅવેફી જેવા કવિઓને યાદ કરું છું. એમની કવિતાના હાર્દમાં વ્યાપકપણે પૌરાણિક/સાંસ્કૃતિક પ્રતીકો પડેલાં છે. પોતાની સામે વિસ્તરેલા વર્તમાન ઐતિહાસિક સંયોગો અને વાસ્તવિકતા તેમને અર્થશૂન્ય લાગવા માંડી, વર્તમાન તેમને વંધ્ય વિચ્છિન્ન અને વિષમ પ્રતીત થયો, ત્યારે કવિતાના માધ્યમમાં તેઓ ‘અર્થ’ની ખોજમાં સક્રિય બન્યા. વિજ્ઞાનવાદ અને બૌદ્ધિકતાના બોજ નીચે વાસ્તવિકતા ખંડખંડમાં તૂટી ગઈ હતી, વિઘટિત અને વિશૃંખલ બની ચૂકી હતી, ત્યારે પૌરાણિક પ્રતીકો દ્વારા તેઓ પૌરાણિક યુગની ચેતનાની મૂળભૂત એકતા અને અખિલાઈ સિદ્ધ કરવા મથી રહ્યા. વર્તમાનના બોધમાં rational અને irrational conscious અને unconscious, present અને eternity-એવાં મૂળગત દ્વૈતોના રૂપમાં જે ખાઈ જન્મી ચૂકી છે તેને પૌરાણિક ચેતનાના સ્તરેથી જોડવાની એક પ્રક્રિયા એમાં અભિપ્રેત હતી. પણ આપણે અહીં એ સ્પષ્ટ કરી લેવું જોઈએ કે પશ્ચિમના આધુનિકો તેમના યુગની સાંસ્કૃતિક કટોકટી વિશે તીવ્રપણે સભાન બન્યા હતા, અને વર્તમાન વાસ્તવના બોધમાં ‘અર્થ’ની ઉપલબ્ધિ અર્થે પુરાણકલ્પનો/પ્રતીકો અને વૃત્તાંતો તેમને આંતરિક જરૂરિયાત બની ચૂક્યાં હતાં. આપણે ત્યાં આધુનિક કવિઓમાં સિતાંશુ ચિનુ રાજેન્દ્ર શુક્લ લાભશંકર રાવજી શેખ જેવા કેટલાક કવિઓએ પૌરાણિક વૃત્તાંતો કે પ્રતીકોના ધ્યાનપાત્ર પ્રયોગો કર્યા છે. પણ, એકંદરે તો, આપણી આધુનિક કવિતામાં એવા વૃત્તાંતો/પ્રયોગો ઘણા ઓછા છે, અને એ પ્રયોગો કેટલેક સ્થાને પ્રાસંગિક જ લાગશે. પશ્ચિમના આધુનિકો, ખરેખર, પોતાના વર્તમાનને પામવા ઊંડું મંથન કરી રહ્યા હતા, અને એવા મંથનની ક્ષણોમાં તેઓ પૌરાણિક વિશ્વ તરફ વળ્યા. આપણા આધુનિક કવિઓ સામે એવા તીવ્ર મંથનના પ્રસંગો ઓછી વાર આવ્યા છે. અહીં એ વાતનો ય નિર્દેશ કરી લઈશું કે આપણે ત્યાં આ અગાઉ અર્વાચીનોમાં કાન્ત ન્હાનાલાલ ઉમાશંકર સુંદરમ્ ઉશનસ્ બેટાઈ જેવા કવિઓએ પોતાના જીવન-ચિંતન કે દર્શનને રજૂ કરવા પૌરાણિક પાત્રો/વૃત્તાંતોનો સ્વીકાર કર્યો હતો જ, પણ તેમની કૃતિઓમાં પૌરાણિક પાત્રો/વૃત્તાંતોનો વિનિયોગ જુદી રીતે કે જુદા સ્તરે થયો છે. પણ એ મુદ્દો અલગ વિસ્તૃત ચર્ચા માગે છે. આધુનિકતાવાદથી પ્રેરિત આપણી કવિતાની રૂપરચના અને અભિવ્યક્તિના પ્રશ્નોનો લયસંયોજનની દૃષ્ટિએ પણ વિચાર કરવાનો આવે છે. એ સંદર્ભમાં સૌથી મહત્ત્વની વાત એ છે કે અજ્ઞાત ચિત્તનાં ભાવસંવેદનોને, તેનાં સંચલનોને, તેના બદલાતા ગતિલયને સંવાદી રૂપમાં ઝીલવાનો તેમનો પ્રયત્ન રહ્યો છે. જોકે, અછાંદસ/પરંપરિત મેળની રચનાઓ સામે પરંપરાગત ગીત અને ગઝલની રૂપરચના – તેની સર્જકતા તેના પ્રયોગો – ના વળી અલગ પ્રશ્નો સંભવે છે. પણ છઠ્ઠાસાતમા દાયકાની આપણી કવિતાનું સત્ત્વ અને એનો વિશિષ્ટ રણકો અછાંદસ/પરંપરિત મેળની રચનાઓમાં સંભળાય છે. ત્રીસીના ગાળામાં વ્યાપકપણે યોજાતા રહેલા અક્ષરમેળ છંદો, તેના આધારરૂપ ચુસ્ત પદ્યબંધ અને તેની રચનાગત યુક્તિઓ, આધુનિક મિજાજના કવિઓને પોતાની પર્યાપ્ત અભિવ્યક્તિ અર્થે અનુકૂળ લાગ્યા ન હોય તો તે સમજાય તેવું છે. સંવેદનના ઊઘડતા વિકસતા દરેક વિશિષ્ટ અંશને અલગ રેખાંકિત કરવાનું વલણ જ નાનીમોટી પંક્તિ/શબ્દસમૂહ/શબ્દની રચનામાં કવિને પ્રેરે છે. અને ઘણુંખરું કલ્પનોનો ઘટક એમાં નિર્ણાયક બન્યો દેખાય છે. એવાં કલ્પનોના સંયોજનમાં, નાનીમોટી પંક્તિઓના વિન્યાસમાં, પ્રબળ લયનું તત્ત્વ જ્યાં કામ કરે છે, ત્યાં તે કલ્પનોને લયનું બળ મળે છે, અને રચનાબંધ દૃઢ બને છે. પણ પંક્તિઓ જ્યાં ગદ્યબંધના સીમાડા પર ચાલે છે ત્યાં રચનાબંધ વ્યસ્ત અને શિથિલ રહી જતો લાગશે. આધુનિક લેખાતી આપણી કવિતામાં લયસંયોજનના દૃઢ વિન્યાસ વિના એની રચનાઓ એની ચમત્કૃતિ ખોઈ બેસતી લાગશે. પાંચમા દાયકામાં છંદોબદ્ધ રચનાઓની સમાન્તરે ગીતસર્જનની પ્રવૃત્તિ ઝડપથી વેગ પકડતી દેખાશે. રાજેન્દ્ર પ્રહ્લાદ નિરંજન પ્રિયકાન્ત વેણીભાઈ બાલમુકુન્દ જેવા કવિઓએ ગીત પ્રકારની નજાકતથી માવજત કરી અને એ સ્વરૂપની પ્રતિષ્ઠા વધી. છઠ્ઠા દાયકામાં ગીત સ્વરૂપનું ખેડાણ એટલું જ જારી રહ્યું, પણ આધુનિકતાવાદી વિચારવલણથી પરિપ્લાવિત વાતાવરણમાં એનું મહત્ત્વ ઓછું લેખાયું. પણ આધુનિક કવિતાની સર્જનાત્મક સંચલનાઓ અને રચનાગત યુક્તિપ્રયુક્તિઓનો આશ્રય લઈ ગીત વધુ ગુંજાઈશ બતાવતું થયું. આધુનિક કવિતાની કલ્પનનિષ્ઠ રીતિ અને પ્રતીકવિધાનની પદ્ધતિ આ ગાળાના કવિઓએ અપનાવી લીધાં. ગઝલના સ્વરૂપમાં યે આધુનિક કાવ્યરીતિનો એટલો જ ગાઢ પ્રભાવ પડ્યો. સાતમા દાયકામાં અને એ પછી ગીત અને ગઝલ કવિઓને પ્રિય સ્વરૂપો બની રહ્યાં દેખાય છે. બંને સ્વરૂપોમાં નાજુક સૂક્ષ્મ અને તરલચંચલ સંવેદનોને ઝીલતી સારી સંખ્યાની રચનાઓ મળી છે. નવી તાઝગીભરી સર્જકતાનો ઉઘાડ બંને સ્વરૂપોમાં મળ્યો છે : રૂપરચનાનું સૌષ્ઠવભર્યું શિલ્પ કંડારી લઈ તેને મનોહર રૂપમાં ઢાળવાના નોંધપાત્ર પ્રયાસ તેમાં થયા છે. પણ બંને સ્વરૂપોમાં કેટલાક તરુણ કવિઓએ અતિલેખન કર્યું છે કે સ્વાનુકરણ કર્યું છે. એમાં રંજનલક્ષી તત્ત્વો ય પ્રચૂરપણે પ્રવેશી ચૂક્યાં છે. આ બંને નાજુક સ્વરૂપોમાં, પ્રામાણિક અને સચ્ચાઈભરી અનુભૂતિઓના અભાવમાં કૃત્રિમ ભાવાવેશો અને ચાતુરીભરી ઉક્તિઓ સ્થાન લેતાં દેખાય છે. જો કે બંને સ્વરૂપો પરંપરાગત રચનાતંત્ર ધરાવે છે, અને બંનેની રસકીય ક્ષમતા એવા રચનાતંત્ર પર નિર્ભર છે. એટલે બંને સ્વરૂપોની અમુક સીમાઓ પણ છે. અંતે, મારા અંતરમાં એક પ્રશ્ન રણકી રહે છે : કવિપ્રતિભા જો વિશ્વવાસ્તવની રહસ્યમયતા પ્રગટ કરવા ચાહે, સંકુલ અને સંદિગ્ધતાઓભરી ઘટનાઓનો તાગ લેવા ચાહે, અને ચિંતનમનનની સૂક્ષ્મ પ્રક્રિયાઓને, તેના વિભિન્ન તબક્કાઓને પર્યાપ્તપણે રજૂ કરવા ચાહે, તો આ પરંપરાગત સ્વરૂપો કેટલે અંશે ઉપકારક બને? આપણા વિવેચને આ રીતે સ્વરૂપવિશેષની રસકીય ક્ષમતા અને મર્યાદાઓનો પણ હવે વિચાર કરવાનો રહે છે.