નાટક વિશે/એક જ ઢંગે ઢંકાયેલા સપ્તરંગ

Revision as of 03:09, 2 June 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
એક જ ઢંગે ઢંકાયેલા સપ્તરંગ*[1]

`સપ્તરંગ’ એ સ્વ. પ્રભુલાલ દ્વિવેદીનાં સાત નાનાં શાળોપયોગી નાટકોનો સંગ્રહ છે. ચાર નાટકો – આપણે નાટિકા કે લઘુનાટક કે એવો કશો ભેદ મનમાં પણ સ્વીકાર્યો નથી એટલે બધાં જ નાટકો – શાળાઓમાં ભજવાયાં, બાકીનાં ત્રણ ગ્રામોફોની રેકર્ડમાં ઊતર્યાં છે. સર્વ નાટક અંક–પ્રવેશની રચનામાં છે. ગ્રામોફોની રેકર્ડમાં ઊતરેલાં નાટક પણ દૃશ્યોમાં વિભાજિત છે. સર્વ નાટકો, ધંધાદારી રંગભૂમિ પર પ્રચલિત થયેલી ઢબનાં નાટક છે. સ્વ. પ્રભુલાલ દ્વિવેદી આપણા તખ્તાના છેલ્લા સુયોગ્ય કીર્તિ પ્રાપ્ત કરનાર નાટકકાર. અનેક લોકપ્રિય અને કીર્તિદા નાટક લખી ભજવાવીને લગભગ એકલે હાથે ચાલીસેક વર્ષ લગી એમણે ધંધાદારી રંગભૂમિને સબળ ટકાવી રાખી હતી. અહીં `સપ્તરંગ’માં એમણે એ જ રીતિ ચાલુ રાખી છે. આ રીતિને જો વ્યાખ્યાબદ્ધ કરવાની હોય તો એનાં થોડાં ધ્યાનપાત્ર અંગ ગણાવવાં જોઈએ. એક, વસ્તુ બોધદાયી હોય. બે, declamation માટેનો, ઉત્કટ સંવાદ માટેનો એક પણ મોકો જતો કર્યો ન હોય. ત્રણ, ઉત્કટતા માટે બેતબાજીનો આશ્રય લીધો હોય. ચાર, પ્રસંગને ઉપસાવવા melodramaને અનિવાર્ય ગણ્યું હોય. પાંચ, પ્રેક્ષક વાચકને વિવિધ રસનો ભાવ થાય એવી સંકલ્પના હોય. લખાવટની આ રીતને અનુકૂળ ભજવણીની આવી જ રીતે મળતાં ગુજરાતી ધંધાદારી નાટક થયું. ભજવણીની રીતમાં કૃત્રિમતા અને અતિશયોક્તિ એ બે ખટકે એવાં અંગ હતાં. પણ સમસ્ત પ્રયોગ તો લખાવટ અને ભજવણીના અવિભાજ્ય સહકારથી જ થતો. આજે આવાં નાટકનું એક બાજુ સાવ બંધાયેલું, અને કદાચ વારસામાં પેઢી દર પેઢી ઊતરતું ઑડિયન્સ છે, તો બીજી બાજુ, એને વિષેની ભારે સૂગ પણ છે. એને નાટક કહેતાં પણ કોકને ભારે વાંધો હોવાનો. એના સિવાયનું બીજું નાટક હોઈ જ ન શકે એમ કહેનારો પણ વર્ગ છે. પણ આ રસ્સા-ખેંચને બાજુએ મૂકીને પણ પ્રજાના એક વર્ગ પર ખરી કે ખોટી પકડ જમાવનાર આ વસ્તુના હાર્દને સમજવું જોઈએ. આ રીતિને ન તો પશ્ચિમની નાટ્યાત્મક સંઘર્ષની નિરૂપણની રીતે મૂલવવું જોઈએ, ન સંસ્કૃતની ચાલી આવેલી રસની રીતે જોવું જોઈએ. નાટકની બાબતમાં એક જ રીત કે પદ્ધતિ વાજબી અને બાકીની બધી ગેરવાજબી, અપ્રમાણિત. એ વાતને હરેક જમાનાએ ખોટી પાડી છે, Innovation નેવોન્મેષ એ જ નાટકનો પ્રાણ છે. નાટક રૂઢિગત બનવાનો વિચાર સરખો કરે અને એના પ્રાણ હરાઈ જાય છે. સપ્તરંગનાં નાટકની લખાવટ અને રીત એમ જોઈએ તો રૂઢિગત બનેલી છે. પૂતળી આરસની હોય તોય એ જીવતી નથી એટલું તો મનમાં રાખવું જ પડે. એના શિલ્પની વાત કરીએ છીએ ત્યારે પણ એ કંડારાયેલું, સ્થિર, સ્તબ્ધ, રૂપ છે એટલું તે મનમાં રાખવું જ પડે. એ શિલ્પ કે ચિત્ર પરનું મરકલું ત્યાંથી હટી શકે એવું નથી એટલું પણ જાણવું જ જોઈએ. પણ આનો અર્થ એ નથી કે આ કે આવાં નાટક માટે આજનો ગજ વાપરવો લાજિમ છે. એ લાજિમ નથી. રીતિભેદને ધ્યાનમાં રાખ્યા વિના, સ્થળકાળના સૂક્ષ્મ ભેદને ગણતરીમાં લીધા વિના, રુચિભેદને નજરઅંદાજ કર્યા વિના જ આવાં નાટકનું આજના ધોરણે મૂલ્યાંકન કરવું એ અણસમજનું દ્યોતક કહેવાય. એનો અર્થ એ નથી કે આ નાટકો એ જમાનાની પરીક્ષણની રીતે પણ સર્વાંગ પાર ઊતરે છે. આ નાટકોમાં બે વાત બહુ સ્પષ્ટ તરવરે છે. એક છે દરેક પ્રસંગને એકધારી રીતે ટીપીને, ઉપદેશાત્મક બનાવવાનો તાગડો. બીજી વાત છે તે સમેટવાની ઉતાવળ. આ ઉતાવળમાં એક પ્રકારની abruptness, સાંધા મેળવવાનો શ્રમ નિરૂપયોગી અને ઉડાઉ ગણી કાઢવાની ચંચળતા. Motivation હેતુ સમજવા સમજાવવાની બાબતમાં ધરાર અણઘટતી ઉતાવળ. ઉપદેશાત્મક ઉક્તિ બોલાવવાનો મોહ એ ઉત્કટતા આણવાની અધીરતામાંથી જન્મે છે. ત્યાં ઉક્તિ સાહજિક નથી રહેતી. લખનારને પણ આ અ-વાસ્તવિકનું ક્યારેક તો ભાન રહે છે. એમાં આવી જતી falsity ખોટાઈની લખનારને પણ જાણ થાય છે. પણ બાણ છૂટી ગયું હોય અને પાછું વાળી ન શકાય એવી હાલત થાય છે. કરવી હતી તો declamation ભરી ઉત્કટ લાગણીભરી ભાવસભર ઉક્તિ, થઈ જાય છે trite ચીલાચાલુ, ક્ષુલ્લક અને મોટે ભાગે વંધ્ય એવી શબ્દમાર. નાટકની આ રીતમાં from falsity to falsetto ખોટાઈથી માંડીને કૃત્રિમ (કદાચ કર્કશ) અવાજ લગી પહોંચવાનું પણ થાય છે. ભાષાની સાદાઈ અને મધુરતાનો આમાં ભોગ લેવાય છે. સ્વ. પ્રભુલાલભાઈના પુત્રોએ એમનાં નાટકોને ગ્રંથસ્થ કરવાનો યત્ન કર્યો છે એનો અનુભવ બહુ મીઠો થયો હોય એમ તો એમના `બે શબ્દો’ પરથી લાગતું નથી. પણ ગુજરાતીમાં પ્રકાશન – અને તે પણ નાટકનું – એ હમેશાં ધંધાદારી રીતે તો આફતનું પોટલું જ રહ્યું છે. આવી જ નાસીપાસી અનુભવતા બીજા પણ ઠીક ઠીક સંખ્યામાં છે એટલું આશ્વાસનરૂપે નહીં પણ હકીકતરૂપે કહી શકાય એમ છે. કંટાળીને કે થાકીને પ્રભુલાલભાઈનાં નાટકોને ગ્રંથસ્થ કરવાની પ્રવૃત્તિ જ મૂકી ન દેવાય એવી ઘણાની ઇચ્છા છે; એ બધા આ બોજ કેટલો ઉપાડી શકે એની તો ખબર નથી. નથી એવી કશી ગણતરી કરી. પણ એક જ પંથે ચાલતા હમસફરીની રીતે લીધું કામ અધવચ્ચે મૂકી ન દેતા એટલી અરજ તો કરી શકાય. 


  1. * સપ્તરંગ. લે. પ્રભુલાલ દ્વિવેદી, (કિ. એમ. ત્રિપાઠી, ૧૯૬૬. પા. ૧૮૩, રૂ. ૩-૬૦),

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.