નાટક વિશે/તખ્તાના સરવાળા, નાટકની બાદબાકી
હવે તો રંગભૂમિના `ધંધાદારી’ એવા વિશેષણમાં કશો અર્થ રહ્યો નથી કારણ કે સહુ કોઈને ધંધાદારી બનવું જ પડે એવી હાલત છે. એથી રાજી થવું કે દુ:ખી થવું એની કશી સલાહ કે સૂચન અહીંથી આપી ન શકાય. એવી શેખી કરીએ તોપણ લખનાર પોતેય એને કદાચ પૂરેપૂરી રીતે પાળી ન શકે. અહીં `ધંધાદારી’ એ વિશેષણ એક વિશિષ્ટ અર્થમાં વાપર્યું છે. શ્રી અજિત પટેલના આ નાટક `પાપી’નો મસાલો અને ભાત પેલા જૂના ગુજરાતી તખતાના છે, સંકલના નવા તખતાની છે. જૂના ગુજરાતી તખતાપર ભજવતા નાટકની પ્રવેશરચનાને નાહકની ભાંડી. એવું આ નાટક `પાપી’ વાંચ્યા પછી થાય. કારણ કે જૂના ગુજરાતી તખતા પર ભજવાતા નાટકમાં પગલેપગલે – અને ક્યારેક તો એક પગલામાંય – અનેક વાર દેખાતી `હેવીનેસ’ તો આ એક સેટ ત્રણ અંકની રચનામાં પણ ખુશખુશાલ આવી શકે છે – આવી ગઈ છે. રસવૈવિધ્ય આપવા કે પ્રસંગોની ગોઠવણ અને ખીલવણી માટે પ્રવેશરચના જરૂરી હતી કે અનિવાર્ય મનાઈ હતી એવા ખ્યાલને કારણે, પેલું અતિરંજનનું લપેટ આવશ્યક જરૂરી બની ગયું હતું એવો ખ્યાલ પ્રચલિત બનેલો, અને આ આવશ્યક્તાનું પરિણામ `હેવીનેસ’, રસની પૃથકતા અને રસસંક્રમણની ક્રિયા અને વિધિ સ્થૂળ બને એમાં આવતું હતું. આ સર્વ ખોટું પુરવાર થયું, કારણ કે આ એક સેટ ત્રણ અંકની રચનામાં (જેમાં અંક એ જ એક પ્રવેશ બની જાય) પણ એવી જ સ્થૂળતા, અતિરંજન – મેલોડ્રામાનો, અફલાતુની ત્યાગ, ભોગ, અને હૃદયપલટાનો સમાવેશ થઈ શકે એમ, જેમ `ધંધાદારી’ ભાંગવાડી થિયેટરે, એમ આ નવાં નાટકોએ પુરવાર કર્યું છે. સાજ, સજ્જતા, ભાષાભંગી, `ઇડિયમ,’ સંવાદરચના, ઉપાડ, નિર્વાહ સ્ફોટ, બેતબાજી અને કહેવાતાં ગીતો, વસ્તુ સહુ પર પેલી બદનામ થયેલી ધંધાદારી ભજવણીનો ભારે ઓથાર છે. શ્રી અજિત પટેલનો, હું ભૂલતો ન હોઉં તો, એ ધંધાદારી રંગભૂમિ સાથેનો ઘેરો પરિચય છે. એ બધું ખોટું છે એમ નથી કહી શકતો. કહેવા માંગતો પણ નથી કારણ કે મારાં પોતાનાં મૂળ ત્યાં જ છે. આ લેખમાં તો હું એનાથી આગળ નથી વધાયું એનું જ દુ:ખ વ્યક્ત કરવા માંગું છું. વસ્તુની વાત લઈએ તો આવી જાતના સ્ખલનની વાત લગભગ પહેલવહેલી ધંધાદારી રંગભૂમિ પર સ્વ. જામને શરૂ કરી, `ભૂલના ભોગ’થી એમ તો `એક જ ભૂલ’ની બુનિયાદ પણ એ જ હતી. પણ સ્વ. જામને એને, પેલાં બેઅંકી કહેવાયેલાં નાટકમાં વિશિષ્ટ રીતે ખીલવી. પાત્રનું પતન, હીણપત, નીચાજોણું, પશ્ચાત્તાપ અને નિર્મળ થવું, એ રચનાનાં વિશિષ્ટ અંગ થઈ પડ્યાં. અને દરેક નવી વાતનું જેમ ચાતુરીભર્યું તેમ જ અડબંગ એવું અનુકરણ થાય છે એમ આનું પણ બન્યું. જ્યાં લગી અધિકાર અને કાળું નાણું-ધંધામાં નહીં પણ ભજવાતા નાટકના વસ્તુ તરીકે – પ્રવેશ્યું નહીં, ત્યાં લગી આ જ, સ્ખલન અને કોકનો ત્યાગ; બલિદાન, ભોગ અને સ્વર્ગથી ઊતરેલા ઝરણનો ધસમસતો પ્રવાહ – એ જ વસ્તુના આધારસ્તંભ બની ગયાં. ભલું થજો બ્લૅક માર્કેટ અને સત્તાના દુરુપયોગનું કે આ સ્ખલનના અતિચારમાંથી નાટકના વસ્તુને ઉગાર્યું.’ પણ એનો હરખશોક કરવા કરતાં `પાપી’ને જ નજર સામે રાખીએ. `પાપી’નું પાપ જેમ નવું નથી તેમ એક પાત્રનો આદર્શવાદ અને અન્ય પાત્રનો પશ્ચાત્તાપ પણ નવીન નથી. પણ નવીન નથી એની ફરિયાદ સાવ અર્થહીન છે. ફરિયાદ કરવાની છે એ તો પેલી તાગડા મેળવવાની રીતની છે. ફરિયાદ છે પાટિયાં ગોઠવવા સામેની. મૂળમાં જે જગમોહન રંગીલો જવાન છે અને સુરગંગા આર્યનારી છે – મદ્રાસનાં ચિત્રોએ આર્યનારીની ફુગાવેલી આવૃત્તિ. પતિની `વધારે પડતી પશુતા’ (જેના અભ્યંતર છે ચઢતી જુવાની, વધતો જતો પૈસો, પીવાની આદત, અને વધારે પડતી વાસનાવૃત્તિ)ને રોકવા અને વિશેષ `બેમાંથી કોઈને રોગ ન થાય’ તે માટે પૃથક્ શય્યા, `છતે ધણીએ આડી દીવાલ’, જુવાનીને `મૂઠ મારવા’નું પરિણામ? પતિ બહાર હરતો, ફરતો, ચરતો, થાય તે. પત્ની આ પણ જાણે છે. પુત્રને જે યુવતી સાથે પ્રેમ થયો તે પોતાના પતિની દીકરી નથી, પણ યુવતીની માના પતિ સાથે યૌન સંબંધ હતા એ પણ પુત્રને માટે માગું કરવા જતાં જાણે છે. અને પછી તો `ડિસિપ્લિનરી ઍક્શન’ ન લેવાને માટેના પૈતરા અને ત્યાંથી
નવી દુનિયા વસાવીશું
નવું ચેતન જગાવીશું
લગી. પણ એટલેથી પ્રેક્ષક નહીં માને, ગણીને,
કર્મયોગની ગીતા ગાતાં
અમર પ્રેમનો મહિમા ગાતાં —
દુઃખની વાત તો એ છે કે આ પણ ચીલાચાલુ છે. દલીલોની ઢાલલકડી પણ વાજીવાજીને ખોખરી થઈ ગયેલી છે. ભાઈ શ્રી અજિત પટેલે એમની સજ્જતાનો યોગ્ય ઉપયોગ કર્યો નથી. નાટકમાં આટલું તો અનિવાર્ય એવો કશો ખ્યાલ કમભાગ્યે એમના મનમાં દૃઢ થઈ ગયો છે, તખતાનું અને નાટકનું એક એવું સેળભેળિયું નાટ્યલેખકના મનમાં બાઝ્યું લાગે છે કે એ બંનેને પોતપોતાનું અન્-અન્ય એવું અસ્તિત્વ છે એવું પ્રતીત થતું લાગતું જ નથી. તખતાની કોકવાર સફળ થઈ ગયેલી ટ્રિક્સ – સીન ટ્રાન્સફર(જે સદ્ભાગ્યે અહીં નથી)થી માંડીને મન અને અભિગમ ટ્રાન્સફરલગીની–ને લેખક નાટ્યલેખનના શિખર માનતા લાગે છે. આ વિધાનનો મોટો પુરાવો તો લેખક વાંચક પ્રેક્ષકને આઘાત આપવાના લગભગ અડધો ડઝન જેટલા પ્રસંગ યોજે છે તેમાંથી મળે છે. એમણે અપનાવેલા અભિગમમાં એવું બધું સાવ અનિવાર્ય છે એટલું સ્વીકાર્ય પણ મનનું સમાધાન નથી થતું. અને પરિણામે એમણે જ કરેલી તૂકરચનામાં, એમની ક્ષમા યાચના સાથે, બે શબ્દનો ફેરફાર કરીને કહું તો — તખતાના સર્વ સરવાળા, નાટકની બાદબાકી છે. શ્રી અજિત પટેલને એમની શક્તિનો વધારે સારો ઉપયોગ કરતા જોવાની ઉમેદ રાખું છું.
- ↑ * પાપી. લે. અજિત પટેલ. (સુમન પ્રકાશન, ૧૯૬૯. પા. ૧૨૬, રૂ. ૩-૭૫)
Lua error in package.lua at line 80: module ‘strict’ not found.