શ્રી તંત્રી, `સંસ્કૃતિ’
વિ. નવેમ્બર માસના `સંસ્કૃતિ’ના અંકમાં શ્રી ગુલાબદાસ બ્રોકરે, મારા તે અગાઉ છપાયેલા `નાટક નિહાળવાનો આનંદ’ નામના લેખમાં કરવામાં આવેલા એક વિધાનનો, નવાં નાટકો સાથે એમને બંધબેસતું ન લાગતાં, વિરોધ કર્યો છે. આ ઉપરાંત એક અંગ્રેજી પદ્ય કડીના અનુવાદમાં મેં પ્રમાદ કર્યો એવું એમને લાગ્યું તેથી થયેલું આશ્ચર્ય પ્રગટ કરવા સાથે લેખક–અનુવાદક પાસેથી પ્રમાદ ન ચલાવી લેવાની અપેક્ષા વ્યક્ત કરી છે. ભાઈ ગુલાબદાસને, મારો લેખ જો વાચનક્ષમ લાગે તો, બીજી વાર વાંચી જવાની માત્ર વિનંતી જ કરું અને બીજો એક અક્ષર પણ ન લખું એમ, એમનું `પત્રમ્ પુષ્પમ્’ વાંચ્યા પછી પ્રથમ પ્રતિભાવ સ્ફુર્યો. પણ પછી થયું કે આ તો ભારે શેખી કહેવાય. પોતાના લેખમાં, પોતે જે લખ્યું હોય તેમાં, પોતાને જે કહેવાનું હોય તે પૂરેપૂરું આવી જાય છે, સ્પષ્ટ રીતે વ્યક્ત થાય છે એમ માનવાનું મારી પાસે તો કશું કારણ નથી. એટલે ભાઈ ગુલાબદાસે બહાર આણેલા ચર્ચાના – એમને અગ્રાહ્ય લાગેલા – મુદ્દાને જ જોવા સમજવાની અમે બંનેએ કોશિશ કરવી જોઈએ. ભાઈ ગુલાબદાસે ઉપસાવેલા મુદ્દાને હું આ રીતે સમજ્યો છું : (૧) પ્રેક્ષકને નામે લેખકે પોતે પોતાની માગણી અને શરત રજૂ કર્યા છે. (૨) આ માગણી અને શરત અત્યારની દુનિયામાં થતા અવનવા પ્રયોગો તરફ દુર્લક્ષ કરે છે. (૩) બેકેટના `વેઈટિંગ ફોર ગોદો’ અને આયોનેસ્કોના `ધ ચેર્સ’ જેવા પ્રયોગોનાં પાત્રો જે નવીન સૃષ્ટિને રજૂ કરે છે તે લક્ષમાં લેવામાં આવી નથી એટલું જ નહીં પણ એમના વિષે સંઘર્ષ કે તાર્કિકતા વગેરે જે શબ્દો ચાલુ વ્યંજના સાથે કદમ મિલાવી ચાલતા નથી તેનો ઉપયોગ કર્યો છે, આવા શબ્દોનો મનધાર્યો અર્થ આપવાની પ્રવૃત્તિમાં પડી જવાયું છે. (૪) હજાર વર્ષથી પ્રયોજાતી નાટ્યસૃષ્ટિ માટે જે નીતિ-નિયમો હોય તે આ નવી નાટ્યસૃષ્ટિને એમને એમ લાગુ પાડવાની પ્રવૃત્તિ ઇષ્ટ નથી. એથી વિધાનો એકપક્ષી થવાનો સંભવ રહે છે. (૫) આવાં વિધાન અર્ધસત્યની કોટીનાં રહેવાનાં. (૬) જે બે લીટી અંગ્રેજીની આપી છે તેનો સાચો કે પૂરો અનુવાદ નથી આપ્યો. દલાલ જેવા અનુવાદક પાસે આથી વિશેષ અપેક્ષા રહે. હું માનું છું કે મેં આમ મુદ્દા તારવ્યા છે તે સામે ભાઈ ગુલાબદાસને વાંધો નહીં હોય. અલબત્ત આમાં મારી પોતાની જ સમજ કામમાં લીધેલી છે અને પ્રમાદી ન હોવાની કે લાગવાની કાળજી મેં લીધી છે. “નાટક નિહાળવાનો આનંદ” એ લેખમાં મેં અન્ય ક્ષેત્રોમાં થયેલા ગણાતા, કરારના રૂપકનો આધાર લઈ, પ્રેક્ષક અને નાટકવાળા વચ્ચે પણ કશો કરાર થાય છે એમ કલ્પના લડાવી. કોઈ આને કલ્પનાથી વિશેષ માનશે એવી કલ્પના મને નહીં આવેલી એટલું હું કબૂલ કરી લઉં. જો કોઈ મારી પાસે આ કરારની અસલ કે નકલ માંગે તો મારી વિમાસણ પ્રગટ કરવા સિવાય મારી પાસે બીજું કશું નથી. મારી જાતને પ્રેક્ષક સમજીને મારી પોતાની જ માગણી, શરત, અપેક્ષાને મેં વાચા આપી છે, અને તેમ કરતાં હું નથી માનતો કે મેં કોઈનીય રસાસ્વાદના અધિકાર પર કે સંવેદનક્ષમતા પર તરાપ મારી હોય. જાહેરમાં કે ખાનગીમાં મેં કોઈ `પોલ’ માગ્યો નથી. ન તો મેં કોઈનેય બાંધવાની કલ્પના રાખી છે. આ માગણી કે શરત કે અપેક્ષા તો પ્રેક્ષક નાટક જોવા કઈ આશાએ જાય અને એ શાથી રીઝે એની મને સૂઝી એવી કલ્પનાની તારવણી છે. મને સૂઝે એ સહુને સૂઝવું જોઈએ કે સહુએ એ માન્ય રાખવું જોઈએ એવી ઉસ્તાદી એમાં નથી. તો સાથે નાટકની કોક મને સૂઝ છે એવી શેખી પણ એમાં નથી. નાટક કોઈનીય શેખી ચલાવી નથી લેતું અને ભલભલાની શેખી ગાળી ઓગાળી દેવાની તાકદ ધરાવે છે એમ હું દૃઢપણે માનતો આવ્યો છું. ભાઈ ગુલાબદાણે બેકેટ કે આયોનેસ્કોનાં નાટકોને કરારમાં રજૂ થયેલી માગણી કે શરતને પૂરી પાડે એવાં નથી માન્યાં. અને સંઘર્ષનું કે તાર્કિકતાનું આરોપણ થઈ શકે એવું એ નાટકોનું કાઠું એમને નથી લાગ્યું, એટલે પ્રેક્ષકની માગણી રૂપે કરેલી તારવણી આ નાટકોને લાગુ ન પડે એવું મંતવ્ય એમણે પ્રગટ કર્યું છે. ભાઈ ગુલાબદાસ જેવા સમજદાર સર્જક અને ભાવકે આવું વિધાન કર્યું એથી ભારે અચરજ થયું. બેકેટ કે આયોનેસ્કોનાં નાટક ભજવાતાં જોવાનો લહાવો મને મળ્યો નથી. એમનાં અને બીજાનાં જે થોડાં નાટકો મળી શક્યાં, એમાંથી પણ થોડાં જ વાંચી શક્યો છું. બેકેટ કે આયોનેસ્કોનાં નાટકની નાટ્ય-રીતિ કે વસ્તુ કે એમને અભિપ્રેત હોય એ સંઘર્ષ(આ બે નાટકકારોનાં નાટકોના સંદર્ભમાં સંઘર્ષ શબ્દ વપરાય એ ભાઈ ગુલાબદાસને ઉચિત નથી લાગતો એમ જણાય છે.) નો બચાવ કે ખુલાસો કરવાનું કામ માથે લેવાનો ઇરાદો નથી, ગજું પણ નથી. અને પ્રેક્ષક બની શક્યો નથી એટલે વાચક તરીકે જ આવી વાતો કરી શકું. સવાલ એ છે કે આ નાટકોમાં સંઘર્ષ છે? આ સંઘર્ષ આ નાટકકારોએ યોજેલી નાટ્યરીતિ સિવાય બીજી કોઈ પણ રીતિ પ્રમાણે તાર્કિક રીતે નિયોજી શકાય એવું નિરૂપણ કર્યું છે? આ નાટકકારોનાં નાટકોમાં સંઘર્ષ છે અને પૂરેપૂરો નાટ્યાત્મક છે. પ્રતીતિનો આધાર તો આપણે કઈ નજરે વાંચીએ – જોઈએ એ પર રહેવાનો પણ એમાં નિરૂપિત સંઘર્ષ – અસારતાનો, માનવીની જિંદગીમાં આવી ચૂકેલી દિશાશૂન્યતા અને હેતુશૂન્યતાનો, જીવવાના કોઈ પણ જાતના યત્નની વ્યર્થતાનો – આજના જીવનમાં કદાચ સુરક્ષિત ઇમારત જેવા આપણા જીવનમાં આપણને અનુભવવા ન મળે તોય અન્ય સ્થાને અન્ય માનવીને અનુભવવો પડે છે તે વાતને ગણતરી બહાર રાખવી યોગ્ય નથી. એ અનુભવની તીવ્રતા એવી છે કે એક બાજુથી અસારતા બુદ્ધિપ્રેરી નિષ્કાર્યતામાં પરિણમે એમ ભય રહે છે તો બુદ્ધિ-પ્રેર્યા અને સહાનુભૂતિઝીલ્યા વિસંવાદનો અનુભવ ન કરી શકનારને માત્ર શૂન્યતાનો જ અનુભવ થાય છે. અને જો કારેલશાપેકે આર. યુ. આર.માં રોબોટ પાસે માનવસુલભ અને સહજ લાગણીના થડકારનો અનુભવ કરાવ્યો એ તાર્કિક અને નાટ્યાત્મક લાગ્યો હોય તો બેકેટ પોતાનાં પાત્રો પાસે જડ, ઉષ્માહીન, હેતુહીનતાનો અનુભવ કરાવે એ એટલું જ નાટ્યાત્મક અને તાર્કિક છે, એમ ગણાવું જોઈએ. આવો મત સર્વમાન્ય જ હોવો જોઈએ એવો આગ્રહ ન જ રાખી શકાય અને ન જ હોવો જોઈએ. છતાં મને મનોમન ખાતરી છે કે ભાઈ ગુલાબદાસને આ અને આવાં નાટકોથી લાગેલા આઘાતમાંથી કળ વળશે ત્યારે ભાવકનું હૈયું એમને પણ આ સંઘર્ષ છે, `વેલિડ’ છે (આનું ગુજરાતી શું કરીશું ?) અને તર્કબદ્ધ છે એમ સ્વીકારવામાં વાંધો નહીં આવે. પ્રેક્ષકની માગણી કે શરતરૂપે રજૂ થયેલી મારી પોતાની અપેક્ષાની તારવણી સમયે આ અને આવાં બીજાં નાટકોને મેં બાજુએ નથી મૂક્યાં. કશુંય દુર્લક્ષ ન કરવાની બનતી બધી કોશિશ મેં કરી છે. અને હું નમ્રપણે માનું છું કે એ અપેક્ષા આ નાટકોએ પણ પૂરી કરી છે. નવીનતાથી અંજાવાની કે ક્ષોભ પામવાની વૃત્તિથી અળગા રહેવાનું કામ કપરું છે, એ વાત હું સ્વીકારું છું, અને એ છતાં સંઘર્ષ, તાર્કિકતા, કે નાટ્યાત્મકતા, એ અપેક્ષા કે કસોટી આ નાટકોને પણ પૂરી યથાર્થતા સાથે લાગુ પડે છે. આ વિધાન નથી એકપક્ષી કે નથી અર્ધસત્ય. ભાઈ ગુલાબદાસ જેના સહસંપાદક છે એ `ગુજરાતી નાટ્ય’ના જુલાઈ ઑક્ટોબર ૧૯૬૦ ના અંકમાં પ્રો. ગૌરીપ્રસાદ ઝાલાનો `એક વિલક્ષણ અભિનેય નાટક : દૂતવાક્યમ્’ એ શીર્ષક હેઠળ જે લેખ છપાયો છે તેના પ્રવેશરૂપ જે લખાયું છે તે મને લાગે છે ભાઈ ગુલાબદાસની કલમમાંથી હશે. એમાં આયોનેસ્કોના `ધ ચેર્સ’ ખુરશીઓ એ નાટકનો ઉલ્લેખ છે. એમાંનું એક વાક્ય આમ છે : “એ નાટક સરસ છે અને આ એની નવીનતા તરત લક્ષમાં આવે એવી છે, પરંતુ વાચકોને પ્રા. શ્રી ઝાલાનું હવે પછીનું લખાણ વાંચતાં થશે કે એ નવીનતા સૈકાજૂની છે અને એની અભિનયક્ષમતાના પ્રયોગ પણ સંસ્કૃત નાટકમાં થઈ ચૂક્યા છે.” અલબત્ત સંઘર્ષ કે તાર્કિકતા માટે આવા વાક્યમાંથી કશો આધાર ન લઈ શકાય. અને એમાં પણ ભાઈ ગુલાબદાસનો બાંધો તો, `સર્વસામાન્ય, હરકોઈને થઈ શકે એવો’ `નાટકના હિતમાંનો સંઘર્ષ’ એ શબ્દો વાપરવા સામે છે. ચક્ષુગ્રાહ્ય આકૃતિ ન દોરાય તોય મનોગ્રાહ્ય આકૃતિ દોરાઈ જતી અનુભવાય છે, પણ તે સર્વના ચિત્રમાં નહીં, એમ ભાઈ ગુલાબદાસ આગ્રહપૂર્વક કહે છે. ગુલાબદાસને, હું મારો લેખ ફરીથી વાંચવાની વિનંતી કરી શકું? લેખના પહેલા હફતામાં મારી મતિ મુજબ મેં પ્રેક્ષકોના એક વર્ગના પ્રતિનિધિરૂપ ગણેલા શ્રીમાન બુદ્ધિપ્રસાદનાં કેટલાક ગુણ-લક્ષણ જોવાની કોશિશ કરી છે. પણ એ વિશે લંબાણ કર્યા કરતાં ૧૨મી નવેમ્બર ૧૯૬૦ના `ન્યુ સ્ટેટસમેન’ ના અંકમાં `પોએટ્રી ઈન ધ થીએટર’ નામના એચ. એ. એલ. કેગના લેખમાંથી થોડું ઉદ્ધરણ આપું? પ્રમાદમાં ન પડવા ખાતર અંગ્રેજી જ વાંચીએ. The night I was there, the Arts Theatre had emptied itself; if had put Mr. Ronald Duneun’s poetry in. THIS WAY TO THE TOMB was by way of Vacant seats, each one a little grave in itself, and a scatter of audience so bored, so stark that they may be waiting for the undertaker. Occasionally a dead got up, grinned a ghastly smile and walked out. It is that poetry in the theatre no longer relevant to us? We can at once say that it is Mr. Duncun’s class of poetizing that has no relevance. Poetry in the theatre is not simply a poetry of words; it includes all the passage of the stage, foot and mouth. The body must be presented with the soul. Moreover, a poet’s instinct is to conserve language, while Mr. Duneun’s practice is to go on a spree with it until in the manner of certain drunks, if begins to admire itself, to mirror only itself. One feels that the words are upstaging the actors. Mr. Duncun at the Arts, substitute’s rhetoric for speech; Mr. Beckett in Peris, writes his prose and is the poet. In his few plays and fragments, Beckett has brought more to the theatre than anyone else in his generatian strange, misbegotten, half begone characters, trams, gibberer lucky with his rope around his neck, these peculiars, in the foulness of their nests, become by Beckett, symbols of ourselves. The loathesome characters burn with their own living; has put them into `bowls to beg’ each is left with a final possession of his own soul. Each is his own lawn and garden...Beckett’s characters as they mime, croak, laugh, scratch, dance, are entirely theatrical; their very ordinary speech is the shortest distance between themselves and their audience but-and here is the transformation-their ordinary speech becomes extraordinary in the conclusion. What you see or hear becomes an allusion to what is being beyond said or heard. You are stripped as beggars before you are stripped and left, among these images of pain and silence, with, a vision of the nature of life. "Weeping in order not to laugh." Mr. Beckett’s end is poetry and while he writes the theatre will continue to be a place of poetry. આટલું લાંબુ અવતરણ આપવા બદલ, તંત્રી શ્રી, આપની અને આપના વાચકોની માફી માગવી જોઈએ અને એ મળશે એવી આશા છે. બેકેટ વિષે આ મારો અભિપ્રાય છે એ રીતે મેં અહીં આ નથી ઉતાર્યું. પણ આ નાટકકારોના નાટકમાં સંઘર્ષ નથી, અથવા હોય તો એનું પરિણામ જુદું હોય, અને એ પરિણામને, કશો આસમાની સિદ્ધાંત રચતાં મેં ધ્યાનમાં નથી લીધું એ ફરિયાદનો આથી વધુ સારો જવાબ હું ન આપી શકત એ એકરાર સાથે અહીં ઉતાર્યું છે. મને આશ્ચર્ય એ વાતનું છે કે આને સંઘર્ષ ન કહેવાય, અથવા આવો સંઘર્ષ તાર્કિક નથી એવું વિધાન ભાઈ ગુલાબદાસે કર્યું. અને એ સાથે આવાં પાત્રોને, શૂન્યતા જ જાણે દેહ ધારી આવી હોય એવાં Hobgoblins કહ્યાં છે તેનું છે. એક વાત અહીં સ્પષ્ટ કરું. મૂળમાં મારે `નાટક નિહાળવાનો આનંદ’ એ વિષય પર લખવાનું હતું. મને લાગે છે કે એ વિષયને મારી સૂઝ મુજબ મેં રજૂ કર્યો. સંઘર્ષ કે સંઘર્ષ વ્યક્ત કરવાની રીતે વિષે મારે એ લેખમાં લખવાનું ન હતું. કોઈ પ્રકારનું નાટ્યશાસ્ત્ર રચવાનું મેં માથે લીધું ન હતું. અને શાસ્ત્ર લખવા કરતાં જેનું એ શાસ્ત્ર બની શકે એ લખવાનું મળે એમાં મને વિશેષ રસ છે. આયોનેસ્કોના નાટ્યસંગ્રહના ભાગ ત્રીજામાં એક `ઈમ્પ્રોવીઝેશન ઓર એ શેફર્ડઝ શેમેલોન’ નામનું એક નાટક છે. નાટકકાર પોતે એમાં એક પાત્ર છે. અને એની પાસે નાટક લખાવવા એક, બે, ત્રણ બાર્થોલોમ્યુઓ (જેમને આ નાટક પારિસમાં ભજવાયું ત્યારે મોલિયેરના જમાનાના વિદ્વાનોના જામા પહેરાવેલા એમ પાદ–ટિપ્પણમાં નોંધ્યું છે) આવે છે. આયોનેસ્કોએ આમ તો આજના સમાજમાં સામાન્ય માણસની લાગણીને અપનાવી છે પણ અહીં જરાક એણે ક્રમ બદલાવ્યો છે. સંઘર્ષ અને એ વ્યક્ત કરવાની રીત વિષે થોડાંક વાક્ય એ નાટકમાંથી અહીં ઉતારવાનો લોભ જતો કરી શકતો નથી. Bartholomew I : Instead of the expression `get out of’, say `get away from’, which means `alienate’ yourself, and then you will understand. For example, you can only alienate yourself from a vicious circle by not escaping from it; whereas you can only escape from it by staying inside. What is inside is experienced from the outside and what is outside is experienced from the inside. For the more alienated you are.... Bart. II : ...the more involved you are... (Repeat) Bart. I : (to Ionesco) That is to say one is inside when one is outside, outside when one is inside, or popularly speaking... Burt. II : Scientifically.... Bart. III : Quite simply... Bart. I : and dialectically speaking its called : The being-in-on-the-outside and out-on-the-inside. It’s also the Being of not-Being and the Not-Being of Being in the know. (to Ionesco) Have you thought about this question? Ionesco : Er....a little...vaguely...I haven’t exactly gone into it. Bart. II : Authors aren’t here to think, they are here to write that they are told. Ionesco : I beg your pardon but I...I find that your are expressing yourself in a very contradictory way I am. all for contradictions everything is nothing but contradiction and yet any systematic exposition ought not to.... should it...in words confuse opposites... Bart. I : So you don’t know that opposites are identical? Here’s an example. When I say that something is truly true, that means that it’s falsely false... Bart. II : Or just the reverse : if something is falsely false, it’s also truly true. Ionesco : I’d never have thought of that. Oh, how clever you are! આના જવાબમાં આગળ જતાં બાર્થોલૉમ્યુ ત્રીજો બોલે છે : "It is not his fault if he does not understand. He is a intellectual. A man of the theatre ought to be stupid. Bart. II: He hasn’t got a people’s mind, by that I mean scientific. અને એમ જ નાટકકારની ઊલટતપાસ ચાલે છે. એમાં એક ઠેકાણે આયોનેસ્કોએ પોતાના જ મોંમાં એક ઘણી જ અર્થસભર ઉક્તિ મૂકી છે : "Get her in. There can be no theatre without an audience." આગળ જતાં પોતાની સાવ આગવી રીતે આયોનેસ્કો પોતે નાટક કેમ લખે છે, શા માટે લખે છે, શા માટે આવી રીતે લખે છે એના. ખુલાસા આપ્યા છે. મૂળ માન્યતા કે આવાં નાટકોને પણ પેલી માગણી કે શરત, અને પૂર્વરંગ બધું જ લાગુ પડે છે એમાંથી જરાકે ડગ્યા વિના, જરા દલીલ ખાતર માની લઈએ કે આ નાટકો કે ડોનિસ જોન્સ્ટનનું `ડ્રીમિંગ ડસ્ટ’ જેવું સ્વીફ્ટના જીવનની દંતકથાઓને કશા જ નતીજા પર પહોંચ્યા વિના નિરૂપતું નાટક કે માર્સેલના કે એક રીતે જોઈએ તો પિરાન્દેલોનાં નાટક આ તારવણીથી અસ્પૃષ્ટ લાગે તોય એ તારવણી ખોટી પડતી નથી. હમણાં જ જોવા મળેલાં પોલ વેલેરીનાં નાટક કરતાંય વિશેષે ખંડ કાવ્ય જેવાં લાગતાં નાટકને પણ આ ગણતરીમાં લઈએ તો પણ આ તારવણી અર્ધસત્ય, એકપક્ષી કે જૂના નાટ્યસાહિત્યના નીતિનિયમોને વળગી રહેનારી અને નવા પ્રયોગોની ઉપેક્ષા કરનારી નથી બનતી. પ્રયોગના દર્શનનો આઘાત સૂઝની સમતુલાને ડગમગાવે તો તો ઘણું બધું ઉપરતળે થાય. નવાંને મેં ધ્યાન બહાર રાખ્યાં છે એમ કહેવા ખાતર, પોતે નવાંથી આઘાત અનુભવ્યો છે એવું આમ ભાઈ ગુલાબદાસે શા માટે માથે લીધું, એ મને તો નથી સમજાયું. એમ કરવાની કશી જરૂર ન હતી. પેલી બે લીટી વિષે પણ ખુલાસો કરી દઉં, એ પહેલાં એનું મૂળ સ્થાન પણ નોંધી લઉં. અતિશુદ્ધિવાદીઓના આચરણના પ્રત્યાઘાત રૂપે આચાર અને વિચારની ઘણી મોટી શિથિલતાનો યુગ ઇંગ્લંડમાં આવ્યો અને શેક્સ્પિયરનાં કરુણાંત નાટક એ જ રૂપે ભજવી ન શકાય એમ ભજવનારાંને લાગ્યું. ગેરિક જેવા સમર્થ નટની વિનંતીથી ડૉ. જોન્સન જેવા વિદ્વાને આ નાટકોને સુખાંત બનાવી આપ્યાં. ઘણુંખરું કિંગ લિયર માટે લખેલા પ્રાક્કથનમાં આ બે લીટીઓ છે. અનુવાદક તરીકે એનો અનુવાદ આપવાની ચેષ્ટા મેં નથી કરી. આપ્યો છે માત્ર ભાવાર્થ. આનંદની વાત છે કે એ ભાવાર્થમાં છતી થતી મારી આ બે લીટીની સમજણથી ભાઈ ગુલાબદાસને સંતોષ છે. એ ભાવાર્થ આપવામાં કશો જ પ્રમાદ નથી. વાગ્મિતાના એ જમાનામાં શબ્દોનાં ગૂંચળાં વાળવાની જે રીતે હતી તે સમયે અભિપ્રેત મનાયેલો ભાવાર્થ જ મેં આપ્યો છે. લખવા જેવું લખી લીધા પછી જુવાન સ્વીફ્ટની બે લીટી યાદ આવે છે :
Beat not the paths which vulgar feet have trod.
But give the vigorous fancy room.
ફળ અને બીની લંબાઈપહોળાઈની જૂની કહેતી યાદ આવે એટલું લંબાણ થયું છે પણ એનો જવાબ તો આટલો જ હોઈ શકે ને? —
For you that print to please
must please to print.
(`સંસ્કૃતિ’, જાન્યુ. ‘૬૧)
– જયન્તિ દલાલ