વીક્ષા અને નિરીક્ષા/બાહ્યીકરણની પ્રવૃત્તિઃ તંત્ર અને કલાસિદ્ધાંતઃ
બાહ્યીકરણની પ્રવૃત્તિ : તંત્ર અને કલાસિદ્ધાંત
ભૌતિક કલાકૃતિના નિર્માણમાં સંકલ્પશક્તિનો ફાળો ઘણો મોટો હોય છે. અભિવ્યક્તિ વિસ્મૃતિની ખાઈમાં ખોવાઈ ન જાય એ માટે તે સદા જાગ્રત હોય છે અને સ્મૃતિને મદદરૂપ થઈ પડે એવા ભૌતિક ઉદ્દીપકો તૈયાર કરે છે. એમાં તેને ખૂબ ત્વરાથી કામ કરવું પડે છે અને પુષ્કળ વિચાર પણ કરવા પડે છે. સંકલ્પશક્તિના આ કાર્યને કારણે જ ક્રિયાત્મકતાનો સંબંધ જ્ઞાનાત્મકતા સાથે જોડાય છે. હવે એ માત્ર જ્ઞાનાત્મક પ્રવૃત્તિની સહચરી ન રહેતાં તેના કાર્યમાં જ દાખલ થઈ જાય છે. ક્રોચેએ કલાનિર્માણના જે તબક્કા બતાવેલા છે તેમાં ચોથો તબક્કો ભૌતિક કલાકૃતિના નિર્માણનો છે. એ તબક્કા સુધી કલાકાર ન આવે તોયે ચાલે. સાચી કલાકૃતિ તો આંતરિક જ હોય છે. અને તેનું નિર્માણ થયું એટલે નિર્માણપ્રક્રિયા પૂરી થઈ એ ક્રિયા આપણે સંકલ્પપૂર્વક કરી શકતા નથી. પણ પ્રતિભાન થયા પછી તેને બાહ્ય કૃતિરૂપે રજૂ કરવું કે કેમ એ આપણી ઇચ્છાની વાત છે. અભિવ્યક્તિના પુનરનુભવ માટે ઉદ્દીપક તરીકે સ્મૃતિને મદદ કરનાર ભૌતિક વસ્તુનું નિર્માણ કરવું એને પણ માનવજીવનમાં મહત્ત્વનું સ્થાન છે, તેથી ક્રોચેએ તેને સ્વતંત્ર સ્થાન આપેલું છે, પણ એ કાર્ય સંકલ્પશક્તિનું છે, જ્ઞાનાત્મકવૃત્તિનું નથી એવો તેનો સ્પષ્ટ મત છે.
બાહ્યીકરણનું તંત્ર
અભિવ્યક્તિને બાહ્ય આકાર આપવો હોય તો એ માટે જુદી જુદી જાતનાં જ્ઞાનની જરૂર પડે છે; એને જ તંત્ર (ટેકનિક) કહે છે. [અધ્યાપક પાટણકરે `ટેકનિક’ માટે `તંત્ર’ શબ્દ વાપર્યો છે, તે મને ગમે છે. આપટેના કોશમાં એનો અર્થ the right way of doing any thing એવો આપેલો છે. `ટેકનિકલ’ એટલે તંત્રને લગતું, તંત્રવિષયક, તાંત્રિક. અમુક અમુક તત્ત્વો કે પદાથો અમુક અમુક પ્રમાણમાં લઈ ને મેળવવામાં આવે તો અમુક પરિણામ આવે એવી જે ફૉર્મ્યુલા તે मंत्र, એનો અમલ કરવાની જે સાચી રીત તે तंत्र અને એમ કરવા માટે જે સાધનો જોઈએ તે यंत्र, એવી વ્યવસ્થા ગોઠવી શકાય.] એનો ખરો અર્થ અભિવ્યક્તિના પુનરનુભવ માટેના ઉદ્દીપકના નિર્માણમાં ક્રિયાત્મક વૃત્તિને ઉપયોગી થઈ પડે તેવું જ્ઞાન એવો થાય છે. એને ને આંતરિક કલાકૃતિને કંઈ સંબંધ નથી. આંતરિક કલાકૃતિનું તંત્ર સંભવનું નથી, કારણ, તેને કોઈ પ્રયોજન નથી અને માટે જ કોઈ ઉપાય કે સાધન નથી. પ્રતિમાનની જ્ઞાનાત્મક ભૂમિકાએ ક્રિયાત્મક ભૂમિકાના સાધ્ય અને સાધન જેવા ખ્યાલો વાપરવા એ જ ભૂલ છે. કલાકારને કોઈ વ્યવહારુ સાધ્ય સિદ્ધ કરવાનું નથી એટલે તેને સાધનની પણ જરૂર નથી. કેટલીક વાર એવું કહેવામાં આવે છે કે ફલાણા લેખકે નવલકથાનું નવું તંત્ર શોધી કાઢ્યું. પણ ખરું જોતાં તેની નવલકથા એ જ નવું તંત્ર હોય છે. કલાકૃતિમાં વસ્તુને અને તેની અભિવ્યક્તિને અલગ પાડી શકાતાં નથી. અનાકારિત અથવા અભિવ્યક્ત ન થયેલા વસ્તુનું આપણને જ્ઞાન થઈ શકતું હોત તો જ આપણે કહી શકત કે આ વસ્તુને આ તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે. પણ એ શક્ય નથી. કેટલીક વાર નિષ્ફળ કલાકૃતિ વિશે એમ કહેવાય છે કે એનું વસ્તુ સારું છે પણ તંત્ર સારું નથી. પણ એનો અર્થ એટલો જ છે કે એ કૃતિમાં વસ્તુ અને અભિવ્યક્તિ પૂર્ણપણે એકતા પામ્યાં નથી. આ બધાનો અર્થ એ થયો કે કલાકૃતિનો અર્થ ભૌતિક કલાકૃતિ કરીએ તો જ તંત્ર વાપરવાનો વિચાર યોગ્ય ઠરે. આંતરિક નાટ્યકૃતિને તંત્રની જરૂર નથી, પણ જો તેને રંગભૂમિ ઉપર ભૌતિક સાધન દ્વારા રજૂ કરવાની હોય તો તેમાં તંત્રની જરૂર પડે.
વિવિધ કલાઓના તાંત્રિક સિદ્ધાંતો
બાહ્ય કલાકૃતિમાં તંત્ર સંભવે છે, એટલે જુદાં જુદાં કલાક્ષેત્રોમાં કાર્ય કરનારાઓને ભૌતિક કલાકૃતિ નિર્માણ કરવામાં ઉપયોગી થઈ પડે એવા ગ્રંથો તંત્ર વિશે લખાયેલા છે. એ માહિતીસંગ્રહોને કલાના સિદ્ધાંતો કે શાસ્ત્રો કહેવામાં આવે છે. પણ ખરું જોતાં, એમાં જુદાં જુદાં શાસ્ત્રોમાંની માહિતી જ એકઠી કરીને મૂકવામાં આવી હોય છે. શાસ્ત્ર જેવું કશું હોતું નથી. એવા ગ્રંથોમાં સાચા અર્થમાં કલાવિષયક કહી શકાય એવાં તત્ત્વો પણ હોય છે. આપણે જો તે અલગ તારવી લઈએ તો સૌંદર્યશાસ્ત્ર કે કલામીમાંસા નિર્માણ થાય. પણ પછી તે કોઈ એક વિશિષ્ટ કલાનું શાસ્ત્ર નહિ રહે. ખરું જોતાં, કોઈ કલાનું સ્વતંત્ર અને સાર્વત્રિક શાસ્ત્ર હોતું જ નથી. જે સાર્વત્રિક હોય છે તે બધી જ કલાને લાગુ પડતું હોય છે.
કલાઓની મર્યાદાઓનો વાદ
આંતરિક અભિવ્યક્તિનો અભ્યાસ કરનાર સૌંદર્યશાસ્ત્ર અને ભૌતિક કલાકૃતિનો અભ્યાસ કરનાર ભૌતિક વિજ્ઞાન બંને એક જ છે એમ માનવાને કારણે લોકો કલાઓની મર્યાદાનો વિચાર કરવા પ્રેરાય છે. રંગરેખાના માધ્યમ દ્વારા શું વ્યક્ત કરી શકાય અને શું ન કરી શકાય અથવા ધ્વનિના માધ્યમ દ્વારા શું વ્યક્ત થઈ શકે એનો શું ન થઈ શકે એનો વિચાર કરવા લલચાય છે. પણ આંતરિક અભિવ્યક્તિ અને ભૌતિક વસ્તુ એ બે વચ્ચે જાતિનો જ ફરક હોય, એક ચૈતન્યમય અને બીજું જડ હોય તો એ અભિવ્યક્તિને દકશાસ્ત્ર (ઑપ્ટિક્સ) અને ધ્વનિશાસ્ત્ર (અકૂસ્ટિક્સ)ના ક્ષેત્રમાં પડનાર ભૌતિક વસ્તુઓ સાથે સંબંધ શી રીતે હોઈ શકે? એટલે એ ભૌતિક વસ્તુની મર્યાદા ઉપરથી આંતરિક અભિવ્યક્તિની મર્યાદા નક્કી કરવી એ તાત્ત્વિક ભૂલ છે. જો આપણે આંતરિક સ્તરેથી વિચારીએ તો સમજાય કે કલાને કોઈ મર્યાદા જ નથી. કેટલાક કલાના દૃશ્ય અને શ્રાવ્ય એવા ભેદ પાડે છે તે પણ ખોટા છે. કેટલાક દિક્પરિમાણની કલા અને કાલપરિમાણની કલા વગેરે ભેદો પાડે છે તે પણ આ જ કારણે ખોટા છે. એ જ રીતે ક્લાસિકલ, રોમાન્ટિક, ઓરિયેન્ટલ વગેરે ભેદો પણ સાચા નથી.
કલાકૃતિનું કલાન્તર?
પહેલાં એક વખતે લોકો એમ માનતા કે એક કલાકૃતિનું બીજી કલાકૃતિમાં રૂપાંતર થઈ શકે, જેમ કે મહાભારતનું ચિત્રોમાં રૂપાંતર થઈ શકે. ત્યારે એનો વિરોધ કરનારાઓએ કહ્યું કે કયું વસ્તુ કઈ કલા કેટલી સફળતાથી વ્યક્ત કરી શકે છે એનો આધાર માધ્યમ ઉપર છે. જે શબ્દના માધ્યમને શક્ય હોય તે રંગરેખાના માધ્યમને શક્ય ન પણ હોય, પણ તેથી કંઈ ચિત્રકલાનું મૂલ્ય ઓછું થઈ જતું નથી. એક ભૂલ સુધારવા માટે આ દલીલ બરાબર હતી. પણ તત્ત્વદૃષ્ટિએ આ વાત પણ સાચી નથી. એક અભિવ્યક્તિમાંથી બીજી અભિવ્યક્તિ થઈ જ ન શકે. એ માટે પહેલી અભિવ્યક્તિએ સંવેદનની ભૂમિકાએ ઉતરવું પડે. અને પછી તો નવી જ અભિવ્યક્તિ અસ્તિત્વમાં આવે.
કલાઓનું જોડાણ
કેટલીક વાર એવો પણ પ્રશ્ન ઉઠાવવામાં આવે છે કે બધી કલાઓમાં સૌથી પ્રભાવી કલા કઈ? જુદી જુદી કલાઓનું મિશ્રણ કરીએ તો તે એક કલા કરતાં વધારે અસરકારક થાય? આ સંબંધમાં ક્રોચે કહે છે કે આપણને એટલી ખબર છે કે અમુક અભિવ્યક્તિના પુનરનુભવ માટે અમુક ભૌતિક સાધનોની જરૂર પડે છે અને બીજી અભિવ્યક્તિના પુનરનુભવ માટે બીજાં સાધનોની જરૂર પડે છે. કોઈ અભિવ્યક્તિ માત્ર રેખા જ માગે છે, કોઈ માત્ર પઠન માગે છે, તો કોઈ દૃશ્યો, અભિનય, ગીત, વાદ્ય વગેરે સામગ્રી માગી લે છે. પણ એનો અર્થ એ નથી કે ઘણી સામગ્રી માગી લે તે વધારે અસરકારક. દરેકનું સાધ્ય જુદું છે અને માટે સાધનો પણ જુદાં છે. માટે સરખામણીને અવકાશ જ નથી.
કલાની ઉપયોગિતા અને નીતિ સાથે સંબંધ
એ પછી ક્રોચે ઉપયોગિતા અને નૈતિકતાનો પ્રશ્ન ચર્ચે છે. કલા જ્ઞાનાત્મક ભૂમિકાની વસ્તુ છે. એને ક્રિયાત્મક ભૂમિકાના ઉપયોગિતા કે નૈતિકતા, જેવા ખ્યાલ સાથે સંબંધ હોય જ નહિ. એટલે કલાના સંબંધમાં ઉપયોગિતાનો કે નૈતિકતાનો વિચાર કરવાનો હોય જ નહિ. પણ બાહ્ય કલાકૃતિનું નિર્માણ એ ક્રિયાત્મક ભૂમિકાની વાત છે, એટલે ત્યાં ઉપયોગિતા અને નૈતિકતાનો વિચાર આપોઆપ જ પ્રસ્તુત બને છે. અને ત્યાં એ વિચાર અનધિકારપ્રવેશ કરે છે એમ નહિ કહી શકાય. બલકે એ પોતાના ક્ષેત્રમાં પ્રાપ્ત થતી ન્યાય્ય સત્તા વાપરે છે એમ કહેવું જોઈએ. કલાકારને જે સ્વાતંત્ર્ય છે તે આંતરિક અભિવ્યક્તિની બાબતમાં છે; બાહ્ય ભૌતિક કલાકૃતિની બાબતમાં પણ તે હોવું જોઈએ એમ કહેવું એ ભૂલ છે. આંતરિક અભિવ્યક્તિ સધાયા પછી તેને બાહ્ય આકાર આપવો કે કેમ, તેને બીજાઓ સમક્ષ રજૂ કરવી કે કેમ, કરવી તો કોની સમક્ષ, ક્યારે, કેવી રીતે, એ આપણે નક્કી કરીએ છીએ. અને એ બધો વિચાર ઉપયોગિતા અને નીતિને આધારે જ કરીએ છીએ. આંતરિક કલા વ્યાવહારિકતાનાં બંધનથી મુક્ત છે, પણ તેથી બાહ્ય ભૌતિક કલા પણ મુક્ત છે, એમ કહેવું એ ભૂલ છે. ગ્રાહકોની હીન વૃત્તિને પોષવા માટે અશ્ર્લીલ પૂતળાં બનાવનાર અથવા અશ્ર્લીલ પુસ્તકો તૈયાર કરનારનું કલાના સ્વાતંત્ર્યને નામે સમર્થન ન થઈ શકે. આ બાબત વ્યાવહારિક ભૂમિકાની છે અને એનો વિચાર એ ભૂમિકાના ધોરણે જ થવો જોઈએ. આવા દાખલામાં કાયદો અને નીતિ-નિયમ હસ્તક્ષેપ કરે તો તે ખોટું છે એમ ક્રોચે માનતો નથી. ભૌતિક કલાકૃતિની બાબતમાં પણ સ્વાતંત્ર્યની મર્યાદા બને એટલી વિશાળ હોય એવું તે ઇચ્છે છે, પણ એનો નિર્ણય ઉપયોગિતા અને નૈતિકતાને આધારે જ કરવો પડે.